કોઈ વ્યક્તી રૅશનાલીસ્ટ ન હોય તો એને ‘રૅશનલ’ કહેવાય? વીચાર–વ્યવહારમાં બધી રીતે જો કોઈ વ્યક્તી રૅશનલ અભીગમથી વીચરતી હોય, તો એને રૅશનાલીસ્ટ કહેવાય? વધુ અગત્યનું શું, રૅશનાલીસ્ટ હોવું તે કે પછી રૅશનલ અભીગમથી જીવવું એ?
વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :
રૅશનાલીઝમ અને રૅશનાલીટી
–રમણ પાઠક (વાચસ્પતી)
(‘મધુપર્ક’ પુસ્તકના ગત લેખનો સ્રોત : https://govindmaru.com/2020/08/14/raman-pathak-52/)
એક વીચારશીલ મીત્રે, પુરી નમ્રતાપુર્વક એક એવું અર્થસભર વીધાન પોતાના પત્રમાં કર્યું છે કે, જે ચર્ચા માટે સુંદર, મહત્ત્વનો મુદ્દો ઉપસ્થીત કરે છે. તેઓ લખે છે કે, ‘હું કદાચ રૅશનાલીસ્ટ નહીં હોઉં, તો પણ રૅશનલ તો છું જ.’
આવું વીધાન વાંચતાં, પ્રથમ પ્રશ્ન તો એ ઉપસ્થીત થાય કે, કોઈ વ્યક્તી રૅશનાલીસ્ટ ન હોય તો એને ‘રૅશનલ’ કહેવાય જ કેવી રીતે? અથવા તો આ પ્રશ્નને ઉલટાવવાથી મુદ્દો વધુ સરળ બની રહેશે અને તે એ કે, વીચાર–વ્યવહારમાં બધી રીતે જો કોઈ વ્યક્તી રૅશનલ અભીગમથી વીચરતી હોય, તો એને રૅશનાલીસ્ટ કેમ ન કહેવાય? એમાંથી વળી એક પેટા પ્રશ્ન પણ ઉદ્ભવે કે, વધુ અગત્યનું શું? રૅશનાલીસ્ટ હોવું તે કે પછી રૅશનલ અભીગમથી જીવવું એ? અહીં ‘અગત્યનું’નો અર્થ આપણે જીવનોપયોગી કે સમાજોપયોગી એવો જ ઘટાવવો રહે, કારણ કે રૅશનાલીઝમનો સ્વીકાર વ્યક્તીગત હીતાર્થે ઘણો જ લાભદાયી છે; પરન્તુ પ્રસ્તુત વીચાર–સીદ્ધાંતનો અત્રે જે ભારપુર્વક પ્રચાર કરવામાં આવે છે એ તો બૃહદ્ સમાજના હીતાર્થે જ. અને આખો સમાજ રૅશનાલીસ્ટોનો જ બનેલો હોય, અરે રૅશનાલીસ્ટોની બહુમતીવાળો કોઈ સમાજ હોય એવી શક્યતા જ અશક્ય છે. ત્યારે રૅશનાલીઝમનો પ્રચાર કરનારા આપણે ઈચ્છીએ કે, સમાજનો એકંદર અભીગમ, જીવનાભીગમ જો રૅશનલ હોય તો પણ એવો સમાજ ઘણો વધુ સ્વસ્થ તથા અનેકગણો સુખી બની શકે; કારણ કે મોટાભાગની આપત્તીઓ માણસ પોતાના બીનરૅશનલ અભીગમને કારણે ઉભી કરે છે; અર્થાત્ આપણી અનેક આફતો હાથે કરીને ઉભી કરેલી એવી, વીવેકહીન વીચારવ્યવહારનું પરીણામ હોય છે.
રૅશનલ અભીગમ કે રૅશનાલીઝમનો અર્થ છે : વીવેકબુદ્ધીપુત વીચાર તથા વ્યવહાર. હવે, સમાજ વચ્ચે સામાજીક બનીને જીવતી વ્યક્તીએ વીવેક દ્વારા શું પ્રમાણવાનું છે એ તપાસીએ તો, એમ ફલીત થાય કે, માણસે શું સારું અને શું ખરાબ? શું સાચું અને શું અસત્ય? એનો યથાર્થ વીવેક કરવાની શક્તી–સમજ કેળવવાની છે. આમાંથી ‘સારું’ અને ‘ખરાબ’ની વ્યાખ્યા એવી સમજવાની છે કે, વ્યક્તીનું કે સમાજનું જે હીત કરે તે સારું અને અહીત કરે તે ખરાબ. બીજી બાજુ, શું સત્ય અને શું અસત્ય? એ પ્રશ્ન હીતાહીતની દૃષ્ટીએ એટલો અગત્યનો નથી, મતલબ કે એ હીત–અહીતનો નહીં; પરન્તુ જ્ઞાન–અજ્ઞાનનો પ્રશ્ન છે. સારાંશ એ જ કે, સારું–ખરાબ એ સામાજીક આચારસંહીતાનું ક્ષેત્ર છે; જ્યારે સત્ય–અસત્યનો વીવેક એ છે કે વીજ્ઞાન. હવે સામાન્ય માનવીનાં સુખ–સ્વસ્થતાને જેટલો સમ્બન્ધ જીવન વ્યવહાર સાથે છે એટલો ગાઢ સમ્બન્ધ વીજ્ઞાન સાથે નથી જે એ સ્પષ્ટ છે. સુખ સગવડનાં વૈજ્ઞાનીક સાધનોની વાત અત્રે અપેક્ષીત નથી.
એક ઉદાહરણથી આ મુદ્દો સ્પષ્ટ કહીએ : ધારો કે ગણેશજી ખરેખર દુધ પી જતા હોય, તો પણ તેઓને અકારણ, બેફામ દુધ પાઈને દુધનો નીરર્થક બગાડ કરવો એ ખોટું છે, સમાજને હાનીકર્તા પ્રવૃત્તી છે; માટે મુર્તીને આમ દુધ ન જ પીવડાવાય, એમ વીચારીને પણ જો કોઈ ગણેશ–દુગ્ધપાનનો વીરોધ કરે, તો એય રૅશનલ અભીગમ કહેવાય. એ જ રીતે, જો અન્ય કોઈ વ્યક્તી ભારપુર્વક એમ જાહેર કરે કે, પથ્થર, ધાતુ કે માટીની જડ મુર્તી કદાપી દુધ પીએ જ નહીં; કારણ કે આવી ઘટના પ્રકૃતીના નીયમની વીરુદ્ધ છે. તો આનું આવું વલણ એ વૈજ્ઞાનીક અભીગમ કહેવાય. અત્રે સ્પષ્ટ જ છે કે, રૅશનલ અભીગમ સીધો જ સમાજના હીત સાથે સંકળાયેલો છે, જ્યારે વૈજ્ઞાનીક અભીગમને એક પગથીયું આગળ વધારીને, માનવીના હીત સાથે કોઈકે જોડવો રહે. અન્યથા વીજ્ઞાન અલીપ્ત તથા નીરપેક્ષ છે. માટે જ વીજ્ઞાની રૅશનાલીસ્ટ હોય કે ન પણ હોય; જ્યારે રૅશનાલીસ્ટે તો વીજ્ઞાનવીદ પણ થવું જ ઘટે. આ સન્દર્ભે, ઉપરના ઉદાહરણના તાત્પર્યરુપે એમ કહી શકાય કે, રૅશનાલીસ્ટ અભીગમ એ પ્રકારનો હોય કે, મુર્તી કદાપી દુધ પીએ જ નહીં, માટે દુધનો વ્યર્થ બગાડ ના કરો! આપણા દેશમાં દુધની તીવ્ર તંગી છે અને દુધના બહેતર ઉપયોગો અનેક છે… બાળકોને દુધની અનીવાર્ય જરુર છે… અસંખ્ય ગરીબોને દુધ જોવા સુધ્ધાં નથી મળતું… ત્યારે જડ મુર્તીઓને દુધ પીવડાવવું એ પુણ્ય નહીં, ઘોર પાપકર્મ છે ઈત્યાદી. પ્રારમ્ભે ટાંકેલ પત્રમાં પેલા મીત્રે ‘રૅશનલ’ અને ‘રૅશનાલીસ્ટ’ વચ્ચે જે ભેદ પાડ્યો છે તે કંઈક ઉપરની રીતે સમજાવી શકાય.
પરન્તુ કેટલાંક ક્ષેત્રો એવાં છે કે, જ્યાં વીજ્ઞાનનો પ્રવેશ જ શક્ય નથી; કારણ કે જીવન વીશાળ છે અને સત્યજ્ઞાન અર્થાત્ વીજ્ઞાન તો એનો એક ભાગ જ છે. આપણે સૌએ જોયું હશે કે દીવાલ પર બેઠેલા કોઈ જીવડા ઉપર ગરોળી એકાએક તરાપ મારે છે. ક્ષણભર એ બે વચ્ચે જીવન–મરણનો જંગ જામે છે; મતલબ કે જીવડું તરફડે છે. ત્યારે મોટા ભાગના સામાન્ય ‘દયાળુ’ જનો ગરોળીને ઠપકારે છે અને તેના મુખમાંથી જીવડાને છોડાવવાનો પ્રયત્ન કરે છે. અરે, બીલાડી ઉંદરને પકડે, ત્યારે તો ઘરમાં કે ફળીયામાં આવા દયાળુઓનું દયાજનીત મોટું તોફાન મચી જાય છે. આવા પ્રસંગે રૅશનલ અભીગમ કેવો હોવો ઘટે? અર્થાત્ રૅશનાલીસ્ટ શું કરે? જવાબ છે : તે આ ઘટના બાબત સમ્પુર્ણ તટસ્થ જ રહેશે. કશું જ નહીં કરે; કારણ કે તે વીચારશે કે, જીવડાની કે ઉંદરની દયા ખાઈએ; તો ભુખી ગરોળી કે બીલાડીની દયા કેમ નહીં? એમના પ્રત્યે નીર્દય કેમ થવાય? આ તો પ્રકૃતીનો ક્રમ છે; કુદરતની ઘોર, ક્રુર, હીંસાત્મક, વ્યવસ્થા છે કે, એક જીવ બીજા જીવને ખાઈ જાય, તો જ તે જીવી શકે… અને માનવી સીવાયનું અન્ય કોઈ પ્રાણી તો સમજતું જ નથી, સમજી જ શકતું નથી કે આમાં કંઈ ખોટું છે. મતલબ કે આવી અનીષ્ટ, નીષ્ઠુર, દયાપ્રેરક ઘટનાઓમાં બધો જ વાંક ફક્ત કુદરતનો જ છે; માટે જો કોઈને ધીક્કારો તો માત્ર કુદરતને જ ધીક્કારો… અથવા યથાર્થ સમજો અને સ્વીકારો કે આવા અન્ધ તથા અવીચારી તન્ત્રનો કોઈ સર્જનહાર હોઈ શકે જ નહીં… વગેરે.
મતલબ કે, લાગણીના ક્ષેત્રે વૈજ્ઞાનીક તથ્યો ઝાઝાં પ્રયુક્ત થતાં નથી. ત્યાં વળી રૅશનાલીઝમનો વીવેકપુત અભીગમ પણ ઘણો સંકુલ, સુક્ષ્મ તથા ક્વચીત્ વીવાદાસ્પદ પણ બની રહે છે. દા.ત. તમે એક યુવાન સ્ત્રી છો અને રૅશનાલીસ્ટ છો. હવે ધારો કે, કોઈ કામાતુર પુરુષ તમારા પર બળાત્કાર કરવા ધસી આવે તો? પેલી ભુખી બીલ્લીની જેમ જ આ કામાતુર પુરુષ પણ ઈતર ઈન્દ્રીયથી તો એટલો જ તીવ્ર રીતે ભુખ્યો જ ગણાય ને! છતાં તમે તેની દયા ખાઈ શકશો? તમે એની ક્ષુધાને લાગણીહીન થઈને ઠુકરાવો કે દયાવશ થઈને સ્વીકારો; તો પણ આવા બન્ને અભીગમ વીવાદાસ્પદ જ રહેવાના, અર્થાત્ આવી કુટ સમસ્યાઓ પ્રત્યેનો અભીગમ કે નીર્ણય વ્યક્તીગત વીચાર–વીવેક પર છોડી દેવો એ જ એક માત્ર રૅશનલ ઉલ્લેખ રહે છે.
લાગણીના નાજુક ક્ષેત્રે ઉદ્ભવતા આવા વીવેકબુદ્ધીના પ્રશ્ન પરત્વે એક લખાણમાં, જાણીતા લેખક શ્રી. રજનીકુમાર પંડ્યાએ બહુ સરસ ચર્ચા કરી છે : તેઓ લખે છે, ‘ઈર્ષ્યા, દ્વેષ, વૈર, મત્સર, ક્રોધ, અંસુયા, લોભ જેવી દુર્વૃત્તીઓ તો દરેક મનુષ્યમાં હોય જ; પરન્તુ જો માણસ સાચા અર્થમાં રૅશનલ બનવા તરફ ગતી કરે તો ધીરે ધીરે એ વૃત્તીઓ શીથીલ પડતી જાય ને નપુંસકના લીંગ જેવી નીષ્ક્રીય બની રહે. બીજી રીતે કહું તો, રૅશનલ માણસમાં આ વૃત્તીઓ હોય તો ખરી જ, જે પ્રસંગ આવ્યે સળવળે પણ ખરી, કીંતુ સમજણપુર્વક દાબી દે અથવા ક્રોધ જેવી લાગણી અભીવ્યક્ત કરતાં પુર્વે તે યોગ્યાયોગ્યતાનો વીચાર કરે… જ્યારે નોન–રૅશનલ માણસની એવી વૃત્તીઓ – લાગણીઓ રૅશનાલીસ્ટના મનમાં પણ જાગે જ; પણ એ વ્યક્ત કરવાને બદલે, તે તરત જ સભાન થઈને ને દાબી દે, કચડી નાખે… અનુચીત રીતે વ્યક્ત તો ન જ થવા દે…
આના અનુસંધાનમાં હું કહું : કાવ્યશાસ્ત્રનો એક નીયમ છે કે, ઔચીત્યં કાવ્યસ્ય જીવીતમ્ અર્થાત્ ઉચીતતાનું પાલન એનો વીવેક એ જ કવીતાનો આત્મા છે. બરાબર એ જ સીદ્ધાંત રૅશનાલીઝમ – વીવેકબુદ્ધીવાદને લાગુ પડે છે. ‘વીવેક’ શબ્દનો અર્થ જ એવો ઘટાવી શકાય કે, કોઈ પણ પદાર્થને કે ઘટનાને એના સમ્પુર્ણ સાચા સ્વરુપમાં પારખવાં અને પુરા ઔચીત્યથી મુલવવાં. વીખ્યાત ચીંતક બર્ગસોએ એક અત્યન્ત સુંદર, અર્થપુર્ણ વીધાન કર્યું છે કે આ સૃષ્ટીમાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનામાં વીવેકશક્તી છે અને છતાં માણસ જ એક માત્ર એવું પ્રાણી છે કે જે અનેક વીવેકરહીત, અનુચીત, અતાર્કીક એવી ઈરૅશનલ પ્રવૃત્તીઓ આચરે છે. વાત બીલકુલ જ સાચી છે : મનુષ્ય પોતાના હીત–અહીતની અનેક બાબતો સમજી–પીછાણી શકે છે : તે મકાનો બાંધે છે; વસ્ત્રો વણે છે; અન્ન ઉગાડે છે અને રાંધે છે; રોગના જંતુ શોધે છે અને દવા બનાવે છે; શસ્ત્રો શોધે છે અને આત્મરક્ષા કરે છે; ઝેર અને અમૃતનો વીવેક તે કરી શકે છે; તે પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, દયા, કરુણા, સહાનુભુતી, પરોપકારનું મુલ્ય સમજે છે ને અનુસરે છે વગેરે… પરન્તુ એ જ મનુષ્ય ભગવાનની કલ્પના કરે છે; એની મુર્તીઓ ઘડે છે; ભગવાનને વસાવવા માટે મન્દીરો બાંધે છે અને એની પુજા કરે છે; એનામાં શ્રદ્ધા રાખે છે; ઉપરાંત રોગ મટાડવા, આપત્તી ટાળવા કે લાભ ખાટવા એની બાધા રાખે છે; જુદા જુદા ધર્મો પાળે છે અને પોતાના ધર્મને જ સાચો માને છે અને પછી પરસ્પર લડે છે ને લોહીની નદીઓ વહાવે છે; નીતીને નામે પોતાની જ સહજ, નીર્દોષ વૃત્તીઓને કચડે છે; પોતાની જાત પર મીથ્યા બન્ધનો લાદે છે અને અન્યને બેરહમ પીડે છે. સાદી ભાષામાં કહીએ તો મનુષ્ય જેટલું બુદ્ધીશાળી પ્રાણી છે, એથી અનેકગણું તે મુર્ખ છે. અને મહાત્મા ટૉલ્સટૉયનું વીધાન ટાંકું તો, ‘આ સંસારની મોટી સમસ્યા એ નથી કે માણસ દુષ્ટ છે. ખરી વીનાશક સમસ્યા જ એ છે કે, માણસ જાતની બહુમતી મુર્ખ છે…’
બીજી બાજુ, પ્રાણીઓ ભગવાનની કલ્પના કરી પરેશાન થતાં નથી; પ્રાર્થના કરતાં નથી; બાધાઆખડી રાખી દુ:ખી થતાં નથી; પ્રાણીઓને ભુતપ્રેત નડતાં નથી; તેઓ બડવાભુવા પાસે જઈ, ભુત કઢાવવા મીથ્યા માર ખાતાં નથી; પ્રાણીઓ કથા કરાવતાં નથી; પારાયણો, ધ્યાનશીબીરો કે સ્વાધ્યાય – સમારોહો યોજતાં નથી. ટુંકમાં સાવ અકારણ, બીનજરુરી આપત્તીઓ તેઓ સામે ચાલીને ઉભી કરતાં નથી.
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના ચતુર્થ પ્રકરણનાં પૃષ્ઠક્રમાંક : 52થી 56 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.comઅને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
મિત્રો,
પુજ્ય . સ્વ. રમણભાઇ પાઠક અને રેશનાલીઝમને છુટા પાડી ના શકાય. તેમનો અભ્યાસ અને વ્યાખ્યા સરસ અભ્યાસપૂર્ણ હોય છે. વિવેક અને અવિવેક માનવ જીવનના બે પાસા છે.
સાથે સાથે સ્વાર્થ અને નિ:સ્વાર્થ હોવું તે પણ માનવ સ્વભાવના બે પાસા છે. બન્ને માનવીના જીવનને ચલાવે છે. સ્વભાવના બન્ને પાસાને માનવ સ્વભાવમાંથી છુટા પાડી શકાય નહિ તે પણ સાચુ છે.
૨૦૨૦ના વરસમાં જે માનવ વસ્તી જીવી રહી છે તે વિવેક કે અવિવેક અને સ્વાર્થ કે નિ:સ્વાર્થ વચ્ચે પરંદગી કરીને જીવતી હોય છે જે પ્રેક્ટીકલ લાઇફ ની સત્યતા છે.
મોટે ભાગે જીવનની હાડમારીમાં રીયાલીટીમાં સૌથી વઘુ માણસ સ્વાર્થ અને નિ:સ્વાર્થની જીંદગી જ જીવતો હોય છે. થીયરી કે આદર્શ જીવનમાં ૧૦૦ ટકા પામી શકાતા નથી હોતા. પ્રેક્ટીકલ બનવું જ પડે…( ના કુંજરો વા….) થીયરી અને આદર્શ પેપર ઉપર સારા લાગે. જે માર્ગદર્શન આપે. તેને જીવનમાં વણીને જીવવા માટે પ્રેક્ટીકલ રીત શોઘવી પડે. જે વિજ્ઞાનમાં પણ કરવું જ પડે છે. કેમીસ્ટરીની અેક થીયરીને પ્રેક્ટીકલમાં ઉતારવા વિજ્ઞાનીઅે પોતાના અનુભવોને વાપરીને તે થીયરીને પ્રેક્ટીકલમાં ઉતારવા રસ્તો બદલવો પડે છે. હું અેક કેમીસ્ટ તરીકેના મારા જીવનના અનુભવને આ રીતે લખું છું.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સાદી ભાષામાં કહીએ તો મનુષ્ય જેટલું બુદ્ધીશાળી પ્રાણી છે, એથી અનેકગણું તે મુર્ખ છે. અને મહાત્મા ટૉલ્સટૉયનું વીધાન ટાંકું તો, ‘આ સંસારની મોટી સમસ્યા એ નથી કે માણસ દુષ્ટ છે. ખરી વીનાશક સમસ્યા જ એ છે કે, માણસ જાતની બહુમતી મુર્ખ છે…’ very nicely explained all-thx
LikeLiked by 1 person