કુદરતી અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ આદર્શ અન્તીમ ક્રીયા કઈ? (ભાગ – 2)

શું ‘ભુમીસંસ્કાર’ એક સમ્પુર્ણ નવીનતમ ભારતીય પદ્ધતી છે? તેનાથી જમીન ઘટે તે વાતમાં કઈ દમ નથી. શું તેને પ્રાચીન ધર્મગ્રંથોનો આધાર છે? શું ‘દફન’ કરતાં ‘દહન’માં દસ ગણી જમીન રોકાઈ ગણાય? આપણું એટલું જ સાચું અને સારું એવા સંકુચીત પુર્વગ્રહથી આપણે પીડાઈએ છીએ?

કુદરતી અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ
આદર્શ અન્તીમ ક્રીયા કઈ?

(ભાગ – 2)

– વીનોદ વામજા

[ગત લેખ (સ્રોત :  https://govindmaru.com/2020/08/07/vinod-vamja-3/ )ની ચર્ચાને આગળ વધારીએ…]

 ‘દફન’થી જમીન ઘટે તે વાતમાં કઈ દમ નથી. એક મૃતદેહના અન્તીમસંસ્કાર માટે એક ચોરસ મીટર જમીનમાં ખાડો કરવો પડે. આસપાસ જમીન રાખીએ તો વધુમાં વધુ ત્રણ ચો.મી. એટલે કે 30 ચોરસ ફુટ જમીન જોઈએ. વસ્તીની ગીચતા, મૃત્યુદર અને ઉપલબ્ધ જમીનની ગણતરી કરતા 500 વર્ષ સુધી માત્ર એક ટકા જમીન પુરતી છે. જ્યારે આપણા દેશમાં 15થી 20ટકા જમીન પડતર છે. જે બસ કે ટ્રેનનાં પ્રવાસ દરમ્યાન બારીમાથી જોતાં જણાશે. સરકારી સર્વે મુજબ ભારતની કુલ જમીનના માત્ર 30થી 35 ટકામાં જ ખેતી થાય છે. નકામી પડતર જમીનમાં ‘ભુમીદાહ’ કરી, વૃક્ષો ઉછેરવાં જોઈએ. કારણ કે સમતુલીત, સુરક્ષીત પર્યાવરણ માટે ૩૦ ટકા જંગલો જરુરી છે. જો કે જંગલમાં વૃક્ષોની વચ્ચે પણ ‘ભુમીદાહ’ થઈ શકે છે.

માનો કે બે લાખની વસ્તી ધરાવતા એક શહેરમાં માત્ર ભુમીદાહનો રીવાજ છે. સરેરાશ મૃત્યુ દર 1.5 ટકા પ્રમાણે 3000 શબના દફન માટે ત્રણ ચો.મી. લેખે 1 હેક્ટર જમીન જોઈએ. 15 વર્ષ પછી તે જગ્યા પર ફરી દફન થઈ શકે. તે માટે કાયમ માટે 15 હેક્ટર જમીન ફાળવવી પડે; પણ જો તે શહેરમાં માત્ર અગ્નીસંસ્કાર જ થતા હોય તો તેના લાકડાં માટે 150 હેક્ટર જમીનમાં વૃક્ષો વાવવાં પડે, જેથી 15 વર્ષ પછી ફરી ત્યાં બીજું વૃક્ષ ઉગી જાય અને તે અગ્નીદાહમાં વાપરી શકાય. વૃક્ષો હોય ત્યાં 10થી 15 મીટરના ઘેરાવામાં ખેતી કે બાંધકામ થઈ શકતું નથી. માટે ‘દફન’ કરતાં ‘દહન’માં દસ ગણી જમીન રોકાઈ ગણાય. જમીન રોકાવાનું, બગડવાનું, જેવી અનેક સમસ્યાનું કારણ તો વસ્તી વીસ્ફોટ જ છે. તેનો તો કોઈ વીરોધ કરતું જ નથી. છેલ્લાં 60 વર્ષમાં ગામડાઓ બમણાં અને શહેરો 20થી 30 ગણાના વીસ્તરી ગયાં છે.

ઈલેક્ટ્રીક સગડીથી રસોઈ મોંઘી પડે, તેમ વીદ્યુત સ્મશાન પણ મોંઘું જ પડે; કારણ કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ લાકડાં, કોલસા, ગેસ કે પેટ્રોલીયમ જેવા ઉર્જાસ્રોતોની જરુર પડે છે. દા.ત.; 5 કીલો કોલસાથી જે રસોઈ થઈ શકે, તે જ રસોઈ વીજળીની સગડીમાં કરીએ તો વીદ્યુત મથકમાં 10 કીલોથી વધારે કોલસા જોઈએ. માનવજાત માટે વીજળીના સેંકડો ઉપયોગો છે. પ્રકાશ, યાન્ત્રીક અને અન્ય શક્તી માટે તે વધારે સુયોગ્ય છે; કારણ કે તેના માટે સીધા લાકડાં કે કોલસા વાપરી શકાતાં નથી. કમ્પ્યુટર, ફ્રીજ, લાઈટ, ઈલેક્ટ્રીક મોટર વગેરે લાકડા/કોલસાથી થોડાં ચલાવી શકાય?

એક વીદ્યુત સ્મશાનની કીમ્મત રુપીયા 80 લાખથી એક કરોડ સુધી થાય છે. તેમાં એક નાના ગામ કે કારખાનાની જરુરીયાત જેટલી રાક્ષસી વીદ્યુતનો વ્યય થાય છે. વીજબીલ તથા નીભાવ ખર્ચ પણ મહીને લાખોમાં આવે છે. વીજળી તથા ઉર્જા બચાવવાની ઝુમ્બેશ ચાલે છે, ત્યારે આ રીતે વીજળી વાપરવી એટલે કે વેડફવીએ યોગ્ય વીકલ્પ કેવી રીતે ગણી શકાય? સ્મશાન ઉપરાંત વીજમથકમાં બન્ને જગ્યાએ બમણું પ્રદુષણ થાય છે. વીજમથકમાં દર મીનીટે એક ટન કોલસા યા પેટ્રોલીયમની જરુર પડતી હોય છે.

આજે સમગ્ર દુનીયા ઉર્જા સંકટમાં ઘેરાયેલી છે. પેટ્રેલ, ડીઝલનો વીકલ્પ શોધી શકાયો નથી. જ્યારે 20, 25 કે 50 વર્ષો પછી પેટ્રોલીયમ પેદાશો ખલાસ થઈ જશે, ત્યારે એકમાત્ર ઉર્જાસ્રોત લાકડાં જ હશે. પેટ્રોલીયમનો વરસાદ થોડો થાય છે? જમીનમાં લાખો વર્ષોના અશ્મીજન્ય અવશેષોથી તે બન્યું છે. પર્યાવરણ ધીમે ધીમે બગડે છે, એટલે આપણને ખ્યાલ આવતો નથી. તેવી રીતે તેને ઝડપથી સુધારી પણ શકાતું નથી. અત્યારથી વૃક્ષો નહીં વાવીએ અને નહીં જાળવીએ, તો ત્યારે ખોરાક રાંધવા માટે પણ લાકડાં નહીં મળે; કેમ કે વૃક્ષોને રાતોરાત ઉગાડી શકાતાં નથી, તેને ઉગતા તો વર્ષો લાગે છે. બીજા દેશો કરતાં આપણી સમસ્યા વધારે ગમ્ભીર હશે; કારણ કે આપણા દેશની વસ્તીગીચતા બીજા દેશો કરતાં 10થી 20 ગણી એટલે કે 1,000થી 2,000 ટકા વધારે છે.

મનુષ્ય સીવાય બીજાં કોઈ પ્રાણી પ્રદુષણ કરતાં નથી. તેને ખોરાક રાંધવાની, વસ્તુઓ ઉત્પન્ન કરવાની કે પ્રવાસ કરવાની જરુર પડતી નથી. એક મનુષ્યને જીવનપર્યન્ત માત્ર રસોઈમાં જ 30થી 40 ટન લાકડાં (અંદાજે 15થી 20 વૃક્ષો) જોઈએ છે. બે હજાર વર્ષ પહેલાં સમગ્ર દુનીયાની વસ્તી 10 કરોડ હતી. અત્યારે 750 કરોડ થઈ ગઈ છે. તે કારણે અન્ય પશુ, પક્ષી, વનસ્પતીની અનેક પ્રજાતીઓ પણ લુપ્ત થઈ ગઈ છે.

આપણા ખેતીપ્રધાન દેશ માટે વરસાદ અને વરસાદ માટે વૃક્ષો ખુબ અગત્યનાં છે. વૃક્ષો અને જંગલો ઘટતાં વરસાદ ઘટયો છે. માટે સરકારના ‘ફોરેસ્ટ’ ખાતા દ્વારા કરોડો રુપીયાના ખર્ચે જંગલો બચાવવાની ઝુમ્બેશ’ કરવી પડી છે. વૃક્ષો, ફળો, અને લાકડાં ઉપરાંત રંગ, રબ્બર, રસાયણ, દવાઓ, કાગળ જેવી અનેક કીમતી વસ્તુઓ પણ આપે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. વાતાવરણ વીષમ બનતું અટકાવે છે. રણમાં વૃક્ષોના અભાવે જ ત્યાં કાતીલ ઠંડી અને ભીષણ ગરમી પડે છે.

પહેલાં ખેતીનાં ઓજારો, ગાડાંઓ, હોડીઓ, પુલ, મકાનો વગેરેમાં 100 ટકા લાકડાં જ વપરાતાં. હવે તેમાં 10 ટકા લાકડાં પણ વપરાતાં નથી. વીજ્ઞાનની શોધથી લોખંડ, એલ્યુમીનીયમ, સીમેન્ટ, અને પ્લાસ્ટીકનો વપરાશ ખુબ વધ્યો છે અને તેથી તેટલાં લાકડાં એટલે કે વૃક્ષો બચ્યાં છે. રંગ, વાર્નીશ, સનમાયકાના ઉપયોગથી લાકડાનું આયુષ્ય વધારી, તેનો બચાવ કરી શકાયો છે. બીજી તરફ બળતણ તરીકે ગેસ, કેરોસીન, કોલસાના વપરાશથી લાકડાનો ઘણો નાશ અટકાવી શકાયો છે. આમ વીજ્ઞાને ઘણાં વૃક્ષો બચાવ્યાં છે. પણ માણસે? વસતી વીસ્ફોટ કરી વૃક્ષોનો સફાયો કરી નાખ્યો છે.

પ્રદુષણ ખુબ વધી ગયું છે અને આ ઝડપે ચાલુ રહે, તો પૃથ્વી પણ ભવીષ્યમાં નીર્જન ગ્રહ બની શકે છે. ઓદ્યૌગીક વપરાશ, વાહનવ્યવહાર અને અનેક પ્રકારના દહનથી હવામાં કાર્બન ડાયૉક્સાઈડ અને ગરમી સતત વધતી રહે છે. પૃથ્વીનું વાતાવરણ વધુ બગડે તો હીમપ્રપાત, ધરતીકમ્પ, સુનામી, વાવાઝોડાં વધી શકે છે. ઓઝોનના પડને નુકસાન થાય તો સુર્યના અલ્ટ્રાવાયૉલેટ કીરણો સમગ્ર સજીવ સૃષ્ટીનો નાશ કરી નાખે. પ્રદુષણની બીજી પણ ઘણી આડઅસરો છે. મચ્છરોનો ત્રાસ, પાણીની તંગી અને ગરમ હવામાન વગેરે તથા તેને લીધે અનેક પ્રકારના રોગો અને મૃત્યુમાં વધારો થયો છે. પ્રલયની ખોટી આગાહીઓથી ડરતી પ્રજા, આ વાસ્તવીકતાને કેમ ભુલી જાય છે? પોતાના અસ્તીત્વનો વીચાર ન કરી શકે, તે મનુષ્યજાતને વીશ્વના સૌથી બુદ્ધીશાળી પ્રાણી કહેવડાવાનો શું કોઈ અધીકાર છે?

દફન એ માત્ર મુસ્લીમ, ખ્રીસ્તીઓની જ પદ્ધતી નથી, આખી દુનીયાની છે. તે ધર્મના ઉદ્ભવ (1400 – 2000 વર્ષ) પહેલાં પણ હતી. જે દેશોમાં દફનથી જમીન રોકાવાની સમસ્યા છે, તે માત્ર તેના રીવાજ અને ખાસ પવીત્ર કબ્રસ્તાનમાં દફન કરવાના આગ્રહને કારણે છે. બાકી ત્યાં પણ ઘણી નકામી બંજર જમીન છે. ત્યાં મૃતદેહોને જમીનમાં કોફીન કે પથ્થરના પોલાણમાં સુરક્ષીત રાખવામાં આવે છે. તથા તેની ઉપરની કબરો સેંકડો વર્ષો સુધી તોડાતી નથી. કબર માટે પથ્થરો અને કોફીન માટે એક વૃક્ષ કાપવું પડે છે. તેમાં 50 માનવ કલાકો વેડફાય છે.

દફનથી જમીન રોકાય, જળ પ્રદુષણ થાય તેવા વારંવારના પ્રચાર–પ્રહારથી આપણે હીપ્નોટાઈઝ્ડ થઈ ગયા છીએ અથવા આપણું એટલું જ સાચું અને સારું એવા સંકુચીત પુર્વગ્રહથી પીડાઈએ છીએ. વાસ્તવમાં દફનથી જમીન ફળદ્રુપ બને છે. છોડ–વૃક્ષ વધુ ઝડપથી ઉગે છે, ફળે ફુલે છે. કરોડો વર્ષોથી અબજો જીવ જંતુઓ જમીનમાં જ પેદાં થતાં રહ્યાં છે અને જમીનમાં જ સમાતાં રહ્યાં છે.

દફનથી રોગના જીવાણુ ફેલાય તે બધી વાતો ખોટી છે. ખરેખર તો અગ્નીદાહ વખતે દેહ ગરમ થતાં રોગના જંતુઓ ઉત્સર્જીત થાય છે અને રોગ ફેલાવાની શક્યતા ખુબ વધી જાય છે. કદાચ એટલે જ અગ્નીદાહ પછી ડાઘુઓને નાહવું પડતું હશે? ભારત સીવાયના બધા દેશો કે જ્યાં 100 ટકા દફન થાય છે, ત્યાં રોગચાળો આપણાથી વધારે નથી; પણ ઘણો ઓછો છે કારણ કે ત્યાં સ્વચ્છતા છે. આપણે સ્વચ્છતાને બદલે ખોટી દલીલો કરીએ છીએ. અન્ય પ્રાણીઓના અગ્નીદાહ તો ભારતમાં પણ થતા નથી. તો શું તેનાથી રોગચાળો ના ફેલાય! ઘણા રોગો મનુષ્ય અને પ્રાણીઓમાં સરખાં છે. મનુષ્યની દવાઓનું ટેસ્ટીંગ પ્રાણીઓ પર થતું હોય છે.

અગ્નીદાહ વખતે ઘી, તલ જેવાં કીમતી ખાદ્ય દ્રવ્યો નાખવામાં આવે છે. આર્યસમાજમાં તો 15થી 20 કીલો શુદ્ધ ઘી અને તલ, તજ, લવીંગ જેવી કીમતી સામગ્રી શબ સાથે બળવામાં આવે છે. ખાવા માટે પામોલીન તેલ વીદેશથી આયાત કરવું પડે છે. હીન્દુ માન્યતા અનુસાર ‘શરીરમાંથી આત્મા(જીવ) નીકળી ગયા પછી, નશ્વરદેહની કોઈ કીમ્મત નથી.’ –કર્મનો સીદ્ધાન્ત ‘ગીતા’. મૃતદેહ માત્ર અગ્નીથી જ પંચમહાભુતમાં વીલીન થાય તેવું થોડું છે? સત્યમાં જો શ્રદ્ધા હોય તો ભુમી દ્વારા પણ થઈ શકે છે. જમીનમાં પણ જળ, વાયુ અને અગ્ની(ગરમી) રહેલા જ છે. જો કે આધુનીક વીજ્ઞાન પ્રમાણે પાંચ નહીં; પણ 98 મુળ તત્ત્વો શોધાયા છે. વળી તેમાં અગ્ની અને અવકાશ કોઈ તત્ત્વ નથી. જળ, જમીન અને હવા અનેક તત્ત્વોનાં બનેલાં સયોજનો છે.

આપણી સંસ્કૃતીમાં સર્વ જીવો પ્રત્યે દયા રાખવી, હીંસા ન કરવી, પ્રકૃતીના ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી, જેવા અનેક ગુણોનો આધારસ્થમ્ભ છે. એ વાત અલગ છે કે ‘વસુધૈવ કુટુંબકમ્’ કહેવાવાળા આપણે, આપણા જ લોકો સાથે જ્ઞાતી, જાતી, ધર્મ, પ્રદેશ, અસ્પૃશ્યતા વગેરેમાં ખુબ ભેદભાવ અને તીરસ્કાર કરીએ છીએ. વનસ્પતીમાં જીવ છે અને તે ઘણા જીવોનો આધાર છે. જ્યારે હોમ, હવન, હોળી, અગ્નીદાહમાં, લાકડાંમાંના અસંખ્ય જીવ–જન્તુઓનો નાશ પણ થાય છે. તો તે દુનીયાની સૌથી અહીંસક એવી હીન્દુ, જૈન પ્રજાને કેમ શોભે!

‘ભુમીસંસ્કાર’ એક સમ્પુર્ણ નવીનતમ ભારતીય પદ્ધતી છે. તેને પ્રાચીન ધર્મગ્રંથોનો આધાર છે. તેમાં શબને જમીનની અન્દર, માટીના સમ્પર્કમાં આદર્શ દફન કરવાનું છે. તેમાં અન્ય કોઈ વસ્તુ નાખવાની નથી. સમાધીની જેમ દફનથી તેનું ઝડપથી માટીમાં રુપાન્તર થઈ જાય છે. તેના પર કોઈ પણ પ્રકારનું સ્મારક કે કબર કરવામાં આવતી નથી, શક્ય હોય ત્યાં સુધી વૃક્ષો વાવવામાં આવે છે, જેથી વનીકરણને વેગ મળે. વળી તે જમીન પર મૃતકના વારસદારોનો કોઈ પણ પ્રકારનો હક્ક કે દાવો રહેતો નથી. જેથી ભવીષ્યમાં તે જમીનનો ખેતી, રસ્તા, રહેઠાણ કે અન્ય ઉપયોગ કરી શકાય છે. આમ ‘ભુમીસંસ્કાર’ ‘દફન’ દુનીયાની સૌથી સારી, સસ્તી અને પ્રકૃતીગત પદ્ધતી બની રહેશે તેમાં શંકા નથી. આજે આ અંગે વીચારીશું, તો કદાચ 2550 વર્ષે અમલ થાય. પ્રદુષણના આ જમાનામાં પ્રત્યેક ક્ષેત્રમાં વીચારવું જરુરી છે.

અમારો હેતુ લોકહીત, રાષ્ટ્રીય સમ્પત્તી અને પર્યાવરણ બચાવવાનો છે. રાષ્ટ્રથી વધીને કોઈ ધર્મ કે સંસ્કૃતી હોઈ શકે નહીં. આપણા સૈનીકો દેશ માટે જાન આપી દે છે અને આપણે પરમ્પરાના નામે રોઈએ છીએ! આ પવીત્ર કાર્યમાં સૌએ આગળ આવવું જોઈએ. આ વીષય પર વધુ વીચાર, બૌદ્ધીક અભ્યાસ કરી શકાય. આપણાં અનુસુચીત જાતી, અનુસુચીત જનજાતી અને અન્ય પછાત વર્ગના સમાજોની દફન પદ્ધતી દુનીયાની સૌથી શ્રેષ્ઠ, ઈકોફ્રેંડલી છે. તેમાં પથ્થર, કોફીન કે અન્ય કોઈ વસ્તુ વપરાતી નથી. અન્ય લોકોને ‘ભુમીસંસ્કાર’ અપનાવવું હોય તેણે તે સમુદાયોનો સમ્પર્ક કરી, તેના યાર્ડમાં ‘ભુમીદાહ’ માટે પરવાનગી મેળવવી શકાય.

(સમ્પુર્ણ…)

(મારી પુસ્તીકા ‘ભુમીસંસ્કાર’ (પ્રકાશક : રૅશનલ પ્રકાશન, ઉપલેટા – 360 490 સેલફોન : +91 87329 59720 ઈ.મેલ : vbvamja@gmail.com પાનાં : 80, મુલ્ય : રુ. 20/- અને અંગ્રેજી આવૃત્તીના અનુવાદક અને પ્રકાશક : નરેન્દ્ર જાની, સુરત પાનાં : 28, મુલ્ય : રુ. 15/-)નો આ ટુંકસાર છે. આપને ઉમળકો આવે તો આપના મીત્રોને પણ વંચાવો. આ વીચારોને છપાવવા, પ્રસારવા માટે મારી કોઈ પરવાનગીની જરુર નથી.)

– વીનોદ વામજા
તા. 2020–06–05

લેખન અને સંક્ષેપન : શ્રી. વીનોદ વામજા, નીવૃત્ત ટેલીફોન એન્જીનીયર (BSNL), 2, સુન્દરમ પાર્ક, ગરબી શેરી જીરાપા પ્લોટ, ઉપલેટા – 360 490 જીલ્લો : રાજકોટ સેલફોન : +91 87329 59720 ઈમેલ : vinodvamja@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00  વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેલ : govindmaru@gmail.com

11 Comments

 1. આપણી સંસ્કૃતીમાં સર્વ જીવો પ્રત્યે દયા રાખવી, હીંસા ન કરવી, પ્રકૃતીના ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી, જેવા અનેક ગુણોનો આધારસ્થમ્ભ છે. એ વાત અલગ છે કે ‘વસુધૈવ કુટુંબકમ્’ કહેવાવાળા આપણે, આપણા જ લોકો સાથે જ્ઞાતી, જાતી, ધર્મ, પ્રદેશ, અસ્પૃશ્યતા વગેરેમાં ખુબ ભેદભાવ અને તીરસ્કાર કરીએ છીએ. વનસ્પતીમાં જીવ છે અને તે ઘણા જીવોનો આધાર છે. જ્યારે હોમ, હવન, હોળી, અગ્નીદાહમાં, લાકડાંમાંના અસંખ્ય જીવ–જન્તુઓનો નાશ પણ થાય છે. તો તે દુનીયાની સૌથી અહીંસક એવી હીન્દુ, જૈન પ્રજાને કેમ શોભે!
  ભુમીસંસ્કાર’ એક સમ્પુર્ણ નવીનતમ ભારતીય પદ્ધતી છે. તેને પ્રાચીન ધર્મગ્રંથોનો આધાર છે. તેમાં શબને જમીનની અન્દર, માટીના સમ્પર્કમાં આદર્શ દફન કરવાનું છે. તેમાં અન્ય કોઈ વસ્તુ નાખવાની નથી. સમાધીની જેમ દફનથી તેનું ઝડપથી માટીમાં રુપાન્તર થઈ જાય છે. તેના પર કોઈ પણ પ્રકારનું સ્મારક કે કબર કરવામાં આવતી નથી, શક્ય હોય ત્યાં સુધી વૃક્ષો વાવવામાં આવે છે, જેથી વનીકરણને વેગ મળે. વળી તે જમીન પર મૃતકના વારસદારોનો કોઈ પણ પ્રકારનો હક્ક કે દાવો રહેતો નથી. જેથી ભવીષ્યમાં તે જમીનનો ખેતી, રસ્તા, રહેઠાણ કે અન્ય ઉપયોગ કરી શકાય છે.
  લેખ અત્યંત માહિતીપૂર્વક છે. માટીમાં દફન કરવું એ યથા યોગ્ય રીત છે. પણ હિન્દુ સન્સ્કુતી મુજબ એમ માનવામાં આવે છે કે અગ્નિસ્નાસ્કાર કરવાથી જીવ પંચમહાભૂતમાં ભળી જાય છે. આ એક દ્રઢ માન્યતા છે. આ રીત રિવાજો કોઈ કાળે બદલી શકાતા નથી. મુસ્લિમ સમાજમાં અને ખ્રિચન સમાજમાં દફન વિધિ શબને જમીનની અન્દર, માટીના સમ્પર્કમાં આદર્શ દફન કરાય છે. આ પ્રથા જો આપણે હિન્દુ સમાજમાં લાગુ કરીયે તો હોમ, હવન, હોળી, અગ્નીદાહમાં, લાકડાંમાંના અસંખ્ય જીવ–જન્તુઓનો નાશ પણ થાય. મે થોડું લખેલું છે. ઉપર મુજબ લેખકના વિચાર મુજબ ચાલીએ તો તે ખરેખર અનુકરણીય છે.

  Like

 2. Not getting this article, by saying that burring dead body is a good option. I think author must have some prejudice with Hindu culture. I believe this blog is for rationalism, to remove superstitions and bad cultural habits,need to presented without any prejudice.

  Like

 3. શ્રી વીનોદ વામજાનો પ્રથમ લેખ ગમ્યો હતો.
  આ લેખમાં ઇકોનોમીને વઘુ મહત્વ આપ્યુ છે. સ્ટેટેસ્ટીક્સની ચર્ચા વઘુ થઇ છે. રીપીટેડ ચર્ચા.

  સૂર્યશક્તિથી પણ આજે વિજળીનું ઉત્પાદન થાય છે. તેનો ઉલ્લેખ નથી. વર્લડ આજે સૂર્યશક્તિથી વિજળી ઉત્પન્ન કરીને ફેકટરીઓ ચલાવે છે. ઇન્જીનીયરીંગ વિજ્ઞાન શું ના કરી શકે ? ઇકોનોમીકલ વિજળી ઉત્પાદન અને તે પણ નોન પોલ્યુટીંગ. કોઇ પણ બળતણની જરુરત નહિ.. લાકડા પણ નહિ અને કોલસા પણ નહિ. નો પોલ્યુશન. સૂર્યશક્તિથી ઉત્પન્ન વિજળીને લીઘે વાવેલા ઝાડો લાંબો સમય જીવતા રહીને પોલ્યુશન કન્ટરોલ કરવામાં મદદ કરે છે.

  વસ્તીવિશ્ફોટ સૌથી મોટો પ્રશ્ન માનવજાત ઉપર છે., તે વીનોદભાઇની વાત સાચી છે.

  અેન્વાયરમેંટલ પોલ્યુશન બીજો મોટો પ્રશ્ન માણસ ની સામે છે. વઘેલી વસ્તી વઘુ પોલ્યુશન.

  બીજો પ્રશ્ન જે ચર્ચાયો નથી તે છે…..વઘેલી વસ્તી અને ઓન અેન અેવરેજ…..માણસની જીંદગીના વરસોમાં પણ વઘારો થયો છે, જે વસ્તીની ડેન્સીટીમા વઘારો કરે છે.

  ભારતીયોમાં હિન્દુઓના હૃદય અને મગજ બન્ને પુરાણો સજેસ્ટેડ ‘ અગ્નિસંસકાર ‘ જ અંતિમયાત્રાને માટે સાઘન છે. અને તેમણે ઇલેક્ટરીક …અગ્નિસંસ્કારને માન્યતા આપી દીઘી છે. સ્વીકારી લીઘું છે.

  સૂર્યશક્તિથી ઉત્પન્ન વિજળીથી અગ્નિસંસ્કારને પણ ઇકોનોમિકલ બનાવી શકાય….કદાચ બનાવી પણ દીઘુ હોય……

  પૃથ્વિ ઉપર આજે ઘર્મોનું રાજ છે. મેજોરીટી લોકો પોતે જે ઘર્મમાં
  જન્મ લીઘો છે તેના નિયમો જે સજેશન કરે તેને માન્ય રાખે છે. ….ઓફકોર્સ ઇકોનોમી પણ મહત્વનો ભાગ ભજવે છે….જ્યાં સુઘી દેવું કરીને જમીન લઇને દફન કરવાનું જેને પરવડે નહિ તેઓ…( અમેરીકામાં સાંભળ્યું છે. ) અગ્નિસંસ્કાર તરફ વળે છે.
  દરેક પ્રશ્નને દસ દિશાથી પ્રશ્નો આવતા હોય છે. સોલ્વ તો કરવા પડશે જ.
  કદાચ આફ્રિકામાં જમીન ખરીદવી ના પડતી હોય. …અને દફન વિઘિમાં કોઇ ખર્ચ નહિ…જે હીન્દુઓમાં છે.
  મારા વિચારો વાચકને અેમ પણ લાગે કે…‘ ગોળ…ગોળ ‘ છે. પરંતું લોકવિચારનો , રીસર્ચનો અભ્યાસ વઘુ પ્રકાશ આપે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. વિનોદભાઈનો ખુબ સરસ લેખ.
  અમારા ગામમાં બચપણમાં મેં જોયું છે કે કેટલાંક વર્ષ પછી એક જગ્યાએ જ્યાં ભુમીદાહ કરવામાં આવ્યો હોય તે જગ્યાએ ફરીથી ભુમીદાહ કરવામાં આવતો. વળી આ પહેલાં મેં કહ્યું હતું તેમ એનો ઘાસીયા તરીકે તથા વૃક્ષો ઉછેરવામાં તો ઉપયોગ થતો જ હતો. હા, એ પડતર જમીન ન હતી. તે સમયે અમારા ગામની વસ્તી અઢી હજાર જેટલી હતી એવો ખ્યાલ છે.
  અમારા એ વીસ્તારમાં દફન કરવામાં આવતું, એનું કારણ મને ખબર નથી. કદાચ મુખ્ય વસ્તી કોળી લોકોની અને એને અસ્પૃશ્ય ગણવામાં આવે છે એને કારણે પણ હોઈ શકે. આમ તો અમારા ગામમાં મત્યાધર્મી લોકો પણ હતા,જેમનો હીન્દુ ધર્મી લોકો સાથે દરેક પ્રકારનો લગ્નવહેવાર સુધ્ધાંનો પણ સંબંધ હતો. એમની સ્મશાનભુમી હીન્દુઓની સ્મશાનભુમીને અડીને જ હતી,પણ એ લોકો ઉપર કબર બાંધતા. આમ એ જગ્યા માત્ર એક જ વાર વાપરી શકાતી.
  સરસ માહીતી આપવા બદલ હાર્દીક આભાર ગોવીન્દભાઈ .

  Like

 5. અભ્યાસુ લેખમા બધા પાસાની સુંદર રીતે ચર્ચા કરી છે અમને પર્યાવરણ અને બધી રીતે દેહદાન અને આ ‘Woodland burial, also known as green burial or natural burial, is an eco-friendly funeral option that is growing in popularity. Woodland burial is an environmentally-friendly alternative to traditional burials and cremation.’ યોગ્ય લાગે છે

  Liked by 1 person

 6. આપણે (સૂર્યશક્તિથી) સોલાર સિસ્ટમથી જો અગ્નિદાહ કરવા હોય તો 100 કેવીએ નો સોલાર પ્લાન મૂકવો પડે. સામાન્ય રીતે એક ઘરની છત ઉપર એકાદ કેવીએની સોલાર સીસ્ટમ હોય છે. પણ તે પ્રદૂષણ મુક્ત નથી. બીજી બાજુ જમીનની ફળદ્રુપતા વધારી શકીએ નહીં.
  દુનિયામાં સોલાર સિસ્ટમથી ઉત્પન્ન થતી વીજળી બે ટકાથી વધારે નથી. વીજળીના સેંકડો ઉપયોગો છે. તેને કોઈપણ રીતે વેડફવી યોગ્ય ન ગણાય. આપણે ભુમીદાહ પ્રત્યે એલર્જી રાખવી જોઈએ નહિ. 20 થી 30 ટકા હિંદુઓ ભુમીદાહ અપનાવે છે. વધુ માહિતી માટે પુસ્તીકા ‘ભુમી સંસ્કાર આદર્શ અંતિમ ક્રિયા’ વાંચવા વિનંતી – વિનોદ વામજા ઉપલેટા.

  Liked by 1 person

 7. સોલાર સીસ્ટમ તો પ્રદુષણ મુક્ત છે પણ તેનાથી જે અગ્નીદાહ અપાય છે, શબ બળે છે, તેનાથી ખૂબ ધુમાડો અને પ્રદૂષણ થાય છે. જો શબને આદર્શ રીતે દફન કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધે છે. જે સોલર ના ઉપયોગ કરવાથી થતી નથી.

  Like

  1. SHREE VINODBHAI,
   I APPRECIATE THIS SUBJECT OF EITHER BURIAL OR CREMATION. IF THERE IS AVAILIBITY OF
   LAND BURIAL CAN BE IDEAL. IN POPULATED COUNTRIES THERE IS A PROBLEM OF LAND. AS
   THERE IS LESS SPACE AND TO OBTAIN SPACE FOR BURIAL , COST IS INVOVED. DUE TO LIMITED
   AVAILIBITY OF LAND AND THE COST INVOLVED THE BODIES ARE BURIED DEEP AND A NUMBER OF FAMILY MEMBERS ARE BURIED IN THE SAME ALLOTMENT.DUE TO THIS REASON MANY
   PEOPLE OPT OUT TO CREMATE INSTEAD OF BURRYING.CREMATING A PERSON DOES NOT NEED
   MORE SPACE BUT BURIAL DOES. THE POPULATION OF THE WORLD IS NOT REDUCING , BUT AS
   AT THE PRESENT THE BODIES ARE CREMATED HYGINICAALY. I AGREE WITH ONE OF THE READERS THAT THE SUNLIGHT IS USED TO PRODUCE ELECTRICITY, AND LESS COST IS INVOVED!!
   shirish

   Liked by 1 person

   1. આપના પ્રતિભાવ માટે આભાર ધન્યવાદ
    પણ મેં જે વિચાર રજુ કર્યો છે જે ઓછો ખર્ચાળ પ્રકૃતિગત, વૈજ્ઞાનિક, અને પર્યાવરણ બચાવનારો છે જે હાલમાં અન્ય કોઈ પદ્ધતિ માં નથી.

    Liked by 1 person

 8. આપના પ્રતિભાવ માટે આભાર ધન્યવાદ
  પણ મેં જે વિચાર રજુ કર્યો છે જે ઓછો ખર્ચાળ પ્રકૃતિગત, વૈજ્ઞાનિક, અને પર્યાવરણ બચાવનારો છે જે હાલમાં અન્ય કોઈ પદ્ધતિ માં નથી.
  દફનથી જમીન ઘટતી નથી અને દહનથી જમીન બચી નથી. દરેક વાતનો મુદ્દાસર જવાબ પુસ્તક ભૂમિ સંસ્કારમાં આપેલો છે. જેની લીંક ગોવીંદ મારુ સાહેબે અભિવ્યક્તિમાં આપેલી જ છે. તે કાળજીપૂર્વક વાંચીને આપ આપની તમામ મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો.
  આપના અભિપ્રાયથી સમજાય છે કે આપ જે લેખ ટૂંકમાં આપેલો છે તે પણ ઉપરછલો વાંચેલો હોય તેવું જણાય છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s