ઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ?

આજકાલ અંજલી આપવાના અનેક પ્રકારો ફુલ્યા–ફાલ્યા છે. એક જાણીતી વ્યક્તી જતી રહે ત્યારે તમે એનું શું યાદ કરશો? મરી ગયેલા મહાનુભાવ વીશે મીડીયામાં કે સાહીત્યમાં કોઈપણ સ્વસ્થ ચર્ચા થાય એ વેલકમ–એ–કાબીલ છે; પણ અકસર બાલીશ બહેસમાં એ મુદ્દા–એ–મૌતનાં મર્યાદા–એ–સંસ્કાર જળવાય છે?

ઉઠો, જાગો અને ઉઠમણું કરો :
મૌત કે બાદ, કૈસે કરેં યાદ?

–સંજય છેલ

ટાઈટલ્સ

મરેલાઓની સાદડીઓમાં જવું જ જોઈએ
નહીં તો એ લોકો આપણા ઉઠમણામાં નહીં આવે

છેલવાણી

સ્કુલમાં રીસેસ પડી, બાળકો દોડીને કેન્ટીન તરફ ભાગ્યાં અને નાસ્તા કરવા માંડ્યાં. ખુણામાં ઉભેલો એક છોકરો, પેટમાં ભુખ ને આંખોમાં ઉદાસી લઈને સૌને જોઈ રહ્યો. ટીચરે પુછ્યું, ‘‘ટીફન નહીં લાયે?’’

બાળકે કહ્યું, ‘‘બાપુ કે પાસ આજ પૈસે નહીં થે.’’

ટીચેર પુછ્યું, ‘‘પાપા કુછ કામ નહીં કરતે?’’

બાળક કહ્યું, ‘‘કરતે હૈં ના, સ્મશાન મેં મુર્દે જલાતે હૈં, પર ક્યા કરેં? આજ ગાંવ મેં કોઈ મરા હી નહીં!’’ એ છોકરો મસાણમાં મડદાં બાળનારા ચાંડાલનો પુત્ર હતો! ગામમાં કોઈ મરે તો જ એના ઘરમાં ચુલો જલે! કોઈનું મોત એને માટે જીવવાનું કારણ બની જતું! આમ તો ચાલુ ટી.વી. સીરીયલ માટે અમે લખેલો આ સીન, બહુ ફીલ્મી છે; પણ જયારે જ્યારે કોઈ મહાનુભાવનું મૃત્યુ થાય છે કે ત્યારે ટી.વી., છાપાં, ઈન્ટરનેટ પર શ્રદ્ધાંજલીઓ, મરેલાના કીસ્સાઓ વાંચીને એ યાદ આવે છે.

આજકાલ મોટાભાગના લોકો પ્રૉફેશનલ ડાઘુ જેવા હોય છે. જેવી કોઈ હસ્તી મરે કે તરત ધ્યાન ખેંચતી, ટીખળ કરતી કોમેન્ટો કરે કે અતી ગમ્ભીર શ્રદ્ધાંજલી ઠોકી દે. બે મીનીટની ‘સ્પોટ લાઈટ’ કે રીફ્લેક્ટેડ ગ્લોરી લેવા શું શું કરવું એ ઘણાંને આવડતું હોય છે. યા તો વધુ પ્રશંસા કે પછી નેગેટીવ બોલવું એમનો ધંધો છે. તાજેતરમાં જયલલીતાના મૃત્યુ વખતે પણ એવું જ થયું. સોશીયલ મીડીયાવાળા અને ગુજરાતી મીડીયાવાળા તો એ રીતે ગદગદ થઈ ગયાં કે જાણે જયલલીતા એમની સગી મા હોય! અમને તો થયું કે આ લોકો ‘જયલલીતા’ને ‘જય જય ગરવી ગુજરાત’ – ગીત સાથે સાંકળીને ગુજરાતી અસ્મીતા સાથે જોડી ના મુકે તો સારું!

આજકાલ અંજલી આપવાના અનેક પ્રકારો ફુલ્યા–ફાલ્યા છે. ઑફકોર્સ, શ્રદ્ધાંજલીમાં પ્રમાણભાન હોવું જ જોઈએ. ઉર્દુના વાર્તાકાર મંટોએ કહેલું કે ‘મરે હુએ ઈન્સાન કે કેરેકટર પર ઈસ્ત્રી ઘુમાકે ઉસે હેન્ગરમેં ટાંગ કે અચ્છા દીખાના જરુરી નહીં હૈ!’ મર્યા પછી કોઈ આપોઆપ મહાન નથી બની જતું પણ છતાંયે, ગુજરેલાની ટીકા કેવા સુરમાં થાય છે એ કાબીલે–ગૌર ટૉપીક છે! વાજપેયી ઈન્દીરાની હત્યા વખતે કહેલું :ઈન્દીરાજી સામે મને હજાર વાંધા હતા. મેં એમની મૌત હજારોવાર ઈચ્છી હતી પણ માત્ર રાજકીય મૌત! આ રીતે હત્યાથી નહીં!’’ આને કહેવાય, એક રાઈવલની શાલીનતા… છે આજના કોઈ તાલીપીટ નેતામાં આવો ક્લાસ?

અમુક લોકો તો મરેલાને અંજલી આપવાને બદલે પુરેપુરો ફોકસ પોતાના પર રાખતા હોય છે. જેમ કે ફીલ્મી સંગીતકાર નૌશાદ. કોઈ પણ હસ્તીની વીદાય વેળાએ રેડીયો– ટી.વી.વાળા નૌશાદનું રીએકશન માગવા માટે જતાં ત્યારે નૌશાદ એવી રીતે બોલતા જાણે એ પેલા મરેલાને નહીં, પોતાની જાતને અંજલી આપી રહ્યા છે : ‘‘વો મુઝે અકસર કહતે થે નૌડડડ…શાડડડ…દદદ તુમ મહાન સંગીતકાર હો! મેરા વો વાલા ગાના સુનકે ઉન્હોંને રાતકો દો બજે મુઝે ફોન કીયા ઔર કહા, રાગ માલકૌંસ મેં ઈતના અચ્છા ગાના તો નૌડડડ…શાડડડ…દદદ સીર્ફ તુમ ઔર તુમ હી બના સકતે હો નૌડડડ…શાડડડ…દદદ તુમ્હારે બાદ હીન્દુસ્તાની સંગીત કા ક્યા હોગા?’’ આખી વાતમાં ગુજરી ગયેલા વીષે એક શબ્દ ના બોલે પણ પોતાનું નૌડડ…શાડડડ…દદદ ખુબ લાંબુ ખેંચે! લોકો કહેતાં કે નૌશાદની શોકસભામાં બીજા કોઈને બોલવા માટે એમણે કંઈ જ બાકી નથી રાખ્યું!

ઈન્ટરવલ

મને જીવન અને મરણની ખબર છે
કબર પર ફુલ ને ફુલ પર કબર છે

અમુક ઘટીયા શ્રદ્ધાંજલીઓ, ટીકાંજલીઓમાં કે વખાણાંજલીમાં પલટાઈ જતી જોવા મળે છે. થોડાં વર્ષ પહેલાં લોકલાડીલા નવલકથાકાર અશ્વીની ભટ્ટની વીદાય થઈ ત્યારે ઘણાં તેજોદ્વેશીઓ બોલવા લાગેલા કે : ‘‘અરેરે, અશ્વીનીભાઈ છેલ્લાં અનેક વર્ષો વધુ નવલકથાઓ ના લખી શક્યા, કારણ કે એમણે આસપાસ ચમચાઓએ ટોળું જમાવેલું, અશ્વીનીભાઈનો સઘળો સમય એ બધાંમાં જ બરબાદ થઈ ગયો!’’ એક થીયરી તરીકે આ વાત સાચી પણ હોઈ શકે; પરન્તુ સવાલ, સનસનીખેજ ટાઈમીંગનો છે. કોઈ સારો લેખક ગુજરી જાય છે ત્યારે એના શ્રેષ્ઠ સર્જનને યાદ કરવા કરતાં એમણે ‘હાય રે શું ના કર્યું, શું કામ ના કરી શક્યા’ એવા રુદાલીવેડા જોવા મળે ત્યારે સહેજ નવાઈ લાગેને? અમારી આંશીક અક્કલ મુજબ અશ્વીની ભટ્ટ જેવા વર્સેટાઈલ કથાકાર ‘શું શું વધુ લખી શક્યા હોત અને પછી શું નું શું થયું હોત!’ એની ચર્ચા તો ‘કુરુક્ષેત્રનું યુદ્ધ હરીયાણામાં નહીં; પણ મુમ્બઈના વાનખેડે સ્ટેડીયમમાં થયું હોત તો શું થાત?’ જેવી ફાલતુ અને બેઈમાની છે! બાકી, એમ તો અમને ફીલ્મલાઈનમાં હોવાને લીધે જયલલીતાના અનેક અંગત પ્રસંગો સાંભળવા મળ્યા છે; પણ એ લખીને મજા લેવાનો આ મોકો નથી! મૌતની મરજાદ, યુસી!

વેલ, મુદ્દો એ છે કે એક જાણીતી વ્યક્તી જતી રહે ત્યારે તમે એનું શું યાદ કરશો? એનું શ્રેષ્ઠ કે એનું શ્રેષ્ઠ ના થઈ શક્યું એ? દેવાનન્દના મૃત્યુ સમયે પણ એવી ચીપ–ચર્ચા ઉઠેલી એમણે અમુક ફીલ્મો નહોતી બનાવવી જોઈતી પણ જે મહાન પ્રદાન એમણે ઓલરેડી આપ્યું એનું શું? અદભુત ઑરીજીનલ અને સુપરસ્ટાર ઍક્ટર રાજેશ ખન્ના વીશે પણ લોકો મરણ બાદ શું શું લખીને કે ગોસીપીને ટાઈમપાસ કરે રાખે છે! અરે.. આ તો એ બધી હસ્તીઓના મોત બાદ એમના જીવનમાં, આપણે શું જોઈ શકીએ છીએ અને શું જોવું રહ્યું એનો આ આ ગજગ્રાહ છે!

પાગલખાનામાં ડૉક્ટરો ગાંડાઓનો એક ‘પીકચર ટેસ્ટ’ લેતા હોય છે, જેમાં ડૉક્ટરો, પાગલને એક એબ્સર્ડ વીચીત્ર આકારોવાળું ચીત્ર દેખાડે પછી પુછે કે આ ચીત્રમાં શું દેખાય છે? પેશન્ટ પોતાની રીતે ચીત્રનું અર્થઘટન કરે. કોઈકને ચીત્રમાં પતંગીયું દેખાય, કોઈને સ્ત્રી દેખાય, કોઈને લોહીવાળી છરી દેખાય! જેવી જેની ફીતરત! ડૉક્ટરો, પેશન્ટના અર્થઘટન પરથી એની મન:સ્થીતી વાંચવાનો પ્રયત્ન કરે. એક સમજદાર સમાજ જ્યારે કોઈને શોકાંજલી આપે છે ત્યારે પણ આવું જ થતું હોય છે. દરેકને એ દીવંગત હસ્તીનાં અલગ–અલગ રુપો, કેલીબર દેખાતાં હોય છે.

મરેલ મહાનુભાવ વીશે મીડીયામાં કે સાહીત્યમાં કોઈપણ સ્વસ્થ ચર્ચા થાય એ વેલકમ–એ–કાબીલ છે; પણ અકસર બાલીશ બહેસમાં એ મુદ્દા–એ–મૌતનાં મર્યાદા–એ–સંસ્કાર જળવાતાં નથી. મેઈન ઈશ્યુ–એ–ઈમ્પોર્ટન્ટ એ પણ છે કે મરી ગયેલો માણસ બીચારો પોતે ખુલાસો આપવા હાજર નથી હોતો એટલે ટીકાંજલીઓ બીનડ્રાઈવરની ટ્રેનની જેમ બેફામ બેકાબુ દોડે છે પણ યારો, છેવટે તો દરેક મહાન વ્યક્તી સમય નામના વીશાળ અથાગ સમુદ્રની આવતી–જતી લહેરો છે. કોઈ મોટી લહેર તો કોઈ નાની લહેર, દરેક લહેર આખરે તો ઉપર ઉઠીને શાંત થઈ જવાનું હોય છે, માટે જ એ લયબદ્ધ લહેરોના સૌદર્યને જોવામાં મજા છે. લહેરોનાં કદને માપવામાં નહીં! ચાહે એ જયલલીતા હોય કે જવાહરલાલ નેહરુ!

એનીવે, ફીલ્મલાઈનમાં મધોક નામે એક પ્યારા–સા પ્રોડયુસર હતા, જે કોઈપણ મરી જાય તો તરત ઠાઠડી બાંધવામાં, એમ્બ્યુલેન્સ બોલાવવામાં, ડૅથ સર્ટીફીકેટ બનાવવામાં સદા તૈયાર હોય પણ જ્યારે એ મધોકસહેબનું પોતાનું અવસાન થયું ત્યારે એમના મીત્રો કે પરીવારને અન્તીમક્રીયામાં ક્યાંથી શરુ કરવું એ સમજાતું નહોતું. ત્યારે અદભુત કોમેડીયન આઈ.એસ. જૌહરે કહ્યું, ‘‘આજ મધોકસા’બ યહાં હોતે તો ફટાફટ ચુટકીમેં સબ કર દેતે!’’ સૌ ભીની આંખે હસી પડ્યાં! કોઈપણ હસ્તીનું મૃત્યુ ગમ્ભીર બાબત છે; પરન્તુ ત્યારે ઉત્સાહી ખેપાનીઓના ઈન્સ્ટન્ટ ખરખરાઓ ખડખડાટ હસાવી મુકે છે! રજનીશે કહેલું : ‘‘મૈં તુમ્હેં મૃત્યુ સીખાતા હું’’ કાશ એમણે ‘મૈં તુમ્હેં મૃત્યુ કે બાદ કૈસે પેશ આના’ એ પણ જરા કહ્યું હોત!

એન્ડ ટાઈટલ્સ

આદમ : મૃત્યુ બાદ જીવન શકય છે?
ઈવ : ઉપર વહેલાસર પહોંચીને જાણ કરજે.

–સંજય છેલ

‘મુમ્બઈ સમાચાર’ દૈનીકની ‘ઉત્સવ’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘મોજ મસ્તી’માંથી, લેખકશ્રીના અને ‘મુમ્બઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. સંજય છેલ –મેઈલ : sanjaychhel@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

8 Comments

  1. એ સત્ય છે કે કોઈ ના મૃત્યુ પછી જ તેના વખાણ કરવામાં આવે છે પછી ભલે ને તે વખાણને લાયક ન હોય. આ પર થી મને યાદ આવે છે કે એક પત્રકારે અમુક પ્રખ્યાત વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લઈ ને તેમના જીવન વિષે ઉર્દુ ભાષા માં એક પુસ્તક લખેલ. પુસ્તક ની પ્રસ્તાવના માં લખેલ હતું ” મુરદાહ પરસ્તી કે ઇસ દૌર મેં ઝિંદો કે ઝીકર. ” ( ગુજરાતિમાં ભાષાંતર : “મૃત્યુ પુજકોના આ કાળમાં જીવતાઓનો ઉલ્લેખ.” )

    Liked by 1 person

    1. આદરણીય વલીભાઈ,
      ‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘ઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ?’ને આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      –ગોવીન્દ મારુ

      Like

    1. વહાલા ભાઈશ્રી નીતીનકુમાર,
      ‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘ઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ?’ને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગોવીન્દ મારુ

      Like

  2. ઉઠો, જાગો અને ઉઠમણું કરો :
    મૌત કે બાદ, કૈસે કરેં યાદ?
    –શ્રી સંજય છેલનો મૃત્યુ બાદ કૈસે કરેં યાદ સ રસ સમજાવ્યુ
    વાજપેયીએ ઈન્દીરાની હત્યા વખતે કહેલું : ‘‘ઈન્દીરાજી સામે મને હજાર વાંધા હતા. મેં એમની મૌત હજારોવાર ઈચ્છી હતી પણ માત્ર રાજકીય મૌત! આ રીતે હત્યાથી નહીં!’’ આને કહેવાય, એક રાઈવલની શાલીનતા અટલ બિહારી વાજપેયી. નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો જ પડે.
    તેઓની આ કાવ્ય પંક્તી યાદ આવે
    મૌત કી ઉમ્ર ક્યા હૈ? દો પલ ભી નહીં,
    જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.
    મેં જી ભર જીયા, મેં મન સે મરું,
    લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?
    હાલ ના આ સમાચાર
    भट्ट ने कहा, ”जब मैं सड़क-2 बनाने जा रहा था तो आलिया और महेश भट्ट साहब ने कहा कि सुशांत काम करना चाहता है. सुशांत एक बार फिर से ऑफ़िस आया और उस दौरान सुशांत से फ़िल्म और जीवन की कई चीज़ों पर बात हुई. उसी बातचीत के दौरान सुशांत मुझे अस्थिर लड़का लगा था.’ બાદ केंद्रीय मंत्री बाबुल सुप्रियो ने लिखा ‘ भट्ट जी आपकी ये बात सुनकर मैं व्यथित हूँ. आप दोस्त हैं लेकिन इतनी आसानी से इतना कुछ कैसे कह रहे हैं कि आपको पता था और आपको हैरानी नहीं हुई. आपने भले व्यावसायिक कारणों से सुशांत को सड़क-2 और आशिक़ी-2 में मौक़ा नहीं दिया लेकिन ये दुखद है कि आप उसकी पिता की उम्र के हैं और मदद नहीं की.’
    મુદ્દા–એ–મૌતનાં મર્યાદા–એ–સંસ્કાર જળવાય એમા બેસણામા હાજર રહી મૌન પ્રાર્થના અમને બરોબર લાગે છે

    Liked by 3 people

  3. ઉર્દુ કવિતા ની પંકતિ

    आगाह अपनी मोत से कोई बशर नहीं
    सामान सो बरस का हे पल की खबर नहीं

    ( કોઈ મનુષ્ય ને પોતાનું મૃત્ય ક્યારે થશે તેની જાણ નથી હોતી
    સમાન સો વર્ષ નો ભલે હોય પરંતુ એક પળ ની ખબર નથી હોતી )

    सुबह होती हे शाम होती हे
    यूही उम्र तमाम होती हे

    ( સવાર થાય છે સાંજ થાય છે
    આવી રીતે જીવન નો સમય સમાપ્ત થાય છે )

    Liked by 1 person

  4. “છેવટે તો દરેક મહાન વ્યક્તી સમય નામના વીશાળ અથાગ સમુદ્રની આવતી–જતી લહેરો છે. કોઈ મોટી લહેર તો કોઈ નાની લહેર, દરેક લહેર આખરે તો ઉપર ઉઠીને શાંત થઈ જવાનું હોય છે, માટે જ એ લયબદ્ધ લહેરોના સૌદર્યને જોવામાં મજા છે. લહેરોનાં કદને માપવામાં નહીં! ચાહે એ જયલલીતા હોય કે જવાહરલાલ નેહરુ!”
    Sanjay Bhai, best essay and covered from all angle– Naushad, Atalji,Dina Nath madhok and last Rajneesh ji–OSHO

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s