તા. 4/01/2020ના રોજ આપણે ‘સમય’ લેખાંક – 01 (સ્રોત : https://govindmaru.com/2020/09/04/murji-gada-54/) માણ્યો… હવે સમગ્ર બ્રહ્માંડને લાગુ પડે એવી ‘વીશીષ્ટ સમય ગણના’ની ચર્ચાને આગળ વધારીએ…
પ્રકરણ : 06 (ભાગ : 02)
સમય
– મુરજી ગડા
સજીવનું મૃત્યુ એટલે એનો સદન્તર નાશ નહીં; પણ એનું સજીવમાંથી નીર્જીવમાં રુપાંતર માત્ર છે. હવે નીર્જીવ પદાર્થના સન્દર્ભમાં સમયને સમજાવવાની કોશીશ કરીએ. સજીવોની જેમ નીર્જીવોનો પણ ક્ષય થાય છે. ક્ષય થવાની ઝડપને આધારે નીર્જીવોને ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય : (1) ઑર્ગેનીક (Organic), (2) રેડીયો એક્ટીવ (Radio Active), (3) બાકીના બીજા બધાં.
‘ઑર્ગેનીક’ એટલે કે સેન્દ્રીય દ્રવ્યવાળા (પ્રાણીઓ, વનસ્પતી વગેરે) પદાર્થનો ક્ષય બહુ ઝડપી હોય છે. એમનું વીઘટન (Decay) થઈને પાછું મુળ તત્ત્વોમાં રુપાન્તર થાય છે. માનવોની અન્તીમ ક્રીયા તેમ જ મૃત પ્રાણીને દાટવાની કે બાળવાની ક્રીયા પાછળનો વૈજ્ઞાનીક હેતુ એમના કુદરતી વીઘટનથી થતા રોગચાળાને અટકાવવાનો છે.
‘રેડીયો એક્ટીવ’ પદાર્થોનો ક્ષય એક કુદરતી નીયમ પ્રમાણે થાય છે. દરેક રેડીયો એક્ટીવ તત્ત્વ ચોક્કસ અવધીમાં એમાં રહેલાં પરમાણુંના અડધા ઘટક ગુમાવે છે. આ અવધીને એની ‘હાફ–લાઈફ’ (Half Life ટુંકમાં HL) કહેવાય છે. HLને થોડા ઉંડાણમાં સમજવું જરુરી છે.
મૃત પ્રાણીઓ અને વનસ્પતીના અશ્મીઓનો અભ્યાસ કરતાં વૈજ્ઞાનીકો ‘પેલીઓન્ટોલૉજીસ્ટ’ (Paleontologist) તરીકે ઓળખાય છે. તેઓ અશ્મીઓનો જીવકાળ જાણવા માટે ‘ડેટીંગ સીસ્ટમ’ (Dating System) તરીકે ઓળખાતી જુદી જુદી કાળગણનાની રીત વાપરતા હોય છે. એમાંની એક રીત કાર્બન–14 ડેટીંગ સીસ્ટમ વધુ જાણીતી છે.
સામાન્ય કાર્બન, C–12ના નામે ઓળખાય છે. કાર્બનનું એક રેડીયો એક્ટીવ સ્વરૂપ (Isotop) છે, જેને C–14 કહેવાય છે. રેડીયો એક્ટીવ પદાર્થ અસ્થીર હોય છે. બધાં પ્રાણીઓ અને વનસ્પતીમાં ચોક્કસ પ્રમાણમાં C–14 હોય છે. સજીવના મૃત્યુ પછી એમના શરીરમાં રહેલા C–14નું નાઈટ્રોજન (N–14)માં વીઘટન થાય છે. પ્રયોગો અને અનુભવ પરથી એ શોધી કઢાયું છે કે આશરે 5715 વરસમાં C–14 પરમાણુઓનું N–14માં રુપાન્તર થઈ જાય છે. એને C–14ની હાફ–લાઈફ કહે છે.
હાફ–લાઈફની ગણતરી થોડી અટપટી છે. HLનો અર્થ એવો નથી કે 5715 X 2 વર્ષમાં બધા C–14નું રુપાન્તર N–14માં થઈ જાય. અત્રે HLની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે દર 5715 વર્ષની અવધીમાં બાકી રહેલા પરમાણુમાંથી માત્ર અડધા પરમાણુઓનું જ રુપાન્તર થાય છે. આ રીતે, ઘણાં લાંબા સમય સુધી અશ્મીઓમાં C–14ના થોડાઘણાં પરમાણુ જોવા મળે છે. જો કે, આ રીત માત્ર 50,000 વર્ષ પુરાણા અશ્મીઓ માટે વપરાય છે. ત્યાર પછી એની વીશ્વસનીયતા સારી નથી રહેતી. એનાથી પુરાણા અશ્મીઓ માટે બીજી રીતો છે. અબજ વર્ષથી પુરાણા ખડકો માટે વળી અલગ પ્રકારની રીતો છે. દાખલા તરીકે પોટેશીયમના આઈસોટોપ (K40)નું આર્ગોન ગેસ (Ar40)માં વીઘટન થાય છે. એની હાફ–લાઈફ અંદાજે 1.31 અબજ વર્ષ છે.
રેડીયો એક્ટીવ ન હોય એવા પદાર્થોનો ક્ષય થતાં ખુબ જ લાંબો સમય લાગે છે. એના વીશેની વધુ માહીતી ઉપલબ્ધ નથી. ટુંકમાં, સમય સાથે બધા જ પદાર્થોનો ક્ષય થાય છે. એનો દર એમની હાફ–લાઈફ પર આધાર રાખે છે. આ નીયમની ખાસીયત એ છે કે દરેક મુળ તત્ત્વની હાફ–લાઈફ અલગ અલગ છે. સમયનું આ એક એવું માપ છે જે બધા પદાર્થોને લાગુ પડે છે અને એ માનવસર્જીત નથી.
હવે સવાલ એ છે કે C–14ની હાફ–લાઈફ પૃથ્વી પર 5715 વર્ષ છે તે બીજા ગ્રહ પર આપણા 5715 વર્ષ જેટલી જ હશે કે પછી બીજી જ કંઈ હશે? પદાર્થની HL પર જો ગુરુત્વાકર્ષણ, પ્રકાશ, ગરમી, વીદ્યુત–ચુંબકીય બળ વગેરેના માત્રાની કંઈ અસર ન થતી હોય તો તે બ્રહ્માંડમાં બધે જ સરખી હોવી જોઈએ. અને જો થતી હોય તો HL પણ વૈશ્વીક નહીં; પણ સ્થાનીક પ્રક્રીયા બની રહે છે. આ દીશામાં હજી કોઈ પ્રયોગ થયા ન હોવાથી એ વીશે ચોક્કસ કંઈ કહી ન શકાય.
સમયની આટલી ચર્ચા પછી પણ ‘સમય’ પોતે શું છે, એ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે. સાવ સાદા શબ્દોમાં સમયની વ્યાખ્યા આપવી હોય તો પૃથ્વી પરની ‘સમય ગણના’ એ કુદરતમાં થતા બદલાવ માપવાનું માણસે શોધેલું તેમ જ બનાવેલું માપ છે. પૃથ્વીની બહાર આપણી સમય ગણના કે સમયની વ્યાખ્યા લાગુ પડતી નથી.
વીસમી સદીના ઉંચા ગજાના વૈજ્ઞાનીક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહેલા, કે પછી એમના નામે ફેલાવાયેલાં સમય માટેના ત્રણ વીધાન યાદ કરીએ :
- સમય (Time) અને અવકાશ (Space)નું સર્જન મહાવીસ્ફોટ (Big Bang) સાથે થયું છે.
- બ્રહ્માંડનું પોત (Fabric), અવકાશ–સમય (Space Time)નું બનેલું છે. એમાં ગુરુત્વાકર્ષણ ખેંચાણ (Pucker) પેદા કરે છે જે ફેલાતા શંકુ આકારનું હોય છે.
- જો કોઈ પદાર્થ તીવ્ર ગતીએ પ્રવાસ કરે તો એના માટે સમય ધીમો પડે છે. પ્રકાશની ગતીએ પ્રવાસ કરતા પદાર્થ માટે સમય થમ્ભી જાય છે. ફોટોનથી બનેલા પ્રકાશને પોતાને હાફ–લાઈફનો નીયમ લાગુ પડતો નથી; કારણ કે ફોટોનને દળ (mass) નથી હોતું.
પહેલું વીધાન સાવ સરળ છે. આપણા માટે બ્રહ્માંડની સમય ગણના બીબ બૅંગથી જ શરુ થઈ છે. એના પહેલાં શું હતું તેનો વીશ્વસનીય ખ્યાલ કોઈને પણ નથી.
અત્યાર સુધી આઈન્સ્ટાઈનના બીજા વીધાનને કોઈએ પડકાર્યો નહોતો. એટલે કે હમણાં સુધી તો સમય અને અવકાશ (space) બન્ને એકમેક સાથે સંકળાયેલા હોવાનું જ મનાતું રહ્યું છે. હવે એવા સંકેત મળે છે કે તે એકબીજાથી સ્વતન્ત્ર હોય એ શક્ય છે. આ સાચું સાબીત થાય તો એમ કહેવાશે કે માત્ર અવકાશ, બ્રહ્માંડના અન્ય ઘટકોથી સ્વતન્ત્ર છે, જ્યારે દ્રવ્ય, ઉર્જા, ગુરુત્વાકર્ષણ અને સમય બધાં એકમેક સાથે સંકળાયેલા છે.
આઈન્સ્ટાઈનનું ત્રીજું વીધાન સમયને પદાર્થ અને ગતી સાથે સાંકળે છે. ગતી અમુર્ત (Abstract) છે, જ્યારે પદાર્થ મુર્ત છે, નકકર છે. પદાર્થના કદ, વજન જેવા મુર્ત ગુણધર્મો છે, તો ગુરુત્વાકર્ષણ જેવો અમુર્ત ગુણધર્મ પણ છે. એવી જ રીતે સમય પણ પદાર્થનો જ અમુર્ત ગુણધર્મ હોઈ શકે છે; કારણ કે પદાર્થની ગતી સાથે સમય બદલાય છે, એટલે કે સમય અચલ છે.
આગળ ચર્ચાયા પ્રમાણે સમય વીશેનો આપણો ખ્યાલ માત્ર પૃથ્વી પરના જીવનને લાગુ પડે છે. આપણી સમય ગણના બ્રહ્માંડના સમયથી તદ્દન અલગ વાત છે. બન્ને માટે એક જ, એનો એ શબ્દ વપરાયો છે, એટલું જ સામ્ય છે.
બીજા કોઈ ગ્રહ પર જીવન હોય તો એમનો સમય અંગેનો ખ્યાલ કદાચ આપણા જેવો હોય; પરન્તુ સમ્પુર્ણ એકરુપ ન જ હોઈ શકે. દરેક ગ્રહનો સમય વીશેનો ખ્યાલ માત્ર એ ગ્રહ પુરતો જ હશે અને એની બહાર એનો ઉપયોગ ન થઈ શકે.
આપણી કલ્પનાને થોડી વધારે વીસ્તારીએ તો એમ કહી શકાય કે તારાઓનો સમય હાઈડ્રોજનનું જે દરે હીલીયમમાં રુપાન્તર થતું હોય એના પ્રમાણે ઘડાયો હશે. આ દર પણ, દરેક તારા માટે અલગ હોવાથી એને સર્વત્ર લાગુ ન કરી શકાય.
ટુંકમાં એમ ફલીત કરી શકાય કે, ગતી સાથે સમય બદલાતો હોવાથી સમય પદાર્થનો ગુણધર્મ બની શકે છે. સમય અચલ નહીં પણ ચલ છે. દરેક મુળ તત્ત્વની ચોક્કસ હાફ–લાઈફ હોવાની વાત પણ સમય પદાર્થનો એક ગુણધર્મ માત્ર હોવાની પુષ્ટી કરે છે. જે અચલ હોઈ શકે કે પછી એના સ્થળ પ્રમાણે ચલ હોઈ શકે.
(સમ્પુર્ણ…)
–મુરજી ગડા
લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ છઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 30થી 33 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક–વ–પ્રકાશક–સમ્પર્ક : શ્રી. મુરજી ગડા, 1, શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 સેલફોન : 972 679 9009 ઈ.મેલ : mggada@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com
“પૃથ્વીની બહાર આપણી સમય ગણના કે સમયની વ્યાખ્યા લાગુ પડતી નથી.”
— –મુરજી ગડા
“જો કોઈ પદાર્થ તીવ્ર ગતીએ પ્રવાસ કરે તો એના માટે સમય ધીમો પડે છે. પ્રકાશની ગતીએ પ્રવાસ કરતા પદાર્થ માટે સમય થમ્ભી જાય છે. ”
— વીસમી સદીના ઉંચા ગજાના અને નોબલ પરિશોતક વિજેતા વૈજ્ઞાનીક આલ્બર્ટ આઈન્સ્ટાઈન
આ વિષે વિસ્તાર થી સમજવા માટે વૈજ્ઞાનીક આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક ઉદાહરણ આપેલ છે, અને તે ઉદાહરણનો મેં મારા એક લેખ માં ઉલ્લેખ કરેલ છે:
આલ્બર્ટ આઈન્સ્ટાઈન ના મહાન સિદ્ધાંત Theory of Relativity (સાંક્ષેપવાદ) અનુસાર પૃથ્વીના વાતાવરણ ની બહાર અવકાશ માં પ્રકાશ ની ગતિ ના ૯૯ ટકા ગતિ ધરાવતા અવકાશયાન માં ૧૦૦ વર્ષ નો ગાળો કેવળ ૧૪ વર્ષ નો હશે જયારે પૃથ્વી પર આ દરમયાન ૧૦૦ વર્ષ વિતિ ગયા હોય છે.
ધારો કે ૨૫ વર્ષ ના બે યુવાનો છે. એક યુવાન પૃથ્વી પર રહે છે અને બીજો યુવાન પ્રકાશ ની ગતિ ના ૯૯ ટકા ની ઝડપે જતા અવકાશયાન માં સફર કરે છે. આ સંજોગો માં બીજો યુવાન ૧૦૦ વર્ષ પછી પૃથ્વી પર પાછો આવશે ત્યારે તેની વય ૩૯ (૨૫ + ૧૪) વર્ષ હશે, જયારે પૃથ્વી પરનો યુવાન ૧૨૫ (૨૫ + ૧૦૦) વર્ષ નો હશે
આ છે સમય ની બલિહારી.
LikeLiked by 1 person
Objective and logical article! Impressed with his analysis 👍
LikeLiked by 1 person
સ્નેહીશ્રી મુરજીભાઇઅે બ્રહ્માંડને….વિશ્વને , કેમીકલ્સ….જેવાકે….કાર્બન, હાઇદ્રોજન, નાઇટરોજન, હિલીયમ…..નો ઉલ્લેખ કર્યો. સાપેક્ષ ? સમય…..અેક જુદો જ પ્રશ્ન બને છે. પૃથ્વિ ઉપર વસતા માનવો પોતાની જીંદગીને વ્યતિત કરે છે તે ‘ સમય ‘ ને સમજવાની વાત કરવી જોઇતી હતી.
સૂર્ય, તેનું અવકાશમાં ફરતાં રહેવું….
પૃથ્વિ, તેનું પોતે સૂર્યની ફરતે ઘૂમવું. અને પોતાની આડી ઘરી ઉપર ફરતાં રહેવું.( ૨૩.૫ ડીગ્રી.)….પૃથ્વિના તેની ઘરીને લઇને ફરતા રહેવાને લઇને રાત અને દિવસનું થવું દા.ત. ભારતમાં જ્યારે દિવસ…સૂર્ય હોય છે ત્યારે અમેરિકામાં રાત હોય છે…
પુથ્વિને બે ઘ્રુવ હોય છે ….ઉત્તરઘ્રુવ અને દક્ષિણઘ્રુવ…..અહિ….જ્યારે ઉત્તરઘ્રુવમાં શીયાળો હોય છે ત્યારે દક્ષિણઘ્રુવમાં ઉનાળો હોય છે….તેનું કારણ પૂથ્વિની ઘરી અને તેની ઉપર પૃથ્વિનું ફરતા રહેવું. અને પૃથ્વિનું સૂર્ય સાથેના સંદર્ભમા ….( દા.ત. કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત…..) ફરવુ.
જીવન જીવવાના ‘ સમય ‘ને પૃથ્વિ ઉપર કેવી રીતે ગણવું તેને સમજણ માટે ચર્ચવો જોઇઅે તેવું મારું માનવું છે.
બ્રહ્માંડ ?માં આપણો સૂર્ય…ગ્રહો, અને બીજા ઉપગ્રહો તો અેક નાનું ટપકું છે.
પૃથ્વિ ઉપરના વિજ્ઞાનીઓઅે ગૃહો ઉપર જવાનું પણ હાંસલ કરી લીઘું છે. પૃથ્વિના ગુરુત્વાકર્ષણના અંતરની બહાર અેકવાર કોઇપણ સાઘન બહાર જાય છે ત્યારે તેને માટે ‘ સમય ‘ ની ગણણા જુદી થવા માંડે છે….
આ બઘું પહેલાં વિગતે સમજવાનિ જરુરત મને લાગે છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સરસ માહીતી, પણ મારા માનમાં થોડો ગુંચવાડો છે.
“પદાર્થની ગતી સાથે સમય બદલાય છે, એટલે કે સમય અચલ છે.” જો સમય બદલાતો હોય તો તે અચલ કેવી રીતે કહેવાય, ચલ કહેવાય.
ગતી સાથે સમય બદલાતો હોવાથી સમય પદાર્થનો ગુણધર્મ બની શકે છે. સમય અચલ નહીં પણ ચલ છે. દરેક મુળ તત્ત્વની ચોક્કસ હાફ–લાઈફ હોવાની વાત પણ સમય પદાર્થનો એક ગુણધર્મ માત્ર હોવાની પુષ્ટી કરે છે. જે અચલ હોઈ શકે કે પછી એના સ્થળ પ્રમાણે ચલ હોઈ શકે.
“દરેક મુળ તત્વની હાફ લાઈફ?” રેડીઓ એક્ટીવ તત્વની હાફ લાઈફ હોય છે એમ આ પહેલાં કહેવામાં આવ્યું છે.
કદાચ મારા નાના મગજમાં આ બધી વાતો સમજવાની શક્તી નહીં હોય!!
ગતીની સમય પર અસર થાય છે, પણ ગતીની પદાર્થ પર કોઈ અસર થાય ખરી? થતી હોય તો કેવા પ્રકારની? ગતીની માત્ર સજીવ-જેમાં ચૈતન્ય હોય તે જ પદાર્થ પર અસર થાય કે નીર્જીવ પદાર્થ પર પણ થાય?
અગાઉ કાસીમભાઈએ લખ્યું છે, આઈન્સ્ટાઈનના સીધ્ધાંત મુજબ પ્રકાશની ગતી વડે સજીવ શરીરના ઘટકો પર પૃથ્વીનાં ૧૦૦ વર્ષમાં માત્ર ૧૪ વર્ષ જેટલી જ અસર થશે. પણ એનાં કારણ કે કારણો?
હાર્દીક આભાર ગોવીન્દભાઈ અને મુરજીભાઈનો.
LikeLiked by 1 person
સમગ્ર બ્રહ્માંડને લાગુ પડે એવી ‘વીશીષ્ટ સમય ગણના’ની ચર્ચામા મા મુરજી ગડાએ ખૂબ સ રસ ચર્ચા કરી.ગતી સાથે સમય બદલાતો હોવાથી સમય પદાર્થનો ગુણધર્મ બની શકે છે. સમય અચલ નહીં પણ ચલ છે. દરેક મુળ તત્ત્વની ચોક્કસ હાફ–લાઈફ હોવાની વાત પણ સમય પદાર્થનો એક ગુણધર્મ માત્ર હોવાની પુષ્ટી કરે છે. જે અચલ હોઈ શકે કે પછી એના સ્થળ પ્રમાણે ચલ હોઈ શકે.
વારંવાર પઠન કરતા સમજાયું કેટલુંક વધુ ચિંતન કરતા સમજાશે.ધન્યવાદ
LikeLiked by 1 person
ફ્રેન્ડઝ્,
સ્નેહીશ્રી કારીમભાઇઅે તેમની કોમેંટનું પ્રથમ વાક્ય, શ્રી મુરજી ગડાજીનું ક્વોટ કર્યુ છે. કહે છે….
‘ પૃથ્વિની બહાર આપણી સમય ગણના કે સમયની વ્યાખ્યા લાગુ પડતી નથી. ‘
પુથ્વિ ઉપર આપણને જે સમય ગણના કે સમયની વ્યાખ્યા જીવન ગુજારવામાં મદદ કરતી હોય તેના વિષયે જ વાતો કરીઅે. પૃથ્વિના ગુરુત્વાકર્ષણના પરીઘની બહાર નિકળીઅે અેટલે , શ્રી મુરજીભાઇ કહે છે તે નિયમ લાગુ પડી જ જાય.
છતાં આજના આપણા વેજ્ઞાનિકોઅે તેને પણ પોતાના જ્ઞાનમાં સાબિત કરીને ચંન્દર કે મંગલના ગ્રહ ઉપર જઇને આવવાની ગણના કરીને સિઘ્ઘિ મેળવી લીઘી છે. અવકાશયાનો બનાવીને. માણસને ચંન્દ્ર ઉપર કે મંગળના ગ્રહ ઉપર મોકલીને પોછો લાવીને….જ્ઞાનને સિઘ્ઘ કરી બતાવ્યુ છે.
હાફ લાઇફ જેવા વૈજ્ઞાનિક શબ્દો કે તેની વ્યાખ્યા , બ્રહ્માંડના સમયની વ્યાખ્યાનો સમય આપણા સામાન્ય નાગરિકને કેટલો લાગુ પડે ?
સામાન્ય માણસને તો કહેવાતા જ્યોતિષો સૂર્યમંડળના ગ્રહોના આટા પાટા રમાડીને પૈસા કમાય છે. બીચારો, જ્યોતિષીના કહેવાતા ફળાદેશના સૂર્યમંડળના ચક્કરમાંથી જ બહાર આવતો નથી ફળાદેશ ખોટું પડે ત્યારે પોતાના નસીબનો વાં કાઢીને રડી લઇને પણ જ્યોતિષને પૈસા આપી આવશે. અઅને કહેશે…..
આદીમાનવે પોતાને ‘ માણસ ‘ શબ્દથી ક્યારે નવાજ્યો હશે ?પછી…મેલ અને ફીમેલ…પુરુષ અને સ્ત્રી તરીકે ક્યારે ઓળખ્યા હશે ?
‘ સમય…સમય…બલવાન….નહિ મનુષનું કામ જો…‘
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સમય ને શા માટે દોષ દેવો ?
આપણે કહીયે છીએ કે સમય નથી મળતો.
સમય તો હાજર જ હોય છે અને પોતાની ધીમી ગતિ થી ચાલતો રહે છે. — સમય ના વહેણ. મનુષ્ય જ પાછળ રહી જાય છે.
આપણે કહીયે છીએ કે સમય ખરાબ છે.
સમય તો એ નો એ જ છે. શા માટે તેને ખરાબ કહેવો? ખરાબ તો મનુષ્ય છે જેણે વાતાવરણ ને પોતાના કરતૂતો થકી ખરાબ કરી દીધેલ છે.
LikeLiked by 1 person
સ્નેહીશ્રી કાસીમભાઇ,
સરસ વાત…પ્રેક્ટીકલ વાત,…રોજીંદી જીવાતી વાત તમે કરી….આનંદ થઇ ગયો.
સમયની ડીઝાઇન માનવે કરી…..તેને અનુસરીને જીવવાની ડીઝાઇન માનવે કરી અને પોતાની ભૂલોને છુપાવવા માણસ ‘ સમય ‘ ને કારણરુપ બતાવે છે.
આજે મારો….છે….ઘીરજ ઘર….કાલે તારો સમય પણ તને ચિંતવશે.
જીવનના દરેક કાર્યો કે કર્મોને મુલવવા માટે જરુરથી ” Time is a factor. ”
કવિશ્રી રાજેન્દ્ર શુક્લ કહે છે…..
‘ અહીં પહોચ્યા પછી તો આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી , આ તો બઘુ થાય છે. ‘ અહિં ‘ સમય ‘ તો અેક ફેક્ટર છે.
સ્વામી સચ્ચિદાનંદજી ‘ નવી આશા ‘ મા લખે છે…..
સમય ઉપર જે કામ આવે તે જ સગાં કહેવાય. ખરા સમયે જરુર હોવા છતાં જે મોઢું ન બતાવે તે સગો ભાઇ હોય તો પણ ઘૂળ બરાબર. દરેક વ્યક્તિને થોડો કસોટીનો સમય તો આવવો જ જોઇઅે, જેથી તે પોતાનાં સાચા…ખોટા સગાને ઓળખી શકે…..
And at the end…….
My sister,Indira, My wife, Hina and I wish all the GRANDPARENTS all over the world, a VERY HAPPY ” GRANDPARENT’S DAY ” on September 13, 2020, Sunday. Enjoy…Have fun…And swim in the ocean of LOVE. This is our time…..
Thanks.
Amrut Hazari.
LikeLiked by 1 person
સરસ લેખ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત ની ચર્ચા વિચારણા ઊભી કરી સરસ કામ કર્યું છે.મારા મતે તો સમય એ પૃથ્વી પર કે અન્ય સ્થળો એ એ સ્થળ પ્રમાણે વસ્તુઓ માં થતું પરિવર્તન છે.અહી પૃથ્વી ચોવીસ કલાકમાં આંટો ફરી દિવસ બનાવે એટલે દિવસ નો સમય ચોવીસ કલાક થયો.એને આપણે મિનિટ સેકન્ડ માં વિભાજિત કરી ઉપયોગ કર્યો.હવે ખાવાની વસ્તુ અમુક સમય માં બગડી જાય પણ ફ્રીજ માં મૂકવાથી વધુ સમય સારી રહે તો ત્યાં બગડવાની પ્રક્રિયા ધીમી થઈ અને ફ્રિજ બહાર તો સમય પૃથ્વી ની ગતિ પ્રમાણે ચાલતો રહ્યો.સમય ને આઇન્સ્ટાઇને રિલેટિવ બતાવ્યો છે તે સ્થળ અને ગતિ ની સાથે રિલેટીવ હોય છે તો મને તો લાગે છે કે સમય એ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી પણ વસ્તુ માં થતું પરિવર્તન માત્ર છે અને એને એકબીજા ની રીલેટિવ આપણે ગણીએ છીએ જેમ કે અવકાશ યાન માં મુસાફરી કરનાર ની રિલેટિવ્ પૃથ્વી પર રહેનાર નો સમય.હવે અવકાશ યાન માં મુસાફરી કરનાર નો સમય 14 વર્ષ જેટલું પરિવર્તન થયું પણ એટલી વાર માં પૃથ્વી એ પોતાનું સો વર્ષ નું ભ્રમણ કરી નાખ્યું.અને એમ કહે છે કે બ્લેક હોલ ની પાસે સમય શૂન્ય થઈ જાય છે
LikeLiked by 1 person