‘ભુમીદાહ’ કે ‘અગ્નીદાહ’?
પ્રકૃતી સામેની દુનીયાની સૌથી ઘાતક
પરમ્પરા પર દૃષ્ટીપાત
શું શ્રેષ્ઠ : ‘અગ્નીસંસ્કાર’ કે ‘ભુમીસંસ્કાર’?
શું ઉત્તમ : ‘દહન’ કે ‘દફન’?
– વીનોદ વામજા
દેશમાં દર વર્ષે અગ્નીદાહથી :
(1) રુ. 5000 કરોડનાં લાકડાં બળી જાય છે.
(2) 10 હજાર એકર જંગલના વૃક્ષો કપાય છે.
(3) લાખો એકર જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.
(4) 20થી 30 ટકા હીન્દુઓ દહન–ભુમીદાહ અપનાવે છે.
(5) દફન કરતા બાળવામાં દસ ગણી વધુ જમીન રોકાય છે.
(6) પ્રકૃતી અને પર્યાવરણને અબજો રુપીયાનું નુકસાન થાય છે.
કુદરતી અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ
આદર્શ અન્તીમ ક્રીયા કઈ?
- વીદ્યુત સ્મશાનમાં એક નાના ગામને કે કારખાનાને ચાલે તેટલી
વીજળીનો વ્યય થાય છે અને પ્રદુષણ પણ બમણું થાય છે.
- ‘ભુમીદાહ’ (દફન) એ માત્ર મુસ્લીમો અને ખ્રીસ્તીઓની પદ્ધતી નથી;
તે ધર્મના ઉદભવ પહેલાં પણ હતી. તે પુરી દુનીયાની છે.
- દુનીયાના લોકોની દૃષ્ટીએ ‘અગ્નીદાહ’ હીંસક અને ક્રુર ગણાય છે.
રાષ્ટ્રથી વધીને કોઈ ધર્મ, સંસ્કૃતી કે પરમ્પરા ના હોઈ શકે.
દુનીયામાં ભારતનો ભુમીવીસ્તાર માત્ર 2.4 ટકા છે. બાકીના 97 ટકા જમીન પરના દેશોમાં દફન પદ્ધતી છે. દુનીયામાં ખ્રીસ્તી, મુસ્લીમ ધર્મો સહીત સૌથી વધુ 80 ટકા લોકો દફન પ્રથા અપનાવે છે. બાળવાનો રીવાજ માત્ર હીન્દુઓમાં જ છે, તે પણ 75 ટકામાં. આધુનીક યુગમાં ‘દેહદાન’ અતી ઉત્તમ છે. આપણે જે મેડીકલ સાયન્સનો લાભ લઈ રહ્યા છીએ, તેનું ઋણ ચુકવવું હોય તો ‘દેહદાન’, ‘નેત્રદાન’, ‘રકતદાન’ વગેરે કરવા જોઈએ. વર્તમાન મૃત્યુ દર મુજબ ભારતમાં વર્ષે 2 કરોડ મૃત્યુ થતાં હોય છે; પણ મેડીકલ ક્ષેત્રમાં ‘દેહદાન’ની જરુરીયાત વર્ષે માત્ર 80થી 90 હજારની જ હોય છે. અર્થાત્ કુલ મરણનાં માત્ર 0.2 ટકા ‘દેહદાન’ની જરુર છે. આ પરીસ્થીતીમાં 99.8 ટકા શબ માટે ‘આદર્શ અન્તીમક્રીયા’ અંગે વીચારવું અત્યન્ત જરુરી છે.
એક મૃતદેહને બાળવા માટે 15થી 20 મણ એટલે કે 300થી 500 કીલોગ્રામ સુકાં લાકડાંની જરુર પડે છે. આઝાદી પછી વસ્તી ચાર ગણી વધતાં, સ્મશાનમાં લાકડાંની માંગ ખુબ વધી ગઈ છે. માત્ર ગુજરાતમાં જ વર્ષે 500 કરોડ રુપીયાનાં લાકડાં જોઈએ છે. તો પુરા દેશમાં? 10 હજાર એકર જંગલના નાશ બરાબર થાય છે. આવો બગાડ તો આપણે સદીઓથી કરતા આવ્યા છીએ. પ્રકૃતીને નુકસાન થયું તેની તો કલ્પના જ ના થઈ શકે. વર્ષોથી આપણે વીદેશથી ઈમારતી લાકડાં આયાત કરી અબજો, ખર્વો રુપીયાનું હુંડીયામણ ગુમાવ્યું. બાકી આ દેશની ફળદ્રુપ જમીનમાં અબજોનું હુંડીયામણ સામે મેળવ્યું હોત. તેમાંથી કેટકેટલી યોજનાઓ થઈ ગઈ હોત અને તેનો અન્ય લાભ મળ્યો હોત તે જુદો. વળી, હાલ વીદેશમાંથી કરોડો ડોલરની લોન લેવી પડે છે, તે ના લેવી પડત.
અગ્નીસંસ્કાર વર્ષોથી થતા આવ્યા છે, તો અત્યારે જ પરીવર્તનની જરુર શા માટે? તેવો પ્રશ્ન અસ્થાને છે; કારણ કે વીજ્ઞાનના વીકાસથી રોગ અને યુદ્ધ ઘટતાં, વસ્તી અને પ્રદુષણ વધ્યાં છે. આઝાદી વખતે વૃક્ષો–જંગલો 33 ટકા હતાં. તે હવે માત્ર 10 ટકા જ રહ્યા છે, અને વસ્તી 400 ટકા વધી છે. 70 વર્ષ પહેલાં ભારતમાં કારખાના કે વાહનો ન હતાં, જે હવે લાખો–કરોડોની સંખ્યામાં થઈ ગયા છે. વીમાનો, રોકેટો, ઉદ્યોગો, વીજમથકો, રસાયણો, યુદ્ધો, ક્વાયતો વગેરેથી બેફામ પ્રદુષણ થઈ રહ્યું છે. બીજી બાજુ તે દુર કરનાર એકમાત્ર શક્તી વૃક્ષો જ છે, જે ઘટી રહ્યાં છે. તેથી કુદરતી સમતુલા ખતરનાક હદે ખોરવાઈ રહી છે. સંરક્ષણ, વીકાસ, પ્રગતી અટકાવી શકાય નહીં. કાપડ, દવાઓ, વસ્તુઓ, વાહનો કે વીજળી વગર કોઈને ચાલવાનું નથી. આપણી પાસે એક માત્ર વીકલ્પ બચે છે અને તે છે ‘વૃક્ષો વાવો, ઉછેરો તથા તેનો વ્યય અટકાવવો’.
હીન્દુઓમાં ત્રણ પ્રકારે અન્તીમવીધી કરવામાં આવે છે. ‘અગ્નીદાહ’ પ્રમાણમાં વધારે છે. ‘જલદાહ’ અને ‘ભુમીદાહ’ પણ છે. અનુસુચીત જાતી, અનુસુચીત જનજાતી અને અન્ય પછાત જાતીઓમાં મહદ્ અંશે મૃતદેહને દફનાવવામાં આવે છે. જે કુલ હીન્દુઓના 20થી 30 ટકા છે. તમામ જાતીમાં બાળમરણનો ‘ભુમીસંસ્કાર’ જ થાય છે. એટલું જ નહીં; પરંતુ સાધુ–સન્તો–મહન્તો, બાવાજી–પુજારીઓ તથા શહીદોની સમાધી કે ખાંભી એક પ્રકારનું દફન જ છે, જે શાસ્ત્રોકત છે. એમાં કોઈનો વીરોધ હોઈ શકે નહીં અને નથી.
પ્રાચીન સમયમાં ભારતમાં 90 ટકા જમીન પર જંગલ હતું. ત્યારે ‘અગ્નીદાહ’ અયોગ્ય ન હતું. હીન્દુ શાસ્ત્રોમાં શબના નીકાલની ચાર પ્રથાઓ છે. વેદ, પુરાણ, ઉપનીષદ તથા અન્ય શાસ્ત્રોમાં ‘ભુમીદાહ’ને પ્રાધાન્ય છે. ‘વાયુદાહ’ પણ છે, જેમાં શબને જંગલ કે ટેકરા પર મુકી દેવાની રીત છે. સ્મશાનમાં કોઈ જ, ધાર્મીક વીધી થતી નથી. ‘અગ્નીદાહ’ એ ચાર પદ્ધતીમાંની એક શબ નીકાલની પરમ્પરા માત્ર છે. ઋગ્વેદ 10/18/9,10; અથર્વવેદ 18/2/34,50,51 અને 18/4/48,66, ગરુડ પુરાણ 11/105, 106, વગેરે શ્લોકોમાં ‘ભુમીદાહ’ને ઉત્તમ ગણવામાં આવ્યું છે.
એક મૃતદેહના દહનમાં શબના વજનના 6થી 8 ગણાં લાકડાંનો નાશ થાય છે તથા તેની રાખથી એકાદ ટન જમીનનો ભોગ લેવાય છે. આ રીતે દેશ દર વર્ષે લાખો ટન માટીની ફળદ્રુપતા ગુમાવતો રહે છે. અગ્નીદાહથી એકાદ લાખ ઘનફુટ ધુમાડો હવા પ્રદુષીત કરે છે, ઑક્સીજન વપરાય, એમાં વૃક્ષોનો જ ભોગ લેવાય છે. જે વૃક્ષો ઑક્સીજન આપે અને પ્રદુષણ ઘટાડે તેનો આવો ઉપયોગ? બીજી બાજુ બે ટકા નાગરીકો પણ તેના જીવનમાં એક વૃક્ષ વાવતા કે ઉછેરતા નથી. તેને બદલે બધા લોકો બળતણ, ફર્નીચર વગેરેમાં લાકડાનો ભરપુર ઉપયોગ કરે છે. તેવા સંજોગોમાં અગ્નીદાહમાં એક–બે વૃક્ષોનો નાશ કરવો તે યોગ્ય છે? તેના ઉપકારનો બદલો આપણે આવો આપવાનો હોય?
કુદરતમાં સજીવોના મુખ્યત્વે બે પ્રકાર છે : વનસ્પતી અને પ્રાણીઓ. તે બન્ને એકબીજાના આધાર અને પુરક છે. પશુ–પક્ષી, મનુષ્ય હવામાંથી પ્રાણવાયુ ગ્રહણ કરી, અંગારવાયુ બહાર કાઢે છે. જ્યારે વનસ્પતી, અંગારવાયુ શોષીને પ્રાણવાયુ મુક્ત કરે છે. તેવી જ રીતે પશુપક્ષીઓ તેમનો ખોરાક વનસ્પતીના ફળ, બીજ, પર્ણ, મુળ, થડ વગેરેમાંથી મેળવે છે. ત્યારે પ્રાણીઓનાં મળમુત્ર અને મૃત શરીર વનસ્પતીનો ખોરાક છે. કેવી અદભુત કરામત છે કુદરતની!
મૃતદેહોનું જમીનમાં બેક્ટેરીયાની મદદથી ફળદ્રુપ માટીમાં રુપાન્તર થાય છે. જે સો ટકા વૈજ્ઞાનીક સત્ય છે. તે રાસાયણીક ખાતર કરતાં પણ ઉત્તમ છે. સૃષ્ટી અને તેના નીયમો જો ઈશ્વરે જ બનાવ્યા છે, તો ‘અગ્નીસંસ્કાર’થી તેની આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી? કુદરતના નીયમોથી વધીને કોઈ પરમ્પરા હોઈ શકે? કુદરત વીરુદ્ધ જઈને આપણે શું મેળવવા માંગીએ છીએ? પ્રકૃતી સામે સંઘર્ષ નહીં; પણ સમાધાનમાં જ માનવજાતનું હીત છે. જીન્દગીભર જે દેહે લાખો–કરોડો વનસ્પતીનાં બીજ–પર્ણનો ઉપયોગ કર્યો હોય, તે દેહ અન્તે તેમનો ખોરાક બની જાય, તો તેમાં ખોટું શું છે? ઉલટું, તે તો નૈસર્ગીક છે. આપણું શરીર પણ માટીમાંથી બન્યું છે, વાયા વનસ્પતી. તો તે ફરી ધરતીમાતાને અર્પણ કરીએ, તો તેથી રુડું બીજું હોઈ શકે?
(તા. 10 ઓગસ્ટ, 2020ના રોજ બીજો અને અન્તીમ ભાગ પ્રગટ થશે.)
[મારી પુસ્તીકા ‘ભુમીસંસ્કાર’ (પ્રકાશક : રૅશનલ પ્રકાશન, ઉપલેટા – 360 490 સેલફોન : +91 87329 59720 ઈ.મેલ : vbvamja@gmail.com પાનાં : 80, મુલ્ય : રુ. 20/- અને અંગ્રેજી આવૃત્તીના અનુવાદક અને પ્રકાશક : નરેન્દ્ર જાની, સુરત પાનાં : 28, મુલ્ય : રુ. 15/-)નો આ ટુંકસાર છે. આપને ઉમળકો આવે તો આપના મીત્રોને પણ વંચાવો. આ વીચારોને છપાવવા, પ્રસારવા માટે મારી કોઈ પરવાનગીની જરુર નથી.]
– વીનોદ વામજા
તા. 2020–06–05
લેખન અને સંક્ષેપન : શ્રી. વીનોદ વામજા, નીવૃત્ત ટેલીફોન એન્જીનીયર (BSNL), 2, સુન્દરમ પાર્ક, ગરબી શેરી જીરાપા પ્લોટ, ઉપલેટા – 360 490 જીલ્લો : રાજકોટ ફોન : (02826) 222 626 સેલફોન : +91 87329 59720 ઈમેલ : vinodvamja@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
ભુમીદાહ (દફન) એ માત્ર મુસ્લીમો અને ખ્રીસ્તીઓની પદ્ધતી નથી; તે ધર્મના ઉદભવ પહેલાં પણ હતી. તે પુરી દુનીયાની છે.
આપણું શરીર પણ માટીમાંથી બન્યું છે, વાયા વનસ્પતી. તો તે ફરી ધરતીમાતાને અર્પણ કરીએ, તો તેથી રુડું બીજું હોઈ શકે?
– વીનોદ વામજા
મુસ્લિમ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ માં ભુમીદાહ (દફન) નો રિવાજ છે મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં એ કહેવામાં આવેલ છે કે માનવી નું શરીર માટી માંથી બન્યું છે અને આખરે માટી માં જ જવાનું છે. ગુજરાતી સાહિત્ય માં માનવી ને “માટી ના માનવી” ની ઉપમા આપવા માં આવેલ છે (“રાખ ના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે” — એક ગુજરાતી ગીત ની પંક્તિ). તે ઉપરાંત ઉર્દુ ભાષા ના સાહિત્ય માં પણ માનવી ને “મિટ્ટી કા પૂતલા” ની ઉપમા આપવા માં આવેલ છે.
આ સત્યો અનુસાર તથા પૃથ્વી પર પ્રદુષણ ન થાય તથા લેખ માં જણાવેલ અન્ય કારણોસર ભુમીદાહ (દફન) જ ઉત્તમ છે.
LikeLiked by 1 person
ખરેખર ભુમીદાહ જ માનવજાત માટે કલ્યાણકારક છે અને એ જ ઉત્તમ છે. મારા પીતાજીની ઈચ્છા મુજબ એમનો ભુમીદાહ અમારા પોતાના ખેતરમાં જ કરવામાં આવેલો.
LikeLiked by 2 people
દહન હોય કે દફન અંતે તો પંચતત્વ માં વિલીન જ થવાનું છે હા ઉત્તમ વાત રહી તો કે તે એની ધર્મપરંપરા અને ઈચ્છા શકિત ના આધાર પર જેને મહત્વ આપે એ જ સર્વોપરિ હોય છે .
LikeLike
શ્રી વીનોદ વામજાને હાર્દિક અભિનંદન.
વીનોદભાઇનું વૈજ્ઞાનીક નોલેજ, ‘ અગ્નિદાહ કે ભૂમિદાહ ‘, ના વિષયનું અેનાલીસીસ અને તેની સમજણ તેમના લેખની ઉત્તમતા છે.
મને યાદ છે કે ઝોરાસ્ટરીયનો ( પારસી ) ‘ વાયુદાહ ‘ કરતાં ‘ ભસ્તે ‘ મૃત શરીરને મૂકી દેવાતું. મોટા પક્ષીઓ તે દેહને ખોરાક તરીકે વાપરીને પુરુ કરતાં હવે તે વિઘિ મને લાગે છે બંઘ કરવામાં આવી છે. પારસીઓના દેવ ‘ અગ્નીદેવ ‘ છે.‘ આતસ બહેરામ ‘.
ભાઇશ્રી વીનોદ વામજાને તેમના વૈજ્ઞાનિક અપ્રોચને માટે અભિનંદન. ઘાર્મિક વિચારો , દરેક ઘર્મના જુદા જુદા હોય છે. નવીદ્રષ્ટિ કેળવીને, અગ્નિદાહના ફોલોઅર્સ પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવે તે જોઇઅે.
નવા વૃક્ષોની રોપણી માટે હવે ભારતમાં જાગૃતિ જાગી છે., તે સરસ વાત છે. વૃક્ષો વિના પ્રાણી જીવન મરણ શરણ થઇ શકે છે. વૃક્ષો નહિ તો ૧. ઓક્ષીજન….પ્રાણવાયુ નહિ….૨. ખોરાક નહિ…..૩. પ્રાણી જીવન દ્વારા જનરેટ થતાં કચરાનો નિકાલ નહિ…
.મારે મતે… ‘ પ્રકૃતિ, પાણી અને પ્રાણ ‘ અેક બીજા સાથે સંકળાયેલા તત્વો છે. પ્રથમ બે તત્વો વિના જીવન , પ્રાણ…શક્ય નથી.
ભારતીય હીનદુઓઅે વિજળીદહન અપનાવ્યુ છે. વીનોદભાઇના લેખમાં તેનો પણ ઉલ્લેખ છે અને તેનાઇકોનોમીકલ અને વાતાવરણને ઇફેક્ટ કરતાં પ્રશ્નોની ચર્ચા પણ તેમણે કરી જ છે.
જીયોલોજીનો ( ભૂસ્તરવિદ્યા ‘) વિષય ભણીઅે તો વઘુ જ્ઞાન મળે અને ‘ ભૂમિદહન ‘ ના વિષય માટે નું વઘુ જ્ઞાન મળે.
વીનોદભાઇના બીજા લેખની રાહ જોઉં છું…….ક્રમશ:…..
આભાર વીનોદભાઇ અને ગોવિંદભાઇ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
વાહિયાત દલીલ , અગ્નિદાહ જ ઉતમ છે , ભૂમિદાહ માટે કેટલી બધી જમીન નકકામી રોકાઇ જાય છે એનો કોઇ અંદાજ છે ?
અત્યારે અમેરિકા મા જો અગ્નિદાહ કરવો હોય તો વીજળી નોવપરાશ સામાન્ય જ થાય છે એની સામે ભૂમિદાહ માટે જમીન તમારે 20/25 વરસ પહેલા લઇ લેવી પડે ,જે કોઇ ને પોસાય નહી તેથી એ માટે બેંક લોન લેવી પડે , હવે આતો હાસ્યાસ્પદ જ છે ને કે તમારી અંતિમ ક્રિયા માટે જમીન લેવા માટે તમારે બેંક લોન લેવી પડે એટલે કે મરવા પછી ની પણ તમારે વ્યવસ્થા કરવી પડે , જયા જીવતાં જમીન લેવા ની શક્તિ ન હોય ત્યાં મરવા પછી ની પણ ચિંતા કરવી પડે
જો તમને જંગલ કપાવા ની આટલી જ ચિંતા હોય તો અમેરિકા મા ટોઇલેટ પેપર વાપરે છે તેને માટે કેટલા જંગલ કાપવા પડતાં હશે ? અગ્નિદાહ કરવા થી બધા જ જીવજંતુ મરી જતા હોવા થી પરયાવરણ નો બચાવ થાય છે જ્યારે ભૂમિદાહ થી વરસાદ પછી ડેડબોડી અંદર નો કોહવાટ ગયેલો ભાગ બહાર આવી ને પાણી મા ભળી જઇ ,આપણા પીવા ના પાણી ને દૂષિત કરે છે
LikeLike
I think electric cremation is an ideal method of disposing a dead body. Burial will cause pollution of the land and environment and a piece of land is getting costlier as time goes bye. also maintenance of cemetery is costly.
LikeLiked by 2 people
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
આદરણીય વલીભાઈ,
‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘કુદરતી અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ આદર્શ અન્તીમ ક્રીયા કઈ?’ને આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
–ગોવીન્દ મારુ
LikeLike
મિત્રો,
અંતિમ સંસ્કાર.
સવાલ : કુદરતી અને વૈજ્ઞાનીક રીતે કયી પઘ્ઘતિ સૌથી સારી અને સ્વીકારવાને માટે યોગ્ય ?
અગાઉ ઘણા વિચારો… કોમેંટના રુપે, આપણા મિત્રો તરફથી મળ્યા છે.
ઘર્મો પણ તેનો ભાગ ભજવે છે.
આજે ૨૦૨૦ના વરસમાં, એન્વાયરમેંટલ અને આર્થિક તથા ભૂસ્તરવિદ્યાનો અભ્યાસ પણ પોતાનો ભાગ ભજવે છે. ઐતિહાસીક સમય આ નિર્ણય લેવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
હિન્દુઘર્મે કહીએ કે લગભગ ૫૦૦૦ વરસો પહેલાં અગ્નિસંસ્કારને પોતાના ઘર્મની પઘ્ઘતિ માનીને અમલમાં મૂકી હતી જે આજે પણ અમલમાં છે.
ઇસાઇ અને ઇસ્લામ ઘર્મોએ , કુદરતી, એટલે કે ભૂમિદાહ ને પોતાના સંસ્કારમાં વણીને અમલમાં મુકેલી છે….. તે ઉપરાંત કદાચ હિન્દુઓ જ અગ્નિદાહને આજે પણ પોતાના સંસ્કાર તરીકે માને છે અને અમલમાં મુકેલા સંસ્કાર ગણે છે.
મેજોરીટી માનવ સમાજ ‘ ભૂમિદાહ ‘ જ કરે છે….
હવે પ્રાણિ અને વનસ્પતિ જ એકલા હતાં ત્યારનો ઇતિહાસ….. કોઇ ઘર્મ ન્હોતો…. ફક્ત જીવિત પ્રાણિ અને વનસ્પતિ જ હતાં…….તેઓ પાસે એક જ વ્યવસ્થા હતી… ભૂમિદાહ.
આઆપણે આજે, લાખો વરસોથી…કે અબજો વરસોથી મૃત શરણ થયેલાં પ્રાણિઓ કે વનસ્પતિઓ, જ્યાં ભૂમિદાહ પામ્યા છે તે જગ્યા ઉપર ઘરો બાંઘીને રહીએ છીએ…. જેને આપણે સ્મશાન કે કબરસ્તાન તરીકે આજે ઓળખીએ છીએ. પૃથ્વિનું કણે કણે સ્મશાન છે…. કબરસ્તાન છે. અેક દાખલો આપું…
વલસાડમાં આજથી ૫૦, ૬૦ વરસો પહેલાં અગાઉથી સ્વીકાર્ય બાળસ્મશાન હતું. હિન્દુઓ મૃતબાળકોને ભૂમિદાહ આપે છે. ( ઘોબી તળાવ હતું તેની નજીક ) ૨૦૧૮માં મેં વલસાડની મુલાકાત લીઘી હતી. મેં જે જોયું તે આશ્ચર્ય ઉપજાવી ગયું. બાળસ્મશાનની જગ્યાએ બાળકો રમતા હતાં . દુકાનો હતી. ઘણા માળોવાળા મકાનો હતાં.વલસાડમાં જગ્યા ઓછી પડી હશે એટલે આ સ્મશાન ઉપર મકાનો બાંઘી દીઘા. નવા વસાહતિઓને શું ખબર ?
ટૂંકમાં ભૂમિદાહ તો કુદરતી નિયમ છે. આપણે સૌ ભૂમિદાહથી સિંચાયેલી જમીન ઉપર જ જીવી રહ્યા છીએ.
‘ઘરતીમાતા’ને ખોળે… રમી રહ્યા છીઅે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ભાઈ નિરંજન બૂચની વાત અમેરીકા અને અન્ય સ્થળોનાં મોટાં શહેરો માટે સાચી છે. પણ મારા પીતાજી વીષે મેં અગાઉ લખ્યું છે કે એમનો ભુમીદાહ અમારા ખેતરમાં જ કરવામાં આવેલો. એ જગ્યા નકામી નથી. એના પર ઘાસ ઉગે છે. અમારા ગામમાં પણ મેં જોયું છે કે જે સ્મશાનભુમીમાં મોટા ભાગે ભુમીદાહ થતો તે ઘાસીયું હતું. (ત્યાં અગ્નીદાહની સગવડ પણ બનાવવામાં આવી હતી, પણ તેનો ઉપયોગ લાકડાના અભાવે થતો ન હતો.) ભુમીદાહવાળી જમીન પર પણ થોડા સમય પછી ઘાસ થતું હતું. વળી પરંપરાથી એ ઘાસીયું સ્મશાનભુમી તરીકે વપરાતું. અને એ જમીન માટે પૈસા આપવા પડતા નહીં. હાલના સમયની મને ચોક્કસ ખબર નથી, પણ ૧૯૮૭માં હું અમારા ગામ ગયેલો ત્યારે એનો સ્મશાન ભુમી તરીકેનો ઉપયોગ ચાલુ હતો, જો કે કેટલાક લોકો નવસારી અગ્નીદાહ માટે પણ લઈ જતા, જ્યાં મફત લાકડાં મળી રહેતાં, ગામમાં લાકડાં મળી શકતાં ન હતાં એવો ખ્યાલ છે.
LikeLiked by 1 person
અભ્યાસુ લેખમા બધા પાસાની સુંદર રીતે ચર્ચા કરી છે અમને પર્યાવરણ અને બધી રીતે દેહદાન અને આ ‘Woodland burial, also known as green burial or natural burial, is an eco-friendly funeral option that is growing in popularity. Woodland burial is an environmentally-friendly alternative to traditional burials and cremation.’ યોગ્ય લાગે છે
LikeLiked by 1 person