‘શ્રદ્ધા’ એટલે શું? ‘શ્રદ્ધા’ની કોઈ વ્યાખ્યાબદ્ધ વીભાવના છે? ‘શ્રદ્ધા’ પરત્વેના રૅશનાલીઝમના મુળભુત અભીગમની પાક્કી સ્પષ્ટતા આપતો આ લેખ ‘દીવાદાંડી’ સમ છે..
વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :
રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે – 1
–રમણ પાઠક (વાચસ્પતી)
(‘મધુપર્ક’ પુસ્તકના ગત લેખનો સ્રોત : https://govindmaru.com/2020/06/26/raman-pathak-48/ )
પ્રત્યેક ભાષામાં કેટલાક રુપાળા શબ્દો હોય છે : રુપાળા એટલે મોહક, જેના મોહમાં પછી લગભગ આખો સમાજ ઘેલો બને છે. દા.ત.; આત્મા, ધર્મ, અધ્યાત્મ, પરમ ચૈતન્ય, બ્રહ્મ, વૈશ્વીક લય, અમરત્વ, મોક્ષ ઈત્યાદી. આ શબ્દોમાં કોઈ વાસ્તવીક અર્થ કે અનુભવગમ્ય પદાર્થ હોતો નથી; પરન્તુ એ ઉચ્ચારવાથી એક પ્રકારના સુક્ષ્મ ઉચ્ચત્વનો, અહંનો ક્ષણીક અનુભવ થાય છે, ટુંકમાં, મજા આવે છે. દા.ત.; અહં બ્રહ્માસ્મી કે સર્વ ખલુ ઈદં બ્રહ્મ – એમ બોલવાથી આપણે જાણે આ પ્રાણીમય અસ્તીત્વથી ઘણા ઉંચા છીએ એવો અહંપોષક અનુભવ થાય છે એટલું જ, બાકી એનો વાસ્તવીક અર્થ કંઈ જ નહીં : એ જ ખાવું, પીવું, ઉંઘવું, ઉત્સર્ગ, એ જ રોજીન્દા રગડા–ઝગડા, શ્રમ અને ચીંતા. અર્થાત્ બ્રહ્માનુભવ આપણને કોઈ ‘તુચ્છતા’થી મુક્તી અપાવી શકતો નથી.
એક વાર આદ્ય જગદગુરુ શંકરાચાર્યજીએ કોઈ નગરમાં ફરતાં સામેથી એક ગાંડો હાથી દોડતો આવતો જોયો તત્કાળ આચાર્યશ્રી દોડીને એક ઉંચે ઓટલે ચઢી ગયા. એ જોઈ શીષ્યે પુછ્યું; “ગુરુવર્ય, આપ જ કહો છો કે બ્રહ્મ જ સત્ય છે અને આ જગત તો મીથ્યા છે. તો પછી શા માટે આપ આમ જીવ બચાવવા પલાયન થઈ ગયા? આ હાથી પણ બ્રહ્મ જ છે ને તો શું આપણે અસ્તીત્વ અને એનું આ પાગલ ઝનુન મીથ્યા નથી?”
પુ. શંકરાચાર્યજીએ હસીને ઉત્તર વાળ્યો કે ‘પલાયનમપી મીથ્યા!’ – હું ભાગ્યો એ પણ મીથ્યા જ સમજવું! તો હકીકત આમ છે, અર્થાત્ સારા સારા શબ્દો કે ઉંચા ઉંચા સીદ્ધાંતો રટવાથી કે નઠોર વાસ્તવીકતાથી બચી શકાતું નથી. ‘સત્યમેવ જયતે’ એમ પોકારનારા સર્વ કોઈ જાણે જ છે કે કેવળ સત્યને આધારે જીતી શકાતું નથી. કેસ જીતવો હોય તો જુઠા સાક્ષીઓય ઉભા કરવા જ પડે!
આવો જ એક શબ્દ ‘શ્રદ્ધા’ છે, જેની કોઈ વ્યાખ્યાબદ્ધ વીભાવના જ નથી; છતાં આદીકાળથી ચીંતનમાં એને ખુબ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે. દા.ત.; ‘શ્રદ્ધા વીના સીદ્ધી નથી’ કે ‘શ્રદ્ધા હોય તો જીવનમાં કશું જ અસમ્ભવીત નથી’, ‘પરીશ્રમ નહીં; પણ શ્રદ્ધાય જોઈએ જ’ યા ‘શ્રદ્ધાથી તો માર્ગમાં આડા આવતા પહાડને પણ ચળાવી શકાય છે’ વગેરે.
આવી મીથ્યા માન્યતાઓના રદીયારુપે એક સ્થળે વીખ્યાત રૅશનલ ચીંતક બર્ટ્રાન્ડ રસેલ કહે છે, “શ્રદ્ધાથી પહાડ પણ ચળી જાય એવું વીશ્વભરના ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે; છતાં આજ પર્યન્તના ઈતીહાસમાં એવો એક પણ દાખલો નોંધાયો નથી કે જેમાં શ્રદ્ધાના બળે એક નાનકડો ટેકરોય તસુભાર હટાવી શકાયો હોય! જ્યારે બીજી બાજુ, વીજ્ઞાન આસાનીથી જળને સ્થાને સ્થળ અને સ્થળને સ્થાને જળ સર્જી શકે છે. અણુશક્તીના એક જ વીસ્ફોટ વડે મસમોટા પહાડને ઉડાવી દઈ, ત્યાં સરોવર રચી દઈ શકાય છે.”
સાદો જ દાખલો લઈએ તો, ક્વીનાઈન લો એટલે મેલેરીયા મટી જાય; છતાં અમુક કીસ્સાઓમાં ન પણ મટે, તો એનું સ્પષ્ટ કારણ એ જ હોઈ શકે કે અન્ય પરીબળોએ ક્વીનાઈનને નીષ્ફળ બનાવ્યું; પરન્તુ જો કોઈ કહે કે સત્યનારાયણની કથાની બાધા રાખવાથી મારા બાબાનો તાવ ઉતરી ગયો, તો વીચારશીલ એવા સાંભળનાર મનુષ્યે એમ જ સમજવું રહ્યું કે તાવ એની મેળે જ ઉતરી ગયો અને યશ કથાને મળી ગયો; પરન્તુ પ્રાકૃતજન તો એમ જ કહેશે કે ‘ભાઈ, એ તો શ્રદ્ધાનો ચમત્કાર છે.’ આવી માન્યતા ધરાવનારને એમ જ કહેવાનું કે ‘મીત્ર કથા કે ઈતર બાધા વડે કેન્સર મટાડે તો માનું કે શ્રદ્ધાબળ સાચું અથવા કપાયેલો હાથ કે પગ પાછો ચોંટાડી કે ઉગાડી આપો!’ બોલો, આવું ક્યાંય બન્યું છે? ગમે તેટલી શ્રદ્ધા રાખો તોય બની શકે ખરું? વીજ્ઞાને વીશ્વભરમાંથી શીતળાનો રોગ નાબુદ કરી દીધો. એથી ઉલટું, સદીઓથી શીતળામાતા કે બળીયાકાકા ઉપર લોકો આ પ્રમાણે અટલ શ્રદ્ધા રાખતા રહ્યા અને મરણ પામતા રહ્યા કે ખોડીલા બની રહ્યા. શ્રદ્ધાથી શું વળ્યું?
તો આ બધા દાખલાને આધારે આપણે હવે ‘શ્રદ્ધા’ શબ્દની ચોક્કસ વીભાવના નક્કી કરીએ : ‘શ્રદ્ધા એટલે કાર્ય–કારણના અફર નીયમથી પર કે મુક્ત એવું કંઈક બનવાની દૃઢ અપેક્ષા કે આશા.’ હવે બીજી બાજુ, પ્રકૃતીનો જ એ અફર નીયમ છે કે કાર્ય–કારણ ન્યાયથી ભીન્ન કદાપી કશું બની શકે જ નહીં; એ જ છે વીજ્ઞાન. દા.ત.; બે પરમાણુ હાઈડ્રોજન અને એક ઑક્સીજન લઈને સંયોજન કરવાથી પાણી જ બને, કદાપી સોનું બની શકે નહીં; પછી એવી ઈતર શ્રદ્ધા ગમે તેટલી ગાઢ રાખીને એવું સંયોજન કરો તો પણ. અર્થાત્ કાર્ય–કારણ ન્યાયને અતીક્રમવાની આશા તે શ્રદ્ધા, જ્યારે પ્રસ્તુત ન્યાય પર આધાર રાખવો તે વીશ્વાસ. પેરેશુટ પર વીશ્વાસ રાખીને યોગ્ય રીતે વીમાનમાંથી સલામત કુદકો મારી શકાય; પરન્તુ ભગવાન પર શ્રદ્ધા રાખીને સામાન્ય ઝાડ પરથી પણ જો તમે કુદકો લગાવો તો પગ યા માથું ભાંગે જ. ‘શ્રદ્ધા’ અને ‘વીશ્વાસ’ વચ્ચે આ જ ભેદ છે.
પરન્તુ આપણા અગ્રણીઓ, કથાકારો, પ્રવચનકારો અને ગુરુઓ ‘શ્રદ્ધા’ શબ્દનો શીથીલ (Loosely) પ્રયોગ કરીને, સામાન્ય જનતાને ભરમાવે છે અને છેતરે છે. દા.ત.; હમણાં જ એક વીખ્યાત સ્વામીજીએ મારા અત્ર–ઘોષીત મતનો વીરોધ કરતાં દાખલો ટાંક્યો કે મધર ટેરેસામાં જો શ્રદ્ધા ન હોય તો જીવનભર આટલી અફરતાથી દીનદુખીયાની આવી સેવા ન કરી શકે. જો કે મધર ટેરેસા વીરુદ્ધ તો જાતજાતની ફરીયાદોય વળી થઈ જ છે : જેમ કે ઓશો રજનીશે એક વાર ટીકા કરેલી કે મધર શા માટે બધાં જ અનાથ બાળકોને સર્વપ્રથમ ખ્રીસ્તી બનાવી દે છે? હમણાં વળી સંતતીનીયમન કે વસતીનીયન્ત્રણનો વીરોધ કરવા બદલ કે ખ્રીસ્તીઓનું અન્ય બાબતે ઉપરાણું લેવા બદલ પણ મધર ટીકા પાત્ર બન્યાં; છતાં એ વાત અત્રે અપ્રસ્તુત હોઈ જવા દઈએ.
પરન્તુ મુખ્ય મુદ્દો એ જ કે મધર ટેરેસા પોતાનું કાર્ય સમ્પુર્ણ, અફર ફરજભાવે બજાવ્યે જાય છે એને ‘શ્રદ્ધા’ કહેવાય ખરું? હકીકતે પ્રત્યેક માણસ પોતાનું જીવનકાર્ય કે વ્યવસાય નક્કી કરે છે અને તદનુસાર, જો પ્રામાણીક અને ખંતીલો હોય તો, બરાબર કાળજી તથા શ્રમપુર્વક તે પોતાનું કાર્ય બજાવે જ છે. આમાં શ્રદ્ધા ક્યાં આવી? છતાં જો આવી ધ્યેયપરસ્તીને શ્રદ્ધા જ કહીએ, તો એમ પણ કહી શકાય કે અમુક હજામ પુરી શ્રદ્ધાથી લોકોના વાળ કાપે છે અથવા અમુક ખીસ્સાકાતરુ સમ્પુર્ણ શ્રદ્ધાપુર્વક લોકોનાં ખીસ્સાં કાપે છે!
હકીકતે આને ‘શ્રદ્ધા’ ન કહેવાય; પરન્તુ નીષ્ઠા, કાર્યનીષ્ઠા કહેવાય; કારણ કે પોતે સ્વીકારેલું કાર્ય પુરેપુરી ચોકસાઈથી અદા થવું જ જોઈએ એમ વીચારી, તે સમ્પુર્ણપણે ઉક્ત હેતુ સીદ્ધ કરે છે, એ છે એની નીષ્ઠા. જો કે સાર્થ જોડણીકોશ ‘નીષ્ઠા’ શબ્દના અર્થો એવા આપે છે કે, ‘શ્રદ્ધા, ભક્તી, વફાદારી, આસ્થા, વીશ્વાસ, એકાગ્રતા, લીનતા’ વગેરે; જ્યારે ભગવદગોમંડળ કોશ વળી, નીશ્ચય, અવધારણ પ્રીતી, આસક્તી’ વગેરે અર્થો ઉમેરીને જણાવે છે કે નીષ્ઠાના બે પ્રકાર છે : સવીકલ્પ અને નીર્વીકલ્પ. તે પ્રત્યેકના (વળી) પાછા કનીષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એવા (ત્રણ) ભેદ થાય છે. આપણે આવા બધા કૈશીકી પૃથક્કરણમાં ન પડતાં, એટલું સમજી લઈએ કે શ્રદ્ધા અને નીષ્ઠા એ બે ભીન્ન ભીન્ન મનોઅવસ્થા છે, જેમાં નીષ્ઠા એ વાસ્તવીક સદ્ગુણ છે, જ્યારે શ્રદ્ધા એ કેવળ મનગમતી કપોળકલ્પના જ છે. ઘણા મનોબળને વળી શ્રદ્ધા લેખાવે છે; પરન્તુ ખોવાયેલી જણસ પાછી મેળવવા કોઈ વૃદ્ધા પુરી શ્રદ્ધાપુર્વક માતાજીની બાધા રાખે; ત્યારે એનામાં કોઈ વીશીષ્ટ મનોબળ છે એમ ભાગ્યે જ કહી શકાય; છતાં જો કોઈ એવું કહે તો એનો અર્થ તો એવો થાય કે મનોબળ યા શ્રદ્ધા એટલે લાચારી; પરન્તુ મને નથી લાગતું કે શ્રદ્ધાના આશકો એવા આસ્તીકો તથા ઉપદેશકો લાચારીને શ્રદ્ધા ગણવા તૈયાર થાય. જે દેશમાં પોલીસ કાર્યક્ષમ કે વીશ્વાસપાત્ર ન હોય, ત્યાં લાચાર મનુષ્યોએ આવી બાબતમાં ભગવાન કે શ્રદ્ધા ઉપર જ આધાર રાખવો પડેને!
અમારાં એક બહેનને વાતવાતમાં ભગવાનના આટલા કે તેટલા દીવા માનવામાં ‘શ્રદ્ધા’ હતી; એટલે એમનો પુત્ર દર મહીને નોકરીના શહેરમાંથી ઘરે–ગામ આવે, ત્યારે દર વખતે મા અચુક બાધા રાખે જ કે ‘દીકરો હેમખેમ આવજા કરશે તો હે ભગવાન, તારા પાંચ દીવા કરીશ.’ હવે મહોલ્લામાંથી આજુબાજુના ઘણાં પડોશીઓ તો વગર બાધાએ જ રોજ શહેરમાં આવજા કરતા અને બહેન એ જાણતાં પણ ખરાં અને છતાં માન્યા જ કરતાં કે દીવાની બાધા રાખવાથી જ દીકરાનું ક્ષેમકુશળ જળવાય છે. પછી એક વાર એમનો પુત્ર અકસ્માતમાં ગમ્ભીર રીતે ઘવાયો ને કાયમ માટે અપંગ થઈ ગયો ત્યારે બહેને એવો વીચાર કરવો જોઈતો હતો કે બાધા રાખી છતાં આમ કેમ બન્યું? પરન્તુ એથી ઉલટું, એમણે તો વધારે મોટી બાધા રાખી કે હે ભગવાન, જો મારો દીકરો પાછો સાજોતાજો થઈ જશે તો હું બાલાજીને સાચાં સોનાનાં પગલાં ચઢાવીશ… અને પછી એમણે જીવનભર પ્રતીક્ષા જ કરી!
આવી ઘટનાઓને અનુલક્ષીને ઘણા લોકો એવું અર્થઘટન પ્રસ્તુત કરે છે કે કંઈ નહીં તોય શ્રદ્ધા માનસીક આશ્વાસન તો આપે છે ને? આ પણ શ્રદ્ધાનો મીથ્યા બચાવ જ ગણાય; કારણ કે એમ તો, અતીચીંતાથી કે દુ:ખથી માણસ ઘણી વાર માનસીક સમતુલા ગુમાવી બેસે છે અને ગાંડો થઈ જાય છે; પછી તેને કોઈ જ દુ:ખ રહેતું નથી. તો આ શું કાંઈ નાનુંસુનું આશ્વાસન છે? અર્થાત્ બધાં જ દુ:ખચીંતાથી મુક્તી મેળવવી હોય તો પાગલ થઈ જાય! કહેવાનો ભાવાર્થ એટલો જ કે શ્રદ્ધાસેવનને એક પ્રકારની માનસીક નીર્બળતા કે બીમારી જ ગણવી રહીં.
આ સન્દર્ભમાં મારા એક સજાગ વાચકમીત્ર રજનીકાંત મોદી એક પ્રશ્ન કરે છે કે ‘મને વીચાર આવે છે, કેન્સર જેવા રોગો, ધરતીકમ્પ જેવી આપત્તી કે યુવાન વયનાં પુત્રપુત્રી ગુમાવનાર માબાપ ધર્મના આશ્રયે સાંત્વના મેળવી શકે છે, તો અધાર્મીકો કે રૅશનાલીસ્ટો માટે એસ્કેપીઝમનો કોઈ માર્ગ હોઈ શકે, જે પુર્ણ સાંત્વના કે બાકીનું જીવન વીતાવવાનું ભાથું આપી શકે?’
આદરણીય મોદીભાઈના વીચારવીવેક માટે ધન્યવાદ! પ્રશ્ન સરસ છે, છતાં પ્રતીપ્રશ્ન કર્યા વીના ન રહી શકાય કે ભાઈશ્રી, તમે ખરેખર ક્યાંય સાક્ષાત જોયું ખરું કે કેન્સર જેવા અસાધ્ય રોગનો ભોગ બનનાર યા યુવાન વયનાં પુત્રપુત્રી ગુમાવનાર માતાપીતા ધર્મને સહારે ‘પુર્ણ સાંત્વના’ પામી બાકીનું જીવન શાંતી–સ્વસ્થતાથી વીતાવી દેતાં હોય…? મને શંકા છે.
(ક્રમશ:)
(તા. 13 જુલાઈ, 2020ના રોજ આ લેખનો બીજો ભાગ પ્રગટ થશે.)
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/–) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના ચતુર્થ પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 38થી 41 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com અને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com
૯૨ વર્ષ સુધી કાર્યરત વિવેક પંથી પ્રો.રમણ પાઠક સાથે ચર્ચા થતી.આવા કેટલા વિષયો પર મતભેદ પણ થતો પણ એમનો મનભેદ ન થતો અને દરેક વખતે પ્રેમપૂર્વક આદર સાથે વાત કરતા દરવાજા સુધી મુકવા આવતા.
અમને આ અંગે વિવેકાનંદજીએ કહેલ કે- ‘વિશ્વાસ અને શ્રદ્ધા જીવન છે. સંદેહ મોત છે. સંશય મૃત્યુ છે.’ ‘સંશયાત્મા વિનશ્યતિ’ શ્રદ્ધા ન ગુમાવવી, નિષ્ઠા ન ગુમાવવી.’
વાત સત્ય લાગતી.
રવીન્દ્રનાથ ટાગોરે પોતાના એક કાવ્યમાં લખ્યું છે કે, ‘નિષ્ઠા મૂળ છે. પ્રેમ અને ભક્તિ તેનું ફૂલ છે.’ શ્રદ્ધા હોય તે જ મહત્ત્વની બાબત છે. શ્રદ્ધાનો જન્મ શીતળાતાથી અને અહંકાર મુક્તિથી થાય છે. જે સાધકની ભૂમિકા અહંકારથી મુક્ત છે, અને જેના અંતઃકરણમાં શીતળતા છે, ત્યાં જ શ્રદ્ધા જન્મ લે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સ્ત્રીના શરીરમાં કીર્તિ, શ્રી, વાણી, ધીરજ, બુદ્ધિ, સ્મૃતિ અને ક્ષમા આ સાત વિભૂતિઓ સ્વરૂપે હું વાસ કરું છું. મારી દ્રષ્ટિએ આ તમામ શ્રદ્ધા નામની મહારાણીનાં વસ્ત્રો છે. શ્રદ્ધા ઉઘાડી ન થઈ જાય અથવા શ્રદ્ધાને ક્ષોભ ન થાય તે માટે જરૂરી વસ્ત્રો એ ગીતાકારે કહેલી વિભૂતિઓ છે.સત્યમાં વિશ્વાસ રાખવો, પ્રેમમાં ભરોસો રાખવો અને કરુણામાં શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા અમૂલ્ય છે. શ્રદ્ધા જેટલી પ્રગાઢ હશે, વ્યક્તિને તેટલો વધારે આનંદ આવશે. શ્રદ્ધાનું એક લક્ષણ છે – તે જેટલી પ્રગાઢ હોય છે, તેટલી તે વ્યક્તિને વધારે આનંદ આપે છે. જીવનમાં યશ મેળવવા માટે પુરુષાર્થ કરવો પડે છે. આનંદ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થની નહીં, શ્રદ્ધાની જરૂર પડે છે. યશ તમને પુરુષાર્થથી મળશે; તે માટે તમારે ઘણું ઘણું કરવું પડશે. પણ આનંદ તો શ્રદ્ધા જ આપે છે.
વાત તર્કશુધ્ધ લાગતી .
આ અંગે અમારા પૂ રવિશંકર મહારાજે આ અંગે સમજાવતા કહ્યુ હતુ.શીતળામા અને બળિયાબાપા જેવા દેવ-દેવીઓની પૂજાને અંધશ્રદ્ધા ન કહેવાથી શ્રદ્ધાની વિભાવનાનું ઘોર અપમાન થાય છે. વીમો લઈને પ્રીમીયમ ભરીને પોતાની ગેરહાજરીમાં પોતાના કુટુંબના યોગક્ષેમની જવાબદારી વીમા કંપનીને સોંપવાને બદલે પરમેશ્વર પર ઢોળવી તે સાચી શ્રદ્ધા નથી, નિષ્કાળજી છે, પરાવલંબી મનોવૃત્તિનું લક્ષણ છે. બીમાર સ્વજનની દાકતરી સારવાર કરાવવાને બદલે પાણીના કે કાળી માટીના પોતા મુકવા અને પ્રાર્થના કર્યે રાખવી તે પણ બિનજવાબદાર પગલું છે, શ્રદ્ધા નથી. આવી શ્રધ્ધાને આપણે શું કહી શકીએ? તેને ખોટી અથવા અંધશ્રદ્ધા ન કહીએ તો પણ કાચી તો કહી શકાય.આપણી શ્રદ્ધા એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજાનું અહિત થાય.
કોઈ તહેવારના દિવસે એક સજ્જન ગરીબોને લાડવા વહેંચતા હતા. એક ખુબ ગરીબ બાઈ સાથે તેનું નાનું બાળક હતું તે જોઈને તેમણે તેને ત્રણ લાડવા આપ્યા. તે બાઈએ કહ્યું, ” સાહેબ મને બે જ લાડવા આપો.” સજ્જને કહ્યું કે ત્રીજો લાડવો તેના બાળકને સાંજે ખાવા માટે આપ્યો હતો. તો કહે, “સાંજે તો _____ મા અમને પહોંચાડશે. અત્યારે તો બીજા ઘણા ભૂખ્યા પાછળ છે તેમને આપો.” (આ પણ બનેલી વાત છે, કાલ્પનિક નથી.) આનું નામ સાચી શ્રદ્ધા પછી ભલે તે મેલડી મા પ્રત્યે હોય કે અંબામા કે ગાયત્રીમા પ્રત્યે હોય.
ટૂંકામાં કહીએ તો જે વિચારસરણી ખોટું કે ખરાબ કામ કરતા પહેલા ચેતવે અને અટકાવે તથા ભૂલથી થઇ ગયું હોય તો પસ્તાવો કરાવે અને સારું સાચું કામ કરવાની પ્રેરણા તથા હિંમત આપે તેને શ્રદ્ધા કહી શકાય.
અમને આ વિચારો તર્કશુધ્ધ લાગતા.
LikeLiked by 1 person
શું સાચી શ્રદ્ધા નો ભાવ તમને સકારાત્મક નથી બનાવતો?
કાયમ કોઈ નકારાત્મક વિચારો માં ફસાયેલો રહે અને પછી એની ભીરુતા જ કાયમ એને પજવે ને નિષ્ફળતા અપાવે, પણ સાચી સલાહ, સાંત્વન, સત્સંગ, હુંફ, મોટીવેશનલ ટોક વિગેરે પ્રયત્નો દ્વાર જ્યારે તેનામાં શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ પેદા કરવામાં આવે છે તો એને શું કહેવું.
તમારા લેખ માં શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા a ત્રણેય તથ્યો ની કદાચ ભેળસેળ થઇ તે જાણે બધુજ અંધશ્રદ્ધા ભર્યું છે એવું લાગે છે
શું નિર્મળ ભાવ કરવામાં આવેલી પ્રાર્થના, ધ્યાન કરવું – સકારાત્મક ભાવ સાથે અને શ્રદ્ધા પૂર્વક કે હું સફળ થઈશ જ! અહી આવી શ્રદ્ધા , તમે કરેલ શ્રદ્ધા ના વિશ્લેષણ માં બેસતી નથી.
સવાર ના પહોર માં પ્રભુ ને નમન કરી શ્રદ્ધા અને વિશ્વાસ થી દિવસ ની શરૂઆત કરીએ તો શું ખોટું છે. શું કાયમ નાસ્તિક ભાવે જ દિવસ ની કે કામ ની શરૂઆત કરવાની?
ફક્ત એકજ કારણસર કે મધર ટેરેસા ધર્મ પરિવર્તન થી શરૂઆત કરતા એટલે તે પછી જે તે ગરીબ નો, દુઃખીયારા નો ઉદ્ધાર કર્યો એટલે તેમનું તે કરેલું સારું કાર્ય ટીકાત્મક બને છે? ના.
કદાચ કંઇક વધારે પડતું લખાઈ ગયું હોય તો ક્ષમા કરશો.
પણ હરી માં શ્રદ્ધા, ગુરુ માં શ્રદ્ધા એ જ ખરી આત્મ શ્રદ્ધા ન કહેવાય?
જયશ્રીકૃષ્ણ
LikeLike