શું માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી મળે છે?

કોઈને રોવડાવીને તમે હસી શકો? કોઈને દુઃખી કરીને તમે સુખી થઈ શકો? કોઈને ધીક્કારીને તમે પ્રેમ પામી શકો? કોઈને નાના બનાવીને તમે મોટા થઈ શકો કે પછી અન્ય વ્યક્તીઓના જીવનમાં અશાંતી ઉભી કરીને તમે ક્યારેય માનસીક શાંતી મેળવી શકો?

શું માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી મળે છે?

–ડૉ. હંસલ ભચેચ

માનસીક શાંતી વીશે આપણે વાતો કરી રહ્યા છીએ. ચાલો આજે પર્વતને લગતી એક બોધકથાથી લેખની શરુઆત કરીએ. એકવાર એક પીતા અને તેનો પુત્ર એક હીલ સ્ટેશન પર પર્વતના વીવીધ ‘પોઈન્ટ’ ખુંદી રહ્યા હતા. ફરતા ફરતા પુત્ર રસ્તામાં પથરા વીણવા બેઠો અને પીતા થોડેક આગળ નીકળી ગયા. પુત્રએ આગળ નીકળી ગયેલા પીતાને ગભરાટમાં આવી ઉભા રહેવા માટે બુમ મારી; પરન્તુ તેની સાથે જ આઠ વર્ષના પુત્રના આશ્ચર્યનો પાર ન રહ્યો! એણે જેવી બુમ પાડી એવી જ બુમ એને સામેના પર્વતોમાંથી આવતી સંભળાઈ!! તેણે ફરી બુમ પાડી ‘તમે કોણ છો?!’ સામેથી અવાજ આવ્યો ‘તમે કોણ છો?’ આ તો વીચીત્ર વાત છે! એણે ફરી ફરીને બુમો પાડી અને દર વખતે તેના જ શબ્દો પાછા આવ્યા. પુત્રને થયું કે કોઈ મારા ચાળા પાડે છે?!  એણે ગુસ્સામાં આવીને બુમ પાડી ‘તમે બહુ ખરાબ છો’ સામેથી પણ બુમ પડી ‘તમે બહુ ખરાબ છો’ હવે પુત્ર મુંઝાયો. આ બધો ખેલ શાંતીથી જોઈ રહેલા પીતાને તેણે અકળાઈને પુછ્યું કે આ શું થઈ રહ્યું છે? પીતા તો ક્યારના’ય પુત્રની આ રમત, આ મુંઝવણ જોઈ જ રહ્યા હતા, તેમના ચહેરા ઉપર એક આછું હાસ્ય ફરક્યું અને તેમણે પુત્રને કહ્યું : “જો બેટા ફરી તું ઘ્યાન આપ. એમ કહી એમણે બુમ પાડી ‘તું સુંદર બાળક છે’ ‘તું હોંશીયાર છે’ ‘તું વીજેતા છે’ અને દરેક વખતે એ જ વાક્યો પાછા ફર્યા!!  બાળકને હજી પણ કંઈ સમજણ ન પડી અને એના ચહેરાં પર આશ્ચર્ય છવાઈ રહ્યું. પીતાએ એને સમજાવવા માંડ્યું કે લોકો આ ઘટનાને ‘પડઘો’ કહે છે; પરન્તુ વાસ્તવમાં હું આ ઘટનાને જીવન કહું છું. જીવનમાં આપણે જે કાંઈ કહીએ છીએ, કરીએ છીએ બસ, જીવન એનું એ જ આપણને પાછું આપે છે!!

પીતાની વાત ખુબ જ માર્મીક છે. આપણું જીવન એ આપણાં જ વીચારો, વ્યવહાર, વર્તન અને કાર્યોનું પ્રતીબીંબ છે, પડઘો છે. આપણા વીચારો જ આપણા વ્યવહાર અને વર્તનનું કારણ બને છે અને સરવાળે કાર્યોમાં પરીણમે છે અને એ જ બધા થકી આપણું જીવન બને છે! જો તમે ઈચ્છતા હોવ કે લોકો તમને ચાહે તો પહેલાં તમે પોતે તમારી જાતને ચાહો, લોકોને ચાહો અને લોકો માટે તમારા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરો. તમે ઈચ્છતા હોવ કે તમારા હાથ નીચેના કર્મચારીઓ તેમનું કામ જવાબદારીપુર્વક કરે તો પહેલાં તમે પોતે એમની સાથે જવાબદારીપુર્વક વર્તવાનું શરુ કરો. તમે ઈચ્છતા હોવ કે તમારા બાળકમાં અમુક ગુણ – અમુક આદત વીકસે તો પહેલા એ ગુણો–આદતો તમારામાં વીકસાવો. બાળકોને ટીવી અને મોબાઈલ વીષે ભાષણો આપો અને તમે તેના પર લટકેલા રહો તે ના જ ચાલે. જીવનનું આ સત્ય તમને તમામ ક્ષેત્રોમાં જોવા મળશે. કોઈને રોવડાવી તમે હસી ન શકો. કોઈને દુઃખી કરીને તમે સુખી ન થઈ શકો. કોઈને ધીક્કારીને તમે પ્રેમ ન પામી શકો. કોઈને નાના બનાવીને તમે મોટા ન થઈ શકો કે પછી અન્ય વ્યક્તીઓના જીવનમાં અશાંતી ઉભી કરીને તમે ક્યારેય માનસીક શાંતી ના મેળવી શકો. ઘણાં ઉદાહરણો આપી શકાય એમ છે. તમને કદાચ એમ થશે કે લોકોને રોવડાવી, નવડાવી કે છેતરીને હસનારા કે એશ કરનારા ઘણાં છે; પરન્તુ એક મનોચીકીત્સક તરીકે તમને ચોક્કસ કહું છું કે આ વ્યક્તીઓ અંદરથી તુટી ગયેલા, હારી ગયેલા, ગુનાહીત લાગણીઓથી ભરેલાં અને પોતાની જાતને ધીક્કારનારા હોય છે! આ પૈકી ઘણા તો અનીદ્રા, હતાશા અને અજમ્પો જેવી અસહ્ય માનસીક તકલીફોથી પણ પીડાતા હોય છે. અલબત્ત, ગુનાખોર માનસ ધરાવતી વ્યક્તીઓની વાત જુદી છે; પરન્તુ તેની સંખ્યા બહુ ઝાઝી નથી.

સો વાતની એક વાત તમે જીવનમાંથી જે મેળવવા માંગતા હોવ, તે તમે જીવનમાં અપનાવવાની કોશીશ કરો. અને આ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે સારા વીચારો કરો અને બીજા વીશે સારું વીચારો. સારા વીચારો કેવી રીતે કરવા?! લાખેણો પ્રશ્ન!! સારા વીચારો કરવા મનને સારા વીચારો આપો. સતત મનને હકારાત્મક સ્વસુચનો આપતા રહો. ખાસ કરીને જ્યારે તમે તમારી જાત સાથે એકલા હોવ ત્યારે તમારા મન સાથે હકારાત્મક સ્વરમાં વાત કરો. તમારી સુષુપ્ત શક્તીઓને ઓળખો, તેને થાબડો અને એને બહાર લાવવાની કોશીશમાં સતત લાગેલા રહો. હકારાત્મક વીચારસરણી ધરાવતી વ્યક્તીઓ સાથે સમ્બન્ધો કેળવો. ખાલી ખાલી પંચાત પુરતા લોકોના પ્રશ્નોમાં ઉંડા ના ઉતરો સીવાય કે તમે એને મદદ કરી શકવાના હોવ.

યાદ રાખો, જીવન એ કાંઈ આકસ્મીક રીતે ઘટેલી ઘટના નથી; પરન્તુ એ તમારા પોતાના અસ્તીત્વનું પ્રતીબીંબ છે! તમારું અસ્તીત્વ એ તમારા પોતાના કાર્યો, વીચારો, વર્તન અને વ્યવહારનો પડઘો છે!! માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી નથી મળતી, તમારી અંગત સમજમાંથી જન્મે છે. આ સમજ વ્યક્તીએ જાતે કેળવવાની છે. શાંતી એ તમારો કુદરતી સ્વભાવ છે, જરુર માત્ર આ વાતને સ્પષ્ટતાથી સમજી લેવાની છે.

–ડૉ. હંસલ ભચેચ

સાઈકીઆટ્રીસ્ટ ડૉ. હંસલ ભચેચનો બ્લૉગ ‘Dr. Hansal Bhachech’s Blog’ ( https://hansalbhachech.wordpress.com )ના તારીખ : 7 ઓગસ્ટ, 2015ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ, ડૉ. ભચેચસાહેબના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : ડૉ. હંસલ ભચેચ, સાઈકીઆટ્રીસ્ટ, અમદાવાદ. ઈ.મેલ :  info@malefemale.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

8 Comments

  1. ” માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી નથી મળતી, ”

    –ડૉ. હંસલ ભચેચ

    સત્ય તો એ છેકે બાબા ફકીરો પાસે કરામતો જેવું કશું નથી જો તેઓના પાસે કરામત જેવું કશું હોય તો તેઓ કરોડ પતિ થઈ શકે છે. શા માટે બાબા ફકીરો બની ને અન્ધશ્રદ્ધાળુઓને લૂંટે? આ તો ” ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે ” જેવું છે. આ બાબા–ફકીરો નો ધંધો જગત માં કરોડો અન્ધશ્રદ્ધાળુઓ હોવાને લીધે ધમધોકાર ચાલી રહ્યો છે.

    Liked by 1 person

    1. આદરણીય વલીભાઈ,
      ‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘શું માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી મળે છે?’ને આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      –ગોવીન્દ મારુ

      Like

  2. આદરણીય ગોવિંદભાઇ તથા ડૉ. હંસલભાઈ,

    આપે પોસ્ટ કરેલ લેખ ખૂબ જ સરસ છે. વાત એકદમ સિમ્પલ છે. પણ લોકોને સમજાતી નથી, માણસની અડધી જિંદગી કોઈકની કાના-પુસી, ઈર્ષા અદેખાઈ અને કોઇકનું અમસ્તું જ નુકશાન કરવામાં જતી હોય છે. આવા માણસોને છેલ્લે માનસિક શાન્તિ ક્યારેય મળતી નથી. કોઈ બાબા-બાવા કે ફકીર તેના મનને શાંત કરી શકે નહીં.
    કુદરતે આપેલ જિંદગીની એક એક મિનિટ સારી રીતે જીવીએ, પોસિટિવ વિચારીએ અને આચરીએ, લોકોને મદદ રૂપ થઈએ અને જો ના થવાય તો કોઈનું નુકશાન તો ક્યારેય ના જ કરીએ.
    અસ્તુ,
    -નીતિનકુમાર ભારદીયા

    Liked by 1 person

  3. સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
    આજના આર્ટીકલને માટે મેં મારા વિચારો લખીને મોકલાવ્યા છે, જે WordPress.comમાં ચાલી ગયા છે. મને ખબર નથી પડતી કે શું ચાલી રહ્યુ છે. આજ સુઘી આવું થતું નહોતું.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. ડૉ. હંસલ ભચેચના સ રસ લેખ ‘શું માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી મળે છે ‘ તેમા કોઈને રોવડાવીને તમે હસી શકો? કોઈને દુઃખી કરીને તમે સુખી થઈ શકો? કોઈને ધીક્કારીને તમે પ્રેમ પામી શકો? કોઈને નાના બનાવીને તમે મોટા થઈ શકો કે પછી અન્ય વ્યક્તીઓના જીવનમાં અશાંતી ઉભી કરીને તમે ક્યારેય માનસીક શાંતી મેળવી શકો?નો સહજ ઉતર ના જ હોય .
    તેમની સટિક વાત-‘ જીવન એ કાંઈ આકસ્મીક રીતે ઘટેલી ઘટના નથી; પરન્તુ એ તમારા પોતાના અસ્તીત્વનું પ્રતીબીંબ છે! તમારું અસ્તીત્વ એ તમારા પોતાના કાર્યો, વીચારો, વર્તન અને વ્યવહારનો પડઘો છે!! માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી નથી મળતી, તમારી અંગત સમજમાંથી જન્મે છે. આ સમજ વ્યક્તીએ જાતે સમજવવાની છે. શાંતી એ તમારો કુદરતી સ્વભાવ છે, જરુર માત્ર આ વાતને સ્પષ્ટતાથી સમજી લેવાની છે.’ ખૂબ ગમી .
    સાથે એ વાત પણ સમજવાની છે કે સંતો મહાત્મા આવા કરામત કરતા નથી પણ ઉન્નત જીવન માર્ગે વાળી શાન્તી આપે છે.

    Liked by 1 person

Leave a comment