અન્ધશ્રદ્ધા છોડીને વીચારશીલતા અને સ્વવીવેક દાખવવાનો અનુરોધ કરતી પુસ્તીકા ‘ભારેલા અગ્નીના તણખા’માંથી માનનીય શ્રી. યશવંત મહેતાએ ચુંટી કાઢેલ 30 ‘રૅશનલ પંક્તીઓ’ પ્રસ્તુત છે.
‘ભારેલા અગ્નીના તણખા’
(રૅશનલ પંક્તીઓ )
–પ્રા. જે. પી. મહેતા
પ્રા. જે. પી. મહેતાનું વતન મહુવા (સૌરાષ્ટ્ર). તેઓ એમ. એ. (ગુજરાતી) થઈ પ્રાધ્યાપક બન્યા. મુમ્બઈ અને મહુવામાં અધ્યાપન કરી નીવૃત્ત થયા. દરમીયાન વાચન–વીચારને પ્રતાપે રૅશનલ (વીવેકબુદ્ધીવાદી)બન્યા. ઘણાં વર્ષોથી હવે વૈજ્ઞાનીક વીચારસરણીનો પ્રચાર કરે છે. અગાઉ ગૌતમ બુદ્ધ, ચાર્વાક, કબીર, એન. એમ. રૉય, રાહુલ સાંકૃત્યાયન આદી મનીષીઓએ જે કામ કર્યું તેને પ્રા. મહેતા આગળ વધારી રહ્યા છે.
આજકાલ આપણી આસપાસ ધર્માંધતા, ધર્મને નામે દુર્વ્યય, તોડફોડ, ઈર્ષ્યા–અલગાવ, ધીક્કાર અને ભયાનક ઘોંઘાટ વધી ગયાં છે. ધર્મને બહાને કત્લેઆમ ચાલે છે. ધર્મને નામે પુરોહીત વર્ગ તાગડધીન્ના કરે છે, એશઆરામ કરે છે, ભોગવીલાસ કરે છે. ધર્મ આમજનતાને કશું જ આપ્યા વગર એની આસ્થા, એનો સમય, એનું ધન અને ક્યારેક તો એની અસ્મત લુંટે છે. પ્રા. જે. પી. મહેતા માને છે કે આ સર્વગ્રાહી લુંટથી બચવું હોય તો ‘વીવેકબુદ્ધી’થી વર્તવું રહ્યું.
હમણાં પ્રા. મહેતાની એક નાનકડી પુસ્તીકા મળી. એ છે ‘ભારેલા અગ્નીના તણખા’ અથવા ‘રૅશનલ પંક્તીઓ’. આમાં એમણે ધાર્મીક અન્ધશ્રદ્ધા છોડીને વીચારશીલતા અને સ્વવીવેક દાખવવાનો અનુરોધ કરતા 213 પંક્તીઓ તેમ જ કેટલીક અન્ય સામગ્રી પ્રગટ કરી છે. નવું વર્ષ નવી પ્રતીજ્ઞા લેવાનું, નવાં કાર્યો શરુ કરવાનું, નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું ટાણું ગણાયું છે. નવું વર્ષ શરુ થયું છે ત્યારે આ પંક્તીઓમાંથી કેટલીક પંક્તીઓ વાંચીએ. એકદમ જુદા પ્રકારનું આ વાચન બનશે…
●રસાસ્વાદ●
યશવંત મહેતા
47–એ, નારાયણનગર, પાલડી, અમદાવાદ
ફોન : (079) 2663 5634
સેલફોન : 94280 46043
ઈ.મેલ : yeshwant.mehta.1938@gmail.com
1
સમ્પ્રદાયના વાદથી રોજ વીતંડા થાય,
લડીલડી ધર્માંધ સૌ અન્તે પાળીયા થાય.
2
માનવતાને માનવી માને જીવનસાર,
નીર્દંભી નીશ્ચીંત થઈ કરશે બેડો પાર.
3
આત્મા ને પરમાત્મા કેવળ મનોતરંગ,
કોઈએ જોયો–જાણ્યો ના તેનો એકે રંગ.
4
તું ઘેટું તો છે નહીં, કોઈને ના અનુસર,
તારી ‘વીવેકબુદ્ધી’ કહે, તેવું તું આચર.
5
કરોડ–કીમતી મગજને કોઈને ચરણે ન ધર,
વૈજ્ઞાનીક વીચારથી તું જ નીર્ણય કર.
6
યજ્ઞ કર્યે વરસાદ હો, તો કર ભર ઉનાળે,
એકે ટીપું વાદળું નહીં તને પલાળે.
7
જોશીડા જો ભાવીને જાણી શકતા હોત,
કદીય તેના કુટુમ્બમાં અકસ્માત ન હોત.
8
નંગ–વીંટીથી ફાયદો તને કદી નહીં થાય,
સોનીડો લુંટી તને ઘી ને કેળાં ખાય.
9
એકે બાવા–બાપુએ કરી નથી કંઈ શોધ,
પાડે પસીનો પ્રયોગમાં, વીજ્ઞાનવીરને ખોજ.
10
રાત–રાત ભર જાગીને ભજન કર્યે નહીં સાર,
દીવસ દીવસભર કર્મથી કુટુમ્બ–દેશને તાર.
11
કોઈ કહે તે માન ના, ‘વીવેકબુદ્ધી’ વીચાર,
સ્વનીર્ભર બન, તો જ તું પામીશ જીવનસાર.
12
સુર્યમન્ત્રના જપ તજી, સુર્યકુકર અપનાવ,
સુર્યપુજાનો માર્ગ એ સત્ય, સમજ, સમજાવ.
13
કથાકારના ટાંટીયા કેમ પુજો, હે મુઢ !
તેના જીવનભેદ તો ઘણા ગુપ્ત ને ગુઢ.
14
બાળકની નીર્દોષતા જીવનમાં અપનાવ,
છળ–કપટો–ઈર્ષા–અહંના છોડી દે દાવ.
15
સંસારીને વખોડીને સંસારીનું જ ખાય,
આવા ઢોંગી બાવા–બાપુથી ખાસું અન્તર રખાય.
16
ધ્યાન, સમાધી, ધુણવું, મનોરોગ–નીશાન,
ડૉક્ટર પાસે જઈ કરો તેનું સત્ય નીદાન.
17
ચરણ કોઈના ‘કમળ’ નથી, બધે ટાંટીયે ધુળ,
લાંબા થઈ દંડવત્ કરી કદી ન કરશો ભુલ.
18
પ્રેમ હોય તો ભેટજો, માન આપવા નમન,
ગંદા ઝાલી ટાંટીયા કદી ન જાશો શરણ.
19
શંકાની ગુરુચાવીથી, ખુલે સત્ય–તાળાં,
પ્રશ્ન કરે તેને બધા મળશે સરવાળા.
20
ગલીએ ગલીએ મન્દીરો, ભગવાનની દુકાન,
ધર્મ બન્યો ધંધો હવે, જાગ જાગ ઈન્સાન.
21
દોરા–ધાગા, હવન–જપ, કરે ન કોઈ ગોરા,
તોયે સ્વર્ગસુખ માણતા, વીચાર તું ભોળા !
22
માળા તો કરમાં ફરે, જીભમાં બડબડ ગાળ,
ઘરે ઘરે આ ડોશીઓ અભીશાપરુપ ભાળ.
23
ધર્મ નહીં ઈશ્વર નહીં, ના કોઈ ક્રીયાકાંડ,
જ્યોતીષ–પુજા–પ્રાર્થના, આગ ગણીને છાંડ.
24
પોથીમાંનાં રીંગણાં પંડીતથી જ ખવાય,
ચીજવસ્તુ હરામની તેને ઘેર ભરાય.
25
બાવાની પગચંપીમાં બધી સેવીકા હોય,
અંધારે એ શું કરે, પુછજો કદીક કોઈ.
26
લસલસતા ઘી–લાડુથી પાડા સમ અલમસ્ત,
બાવાથી બીએ બધો યુવતીસમુહ સમસ્ત.
27
‘પથ્થર પુજે હરી મીલે, તો મૈં પુજું પહાડ’
પથ્થર છે ઈશ્વર અગર, તો કેમ મન્દીરે ધાડ?
28
સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વીવેક;
સાદું, કર્મઠ જીવન જીવ, કર ન કદી અતીરેક.
29
તારા જીવનની પળો તું જ ઘડી લે, ભાઈ,
પરાવલંબી બન નહીં, તુજ તાકાત સવાઈ.
30
‘વીવેકબુદ્ધી’ શ્રેષ્ઠ છે, વીજ્ઞાનવાતો સત્ય,
ધર્મો તણી ભવાઈમાં, ભારોભાર અસત્ય.
…પ્રા. જે. પી. મહેતા…
સર્જક–સમ્પર્ક : પ્રા. જીતેન્દ્ર પી. મહેતા, બી/4, ‘પંચશીલ’, વીદ્યાભવન સ્કુલ સામે, ઘાટકોપર (ઈસ્ટ), મુમ્બઈ – 400 077 સેલફોન : 93210 29015
‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ) પુસ્તીકા {પ્રકાશક : પ્રા. જે. પી. મહેતા (સરનામું અને સેલફોન નમ્બર ઉપર મુજબ), પાનાં : 24, (પુસ્તીકા અપ્રાપ્ય છે)} તેમ જ ‘સન્ડે ઈ–મહેફીલ’ વર્ષ : પહેલું, અંક : 032, તારીખ : 15 જાન્યુઆરી, 2006માંથી, સર્જક–પ્રકાશક અને ‘સન્ડે ઈ–મહેફીલ’ના સમ્પાદક ઉત્તમ ગજ્જર ઈ.મેલ : uttamgajjar@gmail.comના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
Very true and appropriate!
LikeLiked by 1 person
Very nicely said in the style of Akho. Congratulations to the good professor and involved in making this public.
LikeLiked by 2 people
નંગ–વીંટીથી ફાયદો તને કદી નહીં થાય,
સોનીડો લુંટી તને ઘી ને કેળાં ખાય.
Need to think and get reed of fear. sarayU parIkh
LikeLiked by 1 person
સ્નેહી શ્રી મહેતા,
તમે તમારા વિશાળ વાંચનને વલોવીને ‘ માખણ ‘ કાઢીને આ ૩૦ નિષ્કર્ષ પીરસ્યા છે, તે પણ વિક્રમ સંવત ૨૦૭૭ના સમયને અનુરુપ. ( ૨૦૨૦ ).
અખાને ફોલો કરવાની તમારી ઇચ્છા સમજમાં આવે છે.
EXTRACTS…..સારા અેવાં છે જે સમજદારને ‘ વિવેકબુઘ્ઘિ ‘ તરફ દોરે છે. પરંતું કથાકાર કે બીજા બની બેઠેલાં ‘ ભગવાનો ‘ ના ફોલોઅર્સને બુઘ્ઘિ કોણ આપે ?
જ્યાં સુઘી હિન્દુઓની વાત છે……તો…..અભણ અને અંઘશ્રઘ્ઘાળુઓની સંખ્યા અેટલી મોટી છે કે ??????????? ઝાડને પાંદડે પાંદડે ભગવાનો બેઠા છે…..કથાકારો ઘૂણે છે…..ત્યારે….
‘ કથાકારના ટાંટીયા કેમ પુજો હે મુઢ ?
તેના જીવનભેદ તો ઘણા ગુપ્ત અને ગુઢ.‘
ફોલોઅર્સની ‘ અંઘશ્રઘ્ઘા‘…..સમજાવનારને જ મારી નાંખશે. અને તે અંઘશ્રઘ્ઘાળું શું કરશે ? તેમની દિકરીઓને ક્યાં મોકલશે ?……
‘ બાવાની પગચંપીમાં બઘી સેવીકા હોય,
અંઘારે અે શું કરે, પુછજો કદીક કોઇ. ‘
ઉત્તર ભારતમાં જઇઅે, મઘ્યભારતમાં જઇઅે ત્યારે અંઘશ્રઘ્ઘાળુઓના ટોળે ટોળા મળે. ઇવન ગુજરાત પાછળ નથી.
‘ આદર્શ ‘ મેળવવા, કે પામવા ખૂબ કઠીન છે. પ્રેક્ટીકલ લાઇફ જીવવી રોજીન્દી વાત છે….
.કથાકારો, બાવાઓ અંઘ+ઘ્ઘાળુઓને ચૂસીને હલવા..લાડુ ખાય છે.
અંઘશ્રઘ્ઘાળુઓને જગાડવાના તમારા પ્રયત્નો ખૂબ સ્વીકારાય. સફળ બને. ગુજરાતી વાંચન પણ નજીવું થઇ ગયુ છે. બુક વેચાણ પણ…….
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Best – only correct Vikram samvat 2077.
LikeLiked by 1 person
આપના સુચન મુજબ માનનીય અમૃતભાઈના પ્રતીભાવમાં સુધારો કર્યો છે.
ધન્યવાદ.
–ગોવીન્દ મારુ
LikeLike
Nice job done by you
LikeLiked by 1 person
‘ભારેલા અગ્નીના તણખા’(રૅશનલ પંક્તીઓ ) –પ્રા. જે. પી. મહેતામા ‘રૅશનલ પંક્તીઓ’. આમાં એમણે ધાર્મીક અન્ધશ્રદ્ધા છોડીને વીચારશીલતા અને સ્વવીવેક દાખવવાનો અનુરોધ કરતા ૨૧૩ પંક્તીઓ તેમ જ કેટલીક અન્ય સામગ્રી પ્રગટ કરી છે.તેમાંથી ૩૦ રૅશનલ પંક્તીઓ માણી
ધન્યવાદ
LikeLiked by 1 person