બહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું?

‘પાયરોમેનીયા’ના દર્દીઓને તીવ્ર, અદમ્ય આકર્ષણ શાનું હોય છે? તેઓ કોને ખુબ રસપુર્વક નીહાળતા હોય છે? આવા જ બીજા વીચીત્ર માનસીક રોગોની મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી આ લેખમાં પ્રસ્તુત છે…

19

બહુમાળી મકાન શાને લીધે
આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું?

–ડૉ. મુકુલ ચોકસી

(‘મનોચીકીત્સા’ અંગેનો 18માં લેખ પર જવા માટે સ્રોત : https://govindmaru.com/2020/06/29/dr-choksi-18/)

સામે આઠ માળનું મકાન ભડકે બળતું હતું. લોકોની ચીચીયારીઓથી શહેર ઉભરાઈ રહ્યું હતું. ફાયરબ્રીગેડનો આખો સ્ટાફ છેલ્લા ચાર કલાકથી ભારે જહેમત ઉઠાવીને શક્ય એટલા માણસોના જાન બચાવવામાં પ્રવૃત્ત હતો. સમગ્ર વાતાવરણ નાસભાગ, ડુસકાં, સાયરનો, જ્વાળાઓ અને ધુમાડાઓમાં લપેટાઈ ગયું હતું.

શ્રીયુત બીહારીલાલ ગુપ્તા જેવો પીઢ, જમાનાનો ખાધેલ માણસ પણ બે ઘડી આધાતમાં કંઈ બોલી ન શક્યો. કેમ કે આ શહેરની છેલ્લા પચાસ વર્ષોમાં લાગેલી આ સૌથી મોટી આગ હતી. અને કમનસીબે એ તેની જ બહુમાળી ઈમારતને ભરખી ગઈ હતી. શહેરભરમાં પોલીસની, ખબરપત્રીઓની, બીલ્ડરોની, ઈન્સ્યોરન્સ એજન્ટોની તથા રાજકીય માણસોની પુછપરછ અવીરતપણે ચાલુ હતી. ફાયરબ્રીગેડના લાશ્કરો પાણીના મારા વચ્ચેથી, દાઝી ગયેલાઓને એક પછી એક એમ્બ્યુલન્સમાં ગોઠવતા હતા. અને બીલ્ડીંગના માલીક બીહારીલાલ ગુપ્તા બીલ્ડીંગથી દુર એકત્ર થયેલા ટોળાંની મધ્યમાં ઉભા ઉભા સૌ પ્રવૃત્તીઓને બાધાની જેમ જોઈ રહ્યા હતા.

એવામાં બીલ્ડીંગનો ચીફ સીક્યોરીટી ગાર્ડ કુંવરસીંહ દોડતો દોડતો આવ્યો અને ટોળાંને ધકેલતો ધકેલતો મધ્યમાં ઘેરાયેલા બીહારીલાલના કાનમાં કંઈક બોલ્યો અને તેઓ બન્ને હાંફળાફાંફળા, દોડતા, દુર આવેલા મેદાનના અન્ધકારમાં અદ્રશ્ય થઈ ગયા. થોડી જ વારમાં તેઓ એક વેરાન રસ્તા પાસે આવીને અટક્યા. બીહારીલાલ મુંઝાઈ ગયા હતા; પરન્તુ તેમને ગાર્ડ કુંવરસીંહ ઉપર અતુટ વીશ્વાસ હતો અને એટલે જ તેઓ આગગ્રસ્ત ઘટનાસ્થળને છોડીને અહીં સુધી આવ્યા હતા. કુંવરસીહે હાંફતા અવાજે કહેવાનું શરુ કર્યું, “દેખીયે સાબ… હમને આજ તક આપકા નમક ખાયા હૈ… આપસે મૈં જુઠ નહીં બોલ સકતા… આપકો અગર મેરી બાત પે યકીન ન આયે તો મુઝે માર ડાલીયે…” તેના ગળામાંથી અવાજ જેમતેમ બહાર આવતો હતો અને તેનું શરીર ધ્રુજતું હતું. બીહારીલાલની ધીરજ ખુટી જવા આવી હતી. તેમણે લગભગ રાડ પાડીને કહ્યું, “કુંવરસીંહ! જે કંઈ છે તે જલદીથી બોલી નાખ! મારી પાસે સમય નથી.” કુંવરસીંહે બે હાથ જોડીને, ધીમા અવાજે, અટકીને બોલવાનું શરુ કર્યું, “સાબ! આપકા બેટા અજીત હૈ ના!… વો યે આગ લગને સે પહેલે ઈસ બીલ્ડીંગમેં આયા થા… ઉસકે હાથમેં પેટ્રોલકા ડીબ્બા થા… વો ચોથે માલે પે ગયા જહાં કપડોંકા ભરા હુવા ગોડાઉન હૈ… ઔર અજીત કે વહાં જાને કે બાદ, વહીં સે આગ કી શરુઆત હુઈ.”

અને બીહારીલાલને તમ્મર આવી ગયા. તેમણે કુંવરસીંહનો હાથ જોરથી પકડી રાખ્યો. કુંવરસીંહની વાત ઉપર અવીશ્વાસ કરવાનો પ્રશ્ન જ નહોતો; પણ તેમને એ ન સમજાયું કે અજીત આવું શું કામ કરે! તેમણે મનોમન વીચારી જોયું કે કદાચ કુંવરસીંહની આંખ ભુલમાં બીજી કોઈ વ્યક્તીને અજીત સમજી બેઠી હોય… અથવા કદાચ પેટ્રોલના ડબ્બામાં પેટ્રોલ નયે હોય… “મને હમણાં ને હમણાં અજીત પાસે લઈ જા.” બીહારીલાલે કહ્યું. અને તેઓ બન્ને ફરી પાછા ઝડપથી ચાલતા, ભડકે બળતા ધુમાડીયા બીલ્ડીંગ સમીપ આવી પહોંચ્યા. બીહારીલાલ ટોળામાં દાખલ થયા કે તરત જ મેયર, પોલીસ કમીશ્નર તથા ફાયરબ્રીગેડના ચીફ ઑફીસર સાથે ચીંતીત સ્વરે ચર્ચામાં પરોવાયા કે કુંવરસીંહ ચપળતાપુર્વક બીજી દીશામાં સરકી ગયો. તેની ગતીશીલતા અને સમયસુચકતા ગજબનાક હતા. તે ગયો અને પાંચ જ મીનીટમાં ત્વરાથી પાછો ફર્યો. આજુબાજુમાં ઉભેલાઓને શંકા ન જાય રીતે તેણે બીહારીલાલને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યા અને પોતાની પાછળ પાછળ આવવા સુચવ્યું. તેઓ બન્ને એકબીજા વચ્ચે ખાસ્સું એવું અન્તર રાખીને ચાલતા ચાલતા, ગોળ ચકરાવો લેતા બીલ્ડીંગના પાછલા ભાગ તરફ પહોંચ્યા. એ બાજુ પણ એવું જ નાસભાગવાળું, તનાવપુર્ણ વાતાવરણ હતું. સૌનું ધ્યાન બીલ્ડીંગમાંથી નીકળતા દાઝેલા માણસો તરફ હતું. કુંવરસીંહ અને બીહારીલાલ ટોળાંની બરાબર પાછળ આવી લાગ્યા અને ત્યાં જ અટકી ગયા.

કુંવરસીંહે જમણી દીશામાં આંગળી ચીંધી અને ત્યાંનું દ્રશ્ય જોઈ બીહારીલાલ સડક થઈ ગયા. જમણી તરફ આવેલી ઝાડીઓ વચ્ચે તેમને તેમનો પુત્ર અજીત ઉભેલો દેખાયો. મકાનમાંથી નીકળતી જ્વાળાઓની ઝાંયથી તેનો તામ્રવર્ણો ચહેરો સ્પષ્ટપણે દેખાતો હતો. નવાઈની વાત એ હતી કે અજીતના ચહેરા પર આઘાતને બદલે કોઈક પ્રકારનો આનન્દ દેખાતો હતો. અજીત ભડકે બળતા મકાનને ખુબ જ તાદાત્મ્યથી અને રસપુર્વક જોઈ રહ્યો હતો. સૌથી વધુ મહત્ત્વની વાત તો એ હતી કે પેલો પેટ્રોલનો ડબ્બો હજુ સુધી તેના હાથમાં જ ઝલાયેલો હતો. બીહારીલાલે કુંવરસીંહનો હાથ જોરથી પકડી લીધો. જેમ તેમ સ્વસ્થતા જાળવીને તેમણે  કુંવરસીંહને કહ્યું, “આ વાત માત્ર આપણા પુરતી જ રહેવી જોઈએ અને આજથી તારે માત્ર અજીતનું જ ધ્યાન રાખવાનું છે.”

આગ પર સમ્પુર્ણ કાબુ આવતા બીજા ચાર કલાક વીતી ગયા. શહેર આખું અહીં ટોળેટોળાં વળી ઉભરાતું હતું. રાહતકાર્યો જોરશોરમાં શરુ થઈ ગયા હતા. ફાયરબ્રીગેડના બમ્બાઓ આવતા અટક્યા અને હૉસ્પીટલની વાનો, એમ્બ્યુલન્સો તથા ડૉક્ટરો, નર્સોની અવરજવર શરુ થઈ ગઈ. આ બધાં સમય દરમીયાન શેઠ બીહારીલાલના કુટુમ્બના એકેએક સભ્યો દોડધામમાં વ્યસ્ત હતા. સીવાય એક અજીત. કોઈને ખબર નહોતી કે તે ક્યાં હતો. માત્ર તેની જાસુસી કરવા રોકાયેલા કુંવરસીંહને જ ખબર હતી કે અજીત મોડી રાત સુધી એ જ ઝાડીમાં ઉભો ઉભો કોઈ તીવ્ર ખેંચાણથી રસપુર્વક એ આગને જોઈ રહ્યો હતો.

પછી તો ધીમે ધીમે બધું થાળે પડતાં એક આખો મહીનો વીતી ગયો. બીહારીલાલ કાયદાકીય કાર્યવાહીમાં રોકાયેલા રહ્યા; પણ તેમનું મન બીજા કશામાં ચોટતું નહોતું. તેમને ચીંતા એ વાતની હતી કે અજીતે કોની સાથે મળીને આ કાવતરું કર્યું હશે? તેમના ઘણાં શત્રુઓ હતા; પણ આગ પછીના ગાળામાં અજીતની હીલચાલ એટલી સીધીસાદી અને નોર્મલ હતી કે કોઈ માનવા પણ તૈયાર ન થાય કે એ આગ લગાડનાર અજીત હતો. અજીત આખા મહીના દરમીયાન એકકેય અજાણી કે શંકાસ્પદ વ્યક્તીને મળ્યો નહોતો. એટલે જ બીહારીલાલના મનમાં ને મનમાં કોયડો વધુ ને વધુ ગુંચવાતો જતો હતો. અન્તે થાકીને તેમણે અજીત ઉપર નજર રાખવાનું કામ એક પ્રાઈવેટ ડીટેક્ટીવ મી. તીવારીને સોંપી દીધું.


ડૉ. મુકુલ ચોકસીની ‘ઈ.બુક’
મતાંતર’
નો આજે લોકાર્પણ થયો…
‘અભીવ્યક્તી’ના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ
https://govindmaru.com/e-books પરથી
તે ડાઉનલોડ કરવાનું ચુકશો નહીં. જે કોઈ વાચકમીત્ર
મને પોતાનું નામ, પુરું સરનામું, કૉન્ટેક્ટ નમ્બર સાથે લખશે,
તેમને હું ‘ઈ.બુક’ ઈ.મેઈલ/વોટ્સએપથી મોકલીશ.
ધન્યવાદ…
...ગોવીન્દ મારુ
govindmaru@gmail.com

એ વાતને માંડ સાતેક દીવસ થયા હશે, એવામાં એક બપોરે મી. તીવારી અચાનક બીહારીલાલને મળવા આવી લાગ્યા. બીહારીલાલને આશ્ચર્ય થયું. સાથે આશા પણ જન્મી કે કદાચ તીવારી કંઈક જાણી લાવ્યા હશે! અને તેમની આશા સાચી નીવડી; પણ મી. તીવારીએ જે કંઈ કહ્યું તે બીહારીલાલની સમજ કે કલ્પના બહારનું હતું. મી. તીવારી તેમને સમજાવવા પ્રયત્ન કરતા હતા. “જુઓ શેઠ! મેં અજીતને પહેલા ત્રણ દીવસ સુધી લાગલગાટ મારી નજર હેઠળ રાખ્યો. તે દરમીયાન મેં જોયું કે અજીત જ્યારે જ્યારે કીચનમાં જાય છે ત્યારે તેની નજર બળતા ગેસ ઉપર જ હોય છે. તે એકલો પડે છે ત્યારે સીગારેટ સળગાવીને કેટલીય મીનીટો સુધી તેને તાકતો બેસી રહે છે. એક વાર મેં તેને કોઈ જ કારણ વગર ઘાસનો પુળો સળગાવતા જોયો. અને મને સૌથી વધુ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તે સાંજે એકલો એકલો સ્મશાનમાં જઈને બળતી ભઠ્ઠીઓ સામે બેસી રહેતો જોવા મળ્યો.

બીહારીલાલ આ બધું સાંભળીને અકળાઈ ગયા. તેઓ બોલી ઉઠ્યા, “કંઈ સમજાય એવી વાત કરો તો સારું, તીવારી! મેં તમને એટલા માટે રાખ્યા છે કે મારા કયા શત્રુઓ અજીતને ભડકાવે છે, તે તમારે શોધી કાઢવાનું છે. તમે આવી નજીવી બાબતમાં નકામો સમય વેડફી રહ્યા છો.” પણ તીવારી વચ્ચેથી જ શેઠને અટકાવીને બોલી ઉઠ્યા, “હું એ જ કહેવા માગું છું કે, હું નજીવી વાતમાં સમય નથી વેડફી રહ્યો. તમને નવાઈ લાગતી હશે; પણ મારી વાત ધ્યાનપુર્વક સાંભળો. અજીત તમારા કોઈ જ શત્રુ સાથે મળેલો નથી. તેને તમારી કોઈ મીલ્કતનો નાશ કરવામાં કે પચાવી પાડવામાં જરાય રસ નથી. તેણે આ આગ ચાંપવાનું જે કઈ વીચીત્ર પગલું ભર્યું છે તે તેના એક માનસીક રોગનું પરીણામ છે. એ રોગનું નામ ‘પાયરોમેનીયા’ છે. અજીતને જોતાવેંત જ મને ખાતરી થઈ ગઈ હતી કે તે આવા બીલ્ડીંગ ફુંકી દઈ શકનારા રીઢા ગુનેગારોમાંનો એક નહોતો. છતાં પણ તેના કેટલાક વીચીત્ર વર્તનો અંગે મેં એક મનોચીકીત્સકની સલાહ લીધી હતી. તેમણે આપેલી માહીતી ઉપરથી આગળ વધીને છેલ્લા ચાર દીવસમાં મેં પુષ્કળ તપાસ કરી છે. ‘પાયરોમેનીયા’ના દર્દીઓને વારંવાર કોઈ જ કારણ વગર આગ ચાંપવાનો મનમાં એક ઉભરો આવતો હોય છે, જેને ‘ઈમ્પલ્સ’ કહેવાય છે. આ ‘ઈમ્પલ્સ’ ઉપર તેઓનો કોઈ કાબુ નથી હોતો. આગ ચાંપ્યા પછી તેઓને સળગતી વસ્તુઓની જ્વાળાઓ, જ્યોત કે ભડકાઓ જોવાનું અદમ્ય આકર્ષણ તથા તીવ્ર ખેંચાણ હોય છે. એ સીવાય બાકી બધી રીતે તેઓ આપણા જેવા જ હોય છે; પણ આ ખેંચાણ અને ઈમ્પલ્સને લીધે નાનીમોટી આગો લગાડતા હોય છે અને તેને જોઈને પોતાની ઈચ્છા સન્તોષતા હોય છે. મી. બીહારીલાલ! તમારા પત્નીએ પણ કહ્યું છે કે, અજીત પાસે વીસેક જાતના લાઈટરો પડ્યા છે. આ રોગ એટલો અસામાન્ય અને વીચીત્ર છે કે તેના વીષે ભાગ્યે જ કોઈ કશું જાણતું હોય છે. અમુક મનોચીકીત્સકનું એવું માનવું છે કે, બાળપણના અનુભવો, બાળકનો ઉછેર વગેરે આ રોગ થવા માટે જવાબદાર હોય છે.

બીહારીલાલ શાંતીથી સાંભળતા રહ્યા. તેમનું મગજ ખાલીખમ થઈ ગયું હતું. શું કરવું હવે આ અજીતનું? એક તરફ તેમનામાં રહેલા પીતાનું કહેવું હતું કે અજીતને માનસીક બીમારી હોય તો તેની તપાસ અને સારવાર કરાવવી જોઈએ. જ્યારે બીજી બાજુ તેમનામાં રહેલા એક ખંધા, ખુંખાર બીઝનેસમેનનું કહેવું હતું કે, અજીતે મારું કરોડો રુપીયાનું નુકસાન કર્યું છે આથી તેને ઉંચકીને આગમાં જ નાખી દેવો જોઈએ. આમ પણ, તેને આગ બહુ ગમે છે ને?

‘પાયરોમેનીયા’

આપણને કોઈ વસ્તુ કરવાની ઓચીંતી ઈચ્છા થાય અને આપણે આગળ–પાછળનું કશું વીચાર્યા વગર તેવું કરી નાખીએ તેને ‘ઈમ્પલ્સીવ’ વર્તન કહેવાય. માણસનું જેમજેમ સામાજીકરણ થતું જાય તેમ તેમ તે પોતાના ‘ઈમ્પલ્સ’ને કન્ટ્રોલ કરતા શીખતો હોય છે; પરન્તુ ક્યારેક બીમાર ચૈતસીક અવસ્થામાં માણસ આ કાબુ ગુમાવી બેસે છે. ત્યારે સર્જાતા રોગને ‘ઈમ્પલ્સ કન્ટ્રોલ ડીસઑર્ડર’ કહેવાય છે.

‘પાયરોમેનીયા’ એટલે કે બેકાબુ બનીને વીનાકારણ આગ લગાડવાની, તેને જોવાની તથા તેમાંથી આનન્દ મેળવવાની વૃત્તી ઉભી કરનારો રોગ. આવા જ એક બીજા ‘ઈમ્પલ્સ કન્ટ્રોલ ડીસઑર્ડર’ ને ‘કલેપ્ટોમેનીયા’ કહેવાય છે. જેમાં વ્યક્તી પોતાને જરુર ન હોય એવી વસ્તુની ચોરી કરતી થઈ જાય છે. આ ચોરી તે પૈસા કે વસ્તુ માટે નહીં; પણ પોતાને તે ચોરી લેવાના આવેલા આવેશપુર્ણ ‘ઈમ્પલ્સ’ને કારણે કરતી હોય છે.

આવા જ બીજા એક વીચીત્ર પણ જોખમી રોગમાં વ્યક્તીને હીંસાત્મક (વાયોલન્ટ) વર્તણુકના હુમલા આવે છે. ‘ઈન્ટરમીટન્ટ ઍક્સ્પ્લોઝીવ ડીસઑર્ડર’ અથવા તો ‘એપીસોડીક ડીસ્કન્ટ્રોલ સીન્ડ્રોમ’ તરીકે ઓળખાતા આ રોગમાં બાકીના સમય દરમીયાન તદ્દન સાજો અને નોર્મલ જણાતો માણસ ઓચીંતા મારફાડના, તોફાનના, ભાંગતોડના, ક્રોધાવેશના હુમલાઓ કરી બેસે છે.

બીજા એક એનાથીય વીચીત્ર રોગમાં વ્યક્તી પોતાના માથાના તથા દાઢી–મુછ–હાથ–પગ કે બગલના વાળ અકારણ તોડતી રહે છે. જૈન સાધુઓની વાત અલગ છે. આ રોગના દર્દીઓ વાળ તોડવામાંથી આનન્દ મેળવે છે અને તેમને વાળ તોડવાના રોકી ન શકાય એવા ‘ઈમ્પલ્સ’ આવે છે. દર્દીઓને છેક જ ટાલીયા બનાવી દેતા આ રોગને ‘ટ્રીકોટીલોમેનીયા’ કહેવાય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 18મો લેખ, પુસ્તકનાં પાન 130થી 136 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરા ગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243  અને 3478596   ફેક્સ : (0261) 3460650 ઈ.મેલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

 

 

4 Comments

  1. બહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું?
    આ લેખ ખરેખર હૃદયદ્રાવક છે. ‘પાયરોમેનીયા માનસીક રોગનું પરીણામ છે એ આપણે માની લઈએ. પાયરોમેનીયા’ એટલે કે બેકાબુ બનીને વીનાકારણ આગ લગાડવાની, તેને જોવાની તથા તેમાંથી આનન્દ મેળવવાની વૃત્તી ઉભી કરનારો રોગ. આ પણ આપણે માની લઈએ. પાયાનો પ્રશ્ન એ છે કે આવો રોગ હોવા છતાં એના બાપ બીહારીલાલ એ બધુ જાણતા હતા તો ટાઇમસર નિગરાની કેમ ના રાખી. શ્રીયુત બીહારીલાલ ગુપ્તા જેવો પીઢ, જમાનાનો ખાધેલ માણસ હતા તો શું એમને ટાઈમ મળતો ના હતો? આઠ માળનું મકાન ભડકે બળતું હતું તે સિક્યુરિટી ગાર્ડને અજિતના હાથમાં પેટ્રોલનો ડબ્બો હતો તે શું જાણતો ના હતો? શા માટે તેને દસમા માળે જતાં અજીતને રોક્યો નહીં? આના માટે અજીતને જવાબદાર વધારે ના ગણાતા અને બાપનેજ જવાબદાર સમજાવો જોઇયે. લાગે છે કે બીહારીલાલ રાજકારણી હોવો જોઇયે. માટે તેને જરાય ફુરસદ ના મળી કે અજીતને ટાઇમસર મનોવૈગ્નાઈક પાસે ટ્રીટમેંટ અપાવવી જોઇયે ? જે થયું તે ખરેખર આખમાં અશ્રુ લાવે એવો બનાવ છે. કોઈ જાનહારી થઈ હોય તો એમને અમારી સદભાવન અર્પણ કરીયે છીએ. શ્રી ગોવિંદભાઇ મારુ, કૃપયા આ મારા કોમેંટને જરૂર લાગે તો (અમારું નામ પ્રસિદ્ધ કર્યા વગર ખાસ ) કોઈ પણ છાપમાં છાપવશો. જેથી લોકોની આખ ઊઘડે.

    Liked by 1 person

  2. ડો. મુકુલ ચોકસી તેમના આ પ્રકારના લેખો દ્વારા જનસમાજને જ્ઞાન વહેંચતા રહે છે, જે સર્વોત્તમ કર્મ છે.
    તેઓ અેક સાહિત્ય સર્જક કુટુંબમાંથી આવ્યા છે. તેમના પિતાશ્રી પણ જાણીતા સાહિત્યકાર, કવિ હતાં.
    ડો. મુકુલ ચોકસીની શબ્દો ઉપરની હથોટીને લીઘે તેઓ ‘ પાયરોમેનીયા ‘ ના રોગને સીઘા સાદા રોજીંદા વહેવારમાં વપરાતા શબ્દોને સહારે પોતાની વાત વાચકને પહોંચાડી શક્યા છે. મનોચિકિત્સાના ફીલ્ડમાં આપણે મેજોરીટીના લોકો ખૂબ ઓછું જાણતા હોઇઅે છીઅે. ગોવિદભાઇનું આવા લેખો વાચકવર્ગ સુઘી પહોંચાડવાનું કર્મ પણ સરાહનીય યોગ્ય છે. ‘ પાયરોમેનીયા ‘ના રોગને જે રીતે દાખલા સાથે સમજાવવામાં આવ્યો છે તે વાચકને માટે સંપૂર્ણ છે.
    સાથે સાથે ડો. ચોકસીઅે બીજા ત્રણ માનસિક રોગોની પણ ઝાંખી કરાવી.
    તાવ, બી.પી. હાર્ટના રોગો, કીડનીના રોગો, શરદી, ઉઘરસ, ફ્લુ, કોરોનાના રોગો માટે જનસમાજને થોડી ગણી માહિતિ હોય છે પરંતું માનસિકરોગો માટે માહિતિઓ ઓછી હોય છે. સીઘો સાદો માનવી આવા રોગોથી પીડાતો હોય અને આપણને ખબર પણ નહિ પડે ? સરસ જ્ઞાનદાયક લેખ.
    વેરી વેલ ડન….ડો. મુકુલ અને ગોવિંદભાઇ . હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. બહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું?–ડૉ. મુકુલ ચોકસીનો પાયરોમેનીયા જેવા માનસીક રોગ અંગે જેઓને ખબર ન હોય તેવાને સ રસ રીતે સમજાવવા બદલ ધન્યવાદ

    Liked by 1 person

Leave a comment