શું રૅશનાલીઝમમાં અનુભવ તથા પ્રયોગનો વીરોધ કરવામાં આવે છે? શું તમે રૅશનાલીઝમનો પાયો જાણો છો? શું રૅશનાલીસ્ટો ત્રણ ત્રણ ઘોડા પર એક સાથે સવારી કરે છે?
વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :
રૅશનાલીઝમ અને એથીઝમ, એમ્પીરીસીઝમ
–રમણ પાઠક (વાચસ્પતી)
‘ઈઝમ’ (Ism) શબ્દ જ્યારે સ્વતન્ત્ર રીતે પ્રયોજાય ત્યારે એનો અર્થ કોઈ વાદ, સમ્પ્રદાય, સીદ્ધાંત અથવા જીવનવ્યવસ્થા કે રીતી એવો થાય અને જ્યારે તે કોઈ શબ્દને પ્રત્યયરુપે લાગે; ત્યારે તે ઘણા વીવીધ અર્થો અથવા તો અર્થછાયાઓ સુચવે છે. દા.ત., ગાંધીજીની વીચારસરણી તે સ્થાપકના નામ પરથી ગાંધીઝમ, તો વળી બહાદુરી બતાવવાની વૃત્તી કે પ્રવૃત્તી તે હીરોઈઝમ. અમુક ચોક્કસ સીદ્ધાંતો કે વીચારસરણી આધારીત વ્યવસ્થા, જેમ કે સોશીયાલીઝમ, કમ્યુનીઝમ ઈત્યાદી; અમુકના અવશેષરુપ દા.ત. આર્કેઈઝમ અને ઉપરાંત આદત કે માંદલી અવસ્થા દર્શાવવા પણ તે વપરાય છે, જેમ કે આલ્કોહોલીઝમ (એટલે પીધેલપણું).
રૅશનાલીઝમ શબ્દની જે વ્યુત્પત્તી છે તે આ પ્રમાણે દર્શાવી શકાય. રૅશનલ એટલે વીવેકશક્તી યા વીવેકબુદ્ધી પ્રેરીત અભીગમ અને એને ઈઝમ પ્રત્યય લગાડવાથી એવો અર્થ બને કે જે વાદ, વીચાર યા જીવનાભીગમમાં કોઈ પણ વસ્તુ, માન્યતા કે ચીંતન કે વ્યવહાર યા નીતીનો સ્વીકાર વીવેકબુદ્ધી પર આધારીત હોય. આ વાત આમ તો વારંવાર કહેવાઈ ગઈ છે; છતાં ઈરાદાસર વીકૃત રજુઆત કરનાર મીત્રો માટે લંડનના રૅશનાલીસ્ટ એસોસીએશને આપેલી વ્યાખ્યા અત્રે દોહરાવું : ‘રૅશનાલીઝમ એક એવો માનસીક અભીગમ છે કે જેમાં વીવેકશક્તી તથા તર્કશક્તી (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે. અને જેનો હેતુ ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધીકારી મનાતી કોઈ પણ વ્યક્તીની (યા ગ્રંથની) એકપક્ષી ધારણાઓથી સદન્તર મુક્ત હોય અને જે તરાહ તર્ક તથા વાસ્તવીક અનુભવ–પ્રયોગ દ્વારા ચકાસી, સત્ય સીદ્ધ કરી શકાતી હોય.’
રૅશનાલીઝમનો પાયો છે : સત્ય, કેવળ સત્ય જ અને સત્ય સીવાય બીજું કંઈ જ નહીં. હવે સત્ય શોધવાની વીજ્ઞાનમાન્ય પદ્ધતી પણ પુન: અત્રે પ્રસ્તુત કરું, જે અગાઉ કહેવાઈ ગઈ હોવા છતાંય, ખોટી ચોવટ કરનારા કેટલાક મીત્રો સમજ્યે યા વણસમજ્યે હજીય ગેરસમજ કરે છે તેઓના જ હીતાર્થે. પ્રથમ તો, કોઈ પણ વીચાર કે પદાર્થ તર્કથી બરાબર ગળે ઉતરવો જોઈએ. એ પછી સાક્ષાત્ અનુભવ સાથે એનો પુરેપુરો મેળ મળવો જોઈએ. અને ત્રીજું, એવાં માન્યતા કે તારણ વૈજ્ઞાનીક પ્રયોગ દ્વારા સત્ય સીદ્ધ થવાં જોઈએ. અર્થાત્ તર્ક, નકકર અનુભવ અને પ્રયોગ એ ત્રણ વીવેકબુદ્ધીવાદનો–રૅશનાલીઝમનો પાયો છે. અત્રે યાદ રાખવું ઘટે કે, કેટલાંક સત્યોનો પ્રયોગ માનવીના ગજા બહારની પ્રવૃત્તી બની રહે છે; એ સંજોગોમાં પ્રથમ બે સોપાનોની મદદથી સત્ય શોધવું રહે છે. દા.ત., આ વીશ્વની–બ્રહ્માંડની ઉત્પત્તીનો, ‘બીગ બેંગ’નો સીદ્ધાંત; જેનો પ્રયોગ આપણે કોઈ પણ સંજોગોમાં કરી શકીએ નહીં.
હવે ‘એમ્પીરીસીઝમ’ કે ‘ઈમ્પીરીસીઝમ’ની વાત કરીએ : વાચકમીત્રોએ આ એક બહુ જ સુંદર મુદ્દો ઉપસ્થીત કર્યો છે અને એ બદલ તેઓને ધન્યવાદ ઘટે છે. એક દૈનીકના પાનાં ઉપર તર્કશાસ્ત્ર, મેટાફીઝીક્સ, વીજ્ઞાન યા સત્યશોધનના ઈતર માર્ગો પરત્વે આવી સુક્ષ્મ ચર્ચાઓ ચાલે; એ ખરેખર ચીંતનક્ષેત્રે આનન્દોત્સવનો પ્રસંગ જ ગણાય. ‘એમ્પીરીસીઝમ’નો અર્થ કોઈ મીત્ર અનુભવવાદ એવો કરે, તો એમાં ખાસ કશું ખોટું નથી; પરન્તુ એને ખરેખર તો નીરીક્ષણવાદ કહેવો ઘટે; કારણ કે એમાં મુખ્ય આધાર સાક્ષાત્ ઘટનાઓના ઉંડા અને પુરા નીરીક્ષણ–ઓબઝર્વેશન ઉપર રાખવામાં આવે છે. એમ્પીરીસીઝમ દ્વારા પ્રાપ્ત થતાં સત્યો કોઈ ચોક્કસ સીદ્ધાંતમાંથી ફલીત થતાં નથી; પરન્તુ નીરીક્ષણ, પરીક્ષણ, પ્રયોગાદીની મદદથી સત્ય શોધીને પછી એનો નીયમ કે સીદ્ધાંત બનાવવામાં આવે છે. આમ છતાં, ‘એમ્પીરીક પરસન’નો અર્થ ઘણી વાર ‘ઉંટ વૈદ્ય’ (ક્વેક) એવો પણ કરવામાં આવે છે; કારણ કે તે કેવળ નીરીક્ષણ કે અનુભવને જ સત્ય શોધનનું એક માત્ર અમોઘ શાસ્ત્ર માને છે. મતલબ એ જ કે, કેવળ અનુભવથી પુર્ણ સત્ય ન પામી શકાય. કોઈ પણ તારણ તર્કથી અને પ્રયોગથી પણ સીદ્ધ થવું જોઈએ. નીરીક્ષણ એ આમ તો સાક્ષાત્ અનુભવ જ છે; પણ તે પુરતો નથી; કારણ કે તે આત્મલક્ષી હોવાનો સમ્ભવ રહે અને એને આધારે ક્વચીત અસત્ય તારણ પણ નીકળી શકે. એટલે અનુભવવાદની ચકાસણી અનીવાર્ય બને છે અને ત્યારે તર્ક તથા પ્રયોગ એની મદદે આવે છે.
વળી, એમ્પીરીસીઝમ દ્વારા શોધાયેલાં સત્યો કાલાતીત અર્થાત્ સનાતન સત્યો હોતાં નથી; એથી ભૌતીક વીજ્ઞાનો–ફીઝીકલ સાયન્સીસમાં કેવળ અનુભવવાદ કે નીરીક્ષણવાદ પુરો કામીયાબ નીવડતો જ નથી. એમ્પીરીસીઝમનો ઉત્તમ દાખલો ભાષાવીજ્ઞાનની એક મહત્ત્વની શાખા તે વ્યુત્પત્તીવીજ્ઞાન, અર્થાત્ શબ્દની ઉત્પત્તી તથા એના પરીવર્તનનું શાસ્ત્ર છે. આવાં વીજ્ઞાન એમ્પીરીકલ સાયન્સીસ કહેવાય છે. ભાષાવીજ્ઞાનના નીયમો બધા જ નીરીક્ષણને આધારે તારવવામાં આવે છે; જેમાં તર્ક–વીવેકને કોઈ સ્થાન નથી; ઉપરાંત એમાં પ્રયોગની પણ કોઈ શક્યતા નથી. દા.ત., સંસ્કૃત શબ્દ ‘મસ્તક’ પરથી ગુજરાતીમાં ‘માથું’ અને ‘હસ્ત’ ઉપરથી ‘હાથ’ થયો – એવાં અનેક ધ્વનીપરીવર્તનોનું નીરીક્ષણ કરીને, એવો નીયમ બનાવવામાં આવે છે કે, સંસ્કૃતમાં ચોક્કસ સ્થાને આવેલા ‘ત’નો ગુજરાતીમાં ‘થ’ થઈ જાય છે. અને સંયુક્તાક્ષરનો લોપ થઈ, આગલો સ્વર દીર્ઘ બને છે – જેમ કે ‘મ’નો ‘મા’ અને ‘હ’નો ‘હા’… હવે આવો નીયમ સાચો–સત્ય હોવા છતાંય તે ગુજરાતી ભાષા પુરતો જ સત્ય છે : સીંધીઓ–કચ્છીઓ હજી આજેય ‘મથ્થો’ એમ જ બોલે છે. આમ એમ્પીરીકલ સત્યો સ્થલ–કાલથી પર ન પણ હોય એમ બને. ભાષાના એના એ જ નીયમો આવતીકાલે પણ બરાબર એ જ રીતે પ્રવર્તતા હશે એમ પણ કહી શકાય નહીં; અર્થાત્ પ્રવર્તે અને ન પણ પ્રવર્તે.
અનુભવવાદ કે નીરીક્ષણવાદ ભલે એવી દલીલ કરતો હોય કે માનવીમાં શુદ્ધ તર્કબુદ્ધી જેવી કોઈ ચીજ હોતી જ નથી; તેમ છતાં એમ્પીરીસીઝમને પણ તર્કનો આધાર તો લેવો જ પડે છે; અર્થાત્ તર્કને આધારે જ અનુભવોમાંથી નીયમ કે સીદ્ધાંત તારવી શકાય; પણ એ વાત અમે જવા દઈએ અને ઉપર્યુક્ત દલીલની જ ચર્ચા કરીએ તો, માનવી શુદ્ધ તર્ક હમ્મેશાં પોતે–જાતે કરી શકતો નથી; માટે જ મનીષીઓએ તર્કશાસ્ત્ર કે તર્કવીજ્ઞાન રચ્યું છે. મતલબ એ જ કે માનવસમાજમાં શુદ્ધ તર્ક સમ્પુર્ણ શક્ય છે; શરત એટલી જ કે તે વીજ્ઞાનીક અર્થાત્ શાસ્ત્રાનુસાર હોવો જોઈએ. આપણા પુર્વજ કોઈ ઋષીમુનીએ ‘તર્કભાષા’ નામક ગ્રન્થ રચ્યો છે– કર્તાનું નામ અત્યારે યાદ આવતું નથી; પણ ઉક્ત ગ્રન્થ મેં જોયો જ છે. પશ્ચીમી દેશોમાં છેક એરીસ્ટોટલના સમયથી, આશરે સાડીત્રેવીસસો વર્ષથી તર્કશાસ્ત્ર ખેડાતું આવ્યું છે. અંગ્રેજીમાં એને ‘લૉજીક’ કહે છે અને ‘લૉજીક–તર્કશાસ્ત્ર વીના ફીલોસોફી–ચીન્તનશાસ્ત્ર શક્ય જ નથી’ એમ બોલાય છે. હવે જે નીયમોને આધારે તર્ક કરવાથી, સત્ય શોધી શકાય છે; એને લૉજીકના નીયમો કહેવાય છે. મતલબ એ જ કે, લૉજીકના નીયમો એ શુદ્ધ તર્કના સીદ્ધાંતો છે.. એક દાખલાથી આ હકીકત સ્પષ્ટ થશે, દાખલો સમ્ભવત: એરીસ્ટોટલના સમયથી ચાલ્યો આવે છે : ‘સર્વે મનુષ્ય મરણશીલ છે. સૉક્રેટીસ મનુષ્ય છે. માટે સૉક્રેટીસ મરણશીલ છે.’ આ જ નીયમ રમણ પાઠકને પણ અચુક લાગુ પડે છે; માટે એ શુદ્ધ તર્ક જ છે. લૉજીકમાં અશુદ્ધ તર્ક તરફ પણ અંગુલીનીર્દેશ જરુર કરવામાં આવ્યો છે. દા.ત., ‘માણસ ખાય છે. કુતરું પણ ખાય છે. માટે માણસ કુતરું છે.’ આવા ખોટા તર્કને લૉજીકમાં ‘ફેલસી’ તર્કદોષ–અસત્ય તારણ કહેવામાં આવે છે. મારી યાદ મુજબ, ઉપરના દાખલાને ‘ફેલસી ઑફ અનડીસ્ટ્રીબ્યુટેડ મીડલ’ કહેવાય; જે અશુદ્ધ છે, અસત્ય છે, તર્કદોષ છે – એમ સહેજે યા અનુભવથી સ્પષ્ટ સમજાય છે. આમ માણસ માટે શુદ્ધ તર્ક સમ્પુર્ણ શક્ય છે.
‘એમ્પીરીસીઝમ’ એ સત્યની શોધનો જ એક માર્ગ છે અને રૅશનાલીઝમને સત્યશોધનનો કોઈ પણ માર્ગ સદાય માન્ય જ છે; કારણ કે ઉપર જણાવ્યું તેમ, એની આધારશીલા જ કેવળ સત્ય, સમ્પુર્ણ સત્ય છે; પરન્તુ એથી એમ્પીરીસીઝમ રૅશનાલીઝમનો વીકલ્પ નથી બની જતો; કારણ કે એમ્પીરીસીઝમ તો એક સાધન માત્ર છે; જ્યારે રૅશનાલીઝમ તો જીવનવ્યવસ્થા, જીવનાભીગમ છે.. ઉપર જણાવ્યું તેમ, ‘વીવેકબુદ્ધીવાદ’ એટલે કે ‘રૅશનાલીઝમ’ના ત્રણ પગથીયાં છે : તર્ક, સાક્ષાત્ અનુભવ અને પ્રયોગ; પછી કોણે કહ્યું કે, ‘રૅશનાલીઝમમાં અનુભવ તથા પ્રયોગનો વીરોધ છે? આ તો કેવળ કપોળકલ્પીત, મીથ્યા આરોપણ છે અને રૅશનાલીઝમને નાપાયાદાર ગાળો દેવા માટે તે કમસેકમ જરુર કામ લાગે.
હવે, શુદ્ધ તર્ક એટલે કે લૉજીકલ તર્કસરણીમાં ઈશ્વર કે આત્માનું અસ્તીત્વ પુરું સુસંગત બનતું નથી; એ જ રીતે તેનું અસ્તીત્વ અનુભવસીદ્ધ પણ નથી અને એનો પ્રયોગ પણ શક્ય નથી. માટે કોઈ રૅશનાલીસ્ટ કદી ઈશ્વરમાં માને જ નહીં; તે નાસ્તીક એથીસ્ટ જ હોય – નીરીશ્વરવાદી તો તથાગત્ બુદ્ધ પણ હતા; એ તેઓનો રૅશનલ અભીગમ ગણાય. બધા જ રૅશનાલીસ્ટો બરાબર આમ જ માને છે; એમાંથી વીરોધાભાસ કાઢવો એ તો વીરોધીઓની ફક્ત માયાજાળ છે. ટુંકમાં, રૅશનાલીસ્ટો ત્રણ ત્રણ ઘોડા પર એક સાથે સવારી નથી કરતા; તેઓનો ઘોડો એક જ છે અને તે સત્ય અને કેવળ સત્યનો.
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/–) તે પુસ્તક ‘મધુપર્ક’નું નવમું પ્રકરણનાં પૃષ્ઠક્રમાંક : 60થી 63 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com અને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
મા.રમણ પાઠક (વાચસ્પતી)ની સટિક વ્યાખ્યા’ રૅશનલ એટલે વીવેકશક્તી યા વીવેકબુદ્ધી પ્રેરીત અભીગમ- તર્ક, નકકર અનુભવ અને પ્રયોગ એ ત્રણ વીવેકબુદ્ધીવાદનો–રૅશનાલીઝમનો પાયો છે. તે સત્ય અને કેવળ સત્યનો.’
આ પ્રમાણે જો કહેવાતા રેશનાલીસ્ટ અનુસરતા હોય તો ધન્ય છે .
સત્ય અંગે સમજીએ.
સત્ય એટલે સાચી હકીકત. ભારત દેશની ન્યાય આપવાનું કાર્ય કરતી બધી જ અદાલતો પર “સત્યમેવ જયતે”નું સુત્ર લખાયેલું જોવા મળે છે. આ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલ વાક્યનો અર્થ એવો થાય છે કે, સત્યનો હંમેશાં વિજય થાય છે.
દાદાશ્રી કહે છે-‘ સત્ય દરેકનું અલગ અલગ હોય, પણ સત્યનો પ્રકાર એક જ હોય. એ બધું રિલેટિવ સત્ય છે, એ વિનાશી સત્ય છે.
વ્યવહારમાં સત્યની જરૂર છે, પણ એ સત્ય જુદું જુદું હોય. ચોર કહેશે, ‘ચોરી કરવી એ સત્ય છે.’ લુચ્ચો કહે, ‘લુચ્ચાઈ કરવી એ સત્ય છે.’ પોતપોતાનું સત્ય જુદું જુદું હોય. એવું બને કે ના બને ?
એક કોયડો આવે છે. તેમાં ૬૪ = ૬૫ પુરવાર કરતી વિડીઓ કલીપ બતાવે છે. ૮x ૮ ખાનાના સમચોરસને ચાર ટુકડામાં કાપીને એવી જુદી રીતે ગોઠવવામાં આવે છે કે ૧૩ x ૫ ખાનાનો લંબચોરસ બને. તે ખુબ ઝડપથી પૂરી થઇ જાય છે. તેથી શું ચાલાકી કરી છે તે પકડવાનું લગભગ અશક્ય હોય છે. પણ ધ્યાનથી જોઈ શકીએ તો ખબર પડે છે કે વધારાના એક ખાનાના તેર નાના નાના ટુકડા લંબચોરસના કર્ણ પર એવી રીતે છુપાવ્યા હોય છે કે તે કર્ણ બે ને બદલે એક જ લીટી હોય તેવું જણાય.
૬૪ = ૬૫ ? કેટલાક કહેવાતા રેશનાલીસ્ટો અસત્યના પુરસ્કર્તાઓ લોકોને આવી જ રીતે છેતરતા હોય છે. થોડું થોડું જુઠાણું મોટા સત્યમાં ભેળવી દઈ એવી ચતુરાઈથી રજુ કરવામાં આવે છે કે અસત્ય જ સત્ય હોય તેવું જણાય છે.
જ્યારે અર્જુને કૃષ્ણને પૂછ્યું, “તમે જે સત્યની વાત કરી રહ્યા છો તેનો સ્વભાવ શું છે? હું તેને સમજી શકતો નથી,” કૃષ્ણે કહ્યું,“ સત્યનો સ્વભાવ એવો છે કે જે તમને અમૃત જેવું દેખાય છે તેને તમે પીશો તો તે વિષ થઈ જશે. અને જે તમને વિષ જેવું લાગે છે તેને તમે પીશો તો તે અમૃત બની જશે.”
સત્ય-પ્રિય-હિતકર ને મિત, ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય. નહીં તો એને અસત્ય કહેવાય.
LikeLiked by 1 person
મિત્રો,
રેશનાલીઝમ. વિવેકાનુસાર જીવન જીવવું તે પ્રથા.
સાચા, ખોટાનું વિવેકપૂર્ણ પૃથ્થકરણ કરીને જે ‘ સત્ય ‘ છે તેને તારવવું.
હવે આ સત્ય દરેક વ્યક્તિને માટે ‘ પોતાને લગતું કે જે તેને પોતાને ફાયદાકારક ‘ સાબિત થાય તે. ( માનવીય સ્વભાવ. )
મિત્રો, શાળામાં કે કોલેજમાં જે વિષયો શીખવવામાં આવે છે તે..તે તે વિષયને માટે ‘ થીયરી ‘ હોય છે. જીવનમાં…રોજીંદા જીવનમાં તેને અક્ષરસહ નીરુપી શકાય નહિ. દરેક વ્યક્તિઅે તે નિયમ કે થીયરીને પોતાના જીવનના વાતાવરણને સમજીને પોતાના જીવનમાં ઉતારવાનો પોતાનો રસ્તો શોઘવો પડે છે.
ઓરગેનીક કેમીસટરીમાં વૈજ્ઞાનિક નિયમો છે જેને પ્રેક્ટીકલ…પ્રયોગોમાં વાપરવા માટે શબ્દસહ વાપરી નહિ શકાય. દરેક નવી સીન્થેસીસ માટે અેક નિયમ જરુરીઆત પ્રમાણે ફેરફાર કરીને વાપરવો પણે. તેમ કરવામાં આવે તો જ પ્રયોગ સફળ થાય અને જોઇતી પ્રોડક્ટ મેળવી શકાય.
આ અેક જીવન સફળતાપૂર્વક જીવવાનો પ્રેક્ટીકલ રસ્તો છે.
રેશનાલીઝમ પણ અેક ‘ થીયરી ‘ જ છે. ( બઘા જ ‘ઇઝમ…અે થીયરી જ છે. તેને જીવનમાં ૧૦૦ ટકા ઉતારવાનું અશક્ય જ છે. તે ૧૦૦ ટકા સાબિત થયેલું છે.)
દરેક વ્યક્તિઅે તે થીયરીને પોતાના જીવનમાં પ્રેક્ટીકલી કેવી રીતે ઉતારવી તે પોતે શોઘવી પડે. જેથી કરીને તે પોતે ‘ જળકમળવત્ ‘ રહીને નિર્ણય લે અને પોતાના કર્મથી બીજાને નુકશાન ના થાય તેનો વિચાર પહેલો રાખે.
આપણે બઘા જ આપણું રોજીંદુ…દૈનિક જીવન જીવવામાં ‘ થીયરી ‘ વાપરતાં નથી. તે થીયરીને પ્રેક્ટીકલી વાપરીને જીવન જીવીઅે છીઅે.
બી પ્રેક્ટીકલ….
સમાજને નુકશાન ના થાય તેની બને અેટલી કાળજી લેવી.
‘ વેપારી‘ ના બનતા. વેપારમાં ખોટ અને નફાની વાતમાં નફો જ મેદાન મારી જાય છે. ત્યાં રેશનાલીઝમ કે વિવેકબુઘ્ઘિ વપરાતા નથી હોતા.
રાજકારણ શબ્દ અને રાજકારણીય વ્યવહાર વિવેકબુઘ્ઘિનો દુશ્મન બને છે.
થિયરી પેપરને પાને શોભે છે. જીવન ‘ પ્રેક્ટીકલ ‘ જીવવું પડે છે.
ચાલો આપણે સાચુ જીવન જીવીઅે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person