પોતાનું શરીર સ્ત્રીનું હોવા છતાં પોતે પુરુષ છે અથવા એથી ઉંધું માનવા માટે તે વ્યક્તીનો ઉછેર, ઘડતર તથા જનીનો ફાળો મહત્ત્વનો છે. પુરુષ બનવા માટે ‘સેક્સ રીએસાઈનમેન્ટ સર્જરી’ કરાવનાર આંતરરાષ્ટ્રીય મહીલા ખેલાડીની આપવીતી અને તે માનસીક રોગ વીશેની સાચી માહીતી પ્રસ્તુત છે..
18
હવે હું ‘મારીયા શારાપોવા’ને બદલે
‘રોજર ફેડરર’નો મુકાબલો કરીશ
–ડૉ. મુકુલ ચોકસી
(‘મનોચીકીત્સા’ અંગેનો 17મો લેખ પર જવા માટેનો સ્રોત : https://govindmaru.com/2020/05/29/dr-choksi-17/ )
એકવીસ વર્ષની ઉમ્મરે તો લોકો અરીસા સામે ઉભા રહેતા હોય છે. પોતાના શરીરના મેઝર્મેન્ટ્સ લેતા હોય છે અને ઉઘાડી આંખ રાખીને સપનાંઓ જોતા હોય છે. એકવીસ વર્ષની ઉમ્મર કંઈ આત્મકથા લખવાની ઉમ્મર નથી; પરન્તુ મારી વાત અલગ છે. હું ‘એન્જલ પાવલોક’ છું. હંગેરીની વન ઓફ ધ મોસ્ટ સેલીબ્રેટેડ ટેનીસ સ્ટાર્સ. ‘વર્જીનીયા સ્લીમ્સ’ 1987માં હું ફાઈનલ સુધી પહોંચી હતી. ‘ઓસ્ટ્રેલીયન ઓપન’ તથા ‘ફ્રેંચ ઓપન’ 1988માં સેમી ફાઈનલ સુધી અને 1989ની ‘વીમ્બલ્ડન ફીમેલ સીંગલ્સ’માં ક્વાર્ટર સેમી ફાઈનલ સુધી. બુડાપેસ્ટના 16થી માંડીને 26 વર્ષ સુધીના બધા જ જુવાનીયાઓ મારા આજીવન પ્રેમમાં હતા. આખું હંગેરી જાણતું હતું કે હું આવતી કાલની ‘બીલીજીન કીંગ’ છું. ‘માર્ટીના’ છું. ‘સ્ટેફી ગ્રાફ’ છું અને ‘ક્રીસ લોઈડ’ છું; પણ આજે? આજે હું શું છું? કેવી છું? કોણ છું? એની કોઈને નથી ખબર. એ કોઈ નથી જાણતું.
1969મી વાત છે. ઉતરતી પાનખરમાં મારી માતા ક્રીસ્ટીના ફરી એક વાર ગર્ભવતી બની. છ, છ છોરીઓની એ માતા ફરી એકવાર આશા રાખીને બેઠી હતી. છ બહેનો માટે એને એક ભાઈ જોઈતો હતો. કદાચ એ છેલ્લી વારની આશા હતી. જે ફરી એક વાર ઠગારી નીવડી. એની કુખે હું જન્મી. સાતમી છોકરી. છ બહેનોની વધુ એક નાનકડી બહેન નામે ‘એન્જલ પાવલોક’. મારા પીતા દેવળમાં અધ્યાપન માટે જતા. તેઓ પાદરી જેવા જ હતા. તેમને મન સર્વ મનુષ્યો સમાન હતા. આથી તેમણે હસતા હસતા અને બાકીના સૌએ ખીન્ન વદને મારા આગમનને સ્વીકારી લીધું હતું. અને એટલે જ પીતાએ જ્યારે મારું નામ ‘એન્જેલા’ રાખ્યું ત્યારે મારી માતાએ ખુબ વીચાર્યા પછી કહેલું : “આનું નામ ‘એન્જેલા’ નથી રાખવાનું; આ તો મારો દીકરો છે! કેવો સરસ દેવદુત જેવો છે! એને તો છોકરાનું નામ જ શોભે! હું એને ‘એન્જલ’ કહેવાની છું અને બધા પણ એમ જ કહેશે.”
મને યાદ આવે છે સ્કુલમાં પાંચમાં ધોરણમાં હતા ત્યારનો એક પ્રસંગ. મારી બહેન સીન્ડ્રેલા મારાથી બે વર્ષ મોટી હતી. દેખાવમાં પરી જેવી સુંદર; પણ સ્વભાવમાંય એવી જ પોચી. તેને સ્કુલ છુટ્યા પછી દુર ટેકરી પરના પાઈનનાં વૃક્ષોમાં ફરવા જવાની ટેવ. એક છોકરો રોજ તેની પાછળ આવે. આથી સીન્ડ્રેલાએ ગભરાઈને ફરવા જવાનું બન્ધ કરી દીધું. મને આ વાતની ખબર પડતાં જ બીજે દીવસે હું તેની સાથે ગઈ અને પેલા છોકરાને જેવો આવ્યો કે તરત જ બે તમાચા મારીને ભગાડી મુક્યો. આ વાત સાંભળીને રાત્રે ડીનર પર મમ્મીએ મને ‘બ્રેવો શાબ્બાસ’ કહીને એકસામટી કોણ જાણે કેટલીયે પપ્પીઓ ભરી દીધી! મેં રુવાબથી કહેલું, ‘મમ! મારે પપ્પીઓ નથી જોઈતી, બીજું કંઈ આપ.’ અને તે વીક એન્ડમાં મમ્મીએ મારે માટે સ્પેશીયલ પ્રોગ્રામ બનાવ્યો.
બુડાપેસ્ટથી દોઢસો કીલોમીટર દુર લેટીવ નામનું નાકડું શહેર. તેમાં મમ્મીના એક મીત્ર રહે. અમે એમને ‘હેસ અંકલ’ કહેતા. તેમનું પોતાનું એક રળીયામણું ફાર્મ હાઉસ હતું. ત્યાં અંકલ અને એમના મીત્રો ગોલ્ફ રમતાં અને હોર્સરાઈડીંગ કરતાં. મમ્મી મને બે દીવસ માટે ત્યાં ફરવા લઈ ગઈ અને હોંશે હોંશે બધું જ બતાવ્યું. આખી સાંજ મેં ઘોડાઓ જોયા અને બીજે દીવસે રાઈડીંગ પણ કર્યું. અંકલ હેસ પણ મારી હીમ્મ્ત પર ખુશ થઈ ગયા. તેમણે મમ્મીને કહ્યું; “આ તારા દીકરાને અહીં મુકી જા. એક વર્ષમાં એને પણ ઘોડો બનાવી દઈશ.” મમ્મી હસી પડી અને કહ્યું; “આટલા ઘોડા ઓછા છે! તે મારા દીકરાને ઘોડો બનાવવાની વાત કરો છો! મારે તો એને સ્વીમર બનાવવો છે. અને જો એને પાણીથી શરદી થઈ જતી હશે તો પછી… બોક્સર બનાવીશ.” આ સાંભળીને હું રોમાંચીત થઈ ઉઠલી. મને તો એવું હતું કે, મારે પણ મારી બહેનોની જેમ કુકીંગ, શોપીંગ કે બેબીસીટીંગ જ કરવાનું આવશે; પણ આ દીવસે મને ખાતરી થઈ ગઈ કે હું બધાથી કંઈક જુદી થવા સરજાયેલી છું. ઈનફેક્ટ હું બધાથી જુદી જ હતી. કેમ કે હું ક્યારેય ડોલ્સ ભેગી કરીને ઘરઘરની રમત નહોતી રમતી. હું જીમ્નેશીયમ, સ્કેટીંગ કરતી. હું મમ્મી–ડેડી સાથે સુવા માટે જીદ નહોતી કરતી અને હું ફ્રોક કે સ્કર્ટ બલાઉઝ નહોતી પહેરતી. હું હાફ–પેન્ટ અને ટી–શર્ટસ્ પહેરતી.
1981નો ઓક્ટોબર મહીનો. સોળમી તારીખે મારી બારમી બર્થ–ડે આવતી હતી. સૌએ એ સેલીબ્રેટ કરવાનું નક્કી કર્યુ; પણ હું કંઈ જુદા જ મુડમાં હતી. મારી અન્દર કંઈક ઉપરતળે થતું હું અનુભવતી હતી. મને વર્ણવી ન શકાય એવું કશુંક થવા માંડ્યું હતું. હું એ કોઈને કહી કે સમજાવી શકતી નહોતી. વારંવાર મારો હાથ છાતી ઉપર જઈને અટકતો હતો. ત્યાં કશુંક ઉપસેલો આકાર લઈ રહ્યું હતું અને હું ઉંડે ઉંડેથી ચીસ પાડી ઉઠતી… ના! ના! હું એવું નહીં થવા દઉં! હરગીજ નહીં.
બર્થ–ડેના અઠવાડીયા પહેલા અમે કોને કોને ઈન્વીટેશન મોકલવા તે નક્કી કરવા બેઠાં. હું હોંશે હોંશે મારા મીત્રોના નામ લખાવતી જતી હતી. બધી બહેનોએ પણ પોતપોતાની સખીઓની યાદી આપી. આ વખતે ડેડી બધું મેનેજ કરવાના હતા. તેમણે ફાઈનલ લીસ્ટ જોઈને મજાકમાં પુછ્યું; “એન્જલ બેટી, તારી યાદીમાં તો બધા મીત્રો જ છે! શું તારે કોઈ સહેલી, કોઈ ગર્લફ્રેન્ડ જ નથી!” હું મુંઝવણમાં મુકાઈ ગઈ. સૌને એમ લાગ્યું કે હું પપ્પાની આવી કોમેન્ટને કારણે મુંઝાતી હતી; પણ હકીકત જુદી હતી. હું પપ્પાની ટકોર કરતાં તેમણે મને જે ‘બેટી’ સમ્બોધન કર્યું તેને કારણે વધારે વ્યગ્ર થઈ ગઈ હતી. મને એકદમ ગયે વર્ષે મૃત્યુ પામેલી મારી મમ્મી યાદ આવી. તે હોતે તો મને ‘બેટા’ કહીને જ બોલાવતે. મને પહેલી વાર સમજ પડી કે મને કોઈ છોકરી તરીકેનું સમ્બોધન કરે તે સહજ પણ પસન્દ નહોતું.
અને બન્યું પણ એવું જ. પન્દર વર્ષની ઉમ્મરે પણ મારો પ્રભાવ જ એવો હતો કે મારું કહેલું બધાં કરતાં. હું મોટાભાગનો સમય ગેઈમ્સના મેદાનોમાં વીતાવતી. મહીનામાં મારા ત્રણ જ દીવસો ખરાબ જતા. મેન્સીસ વખતના. બાકીના દીવસોમાં હું એટલી પ્રભાવશાળી રીતે જીવતી કે આટલા બધા પુરુષમીત્રો હોવા છતા; મારી સાથે ડેટીંગ કરવાની કોઈએ હીમ્મત કરી નહોતી; પણ સમય જતાં હું મારા ચીત્તના બદલાતા આંતરપ્રવાહોને સમજવા માંડી હતી.
એક દીવસ સબ–વેના શોપીંગ સેન્ટર પર ઉતાવળ હોવાથી ભુલમાં હું જેન્ટસ ટોઈલેટમાં દાખલ થઈ ગઈ. ત્યા મને જોઈને સૌ હેબતાઈ ગયા અને બે જણા દોડતા બહાર નીકળી ગયા. આ બનાવ પછી મને બે વાતની સ્પષ્ટ રીતે ખબર પડી. એક તો એ કે પુરુષો માટેની પ્રાઈવેટ પ્લેસમાં દાખલ થઈ જવાની મારી ભુલ એ ખરેખર ઉતાવળમાં થયેલી ભુલ નહોતી. વાસ્તવમાં હું મનોમન એવું ઈચ્છતી હતી. અને બીજું એ કે મને પહેલી વાર લાગ્યું કે મારે સ્ત્રી નહોતા થવું જોઈતું. હું પુરુષ બનવા જ સર્જાયેલી છું. મારું શરીર પણ પુરુષનું હોવું જોઈએ; પણ આ વાત કોણ સ્વીકારે? ડેડી તો ચર્ચના જીવ. તેમને કહું તો ભયાનક આઘાત લાગે. મારી મમ્મી હયાત હોત તો તે સ્વીકારતે. હું અન્દરોઅન્દર અપાર ગુંગળામણ અનુભવવા માંડી. મને જ્યારે આમાંથી કોઈ રસ્તો ન જડ્યો ત્યારે અચાનક મારી જીન્દગીમાં એક મહત્ત્વનો બનાવ બન્યો. હાથમાં રેકેટ લઈને એક દીવસ હું ટેનીસ કોર્ટમાં જઈ પહોંચી.
અને પછી તો એક વણથમ્ભી સફર શરુ થઈ. રેકેટ વીંઝતી હોઉં ત્યારે મારો ખાલીપો સદન્તર દુર થઈ જતો. મારા અવ્યક્ત પૌરુષને જાણે આલમ્બન મળતું અપાર સંઘર્ષના એ દીવસો હતાં, અને સંઘર્ષ જ મને ગમતો. એ દ્વારા હું મને વ્યક્ત કરી શકતી. ગ્રાસ કોર્ટના એક છેડેથી જ્યારે હું સર્વીસ કરતી ત્યારે લાખો હૈયાઓ શ્વાસ થમ્ભાવીને સ્થીર થઈ જતાં હું હમ્મેશાં ખુબ આક્રોશપુર્ણ રમત રમતી. જાણે પ્રકૃતી સામે હું કોઈ જુની અદાવતની વસુલાત ન કરી રહી હોઉં! આખરે એ દીવસ આવ્યો ત્યારે હું મારા દેશ હંગેરીના એકેએક આમ માણસના હૃદયમાં વસી ગઈ હતી; પણ માત્ર હું જ જાણતી હતી કે, હું કોઈ આવી પ્રતીષ્ઠા માટે નહોતી રમતી. મારે જે જોઈતું હતું તે કંઈ ઓર જ હતું. મારે મારી જાતને બદલી નાખવી હતી. મારે પુરુષ બનવું હતું. અને એને માટે હું કંઈ પણ કરવા તૈયાર હતી.
પણ ગયા વર્ષથી મારી મુશ્કેલીઓ વધવા માંડી. એક તરફ ટેનીસમાં હું આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ આવવા માંડી; તો બીજી તરફ પુરુષ ન હોવાની હતાશાથી પીડાતી હું અન્દરથી તુટવા માંડી. તે એટલે સુધી કે એક દીવસ રુમ બન્ધ કરીને અરીસા સામે ઉભા રહીને મેં હજારો બુમ પાડી, ‘હું મીસ એન્જલ નથી… હું મીસ્ટર એન્જલ છું. મીસ્ટર એન્જલ..’ તે ક્ષણથી હું મને પુરુષ માનવા માંડી.
બીજે જ દીવસે મે ચાર ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા. સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે, જાતીય પરીવર્તન માટે, જેને ડૉક્ટરો એસ.આર.એસ. (સેક્સ રીએસાઈનમેન્ટ સર્જરી) કહે છે. જેમાં સ્તન અને યોની કાઢી નાખીને કૃત્રીમ પુરુષેન્દ્રીયનું આરોપણ કરવામાં આવે છે (પીનાઈલ પ્રોસ્થેસીસ) તે ડૉક્ટરો માઈક્રોસર્જન, સાઈકીઆટ્રીસ્ટ, યુરોસર્જન અને સેક્સોલોજીસ્ટ હતા. તેઓ સૌ મને ઉતાવળ ન કરવાનું કહેતા હતા. કારણ? મારા આવા પગલાંથી મારી કારકીર્દીને ગમ્ભીર અસર પહોંચે એમ હતું; પરન્તુ હું હવે એક ક્ષણ માટે પણ સ્ત્રી તરીકે જીવવા તૈયાર નહોતી. અને મેં હીમ્મત એકઠી કરીને એક નીર્ણયાત્મક પગલું લીધું.
ત્યાર પછીની ત્રણેક ટુનામેન્ટ હું ખુબ જ ઉત્સાહપુર્વક અને જુસ્સાભેર રમી. મારો આત્મવીશ્વાસ વધતો જતો હતો. ગાલો ઉપર રુંવાટી આવવા માંડી હતી અને હાથ–પગના સ્નાયુઓ મજબુત બનવા માંડ્યા હતા; પણ આ બહું લાંબું નહીં ચાલ્યું. સીઓલ ઓલમ્પીક આવ્યો અને બેનજોન્સન પ્રકરણના બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. અમારે પણ પ્રત્યેક ટુનામેન્ટ પહેલાં લોહી–પેશાબની તપાસ ફરજીયાત બની અને એક દીવસ યુરોપના એકેએક ન્યુઝપેપર્સની હેડલાઈન આ હતી. ‘વર્લ્ડ ટેનીસ એસોસીએશને કરેલા સત્તાવાર કેમીકલ એનાલીસીસ પરથી જણાયું છે કે ચોથો ક્રમ ધરાવતી જાણીતી હંગેરીયન ટેનીસવીર અને આ વખતે વર્લ્ડ ચેમ્પીયન તથા ગ્રાન્ડસ્લેમના ટાઈટલ માટેની ઉમેદવાર મીસ એન્જલ પાવલોક નીયમીતપણે એનાબોલીક સ્ટીરોઈડ હોરમોન્સનું સેવન કરે છે. આ માટે તેની સામે કોઈ પણ શીક્ષાત્મક પગલાં લેવાય તે પહેલાં જ તેણે આ વર્ષની તમામ સ્પર્ધાઓમાંથી ખસી જવાનો સ્વૈચ્છીક નીર્ણય જાહેર કર્યો છે. પત્રકારોએ પુછેલા અનેક પ્રશ્નોનો તેણે એક જ ઉત્તર આપ્યો છે : ‘મારે મારા બચાવમાં કંઈ નથી કહેવું. મેં ડ્રગ્ઝનું સેવન જરુર કર્યું છે; પણ તે ગ્રાન્ડ સ્લેમનું ટાઈટલ જીતવા માટે નહીં… શા માટે કર્યું તે હું મારી આત્મકથામાં જણાવીશ.’
જે હું હવે જણાવી રહી છું. બે મહીના પછી હું સર્જરી કરાવીને પુરુષનું શરીર ધારણ કરનાર છું. ડૉક્ટરોની સમ્મતીથી હું ખુશખુશાલ છું. સર્જરી પહેલાંનો હોરમોન્સનો કોર્સ મેં પુરો કર્યો છે. ડૉક્ટરોની એવી પણ શરત હતી કે મારે પુરુષ તરીકે પહેલાં છ મહીના જીવવું પડશે. પછી જ સર્જરી થઈ શકશે. જે મેં પાળી બતાવ્યું છે. તાહીટી ટાપુઓમાં અને પ્યુરીટોરીકોના કીનારાઓ પર હું પુરા છ મહીના ગાળી આવી છું. અથવા કહો કે ગાળી આવ્યો છું. મીસ્ટર ચેઝેક પાલ્મ બનીને. ત્યાં મેં મન દઈને ટેનીસ પ્રેક્ટીસ કરી છે. હવે આવતી સીઝનમાં હું ફરીથી મારા ચાહકો સમક્ષ હાજર થઈશ. ટેનીસ બોર્ડ અને એસોસીએશને મને રમવાની સમ્મતી આપી દીધી છે. હવે હું ‘કેપ્રીયાટી’, ‘મોનીકા’, ‘સાંચેઝ’ કે ‘સેબીટીની’નો મુકાબલો નહીં કરીશ. હવે હું ‘બેકર’, ‘લેન્ડલ’, ‘ચાંગ’ અને ‘અગાસી’ સામે રમીશ. મને, બાય ધ વે ‘ટ્રાન્સસેક્સ્યુઆલીઝમ’ અથવા ‘જેન્ડર આઈડેન્ટીટી ડીસઓર્ડર’ નામનો રોગ હતો.
‘જેન્ડર આઈડેન્ટીટી ડીસઓર્ડર’
હવે તો આપણે ત્યાંય આવા દાખલા જોવા મળે છે. છાપાઓમાં આપણને વાર–તહેવારે વાંચવા મળતું હોય છે, ‘લક્ષ્મીબહેનમાંથી લક્ષ્મણભાઈ બનેલી છોકરીની રસપ્રદ મુલાકાત. સમાજ શું કહે છે? તેના માતાપીતા શું કહે છે?’ …વગેરે, વગેરે, વગેરે.
તો આ છે ‘ટ્રાન્સસેક્સ્યુઆલીઝમ’ નામનો માનસીક રોગ. જેમાં વ્યક્તી એવું માનતી થઈ જાય છે કે પોતાનું શરીર સ્ત્રીનું હોવા છતાં પોતે પુરુષ છે અથવા એથી ઉંધું. આવા જ બીજા એક ‘ટ્રાન્સ્વેસ્ટીઝમ’ નામના મનોજાતીય રોગ કરતા આ રોગ ઘણો જુદો પડે છે. ‘ટ્રાન્સ્વેસ્ટ’ એ હોય છે કે જેને કેવળ વીજાતીય સેક્સના વસ્ત્રો પહેરવાથી જાતીય આનન્દ મળે છે. જ્યારે મીસ એન્જલ જેવી ‘ટ્રાન્સસેક્સ્યુઅલ’ છોકરીને વીજાતીય સેક્સના (પુરુષના) વસ્ત્રો પહેરવાથી જાતીય આનન્દ નહોતો મળતો.
‘મીસ એન્જલ’ના જીવનની જેમ જ ‘ટ્રાન્સસેક્સ્યુઅલ’ વલણો જન્માવવા માટે વ્યક્તીના ઉછેર તથા ઘડતરનો મહત્ત્વનો ફાળો રહેલ હોય છે. આવા જ વલણોવાળી; પરન્તુ પુર્ણપણે રોગમાં ન પરીણમેલા વલણવાળી છોકરીઓને સમાજમાં ‘ટોમબોય’ કહેવામાં આવે છે.
જેમ પોતાની ચાલચલગતથી સન્તુષ્ટ એવી ‘હોમસેક્સ્યુઅલ’ વ્યક્તીને સમજાવીને ‘હેટેરોસેક્સ્યુઅલ’ બનાવવાની કોઈ રીત કે પદ્ધતી નથી, તેમ ‘ટ્રાન્સસેક્સ્યુઅલ’ વ્યક્તીને પણ સમજાવવી શક્ય નથી હોતી. આથી તેમની સારવાર એક જ છે. જો તેમનું મન પુરુષનું જ હોય અને શરીર સ્ત્રીનું હોય તો મન બદલવાને બદલે તેમનું શરીર બદલી નાખો. તેવી સ્ત્રીઓને સર્જરી કરીને પુરષ બનાવી દો.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 18મો લેખ, પુસ્તકનાં પાન 125થી 130 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત. ફોન : (0261) 3473243 અને 3478596 ફેક્સ : (0261) 3460650 ઈ.મેલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
Very appropriate for the current era i.e. 2020 and beyond! Most of us are raised in the way we are born … and that’s natural but it should not be imposed without proper analysis … the world is changing and so should all of us!
LikeLiked by 1 person
હવે હું ‘મારીયા શારાપોવા’ને બદલે ‘રોજર ફેડરર’નો મુકાબલો કરીશ
.
–ડૉ. મુકુલ ચોકસીનો અભ્યાસપુર્ણ લેખથી ‘જેન્ડર આઈડેન્ટીટી ડીસઓર્ડર’
.
જેવા સંવેદનશીલ વિષય જે કહેવાય નહીં અને સહેવાય પણ નહી
.
ઘણી નવી વિગતો જાણી
.
આવા વ્યાધિથી પીડાતાને માટે પ્રેરણાદાયી લેખ
LikeLiked by 2 people
‘છ, છ છોરીઓની એ માતા ફરી એકવાર આશા રાખીને બેઠી હતી. છ બહેનો માટે એને એક ભાઈ જોઈતો હતો’. – માત્ર ભારતમાં જ આવી વાંછા રાખવામાં આવે છે એવી મારી માન્યતા તૂટી. ખુબ જ રસપ્રદ અને માહિતીસભર લેખ.
ધન્યવાદ!
ડૉ.મુકુલ ચોકસી તથા ગોવિન્દભાઈ મારુ.
LikeLiked by 1 person