મારું વસીયતનામું

1987માં મેં મારી અન્તીમ ક્રીયા બાબતે એક વસીયતનામું તૈયાર કર્યું હતું. જેમાં સમયાન્તરે સમજણ વધતાં સુધારા–વધારા કર્યા છે. મારા કુટુમ્બીજનો–મીત્રોને અનુરોધ કરું છું કે પોતાના અંગત મોહને બાજુ પર રાખી આ વસીયતને અનુસરે. – વીનોદ વામજા

મારું વસીયતનામું

– વીનોદ વામજા

આપણાં હીન્દુશાસ્ત્રોના મુખ્ય ગ્રંથ ભાગવત ગીતા અનુસાર શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી આ મૃત શરીરની કાંઈ કીમ્મત નથી. કર્મના સીદ્ધાન્ત પ્રમાણે દરેકને તેનાં કર્મ પ્રમાણે (પુનર્જન્મમાં) ન્યાય મળે છે. તેમ છતાં આપણા સમાજમાં મૃતદેહને ટીલાં–ટપકાં, (ક્રીયા–કર્મકાંડ) કરવામાં આવે છે. તથા સમય, શક્તી અને સામગ્રીનો ઘણો બગાડ થાય છે. તેનાથી સમાજ અને રાષ્ટ્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. રુઢી–રીવાજ–પરમ્પરા માત્ર બ્રાહ્મણવાદને પોષનારા રહ્યા છે. બીજી કોઈ રીતે તર્કસંગત કે અર્થપુર્ણ લાગતા નથી, કે નથી શાસ્ત્રસંગત. નીશ્ચેતન મડદાને લાડ લડાવવા કરતાં જીવતા મનુષ્ય પ્રત્યે માનવતા દાખવવી આદર્શ ગણાય. શબ પ્રત્યે સહાનુભુતી દર્શાવવા કરતાં તેના કુટુમ્બને સહકાર આપવો વધારે સારું ગણાય. હાલનાં બદલાયેલાં માનવમુલ્યોના સન્દર્ભમાં વીચારવાનો સમય પાકી ગયો છે.

મારા મૃત્યુથી તેમને દુઃખ થતું હશે જેમનો હું આધાર હતો, જેમને હું ચાહતો હતો. પરન્તુ જે બની ગયું તે તો કુદરતનો ક્રમ છે. પ્રકૃતીની પ્રક્રીયા છે. તે નીવારી શકાતું નથી. તેથી કોઈએ શોક કરવો નહીં અને બધાએ દુઃખ ભુલી હળવા (રીલેક્સ) થવાનો પ્રયત્ન કરવો. મારા આત્માની શાન્તીની ચીન્તા કરવાને બદલે પોતાના જ મનની સ્વસ્થતા કેળવે.

મારા જીવન દરમીયાન જેમણે મને પ્રેમ, લાગણી અને હુંફ આપ્યાં છે, સહકાર અને મદદ કરી છે તે સર્વનો હું આભાર માનું છું. તથા મારાથી કાંઈ ભુલ થઈ હોય, દુઃખ થયું હોય, લાગણી દુભાઈ હોય તો તે બધાની અંતઃકરણપુર્વક માફી માગું છું. જો કે મેં મારી જીન્દગીમાં કોઈને કારણ–અકારણ કષ્ટ આપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી.

મારા મૃત્યુ બાદ ઈશ્વરને પ્રાર્થના કરજો. બધી ધાર્મીક વીધીનાં પ્રતીક રુપે મુખમાં તુલસીપત્ર મુકજો. પરન્તુ ગંગાજળ, ચન્દનનું તીલક કે ઘીનો દીવો વગેરે કાંઈ કરશો નહીં. સુગંધીત અગરબત્તી કરતાં રહી વાતાવરણ હળવું કરજો. મારા દેહને માટીમાં જ ભળવાનું હોવાથી નવડાવવાની વીધી કરશો નહીં.

હું કદાચ મોટો માણસ થઈ જાઉં તો પણ મારા શબને નમન કે પ્રણામ કરશો નહીં. ફુલહારના ઢગલા કે અત્તર છાંટવાની ક્રીયા કરશો નહીં. અખબારમાં ફોટા કે શ્રદ્ધાંજલી આપી છાપાંની કીમતી જગ્યા રોકશો નહીં. લાંબી સ્મશાનયાત્રા કાઢવાની ચેષ્ટા કરશો નહીં. જો કે અત્યારે મારા જેવા અતીસામાન્ય માણસ માટે આવું થવાની કોઈ શક્યતા નથી. હજુ સુધી કોઈ મહાપુરુષોએ આવું કાંઈ લખ્યું નથી તે હકીકત છે. પણ મારો હેતુ જનસમાજને સારી પ્રેરણા મળે તે છે.

મારા મૃતદેહ સમક્ષ દર્દભરી રીતે ભજન–કીર્તન કે ધુન ગાવાં નહીં કે રોકકોળ કરવી નહીં. તેનાથી આસપાસનાં બાળકો, બીમાર અને સંવેદનશીલ માણસો પર ગમ્ભીર માનસીક અસર પડતી હોય છે. જ્યાં ખુબ રોવાનો (છાજીયાં લેવાનો) રીવાજ હોય તે બન્ધ કરાવવો ઘટે. આવું કરવાથી મરનાર, જીવીત થવાનો નથી; પણ કુટુમ્બીજનોના દુઃખમાં વધારો થાય છે, એટલી સમજણ દાખવીએ; છતાં કોઈને શોક પાળવો હોય તો વ્યસન/ બીનજરુરી ખર્ચ પર કાપ મુકે.

મારા મૃત્યુ પછી ઘરનું વાતાવરણ ઝડપથી સામાન્ય બની જાય તેમ કરવું. વાર તીથીનાં બાધ વગર બેસણું માત્ર બે–ચાર દીવસનું જ સળંગ રાખવું. તેમાંય કોઈને આવવાનો આગ્રહ કરવો નહીં. કોણ આવ્યા ને, કોણ નથી આવ્યા તેની પુછપરછ ન કરવી. કોઈ ન આવ્યું હોય તેનું માઠું લગાડવું નહીં. સ્ત્રીઓએ પણ પુરુષોની જેમ સામાન્ય પોશાકમાં આવવું. કુટુમ્બીઓએ થોડા જ સમયમાં કામકાજમાં લાગી જઈ, મન હળવું બનાવવાનો પ્રત્યન કરવો. વૃદ્ધોનાં મૃત્યુનો કાંઈ શોક હોય!

લોકો તેમનાં કામધંધા, નોકરી, અભ્યાસ છોડીને મારા ઘર સુધી આવે તો જ શોક પ્રગટ થાય તેવું હું માનતો નથી. સાચું દુઃખ દીલમાં હોય છે. અને પ્રદર્શન (દમ્ભ) વ્યક્ત કરવાનો કોઈ અર્થ નથી. અંગત લોકો સીવાય કોઈએ બહારગામથી તો આવવું જ નહીં. પોતાના ઘરે જ શોક મનાવી આશ્વાસનપત્ર (P.C.) પાઠવે તેવું બધાને સ્પષ્ટ જણાવવું. ગામનાં લોકો પણ શોકપત્ર મોકલી શકે છે. આપણા સમાજમાં આ બાબતે જે ખોટા (દમ્ભી) રીવાજો પડી ગયા છે તેને તાત્કાલીક અટકાવવા જોઈએ.

મારા મૃત્યુને કારણે પરીવારના કે સમાજના કોઈ સારા પ્રસંગને અટકાવશો નહીં. એટલું જ નહીં; પણ જે સગાં–સમ્બન્ધીને ત્યાં પ્રસંગ હોય તેને સામે ચાલીને પ્રસંગ ચાલુ રાખવા સંદેશો મોકલવો. મારું મૃત્યુ રાત્રે થયું હોય તો અન્ય લોકોને સવારે જ જાણ કરાવી. રાત્રે જાણ કરી કોઈને એમની  ઉંઘમાં ખલેલ (ડીસ્ટર્બ) કરવા નહીં.

મારા મૃત્યુ બાદ મારાં પત્નીનાં કપડાં, શૃંગાર કે અન્ય અલંકાર–શોખમાં કાંઈ ફેરફાર કરવાની જરુર નથી. તે ઈચ્છે તો જરુર પુનર્લગ્ન કરે. બાળકો અંગે વીચારવાનો અધીકાર તેને જ આપવો તે ન્યાયી ગણાશે. પણ સન્તાન પુખ્ત હોય તો તે પોતાની રીતે જીવી શકે છે. કુટુમ્બનો કોઈ સભ્ય સુતક, મુંડન કે અન્ય શોક પ્રદર્શીત ન કરે. મારાં માતા–પીતા જીવીત હોય તો તેઓની સામાન્ય ધાર્મીક ઈચ્છાને માન આપવું.

મારા અન્તકાળ સમયે નજીકની નેત્રહૉસ્પીટલ, મેડીકલ કૉલેજને જાણ કરી નેત્રદાન, દેહદાનની વ્યવસ્થા કરી દેવી. મારું મૃત્યુ મગજ ફેઈલથી થયું હોય તો હૃદય, કીડની… વગેરે અંગોનાં દાન કરી દેવાં. સંજોગોવસાત દેહદાન વગેરે કાંઈ ના થઈ શકે તો આદર્શ દફન ભુમીસંસ્કાર પ્રમાણે અન્તીમ વીધી કરવો. મારું મૃત્યુ, મારા ઘર બહાર, ટ્રેન, બસ, પ્લેન વગેરેમાં થયું હોય તો જે તે સ્થળે સમુહમાં થતા હોય તેમ ‘ભુમીસંસ્કાર’ (ભુમીદાહ) કરવા.

મારું મૃત્યુ ઘર/વતનથી દુર કે હૉસ્પીટલમાં થયું હોય તો મારા દેહને ઘરે લઈ આવવાનો આગ્રહ ન રાખવો; પરન્તુ ત્યાંથી જ મારી ઈચ્છા મુજબ દેહદાન, નેત્રદાન કે ભુમીસંસ્કાર કરવાં. મારું મૃત્યુ જો કોઈ ગમ્ભીર અકસ્માત કે રહસ્યમય સંજોગોમાં થયું હોય તો અન્તીમ ક્રીયા અનુકુળતા પ્રમાણે કરવી. તેવા સંજોગોમાં પોસ્ટમોર્ટમ કે અન્ય કાનુની પ્રક્રીયાને જરુરી માન/સહકાર આપવાં.

વૃદ્ધાવસ્થાનાં અન્તીમ દીવસોમાં હું ગમ્ભીર–અસાધ્ય રોગથી પીડાતો હોઉં અને સભાન અવસ્થામાં ન હોઉં તો મને દવા–ઈન્જેક્શનથી લાંબો સમય જીવડવાનો આગ્રહ રાખશો નહીં. ઈચ્છામૃત્યુ કાયદેસર હોય તો મને દર્દરહીત મૃત્યુ આપી દેવું. અને તે દરમીયાન હૃદય, કીડની, લીવર સ્કીન વગેરે શક્ય તમામ અંગોનું દાન કરી દેવું. મારી માંદગીથી બધા હેરાન થાય, કુટુમ્બ આર્થીક બોજમાં દબાઈ જાય તેવું ઈચ્છતો નથી. માણસ કેટલું જીવ્યા કરતાં; કેવું જીવ્યો તે મહત્ત્વનું છે.

મારા મૃત્યુ નીમીત્તે કોઈ પણ પ્રકારની મરણોત્તર ધાર્મીક વીધી કરવી નહીં. બારમું–તેરમું (પાણીઢોળ) કથા–સપ્તાહ–કીર્તન, શ્રાદ્ધ, તર્પણ, વરસી, પીંડદાન, બ્રહ્મભોજન વગેરે કરાવવાં નહીં. આ બધા કર્મકાંડો બ્રાહ્મણોએ સ્વલક્ષી–સ્વહીતમાં ઉભા કર્યા છે; તે સમાજલક્ષી કે ગરીબલક્ષી થવા જોઈએ. ઘણા લોકો ટેક્સચોરી કે ગરીબોનું શોષણ કરીને આવકના 10% ધર્મ–કર્મકાંડ–મન્દીર પાછળ ખર્ચતા હોય તેનો શો અર્થ? ‘ગાય દોહીને કુતરાને પાવા જેવું!’

મેં મારું જીવન પ્રામાણીકતા અને માનવતાવાદી રીતે જીવવાનો પ્રયત્ન કર્યો છે. તેનો મને સન્તોષ છે. હું ભુત–પ્રેતમાં માનતો નથી. તો મર્યા પછી મારે કોઈને નડવાનું કોઈ કારણ નથી. આમેય કુટુમ્બ માટે આજીવન ભોગ આપનાર, મર્યા પછી અચાનક શા માટે નડે? તેમ છતાં મારી કોઈ ઈચ્છા/વાસના (હશે તો) પુરી કરવા નડવું હશે, તો દેશના દુશ્મનોને નડીશ. બધા ભારતીયો આમ કરે તો દુશ્મનો આમ જ ખતમ થઈ જાય! શું આ શક્ય છે? તો ખરેખર, સમાજને કોણ નડે છે? ‘નડતર’નો વીચાર ફેલાવનાર જ!

મારા મૃત્યુ બાદ મારી મીલકત માટે (જો હોય તો) ઝઘડવું નહીં કે વારસા સમ્બન્ધી વાદ–વીવાદ કરવા નહીં. મારા આર્થીક વીલ મુજબ મારી સમ્પત્તીના ત્રણ વીભાગ હશે.

(1) મારા કુટુમ્બીઓ (વારસદારો) માટે મીલકત.

(2) મારા ગાઢ મીત્ર, પડોશીઓ, વફાદાર નોકરો, મુશ્કેલી વખતે મદદરુપ થયેલી વ્યક્તીઓ તથા હમ્મેશાં પડખે રહેનારાં સગાં–સમ્બન્ધી–મીત્રોને આર્થીક સહાય. (આર્થીક વીલમાં નામ તથા રકમ મુજબ દરેકને ચેક મોકલી આપવા)

(3) બચતના 10% રકમનું સામાજીક દાન કરવું. (નીચે મુજબના 12 મુદ્દાઓ પ્રમાણે)

સામાજીક દાન :

(1) શાળાઓમાં બાળકોને નોટબુક, પેન્સીલ, પેન, ચોકલેટ, બીસ્કીટનું વીતરણ કરવું.

(2) ગરીબ વીદ્યાર્થીઓને પુસ્તકો તથા સ્કોલરશીપ આપવી.

(3) ગરીબ–પછાત લોકોને પૈસા તથા અનાજ લઈ આપવું.

(4) નજીકનાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, બહેરા–મુંગા–અન્ધજનની શાળા/આશ્રમમાં દાન અને ભોજન પ્રબન્ધ કરવો.

(5) સાર્વજનીક નેત્ર, રક્ત હૉસ્પીટલમાં દાન કે દર્દીઓ માટે દવા–ભોજન વ્યવસ્થા કરવી.

(6) ગામ કે શહેરના જે તે વીસ્તારમાં રસ્તા, ગટર કે પાણીપુરવઠા જેવાં કાર્યોમાં ઉદારતાથી ફાળો આપવો.

(7) યુદ્ધ–કટોકટી જેવા સમયમાં રાષ્ટ્રને મદદ કરવી તથા સૈનીકોનાં વારસદારોને આર્થીક સહાય કરાવી.

(8) સ્ત્રી વીકાસગૃહ, સાર્વજનીક પુસ્તકાલય, રૅશનાલીસ્ટ સંસ્થાઓમાં દાન આપવું. અન્ય સમાજ ઉપયોગી કાર્યમાં મદદ કરવી.

(9) લાઈબ્રેરીમાં સ્વામી સચ્ચીદાનન્દ, રમણ પાઠક, નર્મદ, દયાનન્દ, કબીર, બુદ્ધ, ગાંધીજી જેવા સમાજસુધારકોનાં પુસ્તકો લઈ આપવાં.

(10) સર્વ પ્રાણીઓને સમાનભાવે ઘાસચારો આપવો.

(11) મારા નામે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવું.

(12) આ વસ્તી વીસ્ફોટમાં નો ચાઈલ્ડ, વન ચાઈલ્ડ ગરીબ દમ્પતીને પ્રોત્સાહક પુરસ્કાર આપવાં. વસ્તી નીયન્ત્રણ આજના સમયની સૌથી મોટી સેવા છે.

લોકો આવું કરે તેવું હું ઈચ્છું છું જેથી આપણા સમાજના ઘણા પ્રશ્નો હલ થાય. ઈશ્વરના નામે સ્વાર્થી વર્ગ પ્રજાના ધનને ધર્મ/મન્દીર તરફ (પોતા તરફ) વાળે છે. તેમાં કાપ મુકવો જરુરી છે. આ વસીયત મેં મારી બુદ્ધી પ્રમાણે તૈયાર કર્યું છે. આ મારા અંગત વીચારો છે. ખામી જણાય તો મારી અલ્પમતી માટે ક્ષમા કરશો. સર્વને બધું જ સર્વસ્વીકૃત ન પણ બને. મારો હેતુ લોકો અને સમગ્ર રાષ્ટ્રના હીત માટે છે. તે સર્વ કોઈ સમજી શકશે.

–વીનોદ વામજા

નીવૃત્ત ટેલીફોન એન્જીનીયર (BSNL) અને લેખક વીનોદ વામજાના પુસ્તક ‘ભુમી સંસ્કાર – આદર્શ અંતીમક્રીયા(પ્રકાશક : રૅશનલ પ્રકાશનઉપલેટા – 360 490 સેલફોન : +91 87329 59720 ઈ.મેલ : vbvamja@gmail.com પાનાં : 80, મુલ્ય : રુ. 20/-) પુસ્તકનો વીભાગ : 06(01)નાં પાન ક્રમાંક : 62થી 66 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : શ્રી. વીનોદ વામજા, 2, સુન્દરમ પાર્ક, ગરબી શેરી જીરાપા પ્લોટ, ઉપલેટા360 490 જીલ્લો : રાજકોટ સેલફોન : +91 87329 59720 ઈ.મેલ : vbvamja@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારોરૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@gmail.com

 

 

8 Comments

  1. ‘મારા મૃત્યુથી તેમને દુઃખ થતું હશે જેમનો હું આધાર હતો, જેમને હું ચાહતો હતો. પરન્તુ જે બની ગયું તે તો કુદરતનો ક્રમ છે. પ્રકૃતીની પ્રક્રીયા છે. તે નીવારી શકાતું નથી. તેથી કોઈએ શોક કરવો નહીં અને બધાએ દુઃખ ભુલી હળવા (રીલેક્સ) થવાનો પ્રયત્ન કરવો. મારા આત્માની શાન્તીની ચીન્તા કરવાને બદલે પોતાના જ મનની સ્વસ્થતા કેળવે.’ શ્રી વીનોદ વામજાની વાત ઘણાએ સ્વીકારી છે, બાકીના મુદ્દા પણ અનુકરણીય ધન્યવાદ

    Liked by 1 person

  2. સત્ય તો એ છે કે માનવી માટી નો બનેલો છે. એટલે કે તેનું સર્જન માટી થી કરવામાં આવેલ છે. બાળપણ માં એક ગીત સાંભળેલ હતું કે

    “ રાખ ના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે “.

    આ અનુસાર માનવી રાખનો એટલે કે માટી નો બનેલો છે. ગુજરાતી માં પણ માનવી ને “ માટી ના પૂતળા” ની ઉપમા આપવામાં આવેલ છે, અને ઉર્દુ ભાષા માં પણ માનવી ને “ મિટ્ટી કા પૂતલા “ તરીકે ઓળખવામાં આવે છે.

    મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં પણ માનવીનું સર્જન માટી થી કરવામાં આવેલ છે એવા ઘણા શ્લોકો છે, અને ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે માનવી ના મૃત્ય પછી તેનું મૃત શરીર માટી માં જ જવાનું છે. આ અનુસાર દરેક ધર્મ માં મૃત શરીર ની અંતિમ વિધિ તે ધર્મ ના અનુસાર કરવામાં આવે છે. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ માં માનવીના મૃત શરીર ને માટી ને જ સોંપી દેવામાં આવે છે.

    હવે વાત રહી મૃત્ય પછી ની અંતિમ વિધિ ના પછી ની અસંખ્ય ગેર જરુરી વિધિઓની. તો એ જોવામાં આવેલ છે કે દરેક ધર્મ માં, હિંદુ અને મુસ્લિમ ધર્મ સહીત, અસંખ્ય ગેર જરૂરી વિધિઓ કરવામાં આવે છે જેને ધર્મ ની સાથે કશો સંબંધ નથી હોતો.

    આ લેખ માં એ જ સત્ય કહેવામાં આવેલ છે કે આ ગેર જરૂરી વિધિઓ ના બદલે માનવજાત ના ભલા માટે જે કરવામાં આવે તે જ ઉચિત છે.

    ________________________________

    Liked by 2 people

  3. Really impressed!
    I am 74 years old, born in Ethiopia – raised/educated in India – settled in USA for 50 years.
    I couldn’t believe how much I agree with Vinod Vamja’s thinking … the inspiration comes from our heart and how we are raised by our culture, parents, teachers and friends. In spite of numerous challenges and tough circumstances, we are lucky not to deviate from the inner voice … and THAT’s GOD’s BLESSINGS!

    Liked by 1 person

  4. બહુંજ સરસ, રેશનલ.
    ઘણું બધું આવરી લીધું છે.
    પ્રેરણાદાયી અનુકરણીય.

    Liked by 1 person

  5. ખૂબ સરસ વિચાર છે. ઉત્તમ… અને માનવતા લક્ષી.
    વીનોદભાઈ આવા વીચારો થી અન્ય લોકો ને પણ પ્રેરણા મળે તેવી આશા રાખીએ.
    ગોવિંદભાઈ મારુ દ્રારા આવા સુંદર વીચારો નો ડીજીટલ માધ્યમ થી ફેલાવો તે આજના સમાજની જરૂરિયાત પણ છે અને ટેકનોલોજી નો સાચો ઉપયોગ પણ છે.

    Liked by 1 person

  6. ખુબ સરસ.

    મને જો કે મ્રુતદેહના નીકાલ વીશે એક પ્રશ્ન થાય છે. દાટવામા બે રીત હોઇ શકે:‌ (૧)‌ શબપેટીની અંદર (૨)‌ શબપેટી વગર. શબપેટીમાં દાટીએ તો મોટેભાગે પુર્ણ શરીર નાશ નથી પામતુ. સુક્ષ્મજીવો મોટાભાગનુ માંસ સફાચટ કરી જાય છે પણ બધુ નહી; હાડકા રહી જાય છે અને થોડુ માંસ પણ તેની ઉપર ચોંટીને સુકાઇને રહી જાય છે. શબપેટી વગર જમીનમા સીધુ માટીમા દાટવામા આવે તો પણ શરીરનુ પુરુ વીઘટન કદાચ નથી થતુ. આ બાબતે કોઇને વધુ માહીતી હોય તો આપવા વીનંતી કે માટીમા દાટવામા આવે તો શુ શરીરનુ પુર્ણ વીઘટન થઇ જાય છે? ઉપરાંત દાટવાથી જગ્યાનો પ્રશ્ન પણ ઉભો થાય છે. જ્યા સુધી મને જાણ છે ત્યા સુધી એક જ જગ્યા પર વધુ વ્યક્તીઓને દાટવામાં નથી આવતી. જો આમ જ ચાલ્યા કરે તો ભવીશ્યમા જગ્યાની તંગી ઉભી થઇ શકે.

    જો શરીરને બાળવામા આવે તો મોટાભાગે વીઘટન થઇ જાય છે, ફક્ત રાખ બચે છે જેનો નીકાલ કરવો કે ઉપયોગ કરવો અઘરો નથી. બાળવા માટે ખુબ લાકડાનો ઉપયોગ થાય છે અથવા ગેસનો ઉપયોગ થાય છે. ગેસ બધે સુલભ નથી એટલે હજી મોટા શહેરો સીવાય મોટેભાગે લાકડાનો જ ઉપયોગ થાય છે. જો લાકડાનો ઉપયોગ કરીને બાળવામા આવે તો તેનુ પાછુ અલગ પ્રદુશણ થાય છે અને/અથવા હરીયાળી ઘટે છે.

    આદર્શ વ્યવસ્થા શુ લાગે છે?

    Like

Leave a comment