પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર

1959માં સેન્ટ લુઈને છીન્નભીન્ન કરી નાખનાર ‘ટોર્નેડો’ પછી ઘણી વ્યક્તીઓ એ આઘાત જીરવી ન શકતા ‘પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર’ (પી.ટી.એસ.ડી.)નો ભોગ બની હતી. એ જ પ્રમાણે ઈ.સ. 1991માં ‘ગલ્ફ વૉર’નો ભોગ બનેલ એક વ્યક્તીને વર્ષો પછી આ રોગ થયો. તે કીસ્સો અને આ માનસીક રોગ વીશેની સાચી માહીતી પ્રસ્તુત છે..

21

પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર

–ડૉ. મુકુલ ચોકસી

ઈસવીસન 2010ના શીયાળાની વહેલી સવાર હતી. અલ્જીરીયાના એક શહેરની મધ્યમાં રહેતા ઝાકીર નામના એક વૃદ્ધની આંખમાં અજમ્પો ઉભરાઈ આવ્યો હતો. ઝાકીર આખી રાત ઉંધ્યો નહોતો. તેનો એકનો એક પુત્ર, 25 વર્ષનો યુવાન જાવેદ, અમેરીકા જઈ રહ્યો હતો.

અને વૃદ્ધ પીતા ઝાકીરે આવી તો ઘણી બધી રાત્રીઓ કાઢી હતી. છેલ્લા દોઢબે મહીનાથી તેની ઉંઘ, તેના સુખ–શાંતી હરામ થઈ ગયા હતા. તેના પુત્ર જાવેદે જ્યારથી અમેરીકા જવાનું નક્કી કર્યું ત્યારથી જ ઝાકીરની અકળામણ વધી ગઈ હતી; પરન્તુ છેલ્લા કેટલાક દીવસોથી તો એમાં નવી જ વસ્તુઓ ઉમેરાઈ હતી.

ઝાકીર ઘણી બધી વાર શુન્યવત અને અન્યમનસ્ક બની જવા લાગ્યો. દીવાલ સામે જોઈને તે બેસી રહેતો અને ઘણી વાર કોઈ ઢંઢોળે તો પણ તેને ખ્યાલ રહેતો નહીં. તેની લાડકી કુતરી ‘જેની’ કે જેના વગર ઝાકીરને એક પળ પણ ચાલતું નહીં, તે મરી ગઈ ત્યારે ઝાકીરની આંખમાં એક આંસુનું બુંદ પણ આવ્યું નહીં. ઝાકીરનું હસવું, રડવું, બોલવું, ચાલવું બધું જ ઓછું થઈ ગયું. અને તે એટલે સુધી કે તેના યુવાન પુત્ર જાવેદે જ્યારે પોતાને મળેલી અદ્ભુત સ્કોલરશીપની પીતાને ઉત્સાહના અતીરેકમાં આવી જઈ જાણ કરી, ત્યારે ઝાકીરે તેને એટલું જ કહ્યું : ‘અચ્છા!’

ધીમે ધીમે ઝાકીરનું વર્તન વધારે કથળવા લાગ્યું. તે ગમે તેવી નાની વાત પર અકળાઈ જવા લાગ્યો. વાતવાતમાં તેને ડુમો ભરાઈ જતો અને ડુસકા આવી જતા. તે તેનું ચીત્ત એક જગ્યાએ સ્થીર નહોતો રાખી શકતો. તેણે અર્થસભર પ્રવૃત્તીઓ કરવાનું બન્ધ કરી દીધું અને દરેક વાતમાં રસ લેવાનો ઓછો કરી દીધો.

અને આટલું ઓછું હોય તેમ તેની વ્યક્તીગત, અંગત પીડાઓ વધવા માંડી. મોડી રાત્રે ઝાકીરને જેમતેમ ઉંઘ આવતી. અને ત્યાર બાદ અચાનક તે ઉંઘમાંથી ઝબકીને જાગી જતો. એક વાર, બે વાર, વારંવાર અને દરેક વખતે તેને ભયાનક દુ:સ્વપ્નો આવતા. પહેલા તીણી સાયરનો અને ઘેરી ઘરઘરાટીવાળા અવાજો થતા; પછી આગઝરતા તેજલીસોટાઓ દેખાતા; પછી મોટા અગનગોળાઓ વછુટતા અને અન્તે વીસ્ફોટો, ધડાકાઓ, ધુમાડાઓથી આખું જગત હાલી ઉઠતું. તેની આંખો ખુલી જતી ત્યારે તેનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું જણાતું; ધબકારા, શ્વાસ અને નાડી તેજ ઝડપે ચાલતા અને આંખો સામેનું જગત ચક્કર ચક્કર ફરતું લાગતું.

ગઈ રાત્રે તેને સૌથી વધુ ભયાવહ દુ:સ્વપ્ન આવ્યું. ઝાકીર તેની પત્ની અને ચાર બાળકો સાથે ઘરમાં બેઠો હતો અને અચાનક વીમાનની ઘરઘરાટી સમ્ભળાઈ. તેઓ સૌ ધ્રુજવા માંડ્યા. ઝાકીરે ઝડપથી બારી–બારણા બન્ધ કરી દીધા અને તેની પત્ની તથા ધ્રુજતા, ફફડતા માસુમ બાળકોને પોતાની ગોદમાં લઈ લીધા. બહાર વીમાનોની ચીસ વધુ તીવ્ર બનતી હતી અને તેઓના મુખ પર અલ્લાહનું રટણ ચાલતું હતું; પણ એવામાં એક પ્રચંડ ગર્જના સહીતનો મહાવીસ્ફોટ થયો, અને તેઓ સહુ હજારો ફુટ દુર ફંગોળાઈ ગયા. ઘર છીન્નભીન્ન, નષ્ટ થઈ ગયું હતું અને આસપાસના ખંડેરમાં નાદાન, મૃત શીશુઓના અવયવોના ટુકડાઓ વેરવીખેર પડેલા હતા. ઝાકીરે આંખ ખોલી અને તેનું મોં બન્ધ થઈ ગયું. વારંવાર એકનું એક દુ:સ્વપ્ન.. વારંવાર… એકનું એક…. તેનાથી ચીસ પડાઈ ગઈ.

પરન્તુ આ અનુભવથીય વધુ બીહામણા અનુભવો તો તેને આજે સવારથી થવા માંડ્યા. અત્યાર સુધી તેને દુ:સ્વપ્નો જ આવતા હતા. આજે સવારથી તો તેને જાગૃત અવસ્થામાં પણ ચીત્રવીચીત્ર, લોહીયાળ, બીહામણા દૃશ્યો દેખાવા માંડ્યા હતા. ખુલ્લી આંખ સામે અચાનક દોડતી વાનોના, લોખંડી પંજાઓના દૃશ્યો તેને દેખાતા અને તે ભયથી આંખો મીંચી દેતો. બારીએ બેઠા બેઠા અચાનક તેને કારમી ચીસોના રાક્ષસી તોપોના પડઘાઓ સમ્ભળાતા અને તે કાનોમાં આંગળીઓ ખોસી દેતો.

પોતાને અલ્જીરીયા છોડવાને અને અમેરીકા જવાને આડે માંડ બેત્રણ અઠવાડીયાઓ બાકી હશે. તેવે વખતે જાવેદને પોતાના પીતાનું આવું વીચીત્ર, અકલ્પ્ય અને દયાજનક વર્તન જોઈ ડર લાગ્યો; પણ આજે તમામ બીક ત્યજી દઈ તેણે પીતાને સમજવાનો, સમજાવવાનો અને સુધારવાનો પ્રયત્ન કરવાનું નકકી કર્યું. અને એના જ એક ભાગરુપે તે બપોરે શહેરના જાણીતા સાઈકીઆટ્રીસ્ટની ચેમ્બર બહાર વેઈટીંગ રુમમાં આંગળીઓ મસળતો, નખ ઉખેડતો, વ્યગ્ર, ચીંતાગ્રસ્ત બેઠો હતો. વારંવાર રડી પડતા, બાઘા બની જતા, ગભરાઈ જતા પોતાના પીતા યાદ આવતા તે પણ પહેલી વાર આટલો વ્યગ્ર થઈ બોલી ઉઠ્યો. ‘ઓહ ડેડ! આખરે, એવું તે શું થઈ ગયું છે તમને!’

સાઈકીઆટ્રીસ્ટે જાવેદ સાથે એક કલાક ગાળ્યો. તેમણે ઝાકીર વીશે શક્ય એટલી તમામ માહીતીઓ એકઠી કરી. બીજે દીવસે ઝાકીર સાથે પણ એક કલાક ગાળ્યો. પ્રશ્નો, ઉત્તરો, સમસ્યાઓ, ધારણાઓ, સમજ, અણસમજ, યાતનાઓ, પીડાઓ. સાઈકીઆટ્રીસ્ટે જાવેદને વીનન્તી કરી, પીતાને દર અઠવાડીયે નીયમીતપણે સારવાર માટે મોકલવાનો આગ્રહ કર્યો. અલ્જીરીયા છોડવાને આગલે અઠવાડીયે જાવેદે એકલાએ સાઈકીઆટ્રીસ્ની મુલાકાત લીધી, ‘ડેડીને શું થયું છે, ડૉક્ટર? તેઓ ઉંઘતા કેમ નથી? તેઓ ચમકી કેમ જાય છે? અને ક્યારેક ગભરાયેલા તો ક્યારેક શુષ્ક, ભાવહીન કેમ રહે છે? હું અમેરીકા જઈ રહ્યો છું. મને તેમની ખુબ ચીંતા થાય છે. તેઓ અહીં એકલા પડી જશે તો તેમની સારવાર કોણ કરશે? હું સમજી નથી શકતો ડૉક્ટર કે ડેડી આવું શું કામ કરે છે! તેમને ખરેખર શું થયું છે?’

સાઈકીઆટ્રીસ્ટે કહેવાની શરુઆત કરી, ‘જુઓ, મી. જાવેદ! તમે ન પુછતે તો પણ તમારા ડેડી અંગે હું તમને આ બધી વાતો કરવાનો જ હતો. એમની સારવાર માટે આ બધું જાણવું જરુરી છે. તેમને ‘પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર’ (પી.ટી.એસ.ડી.) નામનો એક માનસીક રોગ થયો છે. તેમને જે બીહામણા દુ:સ્વપ્નો આવે છે અને યુદ્ધના ભયાનક દૃશ્યો દેખાય છે તે આ રોગના લક્ષણો છે. તેઓની ઉંઘ, ભુખ, શક્તીમાં જે ફેરફારો થયા છે તે પણ આનું જ પરીણામ છે અને તેઓ અલીપ્ત, એકાકી, મુઢ તથા લાગણીશીલ બની ગયા છે તે પણ આનું જ પરીણામ છે.’

‘પણ તેઓ આવું શું કામ કરે છે? આ રોગ તેમને શા કારણે થયો છે?’ જાવેદના પ્રશ્નનું હજું સમાધાન નહોતું થયું. સાઈકીઆટ્રીસ્ટે આગળ કહ્યું, ‘આ રોગ કોઈ અત્યન્ત ગમ્ભીર માનસીક આઘાતને કારણે થાય છે. અને આઘાત કોઈ સામાન્ય પ્રકારની સમસ્યાઓ જેવી કે સ્વજનનું મૃત્યું, છુટાછેડા, નીષ્ફળતા વગેરેથી નથી લાગતો. જો એ આઘાત કોઈ તદ્દન અસામાન્ય એવી અને મનુષ્યજીવનમાં ભાગ્યે જ બનતી એવી ઘટનાને કારણે લાગ્યો હોય તો જ આ રોગ થાય છે. જેમ કે યુદ્ધનો પ્રત્યક્ષ અનુભવ; યુદ્ધકેદીઓ સાથેનો અમાનુષી વ્યવહાર, રેલ, આગ, ધરતીકમ્પ જેવા પ્રાકૃતીક પ્રકોપોનો ભોગ બનેલા; બળાત્કાર, અત્યાચાર જેવા વ્યક્તીગત બર્બર હુમલાઓ વગેરેમાંથી બચી ગયેલા અને બહાર આવેલા માણસોને આ રોગ થઈ શકે છે.’

‘પરન્તુ ડેડીને તો આવો કોઈ અનુભવ નથી થયો! તેમને આ રોગ શું કામ થવો જોઈએ?’ જાવેદના પ્રશ્નમાં હજુય આશ્ચર્ય, અજમ્પો અને આક્રોશ હતા અને સાઈકીઆટ્રીસ્ટ વધુ મક્કમ અવાજે આગળ વધ્યા, ‘તમને યાદ છે મી. જાવેદ, ઈ.સ. 1991માં તમારી ઉમ્મર કેટલી હતી?’

‘પાંચેક વર્ષ.’ જાવેદે કહ્યું.

‘અને તમારા ડેડીની?’

‘ચાલીસ.’

‘એ વર્ષ દુનીયાને માટે અત્યન્ત કમનસીબ વર્ષ હતું. બીજા વીશ્વયુદ્ધ પછીનું સૌથી ભીષણ યુદ્ધ એ વર્ષે દુનીયાએ નીહાળ્યું. સદ્દામ હુસેન અને જ્યોર્જ બુશ વચ્ચેનું યુદ્ધ, જે ‘ગલ્ફ વૉર’ તરીકે ઓળખાયું.’ સાઈકીઆટ્રીસ્ટે ધીમે અવાજે બોલવાનું ચાલું રાખ્યું, ‘તમને ખબર છે મી. જાવેદ! કે તમારા પીતા પણ આ યુદ્ધનો ભોગ બન્યા હતા?’ જાવેદ તેમની તરફ દ્વીધા અને અસમંજસભર્યા વદને જોઈ રહ્યો. ‘આઈ એમ સોરી ટુ ટેલ યુ, જાવેદ! તમારા પીતાએ તેમની બધી જ મુડી, મીલ્કત… તેમની પત્ની અને ત્રણ બાળકો… તેમના ઘરબાર… તેમનું ગામ, તેમનું આકાશ બધું જ એ યુદ્ધમાં ગુમાવ્યું હતું. ફાઈટર પ્લેનોમાંથી ઝીંકાયેલા એક જ બૉમ્બે તેમના જેવા અનેકાનેક નીર્દોષ માનવીઓને રસ્તે રઝળતા, નીરાધાર બનાવી મુક્યા હતા. તમારા પીતા બગદાદના એક સામાન્ય નાગરીક હતા અને ત્યારબાદ જીવ બચાવી ઈરાક છોડી ભાગી છુટ્યા હતા અને અલ્જીરીયામાં આશ્રીત બન્યા હતા.’

જાવેદની આંખમાં ઝળઝળીયા આવી ગયા. શાંત સ્વરે તેણે કહ્યું : ‘હું જાણું છું, ડૉક્ટર! મને તેમના શબ નહોતા બતાવવામાં આવ્યા; પરન્તુ મા અને ત્રણેય ભાઈઓની ચીસ મેં સાંભળી હતી. એ ચીસ, જેની વાત મારા પીતાએ છેલ્લા વીસ વર્ષોમાં ફરી ક્યારેય મારી સમક્ષ નથી કાઢી. એ આઘાતે… શું એ આઘાતે જ આટલા વર્ષો પછી ફરી ડેડીને આવી ક્ષણોમાં પાછા ધકેલ્યા છે? શું એ શક્ય છે ડૉક્ટર, કે આટલા વર્ષો બાદ આવું બની શકે? શક્ય છે?’ જાવેદ ગળગળો થઈ ગયો.

સાઈકીઆટ્રીસ્ટના સ્વરમાં આશ્વાસન અને સાંત્વન હતા. તેમણે કહ્યું, ‘સામાન્ય રીતે આવા આઘાત પછીના નજીકના ગાળામાં જ વ્યક્તીને પી.ટી.એસ.ડી. થઈ શકે છે; પરન્તુ વર્ષો પછી પણ થઈ શકે એ શક્ય છે. તમારા ડેડીએ એ આઘાતને જીરવી તો જાણ્યો હતો; પણ એને સંવેદનતન્ત્રમાં ઓગાળી નહોતો નાખ્યો. અલ્જીરીયામાં ખુબ જ અલાયદું જીવન જીવીને તેમણે એ આઘાતને કોઈ આગળ વ્યક્ત નહોતો કર્યો.’

‘પણ તોય એ આઘાતની વ્યથા આવા શાંતીના સમયે શું કામ ફરી ઉછળી આવી?’ જાવેદને હજુ મુંઝવણ હતી.

સાઈકીઆટ્રીસ્ટે કહ્યું, ‘શક્ય છે કે વીસ વર્ષ પહેલા તેમણે જે ગુમાવ્યું હતું અને જેની વેદના મનમાં ને મનમાં ઢબુરી રાખી હતી, તેનું પ્રતીકાત્મક સ્વરુપ આજે તેઓ તમારા પરદેશ જવાના નીર્ણયમાં અનુભવી રહ્યા હોય. તમે તેમના જીવનથી દુર જઈ રહ્યા છો તે ઘટનાનું આકલન તેમના મનમાં જુદી રીતે થયું હોય અને તેઓ એવું અનુભવી રહ્યા હોય કે સ્વજનોને ગુમાવવાની અને પોતે લાચાર બનીને જોયા કરવાની ઘડી તેમના જીવનમાં ફરીથી આવી છે. ખાસ તો એ કે જે અમેરીકાએ તેમના દેશને અને તેમના કુટુમ્બને તારાજ કર્યું તે જ અમેરીકા હવે તમને લઈ જઈને તમારા ડેડીને (પ્રતીકાત્મક રીતે) ફરી તારાજ કરી રહ્યું છે. વીસ વર્ષ પહેલા અમેરીકાએ તમારા ડેડી પાસેથી આખું કુટુમ્બ છીનવી લીધું. અને આવતે અઠવાડીયે તમને છીનવી લેશે.’

જાવેદ દીગ્મુઢ બનીને સાંભળતો હતો. તેની જીન્દગીનો આ સૌથી નાજુક તબક્કો હતો. ત્યાર પછી તો સાઈકીઆટ્રીસ્ટે ઘણી બધી વાતો કરી; પણ જાવેદે સાઈકીઆટ્રીસ્ટ સુચન કરે એ પહેલા જ નક્કી કરી લીધું હતું કે ડેડીને દવાની, સાઈકીઆટ્રીસ્ટની તો જરુર પડશે જ; પણ કદાચ એથીય વધુ પોતાની પણ જરુર પડશે.

પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર

એને જરુર પડી જ. માત્ર ઝાકીર જેવા વૃદ્ધને જ નહીં, આવી જરુર ઘણા માનસીક રોગના દર્દીઓને પડતી હોય છે. તેમાંય આવા ભારે આઘાતોને કારણે થયેલી બીમારીઓ (પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર) તથા સામાજીક પરીસ્થીતીઓ સાથે તાદાત્મ્ય, સામંજસ્ય ન કેળવી શકાયાને કારણે થતી બીમારીઓ (એડજસ્ટમેન્ટ ડીસઑર્ડર્સ)માં તો નીકટના સ્વજનના આધારની જરુર ખાસ પડે છે.

‘પી.ટી.એસ.ડી.’નું ખાસ લક્ષણ એ છે કે તેમાં વ્યક્તી આઘાતની પરીસ્થીતી દુર થઈ ગયા પછીય તે દરમીયાનની પોતાની લાચાર, ગભરાયેલી, ભયપ્રેરક અવસ્થાને ફરી ફરીને દીવસ–રાત અનુભવતો રહે છે. એ જ ડર, આઘાત, ફફડાટ અને મુઢતા સહીત (‘રીએકસ્પીરીયન્સીંગ’). અને તેના બાકીના મનોજગતમાં ખાલીપણું, નીરસતા, અવકાશ, પ્રતીક્રીયા દર્શાવવાની અશક્તી, અનુભુતીશુન્યતા, લાગણીવીહીનતા વગેરે વ્યાપ્ત હોય છે (‘સાઈકીક નમ્બીંગ’).

મોટે ભાગે આઘાતજન્ય પરીસ્થીતી દુર થવાના થોડા જ સમયમાં આવા લક્ષણો દેખાવા માંડે છે. વીયેતનામના નીરાશ્રીતો, કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી પાછા ફરેલા નાગરીકો, સાઈબીરીયા જેવી જગ્યાએ ‘ઈન્વોલન્ટરી એક્ઝાઈલ’માં મોકલી દેવાયેલા લોકો, યુદ્ધછાવણીઓમાંથી પકડાયેલા યુદ્ધકેદીઓ… વગેરે તમામ ‘માસ એસોલ્ટ’ના ભોગ બનેલાઓમાં આવી બીમારી થવાની સમ્ભાવના રહેલી હોય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત– 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 20મો લેખ, પુસ્તકનાં પાન 144થી 148 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરા ગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243  અને 3478596 ફેક્સ : (0261) 3460650 ઈ.મેલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

 

 

4 Comments

  1. –ડૉ. મુકુલ ચોકસીનો બધા લેખોની જેમ પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર અભ્યા સપૂર્ણ લેખ.
    ઘણાખરા કુટુંબમા ઝાકીર જેવા આ ડીસઓર્ડર જોવા મળે છે.
    ધન્યવાદ

    Liked by 1 person

  2. ‘ખાસ તો એ કે જે અમેરીકાએ તેમના દેશને અને તેમના કુટુમ્બને તારાજ કર્યું તે જ અમેરીકા હવે તમને લઈ જઈને તમારા ડેડીને (પ્રતીકાત્મક રીતે) ફરી તારાજ કરી રહ્યું છે. વીસ વર્ષ પહેલા અમેરીકાએ તમારા ડેડી પાસેથી આખું કુટુમ્બ છીનવી લીધું. અને આવતે અઠવાડીયે તમને છીનવી લેશે.’
    Very biased judgement of a psychiatrist! I hope he was more mature and dealt with it better.

    Like

  3. હ્યુમન સાયકોલોજી….માનસિક રોગ….પણ માનવીની તંદુરસ્તીને સાચવવાનો અેક અગત્યનો વિષય છે. ખૂબ જ પ્રવિણતા સાથે ડો. મુકુલભાઇઅે પોતાના વિષયને દાખલાના રુપે સરળતાથી સમજાવ્યો.
    હાર્દિક અભિનંદન.
    પૃથ્વિ ઉપર , પોલીટીશીયનો અને રાજ કરનારાઓ , સંહારને પોષે છે. સીટીઝન.કે..સામાન્ય લોકો શાંતિ અને પ્રેમ ઇચ્છે છે જ્યારે લોકોના ચૂંટેલા પોલીટીશીયનો જુદા જુદા બહાને લડાઇને શોઘે છે અને કોઇપણ બહાને યુઘ્ઘ છેડે છે.
    ઇતિહાસ ગવાહ છે.
    આવા લેખને સામાન્ય લોકો સુઘી પહોંચાડવાના કર્મો થવા જોઇઅે. ભાષણોમાં જે પોલીટીશીયનો પ્રેમની ભાષા બોલે છે તે તેની બીજા વ્યક્તિત્વથી લડાઇઓના માર્ગો અપનાવે છે.
    આ લેખના મુખ્ય વડિલ જીવનના જૂના અનુભવોના ઉદભવને કારણે, તેનો દિકરો જ્યારે અમેરિકા જવા તૈયાર થાય છે ત્યારે,..પેલો માનસિક રોગ ઉઠલો મારે છે.
    સરસ લેખ. ડો. મુકુલભાઇને અને ગોવિંદભાઇને હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s