રૅશનાલીઝમ – એક જીવનકલા

શું રૅશનાલીઝમની પ્રવૃત્તી એ અસામાજીક તત્ત્વોનું સમાજવીરોધી અને માનવતા રહીત કેવળ નીરર્થક તોફાન, સ્ટંટબાજી કે મનોરોગ છે? શું રૅશનાલીઝમ ફક્ત ગણતર જવાનીયાનું ઝનુની તોફાન છે? શું રૅશનાલીઝમ રાષ્ટ્રને તથા સંસ્કૃતીને હાની જ કરે છે? 

વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :

રૅશનાલીઝમ એક જીવનકલા

–રમણ પાઠક (વાચસ્પતી)

(મધુપર્ક’ પુસ્તકના ગત લેખનો સ્રોત : https://govindmaru.com/2020/05/15/raman-pathak-46/  )

સમગ્ર પરીવારના સભ્યોને મારી તથા તમારાં બાની અન્તીમ ઈચ્છા જણાવું છું અને મારા વીચારોને મારા મૃત્યુ બાદ માન આપશો એવી અપેક્ષા રાખું છું. મેં મારી સ્વતન્ત્ર તર્કશક્તીથી જ આ પ્રમાણે અન્તીમ ઈચ્છાના નીર્ણયો કર્યા છે, જેમાં તમારાં બા પણ સમ્મત છે. વર્ષો થયાં અધ્યાત્મનું આકર્ષણ થતું નથી. મારા જીવતાં હું નરીશ્વરવાદી રહ્યો છું. મૃત્યુ નીશ્ચીત છે, ક્યારે આવે તે કહી શકાતું નથી; પરન્તુ સ્વસ્થ બનીને વાસ્તવીકતાનો સ્વીકાર કરવાનો છે. મેં તથા તમારાં બાએ જીન્દગીના આઠ દશકા પુરા કર્યા છે. વાર્ધક્યનું અન્તીમ ચરણ મૃત્યુ છે. તો હું અગર તમારાં બા અવસાન પામીએ ત્યારે નીચે જણાવેલી અન્તીમ ઈચ્છા જાણી લેશો (અને અમલમાં મુકશો એવી ઈચ્છા છે) :

(1) અન્તકાળ આવે ત્યારે ઘરમાં ઘીનો દીવો કરશો નહીં.

(2) મરણોન્મુખ અવસ્થામાં અમારા કાનમાં ભજનો કે ઈશ્વરનું નામ સમ્ભળાવીને અથવા તો ગીતાના શ્લોક કે બીજા ધાર્મીક ગ્રન્થોમાંથી સ્તવનો કે પ્રાર્થનાઓ કરીને (અમને મરતી વખતે અકારણ) ત્રાસ આપશો નહીં.

(3) મૃત્યુ બાદ ચક્ષુદાન, તબીબી રીતે યોગ્ય હોય તો તાત્કાલીક એની વ્યવસ્થા કરજો.

(4) કુટુમ્બની લાગણીઓને માન આપી, અમે એવા નીષ્કર્ષ પર આવ્યા છીએ કે મૃત્યુ બાદ પરીવારના સભ્યો દેહદાન અગર અગ્નીસંસ્કાર કરી એમની ઈચ્છા પુરી કરી શકે છે; છતાં સગવડ હોય તો વીજળીના સ્મશાનગૃહમાં અન્તીમ વીધી કરી શકે છે.

(5) અમારું અવસાન દુરની હૉસ્પીટલમાં અગર દુર બહારગામ થાય તો શબને ઘરે લાવશો નહીં.

(6) અવસાન રાત્રે થાય તો કોઈને રાત્રે જ જાણ કરી હેરાન કરશો નહીં.

(7) અમારા મૃત્યુની જાણ ઘણીબધી વ્યક્તીઓને કરી, મોટી સ્મશાનયાત્રા કાઢવાનો પ્રચાર કરતા નહીં.

(8) શબ પર તુલસીની માળા, તીલક, તુલસીનું પાન, ગંગાજળ કે યમુનાજળ ચઢાવવાનો અથવા અબીલ–ગુલાલ છાંટવાનો કોઈ વીધી કરશો નહીં.

(9) કોઈ પણ જાતની રોકકળ કરશો નહીં.

(10) શબ કે શબવાહીનીને ફુલોથી શણગારવાનો ઘૃણાસ્પદ અને મુર્ખાઈભર્યો વ્યવહાર કરશો નહીં. ફુલનું ખરું સ્થાન એનાં ઝાડ કે છોડ જ છે.

(11) શબને યાન્ત્રીક (મોટર) શબવાહીનીમાં લઈ જવાની સગવડ થાય તો સારું; જેથી બીજા લોકોને અમરાં શબ ઉંચકવા માટે હેરાન થવું ન પડે.

(12) મેડીકલ કૉલેજને દેહદાન ન કરી શકો અને અગ્નીસંસ્કાર માટે શબને સ્મશાન લઈ જવાની જરુર પડે ત્યારે ‘રામ બોલો ભાઈ રામ’ કે ‘શ્રી કૃષ્ણ શરણમ્ મમ’ જેવા ઉદ્ગારો કે ભજનધુન કરી, જાહેરમાં કોલાહલ મચાવશો નહીં… વર્ષોના મારા તબીબી અનુભવે મને શીખવેલું છે કે આવા (મોટેથી તથા અમુક ઢબે બોલાતા) પોકારો સાંભળીને બીમાર અથવા તો માનસીક રીતે નબળા માણસો આઘાત અનુભવે છે (ડરી જાય છે અને બાળકો છળી મરે છે) મને ખ્યાલ છે કે વર્ષો પહેલાં ભયંકર પ્લેગના વાવર દરમીયાન આવો ભયાવહ કોલાહલ મચવાથી સાજા માણસોને તથા અનેક દર્દીઓને ભયને પરીણામે ખુબ નુકસાન થયેલું.

(13) સ્મશાનમાં ભજનધુન કે પ્રાર્થનાઓ કરવી નહીં; છતાં શ્રદ્ધાવાળા સ્વજનો મનમાં પ્રાર્થના કરી શકે છે. (સ્મશાનમાં પરમ શાંતી પ્રવર્તે એ ઈચ્છનીય ગણાય.)

(14) મૃત્યુ બાદ વીધીસર શોક પાળવાની જરુર નથી.

(15) ઘરમાં અન્ય કોઈ શુભ પ્રસંગ હોય તો શબના અન્તીમ સંસ્કાર પુરતો એક જ દીવસ પ્રસ્તુત પ્રસંગ મુલતવી રાખવો. અન્ય સગાને ત્યાં આવો પ્રસંગ હોય તો તે બીલકુલ મુલતવી ન રાખે એમ સામેથી કહેવડાવશો.

(16) ચીતામાં ઘી રેડવાની કે ચીતાને દુધથી ઠારવાની વીધી કરશો નહીં.

(17) અમારા અગ્નીસંસ્કાર બાદ અસ્થીને કોઈ નદીમાં પધરાવવાનો કે શ્રાદ્ધ યા બીજા કોઈ ધાર્મીક વીધી કે ક્રીયાકાંડ કરવાનાં નથી.

(18) મારું અવસાન જો તમારાં બાની પહેલાં થાય તો તમારાં બાના વૈધવ્યને નામે એના વાળ ઉતારવાની કે ચુડીઓ ભાંગવાની જંગલી અને ક્રુર પ્રથાને અનુસરવાની નથી. આવા રીવાજો માનવ જાત માટે લાંછનરુપ છે.

(19) શોક પ્રદર્શીત કરવા આવનાર સ્ત્રીઓ ઘરેણાં, ચુડીચાંદલા તથા રોજનાં વસ્ત્રોમાં આવી શકે. (જો કે કેવળ રીવાજ તરીકે શોક પ્રદર્શીત કરવા આવવું એ અનુચીત તથા બીનજરુરી જ સમજવું).

(20) બેસણા માટે કોઈ સમય, તીથી કે વાર (મુહુર્ત) જોવાની જરુર નથી.

(21) મૃત્યુની જાણ અંગત સગાંઓને જ માત્ર કરવી.

(22) નામ જોડાયેલું રહે એ માટે (સ્મરણાર્થે) કોઈ દાન કરશો નહીં.

(23) શ્રદ્ધાંજલી માટે પેપરમાં ફોટા છપાવવાની જરુર નથી. દેશ, ધર્મ કે ન્યાતના વાડામાં પુરાવાનું મને ગમ્યું નથી.

(24) ઘરનું વાતાવરણ એકદમ ઝડપથી સામાન્ય બની જાય તેમ કરશો…

આ અન્તીમ ઈચ્છા મેં તથા તમારાં બાએ પરસ્પર સ્વતન્ત્રપણે વીચારીને કરી છે. (મતલબ કે), બન્નેની આવી જ ઈચ્છા છે. (બેમાંથી કોઈએ કોઈના પર પોતાના વીચારો લાદ્યા નથી). વર્ષોના નીષ્કર્ષ બાદ અમારી નીરીશ્વરવાદી માન્યતા બંધાણી છે. ઈશ્વર, પુર્વજન્મ કે પુનર્જન્મમાં અમને કોઈ શ્રદ્ધા નથી. જીવદયા, પ્રામાણીકતા તથા માનવતાવાદને જ અમે ધર્મ માન્યો છે. આ રૅશનલ અભીગમને હીસાબે જ અમને મૃત્યુ ડરાવી શકતું નથી. અમે આત્મા, પરમાત્મા, સ્વર્ગ, નરક વગેરેમાં બીલકુલ માનતાં નથી. માનવી–માનવી વચ્ચેના સમ્બન્ધોમાં પ્રામાણીકપણે વર્તવાનો જીવનભર પ્રયત્ન કર્યો છે.

ઉપર ટાંકેલી અન્તીમ ઈચ્છા, વસીયતનામું કે વીલ જો તમે સ્વસ્થ ચીત્તે અને તટસ્થ ભાવે વાંચશો તો સમજાશે કે એની આધારશીલા મુળભુત રીતે માનવતા અને સમ્પુર્ણ માનવતા જ છે, અર્થાત્ જીવતા તો હું અન્ય માનવીનું હીત જ કરું, બીજાને દુ:ખ કે પીડા થાય એવું તો કંઈ પણ કૃત્ય ન જ કરું; પરન્તુ મૃત્યુ પછી પણ એવું ન થાય એમ ઈચ્છું– એ ઉક્ત વસીયતનામું કરનાર વ્યક્તીનો જીવનસીદ્ધાંત – (અને મૃત્યુસીદ્ધાંત સુધ્ધાં) છે એ સહેલાઈથી સમજાઈ જશે. આ કોઈ માનસીક ધુન કે સ્ટંટબાજી નથી, બલકે પોતાના મૃત્યુથી, મૃત્યુ જેવી સર્વસામાન્ય તથા અનીવાર્ય ઘટનાથી અન્ય કોઈને તેમ જ સમાજને લેશ માત્ર તકલીફ, ત્રાસ કે નુકસાન ન થાય એવી માનવીય કરુણાથી જ આ પ્રમાણેની અન્તીમ ઈચ્છા સ્વજનોના માર્ગદર્શન અર્થે લેખીતરુપે જાહેર કરવામાં આવી છે. આવી માનવતા મુલક વીનન્તીઓમાંથી જે અગત્યની છે એ હું અત્રે આંગળી ચીંધીને દર્શાવું : ચક્ષુદાન કરવું, દેહદાન કરવું, શબનો સ્થળ પર જ ત્વરીત નીકાલ કરવો, રાત્રે ને રાત્રે જ મૃત્યુની જાણ કરી, સગાંસમ્બન્ધીઓને હેરાન કરવાં નહીં, શક્ય હોય તો શબને વીજળીથી બાળવું, મતલબ કે મોંઘેરાં લાકડાંનો દુર્વ્યય કરવો નહીં, સ્મશાનયાત્રામાં જોડાવા માટે લોકોને ત્રાસ આપવો નહીં, બીજાનાં સમયશક્તીનો નીરર્થક વ્યવય કરવો નહીં, ફુલોનો વ્યય કરવો નહીં, બીજાનાં ફુલોને વૃક્ષ પરથી ચુંટી લેવાં એ જ અપરાધ છે, શબને ખભે ઉંચકાવીને જીવતાં લોકોને નાહક પરેશાન કરવા નહીં, ‘રામ બોલો ભાઈ રામ’ જેવા પોકારો જાહેરમાં પાડતા જવાથી ઘણાને ગમ્ભીર નુકસાન થવાનો સમ્ભવ હોવાથી એવો કોલાહલ કરવો નહીં, મૃત્યુ નીમીત્તે ઘરના કે બીજાના શુભ પ્રસંગો મુલતવી રાખવા નહીં, વૈધવ્યને નામે વીધવા પત્નીને ત્રાસ આપવો નહીં, ઘરનું વાતાવરણ તત્કાળ સામાન્ય કરી દેવું, જેથી અણસમજુ, અબુધ બાળકો વગેરેને અકારણ ત્રાસ ન થાય વગેરે કરુણાપ્રધાન માનવતાવાદી ભાવનાઓ છે; જે કેવી ઉચ્ચ તથા ઉમદા છે! આવી માનવકરુણા એક રૅશનાલીસ્ટ કે નાસ્તીક વ્યક્તીની છે એ જ અત્રે ખાસ નોંધપાત્ર હકીકત છે. અને વળી આ અન્તીમ ઈચ્છા આવી પુર્ણ માનવતાવાદી હોવાથી, આસ્તીકો પણ જો તટસ્થ માનવીય ભાવના દર્શાવી શકે તો તેઓએ પણ ખરેખર અનુસરવા જેવી છે. સર્વ મરનારની અન્તીમક્રીયા જો આ રીતે જ કરવામાં આવે તો સમાજનો કેટકેટલો જાહેર ત્રાસ દુર થાય અને સગાંસમ્બન્ધીઓ કેટલી બધી નીરર્થક પરેશાનીઓથી બચે તથા સમાજનાં શક્તી–સમય તથા જીવનજરુરી સામગ્રીનો કેટલો બધો વ્યર્થ બગાડ નીવારી શકાય! આવી બધી જાહેર ફરજ એકલા રૅશનાલીસ્ટોની જ છે એમ શું સમજદાર આસ્તીકો કહી શકશે ખરા? મતલબ કે કેટલાક ઝનુની આસ્તીકો જે એવો પ્રચાર કરે છે કે રૅશનાલીઝમની પ્રવૃત્તી એ અસામાજીક તત્ત્વોનું સમાજવીરોધી અને માનવતા રહીત કેવળ નીરર્થક તોફાન છે, સ્ટંટબાજી છે, મનોરોગ છે; જે રાષ્ટ્રને તથા સંસ્કૃતીને હાની જ કરે છે તેઓ જો સદબુદ્ધી પ્રયોજે તો એમને યથાર્થ સમજાશે કે રૅશનાલીઝમવીવેકબુદ્ધીવાદ એટલે માનવતા, પુર્ણ માનવતા અર્થાત્ માનવધર્મ.

બીજો એક અગત્યનો અંગુલીનીર્દેશ : વારંવાર હું લખું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તી જ ગમ્ભીર આપત્તીના કાળમાં હીમ્મત તથા સ્વસ્થતા જાળવી શકે છે એ માન્યતા ખોટી છે, અર્થાત્ મહત્ત્વ શ્રદ્ધાનું નથી, દૃઢ મનોબળનું જ છે. એ મારા વીધાનને પણ આ વસીયતનામું સમર્થન આપે છે કે, ‘રૅશનલ અભીગમને હીસાબે જ અમને મૃત્યુ ડરાવી શકતું નથી.’ અર્થાત્ એ પણ શક્ય જ છે કે શ્રદ્ધાળુ આસ્તીક કરતાં, સત્ય તથા વાસ્તવીકતાને વધુ સારી રીતે પારખી શકનાર રૅશનાલીસ્ટ આવી આપત્તી પ્રસંગે ખરી હીમ્મત તથા દૃઢતા સ્વસ્થતા સેવી શકે.

હવે ઘટસ્ફોટ કરું કે ઉક્ત અન્તીમ ઈચ્છા – વસીયતનામું મારું નથી. જો કે હું કરું એ પણ લગભગ આવું જ હોય અને મેં એમ કર્યું પણ છે જ; પરન્તુ આવી વીવેકપુત, માનવતાવાદી અન્તીમ ઈચ્છા દર્શાવનાર વ્યક્તી કે વ્યક્તીઓ તો જેતપુરનાં (જીલ્લો : રાજકોટ–સૌરાષ્ટ્ર) બુઝુર્ગ દમ્પતી છે : ડૉ. જી. બી. નથવાણી અને એમનાં પત્ની દીવાળીબહેન છે; જેઓ એંસી વર્ષની વય વટાવી ચુક્યાં છે. આ હકીકતને પણ ખાસ નોંધપાત્ર એટલા માટે ગણવી જ રહી કે રૅશનાલીઝમ ફક્ત ગણતર જવાનીયાનું ઝનુની તોફાન છે એવો ઝુઠો પ્રચાર કરનારને આ જડબાતોડ જવાબ છે. વળી પ્રખર રૅશનાલીસ્ટ એવા ડૉ. નથવાણી તો પીઢ તબીબ છે, જે સીદ્ધ કરે છે કે જીવનભરનાં પુખ્ત, સ્વસ્થ તથા સત્ય–વીવેકપુત વીચાર–ચીન્તનને પરીણામે જ બુદ્ધીશાળી માણસ રૅશનાલીસ્ટ બને છે. વધુમાં એ પણ સીદ્ધ થાય છે કે રૅશનાલીઝમના સ્વીકાર દ્વારા માણસ સાચો અને સારો માનવ તથા પુર્ણ માનવતાવાદી વ્યક્તી બની શકે છે, બાકી કથાપારાયણો, ધ્યાનશીબીરો ને યોગશીબીરો કે સ્વાધ્યાયથી માનવજાતનું કોઈ હીત થતું નથી. હા, ગુરુનું જ હીત!

અન્તમાં, સારાંશ એ જ કે રૅશનાલીઝમ સર્વતોભદ્ર એવી માનવકલ્યાણની પ્રવૃતી છે, જે જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે અને એને માનવતાલક્ષી બનાવે છે. દા.ત.; સુરતની રૅશનાલીસ્ટ સંસ્થા ‘સત્યશોધક સભા’ના મુખપત્ર ‘સત્યાન્વેષણ’ની કેટલીક હસ્તપ્રતો હમણાં મારા જોવામાં આવી, જેમાં નીચેના માનવકરુણાના વીષયો ચર્ચાયા છે : (1) મગજમૃત્યુ (બ્રેઈન–ડેથ) બાદ દેહદાન કરવાથી હૃદય, કીડની, પેનક્રીયાસ વગેરેના પ્રત્યારોપણથી છ વ્યક્તીઓને જીવતદાન આપી શકાય. (2) ઈચ્છામૃત્યુ તથા દયા મૃત્યુ (3) પુર્વજન્મ–પુનર્જન્મની ચીંતા છોડી આ જન્મ સાર્થક કરો. (4) મૃત્યુ બાદ પણ માનવસુખની ચીંતા કરવી. (5) દેહદાન–ચક્ષુદાન (6) પ્રસ્તુત માનવતાવાદી વસીયતનામું તથા દયા–હત્યા મર્સી–કીલીંગ–ની ચોક્કસ સંજોગોમાં મંજુરી આપવા બાબત વગેરે. આ તો એક જ અંકની, એક જ ક્ષેત્રની સામગ્રીની વાત થઈ, બાકી એ જ રીતે, રૅશનાલીસ્ટો ઈશ્વર અને ધર્મના અનીષ્ટની નાબુદીથી માંડીને તે લીપીજોડણી સુધારણા સુધીની સર્વ જીવન–સમસ્યાઓના માનવહીતવર્ધક વીવેકપુત ઉકેલ માટે ઝઝુમે છે; જેમાં ધર્મના આદેશો નહીં, માનવસુખ આનન્દ જ કેન્દ્રસ્થાને છે. ટુંકમાં રૅશનાલીઝમ એ સર્વતોભદ્ર એવી એક સમ્પુર્ણ જીવનપદ્ધતીજીવનકલા છે.

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના તૃતીય પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 30થી 34 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક–સમ્પર્ક : 

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન :  95580 62711 .મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, .મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com

 

 

10 Comments

 1. Being an engineer (74 yrs old) with last 50 years in US, I fully understand the view-point i.e. it reflects my own thinking. Thanks for sharing it with others!

  Liked by 1 person

 2. What more and better definition, analysis and mindset than this short article about rationalist, rationalism and ultimately humanism can anyone describe. Very thought full writing.
  My respectful bowing to Late Ramanbhai and also Dr. and mrs. Nathwani.

  Liked by 1 person

 3. લેખ ખુબ ગમ્યો. આટલી વીસ્તૃત વીગતો સાથેની અંતીમ ઈચ્છા!! જરુરી હોય તેવી ભાગ્યેજ કોઈ બાબત રહી ગઈ હશે.
  મેં પણ ૨૧ મે ૧૯૯૫ના રોજ મારી અંતીમ ઈચ્છા લખીને મારાં સંતાનોને આપી છે, જે સમયે મને રૅશનાલીઝમની ખાસ જાણકારી ન હતી. એમાં મેં માત્ર પાંચ જ મુદ્દા લખ્યા હતા. છઠ્ઠો મુદ્દો તા. ૬-૯-૨૦૧૪ના રોજ ઉમેરીને આપેલો જે ફ્યુનરલ સમયે ભજનોનો ઘોંઘાટ ન કરવા બાબત છે. હાર્દીક આભાર ગોવીન્દભાઈ.

  Liked by 2 people

 4. હું નાની બાળકી હતી એ સમયે… “પોકારો સાંભળીને બીમાર અથવા તો માનસીક રીતે નબળા માણસો આઘાત અનુભવે છે (ડરી જાય છે અને બાળકો છળી મરે છે)” આ કથન યથાર્થ છે.
  તટસ્થ રીતે મૃત્યુ માટે તૈયાર.

  Liked by 2 people

 5. આદરણીય ગોવિંદભાઈ,
  ખરેખર ઉમદા વિચાર અને ઉમદા લેખ છે. બહુ જ આનંદ થયો વાંચીને. કાલે રાત્રે જ અમારા ઘરમાં આ બાબતની ચર્ચા થતી હતી અને આજે સવારે આ લેખ વાંચવા મળ્યો. કુદરતે આપેલ આ વિશાળ પ્રકૃતિ અને જીવ માત્ર ની સંભાળ રાખવી અને તેનું જતન કરવું એજ ખરું છે. બાકી ખોટા દંભ જ છે. જેમાં આપણી આવી સરસ જિંદગી બગાડવી ના જોઈએ.
  અસ્તુ….
  Nitinkumar

  Liked by 1 person

 6. વસિયત ખરેખર ખૂબ સુંદર હતું. મેં પણ એના જેવું એક વસિયતનામું વર્ષ 1995માં મારી પુસ્તિકા ભૂમિ સંસ્કાર આદર્શ અંતિમ ક્રિયા માં મૂક્યું હતું. જે તેની બીજી આવૃત્તિઓમાં પણ સુધારીને મૂકેલું. મારી પુસ્તિકા ગુજરાતમાં ઘણી જગ્યાએ મોકલી હતી.
  ટુંકમાં રેસનાલિસ્ટોનું જીવન બીજાને ઉપયોગી થવાનું અને એવા સુધારા કરવાનું રહ્યું છે જેથી કરીને આવનારી પેઢીને તકલીફ ન પડે, પૃથ્વીનું પર્યાવરણ જળવાઇ રહે વગેરે. ધર્મના લોકો તો બીજાનો વિચાર કરતા નથી, એટલું જ નહીં પણ હંમેશા બીજાને નુકસાન થાય તેવું જીવન જીવતા હોય છે. આ ફરક છે રેશનાલીસ્ટ જીવનદ્રષ્ટિ નો.

  Liked by 1 person

 7. રૅશનાલીઝમ – એક જીવનકલા –રમણ પાઠક (વાચસ્પતી)ના જીવનમા જોયેલી અને અનુભવેલી વાત
  .
  ‘પ્રખર રૅશનાલીસ્ટ એવા ડૉ. નથવાણી તો પીઢ તબીબ છે, જે સીદ્ધ કરે છે કે જીવનભરનાં પુખ્ત, સ્વસ્થ તથા સત્ય–વીવેકપુત વીચાર–ચીન્તનને પરીણામે જ બુદ્ધીશાળી માણસ રૅશનાલીસ્ટ બને છે. વધુમાં એ પણ સીદ્ધ થાય છે કે રૅશનાલીઝમના સ્વીકાર દ્વારા માણસ સાચો અને સારો માનવ તથા પુર્ણ માનવતાવાદી વ્યક્તી બની શકે છે ‘
  ખૂબ પ્રેરણાદાયી વાત

  Liked by 1 person

 8. ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ,

  આપે જે આ “અંતિમ ઈચ્છા” (વસીયતનામું) ને આપના બ્લોગ મા સ્થાન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારા દાદા-દાદી (ડૉ. જી. બી. નથવાણી – શ્રીમતી દીવાળીબેન જી. નથવાણી) ના આ વીચારો ના વસીયતનામા – “અંતીમ ઈચ્છા” નો દેશ – વિદેશ માંથી ખૂબ સારો પ્રતિભાવ મળેલ છે. મારા દાદી ૧૯૯૭ માં તેમજ દાદા ૨૦૦૧ માં નીધન પામ્યા ત્યારે તેમની વીચારશરણી ને પુરુ માન આપવામાં આવ્યું છે. મારા પપ્પા ડૉ. કે. જી. નથવાણી (ઉ.વ. ૮૧) આપના બ્લોગ ના નીયમીત વાચક પણ છે. પપ્પા દ્રારા લીખીત ૪ બુકલેટ – મંથન, દહેજ કે દહન, સત્ય શોધન તથા ઝબકેલો વિચાર ની હજારો ફ્રી કોપી નુ વીતરણ કરી તથા ચમત્કાર પદૉફાશ ના અસંખ્ય કાયૅક્રમ ના આયોજન દ્રારા પપ્પા ની આ લોકજાગૃતિ ની પ્રવૃત્તિ ને લીધે તેમણે આંતર – રાષ્ટ્રીય રેશનાલિસ્ટ કોન્ફરન્સ માં ગુજરાત નુ પ્રતીનીધીત્વ પણ કયુઁ છે. પપ્પા ની આ વીચારધારા એ અમોને પણ જીવન માં નીભઁય બનાવ્યા છે તેમજ જીવન જીવવાનો સાચો અભીગમ શીખવ્યો છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s