અસ્થમા અઘરી વસ્તુ છે, મન એથીય વધુ અઘરું છે

શ્વાસનળીઓના સંકોચનથી ‘અસ્થમા’ નામનો રોગ થાય છે; પરન્તુ ક્યારેક મનની સમસ્યાઓ પણ આ રોગને વધારે જટીલ બનાવવામાં જવાબદાર હોય છે. આવો, આ ‘અસ્થમા’ – ‘સાઈકોસોમેટીક’ રોગ વીશેની સાચી માહીતી મેળવીએ..

20

અસ્થમા અઘરી વસ્તુ છે, મન એથીય વધુ અઘરું છે

 –ડૉ. મુકુલ ચોકસી

ફરી એકવાર આખું ઘર ચીંતાગ્રસ્ત બની ગયું. ફરી પાછી એ જ દોડધામો, એ જ તકલીફો અને એ જ લાચારીઓ. રુપેશને ફરી એકવાર દમનો મોટો હુમલો આવ્યો હતો. અને તેને ફરી પાછો હૉસ્પીટલમાં દાખલ કરવો પડ્યો હતો.

છેલ્લા છ વર્ષથી આમ જ બનતું આવ્યું હતું. રુપેશ ડૉ. આદીત્ય કપુરનો એકનો એક છોકરો હતો. બરાબર બાર વર્ષની ઉમ્મરે તેને પહેલીવાર અસ્થમાનો હુમલો આવ્યો હતો. તે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને શીયાળાની શરુઆત હતી. એક રાત્રે અચાનક તેનો શ્વાસ રુંધાવા માંડ્યો. છાતી જોરજોરથી હાંફવા માંડી. સાથે ખાંસી આવવા માંડી અને શરીર ઠંડું પડવા માંડ્યું. ડૉ. આદીત્ય સ્વસ્થતા જાળવીને દવાઓ તથા ઈંજેક્શનો આપતા હતા; પરન્તુ તેમના પત્ની સીમાબહેન પુત્રની આ હાલત જોઈ નહોતા શકતા. તેઓ ક્યારેક રુપેશને ઠંડીમાં બહાર નીકળવા માટે ધમકાવતા તો ક્યારેક રડતા રડતા પોતાની જાતને દોષ દેતા હતા. છેવટે મધરાતે રુપેશને હૉસ્પીટલમાં દાખલ કરવો પડ્યો અને તેને સાજા થઈને ઘરે આવતા આઠ દીવસ લાગ્યા હતા.

અને તે દીવસથી શરુ થયેલો દમ/હાંફની આ માંદગીનો સીલસીલો સમય જતાં વધુ ને વધુ મુશ્કેલ, અસહ્ય અને ગુંચવણભર્યો બનતો ગયો. બરાબર એક મહીના પછી રુપેશને વધારે મોટો દમનો હુમલો આવ્યો. અકળાવનારી વાત તો એ હતી કે જે ‘અસ્થાલીન’ અને ‘ડેરીફાઈલીન’ નામની દવાઓથી આગલો હુમલો સારો થયો હતો તે દવાઓ તો હજુ પણ નીયમીતપણે લેવાતી જ હતી અને છતાં દોઢ મહીનાના ગાળામાં રુપેશને બીજી વાર હૉસ્પીટલાઈઝ્ડ કરવો પડ્યો.

અને શરુ થઈ ડૉક્ટરોની, નર્સોની આવન–જાવનની માયાજાળ. ગ્લુકોઝની બોટલોની ઉતરચડ. નાકમાં ઑક્સીજનની અણગમતી નળીનો પડાવ. રોજ સવારે છાતી પર સ્ટેથોસ્કોપ મુકાય અને જાતજાતના પ્રશ્નો પુછાય : ‘સારું છે રુપેશ?’ ‘રાત્રે ઉંઘ આવી હતી?’ કોઈ કહે, ‘જીભ બતાવ’ તો કોઈ કહે, ‘પેશાબ ઓછો થાય છે? જરા પ્રવાહી વધારે આપો ને?’ ડૉક્ટરોની અન્દર અન્દરની વાતચીતને રુપેશ સમજવા પ્રયત્ન કરે. ‘હીમોગ્લોબીન કેટલું છે?’ ‘સ્ટીરોઈડ ટેપર કરી જોઈએ?’ ‘કોઈ નવી એન્ટીબાયોટીક એડ કરી જોઈએ?

આ બીજો એટેક પન્દર દીવસ ચાલેલો. ડૉ. આદીત્ય રુપેશના બગડતા અભ્યાસથી ચીંતીત રહેતા; પણ એથી વધુ ચીંતા એમને એમના પત્ની સીમાબહેનની થતી. રુપેશની ચીંતામાં તેઓ અડધા થઈ ગયા હતા. રુપેશ હૉસ્પીટલમાં હોય ત્યારે સીમાબહેન ખાવાનું બન્ધ કરી દેતા અને રડ્યા કરતા. આમ પણ સીમાબહેન રુપેશ પર વધુ પડતી લાગણી રાખતા. વધુ પડતી જ નહીં; પણ એટલી વધારે કે ક્યારેક તે રુપેશને ગુંગળાવી નાખતી. સીમાબહેને તેમના દીકરા રુપેશને આત્મનીર્ભર બનાવવાને બદલે તેમના પોતાના ઉપર વધુ પડતો આધાર રાખતો કરી દીધો હતો. અને એની અસર રુપેશના માનસપટ પર ખુબ તીવ્રતાથી પડી હતી.

થોડા મહીના સારા ગયા પછી, ફરી શીયાળામાં રુપેશને અસ્થમાનો હુમલો આવ્યો. રુપેશની સારવારની યાદીમાં નવા નવા તબીબી સાધનો અને પ્રક્રીયાઓ ઉમેરાતા જતા હતા. ‘ઈન્હેલર’થી નાકમાં દવા સ્પ્રે કરવાની અને ‘નેબ્યુલાઈઝર’થી દવાની બાષ્પવાળો શ્વાસ લેવાનો. એલર્જી માટેની જુદી જુદી ટેસ્ટ કરાવવાની અને ફેફસાની મજબુતાઈ તપાસવા માટેની ‘પલ્મોનરી ફંકશન ટેસ્ટ’ કરાવવાની. હવે તો નખમાં ભુરાશ (સાઈનોસીસ) છે કે નહીં તે જોતા પણ રુપેશને આવડી ગયું હતું. ‘ડેક્ઝોના,’ ‘વેન્ટોર્લીન,’ ‘સોડા બાઈ કાર્બ,’ ‘ગેરામાઈસીન’… અને એવા તો અનેક નામો તેને મોઢે થઈ ગયા હતા. ત્યાર પછીના બેત્રણ વર્ષ આટલા જ ખરાબ ગયા. માત્ર શીયાળાથી જ નહીં, રુપેશને વધુ પડતા શ્રમથી, અમુક દવાઓથી, ધુળ કે ધુમાડા વગેરેથી અને ક્યારેક તો માનસીક વ્યગ્રતાથી પણ અસ્થમા થઈ જતો. બોર્ડની પરીક્ષા પછી રુપેશને દમનો જે ઉથલો માર્યો એ અત્યાર સુધીનો સૌથી ગમ્ભીર ઉથલો હતો. બરાબર ત્રણ મહીનાની દવાઓ, હૉસ્પીટલાઈઝેશન તથા લોહી–પેશાબ–એક્સ-રે–ગળફાની તપાશ પછી પણ રુપેશને પુરેપુરો આરામ થયો નહોતો. હજુય તે એક આખું સળંગ વાક્ય બોલી શકતો નહોતો કે એક દાદર ચડી શકતો થયો નહોતો.

ડૉ. આદીત્ય પુત્રની આ હાલતથી ખુબ વ્યથીત થઈ ગયા હતા. તેમણે મુમ્બઈના જાણીતા ફેફસાના રોગના નીષ્ણાત ડૉ. ચોરસીયાની ઍપોઈન્ટમેન્ટ મેળવી લીધી હતી. આવતા અઠવાડીયે રુપેશને લઈ જવાનો હતો. રુપેશના કાકા જેઓ પણ મુમ્બઈમાં ડૉક્ટર હતા. તેમણે પણ ખુબ મહેતન કરીને ઝડપથી મુલાકાત ગોઠવી હતી અને જરુર પડે તો રુપેશને દાખલ કરવા સહીતની તમામ તૈયારીઓ કરી લીધી હતી.

રુપેશને મુમ્બઈ લઈ જવાના આગલે દીવસે જ બે બનાવો બન્યા. ડૉ. આદીત્યને અને સીમાબહેનને નાનકડો અકસ્માત અને નજીવી ઈજાઓ થઈ. તેઓ મુમ્બઈ આવી શકે એમ ન હોવાથી એકલા રુપેશને તેના ડૉક્ટર અંકલ મુમ્બઈ લઈ ગયા. બીજા એક બનાવમાં તેઓની ‘પલ્મોનોલૉજીસ્ટ’ ડૉ. ચોરસીયાની મુલાકાત એક ઠવાડીયા માટે મુલતવી રહી. આમ થવાથી રુપેશને પહેલીવાર અઠવાડીયા માટે ડૉક્ટર અંકલને ત્યાં મુમ્બઈ રહેવાનું થયું. આ સાથે જ એક વીચીત્ર, સમજાય નહીં એવી ઘટના બની.

મુમ્બઈમાંના એ અઠવાડીયાના નીવાસ દરમીયાન સૌના આશ્ચર્ય વચ્ચે રુપેશનો અસ્થમા, કોઈ જ નવી દવા કે ડૉક્ટરની વીઝીટ વગર ધીમે ધીમે સારો થવા માંડ્યો. તે એટલી હદ સુધી કે મુમ્બઈ પહોંચ્યાને બરાબર સાતમે દીવસે રુપેશ તદ્દન સાજો, પહેલા જેવો થઈ ગયો હતો. કોઈના માન્યામાં આવે એમ નહોતું છતાં સાચું હતું. રુપેશ આખો દાદર એકી શ્વાસે ચડી જવા માંડ્યો અને લાંબા ગીતની કડી ગણગણતો થઈ ગયો. ડૉક્ટર અંકલે તો સુરત રુપેશના પીતાને જણાવી પણ દીધું કે તેઓએ મુમ્બઈ આવવાની જરુર નથી. અને હવે રુપેશ એકાદ મહીનો મુમ્બઈ કાકા પાસે જ રહેશે.

એ આખો મહીનો રુપેશ માટે ઘણા વર્ષો પછીનો સારો મહીનો હતો. તેણે સ્વીમીંગ સુદ્ધાં શરુ કર્યું. સૌએ માન્યું કે રુપેશને મુમ્બઈના હવા–પાણી માફક આવી ગયા છે; પણ તેના ડૉક્ટર અંકલને સમજાતું નહોતું કે આમ અચાનક રુપેશ સારો કઈ રીતે થઈ ગયો? તેઓ આ અંગે ઘણું ઘણું વીચારતા; પણ કોઈ સંતોષકારક ખુલાસો મળતો નહોતો. રુપેશના પપ્પા–મમ્મી પણ ખુબ આનન્દમાં હતાં. તેઓ બન્નેએ પન્દરેક દીવસ મુમ્બઈ રહેવા આવવાનું નક્કી; પરન્તુ તેઓ મુમ્બઈ આવી પહોંચ્યાના થોડા જ દીવસમાં રુપેશને અચાનક કોઈ જ કારણ વગર ફરી દમનો હુમલો આવ્યો. ફરી સહુ ચીંતાના વમળોમાં ગરક થઈ ગયા. ડૉ. આદીત્યના સુરત પાછા ફરવાને દીવસે પણ રુપેશ સારો એવો બીમાર જ હતો; છતાં પણ ડૉક્ટર અંકલે રુપેશના મમ્મી–પપ્પાને ધરપત આપી કે રુપેશને મુમ્બઈ જ રહેવા દઈ, તેઓ સુરત પાછા જાય તો ચાલશે. સંજોગવશાત્ આ હુમલો એટલો લાંબો ન ચાલ્યો અને ડૉક્ટર દમ્પતી સુરત પાછું ફર્યું. ત્યાર બાદના એકાદ અઠવાડીયામાં રુપેશ ફરી નોર્મલ થઈ ગયો.

ત્યાર પછીની રુપેશની તબીયતમાં રહેલો સુધારો જોઈ સૌ કોઈએ એવું નક્કી કર્યું કે, રુપેશે પોતાનો બાકીનો અભ્યાસ મુમ્બઈમાં જ પુરો કરવો. રુપેશે પણ એ માટે પોતાની ઈચ્છા તથા તૈયારી દર્શાવ્યા અને પોતાના કામમાં પુરેપુરો વ્યસ્ત થઈ ગયો. સૌ કોઈ સગાંવહાલા તથા મીત્રો રુપેશના સ્વાસ્થ્યથી ખુશ હતા. સીવાય એક ડૉક્ટર અંકલ.

તો વાત આમ હતી. ડૉક્ટર અંકલ તેમના તબીબી અનુભવ પરથી ઘણા ઝીણા ઝીણા નીરીક્ષણો કરતા શીખ્યા હતા. તેઓ શરુઆતથી જ રુપેશને જે રીતે દમના હુમલાઓ આવ્યે જતા હતા તે અંગે ઉંડાણપુર્વક વીચારતા હતા અને તેમને કંઈક જુદું જ સત્ય સમજાતું હતું. અલબત્ત, તેઓ એનું નામ નહોતા પાડી શકતા.

અને એટલે જ પોતાના એક પેશન્ટને શહેરના નામાંકીત સાઈકીઆટ્રીસ્ટને રીફર કરતી વખતે, ડૉક્ટર અંકલે રુપેશ અંગે કેટલીક વાતો પુછી લીધી. તેમણે સાઈકીઆટ્રીસ્ટને જણાવ્યું કે, મારો ભત્રીજો નાનપણથી અસ્થમાનો દર્દી છે. છેલ્લા પાંચેક વર્ષથી તે આ રોગથી ખુબ પીડાઈ રહ્યો છે. ઘણી વાર બધી દવાઓ આપવા છતાંય તે કન્ટ્રોલમાં નથી આવી શકતો. સાઈકીઆટ્રીસ્ટે પુછ્યું, ‘શું તમને એમ લાગે છે કે આ માનસીક અવસ્થાને કારણે છે? અથવા એન્કઝાઈટી, હાઈપરવેન્ટીલેશન કે પછી હીસ્ટીરીયા છે?’

ડૉક્ટર અંકલે કહ્યું, ‘ના, એવું તો નથી લાગતું; પણ મેં જે એક નીરીક્ષણ કર્યું છે તે આવું છે. છેલ્લા પાંચ વર્ષમાં રુપેશ માત્ર એક મહીનો જ તેના માતા–પીતાથી અલગ રહ્યો છે અને એ જ ગાળામાં તે સમ્પુર્ણ તન્દુરસ્ત રહી શક્યો છે. તેનો દમનો અત્યન્ત લાંબો હુમલો મુમ્બઈ આવ્યા બાદ આપોઆપ સારો થઈ ગયો હતો; પણ જેવા તેના માતાપીતા અહીં આવ્યાં કે તરત દમ ફરી શરુ થઈ ગયો. અને એ જ રીતે તેઓ પાછાં ગયાં કે તરત રુપેશ સારો પણ થઈ ગયો હતો.’

સાઈકીઆટ્રીસ્ટે ધ્યાનથી સાંભળ્યા બાદ જણાવ્યું, ‘તમે રુપેશને અહીં લાવી શકો, ડૉક્ટર! મને આ કેસમાં રસ પડે છે. હું ધારું છું કે આપણે એને મદદ કરી શકીશું.’

‘પણ એને થયું છે શું’ ડૉક્ટર અંકલે અધીરાઈથી પુછ્યું.

‘એને અસ્થમા જ છે ડૉક્ટર; પણ તમે જાણો છો કે ‘અસ્થમા’ – ‘સાઈકોસોમેટીક’ રોગ છે. દર્દીના માતા–પીતા સાથેના સમ્બન્ધો, તેનું બાળપણ, તેનું અજાગ્રત મન આ બધા જ આ રોગ વધારવામાં ભાગીદાર હોય છે. તમે જે નીરીક્ષણ કર્યું છે તે ખુબ મહત્ત્વનું છે. સાચું પુછો તો ‘અસ્થમા’ના કેટલાક બાળ–દર્દીઓને તેઓની ટ્રીટમેન્ટના એક ભાગરુપે તેમના માતાપીતાથી અલગ પાડવામાં આવે છે. આ થેરાપીને ‘પેરેન્ટેક્ટોમી’ કહેવાય છે. તમને ઈચ્છા હોય તો આપણે રુબરુ મળીએ ત્યારે વીગતે વાત કરીશું.’

ડૉક્ટર અંકલ નવાઈ પામી ગયા. તેમને અચાનક યાદ આવ્યું કે સીમાભાભી ઉપર રુપેશ કેટલો નીર્ભર હતો! શું રુપેશ પરતન્ત્ર હતો એટલે ફેફસાની તકલીફો અનુભવતો હતો? અને સ્વતન્ત્ર જીવન જીવતો ત્યારે સાજો થઈ જતો?

પોતાના મનમાં ઘુમરાતા અનેક પ્રશ્નો એમણે એક જ ઉત્તર મનમાં ને મનમાં આપ્યો – અસ્થમા અઘરી વસ્તુ છે, મન એથીય વધુ અઘરું છે.’

સાઈકોસોમેટીક ડીસઓર્ડર

‘એપેન્ડીક્સ’ને કાપીને શરીરથી અલગ કરવામાં આવે તો એને ‘એપેન્ડીસેક્ટોમી’ કહેવાય છે. જઠરને કાપીને શરીરથી અલગ કરવામાં આવે તો એને ‘ગેસ્ટ્રેક્ટોમી’ અને ગર્ભાશયને કાપીને કાઢી નાખવામાં આવે તો ‘હીસ્ટેરેક્ટોમી’ કહેવાય છે.

તે જ રીતે બાળકના જીવનમાં તેના માતાપીતા (પેરન્ટ્સ)ને અલગ કરી દેવામાં આવે તો તેને ‘પેરેન્ટેક્ટોમી’ કહેવાય છે. આ પણ એક પ્રકારની ટ્રીટમેન્ટ છે, થેરાપી છે.

ક્યારેક શારીરીક રોગ તથા અવયવોમાં થયેલ પેથોલૉજીકલ ફેરફારો વ્યક્તીની ત્રાહીત લાગણીઓનું નીદર્શન કરતા હોય છે. આથી એ રોગ ‘અફેક્ટ ઈક્વીવેલન્ટ’ બની રહે છે. (અસંતુલીત, અવ્યક્ત, પીડાજન્ય લાગણીઓનો પર્યાય). જેને ‘સાઈકોસોમેટીક’ કહેવાય છે (સાઈકમન, સોમાશરીર). અને એટલે જ એની સારવાર પણ મનોજગતના સીદ્ધાંતો ઉપર આધારીત હોય છે.

ફ્રોઈડના મતે દરેક બાળક તેના વીકાસ દરમીયાન ‘ઓરલ’, ‘એનલ’, ‘ફેલીક’, ‘લેટન્ટ’ તથા ‘જનાઈટલ’ એવા તબક્કાઓમાંથી પસાર થતું હોય છે. ‘ઓરલ’ તબક્કામાં તેને માટે માતાના સ્તન અને ધાવણ તથા ‘એનલ’ તબક્કામાં ‘ટોઈલેટ ટ્રેનીંગ’ મહત્ત્વના હોય છે. ‘ઓરલ’ તબક્કામાં હોઠ વડે જ જગતને પામનાર અને પોતાનું પોષણ મેળવનાર તથા અસ્તીત્વને ટકાવનાર બાળક જો તેની માતા સાથે યોગ્ય સામીપ્ય સીદ્ધ ન કરી શકે; અને વધુ પડતાં અવલમ્બન અથવા તીરસ્કારની આપ–લે કરી બેસે તો તેનો ફેઝ (તબક્કો) પુરેપુરો રીઝોલ્વ નથી હોતો. આથી ભવીષ્યમાં પણ તે વધુ પડતી ‘ઓરલ એક્ટીવીટી’ (જેવી કે સીગરેટ સ્મોકીંગ)નો અથવા વ્યક્તીગત સમ્બન્ધોમાં વધુ પડતી ‘ડીપેન્ડન્સ’ તથા પરપરાયણતાનો ભોગ બને છે. જે ક્યારેક શ્વાસ (ઓરલ એક્ટીવીટી) સાથે સંકળાયેલા ‘અસ્થમા’ તરીકે પ્રગટ થાય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક આ મનપાંચમના મેળામાં (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 19મો લેખ, પુસ્તકનાં પાન 138થી 142 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરા ગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243  અને 3478596 ફેક્સ : (0261) 3460650 ઈ.મેલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

 

 

6 Comments

 1. DOCTOR MUKUL CHOKSHI,
  RE:ASTHMA
  NUMBER OF PEOPLE ARE SUFFERING FROM ASTHMA.THE PROBLEM STARTS EITHER
  FROM HOME CONDITIONS, CAN BE ATMOSHPHERE CONDITIONS, FLOWER OR GRASS
  POLLENES, WEAK LUNGS ETC. CHANGING PLACES MAY HELP.
  I HAVE FAMILY MEMBERS WHO ARE SUFFERING FROM THIS PROBLEM, HOWEVER,
  THERE ARE DIFFERENT TYPES OF INHALERS AVAILABLE, AND USING AS REQUIRED
  HELPS FROM ASTHMA ATTACKS !!

  Liked by 1 person

 2. ડો. મુકુલ ચોકસીનો લેખ સરસ અને રોગની વિગતો શીખવનાર બન્યો છે.
  ભાવિમાં કદાચ કામ આવે તેવું પણ બને. ડો. ચોકસીનો ખૂબ ખૂબ આભાર.
  આનંદ થયો.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. હંમેશ જેમ ડો. મુકુલ ચોકસીનો અભ્યાસપુર્ણ લેખથી- આજે ભાગ્યેજ જોવા મળતા સાઈકોસોમેટીક અસ્થમા – રોગ જેમા તેમના માતાપીતાથી અલગ પાડવામાં આવે છે. આ થેરાપીને ‘પેરેન્ટેક્ટોમી’ કહેવાય છે .અમે ‘પેરેન્ટેક્ટોમી સર્ચ પર મુક્યું તો કાંઇ પરિણામ ન આવતા.
  Parentectomy: Asthma મુકતા ઘણા ઓછા પરીણામમા આ જાણવા મળ્યું-‘ A slang term meaning removal of a parent (or both parents) from the child. It is of relevance to the hospitalization of children. Dr. M. Murray Peshkin (1892-1990), the medical director of the Children’s Asthma Research Institute and Hospital in Denver from 1940 to 1959, noticed that some of his most severe asthma patients improved markedly as soon as they were removed from their homes and hospitalized — before their treatments had had a chance to work. Peshkin came to advocate parentectomy, a change in environment for severe asthmatic children who had not improved with other treatments. He attributed parentectomy’s success both to removal of the child from allergens in their homes and from the psychological conflicts they might have had with their parents.
  અને આજે આ વાત આજે જાણી ‘સાઈકોસોમેટીક ડીસઓર્ડર ‘ઓરલ’ તબક્કામાં હોઠ વડે જ જગતને પામનાર અને પોતાનું પોષણ મેળવનાર તથા અસ્તીત્વને ટકાવનાર બાળક જો તેની માતા સાથે યોગ્ય સામીપ્ય સીદ્ધ ન કરી શકે; અને વધુ પડતાં અવલમ્બન અથવા તીરસ્કારની આપ–લે કરી બેસે તો તેનો ફેઝ રીઝોલ્વ નથી હોતો. આથી ભવીષ્યમાં ‘અસ્થમા’ તરીકે પ્રગટ થાય છે.’
  બાકી સાંપ્રત સમયે ડીવોર્સ વખતે આ શબ્દ પેરેન્ટેક્ટોમી’ વધુ વપરાય છે !
  ધન્યવાદ

  Liked by 1 person

 4. ખૂબ સરસ લેખ ,Dr .મુકુલ ચોક્સી સાહેબે ખૂબ ઊંડાણ વાળી વાત કરી છે આ લેખ માં

  Liked by 1 person

 5. ડૉ. મુકુલ ચોકસીનો લેખ માહિતીપ્રદ છે. અસ્થમા એ અનુવાંશિક રોગ છે. દર્દીના માતા–પીતા સાથેના સમ્બન્ધો, તેનું બાળપણ, તેનું અજાગ્રત મન આ બધા જ આ રોગ વધારવામાં ભાગીદાર હોય છે. આ વાત સત્ય છે. છતાય ઘરે ઘરે નાના મોટા જગડા થયાજ કરે છે. એનો અર્થ એવો નથી કે તેનાથી અસ્થમા થાય. ઘરે ઘરે વાસણ તો લેવા જાવ તો ખખડેજ. અસ્થમા માટે કાયમી કોઈ ઈલાજ નથી. નેબુલાઇજર, પમ્પ, અસ્થાલીન કેપ્સુલ લેવીજ પડે. અસ્થમાથી છૂટકારો પામવો હોય તો ઊંડા શ્વાશોશ્વાસ લેવા હિતકર છે. બહુ મહેનત વાળું કામ કરવું નહીં. ડાબે પડખે સૂઈ રહીને 1/2 કલાક આરામ કરવો જેથી અસ્થમાને રોકી શકાય. ડૉ.જે કઈ દવા લખી આપે તે લેવી અત્યંત જરૂરી છે. ખાવા પીવામાં બહુ તીખું ના ખાવું. તળેલું પણ બને ત્યાં સુધી ઓછું ખાવું. મગજને શાંત રાખવું. હું ડૉ. નથી પણ મારા અનુભવની વાત કરું છુ. krupaya gersamaj karasho nahi.
  -ચીમનભાઈના જયજિનેંદ્ર.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s