‘અખાના છપ્પા’ અને ‘લોકશાહી માટેની પુર્વશરત’

અખાના છપ્પા’ ખંડ : 01માંથી ચુંટી કાઢેલા પાંચ છપ્પા અને તેનો ભાવાર્થ તેમ જ તમામ ધર્મોનાં જુનાં શાસ્ત્રો અને સાહીત્ય વીશે વીચાર કરી, આદરણીય શ્રી. યશવંત મહેતાએ કયો મુદ્દો ધ્યાનમાં રાખવા જણાવ્યો… તે બન્ને નાનકડી પોસ્ટ સાદર છે…

અખાના છપ્પા’ અને

લોકશાહી માટેની પુર્વશરત’

–અખો

1

પંડ પખાળે પુજે પાહાણ,
અને મનમાં જાણે હું જાણ.
આપે આત્મા ને બાહાર ભમે,
મુરખ સાહાયો માંડી નમે.
ડાહ્યા પંડીત થઈ જે આદરે,
તેહ અખો મન્ય ક્યમ ઘરે?

[માણસ તીર્થસ્થાનોમાં જઈ સ્નાન કરે છે તેમ જ પથ્થરની મુર્તીની પુજા કરે છે, ને તોય પોતાને જ્ઞાની માને છે. પોતે જ આત્મા હોવા છતાં (તેને શોધવા બહાર) મન્દીરોમાં ભટકે છે ને મુર્તીની સામે શરીરને પુરેપુરું લમ્બાવીને પગે લાગે છે. બીજા તો ઠીક પણ ડાહ્યા – બુદ્ધીશાળી પંડીતો પણ આવા બાહ્યાચારો પાળે છે. અખો એ બધું મનમાં કેમ લે? એના પર લક્ષ કેમ આપે?]

2

ભણ્યેગણ્યે શી સાધી વાત?
અવળાં પડળ વળી ગયાં સાત.
ઉંચનીચ રસુલ માંહે હતાં,
અખા થાપીને કીધાં છતાં,
પાંડીત્ય કરતાં લાગ્યું પાપ,
પાઈ દુધ ઉછેર્યો સાપ.

[પંડીતો પણ ભણીગણીને શું મેળવે છે? તેમની આંખ આડે ઉલટાનાં ઉંધી સમજણનાં પડ સારી પેઠે વળી ગયાં છે. ઉંચનીચના ભેદ અનીશ્ચીત હતા તે નીશ્ચીત કરીને બહાર પ્રગટ કર્યા, બધે ફેલાવ્યા છે. પંડીતાઈને કારણે તેમણે આવું પાપ વહોર્યું છે, આપત્તી ઉભી કરી છે, તે તો દુધ પાઈને સાપ ઉછેરવા જેવું થાય છે.]

3

ઉંચ ખરાયેં ઉંચ મ જાણ્ય,
નીચ તે નોહે નીચ નીર્વાણ;
ઉંચમાં રામ બમણો નથી ભર્યો,
અને નીચ પીંડ નથી ઠાલો કર્યો.
કહે અખો રુસલમાં બકે,
જ્યમ છે ત્યમ જોઈ નવ શકે.

[કોઈ ઉંચ છે એમ ભારપુર્વક કહીએ તે ખરેખર ઉંચ નથી અને નીચ કહીએ તે નક્કી નીચ નથી. ઉંચમાં કાંઈ રામ બમણો નથી ભર્યો અને નીચનો દેહ ખાલી – રામ વગરનો – નથી; પરન્તુ માણસ ભ્રાંતી કે અભીમાનને વશ થઈને બીજા વર્ણનાં મનુષ્યોને હલકાં ગણી તુચ્છકારે છે! તાત્ત્વીક સત્યને તેઓ જોઈ શકતા નથી.]

4

આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમઝ્યું કશું,
આંખ્યનું કાજળ ગાલે ઘસ્યું.
ઉંડો કુવો ને ફાટી બોક,
શીખ્યું–સાંભળ્યું સર્વે ફોક.

[આંધળો સસરોને ઘુમટાવાળી વહુ – એમ બધાં દૃષ્ટીહીન, સમજ વીનાના લોકો કથા સાંભળવા ગયાં. કથા વાંચનારે કહ્યું કંઈ ને સાંભળનારાં સમજ્યાં કંઈ જુદું જ. આ તો આંખે આંજવાનું કાજળ ગાલે ઘસવા જેવું થયું. કુવો ઉંડો હોય અને પાણી ખેંચવાની ડોલ ફાટી ગયેલી હોય તો પાણી મેળવવાના પ્રયત્ન સફળ ન થાય, તેવી રીતે લોકોની જડતાને કારણે શીખેલું ને સાંભળેલું બધું નકામું ગયું.]

5

જ્યાંહાં જોઈએ ત્યાંહાં કુડેકુડ,
સાહામાસાહામી બેઠાં ઘુડ.
કો આવી વાત સુર્યની કરે,
તે આગળ લેઈ ચાંચ જ ધરે.
અમારે હજાર વર્ષ અન્ધારે ગયાં,
તમે આવા ડાહ્યા ક્યહાંથી થયા?
અખા મોટાની તો એહવી જાણ,
મુકી હીરો ઉપાડે પહાણ.

[ઘુવડ સમસામાં બેઠાં હોય ત્યાં કોઈ આવીને સુરજના અજવાળાની વાત કરે તો ઘુવડ ચાંચ ઉંચી કરી કહે કે અમારાં હજારો વરસ અન્ધારામાં ગયા છે અને તમે આવા ડાહ્યા ક્યાંથી થઈ ગયા? તેવી રીતે મોટા બની બેઠેલા માણસો અજ્ઞાનમાં ડુબેલા હોવા છતાં; જ્ઞાનની વાત સ્વીકારવા તૈયાર થતા નથી. આ તો હીરાને (જ્ઞાનને) તજીને પથ્થરને (અજ્ઞાનને) સંઘરવા જેવી વાત છે.]

–અખો

સંશોધક–સમ્પાદક : ડૉ. શીવલાલ જેસલપુરા, 13 – તેજપાલ સોસાયટી, પાલડી, અમદાવાદ – 380 007.

અખાના છપ્પા’ ખંડ : 1માંથી સાભાર. મુખ્ય વીક્રેતા : કુસુમ પ્રકાશન, 222 સર્વોદય કોમ્પ્યુટર સેન્ટર, જીનરલ પોષ્ટ ઑફીસની બાજુમાં, અમદાવાદ – 380 001 ફોન : (079) 2550 1832.

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન :80, સહયોગ રાશીરુપીયા 40/–)માંથી, લેખક, સંશોધક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

8 Comments

  1. અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટેના આદિ રૅશનાલીસ્ટ અખાના ચુંટી કાઢેલા પાંચ છપ્પા આદરણીય શ્રી. યશવંત મહેતાએ સ રસ રીતે સમજાવ્યા.
    ધન્યવાદ

    Liked by 1 person

  2. મિત્રો,
    અખો….
    અેક સોની….સોનાને ( ગોલ્ડને ) ઘાટ કે આકાર આપનાર…..પોતાના વેપારને ન્યાય આપતાં આપતાં માનવજીવનને પણ પોતાના વિચારોને શબ્દોમાં ઢાળીને સંસ્કારી , આકાર આપીને ન્યાય આપતા.
    તેમના જમાનામાં સત્ય અને અસત્ય વચ્ચેના નિર્ણાયક જુદાપણાને સમજીને સમાજને જાગૃત કરનાર અેકલવીર અેટલે…અખો.
    તેમના શબ્દો અેટલે શાબ્દિક ચાબખા.
    સમજને વાલોંકો સચ મીલે….ના સમજે વો અનાડી હૈ.
    રેશનાલીઝમને શ્રી યશવંત મહેતાઅે સરસ રીતે સમજાવ્યો છે.
    ભારત તેની …હિન્દુઓ તેમની…જુની પુરાણી કહેવાતી સંસ્કૃતિને સનાતન માનીને બાળકોને શીખવે છે કે….વડીલોને અને ઘાર્મિક વાતને…કદાપી સવાલ નહિ પુછવા….પાપ લાગે….તે વાતને સવાલ કર્યા વિના માની લેવું
    વેસ્ટર્ન વર્લડ પોતાના બાળકોને સવાલ પૂછવાનું શીખવાડે છે. અભ્યાસમાં કાંઇક નવું શીખીને દુનિયાને કાંઇક આપવું હોય તો સવાલ પુછો…..વઘુ જ્ઞાન મળશે….જે સમાજને ઉંચે સ્થળે લઇ જશે.
    કોઇપણ કહેલી કે લખેલી વાતને માની લેતાં પહેલાં તેના ખરાં, ખોટા વીશે રીસર્ચ કરો….સવાલો પૂછીને….ઇવન વિજ્ઞાનના કોઇ નિયમને કે વિજ્ઞાનની રીસર્ચને માનિ લેતા પહેલાં તેની સચ્ચાઇને સાબિત કરતાં સવાલો પુછો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. સરસ લેખ.શ્રી અમૃત હજારી ની comment ખૂબ પસંદ આવી.

      Liked by 1 person

  3. અખા ના છપ્પા માનવ જગત ને ઘણું સમજાવી જાય છે ,જો માનવી આંખ ને કાન ખોલી ને જીવે તો

    Liked by 1 person

  4. મિત્રો,
    જ્યારે જ્ઞાની અખાના પાંચ ચાબખાનૉ માર સમાજે જોયો, સમજ્યો, અને ઘોયેલા મૂળા જેવા આજ સુઘી રહ્યા તો ક્યારે બદલાશે ?
    સ્વાર્થ… અંગત સ્વાર્થ ભલભલા ડીગ્રી હોલ્ડરને મતીભ્રમ કરે છે. કદાચ વઘુ કોલેજની ડીગ્રી અેટલે વઘુ મોટી નોકરી… મોટો પગાર… વઘુ સત્તા… આ બઘું ચોરવૃત્તિને પ્રોત્સાહન આપે…. અને કરપ્શન….. લાંચ…… તું મારું સાચવ…. હું તારું સાચવું…..
    અખાના બીજા ચાબખા જોઇઅે….
    (૧) ગુરુ કીઘા મેં ગોરખનાથ,
    ઘરડા બળદને ઘાલી નાથ,
    ઘન હરે ઘોકઘ નવ હરે,
    અેવો ગુરુ કલ્યાણ શું કરે ?
    (૨) પોતે હરિને જાણે લેશ,
    અને કાઢી બેઠો ગુરુનો વેશ !
    જયમ સાપને ઘેર પરોણો સાપ
    મુખ ચાટી વળ્યો ઘેર આપ.
    (૩) દેહભિમાન હતો પાશેર,
    તે ભણતા વિદ્યા વઘ્યો શેર,
    ચર્ચાવાદમાં તોલે થયો,
    ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
    (૪) તિલક કરતાં ત્રેપન થયા,
    જપમાળાના નાકા ગયા,
    કથા સુણી ફૂટયા કાન,
    અખા, તોય ન આવ્યુ બ્રહ્મજ્ઞાન.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. પ્રકાશચંદ્ર કે. સોલંકી(પ્રણય વડગામા) says:

    અખાને સાહિત્યકારો, સંતવાણીના વિવેચકો અને વિદ્વાનોએ જ્ઞાનીકવિ કહ્યો છે તે કંઈ અમસ્તો નથી કહ્યો. તેના સર્જનમાં જ્ઞાનનો મહાસાગર ઘૂઘવે છે.

    છપ્પા ઉપરાંત તેની આખેગીતા, કૈવલ્ય ગીતા, ગુરુશિષ્ય સંવાદ, પંચીકરણ, અનુભવ બિંદુ, ચિત્ત વિચાર સંવાદ, બ્રહ્મલીલા, સોરઠા તથા પદ જ્ઞાનપીપાસુઓએ વાંચવા જેવાં છે.

    અમૃત હઝારીજીની કોમેન્ટ ખૂબ સારી છે. અખો અને તેના છપ્પા વિશે તેઓએ સુંદર છણાવટ કરી છે, પણ તેઓએ પોતાની બીજી કોમેન્ટમાં અખાજીના જે છપ્પાઓ મૂક્યા છે તે દરેકનાં બે બે ચરણ તેઓ ચુકી ગયા છે. તેઓ અભ્યાસુ વિદ્વાન લાગે છે, પણ કોઈ કારણવશ તેમનાથી શરતચુક થઈ ગઈ છે. અખાના છપ્પાઓમાં સામાન્ય રીતે છ ચરણ જોવા મળે છે. અખાના તેઓએ મુકેલ છપ્પા નીચે પૂર્ણરૂપે આપું છું.

    (૧) ગુરુ કર્યા મેં ગોકુલનાથ,
    ગુરુએ મુજને ઘાલી નાથ;
    મન ન મનાવી સદગુરુ થયો,
    પણ વિચાર નગરાનો રયો;
    વિચાર કહે પામ્યો શું અખા,
    જન્મોજન્મનો ક્યાં છે સખા.

    (૧) પ્રાપ્ત રામ કહે તે ગુરુ,
    બીજા ગુરુ તે લાગ્યાં વરુ;
    ધન હરે પણ ધોખો નવ હરે,
    સબંધ સંચારી સાચો કરે;
    અખા શું સમજ્યો ગુરુ કરી,
    સચરાચર દીઠા નહિ હરિ.

    (અખાના 746 છપ્પાઓ પર નજર ફેરવી જોઈ પણ ક્યાંય આ પહેલો છપ્પો મારી નજરે ન ચડ્યો, પુસ્તકમાં આપેલ અખાના પરિચયમાં આ કૃતિ “ગુરુ કીધા મેં ગોકુલનાથ, ઘરડા બળદને ઘાલી નાથ”નો ઉલ્લેખ છે તેથી પુસ્તકમાં તે હોવો જ જોઈએ, પણ વિહંગાવલોકન કર્યું હોઈ કદાચ મારી નજરે ન પણ આવ્યો હોય, અથવા છપ્પા સિવાયની અખાની કોઈ કૃતિનો તે અંશ હોઈ શકે, પણ “ગુરુ કર્યા મેં ગોકુલનાથ…” નામનો છપ્પો ધ્યાનમાં આવ્યો, પણ તેમાં અને હઝારીજીએ લખેલ છપ્પામાં જુદાપણું લાગતાં આગળના છપ્પાઓ ચકાસતા “પ્રાપ્ત રામ કહે તે ગુરુ…” એ નામનો બીજો છપ્પો મળી આવ્યો. જેમાં હઝારીજીએ લખેલ છપ્પામાંનું એક ચરણ ધન હરે પણ ધોખો નવ હરે એ હયાત છે. આ બધું જોતાં એમ લાગે છે કે સંતવાણી તેના ઉત્તપ્તિકાળથી કંઠસ્થ પરંપરામાં જળવાતી આવી હોઈ તેમાં નાના મોટા અનેક સુધારાઓ થઈ ગયા છે ને એકની એક રચનાનાં એકથી વધુ પાઠાંતરો મળી આવે છે એમ અખાનો આ છપ્પો પણ પાઠાંતર હોઈ શકે છે. કેમ કે, એક વાત તો નિર્વિવાદ છે કે અખાએ ગોરખનાથને પોતાના ગુરુ કર્યા નથી. અખાને ગોરખનાથ સાથે કોઈ સંબંધ નથી, પણ જયપુરના વૈષ્ણવ મંદિરના સાધુ ગોકુલનાથ પાસેથી તેણે દીક્ષા લીધેલી ને અખાની સાહ્યબી જોઈને તેને ચેલો કરનાર ધણભૂખ્યો ગોકુલનાથ નિર્ધન અખાની જરાયે પરવા કરેલી નહિ. તે વાતને અખાએ પોતાના આ છપ્પામાં ઉતરેલી છે.)

    (૨) પોતે હરિ નૈ જાણે લેશ,
    કાઢી બેઠો ગુરુનો વેશ;
    સાપને ઘેર પરોણો સાપ,
    મુખ ચાટી ચાલ્યો ઘેર આપ;
    એવા ગુરુ ઘણા સંસાર,
    તે અખા શું મૂકે ભવપાર.

    (૩) દેહાભિમાન હતું પાશેર,
    વિદ્યા ભણતાં વાધ્યું શેર;
    ચરચા વદતાં તોલું થયો,
    ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
    અખા એમ હલકાથી ભારે હોય,
    આત્મજ્ઞાન સમૂળગું તે ખોય.

    તિલક કરતાં ત્રેપન વહ્યાં,
    જપમાળાનાં નાકાં ગયાં;
    તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ,
    તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
    કથા સુણી સુણી ફુટ્યા કાન,
    અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

    -પ્રકાશચંદ્ર કે.સોલંકી,”પ્રણય વડગામા”(પાલનપુર)

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s