મારું જીવન

ધર્મ અને ઈશ્વરના નામે ચાલતાં અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં સ્મરણીય સ્વપુર્ણ મહારાજ (સવજીભાઈ અરજણભાઈ કોશીયા)ના જીવનોપયોગી અને મૌલીક વીચારોનો સંગ્રહ માનવતામાંથી મહારાજશ્રીનું જીવન–ચીન્તન પ્રસ્તુત છે…

મારું જીવન

તા. 14/08/1994
રાભડા.

આત્મીય વલ્લભભાઈ,

તમારો પત્ર મળ્યો, તમે લખો છો કે, ‘તમે માનવ જીવન વીશે ખુબ જ વીચાર્યું છે; પરન્તુ ખાસ કશું લખ્યું નથી. હવે કોદાળી મુકીને કલમ પકડો! મને એમાં જ માનવજાતીનું હીત લાગે છે. મારે તમારું જીવન અને સીદ્ધાંતો એક પુસ્તકરુપે ગ્રંથસ્થ કરવા છે.’

તમારી વાત મને સમજાય છે : મેં ઘણું ઓછું લખ્યું છે અને જે કાંઈ લખ્યું છે એ વીનાક્રમ અને અસંકલીત અવસ્થામાં તેમ જ જુદાં જુદાં ગામડાંઓમાં પડ્યું છે. તે બધું સમયાંતરે ટકે એમ પણ નથી. તમે પત્રમાં લખો છો કે, ‘હવે તમે પુસ્તકરુપે પુરી માનવજાતી સાથે પરીચયમાં આવવાના છો; એટલે લોકોની જાણકારી માટે તમારા આજ સુધીના જીવનનો ટુંકસાર મને પત્ર મારફતે લખી મોકલો.’

મારી કલમમાં તમારી અપેક્ષાઓ સંતોષવાની સુંદરતા કદાચ નથી; છતાં હું પત્ર દ્વારા એવો પ્રયાસ અવશ્ય કરું છું.

ભાવનગર જીલ્લાનું ‘પાંચટોબરા’ એક નાનકડું ગામ મારું જન્મસ્થાન છે. તા. 17/02/1920 (વીક્રમ સંવત 1976ની મહાશીવરાત્રી) મંગળવાર મારો જન્મ દીવસ, સવજીભાઈ અરજણભાઈ કોશીયા મારું મુળ નામ છે. યુવાન થતાં સોનબાઈ સાથે લગ્ન કર્યાં. એક પુત્ર અને બે પુત્રીઓ પણ છે. મારી પાંત્રીસેક વર્ષની ઉમ્મરે પુત્ર કરસનને ઘરની બધી જ જવાબદારી સોંપીને ઘરેથી નીકળી ગયો. કુટુમ્બનું ઋણ કદાચ ચુકવી શક્યો નથી. વીશેષમાં લગભગ બધાં જ પાપો મારાથી થયાં છે!

પગે ચાલીને ભારતના ચારેય છેડા ફર્યો છું. 40 વર્ષથી પૈસા વગર જીવન ચલાવું છું. ઘણા ધર્મોના ગ્રંથો વાંચ્યા છે. ગીતા આજે પણ કંઠસ્થ છે.

ધોયેલું સફેદ એક જ મોટું વસ્ત્ર પહેરું છું. બેસવાની જગ્યા ગંદી ન થાય, કશોય વીક્ષેપ ન પડે એની કાળજી રાખું છું. પૈસા તો રાખતો જ નથી. જે ગામમાં રોકાઉં છું એ ગામના હીતમાં ત્રણ કલાક શરીરશ્રમ કરીને પછી જ જમવાની ભીક્ષા માંગું છું. જમવાની ભીક્ષા માંગવામાં સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરું છું : ભીક્ષામ્ દેહી!’

એક શેરની બરણીમાં, એક જ ટાઈમ, વહેલી સવારે ભીક્ષા લેવાં નીકળું છું. શરીરથી કે વચનથી લગભગ કોઈને ભય બતાવ્યો નથી. હા, દાઢી વધારીને પ્રદર્શન જરુર કરું છું! હાથમાં લાકડી કદી રાખી નથી. ચશ્માની જરુર પડી નથી! મારી ઘરવખરીમાં, પાણી માટે માત્ર એક સ્ટીલની બરણી હોય છે! આવું બધું કરવામાં વીચીત્રતા તો છે જ; પણ એમ કરવામાં હું ‘માનવતા’ વીરુદ્ધ જતો નથી, એથી હું એ અનુચીત માનતો નથી.

બીજા માણસો માટે દુ:ખ ખમવા તૈયાર રહેવું અને સુખ જતું કરવું – આ છે ‘માનવતા’.

બે ચોપડી જ ભણ્યો છું. સંસ્કૃત ભાષાનું સામાન્ય જ્ઞાન છે. વ્યાકરણના નીયમો, સંધી, સમાસ, વીભક્તી આદી તો ખાસ જાણતો પણ નથી. તત્ત્વજ્ઞાનમાં એની જરુર પણ નથી એ હવે અનુભવથી સમજાયું.

રામાનુજ, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, શ્રી અરવીંદ, ગાંધીજી, વીનોબા, વીમલાતાઈ, માર્કસવાદ, ઓશો રજનીશ વગેરેના ગ્રંથોનું વરસો સુધી અધ્યયન કર્યું છે. ગાંધીજી, વીનોબા અને વીમલાતાઈ જેવા મહાત્માઓને રુબરુ પણ મળ્યો છું; પણ વાંચન ઓછું અને વીચાર વધુ કર્યા છે. વીકારો તો પાછળ પડ્યા જ હોય છે, એનાથી જેટલું બચી શકાયું; એ બળ વાંચવામાં અને એથીય વધારે વીચારવામાં ખર્ચાયું છે. ક્યારેક તો દીવસમાં 20થી 22 કલાક સુધી વાંચ્યું અને વીચાર્યું છે. હવે તર્ક માટે વાંચવાનું આકર્ષણ બન્ધ થઈ ગયું છે.

74 વર્ષ થયા છે. દમ્ભ, પાખંડ અને કપટ લગભગ છુટી ગયા છે. નાનપણમાં ઘણું જ ખોટું જીવન જીવાયું છે. ઈરાદો તો નથી જ; છતાં નાનપણના જીવનની દુર્ગંધ ક્યારેક આવે છે. વીચારો અને પ્રવૃત્તીઓ જરુર શુદ્ધ થયાં છે.

ચોથા ભાગની પાછલી રાત્રીએ જાગ્રત થાઉં છું. માનસીક રીતે ગીતાના શ્લોકો યાદ કરું છું. વહેલી સવારે ક્યારેક કોઈને સાંભળવા જ હોય તો, એક કલાક ગીતાના શ્લોકો મોટેથી બોલું છું. લોકહીતોનાં કાર્યમાં કોઈ પ્રશ્ન પુછે તો ઉત્તર આપવા હમ્મેશાં તૈયાર રહું છું.

જગતમાં ત્રણ કામો લઈને જીવન ધારણ કરી રહ્યો છું :

(1) માણસ પોતે ચૈતન્યનો અવીભાજ્ય અંશ છે; એ વાત ભુલીને અજ્ઞાનવશ પરોક્ષ ઈશ્વરને માની બેઠો છે. લોકોની એ ભ્રાંતીને દુર કરવા મથું છું.

(2) મોટા માણસો નાનું કામ કરતાં નાનપ અનુભવે છે– લોકોની એ ગ્રંથી દુર કરવા પ્રયત્નશીલ છું.

(3) ભીક્ષા માંગનાર સાધુની પાસે બહેનો ન જઈ શકે એવી માન્યતા ફેલાણી છે, એ બદી દુર કરવાના મારા પ્રયત્નો છે.

ઘણા સાધુઓ બીજાનું રાંધેલું જમતા નથી. હું કોઈ દીવસ મારા હાથે રાંધતો જ નથી!

કેટલાક સાધુઓ બહેનોને સ્પર્શ તો ન જ કરે; પરન્તુ બહેનોને જોવામાં પણ નારાજ; જ્યારે હું બહેનો જમવાનું ન આપે ત્યાં સુધી જમવા બેસતો જ નથી!


મહારાજશ્રીનું પુસ્તક ‘માનવતા’નાં બે મણકાઓ
માનવધર્મ અનેસ્વસ્થ માનવ
તા. 18/09/2020ના રોજ અત્રે પ્રગટ થશે.

આપણે મનુષ્ય છીએ. માનવજીવનની ઉન્નતી અને હીતમાં જ કાર્યો કરવાં એ આપણો ધર્મ છે. આ મારો પ્રથમ અને આખરી સંદેશ પણ છે.

‘પોતે પોતાનામાં જ રાજી રહેવું’ – આ મારો સીદ્ધાંત છે.

મારો કોઈ આશ્રમ, કોઈ પન્થ, કોઈ શીષ્ય કે કોઈ ગુરુ નથી!

વલ્લભભાઈ, આજે હું રાભડા છું; કાલે ક્યાં જતો રહીશ એ મને ખબર નથી. તમારા વ્યવસાયમાંથી પુસ્તક બનાવવા જેટલો સમય તમને કેવી રીતે મળશે એ હું સમજી શકતો નથી. આ કામ સમગ્ર જગતના હીતનું હોય તો પણ; તમને કષ્ટ ન પડે એમ જ કરશો.

ઉમ્મરની સાથે સાથે મારા શરીરમાં નબળાઈ વધતી જાય છે. શરીર ક્યારે અટકી પડે ખબર નથી. જીવવા અને મરવાની બન્ને સ્થીતીમાં સમાંતર રસ છે. પ્રત્યક્ષ હવે કદી તમને મળી શકાશે કે કેમ – એ વીશે શંકા રહે જ છે. મારું પુસ્તક હું વાચું એવી આકાંક્ષા પણ નથી.

મારી પાસે અત્યારે જે સાહીત્ય લખાયેલું પડ્યું છે એ તમને મોકલી આપું છું. શું તમારા કામનું છે એ તમે જ જાણો.

તમને ઠીક લાગે એમ કરવા અને લખવા તમે સ્વતન્ત્ર છો.

જય હો!

–સ્વપુર્ણ મહારાજ

લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.

ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ ‘માનવતા’ [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આ પુસ્તક અપ્રાપ્ય છે)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

7 Comments

 1. ” બીજા માણસો માટે દુ:ખ ખમવા તૈયાર રહેવું અને સુખ જતું કરવું – આ છે ‘માનવતા’. ”

  ” આપણે મનુષ્ય છીએ. માનવજીવનની ઉન્નતી અને હીતમાં જ કાર્યો કરવાં એ આપણો ધર્મ છે. ”

  –સ્વપુર્ણ મહારાજ

  મારો પ્રતિભાવ:

  વૈષ્ણવ જન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે .

  દરિદ્ર, નિરાધાર, નિર્ધન , દુર્ભાગી,, દુ:ખી ને સહાય કરવી એ લગભગ દરેક ધર્મ શિખામણ આપે છે. મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં તો આ વિષે અસંખ્ય શ્લોકો છે..

  Liked by 1 person

 2. બધા સાધુ સરખા હોતા નથી, આથી સાધુઓના જીવન વીશે જાણવાનું તો મને ગમે, આથી જ ઉપર Likeમાં ટીક કરી છે, નહીં કે ટીક કરવા ખાતર. હાર્દીક આભાર ગોવીન્દભાઈ અને વલ્લભભાઈનો.

  Liked by 1 person

 3. માણસ પોતે ચૈતન્યનો અવીભાજ્ય અંશ છે; એ વાત ભુલીને અજ્ઞાનવશ પરોક્ષ ઈશ્વરને માની બેઠો છે. લોકોની એ ભ્રાંતીને દુર કરવા મથું છું.

  કોઈ કોઈના વિચાર બદલી શકે, એ માન્યતા સાચી છે?

  Liked by 2 people

 4. મિત્રો,
  પૂજ્ય સ્વપૂર્ણ મહારાજને મારા સાદર પ્રણામ.
  તેમણે પોતાની ઓળખ સરસ અને સીઘા સાદા શબ્દોમાં આપી છે.
  ‘સ્વપૂર્ણ’ છે જ.
  આનંદ થયો.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. સ્વપુર્ણ મહારાજશ્રીની અનુભવવાણી
  …જગતમાં ત્રણ કામો લઈને જીવન ધારણ કરી રહ્યો છું :
  (૧) માણસ પોતે ચૈતન્યનો અવીભાજ્ય અંશ છે; એ વાત ભુલીને અજ્ઞાનવશ પરોક્ષ ઈશ્વરને માની બેઠો છે. લોકોની એ ભ્રાંતીને દુર કરવા મથું છું.
  (૨) મોટા માણસો નાનું કામ કરતાં નાનપ અનુભવે છે– લોકોની એ ગ્રંથી દુર કરવા પ્રયત્નશીલ છું.
  (3) ભીક્ષા માંગનાર સાધુની પાસે બહેનો ન જઈ શકે એવી માન્યતા ફેલાણી છે, એ બદી દુર કરવાના મારા પ્રયત્નો છે.માણી ધન્ય ધન્ય

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s