વેદનાના આર્તનાદો આપણને રૅશનલ થવા પ્રેરશે?

શું જીવનના દરેક ક્ષેત્રમાં ‘રૅશનાલીઝમ’ ખુબ જ ઉપયોગી છે? રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાનીએ વેદનાના આર્તનાદો, ‘રૅશનાલીઝમ’ના જુદા જુદા પાસાઓ અને ‘વૈજ્ઞાનીક અભીગમ’ વગેરે મુદ્દાઓની કરેલ સ–રસ ચર્ચા પ્રસ્તુત છે…

વેદનાના આર્તનાદો
આપણને રૅશનલ થવા પ્રેરશે?

–ઈન્દુકુમાર જાની

જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તથા ધર્મ–માન્યતાઓને વેદવાક્ય માની, માથે ચઢાવીને ફરશે; ત્યાં સુધી સાચી માનવ સંસ્કૃતીની આશા રાખવી, એ વાત કેવળ અર્થહીન સપનામાં રાચવા બરાબર જ છે.

  પરમ્પરાગત નીતીની એક મોટામાં મોટી ક્ષતી એ છે કે તે બુદ્ધી વીશે ખુબ નીચો ખ્યાલ ધરાવે છે. ગ્રીક લોકોએ આવી ભુલ નહોતી કરી; પરન્તુ એ પછી ધર્મે લોકોના મનમાં એવી માન્યતા ઠસાવી કે સચ્ચરીત્ર અર્થાત્ સદ્ગુણ સીવાય અન્ય કશાનું જીવનમાં મહત્ત્વ જ નથી. અને ધર્મમાં સદ્ગુણની વ્યાખ્યા ફક્ત એટલી થાય છે કે અમુક વ્યક્તીઓએ એકપક્ષી રીતે જે કાર્યોને પાપ તરીકે ઓળખ્યા હોય એ આચરણથી દુર રહેવું. જ્યાં સુધી માણસના મનમાં આવી માન્યતા દૃઢ થયેલી રહેશે ત્યાં સુધી તેને એ સમજાવવું અસમ્ભવીત છે કે કૃત્રીમ, પરમ્પરામાન્ય સદ્ગુણ કરતાં બુદ્ધી, આપણું ઘણું વધારે હીત સાધી શકે છે. હું જ્યારે ‘બુદ્ધી’ શબ્દ પ્રયોજું છું ત્યારે એમાં પ્રાપ્ત જ્ઞાન તથા નવું જ્ઞાન સ્વીકારવા માટેનું ખુલ્લું મન એ બન્ને તત્ત્વોનો સમાવેશ કરું છું… જડબુદ્ધી–પ્રૌઢોને તો કશું જ નવું શીખવી શકાય તેમ નથી. તે ખોટી માન્યતા પણ છોડી શકતા નથી. ઉ.ત., આજે વીજ્ઞાન જે કાંઈ નવું શીખવી રહ્યું છે એ માનવા માટે તેઓ સદન્તર અસમર્થ છે. મનુષ્ય જેમ જેમ વધુ જ્ઞાન પ્રાપ્ત કરે તેમ તેમ તે ઓર વધારે શીખવા શક્તીમાન બને છે. સીવાય કે તેના ચીત્તમાં કશુંક ધાર્મીક ઝનુનથી ઠસાવી દેવામાં આવ્યું હોય.

વેદનાના આર્તનાદો મારા હૈયામાં સતત પડઘાયા કરે છે. ભુખમરામાં સબડતાં બાળકો, ક્રુર દમનકારોના ત્રાસનો ભોગ બનતાં મજબુર માનવીઓ, પોતાના સંતાનો માથે બોજારુપ બની રહેતાં વૃદ્ધજનો અને એકલતા, દરીદ્રતા તથા યાતનાનો આ સમસ્ત સંસાર – માનવજીવન કેવું હોવું જોઈએ એની ક્રુર મજાક ઉડાવે છે.

સમગ્ર વીશ્વને સુખી કરી શકાય એટલું જ્ઞાન આજે માનવજાત પાસે છે; પરન્તુ મુખ્ય અન્તરાય ધર્મોપદેશ છે… માનવજાત સુવર્ણયુગના ઉમ્બરે આવીને ઉભી છે; પરન્તુ એના પ્રવેશદ્વારની આડે પડેલા કાળીનાગને આપણે પ્રથમ હણવો પડશે અને એ નાગ તે જ ધર્મ.

–બર્ટાન્ડ રસેલ

ઝીણાભાઈ દરજી સાથેના સમ્બન્ધને કારણે મને સૌથી મહત્ત્વનો ફાયદો એ થયો કે દક્ષીણ ગુજરાતના પ્રતીષ્ઠીત દૈનીક ‘ગુજરાતમીત્ર’નો પરીચય થયો. આ અખબારમાં દર શનીવારે રમણ પાઠક ‘વાચસ્પતી’ની કૉલમ ‘રમણભ્રમણ’ છપાય. એના વાચનથી રૅશનાલીઝમ, વૈજ્ઞાનીક અભીગમ, માનવવાદ વગેરેની સમજ વીકસતી ગઈ. આમ તો રમણભાઈને જુદા જુદા કાર્યક્રમોમાં ત્રણેક વખત મળવાનું થયું છે અને એકાદ વાર ફોન પર વાત થઈ છે; પરન્તુ એમના રૅશનાલીઝમ પરના પુસ્તકો અને ‘રમણભ્રમણ’ કટાર વાંચીને મારા જીવનને નવી દીશા મળતી ગઈ. મારે અહીં નોંધવું જોઈએ કે ઝીણાભાઈ મહદ્અંશે રૅશનલ હતાં.

રસેલના ઉપરોક્ત અવતરણો એમની કૉલમમાંથી એક નોટબુકમાં ઉતારેલા, એમાં કૉલમની તારીખનો સન્દર્ભ ટાંક્યો નથી. મેં ‘નયા માર્ગ’ સંભાળ્યું એ અગાઉથી રમણભાઈને વાંચતો થયેલો, તેથી આમ બન્યું છે… ત્રીજા અવતરણમાં વેદનાના જે આર્તનાદોની વાત કહેવામાં આવી છે તે મારા દીલમાં સતત વલોવાયાં કરે છે. ‘નયા માર્ગ’ દ્વારા એને વાચા આપવાની કોશીશ કરું છું પણ એનાથી સંતોષ નથી થતો. તીવ્ર સંતાપ અને હતાશા પણ ઘણી વખત ઘેરી વળે છે… એમાંથી એક જાતનું મંથન ચાલે છે અને આરમ્ભાય છે ભીન્ન ભીન્ન ઘટનાઓ અને પ્રશ્નોના રૅશનલ જવાબો મેળવવાની ખોજ…

ક્યારેક એકાંતની પળોમાં મને એવું લાગતું કે રૅશનાલીસ્ટ થવું એ દરેકને પોસાય નહીં, એ એક જાતની ‘લક્ઝરી’ છે. ખેડુત દેવું કરીને બીયારણ, ખાતર, રાસાયણીક દવાઓ લાવે પછી વરસાદને અભાવે કશું પાકે નહીં અને અન્તે એને આત્મહત્યા કરવાની ફરજ પડે! હું એને સમજાવું કે, પેસીફીક મહાસાગરમાં ‘અલનીનો’ની ઘટના થાય છે અને વરસાદ વરસે છે. એને હવે અતીવૃષ્ટી માટે ‘ગ્લોબલ વોર્મીંગ’ અને કુદરતની અસમતુલાનું કારણ આપું. ઘટતાં જતાં જંગલો, વધતાં જતાં વાહનોમાંથી ફેંકાતો કાર્બન વાયુ ‘ઓઝોન’ કવચમાં ગાબડું પાડે છે તેથી પૃથ્વી પર સીધા પરાજાંબલી કીરણો પડે છે; બરફના ગ્લૅસીયર્સ ઓગાળે છે વગેરે વગેરે કહું… ખેડુતના દીમાગમા આ બધી વાતો ઉતરતી નથી અને કહે છે, ‘ભાઈ! બીજું બધું તો ઠીક… તમે કહો છો તે સાચુંય હશે; પણ મારી જમીનથી ત્રણ–ચાર ખેતરવા દુર તો પાક લહેરાય છે. કુદરત મને જ કેમ સજા કરે છે?

આ પરીસ્થીતીમાં કંઈકને કંઈ આશ્વાસન મેળવવા ખાતર ખેડુત ઈશ્વરવાદી થશે અથવા તો દેવાને લીધે આપઘાત કરશે… જેઓ ગર્ભશ્રીમન્ત હોય; સમૃદ્ધ જીવન જીવી શકે એવી જેમની સ્થીતી હોય; મધ્યમ વર્ગમાં પણ તમામ જરુરીયાતો પુરી થઈ શકે એવી સલામત, ઉંચા દરમાયાવાળી નોકરી હોય, આવતીકાલની ચીંતા ન હોય અને નીવૃત્તીમાં પણ સારું પેન્શન મળતું હોય; શીક્ષણ – આરોગ્ય – આવાસ વગેરે અંગે ચીંતામુક્ત હોય તેઓ માટે આજના જમાનામાં ‘રૅશનલ’ થવું સહજ છે; એવી ‘લકઝરી’ તેઓ ભોગવી શકે છે! બીજી બાજુ ભલેને ઓછી સંખ્યામાં હોય, હું એવા કેટલાક સાથીઓને ઓળખું છું કે જેઓ આર્થીક દૃષ્ટીએ વંચીત વર્ગના હોય, અલ્પશીક્ષીત હોય અને છતાં ‘રૅશનલ’ હોય… એમના થકી ‘રૅશનાલીઝમ’નું ભવીષ્ય ઉજળું છે!

ધર્મ અને સમ્પ્રદાય પર્યાયવાચી શબ્દો નથી છતાં પર્યાય તરીકે વપરાય છે, એમાં પાતળી ભેદરેખા છે; ‘શીક્ષણ’ અને ‘કેળવણી’ શબ્દો વચ્ચે છે તેવી! આજે સામ્પ્રદાયીક તત્ત્વો જ સમાજ પર હાવી થઈ ગયા છે અને તેઓ તથા રાજકારણીઓ જે કાંઈ કરી રહ્યા છે તે ધર્મને નામે જ કરે છે! રૅશનલ થવામાં આ કહેવાતો ધર્મ આડખીલીરુપ બને છે. આ અંકમાં જે મહાનુભવો અને ચીંતકોની વાતો રજુ કરી છે એને આત્મસાત્ કરીએ તો ધર્મસ્થાનોના પથ્થરો પાછળ અબજો રુપીયા વેડફાતાં બચે. આજે ધર્મસ્થાનો પુરતા પ્રમાણમાં છે. એની પાછળ ખર્ચાતા નાણાં શાળાના ઓરડા અને શૌચાલયના બાંધકામ પાછળ, શીક્ષણ અને આરોગ્ય સેવાઓ પાછળ તેમ જ બેરોજગારી, ભુખમરો હટાવવા પાછળ ખર્ચાવા જોઈએ. પંડીતો–ગુરુઓ–મૌલવીઓ–પાદરીઓ ધર્મને નામે જે લોહી વહેવડાવે છે તે બન્ધ થાય; ધર્મને નામે થતાં યુદ્ધો અને રમખાણો ન થાય; ધર્મને નામે થતી વ્યર્થ મરણોત્તર ક્રીયાઓ બન્ધ થાય; ચોક્કસ તીથીએ લાખો લોકો પદયાત્રા કરીને ધર્મસ્થાનો પર ઉમટી પડે છે તે બન્ધ થાય; કુરીવાજો, પાખંડો, ધુળમાં રગદોળાતું શુદ્ધ ઘી, લોહીયાળ રથયાત્રાઓ, અન્ધશ્રદ્ધાને કારણે થતા અનર્થો, દેવદાસી જેવી કલંકરુપ પ્રથા વગેરે વગેરે પણ બન્ધ થાય. આમ રૅશનાલીટી વ્યક્તીથી કુટુમ્બ અને સમગ્ર સમાજ સુધી વીસ્તરે તે જરુરી છે.

વીનોબાએ એવું કહ્યાનું સ્મરણ છે કે, ‘વ્યક્તીનો ધર્મ જન્મઆધારીત ન હોવો જોઈએ. વ્યક્તી પુખ્તવયની થાય પછી એને જ નીર્ણય લેવા દો કે એને કયો ધર્મ અપનાવવો છે!’ આવું થાય તો શક્ય છે કે વ્યક્તી હાલના કોઈ પણ સંગઠીત ધર્મથી દુર રહે; તે અધર્મી નહીં પણ નીધર્મી – નીરીશ્વરવાદી થાય. ‘નયા માર્ગ’ના એક વયોવૃદ્ધ વાચક (હાલ દીવંગત) કૃષ્ણારામ ઠાકર આજે યાદ આવે છે. તેઓ અનામતવીરોધી તોફાનો દરમ્યાન એટલાં અકળાઈ ગયેલા કે એમણે જાહેર કરેલું કે, ‘હું હીન્દુ ધર્મનો ત્યાગ કરું છું. કોઈ માનવીય ધર્મ જડશે તો સ્વીકારીશ, નહીં તો નીધર્મી રહીશ!’

આટઆટલા પ્રશ્નો અને અનીષ્ટોનો સામનો કરવામાં વીજ્ઞાન અવશ્ય વહારે આવી શકે. વીજ્ઞાન એટલે વીશીષ્ટ પ્રકારનું જ્ઞાન અને તે પ્રત્યક્ષ અનુભવ અને નીરીક્ષણથી રચાયેલું છે. વળી, વીજ્ઞાનની વીશેષતા વ્યવસ્થા અને નીયમમાં સમાયેલી છે. એક જમાનાનો ગુફાવાસી માનવ ચન્દ્ર પર જઈ પહોંચ્યો છે અને ટૅકનોલૉજી વીકસાવતો રહ્યો છે. અવકાશના ગુઢ રહસ્યો ઉકેલવાથી માંડીને યન્ત્રમાનવ અને ‘ક્લોનીંગ’ સુધી એણે હરણફાળ ભરી છે. આમ હોવા છતાં એણે ‘રૅશનલ’ થયા વગર ચાલવાનું નથી. અગાઉ સંતાનોની લંગાર લાગતી અને ‘માણસ ભુખ્યો ભલે ઉઠે પણ ભુખ્યો સુવાનો નથી’ એવી માનસીકતા હતી. આજે એમાં પરીવર્તન આવ્યું છે. દમ્પતીઓ સન્તતીનીયમનના સાધનો વાપરતા થયા છે. ખેડુત પોતાની ‘વીવેકબુદ્ધી’થી કેટલીક આપત્તીઓ નીવારી શકે એમ છે. પોતાને માટે સજીવખેતી લાભકારક છે કે કેમ, જળસંગ્રહની પદ્ધતીઓ, ચેકડેમ, ડ્રીપ ઈરીગેશનથી માંડીને હેક્ટરદીઠ ઉત્પાદન કઈ રીતે વધારવું, કયો પાક લેવો કે જેથી એના સારા ભાવ મળી શકે, સીંચાઈના પાણીનો સમુચીત ઉપયોગ વગેરે અંગે પોતાની વીવેકબુદ્ધી વાપરીને માર્ગ કાઢતો થયો છે. જમીનનું ધોવાણ અટકાવવા પાળાબન્ધી, કુવાના પાણી રીચાર્જ કરવાની ટૅકનોલૉજી, વૈકલ્પીક ઉર્જા તરીકે પવનચક્કી – સુર્યઉર્જા – બાયોગેસથી માંડીને બાયોટૅકનોલૉજી ભણી વળતો થયો છે. વૈજ્ઞાનીક અભીગમ જ એને જીવાડશે. જીવનના દરેક ક્ષેત્રમાં રૅશનાલીઝમ કેટલું ઉપયોગી થઈ શકે એના અનેક ઉદાહરણો આપી શકાય. માનવીએ ખુલ્લું દીમાગ રાખીને પોતાની ‘વીવેકબુદ્ધી’થી કામ કરવું જોઈએ. સહુ કોઈ કઈ રીતે સુખી થાય અને જીવન ઉર્ધ્વગામી બને એવા પ્રયાસો કરવા જોઈએ. વીનોબાએ કહેલું કે, ‘હવે રાજનીતી અને ધર્મના દીવસો પુરા થયા; વીજ્ઞાન અને અધ્યાત્મના દીવસો આવ્યા છે…’ અધ્યાત્મ શબ્દ પણ રૅશનાલીસ્ટ માટે કેટલીક ગેરસમજ ઉભી કરે એવો છે એટલે 21મી સદીમાં એવું કહી શકાય કે હવે વીજ્ઞાન અને રૅશનાલીઝમના દીવસો આવ્યા છે!

આ પુસ્તકમાં ડૉ. બી. એ. પરીખે ‘રૅશનાલીઝમ’ અંગે વ્યાખ્યા કરી છે. ‘રૅશનલ’ શબ્દ પરથી ‘રૅશનાલીઝમ’‘રૅશનાલીસ્ટ’ શબ્દો અવતર્યા છે; પરન્તુ વધુ પ્રચલીત ‘રૅશનાલીઝમ’‘રૅશનાલીસ્ટ’ શબ્દો છે. અહીં તે બન્નેનો ઉપયોગ કર્યો છે. રમણભાઈએ માનવ–સ્વભાવના ગુણદોષ ચીંધી બતાવીને ચર્ચા કરી છે. દરેક રૅશનલ નાસ્તીક હોય; પરન્તુ દરેક નાસ્તીક રૅશનલ હોય જ એવું નથી એ મુદ્દો પણ એમણે સ્પષ્ટ કરી આપ્યો છે. અન્ય મહાનુભવો – મીત્રોએ પણ જુદા જુદા પાસાઓ, વૈજ્ઞાનીક અભીગમ વગેરે મુદ્દાઓની સ–રસ ચર્ચા કરી છે. સમ્પ્રદાયવાદીઓનો સમાજજીવન પર એટલો બધો ભરડો છે કે ધર્મ અને ઈશ્વર અંગેની ચર્ચા ઘણી થઈ છે. ક્યાંક ક્યાંક આત્મા–પરમાત્માના ઉલ્લેખો જોવા મળશે; પરન્તુ એના લેખકોનો કેન્દ્રવર્તી વીચાર ‘માનવતા’ અને ‘માનવવાદ’ કઈ રીતે મજબુત બને એ વાત મહત્વની છે. અહીં જે લેખો રજુ થયા છે તેના કર્તાઓ રૅશનલ હતા/છે એવું તારણ કાઢવાની જરુરત નથી. ઉ.ત., પ્રા. મગનભાઈ જો. પટેલે ગાંધી દર્શનના એક નાનકડા અંગની ચર્ચા કરી છે. ગાંધીજી અહીંની વ્યાખ્યા મુજબ રૅશનલ ગણાય નહીં; પરન્તુ આ ચર્ચા બુદ્ધ–મહાવીરના ચીંતનને કેન્દ્રમાં રાખીને થઈ છે. બીજું, (1) નાસ્તીક ગોરા સાથેની ચર્ચા બાદ ‘ઈશ્વર સત્ય છે’માંથી ‘સત્ય ઈશ્વર છે’ એવી માન્યતા પર ગાંધીજી આવ્યાં; (2) ‘મારો રામ રાજા દશરથનો રામ નથી’ એવું એમનું કથન; (3) કસ્તુરબા જગન્નાથપુરીના મન્દીરમાં ગયા ત્યારે ગાંધીજીનો આક્રોશ તેમ જ (4) એ જમાનામાં અસ્પૃશ્યતાનીવારણ અંગેની એમની ઝુમ્બેશ વગેરે મુદ્દાઓને કારણે ગાંધીજી વગર ‘નયા માર્ગ’ વીશેષાંક અધુરો ગણાત! સો ટકા રૅશનલ વ્યક્તી જ રૅશનાલીઝમની ચર્ચા કરી શકે એવો દુરાગ્રહ આ ચળવળને આગળ વધારવામાં અડચણરુપ થશે.

ભાઈ એન. વી. ચાવડાના લેખમાં એક જ ‘ઈ’ અને ‘ઉ’વાળી જોડણીની વાત છેડવામાં આવી છે. ઉંઝાના સમ્મેલનમાં હું હાજર રહ્યો હતો. એમાં ભાષાશાસ્ત્રીઓએ જે ચર્ચા કરી, ઠરાવ પસાર કર્યો એને અનુલક્ષીને ‘નયા માર્ગ’માં તરત જ અમે અમલ કર્યો. રમણભાઈએ એને ‘રૅશનલ જોડણી’ કહી છે. ગાંધીજીએ ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી’ એવું આપખુદ લાગે એવું વીધાન કર્યું છે; છતાં એમણે જોડણીક્ષેત્રે સુધારા કરવાની મનાઈ ફરમાવી નથી. જીન્દગીભર જેણે ભાષા શીખવી છે એવા ભાષાશાસ્ત્રીઓએ સુચવ્યું; 21મી સદીમાં ઘણી ભાષાઓ નાશ પામવાની છે (હમણાં ક્યાંક વાંચ્યું કે દર 15 દીવસે એક ભાષા નાશ પામી રહી છે); અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટતું જાય છે, ‘એ બધું તો ઠીક… પણ સરળતા ખાતરેય આ સુધારો કરવો જોઈએ. અમારા સાથી અને ગુજરાત યુનીવર્સીટીના ગુજરાતી ભાષાવીભાગના વડા પ્રા. યોગેન્દ્ર વ્યાસ તો પડકાર ફેંકે છે કે, ‘રતીલાલ નાયક જેવાં એક–બે અપવાદને બાદ કરીને, હું એક પરીચ્છેદ બોલું અને જાણીતા સાહીત્યકારો એને સાચી જોડણીમાં લખી આપે તો આ આંદોલનમાંથી નીકળી જઈશ!’ સાર્થ જોડણીકોશનો પહેલો નીયમ જ એવો છે કે તત્સમ્ શબ્દોની જોડણી સંસ્કૃત મુજબ જ કરવી. એનો અર્થ એ જ કે એટલા શબ્દો ગોખવા, એની પાછળ કશોય તર્ક નથી. બુદ્ધમહાવીરે એમનો સંદેશ દેવભાષા સંસ્કૃતમાં નથી આપ્યો. ગાંધીજી જીવતાં હોત તો એમણે પણ રૅશનલ એવી ‘ઉંઝા જોડણી’ અપનાવવાની હાકલ કરી હોત; જો કે આવી કલ્પના એય ઈરૅશનલ છે!

સાથીઓ, રૅશનાલીઝમ અંગે એટએટલું લખાયું છે, પ્રગટ થયું છે કે અહીં તો માત્ર આચમન જ થઈ શક્યું છે. અનેક લેખકોના પુસ્તકોમાંથી અહીં પૃષ્ઠમર્યાદાને કારણે કંઈ લઈ શકાયું નથી, એમની માફી માંગુ છું.

રૅશનલ થવું એ સહેલું નથી. ક્યાંય પણ જરા સરખો સુધારાનો પ્રયાસ થાય એટલે એ કરનાર પર લોકો તુટી પડે છે. ધર્મગુરુ બ્રુને સહેજ અણગમતી ચર્ચા છેડી એમાં તો ખળભળાટ મચી ગયેલો…

બ્રુનોને દેહાંતદંડની શીક્ષા ફરમાવતો ચુકાદો તા. 8 ફેબ્રુઆરી, 1600ના દીવસે વાંચી સમ્ભળાવાયો. તત્ત્વજ્ઞાનના સર્વપ્રથમ શહીદ સોક્રેટીસના મુકદ્દમાની જાણે યાદ આપતો હોય તેમ બ્રુનોએ તે વખતે તેના ન્યાયાધીશોને નીર્ભયપણે સમ્બોધતાં કહેલું, ‘મને આ ચુકાદો સાંભળવામાં જેટલો ડર લાગે છે, તેના કરતાં કદાચ તમને તે ચુકાદો આપવામાં વધુ ડર લાગે છે.’

બ્રુનોને જીવતો સળગાવી દેવાયેલો…

–ઈન્દુકુમાર જાની

લેખક–સમ્પર્ક : શ્રી. ઈન્દુકુમાર જાની, ટેનામેન્ટ – 7, ત્રીમુર્તી સોસાયટી, ગુલબાઈ ટેકરો, અમદાવાદ – 380 015 સેલફોન : +91 99259 18095 ઈ.મેલ : indukumar.ny@gmail.com

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી :નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંથી, લેખક, સંશોધક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

3 Comments

 1. ‘વેદનાના આર્તનાદો મારા હૈયામાં સતત પડઘાયા કરે છે. ભુખમરામાં સબડતાં બાળકો, ક્રુર દમનકારોના ત્રાસનો ભોગ બનતાં મજબુર માનવીઓ, પોતાના સંતાનો માથે બોજારુપ બની રહેતાં વૃદ્ધજનો અને એકલતા, દરીદ્રતા તથા યાતનાનો આ સમસ્ત સંસાર – માનવજીવન કેવું હોવું જોઈએ એની ક્રુર મજાક ઉડાવે છે’ આ વાત મા ઈન્દુકુમાર જાનીની જેમ સાચા રેશનાલીસ્ટોમા પડઘાય તો સહજ ઉકેલ મળે અને સહજ પ્રેમપૂર્વક પ્રજાની સેવા થાય

  Liked by 1 person

 2. સ્નેહીશ્રી ઇન્દુકુમારનો લેખ….અને ‘ રેશનાલીઝમ ‘ શબ્દની વ્યાખ્યા , સમજ, અને ચર્ચા ખૂબ ગમ્યા. દાખલાઓ સારી સમજ આપતા હતાં . મારા વિચારો…આ ‘ રેશનાલીઝમ ‘ શબ્દ અને માનવસંહિતા ઉપર, આગલા ‘ અભિવ્યક્તિ ‘ના લેખમાં લખ્યા જ છે. પ્રેક્ટીકલ બનો……સારા,આનંદાયક પરિણામો મળે તેવાં કર્મો કરો. અહિં તેને રીપીટ કરતો નથી. શ્રી જાનીનો લેખ ચર્ચા કરવા પ્રેરે છે.
  શ્રી જાનીઅે છેલ્લે ગુજરાતી સાહિત્ય, તેની ‘ લાઇફ ‘ જોડણી….ઉપર પોતાના વિચારો લખ્યા છે.
  ગુજરાતી ભાષા કેટલા તબ્બકાઓમાંથી પસાર થઇને દરેક જન્મે નવા અવતાર સાથે જન્મી છે. નરસિંહ મહેતાના જમાનામાં જે ગુજરાતી લખાતું કે બોલાતું તે આજે સમજવા માટે અભ્યાસની જરુરત પડે. શબ્દો અને તેની જોડણીઓ…..આજના ગુજરાતીના ટીચરો માટે પણ અભ્યાસનો વિષય બને. અંગ્રેજો રાજ કરતાં થયાં તે સમયનું ગુજરાતી અને તેનો સાહિત્યમાં વપરાસ જુદો જ હતો. ભદ્રં ભદ્ર……બઘાને યાદ છે. અગ્રેજોને ક્લાર્કની જરુરત હતી. તેમણે અંગ્રેજી શીખવવા માંડયુ. અગ્રેજીભાષા ભારતીયોના જીવનમાં વણાવા માંડી. સાથે સાથે વિજ્ઞાન પણ વિકસતું રહ્યું. મોટેભાગે નવી શોઘો અંગ્રેજીભાષામાં બની રહેતી. ગુજરાતીભાષામાં ઘીમે ઘીમે અંગ્રેજી શબ્દો વપરાવા માંડયા. આજે તે અંગ્રેજીકરણે ખૂબ આગળ પગલાં ભર્યા છે. વિશ્વ આખુ અંગ્રેજી વિના જીવી ના શકે….કોમ્પીટીશનનો જમાનો છે. નોકરીમાં કે વિષાનમાં અંગ્રેજી વિના જીવવું અશક્ય છે.
  હવે શબ્દ જોડણી વિષયે…..
  બાર ગાંવે બોલી બદલાય…..
  ગુજરાતમાં બાર ગાંવ જાઓ અેટલે શબ્દોચ્ચાર જુદો…
  .જોડણીને માટે સાહિયત્યસભાઓ સંસ્કૃતના જોડણીના નિયમોને બેઝ બનાવે છે. ગુજરાતીભાષા…અેક જ શબ્દને જુદા જુદા ઉચ્ચારોને અનુસરીને જો જોડણી ઘડે તો ક્યાં જઇને ઉભી રહે ? આજ કાલના ગુજરાતીભાષાના શિક્ષકો પણ કેટલાં સાક્ષર….જોડણીના સંદર્ભે ?
  પ્રેક્ટીકલ બનવું જ પડશે. ગુજરાતીના આજકાલના સર્જકો પણ અગ્રેજીના શબ્દોને સ્વીકારીને તેમના સર્જનોમાં પીરસે છે. અગ્રેજીભાષા…..તેમની પાસે જે કોઇ પર્યાય શબ્દો જો નહિ હોય અને બીજી ભાષામાં મળતો હોય તો તે શબ્દ સ્વિકારે છે. આપણા ગોવિંદભાઇ પણ ‘ અભિવ્યક્તિ ‘ માટે જોડણી દોષને માટે ભાર નથી આપતાં. સંદેશો પહોંચી જાય છે. ત્રણ કે ચાર પેઢી પછીના ગુજરાતીના છોકરાઓ કેવું ગુજરાતી બોલતા હશે ?…લખવાની તો વાત આઘી રહી…..
  ગુજરાતીભાષાને જીવતી અને ઉચ્ચકક્ષાની બનાવી રાખવા માટે જે કર્મો આપણી ચાર પેઢીઅે જે કર્મ કરવું જોઇતું હતું તે તેઓ કરી શક્યા ન્હોતા. ગુજરાતીભાષાની પડતી તો આજથી અગાઉની ચાર પેઢીથી શરુ થઇ ગઇ હતી. વ્યકરણ, અેનસાક્લોપીડીયા….જેવું કર્મ કોઇઅે કર્યુ ન્હોતું. ૨૧મી પેઢીમાં કામ થયું…જે મોડુ પડી ગયેલું લાગે છે. ગુજરાતીભાષાના પ્રફેસરોના છોકરાં કદાચ અંગ્રેજીભાષાના જ્ઞાતા હશે…આજે.
  છે કોઇ જે અાજે ગુજરાતીભાષાને જીવતી રાખવા કમરકશે તેવો ? ઇવન લેખક કે પ્રફેસર……કે વાચક ?
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s