રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે

મુળભુત રીતે શુંશ્રદ્ધા આધ્યાત્મીક વ્યંજના ધરાવતો શબ્દ છે? શું શ્રદ્ધા માત્ર ‘અન્ધશ્રદ્ધા’ જ છે? શ્રદ્ધા પરત્વેના રૅશનાલીઝમના મુળભુત અભીગમની પાક્કી સ્પષ્ટતા આપતો છેલ્લો લેખ પ્રસ્તુત છે..

વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :

રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે
(ભાગ : 3)

–રમણ પાઠક (વાચસ્પતી)

(આ જ લેખનો દ્વીતીય ભાગ (તા. 13/07/2020) પર જવા માટેનો સ્રોત : https://govindmaru.com/2020/07/13/raman-pathak-50/ )

બીજું, ‘ઈશ્વરે જે ધાર્યું હશે તે થશે, એની ફીકર શી?’ – એમ માની સ્વસ્થતા સેવનારા અને બીજી બાજુ ‘આવું તો બને, અથવા મેં જે કર્યું તે યોગ્ય જ હતું, પરીણામે આવી આપત્તી આવે જ, જેમાંથી કોઈ બચાવ નથી; પછી ગભરાવાથી શું વળે?’ – એમ વીવેકબુદ્ધીથી સ્વીકારીને સ્વસ્થ રહેનારા – એવા બે પ્રકારના માનવીઓની મનોદશા વચ્ચે ઝાઝો ફરક સમજાય છે ખરો? નહીં જ; કારણ કે આવી નીશ્ચયાત્મક મનોદશાનું પ્રેરક બળ શ્રદ્ધા નથી; પરન્તુ નીર્ભયતા યા દૃઢ મનોબળ જ છે; છતાં મારી દૃષ્ટીએ, અહીં બીજા પ્રકારના માનવીઓનાં મન તથા જીવનાભીગમ સ્પષ્ટત: ઉચ્ચતર તો અવશ્ય લેખાય; કારણ કે એ ભ્રમણા–આધારીત નથી.

ભગવદગોમંડળ કોશ લખે છે કે ‘સદગુરુના અને સતશાસ્ત્રના વચનમાં જે પ્રામાણીકપણાનો નીશ્ચય તે શ્રદ્ધા કહેવાય છે.’ બીજી બાજુ આવા વચનને તર્ક, વીવેક, અનુભવ યા પ્રયોગ દ્વારા ચકાસણી કર્યા વીના સ્વીકારી લેવું એ તો અવૈજ્ઞાનીક અભીગમ જ કહેવાય. સાથે સાથે જ એ પ્રશ્ન પણ ઉદભવે જ કે સદગુરુ તથા સતશાસ્ત્ર કોને ગણવાં? જગતમાં હજ્જારો ગુરુઓ તથા હજ્જારો શાસ્ત્રો છે અને વળી નવાં નવાંય જન્મતાં જ જાય છે. એમાંથી અમુકને ગમે તે નીમીત્તે સ્વીકારીને, તમામ બાબતે પછી એને જ બ્રહ્મવાક્ય માની અનુસરવું તે શ્રદ્ધા એમ જ સમજવુંને? મતલબ કે માની લીધેલા સદગુરુમાં અને સતશાસ્ત્રમાં કશોય સંશય કર્યા વીના અન્ધવીશ્વાસ સેવવો તે શ્રદ્ધા. માટે જ કહું છું કે શ્રદ્ધા માત્ર અન્ધશ્રદ્ધા જ હોય છે.

હું બદરીનાથ કે કેદારને
નમન કરતો જ નથી,
પણ…
કરોડો લોકો જે શ્રદ્ધાથી
બદરી–કેદારને નમન કરે છે;
હું નમન કરું છું
એ શ્રદ્ધાને
ડૉ. પ્રદીપ પંડ્યા

બીજા એક વાચકમીત્ર તથા કવી – વાર્તાકાર ડૉ. પ્રદીપ પંડ્યા ઉપરના મુક્તક સાથે લખે છે : કેદારનાથ જતાં જોયું કે હજ્જારો લોકો, જેમના પગમાં ચંપલ નહોતાં, તો ઠંડી ખાળવા સ્વેટર તો હોય જ ક્યાંથી? છતાં તેઓ ઝરણામાં સ્નાન કરતા હતા, ‘જય કેદાર’ બોલતા હતા. કઈ આશા–ઈચ્છાઓથી આ લોકો આટઆટલાં સંકટ વેઠીને જતા હશે? એક જ જવાબ મળ્યો કે એ જ ‘શ્રદ્ધા’.

ડૉ. પંડ્યાએ અત્રે વર્ણવેલી અમુક અશક્ત કે અસજ્જ વ્યક્તીઓની ધ્યેયસીદ્ધીને મળતાં જ હું ઈતર દાખલા ટાંકુ, જેથી મુદ્દો ખરેખર સ્પષ્ટ થાય : અમારા ગામમાં એક લંગડો માણસ હતો, જેની આજીવીકા જ ચોરી હતી. આથી તે ‘લંગડા ચોર’ને નામે ઓળખાતો. ગમે તેવી અન્ધારી રાત હોય, ઘનઘોર વાદળ ગાજતાં હોય, યા બારે મેઘ ખાંગા હોય, કડકડતી ઠંડી હોય, પોલીસ કે ચોકીદારનો ભય માથે ઝઝુમતો હોય, સાવ ગામડું એટલે ઝેરી જીવજંતુનો પણ ડર અને લંગડાભાઈ પાસે ન મળે બુટ કે ચંપલ… બૅટરી (ટોર્ચ)નું તો નામ સુધ્ધાં તેણે સાંભળેલું નહીં. અને છતાં તે ચોરી કરવા અચુક નીકળતો અને બહુધા સફળતાપુર્વક કોઈ નાનીમોટી ચીજ ઘરમાંથી યા ઘરે–­બાહીરેથી સીફ્તપુર્વક તફડાવીને જ પાછો ફરતો. મને થતું કે કઈ શક્તી વડે આ મરીયલ તથા એક જ પગવાળો અપંગ, જરુર પડ્યે આમ સફળતાપુર્વક બીનધાસ્ત ચોરી કરી લાવતો હશે? આજ સુધી તો મને આ પ્રશ્નનો જવાબ નહોતો મળ્યો; પરન્તુ ડૉ. પ્રદીપભાઈનું ચર્ચાપત્ર વાંચ્યા બાદ હવે હું સમજ્યો કે એ હતી શ્રદ્ધા!

મને થયું કે કેવળ નાનીમોટી સામાન્ય ચોરી કરવા માટેય જો આટલી શ્રદ્ધાની આવશ્યકતા હોય, તો જે માણસ લુંટ કરવા યા ખુન કરવા નીકળી પડતો હશે એનામાં કેટલી અતુટ તથા અખુટ શ્રદ્ધા હશે? ખુન કરવા જતાં તો પોતાનું જ ખુન થઈ જવાનો ભય રહે, ફાંસીનું દોરડું નજર સામે જ લટકતું દેખાય, જન્મટીપ થાય, શીકારરુપ વ્યક્તી નીશ્ચીત સ્થળે મળે યા ન મળે, પોલીસ પણ મળી જાય… આટઆટલાં ગમ્ભીર જોખમો છતાં ખુની કે ખુનેચ્છુ માણસ કઈ તાકાતથી અડગ ડગલે આગળ વધતો હશે? જવાબ છે, શ્રદ્ધા!

મારા મીત્રના પુત્ર દીપકે પરીક્ષામાં ચોરી કરી અને તે પ્રથમ વર્ગ સાથે પાસ થઈ ગયો. જ્યારે સુપરવાઈઝર માથે ઝળુંબતો હોય, પકડાઈ જવાનો ભય ઝઝુમતો હોય, પકડાઈ જવાય તો માત્ર તે પરીક્ષા પુરતાં જ નહીં, પુરાં ત્રણ વર્ષ માટે પરીક્ષામાંથી રદબાતલ જાહેર થવાની સજા નજર સામે ધુરકતી હોય, બદનામી તથા માબાપના મારનોય જીવલેણ ડર હાથપગ ડગાવી દેતો હોય – એવી ભયાવહ પરીસ્થીતીમાં બાજુના છોકરાના પેપરમાં જોઈને ઉતારો કરવો એ ગજબની શક્તી માગી લે છે. એ શક્તી તે કઈ? જવાબ છે, શ્રદ્ધા… વધારામાં વળી આમ ચોરી કરનાર પરીક્ષાર્થી કેવળ પકડાઈ જવાના ડરનો જ સામનો નથી કરતો; તેને બીજી એવી પણ અપરમ્પાર શ્રદ્ધા છે કે બાજુનો પરીક્ષાર્થી સાચા જ જવાબો લખતો હશે અને તેના પેપરમાંથી કરેલા ઉતારા દ્વારા ઉંચું પરીણામ સીદ્ધ થશે જ.

છેલ્લો દાખલો : મારો પડોશી ગમન ઘણો ક્રોધી પુરુષ છે, તે પત્ની વીદ્યાને કારણઅકારણ ગમે ત્યારે બેફામ ગાળો દે છે અને ભયંકર મારઝુડ પણ કરે છે; છતાં વીદ્યા એક વેણ સરખું સામે ઉચ્ચારતી નથી અને ચુપચાપ પોતાનું કામ કર્યા જ કરે છે : ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને છોકરાંય જણે છે. ઉપરાંત ઘરમાં એક કઠોર–કર્કશા સાસુ પણ છે. એય મહેણાં મારે છે અને દીવસભર બકબક કર્યા જ કરે છે. ઉપરથી વળી જાતજાતના હુકમ છોડતી રહે છે; છતાં વીદ્યા ઘર છોડતી નથી કે આ દુનીયા છોડતી નથી; ચુપચાપ જીવન જીવ્યા જ કરે છે અને સંસાર વેંઢારે છે. મને પ્રશ્ન થતો કે શા માટે વીદ્યાએ જીવવું જોઈએ? કઈ શક્તી એને જીવાડી રહી છે? હવે સમજાયું કે એ બળ તે શ્રદ્ધા! વીદ્યાને શ્રદ્ધા છે કે એક દીવસ પોતાનો પતી ગમન સુધરી જશે અથવા તો એ પહેલાં પોતે જ સ્વર્ગગમન કરી જશે. કર્કશા સાસુ બાબતે તો એને પુરેપુરી શ્રદ્ધા છે કે થોડા મહીના યા વરસમાં આ ડોકરી સ્મશાન ભેળી થઈ જ જવાની.

દોસ્તો, ભાવાર્થ સમજી ગયાને? એક સારી વાત એ કે સારા ઉદ્દેશની સીદ્ધી અર્થે જ્યારે માનસીક શક્તી પ્રયોજાય, ત્યારે એને શ્રદ્ધા કહીને આપણે બીરદાવીએ છીએ; પરન્તુ એ જ શ્રદ્ધા અર્થાત્ બરાબર એવી જ મન:શક્તી જ્યારે આપણે હીન કે તુચ્છ કાર્યના સન્દર્ભમાં પ્રયોજીએ ત્યારે પ્રસ્તુત શબ્દપ્રયોગ કેવો હાસ્યાસ્પદ પ્રતીત થાય છે! ‘શ્રદ્ધા’ મુળભુત રીતે આધ્યાત્મીક વ્યંજના ધરાવતો શબ્દ છે અને એથી તે જનસામાન્યને રુપાળો, પ્યારો લાગે છે. મરહુમ કવી, વીખ્યાત ગઝલકાર ગની દહીંવાળાનો એક શેર છે :

શ્રદ્ધા જ મને મારી
લઈ ગઈ મંઝીલ પર,
રસ્તો ભુલી ગયો, તો
દીશાઓ ફરી ગઈ!
ગની દહીંવાળા

મીત્રો, આ પંક્તીઓ તો ખુબ રુપાળી લાગે છે; કારણ કે શ્રદ્ધા શબ્દ જ ભારે આકર્ષક એવો રુપકડો છે. બાકી, આપણે સૌ બરાબર જ સમજીએ છીએ કે રસ્તો ભુલી જઈએ તો હજાર મથામણ કરીને સાચો માર્ગ શોધવો જ રહ્યો. ક્યારેય દીશાઓ ફરી જતી નથી કે મંઝીલ સામે આવીને ઉભી રહેતી નથી (પ્રથમ પંક્તીમાં કશીક, એકાદ શબ્દની જ ભુલ હોવાની શંકા મને રહે છે; અર્થ જો કે સમ્પુર્ણ સાચો છે.)

હવે તાત્ત્વીક ચર્ચા પર આવીએ તો, કોઈ પણ વસ્તુ કે મુદ્દા વીશે જ્યારે આપણે વાદ–પ્રતીવાદ કરીએ ત્યારે તે વસ્તુ કે પ્રશ્નની વીભાવના આપણા ચીત્તમાં સ્પષ્ટ હોવી જોઈએ. ખાસ કરીને ‘શ્રદ્ધા’ જેવા ભાવવાચક શબ્દ કે માનસીક ગુણ–વેપારની ચર્ચા કરતાં પુર્વે તો એની ચોક્કસ વીભાવના અનીવાર્ય ગણાય. કોઈ પણ બાબતની ચર્ચા એની તન્તોતન્ત ચોક્કસ વીભાવના વીના થઈ શકે જ નહીં – એવો તર્કશાસ્ત્ર, લૉજીકનો સીદ્ધાંત છે. વીભાવના એટલે વ્યાખ્યા – ડેફીનેશન. મતલબ કે મુદ્દો ડેફીનેટ, એકદમ સ્પષ્ટ તથા સમ્પુર્ણ હોવો જોઈએ. લૉજીકનો અન્ય નીયમ પણ  છે કે પદાર્થની વ્યાખ્યા એક જ અને સમ્પુર્ણ હોવી જોઈએ. જેથી તે બાબતે ગોટાળો કે ગુંચવાડો ન થાય અને તો જ વાદવીવાદ સાર્થક નીવડે. ભાવ કે વસ્તુના તમામ ગુણધર્મને સમાવી લેતું અને એક પણ છટકબારી વીનાનું વર્ણન તે વ્યાખ્યા કહેવાય. ચોક્કસ વસ્તુ કે ભાવના અર્થવીસ્તારમાં પછી ગમે તે યા અપ્રસ્તુત ગુણલક્ષણ સમાવી દેવામાં આવે, તો એ અતીવ્યાપ્તીનો દોષ થયો કહેવાય. મેં ઉપર ટાંકેલા દાખલોમાં આ જ અતીવ્યાપ્તીદોષ છે અને એથી જ ત્યાં ‘શ્રદ્ધા’ શબ્દ હાસ્યાસ્પદ પ્રતીત થાય છે.

આપણે શ્રદ્ધા, મનોબળ, હીમ્મત, સાહસ, સહનશીલતા, વીશ્વાસ, આત્મવીશ્વાસ, સુદૃઢ આશા–અપેક્ષા એ સર્વેને માટે ઘણી વાર અચોક્કસ ભાવે–લુઝલી ‘શ્રદ્ધા’ શબ્દ પ્રયોજતા હોઈએ છીએ, અર્થાત્ ભીન્ન ભીન્ન મન:સ્થીતીઓની આપણે ભેળસેળ કરી નાખીએ છીએ અને એથી જ હાનીકર્તા એવી શ્રદ્ધાનું કુલક્ષણ આવકાર્ય ગણાઈ જાય છે અને ભારે તારીફ, અનધીકાર છતાં પામી જાય છે. અહીં ડૉ. પંડ્યાનો કોઈ દોષ નથી. તેઓ ઉત્તમ કવી–વાર્તાકાર અને વળી નીષ્ણાત તબીબપણ છે. એટલે સૌંદર્યશાસ્ત્ર કે શરીરશાસ્ત્રના પ્રખર પંડીત હોય; પરન્તુ શબ્દ, ભાવ કે વીભાવનાનું આમ કૈશીકીછેદન કરવું એ વીષય જ ફીલોસોફી (તત્ત્વચીન્તન), ફીલોલૉજી (શબ્દશાસ્ત્ર) તથા લૉજીક (તર્કશાસ્ત્ર)નો છે.

મેં લંગડા – બીલકુલ અપંગ ભીખારીને દેહ ઢસડતો અમરનાથનાં કપરાં ચઢાણ ચઢતો જોયેલો. એની એવી શક્તીમાં શંકર ભગવાન પ્રત્યેની કોઈ શ્રદ્ધા નહોતી, ફક્ત મજબુત આશા–અપેક્ષા હતી કે ‘અમરનાથના મન્દીર પાસે મને મબલખ ભીખ મળશે; કારણ કે ત્યાં ભીખારીઓ જ ઓછા જાય છે. ટુંકમાં, પેટની ભુખ અને ભીખ મળવાની આશા જ એની શક્તીનો સ્રોત હતી. ઠંડા હીમ જેવા પાણીમાં ઘણા માણસો નહાય છે. હવે જો તેઓ તીર્થધામમાં ગંગાસ્નાન કરે, તો એને શ્રદ્ધા કહેવાય, જ્યારે જેઓ ઘરમાં જ રોજ એવું સ્નાન કરતા હોય તો તે એમનું મનોબળ કહેવાય – આવાં બેવડાં ધોરણો લોકભાષામાં માન્ય; પરન્તુ તત્ત્વચીન્તનમાં ન જ ચાલે.

મતલબ કે બદરી–કેદાર જતા બુટ–ચંપલ યા સ્વેટરવીહોણા પેલા ભક્તો દૃઢ મનોબળના માલીકો ગણાય. એ જ પ્રમાણે મેં ટાંકેલા દાખલાઓમાં પ્રયુક્ત મન: શક્તીની વીભાવના સ્પષ્ટ કરીએ તો, લંગડા ચોરની સફળતાનું કારણ તેની બેધડક હીમ્મત કહેવાય, જે એક પ્રકારનું મનોબળ જ છે. દીપક પરીક્ષામાં ભારે જોખમ છતાં જે ચોરી કરતો એને સાહસ ગણાવાય. જ્યારે વીદ્યાની ‘શ્રદ્ધા’ તે વાસ્તવમાં સહનશીલતા જ લેખાય, જેના મુળમાં વળી મજબુરી જ છે. એ જ રીતે ‘પુત્ર સારો છે અને વૃદ્ધાવસ્થામાં તે મારી સેવા કરશે જ’ એવી કોઈ પીતાની ‘શ્રદ્ધા’ તે ‘વીશ્વાસ’ કહેવાય ઈત્યાદી.

અન્તમાં શ્રદ્ધાની સ્પષ્ટ, ચોક્કસ અથવા તો મારે મતે જે લોકમાં માન્ય, પ્રચલીત વીભાવના ગણાય છે એની વ્યાખ્યા પ્રસ્તુત કરું : કોઈ પણ જાતના કાર્ય–કારણના ન્યાય વીના, મતલબ કે વીજ્ઞાનના કૉઝ ઍન્ડ ઈફેક્ટના નીયમથી ભીન્ન રીતે, જ્યારે અમુક પ્રકારની દૃઢ અપેક્ષા રાખવામાં આવે એને શ્રદ્ધા (ફેઈથ) કહેવાય. દા.ત.; સત્યનારાયણની કથાની બાધા રાખવાથી પરીક્ષામાં પાસ થઈ જવાય કે અભીમન્ત્રીત જળ પીવાથી કેન્સર મટી જાય. આવો પાયા વગરનો, છતાં દૃઢ વીશ્વાસ એ જ શ્રદ્ધા. લોકો જ્યારે લાચાર બની જાય છે ત્યારે કહે છે : ‘ભગવાનમાં શ્રદ્ધા રાખો, સૌ સારાં વાનાં થશે.’ કદાપી એમ બનતું નથી; કારણ કે પ્રકૃતી કાર્યકારણ ન્યાયથી જ સર્વત્ર પ્રવર્તે છે, એ કદાપી એમાં, પોતાના નીયમમાં રજ માત્ર પણ બાંધછોડ કરતી નથી અને એથી જ વૈજ્ઞાનીક કારણ વીના જ અમુક પરીણામની અપેક્ષા કે એવો વીશ્વાસ રાખવો એ હમ્મેશાં નીષ્ફળ જ જાય છે, સીવાય કે ક્યારેક આકસ્મીક સંજોગોથી પેલું કારણ અજાણતાં કામ કરી જાય. આ ઉપરાંત કેટલાક મનોવૈજ્ઞાનીક કારણો પણ કામ કરતાં હોય છે, જે વાસ્તવમાં શ્રદ્ધા નહીં; પણ પ્રાકૃતીક કારણ જ ગણાય. ઘણા સાધ્ય રોગો સેલ્ફ–હીપ્નોસીસ જેવા મનોવૈજ્ઞાનીક પરીબળથી પણ મટે ખરા. એ પણ કાર્યકારણ ન્યાય જ થયો.

ટુંકમાં કશાય કાર્યકારણ ન્યાય વીના જ અમુક ઘટના બનશે – એવી સુદૃઢ અપેક્ષા સેવવી તે ‘શ્રદ્ધા’ અને એ અર્થમાં, મેં અગાઉ જણાવેલું તેમ, શ્રદ્ધા માત્ર અન્ધશ્રદ્ધા જ સીદ્ધ થાય છે.

(સમ્પુર્ણ…)

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/) તે પુસ્તક ‘મધુપર્ક’ના રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના ચતુર્થ પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 44થી 48 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક–સમ્પર્ક :

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન :  95580 62711 .મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, .મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com

 

6 Comments

 1. અસલમાં આ આવા પ્રકારની માનસિકતા ઘડવામાં સામંતશાહી માનસિકતાનો બહુ મોટો ફાળો છે. એ નથી ઈચ્છતી કે લોકો તાર્કિક બને બાકી કુદરત તો તર્કબદ્ધ જ છે અને કુદરતનું માર્ગદર્શન પણ તર્કબદ્ધ જ છે.
  મેં તબલીગ જમાત અને કોરોના વાળા કિસ્સામાં એક નાનો આર્ટિકલ સંકલિત કર્યો હતો તેને આપ સમક્ષ શેર કરવા માંગુ છું.
  મેં માર્ક કર્યું છે કે લગભગ તમામ “ધાર્મિક” મનોવૃત્તિ ધરાવતા લોકો વૈજ્ઞાનિક અભિગમ નથી ધરાવતા.
  વૈજ્ઞાનિક અભિગમ એટલે પરિસ્થતિ નું પ્રાપ્ત તથ્યો અને આંકડાઓના આધારે મૂલ્યાંકન કરી તારણ કાઢવું અને એ તારણના આધારે નિર્ણય કરવો.
  હું જ્યારે કુરાન શરીફ ને સમજવાનો પ્રયત્ન કરું છું, તો એવું લાગે છે જે લોકો આ પુસ્તક ને અનુસરતા હોય તે કેવી રીતે અંધશ્રદ્ધાળુ હોઇ શકે? છતાં છે એ પણ એક વાસ્તવિકતા છે.
  મારી સમજ પ્રમાણે આજના આ કોરોના મહામારીના સંદર્ભમાં વાત કરું તો કોઈપણ ધર્મના અનુયાયીઓ દ્વારા પોતાના ધર્મની એવી આવશ્યક ધાર્મિક ક્રિયા અદા કરવાની જીદ કરવી, જે પ્રાપ્ત તથ્યો અને આંકડાઓના આધારે નુકશાનકારક સાબિત થવાની શક્યતા હોય, એ કોઈ જાણીને કરવામાં આવતો ગુનો નથી, પરંતુ એક સામાન્ય અને ધર્મભીરું વ્યક્તિ દ્વારા અજાણતામાં જ કરવામાં આવતું કાર્ય છે.
  આવા ધર્મ ભીરુ લોકો બધા જ ધર્મોમાં જોવા મળે છે.
  જ્યારે વાસ્તવિક જગતમાં એવું આચરણ કરવાની સરકાર દ્વારા ફરજ પાડવામાં આવે, જે પોતાની આસ્થાથી વિપરીત હોય અથવા તેનાથી પ્રતિકૂળ હોય, તો તેવા સંજોગોમાં એક સામાન્ય અભણ, અબૂધ અને ધર્મભીરુ વ્યક્તિ માટે એક ધર્મસંકટ ઉભુ થઇ જાય છે. એકબાજુ સરકારનો ડર અને બીજીબાજુ અલ્લાહ કે ઈશ્વરનો ડર, કે પછી પોતાના સમાજનો કે ધર્મગુરુઓનો ડર. અને છેવટે આવો માનવી એવું વિચારે છે કે આ સ્થૂળ શરીરનું જીવન તો હંગામી છે અને સનાતન તો અલ્લાહને જવાબ આપવાનું કાર્ય કે મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય છે, ત્યારે અલ્લાહ કે ઈશ્વરનો ડર હાવી થઈ જાય છે અને તે આત્યંતિક પગલું ભરવા પ્રેરાય છે.
  એક મુસ્લિમ તરીકે મને એવો દ્રઢવિશ્વાસ છે કે પવિત્ર કુરાન એ અલ્લાહ દ્વારા માનવ સમાજમાં શાંતિ, સલામતી અને સદભાવના ની સ્થાપના માટે, તેમજ માનવ વિકાસ માટે માનવીને પોતાના જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો, અને જીવનના નિર્ણયો લેવા માટે સનાતન મૂલ્યોનો એક મજબૂત આધાર આપતો એક અદ્ભુત સંદેશ છે.
  આ તો વાત થઈ મારી માન્યતા ની, પ્રશ્ન થાય કે એમાં બીજા વ્યક્તિને શું?! અને આ વ્યાજબી પ્રશ્ન પણ છે, કારણ કે બીજો વ્યક્તિ તો અનુયાયીઓને જોઇને તેમના ધર્મ કે ધર્મ પુસ્તક વિશે ધારણા બાંધશે. ઈસ્લામ શબ્દના અર્થમાં જ કાયદાનું પાલન સમાયેલું છે. કાયદાના પાલનથી જ શાંતિ અને સલામતી સ્થાપિત થાય છે. અને એવી પરિસ્થિતિ મુસ્લિમ સમુદાયમાં તો દેખાતી નથી! તો કોઈ ત્રાહિત વ્યક્તિ ઈસ્લામ શાંતિ અને સલામતી નો માર્ગ છે તે કેવી રીતે સ્વીકારી શકે?!
  એટલે, મારા મનમાં એક વાત નિશ્ચિત છે કે મુસ્લિમોનું હાલનું જીવન અને કુરાનનો સંદેશ બે અલગ બાબતો છે.
  પવિત્ર કુરાનમાંથી મેં મારા મનમાં ઉદભવતા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને મને તેના સંતોષપ્રદ જવાબ પણ પ્રાપ્ત થયા છે. મને આજના સમયમાં મારી એ સમજ ને તમામ લોકો સાથે શેર કરવી જરૂરી લાગે છે.
  એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ મારી સમજણ છે. હું દરેકને આગ્રહ કરીશ કે દરેક પોતપોતાના રીતે સત્યની શોધ કરે, આંધળા બહેરા થઈને દોરાઈ જવું એ એક મોમીન ના લક્ષણ નથી.
  કારણકે….
  કુરાન સ્વયં આ વાત કહે છે કે:
  ૭:૧૭૯ – “એવા ઘણા લોકો જોવા મળશે જેમની રીત એ જણાવતી હશે કે આ લોકો જહન્નમી છે, આ એ લોકો છે જેમની પાસે આંખો છે પરંતુ જોતા નથી, જેમની પાસે કાન છે પરંતુ સાંભળતા નથી, જેમની પાસે બુદ્ધિ છે પરંતુ વિચારતા નથી, તે લોકો પશુ જેવા છે અથવા એમ કહીએ તો પણ ખોટું નથી કે પશુ કરતાં પણ નીચલી કક્ષાના છે, તે પોતાના ધ્યેયથી ભટકી ગયેલા, ગાફેલ છે.”
  અને જ્યારે કોઈ વ્યક્તિ હોય કે સમુદાય વૈજ્ઞાનિક અભિગમને છોડે છે અર્થાત્ જોવાની એટલે કે અવલોકન કરવાની, સાંભળવાની એટલે કે તથ્યોને સ્વીકારવાની તેમજ જોવાથી અને સાંભળવાથી જે માહિતી પ્રાપ્ત થાય છે તેના ઉપર પોતાની બુદ્ધિથી વિચારવાની પ્રક્રિયા ને જ્યારે તે છોડી દે છે તો અલ્લાહનો એક સિદ્ધાંત લાગુ પડે છે:
  ૧૦:૧૦૦- જે લોકો બુદ્ધિ અને સમજણથી કામ નથી લેતા તેઓ સંદેહ અને ભ્રમમાં રહે છે, તેમની સમક્ષ વાસ્તવિકતા સ્પષ્ટ થતી જ નથી.
  એટલે એક મુસ્લિમની ફરજ થઈ જાય છે કે તે કોઈપણ પરિસ્થિતિ વિશે વગર વિચારે નિર્ણય ના કરે, તે પરિસ્થિતિનો અભ્યાસ કરે અને એ અભ્યાસના આધારે કોઈપણ નિર્ણય ઉપર પહોંચે.
  કુરાનમાં તો કોઈના પણ વાક્યને વિચાર્યા વગર માની લેવાની કે આંધળું અનુકરણ કરવાની ના કહેવામાં આવી છે, પછી તે વાક્ય સ્વયં અલ્લાહનું જ કેમ ના હોય. તે કહે છે કે…
  ૨૫:૭૩ – (મોમીન એવા લોકો છે) “જેમની સમક્ષ તેમના પાલનહાર ની નિશાનીઓ રજૂ કરવામાં આવે તો પણ તેઓ બહેરા અને આંધળા થઈને તેના ઉપર પડી નથી જતા.”
  બોલો હવે આનાથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો કોઈ ધર્મ હોઈ શકે ખરો !?
  તો પછી આજના મુસ્લિમોમાં વૈજ્ઞાનિક અભિગમ કેમ દેખાતો નથી.? જવાબ છે સદીઓથી તેમણે કુરાનનો અભ્યાસ કરવાનું જરૂરી નથી સમજ્યું. તેઓ જાણતા જ નથી કે કુરાન શાંતિમય અને સુરક્ષિત સમાજ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે માર્ગદર્શન કરે છે, અર્થાત્ તે એવા સનાતન મૂલ્યો આપે છે જેનું પાલન કરવામાં આવે તો સમાજનો વિકાસ થાય છે અને તેને અવગણવામાં આવે તો પતન.
  ૨૧:૧૦- “નિઃસંદેહ અમે એક પુસ્તક તમને આપ્યું અને એમાં તમારા વિશે જ વાત છે, છતાં તમે વિચારતા નથી?”
  કોઈક વિચારક નું વાક્ય છે તે એવું કહે છે કે; “તમે મને કોઈપણ જાતિનો ખુદા કે ઇષ્ટ કેવો છે તે જણાવશો તો હું તે જાતિની સામૂહિક માનસિકતા કેવી છે તે જણાવી દઈશ.” અર્થાત્ જેવી ખુદા કે ઇષ્ટની કલ્પના હોય તેવી જ તેના માનવાવાળા સમુદાયની માનસિકતા હોય છે.
  કુરાનમાં વર્ણવવામાં આવેલો અલ્લાહ એ મુસ્લિમોનો ઇષ્ટ કે ખુદા છે. તો, આવો આપણે એક મુસ્લિમ તરીકે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કુરાનની આયાતો ના આધારે તે કેવો છે? તેનું ચારિત્ર કેવું છે?
  મને એવું લાગે છે કે જ્યાં સુધી એક મુસ્લિમના મનમાં અલ્લાહની જે કલ્પના કુરાનમાં વર્ણવવામાં આવેલી છે, તેવી નહીં થાય, ત્યાં સુધી ઇસ્લામનું સાચું સ્વરૂપ નજરથી ઓજલ રહેશે. અને મુસ્લિમ સમુદાય વૈજ્ઞાનિક અભિગમથી દૂર.
  અલ્લાહ.
  આ ચર્ચામાં પ્રથમ મારા મનમાં અલ્લાહ વિશે જે ધારણા કે પ્રશ્નો હતા અને કદાચ દરેકના મનમાં પણ ઉદભવતા હશે તેનો ઉલ્લેખ છે અને બાદમાં તે વિષયમાં કુરાન શું કહે છે તે જણાવ્યું છે. જે આયાતોના સંદર્ભ લેવામાં આવ્યા છે તેના આગળ તેનો સંદર્ભ નંબર પણ લખેલો છે.
  અલ્લાહ ક્યાંક સાતમા આસમાન માં બેસે છે.
  સ્વયં અલ્લાહની જાત વિશે કુરાનમાં શું આવ્યું છે તે જોઈએ….
  તે આકાર પ્રકારમાં કેવો છે?
  ૬:૧૦૩ – કોઈ દ્રષ્ટિ – સમજણ તેને પકડી નથી શકતી..
  તે ક્યાં છે?
  ૪૧:૫૪ – તેણે દરેક વસ્તુને પોતાનામાં આવરી લીધેલી છે.
  માનવીના સંદર્ભમાં કેવો છે?
  ૫૦:૧૬ – મેં માનવીનું સર્જન કર્યું અને હું તેના મનમાં ઉદભવતા દરેક ખ્યાલથી પરિચિત છું કારણ કે હું માનવીની ધોરી નસથી પણ વધારે નજીક છું.
  તેની શક્તિ, પ્રભુત્વ કેવું છે?
  ૨૩:૯૨- જે કંઈ તમારા સમક્ષ છે તે અને જે કંઈ અદ્રશ્ય છે તે, એ તમામનું જ્ઞાન ધરાવે છે, અને એ તમામ એવી હસ્તીઓ અને શક્તિઓથી ઉચ્ચ છે અને એમના ઉપર પ્રભુત્વ ધરાવે છે જેમને લોકો ખુદાઈમાં તેના ભાગીદાર સમજે છે.
  અહી એ વાત તો સ્પષ્ટ થાય છે કે તે કેવો છે અને તેનું પ્રભુત્વ કેવું છે, પરંતુ માનવીને કેવી રીતે ખબર પડશે કે તેનું અસ્તિત્વ છે?
  તો એના જવાબમાં એ કહે છે કે બધાને ખબર તો છે જ કે કોઈ એવી શક્તિ છે જેને અલ્લાહ કે ઈશ્વર કહે છે. કારણ કે કુરાન આવ્યું તે પહેલાં પણ અરબસ્તાનમાં ઈશ્વર માટે અલ્લાહ શબ્દ પ્રયોજાતો હતો. પયગંબર સાહેબના પિતાજીનું નામ અબ્દુલ્લાહ હતું, અર્થાત્ અલ્લાહના સેવક. એટલે જ કુરાનમાં કહેવામાં આવ્યું છે:
  ૨૯:૬૧ – જો તેમને પૂછો કે આકાશ અને પૃથ્વીનું સર્જન કોણે કર્યું? સૂર્ય અને ચંદ્ર કોના આધીન છે? તે ચોક્કસ જવાબ આપશે “અલ્લાહ”.
  અલ્લાહ કુરાનમાં પોતાની કાર્યપ્રણાલી કેવી છે, પોતે સૃષ્ટિમાં કેવી રીતે કાર્ય કરે છે. તે અંગે જણાવે છે કે:
  સૃષ્ટિમાં તેનો પ્રભાવ
  ૧૬:૪૯- બ્રહ્માંડની ઉંચાઈઓ અને ઊંડાઈઓમાં જે કંઈ પણ છે તે તમામ અલ્લાહના સંપૂર્ણ તાબે છે.
  સૃષ્ટિની ચીજો ઉપર પ્રભાવ.
  ૧૬:૪૯- જે પણ ઉંચાઈઓ માં છે તે અને જે પણ ઉંડાઈયો માં છે તે તમામ જીવંત અને મલાઇકા અલ્લાહ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ માં (સજદામાં) છે. અને એ તમામ અહંકારી નથી.
  ઉપર જે આયાતો વર્ણવી છે તેના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય કે અલ્લાહ ક્યાંય દેખાતો તો નથી, છતાં સમગ્ર સૃષ્ટિને પોતાના આધીન રાખે છે, તેનો અર્થ એ જ થાય છે કે તેણે સમગ્ર સૃષ્ટિને ચલાવવા માટેના નિયમો બનાવીને, સમગ્ર સૃષ્ટિ ઉપર લાગુ કરી દીધા છે. એ નિયમો પ્રમાણે સમગ્ર સૃષ્ટિ કાર્યરત છે.
  આ વાત ને સમજવા પ્રયત્ન કરીએ, જેવી રીતે આપણે સરકારી કે ખાનગી ઓફીસોમાં જોઈએ છીએ કે દરેક કર્મચારીની ફરજો અને અધિકારો નિશ્ચિત હોય છે, અને દરેક વિભાગોની પણ ફરજો અને અધિકારો નિશ્ચિત હોય છે. એટલે કે દરેક કર્મચારી, અધિકારી કે વિભાગ માટેના ચોક્કસ નિયમો, સિદ્ધાંતો, ધારાધોરણો હોય છે, અને એ જ રીતે એમની રીત, આદત, પ્રક્રિયા કે કાર્યપ્રણાલી ચાલે છે.
  કાર્યપ્રણાલી માટે અરબીમાં એક શબ્દ છે “સુન્નત”. દરેક મુસ્લિમ સુન્નત વિશે જાણે છે. આપણે કહીએ છીએ કે ફલાણી રીત કે પદ્ધતિ એ પયગંબર સાહેબની સુન્નત છે. અર્થાત્ પયગંબર સાહેબ એ રીતે વર્તતા હતા, અથવા એમ પણ કહી શકાય કે તેમની કાર્યપ્રણાલી એવી હતી.
  કુરાન અલ્લાહની કાર્યપ્રણાલી ને પણ અલ્લાહની સુન્નત કહીને જ વર્ણવે છે.
  તો ચાલો જોઈએ અલ્લાહની કાર્યપ્રણાલી કેવી છે:
  ૪૮:૨૩ – અલ્લાહની કાર્યપ્રણાલી પહેલાંથી જ નિશ્ચિત છે, અને ભવિષ્યમાં પણ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે. (૩૫:૪૩,૩૩:૬૨)
  એટલે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે અલ્લાહની કાર્યપ્રણાલી શરૂઆતથી લઈને હમેશ માટે એક જ પ્રકારની રહેશે. એટલે તેમાં ક્યારેય કોઈ પણ પ્રકારની તબદીલી થઈ નથી અને ભવિષ્યમાં થવાની પણ નથી.
  જેવી રીતે કોઈ વ્યક્તિ નિયમિત એક ચોક્કસ પ્રકારની કાર્યપ્રણાલી અપનાવે છે, ત્યારે તેની આવી આદત તેના માટે નિયમ કે સિદ્ધાંતનું સ્વરૂપ લઇ લેતી હોય છે. આવા વ્યક્તિને આપણે સિદ્ધાંતવાદી પણ કહેતા હોઈએ છીએ. એટલે અલ્લાહની આ કાર્યપ્રણાલી એ તેના નિયમ કે સિદ્ધાંત છે. જેમાં ક્યારેય કોઈ પ્રકારની તબદીલી શક્ય નથી.
  આ વાતને પણ અલ્લાહ ખુલાસા પૂર્વક પણ જણાવે છે:
  ૩૩:૩૮-… અલ્લાહની કાર્યપ્રણાલી પહેલેથી જ નિશ્ચિત છે, અલ્લાહના આદેશ નિશ્ચિત કરેલા ધોરણ પ્રમાણે જ હોય છે.
  અર્થાત્ અલ્લાહ સ્વયં નિયમબદ્ધ છે. સૃષ્ટિની બીજી તમામ ચીજો માટેના ધોરણ પણ તેણે નિશ્ચિત કરી દીધા છે.
  ૬૫:૩- નિઃસંદેહ, અલ્લાહે દરેક વસ્તુના ધોરણ નક્કી કરી દીધા છે.
  આપણે ઉપર જે ચર્ચા કરી તેનાથી એક વાત એ સાબિત થાય છે કે અલ્લાહનું કાર્ય નિયમબદ્ધ હોય છે. અલ્લાહની આ કાર્યપ્રણાલીને પ્રકૃતિમાં પણ જોઈએ છીએ કે સમગ્ર સૃષ્ટિ નિયમબદ્ધ કાર્ય કરે છે. જો એ નિયમબદ્ધ કાર્ય ના કરતી હોય તો ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ધૂમકેતુ નું દેખાવું, અવકાશમાં યાનનું જવું, ઉપગ્રહો નું અવકાશમાં તરતા રહેવું, વનસ્પતિના ફૂલ અને ફળ આવવાની ગણતરી કરવી, માતાનું બાળકને જન્મ આપવાના સમયની ગણતરી કરવી, શરીરના અંગોની દવા અને શસ્ત્રક્રિયા થવી વિગેરે.. આ તમામ કાર્યો શક્ય ના બન્યા હોત.
  એટલે ઉપરોક્ત ચર્ચાના અંતે એવું સાબિત થાય છે કે કુરાનની આયાતમાં જ્યારે અલ્લાહ વિશે એવું વર્ણન આવે કે “અલ્લાહ આવું કરે છે” અથવા અલ્લાહની કોઈ ક્રિયાની વાત આવે છે, તો તેનો તાત્પર્ય હોય છે “અલ્લાહના નિયમ પ્રમાણે આવું થાય છે”. કારણકે આપણે ઉપર જાણ્યું તેમ અલ્લાહે દરેક ચીજ માટે ધોરણ નક્કી કરી દીધા છે, એટલે દરેક ચીજ અલ્લાહના આ નક્કી કરેલા ધોરણ અનુસાર જ વર્તે છે. દાત. એક આયત છે: ૨૭૨ “અલ્લાહ જેને ઈચ્છે તેને હિદાયત (માર્ગદર્શન) આપે છે”, તો એનો અર્થ એવો નથી થતો કે અલ્લાહ જેને ઈચ્છે એને માર્ગદર્શન આપે અને જેને ના આપવું હોય તેના માર્ગદર્શન ના આપે! એટલે અલ્લાહ માર્ગદર્શન આપવામાં કોઈ ધોરણ નથી અપનાવતો! જો આવું હોય તો સ્વયં અલ્લાહની એ વાત ખોટી ઠરે જેમાં કહેવામાં આવ્યું છે કે તેણે (અલ્લાહે) તમામ ચીજોના ધોરણ નક્કી દીધા છે. તો આ આયાતનો ખરેખર અર્થ થશે “અલ્લાહના નિર્ધારિત કરેલા નિયમ પ્રમાણે તમે હિદાયત (માર્ગદર્શન) પ્રાપ્ત કરી શકો છો.” જ્યારે આપણે કુરાન ને સમજવાની રીતમાં આટલો ફેરફાર કરી નાખીએ એટલે આપણી માનસિકતા માં આપોઆપ વૈજ્ઞાનિક અભિગમ કેળવાવો શરૂ થઈ જશે.
  વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટેના વિષયમાં મને એવું લાગે છે કે થોડીક વધારે છણાવટ થઈ જાય તો સારું.
  ૪૮:૨૩ – અલ્લાહની કાર્યપ્રણાલી પહેલાંથી સ્થાપિત જ છે, અને ભવિષ્યમાં પણ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે.
  હવે આપણે ઉપર જોયું કે અલ્લાહની સત્તા સમગ્ર સૃષ્ટિમાં લાગુ છે, અને અલ્લાહ પોતાની સત્તાને અબાધિત રીતે ઉપયોગમાં નથી લાવતો, પરંતુ તેણે પોતાની કાર્યપ્રણાલીને અપરિવર્તનશીલ સિદ્ધાંતોના આધારે નિયમબદ્ધ કરી રાખી છે.
  એક રીતે જુઓ તો કુરાનની આ આયાતમાં સમગ્ર વિજ્ઞાન નો પાયો છે એમ કહું તો ખોટું નથી. કારણ કે “વિજ્ઞાન એટલે પ્રકૃતિનો અભ્યાસ અને પ્રાકૃતિક ચીજોના વર્તન અને તેમાંથી પ્રાપ્ત થતું જ્ઞાન.” અને આવું ત્યારે જ શક્ય બને જ્યારે પ્રકૃતિની ચીજોના વર્તનમાં સાતત્ય હોય, તે ચોક્કસ નિયમ પ્રમાણે વર્તતી હોય. અને આ નિયમો બદલાતા ના હોય. અને એ વાત કુરાનમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
  અલ્લાહની કાર્યપ્રણાલી માં જો કોઈપણ પ્રકારનો ફેરફાર નથી આવવાનો અને સૃષ્ટિની શરૂઆત થી લઇ આખેરત સુધી અલ્લાહની કાર્યપ્રણાલી એક જ જેવી રહેવાની છે, એનો અર્થ થયો કે પ્રકૃતિમાં અને માનવ સમાજમાં જે પણ ઘટનાઓ ઘટે છે, તેની પાછળના સિદ્ધાંતો અટલ છે. અને એજ કારણસર ન્યુટનને પોતાના માથા ઉપર પડેલા સફરજન ની ઘટનાથી તેને પ્રકૃતિમાં વ્યાપ્ત ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધવાની પ્રેરણા મળી અને શોધ્યો. એવી જ રીતે માનવ ઇતિહાસનો અભ્યાસ કરીએ તો માનવ સભ્યતાના વિકાસ અને વિનાશના જે પરિબળો હોય છે તે દરેક સમયે સરખા જ હોય છે.
  હવે આ સફરજનની ઘટનાના સંદર્ભમાં વિચારો કે આજનો એક સામાન્ય ધાર્મિક મુસલમાનના માથા ઉપર સફરજન પડે, તો તે એવું વિચારશે કે અલ્લાહની એવી મરજી હશે. એટલે એમાં જે હાલત છે તેને જેવી છે તેવી સ્વીકારી લેવાની માનસિકતા સુક્ષ્મ રીતે જોવા મળે છે, પરંતુ જો તે એવું વિચારે કે સફરજન ઉપરથી નીચે પડ્યું તેની પાછળ અલ્લાહનો કોઈ નિયમ કામ કરે છે જેને જાણવો જોઈએ તો તેનો આ અભિગમ વૈજ્ઞાનિક અભિગમ કહેવાશે.
  કોઈ ઘટના ઘટી રહી છે તેની પાછળ કયો સિદ્ધાંત કે કયા પ્રકારની અલ્લાહની સુન્નત કે કાર્યપ્રણાલી અમલમાં છે તેને અભ્યાસ વડે જાણી શકાય છે. જ્યારે આપણને એવું લાગે કે આપણું કે આપણા સમાજનું પતન થઈ રહ્યું છે ત્યારે પણ એ જ વિચારવાનું કે આપણે અલ્લાહના કયા સિદ્ધાંતને સમજ્યા નથી? કે ક્યાં સિદ્ધાંતની અવહેલના કરી છે? અથવા, જે સમાજ કે વ્યક્તિની સરખામણીમાં આપણે પાછળ પડી રહ્યા છીએ તે સમાજ કે વ્યક્તિ અલ્લાહનો કયો એવો સિદ્ધાંત કે નિયમને અનુસરી રહ્યો છે, જેને આપણે ભૂલી ગયા છીએ તેનો વિચાર કરીએ તો આપણે ફરીથી સાચો માર્ગ પ્રાપ્ત કરી શકીશું. તમે વિચારો કે માત્ર પરિસ્થિતિઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાથી સમગ્ર સૃષ્ટિ બદલાઈ જાય છે.
  અહીં એવો પ્રશ્ન થશે કે પ્રકૃતિમાં જોઈએ તો પ્રાણીજગતમાં, વનસ્પતિ જગતમાં, સ્થૂળ કે ભૌતિક પદાર્થ, વાયુ, પ્રવાહી જગતમાં, અવકાશમાં, પૃથ્વીની અંદર, જે દેખાય છે ત્યાં અને જે નથી દેખાતું ત્યાં, તમામ ક્ષેત્રોમાં તો વિના વિરોધ અલ્લાહના નિયમો લાગુ છે. તો શું માનવ સમાજ માટે પણ અલ્લાહના આવા જ નિયમ છે, અને તે લાગુ પણ છે? તો જવાબ છે:
  ૨:૨૧૯- અલ્લાહ તમારા માટે પોતાના આદેશોને સ્પષ્ટ રીતે વર્ણન કરે છે જેથી તમે વર્તમાનના અને આખેરતના પરિણામો વિશે વિચાર કરી શકો.
  ચાલો માની લીધું અલ્લાહે માનવ જીવન અંગે પણ નિયમ તો વર્ણવી દીધા છે પરંતુ તેના અમલનું શું?
  આ વિષયમાં માનવીને તેણે સ્વતંત્રતા આપી છે:
  ૭૬:૩- અમે તેમને માર્ગદર્શન આપી દીધું છે જેની ઈચ્છા હોય એ તેને અનુસરે અને જેની ઈચ્છા ના હોય તે ના અનુસરે.
  પરંતુ, સૌથી મહત્વની એક વાત અહીં ધ્યાનમાં રાખવાની એ છે કે, તમે જીવનનો કયો માર્ગ કે વિકલ્પ પસંદ કરવા માંગો છો, તે પસંદ કરવાની તમને સ્વતંત્રતા ચોક્કસ છે, પરંતુ જીવનના દરેક માર્ગો કે વિકલ્પોના જે પરિણામ આવશે તે અલ્લાહના નિયમ પ્રમાણે આવશે. માનવીને પરિણામ ઉપર કોઈ અધિકાર નથી.
  ૨:૨૧૯- અલ્લાહ તમારા માટે પોતાના આદેશોને સ્પષ્ટ રીતે વર્ણન કરે છે, જેથી તમે વર્તમાનના અને આખેરતના પરિણામો વિશે વિચાર કરી શકો.
  ૪૧:૪૦- તમે તમારી મરજી મુજબ કાર્ય કરો, પરંતુ અલ્લાહ સારી રીતે જાણે છે કે તમે શું કરો છો. (અર્થાત્ તમે કોઈ પણ કાર્ય કરો પરંતુ અલ્લાહના નિયમ પ્રમાણે તમારા કાર્યનું પરિણામ તૈયાર થાય છે.)
  ૧૭:૧૩/૧૪- પોતપોતાના કાર્યોની યાદી દરેકને સાથે જ રહે છે, આખેરતમાં તે તેની સામે ખોલી નાખવામાં આવશે, તે સ્વયં વાંચશે. જે પોતપોતાના કાર્યોના હિસાબ માટે પૂરતી છે.
  અર્થાત્ આપણે કાર્યોની પસંદગી કરતી વખતે અલ્લાહના નિયમોને ધ્યાનમાં રાખવાના છે. એના માટે એટલે જ પહેલાંથી કહેવામાં આવ્યું કે:
  ૪૧:૪૬- જેણે રચનાત્મક કાર્ય કર્યા તેનો ફાયદો સ્વયં તેને થશે અને એનાથી વિપરીત વર્ત્યો તો તે નુકશાન પણ તેની જાતને જ થશે.
  આપણે જ્યારે પ્રકૃતિનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણને દેખાય છે કે અલ્લાહના નિયમોના પાલન ને કારણે સમગ્ર પ્રકૃતિમાં એક પ્રકારની એકસૂત્રતા અને સહઅસ્તિત્વ ની સુંદર ગૂંથણી જોવા મળે છે. કુરાન આ વિષયમાં કહે છે:
  ૬૭:૩- તમને અલ્લાહના સર્જનમાં એટલે કે પ્રકૃતિમાં કોઈપણ પ્રકારની ભૂલ નહીં દેખાય.
  પરંતુ માનવ સમાજમાં અલ્લાહના નિયમો નું પાલન થતું નથી એટલે તેમાં અંધાધૂંધી, અરાજકતા જોવા મળે છે. તો આવું ના થાય અને માનવ સમાજમાં પણ સુમેળ, એકસૂત્રતા, સહઅસ્તિત્વ નું સુંદર આવિષ્કાર થાય એવું ઈચ્છતા હોવ તો
  ૩:૧૦૩- દરેક સાથે મળીને અલ્લાહની રસ્સીને પકડી લો, અને પરસ્પર વિભાજિત ના થઈ જતા…
  દરેકના મગજમાં અલ્લાહની વિચારધારા એકસમાન હોવી જોઈએ જેથી કોઈ ખોટી અપેક્ષા ના રાખે.
  ૨:૧૩૭- તો, એ લોકો જ્યારે એવી રીતે મોમીન બને જેવી રીતે તમે લોકો મોમીન બન્યા છો ત્યારે તેઓ સાચી રીતે માર્ગદર્શન પામેલા થશે.
  આટલી ચર્ચા પછી એક વાત તો સ્પષ્ટ થઈ જ જાય છે કે:
  ૧. પ્રકૃતિના નિયમો આપવાવાળો અને માનવ સમાજને નિયમો આપવા વાળો અલ્લાહ એક જ છે.
  ૨. સ્વયં અલ્લાહની જાત આપણી પહોંચની બહાર છે.
  ૩. આપણી સમક્ષ જે સમગ્ર સૃષ્ટિ છે તે અલ્લાહના નિયમો પ્રમાણે ચાલે છે, એટલે આપણે તો જે કામ પડશે તે અલ્લાહના નિયમ સાથે પડશે. જેને પ્રકૃતિના નિયમ કે કુદરતના કાનૂન તરીકે ઓળખીએ છીએ. એટલે,
  ૪. જે પણ ઘટના ઘટે છે તેના માટે પ્રકૃતિના નિયમ કે કુદરતના કાનૂન જવાબદાર છે. હવે આપણું સંપૂર્ણ ધ્યાન આ પ્રકૃતિના નિયમ કે કુદરતના કાનૂન ને જાણવા ઉપર હોવું હોઈએ.
  ૫. પ્રકૃતિના આ નિયમ બે પ્રકારના છે એક પ્રકૃતિમાં વ્યાપ્ત છે અને બીજા કુરાનમાં લખેલા છે. એટલે,
  ૬. આપણા માટે અલ્લાહનું શરણ એટલે પ્રકૃતિના નિયમો અને કુરાનના નિયમો નું શરણ.
  ઉપર કેટલીક કુરાનની આયાતો ના આધારે જે ચર્ચા કરી તેના પછી મારા મનમાં એક તારણ તો અવશ્ય નીકળે છે કે જે વ્યક્તિ કે સમાજ જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ નથી રાખતો તે મુસ્લિમ ના હોઈ શકે.
  ~હિદાયત.
  #######################

  Liked by 1 person

 2. મિત્રો,
  ‘ શ્રઘ્ઘા‘ ના બે પ્રકાર છે.
  ‘ આત્મવીશ્વાસ ‘ જ્યારે પોતાનામાં જ ઉભરે છે ત્યારે તે આત્મવીશ્વાસ તે માનવીનામાં ‘ પોતાની શક્તિમાં શ્રઘ્ઘાના રુપમાં જન્મે છે. ‘ જ્યારે પોતાનો આત્મવીશ્વાસ, પોતાનામાં જ શક્તિ બને છે તેને તે માનવીની પોતાનામાં જે છે તેને તે ‘શ્રઘ્ઘા ‘ પણ કહી શકે છે….મને મારી શક્તિમાં શ્રઘ્ઘા છે.
  બીજાની શક્તિ ઉપર આઘાર રાખીને તેનો ઉપયોગ કરનાર માનવીને માટે તે કહેવાતી ‘ શ્રઘ્ઘા‘ ‘ અંઘશ્રઘ્ઘા‘ માં બદલાઇ જાય છે તેની તેને ખબર નથી પડતી. શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘાની વચ્ચે કોરોના વાઇરસ જેટલી પાતળી કે ઝીણી રેખા હોય છે કે તે કોરોના વાઇરસની જેમ દેખાતી નથી હોતી.
  કોરોના વાઇરસ માઇક્રોસ્કોપ વિના દેખાતા નથી…તેમ અંઘશ્રઘ્ઘાનું પણ છે. કોરોના વાઇરસથી બચવા ભગવાનને નોતરું દેનારને બચાવવા જ્યારે ‘ ભગવાન ‘ દેખાતા નથી કે આવતા નથી ત્યારે નાસીપાસ થવું તે શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘા વચ્ચેની રેખા પાર કરી જાય છે…યદા યદા હી ઘર્મસ્ય…..માં શ્રઘ્ઘા રાખીને જીવન જીવતો માનવી જીવનના છેલ્લા દિવસોમાં સમજી જાય તો સારું…પણ મરતાં મરતાં પણ પોતાની શ્રઘ્ઘા લઇને જનારને શું કહેવું ?…અંઘશ્રઘ્ઘાળું ?
  દરેક વસ્તુને અેક લિમીટ હોય છે.
  આદર્શ અેક અવી વસ્તુ છે જેને લોકો ૧૦૦ ટકા મેળવવાની વાતો કરે છે પરંતું દુનિયામાં કદાચ અેક પણ માવી નહિ જડે કે જેણે ‘ આદર્શ ‘ અેચીવ કર્યં હોય.
  શ્રઘ્ઘાને પણ લીમીટમાં જીવો……..
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. સ્નેહીશ્રી હિદાયતુલ્લાહ સાહેબે ‘ શ્રઘ્ઘા ‘ ના વિષય ની ચર્ચામાં ‘ કુરાને સરીફ ‘ સમજાવી દીઘું.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. પ્રા. રમણ પાઠકનો મનનીય લેખ પ્રમાણે અંધશ્રદ્ધાવાળી માન્યતાઓ ઘણી ઓછી થઇ છે પણ સુકા ભેગુ લીલુ પણ ન બળે તેનો ખ્યાલ રાખવો જોઇએ જેમકે-અમારા પૂ રવિશંકર મહારાજે આ અંગે સમજાવતા કહ્યુ હતુ.શીતળામા અને બળિયાબાપા જેવા દેવ-દેવીઓની પૂજાને અંધશ્રદ્ધા ન કહેવાથી શ્રદ્ધાની વિભાવનાનું ઘોર અપમાન થાય છે. વીમો લઈને પ્રીમીયમ ભરીને પોતાની ગેરહાજરીમાં પોતાના કુટુંબના યોગક્ષેમની જવાબદારી વીમા કંપનીને સોંપવાને બદલે પરમેશ્વર પર ઢોળવી તે સાચી શ્રદ્ધા નથી, નિષ્કાળજી છે, પરાવલંબી મનોવૃત્તિનું લક્ષણ છે. બીમાર સ્વજનની દાકતરી સારવાર કરાવવાને બદલે પાણીના કે કાળી માટીના પોતા મુકવા અને પ્રાર્થના કર્યે રાખવી તે પણ બિનજવાબદાર પગલું છે, શ્રદ્ધા નથી. આવી શ્રધ્ધાને આપણે શું કહી શકીએ? તેને ખોટી અથવા અંધશ્રદ્ધા ન કહીએ તો પણ કાચી તો કહી શકાય.
  .
  આપણી શ્રદ્ધા એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજાનું અહિત થાય.

  Liked by 1 person

 5. મિત્રો,
  શ્રઘ્ઘા………
  રેફરન્સ : સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક ‘ ગીતા અને આપણા પ્રશ્નો ‘ પાના નં :૬…..૭…
  આપણે જ્યારે કોઇ ગ્રંથને કે કોઇ વ્યક્તિને પરમ દૈવી તત્વ માની લઇઅે ત્યારે અે ભૂલી જઇઅે છીઅે કે આ અતિશ્રઘ્ઘાનું રુપ છે, જે ગમે ત્યારે અંઘશ્રઘ્ઘા કે કદાગ્રહનું રુપ ઘારણ કરી શકે છે. અેક વાર તમે કોઇ ગ્રંથ કે કોઇ વ્યક્તિને પૂર્ણ માની લો પછી તમે તેમાંથી ભૂલો ના કાઢી શકો. જો કોઇ બીજા માણસો ભૂલો બતાવે તો તમે સ્વીકારવા તો ના જ તૈયાર થાવ પણ સાંભળવાની સહનશક્તિ પણ રાખી ના શકો………..
  ચુસ્ત સંપ્રદાયો માનવ જીવનવિકાસમાં લગભગ નિષફળ રહે છે, કારણ કે તેમની બઘી શક્તિ સત્ય બોલવા કે સ્વીકારવામાં નહિ, સદાચાર અને સૌજન્યભર્યું જીવન જીવવામાં નહિ, પણ પોતાના દૈવી ગ્રંથ તથા દૈવી વ્યક્તિના બચાવમાં લાગી જતી હોય છે.
  પ્રજા જ્યારે પ્રગતિશીલ વિચારો ઘરાવીને તથ્યાતથ્ય યોગ્ય નિર્ણય કરીને આગળ વઘતી હોય છે ત્યારે તેનો વિકાસ થતો હોય છે. પણ પ્રજા જ્યારે કોઇ ગ્રંથ કે વ્યક્તિવિશેષમાં અટકિ જઇ અટવાઇ જતી હોય છે ત્યારે વિકાસનિ પૂરી શક્યતાઓ હોવા છતાં તે પછાત પ્રજા બની જતી હોય છે……
  મિત્રો,
  આજે બપોરે ભારતીય ટીવી ચેનલ ABP……ઉપર સમાચાર જોતો હતો…..બિહારમાં નદીઓઅે બાઢ…..રેલે ખૂબ મોટું નુકસાન કર્યુ તે બતાવતા હતાં….સાથે સાથે લખાણ બતાવતા હતાં….ભગવાન ભરોશે જીવન મુકી દીઘું છે…….સરકારી ઓફીસરો નદી પાસે ભગવાનની પૂજા કરતાં હતાં….આ ઓફીસરોમાં….સરકારી ઇન્જીનીયરો બેઠા હતાં. જે ઓફીસર બચાવના કર્મો કરવા માટે નોકરી કરતાં હોય તે પોતાની ફરજ ચૂંકીને ભગવાનની પૂજામાં વ્યસ્ત હતાં. અહિં ‘ શ્રઘ્ઘા ‘ કે ‘અંઘશ્રઘ્ઘા‘ કોણ કામ કરી રહે છે તે કોણ નક્કિ કરે ?
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s