રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે (ભાગ – 2)

અસાધ્ય આપત્તીના સમયમાં કોઈ પ્રાર્થના કરે, કોઈ ગીતા વાંચે, કોઈ નવલકથા માણે, બધું જ સરખું; દુ:ખ ભુલવા માટે વાસ્તવીકતામાંથી પલાયન!… શ્રદ્ધાળુજન તો મનોમન ઉંડે ઉંડે સમજતો જ હોય છે કે ગમે તેટલી પ્રાર્થના કરો, અમુક બાબતે ઈશ્વર કશીય સહાય કરતો નથી, કરી શકતો જ નથી.

વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :       

રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે
(ભાગ – 2)

–રમણ પાઠક (વાચસ્પતી)

(આ જ લેખનો પ્રથમ ભાગ (તા. 10/07/2020) પર જવા માટેનો સ્રોત :  https://govindmaru.com/2020/07/10/raman-pathak-49/)

થોડા સમય પહેલાં મારા એક પ્રૌઢ સ્વજનનો ત્રીસ વર્ષનો એકનો એક પુત્ર અવસાન પામ્યો. એનું સમગ્ર કુટુમ્બ સ્તબ્ધ–બેહોશ છે. પીતા તો ભાંગી જ પડ્યા છે, વારંવાર કહે છે કે ‘હવે હું લાંબુ નહીં જીવું… છન્નું પુરું નહીં કરી શકું…’ આ આખુંય કુટુમ્બ ખરેખર પુરું ધાર્મીક છે. પુત્રની ગમ્ભીર માંદગી દરમીયાન નીરન્તર પુજા પાઠ ચાલુ હતાં, જો કે દવા તથા સધન તબીબી સારવાર પણ એટલાં જ આશાપુર્વક ચાલુ હતાં!… અત્રે મને કવી સુંદરમની એક પંક્તી એક જ શબ્દ ફેરવીને ટાંકવાનું મન થઈ આવે છે – આશાને સ્થાને શ્રદ્ધા.

અશક્તી આત્મહત્યાની,
એને શ્રદ્ધા કહે જનો.

અવસાનપત્રીકામાં અચુક લખવામાં તો આવે છે કે ‘ઈશ્વરને ગમ્યું તે ખરું!’; પરન્તુ શું એ ખરેખર પુર્ણ શ્રદ્ધાથી લખવામાં આવે છે ખરું? સમ્બન્ધીતોના મનમાં વારંવાર પ્રશ્ન ઉઠે જ છે અને ક્વચીત કેટલાક તો ઉદગારે પણ છે કે ‘… પણ ઈશ્વરને આવું જ કેમ ગમ્યું?’ આત્મહત્યા અતી દુષ્કર પગલું છે, બહુ ઓછા માણસો એવી હીમ્મ્ત દર્શાવે છે… હા, ની:શંક એ બહાદુરોનું સાહસ છે. બાકી, યેનકેન પ્રકારેણ જીવી રહેનાર તો કાયર જ. ખેર, એ પ્રશ્ન આજે અહીં નહીં છેડીએ; પરન્તુ આત્મહત્યા જેનાથી ન કરી શકાય, એ વ્યક્તી પછી કરે શું? જીવ્યા કરે, બીજું શું? અને ‘સાંત્વના પ્રાપ્ત કરીને પુર્ણ શ્રદ્ધાથી જ જીવે છે’ – એમ તો દુરથી જોનારા ગુણાનુરાગી સમ્બન્ધીઓ બહુધા કહે.

‘સ્થીતસ્ય સમર્થનમ્’ – એ માનવપ્રકૃતીનું એક વ્યાપક લક્ષણ છે. મતલબ કે જે કાંઈ સ્થીત–અમલમાં હોય એને ન્યાયી, યોગ્ય ગણાવીને સમર્થન આપવું. કેટલાક કાણે (રડવા) જવાના, એટલે કે મરનારને ત્યાં જઈને રડવાકુટવાના અને પછી મરણોત્તર ક્રીયામાં મીષ્ટાન્ન જમાડવાના રીવાજને પણ તે રીતે સમર્થન આપે છે કે ‘એ બહાને સ્વજનો–મીત્રો ભેગા થાય અને એથી શોકગ્રસ્ત કુટુમ્બીઓ થોડી રાહત અનુભવે!’ વાત થોડીક સત્ય હોય, તોય શું આવા મરણોત્તર કુરીવાજો ચાલુ રાખવા યોગ્ય ગણાય? વળી, આવાં બધાં અર્થહીન ક્રીયાકાંડ તથા સમારોહોથી મરનારનાં કુટુમ્બીજનોને ‘ત્રાહીમામ’ પોકારી જતાંય અનેક પ્રસંગો મેં જોયાં છે. અત્રે રૅશનાલીસ્ટ એન. વી ચાવડાનું એક ચર્ચાપત્ર યાદ આવે છે, જેમાં ‘મરણ બાદ સ્ત્રીઓએ અગ્નીસંસ્કાર પ્રસંગે સ્મશાને કેમ ન જવું?’ – એ બાબત કોઈ અન્ય લેખકે, સ્મરણ છે ત્યાં સુધી દંડીસ્વામીજીએ આપેલાં કારણોનું સબળ ખંડન કરવામાં આવ્યું હતું. સ્ત્રી મૃતદેહ સાથે સ્મશાને ન જઈ શકે – એવી સદીઓ પુર્વે, કશાક કારણસર ઉદભવેલી એક સામાન્ય, ખરેખર તો અયોગ્ય પરમ્પરાને ગમ્ભીર વીચારપુર્વકની સુયોજીત વ્યવસ્થા તરીકે ઘટાવવા માટે જે દલીલો સ્વામીજીએ કરેલી એને ‘સ્થીતસ્ય સમર્થનમ્’ની માનવપ્રકૃતીનું એક સચોટ (જો કે આમ તો હાસ્યાસ્પદ) ઉદાહરણ ગણાવી શકાય. ધર્મના લાભો શોધવા કે દર્શાવવા એ પણ આવી જ ‘સ્થીતસ્ય સમર્થનમ્’ની માનવ–મનોવૃત્તી છે.

બીજી મહત્ત્વની હકીકત વળી એ કે જ્યારે માનવજાતની વીરાટ બહુમતી ‘સ્થીતસ્ય સમર્થનમ્’ની ગતાનુગતીક મનોદશા ધરાવે છે ત્યારે સાથે સાથે જ અયોગ્ય ‘સ્થીતી’ને એટલે કે પરમ્પરાને તોડો અને પરીવર્તન લાવો! – એવી જેહાદ જગવનાર વીચારશીલો પણ યુગે યુગે પાકતા જ રહે છે અને એથી જ માનવજાત પ્રગતી પણ કરતી જ રહે છે. સ્થીતીચુસ્તતા એ જેમ માનવપ્રકૃતી છે તેમ ઉચીત (અને ક્વચીત અનુચીત પણ) પરીવર્તનની ઝંખનાય માનવપ્રકૃતીનો જ એક અંશ છે. રૅશનાલીસ્ટ પ્રવૃત્તીનો પાયો આવા ઉચીત પરીવર્તનના પુરુષાર્થનો જ છે. સમ્ભવત: દોસ્તોયેવસ્કીએ ક્યાંક કરેલું એક વીધાન અત્રે યાદ આવે છે. જેનો સારાંશ કંઈક એવો છે કે, જ્યારે સર્વત્ર સમ્પુર્ણ સુખશાંતી હશે ત્યારે પણ એકાદ બગડેલા મીજાજવાળો નર ઉભો થઈ પોકારશે કે ‘દોસ્તો! મને આ પસન્દ નથી!’ અને બધી જ વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ જશે.

આપત્તીના બે પ્રકાર છે : સાધ્ય અને અસાધ્ય, સાધ્ય એટલે મટી જાય, સામનો કરી શકાય તેવી. દા.ત.; ટાઈફોઈડ કે ન્યુમોનીયા જેવી ગમ્ભીર બીમારીમાં પુજા–પ્રાર્થના સાથે દવા–સારવાર પણ બરાબર ચાલ્યા જ કરે અને વર્તમાન તબીબી વીજ્ઞાનના ચમત્કારથી એવી બીમારી હવે બહુધા મટી જાય; ત્યારે ઓછો યા વધતો યશ ઈશ્વરને યા શ્રદ્ધાને આપવામાં પણ આવે; પરન્તુ કેન્સર જેવા અસાધ્ય રોગના પ્રસંગે કે અતીપ્રીય અથવા તો અતીમહત્ત્વની એટલે કે જેના પર સમગ્ર કુટુમ્બના અસ્તીત્વનો આધાર હોય એવી વ્યક્તીના મૃત્યુપ્રસંગે તો, પાછળ જીવનારાં મોટા ભાગના માણસો ભાંગી જ પડે. હા, થોડાક વીરલા હીમ્મત દાખવે અને સ્વસ્થતા જાળવે જરુર; પરન્તુ આ ભેદ જેટલો આસ્તીકતા કે ધાર્મીકતાને કારણે સમ્ભવે એથી અનેકગણો વધુ તો તે મનોબળ ઉપર આધારીત હોય છે. માણસ આસ્તીક–ધાર્મીક છે કે નહીં? – એ મુદ્દો નીર્ણાયક તત્ત્વ નથી, નીર્ણાયક તત્ત્વ તો મનોબળ છે. અર્થાત્ મનોબળવીહોણો આસ્તીક પણ ભાંગી પડે, જ્યારે મનોબળયુક્ત નાસ્તીક હીમ્મ્તભેર ટકી રહે. જો કે ઈશ્વરપ્રેમમાં સમ્પુર્ણ તલ્લીન થઈ ગયેલા ભક્તો સ્વજનના મૃત્યુથી જરાય વીચલીત ન થાય એવું બને; પરન્તુ એમ તો પરસ્ત્રીના પ્રેમમાં ગળાડુબ ડુબેલો પુરુષ પણ કુટુમ્બીઓનાં જીવનમરણની ક્વચીત લેશમાત્ર પરવા કરતા નથી! એ તો લગભગ લાગણીહીનતા યા લાપરવાહી જ કહેવાય, જે સારી તો નહીં જ. પત્ની કે પુત્રના મૃત્યુપ્રસંગે જો નરસીંહ મહેતા એવાં કઠોર ગીત ગાય કે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ!’ – તો એને બહુ પ્રશસ્ય અભીગમ તો ન જ ગણાવાય. શક્ય છે કે નરસીંહ મહેતા અનીચ્છાએ જ પરણ્યા હશે!

ટુંકમાં જ કહું તો અસાધ્ય આપત્તીના સમયમાં કોઈ પ્રાર્થના કરે, કોઈ ગીતા વાંચે, કોઈ નાટક–સીનેમા જુએ યા નવલકથા માણે; તો કોઈ વળી શરાબ ગટગટાવે, નશો કરે યા નાચમુજરામાં જાય–બધું જ સરખું, દુ:ખ ભુલવા માટે વાસ્તવીકતામાંથી પલાયન!…

ફાંસી–ખોલીમાં અન્તીમ દીવસો ગુજરતાં શહીદ ભગતસીંહે એક નાનકડી પુસ્તીકા લખી, ‘હું કેમ નીરીશ્વરવાદી છું?’ એમાં એક સ્થળે તેઓ લખે છે : ‘નાસ્તીકો બધી જ આપત્તીઓનો સામનો વીરતાપુર્વક કરે છે. એટલે હું મારા આ અન્તકાળે, ફાંસીના દોરડાનો પણ એક સાચા મનુષ્યની જેમ ઉન્નત મસ્તકે સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.’ પછી આ મુદ્દાની વધુ ચર્ચા કરતાં એ વીર શહીદ લખે છે કે ‘ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી આપત્તી હળવી થાય છે અને આશ્વાસન મળે છે અને ક્યારેક તો એવી આપત્તી આનન્દમય પણ લાગવા માંડે છે…’

ભગતસીંહના લગભગ બધા જ સાથીઓ આસ્તીકો હતા અને ગીતાપાઠ કરતાં કરતાં ફાંસીને માંચડે લટકી જતા – એ જોઈને કદાચ તેઓએ ઉપર્યુક્ત વીધાન કર્યું હશે – બરોબર એવું જ, જે મીત્ર મોદી કરવા પ્રેરાયા છે; પરન્તુ ભગતસીંહની આ માન્યતાય ખરેખર વીવાદાસ્પદ જ છે. પોતે નાસ્તીક હોવાથી, કેવળ પોતાના જ મનોબળને સહારે શાંત–સ્વસ્થ ચીત્તે મોતને ભેટવું કેટલું દુષ્કર છે! – એ સન્દર્ભે ભગતસીંહે આવું વીધાન કર્યું હોય એમ સ્વીકારી શકાય. બાકી આ સન્દર્ભમાં સમગ્ર માનવસંખ્યા બે વીભાગમાં વહેંચાયેલી જ રહી છે. ડરપોક યા કાયર અને હીમ્મતબાજ અથવા વીર. એમાં પ્રથમ વીભાગમાં બધા નાસ્તીકો જ હોય અને બીજા વીભાગમાં શ્રદ્ધાળુઓ જ હોવા જોઈએ – એમ તો કોઈ જ કહી શકે નહીં. મતલબ કે હીમ્મતબાજ શ્રદ્ધાળુઓ પણ હોય અને ડરપોક શ્રદ્ધાળુઓ પણ હોય; તેમ વીર નાસ્તીક હોય અને કાયર નાસ્તીક પણ હોઈ શકે. મારા મતે તો ખરેખર આસ્તીકોને જ ડરપોક તથા ગભરાટીયા–અસ્વસ્થ માણસો ગણવા ઘટે, કારણ કે આત્મબળ કે મનોબળથી સ્વસ્થ રહેવાને બદલે તેઓ ઈશ્વરને શરણે દોડી જાય છે, રડારોળ કરતા ચરણે આળોટે છે અને ઈશ્વરકૃપાથી ભીખ માગે છે. વાસ્તવીક હકીકત તો એ છે કે સામાન્ય, નાની નાની આપત્તીઓના પ્રસંગે આસ્તીક વ્યક્તી ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ઓછીવત્તી સ્વસ્થ રહી શકે; પરન્તુ નક્કર તથા ભયાવહ આફત વખતે, જો તે મનોબળવાળો ન હોય તો આસ્તીકનાય પગ ડગમગી જાય છે; કારણ કે સામાન્ય શ્રદ્ધાળુજન તો મનોમન ઉંડે ઉંડે સમજતો જ હોય છે કે ગમે તેટલી પ્રાર્થના કરો, અમુક બાબતે ઈશ્વર કશીય સહાય કરતો નથી, કરી શકતો જ નથી. દા.ત.; આજથી અઢી હજાર વર્ષ પુર્વે તથાગત બુદ્ધે કહેલું કે મૃત માણસ કદાપી પુન: સજીવન થઈ શકે નહીં. આવું સમજનારની શ્રદ્ધા પછી કયા આધાર પર ટકે? તે ભાંગી જ પડે… પછી એક યા અન્ય પલાયનનો આશરો ભલે લે!

(ક્રમશ:)
(આ લેખનો અન્તીમ ભાગ તા. 17 જુલાઈ, 2020ના રોજ પ્રગટ થશે.)

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/) તે પુસ્તક ‘મધુપર્ક’નારૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના ચતુર્થ પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 41થી 44 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક–સમ્પર્ક : 

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન :  95580 62711 .મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, .મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com

 

5 Comments

  1. મા ર.પાનો રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે સ રસ લેખ
    અશક્તી આત્મહત્યાની,
    એને શ્રદ્ધા કહે જનો.
    ‘ઈશ્વરને ગમ્યું તે ખરું!’
    ‘સ્થીતસ્ય સમર્થનમ્’
    ‘મરણ બાદ સ્ત્રીઓએ અગ્નીસંસ્કાર પ્રસંગે સ્મશાને કેમ ન જવું?’
    સ્થીતસ્ય સમર્થનમ્’ની માનવ–મનોવૃત્તી છે
    વીર શહીદ લખે છે કે ‘ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી આપત્તી હળવી થાય છે અને આશ્વાસન મળે છે અને ક્યારેક તો એવી આપત્તી આનન્દમય પણ લાગવા માંડે છે…
    તથાગત બુદ્ધે કહેલું કે મૃત માણસ કદાપી પુન: સજીવન થઈ શકે નહીં
    આ બધા સુત્રો અંગે રેશનલ અભિગમ ઘણા ખરા સ્વીકારાતા જાત છે જેવા કે ‘સ્ત્રીઓએ અગ્નીસંસ્કાર પ્રસંગે સ્મશાને કેમ ન જવું’ વાતે હવે આ વાત સ્વાભાવિક લાગે છે .આવી ઘણી વાતોમા
    રેશનાલીસ્ટએ પહેલા પોતે સ્વીકારી દાખલો બેસાડવો જોઇએ અને જેઓને સમજતા વાર લાગે અથવા સ્વીકાર્ય ન લાગે તેનો તીરસ્કાર કરવો યોગ્ય લાગતો નથી.

    Liked by 1 person

    1. આપના અભ્યાસુ અને ચીંતનાત્મક પ્રતીભાવોથી મને બળ અને પ્રોત્સાહન મળે છે. તે પ્રતીભાવોની અમે રાહ જોઈ રહ્યા છીએ. ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર આપનું સ્વાગત છે… 🙏

      Like

  2. મારી પાસે અવિનાશભાઇના ગીતોની કેટલીક  CD  પણ છે. With Love & Regards,  NAVIN  BANKER6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 713-818-4239   ( Cell) My Blog : navinbanker.gujaratisahityasarita.orgએક અનુભૂતિઃએક અહેસાસ

    Like

Leave a comment