રૅશનાલીસ્ટ પુર્વગ્રહો તથા ખોટા ખ્યાલો ધરાવતો હોઈ શકે? રૅશનાલીસ્ટ ભુમીકા વીહોણા અભીપ્રાયો બાંધે? રૅશનાલીસ્ટની પોતાની કહી શકાય એવી કોઈ જાતી કે જ્ઞાતી કે રાષ્ટ્રાભીમાન હોઈ શકે?
વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :
રૅશનાલીઝમ અને પુર્વગ્રહો
–રમણ પાઠક (વાચસ્પતી)
(‘મધુપર્ક’ પુસ્તકના ગત લેખનો સ્રોત : https://govindmaru.com/2020/07/17/raman-pathak-51/ )
રૅશનાલીસ્ટ પુર્વગ્રહયુક્ત માનસ ધરાવતો હોઈ શકે? એવા એક મીત્રના પ્રશ્નનો ઉત્તર શોધતાં પુર્વે આપણે ‘પુર્વગ્રહ’ શબ્દની પ્રથમ તો વ્યુત્પત્તી કરીએ અને પછી વ્યાખ્યા જોઈએ :
પુર્વગ્રહ એટલે પુર્વ વત્તા ગ્રહ, અર્થાત્ આગળથી પકડી લીધેલો કોઈ ખ્યાલ કે બાંધી લીધેલો અભીપ્રાય. એને માટેનો અંગ્રેજી શબ્દ છે : પ્રેજ્યુડીસ; જેની વ્યુત્પત્તી પણ બરાબર એ જ થાય છે : ‘પ્રે’ એટલે વાસ્તવમાં ‘પ્રી’, જે પહેલાંનું કે અગાઉનું એવું દર્શાવતો ઉપસર્ગ–પુર્વગ છે; જ્યારે ‘જ્યુડીસ’ એટલે અભીપ્રાય બાંધવો, મત કે નીર્ણય (ચુકાદો) જાહેર કરવો. આ પણ સંસ્કૃત કે ગુજરાતી શબ્દનો જ યથાર્થ પર્યાય છે. શબ્દકોશો આ પદાર્થ કે લાગણીની વ્યાખ્યા નીચે મુજબ કરે છે : આગળથી બાંધેલો ખોટો મત (ભગવદ્ગોમંડળ) સાથે સાથે ગુજરાતીના બન્ને માન્ય શબ્દકોશો (ભગવદ્ગોમંડળ અને જોડણીકોશ) બીજી વ્યાખ્યા એવી પણ આપે છે કે, પહેલેથી જ બંધાયેલો અભીપ્રાય : અત્રે ‘ખોટો’ શબ્દ રદ કરવામાં આવ્યો છે એ યોગ્ય જ છે; કારણ કે કવચીત્ પુર્વગ્રહ એટલે કે આગળથી જ બંધાયેલો હોવા છતાં, અમુક મત સાચો પણ ઠરે… પણ એ કેવળ અકસ્માત જ કહેવાય; કારણ કે કોઈ પણ પદાર્થ, વ્યક્તી કે સમુહ માટે આગળથી અભીપ્રાય બાંધી લેવો એ રીત કે મનોદશા જ અસ્વીકાર્ય ગણાય. મતલબ કે પુરતી ચકાસણી કે સર્વેક્ષણ વીના મત ધારણ કે ગ્રહણ કરવો જ જોઈએ નહીં. અત્રે યાદ રાખવું ઘટે કે, સર્વેક્ષણ બે પ્રકારનું હોય છે : સૅમ્પલ સર્વે એટલે કે પસન્દ કરેલા નમુનાને આધારે સમ્પુર્ણ વૈજ્ઞાનીક સર્વેક્ષણ અને રૅન્ડમ સર્વે, અર્થાત્ છુટક નમુનાઓની લાંબા ગાળાની ચકાસણી, એવો અભ્યાસ તથા એવા નીરીક્ષણ દ્વારા તારવેલો અભીપ્રાય. જ્યાં સૅમ્પલ સર્વે શક્ય જ ના હોય, ત્યાં વીદ્વાનો તથા વીચારકો રૅન્ડમ સર્વેથી નીર્ણયો તારવતા હોય છે. એમાં એક વાત કે પરીણામ સામાન્યત: શક્ય છે કે રૅન્ડમ સર્વેના તારણોમાં અપવાદોની ભરપુર શક્યતા રહેલી હોય છે; પરન્તુ લાંબા પરીચય, અભ્યાસ તથા નીરીક્ષણ દ્વારા તારવેલા મતને પુર્વગ્રહ કદાપી કહી શકાય જ નહીં.
રાષ્ટ્રીય પુર્વગ્રહો, જાતીય યા વંશગત પુર્વગ્રહો, જ્ઞાતીય પુર્વગ્રહો આદી સામાન્યત: માનવીની માનસીક નીર્બળતાઓ કે અવૈજ્ઞાનીક લાપરવાહી હોય છે. બીજી બાજુ, લાંબા પરીચયથી, વ્યાપક તથા દીર્ઘ અનુભવ દ્વારા તારવેલા અભીપ્રાયને પુર્વગ્રહ કહી શકાય જ નહીં; કારણ કે તે રૅન્ડમ સર્વેનું પરીણામ કહેવાય. અલબત્ત, એવા નીરીક્ષકનું માનસ વૈજ્ઞાનીક હોવું જોઈએ અને તેણે ચોક્કસ હેતુપુર્વક પ્રસ્તુત અભ્યાસ કર્યો હોવો જોઈએ. અન્યથા લાંબા પરીચય બાદ પણ ખોટો અભીપ્રાય બંધાય એવું બને. બીજું કે, જ્યાં સુધી હું એવા ખ્યાલને સદન્તર છોડી શકું નહીં કે, ‘હું જન્મે બ્રાહ્મણ છું’ ત્યાં સુધી, હું બ્રાહ્મણજ્ઞાતી કે જુથ વીશેના કોઈ પણ સારા કે ખોટા અભીપ્રાયને તટસ્થ ભાવે સ્વીકારી શકું જ નહીં. દા.ત., કોઈ વ્યક્તી એમ કહે કે, ‘બ્રાહ્મણ સ્વભાવે જ ભીક્ષુકવૃત્તીવાળો હોય.’ તો એ સાંભળીને હું પ્રસ્તુત અભીપ્રાયદાતાને જો એમ કહી દઉં કે, તમને બ્રાહ્મણો માટે પુર્વગ્રહ છે; તો એનો અર્થ એવો જ થાય કે, બ્રાહ્મણ વર્ણના અમુક સામાન્ય ગુણ કે અવગુણ બાબત તટસ્થ ભાવે વીચાર કરવાને બદલે હું સામાના અભીપ્રાયનું એક જન્મજાત બ્રાહ્મણ તરીકે જ મુલ્યાંકન કરું છું. એનો એક સાચો અર્થ એવો પણ તારવી શકાય કે પુર્વગ્રહ પેલા અભીપ્રાયદાતા ટીકાકારના મનમાં નથી; પરન્તુ ખરેખર તો મારું જ મન પુર્વગ્રહદુષીત છે; કારણ કે હું મારી મુળ આયડેન્ટીટી બ્રાહ્મણ હોવાપણું ત્યજી શકતો નથી. એવો જ અભીગમ ગુજરાતીપણા કે ભારતીયપણા બાબતે પણ ઘણા સેવતા હોય છે.
હજી એક મુદ્દાની ચર્ચા કરવાની બાકી રહે છે, અને તે એ કે, શું જુથગત કે સમુહગત લક્ષણો તથા ગુણાવગુણ ખરેખર સમ્ભવી શકે ખરા? જવાબ છે, ‘હા’; અને એનું વજનદાર કારણ છે કે, સમ્બન્ધીત જુથને અમુક જુથગત તાલીમ કે સંસ્કાર બાળપણથી મળતા હોય છે; જેથી તેમનામાં તે ખાસીયતનો વીકાસ થાય એ શક્ય છે. એ એટલું સહજ છે કે, માંસાહારી કુટુમ્બમાં કે સમાજમાં જન્મેલું બાળક ની:સંકોચ માંસ ખાઈ શકે છે, એને સુગ કે કરુણા–દયાનો લેશ માત્ર વીચાર સુધ્ધાં આવતો નથી. એથી ઉલટું, શાકાહારી કુટુમ્બ કે સમાજમાં ઉછરેલું બાળક માંસ શબ્દ માત્રથી સુગ કે અરુચી અનુભવે છે; તે એવો ખોરાક ખાઈ જ શકતું નથી અને પછી તેના અનુસંધાનમાં જ કરુણા કે દયાની વાતો કરે છે. વાસ્તવમાં આ બન્ને લાક્ષણીકતાઓ જ છે અને એ વારસાગત છે; એમાં ગુણાવગુણનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. અલબત્ત, તે માટે સમ્પુર્ણ તટસ્થતા જોઈએ. એ પણ પુરેપુરું શક્ય છે કે માંસાહારી વ્યક્તી ખુબ દયાળુ હોય અને શાકાહારીમાં એથી ઉલટી જ પ્રકૃતી જોવા મળે, બલકે આ બન્ને હકીકતો સાક્ષાત્ જોવા મળે જ છે.
હવે રાષ્ટ્રીય પુર્વગ્રહની ચર્ચા એક દાખલો લઈને કરીએ : ભારતમાં અસંખ્ય ભારતીય નાગરીકો પાકીસ્તાનીઓ વીશે અમુકતમુક અભીપ્રાયો ધરાવે છે; જે ખોટા પણ હોઈ શકે અને સાચા પણ હોઈ શકે; પરન્તુ પાકીસ્તાન આપણો શત્રુ દેશ છે એવા ખ્યાલ માત્રથી એની વીરુદ્ધ કે એની તરફેણમાં અમુકતમુક અભીપ્રાય કશાય અભ્યાસ કે પરીચય વીના જ બાંધી લેવાય એવુંય ક્વચીત્ બને. રૅશનાલીસ્ટ કદાપી આવા ભુમીકા વીહોણા અભીપ્રાયો બાંધે નહીં; એનું મુખ્ય કારણ તો એ કે, રૅશનાલીસ્ટને પોતાને તેની પોતાની કહી શકાય એવી કોઈ જાતી કે જ્ઞાતી તો શું, રાષ્ટ્રાભીમાન પણ હોઈ શકે નહીં. સત્ય તારવવામાં કે સ્વીકારવામાં સૌથી આડે આવતો લગભગ અભેદ્ય તથા અપારદર્શક પદાર્થ ધરાવવો એ પુર્વગ્રહ કહેવાય. પુર્વગ્રહની વ્યાખ્યામાં જે ‘ખોટો અભીપ્રાય’ એવો શબ્દપ્રયોગ આવે છે; ત્યારે એના બે અર્થ થાય છે : એક તે ‘અસત્ય’ અને બીજો ‘વીરોધી’. સામાન્ય જન તો વીરોધી અર્થને પ્રાધાન્ય આપે છે અને રુઢીની દૃષ્ટીએ એ જ અર્થચ્છાયા વધુ નીકટની છે; પરન્તુ સામાન્ય જનની મનોદશા એટલી તો અતાત્ત્વીક, અવીવેકપુત યા તટસ્થતારહીત હોય છે કે જો તે ચોક્કસ જુથનો સભ્ય હોય તો, પ્રશંસા કે ગુણવર્ણનને તત્કાળ સ્વીકારી લેશે; પરન્તુ ટીકાને એ જ રીતે, એકદમ પુર્વગ્રહ કહીને નકારી કાઢશે. સાચો રૅશનાલીસ્ટ પોતાને કોઈ જુથનો માનતો જ નથી; એથી તે કદી આવો અભીગમ દાખવતો જ નથી. એને મન શું બ્રાહ્મણ ને શું વાણીયો? શું હીન્દુસ્તાની અને શું પાકીસ્તાની? બધાં જ માનવપ્રાણીઓ અને બધાં જ સરખાં; છતાં ઉપર જણાવ્યું તેમ દરેક વ્યક્તીમાં એની વારસાગત અથવા સંસ્કારગત લાક્ષણીકતો સમ્ભવે જ, એ હકીકત તે સ્વીકારે.
એક પાકીસ્તાની સમક્ષ તમે જો પાકીસ્તાનની ટીકા કરો; તો તે તમને પુર્વગ્રહથી પીડાતા ગણાવશે; પરન્તુ જો તમે પાકીસ્તાનમાં, પાકીસ્તાનીઓ વચ્ચે જ વરસો સુધી વસી આવ્યા હો; એટલું જ નહીં અનેક પાકીસ્તાનીઓ તમારા ગાઢ મીત્રો પણ હોય; અરે એક યા અન્ય કારણે તમારાં નીકટના સ્વજનો પણ પાકીસ્તાની હોય અને છતાં જો તમે પાકીસ્તાનનાં કે એના નાગરીકનાં અમુક ગુણલક્ષણની ટીકા કરો તો એ કદાપી પુર્વગ્રહ ન જ કહેવાય. વળી, કેટલાંક પાકીસ્તાનીઓ ખુદ પણ એ કબુલતાં હોય, ત્યારે તો નહીં જ. એમાંય જો તમે રૅશનાલીસ્ટ અને એથી સમ્પુર્ણ તટસ્થ હો, તો તમારો મત અભ્યાસ–નીરીક્ષણથી સમર્થીત થયેલો હોય, એટલે બહુધા સાચો જ હોય. અલબત્ત, તટસ્થ કે રૅશનાલીસ્ટ વ્યક્તી હમ્મેશાં અપવાદનો સ્વીકાર કરે જ. વળી, એટલા જ તાટસ્થ્યથી તે તારીફ પણ કરે જ. રૅશનાલીસ્ટ કદાપી ઉતાવળા નીર્ણયો ન બાંધે.
આપણા સામાન્ય જનની બીજી મુશ્કેલી એ છે કે, તે અભીપ્રાય બહુધા સમગ્રતયા ધરાવે છે અથવા તો માની લે છે. અર્થાત્ અમુક વ્યક્તી સારી કે ખરાબ, એટલે બધી રીતે સારી યા ખરાબ જ; પુરી ને સદાય એવી અને એવી જ. જ્યારે વાસ્તવમાં એવું ભાગ્યે જ પ્રવર્તતું હોય છે. પ્રત્યેક વ્યક્તીમાં કે જુથમાં, અમુક ખરાબ અને અમુક સારાં ગુણલક્ષણો હોય છે. દા.ત., એક વાર હું એમ બોલ્યો કે, મોરારજી દેસાઈ બાહોશ વહીવટકર્તા હતા. એટલે તરત જ મીત્રો પોકારી ઉઠ્યા કે, ‘તમે વળી ક્યારથી મોરારજીના પ્રશંસક થઈ ગયા?’ વાસ્તવમાં હું મોરારજીની વહીવટી કુશળતાને સહેલાઈથી પારખી શકું છું; કારણ કે છેક 1937થી એ જોતો આવ્યો છું; પરન્તુ એમનાં રુક્ષતા, તોછડાપણું, આપખુદી, હઠાગ્રહો–અભીગ્રહો યા અન્ય રાજકીય–આર્થીક નીતી કે વીચારોનો પ્રશંસક હું કદાપી ન બનું. એટલી તટસ્થતા મારામાં હોય, તો જ હું રૅશનાલીસ્ટ કહેવાઉં. સરદાર કે ગાંધીજી બાબતે પણ મારો અભીગમ બરાબર આવો જ તટસ્થ છે. હું ગાંધીની સ્વછતા કે કરકસરની ભાવનાને વખાણું; પરન્તુ દારુબન્ધી, બ્રહ્મચર્ય કે યન્ત્રવીરોધને કદી સમર્થન ન આપું. ગાંધીજી તેઓના ધાર્મીક આશીર્વાદને કારણે ઘણું ખોટું પણ કરી ગયા તે તટસ્થતાપુર્વક જોઈ–મુલવી શકાય. સમ્પુર્ણ તટસ્થતા વીના રૅશનાલીસ્ટ થવાય જ નહીં અને સાચો રૅશનાલીસ્ટ તો પોતાનાં ખુદના દુર્ગુણો તથા નીર્બળતાઓ પણ બરાબર જાણે અને કબુલે.
દા.ત., હમણાં દમણમાં એક એવા સારા રૅશનાલીસ્ટ મીત્ર મળ્યા; જેઓએ લગભગ અર્ધા કલાક સુધી પોતાની ખુદની જ ખુલ્લા દીલે નીંદા કરી. એમણે એમ પણ કહ્યું કે, ‘લોકો ગણાવે છે એવો બહાદુર કે મજબુત મનનો હું નથી; ડરપોક ને કાયર છું. માનસીક રોગોનો દર્દી પણ છું વગેરે…’ આ બધી વાત અન્ય મીત્રોએ બરાબર સાંભળી અને સ્વીકારી લીધી; એમાં એમને કોઈ પુર્વગ્રહ કે પક્ષપાત ન દેખાયો! પરન્તુ પોતાની જ નીંદા કરી શકનાર એ તટસ્થ રૅશનાલીસ્ટે જ્યારે અમુક સમુહ યા વ્યક્તીની ટીકા કરી કે તરત જ બીજા મીત્રો તુટી પડ્યા કે, ‘તમે પુર્વગ્રહથી પીડાઓ છો!’ કારણ એટલું જ કે અમુક મીત્રો મુળભુત રીતે તે સમુહના હતા. બાકી જે સમુહ સાથે વ્યાપક તથા ગાઢ સમ્બન્ધ હોય, પાકો નાતો હોય, ત્યાં પુર્વગ્રહ જેવા શબ્દનેય સ્થાન જ ક્યાંથી સમ્ભવે? એવું કોઈ વ્યક્તી બાબતે પણ બને; દા.ત., જેની સાથે પુરાં પચાસસાઠ વર્ષની ગાઢ મૈત્રી હોય; એને માટે કોઈ કશોય પુર્વગ્રહ સેવી જ કેમ શકે? એથી ઉલટું, એની નીર્બળતાઓ જોઈને તેઓ આત્મીયતાની લાગણીથી દુ:ખી જ થાય.
ટુંકમાં રૅશનાલીસ્ટમાં પુર્વગ્રહ સમ્ભવે જ નહીં; એ બે પરસ્પર વીરોધી ગુણલક્ષણો છે. બીજું એ કે, ઉછેર, વારસો, સંસ્કાર, તાલીમ તથા સમુહગત આબોહવાને પરીણામે, ચોકકસ સમુહમાં, ચોકકસ ગુણલક્ષણ વધુ પ્રમાણમાં પ્રગટે તથા વીકસે એ સાવ સ્વાભાવીક પ્રક્રીયા છે. એમ પણ રૅશનાલીસ્ટ સ્વીકારે. આપણે જો રૅશનાલીસ્ટ થવું હોય તો, પુરા તટસ્થ થવું ઘટે અને નીજના તથા અન્યના ગુણદોષને વીવેકપુર્વક પારખતાં તથા સ્વીકારતાં શીખી લેવું જોઈએ. રૅશનાલીઝમ એ ઉચ્ચતમ વીચારાવસ્થા છે. માત્ર ઈશ્વર, ધર્મ કે ચમત્કાર જેવા બે–ચાર પુર્વગ્રહો ત્યજવાથી જ પુર્ણ રૅશનાલીસ્ટ ન બનાય; એ માટે તો તમામેતમામ પુર્વગ્રહો તથા ખોટા ખ્યાલો ત્યજવા જ રહે. ‘ખોટા’ એટલે અસત્ય ને અનીષ્ટ બન્ને પ્રકારના.
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના છઠ્ઠું પ્રકરણનાં પૃષ્ઠક્રમાંક :49થી 52 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.comઅને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
It is difficult to become unprejudice as we used to be judgmental .it requires delearnig for routine beliefs etc.
LikeLiked by 1 person
Very objective and convincing view-point … God bless us all to implement this in our own life!
LikeLike
Rational = Possessing Power of reasoning.
વિચારશક્તિ કે સમજશક્તિવાળું, તર્ક પર આઘારિત, તાર્કિક, બુઘ્ઘિગમ્ય, બુઘ્ઘિવાદી, બુઘ્ઘિગમ્ય, તર્કસંગત, સારાસાર વિવેક, તાર્કિક રીતે પ્રતિપાદન કરવું કે સમજાવવું.
આ વાક્યને આપણે રેશનલ કહીશું કે નહિ ?
‘ પોતાની ભૂલો માટે જ્યારે ચર્ચા કરવાની આવે ત્યારે તે માણસ ‘ વકીલ ‘ બની જાય છે. અને જ્યારે બીજા કોઇની ભૂલોની ચર્ચા કરવાની આવે ત્યારે માણસ ‘ જજ ‘ બની જાય છે.‘
આ વાક્યની સચ્ચાઇને કેવી રીતે સાબિત કરવી. અર્થાત, આ વાક્યને ખોટું સાબિત કરવા શું કરવું ?
કોઇ કહે…‘ મને આ બાબત સામે ખૂબ નફરત છે. ‘
તે અેક બાંઘી લીઘેલો નિર્ણય છે.
પરંતું અેવું પણ બને કે નીજી અનુભવ તે પૂર્વગ્રહને ખોટો પણ સાબિત કરે.
કોઇ અેવા પણ મળે જે જીદ્દિપણામાં જીવતો હોય….તે સમજે છે કે તેના વિચારો ખોટા છે. છતાં તેને પકડી રાખે છે. ઘણા પોલીટીશીયનો આવા મળે છે. અને તેમની આ જીદને કારણે બીજાઓને નુકસાન કરે છે.
દા.ત. અેક ભાઇ જાણે છે કે તેના પિતાશ્રીઅે ખોદાવેલા કુવામાંથી ખારું પાણી મળે છે. અને નેબરના ઘરના કુવામાંથી મીઠું પાણી મળે છે. અઅને તે તેને લેવાની છુટ છે. છતાં જીદ્દિ સ્વભાવ કહે છે કે, મારા પિતાશ્રીઅે આ કુવો ખોદાવેલો છે માટે હું તો આ કુવાનું પાણી જ પીવાનો. આ પૂર્વગ્રહ…..
ઉપર દર્શાવાયેલી વ્યાખ્યાઓ સાચા રેશનાલીસ્ટને અને તેના ગુણોને સમજાવે છે.
પૂ. સ્વ. રમણભાઇને મારા સાદર પ્રણામ.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
રાષ્ટ્રીય પુર્વગ્રહો, જાતીય યા વંશગત પુર્વગ્રહો, જ્ઞાતીય પુર્વગ્રહો આદી સામાન્યત: માનવીની માનસીક નીર્બળતાઓ કે અવૈજ્ઞાનીક લાપરવાહી હોય છે.અંગે ખૂબ સરસ વાતો સાથે સાચા રેશનાલીસ્ટ બનવાની પ્રેરણાત્મક વાત
LikeLiked by 1 person