માનસીક સ્વાસ્થ્ય અને સુખ

માનસીક રોગ વીષે વીશ્વભરમાં એક સમયે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તતી હતી. ત્યારબાદ વૈજ્ઞાનીક અભ્યાસો અને દર્દીઓ સાથેના અનુભવોને કારણે માનસીક રોગની સારવાર વધારે માનવીય બની. માનસીક રોગ વીષેના ઐતીહાસીક ખ્યાલો, વૈજ્ઞાનીક દૃષ્ટીકોણ, માનસીક રોગના પ્રકાર, માનસીક સ્વાસ્થ્ય વધારવા માટેના સ્વસહાયના પગલાં અને સુખ (Happiness) વગેરેને આવરી લેતો લેખ સાદર છે.

માનસીક સ્વાસ્થ્ય અને સુખ

–ડૉ. રમેશ શાહ

દરેક વ્યક્તી માટે સ્વાસ્થ્ય એ સૌથી મહત્વની વાત હોય છે. જીવન સારી રીતે માણવા માટે શારીરીક અને માનસીક બન્ને સ્વાસ્થ્ય સારાં હોવા જરુરી છે. મન શું છે? પહેલાં તો ચોખવટ કરી લઈએ કે મન એ શરીરથી જુદું અસ્તીત્વ ધરાવતું કોઈ તત્ત્વ નથી. સગવડ ખાતર આપણી કેટલીક ક્રીયાઓ શારીરીક ગણવામાં આવે છે, જેમ કે– શ્વાસ લેવો, ખાવું, પીવું તેમ જ કેટલીક ક્રીયાઓ માનસીક ગણાય છે, જેમ કે– વીચારવું, યાદ કરવું, બીક લાગવી. શારીરીક અને માનસીક ક્રીયાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે.

પ્રાણીઓની ક્રીયાઓનું જુદા જુદા તન્ત્ર (વીભાગ)માં વર્ગીકરણ કરવામાં આવ્યું છે : શ્વસન તન્ત્ર, પાચન તન્ત્ર, હૃદય–રક્તાભીસરણ તન્ત્ર વગેરે. માનસીક પ્રક્રીયાઓનો સમાવેશ મજ્જા તન્ત્ર (nervous system)માં કરવામાં આવે છે. મજ્જા તન્ત્ર અબજો મજ્જાકોષોનું બનેલું સંકુલ (complex) જાળું (network) છે. આ મજ્જાકોષો એકબીજા સાથે સતત સંદેશવ્યવહાર (communication) કરતા હોય છે. આ સંદેશા ઈલેક્ટ્રોકેમીકલ સ્વરુપના હોય છે. મગજ એ મજ્જા તન્ત્રની હેડ ઑફીસ ગણાય છે. અત્યાર સુધીમાં વીજ્ઞાને મગજ વીષે ઘણું જ્ઞાન મેળવ્યું છે અને હજી ઘણું બાકી છે. એકવીસમી સદી મગજના વીજ્ઞાનની સદી ગણાય છે.

માનસીક રોગ વીષેના ઐતીહાસીક ખ્યાલો

હજારો વર્ષ અગાઉના લખાણોમાં પણ માનસીક દર્દીઓના સ્પષ્ટ વર્ણન થયેલાં છે. એક સમયે દુનીયાના જુદા જુદા દેશોમાં માનસીક રોગ વીષે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તતી હતી. એક માન્યતા એવી હતી કે પીશાચી શક્તીઓ શરીરમાં પ્રવેશવાથી માનસીક રોગ થાય છે. બીજી માન્યતા એવી હતી કે વ્યક્તીએ કરેલાં પાપની ઈશ્વર તરફથી અપાતી સજાને પરીણામે માનસીક રોગ થાય છે. નબળી ઈચ્છાશક્તી (weak will power)ને પણ માનસીક માંદગીનું કારણ માનવામાં આવ્યું છે. માનસીક રોગના ઈલાજ પણ આવી માન્યતાઓ પર આધારીત હતા, જેમ કે– કોઈ ભુવા કે હકીમ દ્વારા દુષ્ટ શક્તીઓને શરીરમાંથી ભગાડવા માટે દર્દી પર પીડાજનક વીધીઓ કરાવવી, દા.ત.; નાક પાસે મરીમસાલાની ધુણી ધરવી, ઝાડુથી મારવું, ચહેરા પર જોરથી પાણી છાંટવું. બીજો ઈલાજ દર્દી પાસે પાપની કબુલાત કરાવવી અને પ્રાયશ્ચીત તરીકે ધાર્મીક વીધીકર્મો કરાવવા એ હતો. બીજી એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે ચન્દ્ર અને અન્ય ગ્રહોની અમંગળ અસરના પરીણામે ઘણી વ્યક્તીઓને માનસીક રોગ થાય છે. આવી અવૈજ્ઞાનીક માન્યતાઓને લીધે આજે પણ માનસીક રોગ વીષે દર્દીઓ અને સમાજ શરમ (stigma) અનુભવે છે, ઉપચાર માટે જાણકાર પાસે જતાં નથી અને રોગને છુપાવવાનો પ્રયત્ન કરે છે.

લગભગ 19મી સદી સુધી પાગલખાનામાં (asylum) દર્દીઓને અમાનુષી વાતાવરણમાં રાખવામાં આવતાં હતાં, જેમ કે– કેટલાકને થાંભલા સાથે સાંકળથી બાંધીને રાખવા. ત્યારબાદ ફ્રાન્સમાં ફીલીપ પીનેલ અને અમેરીકામાં ડોરોથી ડીક્સ આ બે વ્યક્તીઓએ માનસીક દર્દીઓની સારવારમાં ઘણા સુધારા કરાવ્યા અને કાયદાપુર્વકની મેન્ટલ હૉસ્પીટલો સ્થપાવી. ત્યારથી માનસીક દર્દીઓની સારવાર વધારે માનવીય બની. પછી ડૉક્ટરો અને અન્ય વૈજ્ઞાનીકોએ જુદી જુદી ટ્રીટમેન્ટ શોધવાની શરુઆત કરી.

વૈજ્ઞાનીક દૃષ્ટીકોણ

વૈજ્ઞાનીક અભ્યાસો અને દર્દીઓ સાથેના અનુભવોને આધારે માનસીક રોગો વીષે આજે ઘણી જાણકારી પ્રાપ્ત થઈ છે. માનસીક માંદગી ઉત્પન્ન કરવામાં વ્યક્તીના વારસાગત પરીબળો અને જીવનના અનુભવો બન્ને ભાગ ભજવે છે. આ બન્નેની અસર મગજ પર પડે છે. આજે વૈજ્ઞાનીકો માસનસીક રોગોને મોટેભાગે મગજના રોગો (brain disorders) તરીકે ગણે છે. આ માટે મગજના કેટલાક રાસાયણીક સંદેશવાહકો (neuro transmitter) પર ભાર મુકાયો છે, જેમ કે– ડોપામીન, નોરેપીનેફ્રીન, સેરોટોનીન. આ ન્યુરોટ્રાન્સમીટરના પ્રમાણ કે કાર્યમાં અસમતુલા કે બગાડ આવે એને માનસીક માંદગી માટે કારણભુત ગણવામાં આવે છે. આપણા શરીરની કેટલીક ગ્રન્થીઓ (glands)માંથી ઝરતા હોર્મોનનો ફાળો પણ મહત્ત્વનો ગણાય છે, જેમ કે– થાયરોક્સીન, કોર્ટીઝોલ, ટેસ્ટોસ્ટેરોન. માનસીક રોગોની ટ્રીટમેન્ટ, મેડીકેશન અને મનોરોગ ચીકીત્સા (psychotherapy) બન્નેથી થાય છે. આજે ઘણા માનસીક રોગો માટે જુદી જુદી ઘણી અસરકારક દવાઓ શોધાઈ છે. આ બતાવે છે કે માનસીક અસ્વસ્થતા એ કોઈ ચારીત્ર્યની ખામીને કારણે નથી થતી, તે એક જાતની બીમારી છે. જેના ઈલાજ માટે સાઈકીઆટ્રીસ્ટ અથવા/અને સાઈકોલૉજીસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવવી યોગ્ય છે.

માનસીક રોગના પ્રકાર

જુદા જુદા માનસીક રોગોને જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. જેમ કે, સ્કીઝોફ્રેનીઆ, બાયપોલર ડીસઓર્ડર, મેજર ડ્રીપેશન, તીવ્ર ભય (phobia), ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઓર્ડર. સ્કીઝોફ્રેનીઆના મુખ્ય લક્ષણમાં વાસ્તવીક વાતાવરણ સાથેનો સમ્બન્ધ નબળો થઈ જવો (પોતાના સગાવહાલા કોણ છે એનું ભાન ઓછું થવું), ખોટી દૃઢ માન્યતાઓ બંધાઈ જવી (મને હેરાન કરવા કોઈ મારી પાછળ પડ્યું છે), અવાસ્તવીક સંવેદનો થવા (કોઈ ના હોય તોયે કોઈના અવાજો સમ્ભળાવા, ન હાજર હોય એવી વસ્તુઓ કે વ્યક્તીઓ દેખાવી) વગેરે છે. બાયપોલર ડીસઓર્ડરમાં ક્યારેક દર્દી ખુબ ઉત્તેજીત થઈ જાય છે (મોટે મોટેથી બોલવું, તોડફોડ કરવી, જોરથી હસ્યા કરવું) અને ક્યારેક એકદમ શાંત અને ઉદાસ થઈ જાય છે. મેજર ડીપ્રેશનના દર્દી લાંબા સમય સુધી ઉદાસ મુડમાં રહે છે. એને કશી પ્રવૃત્તીઓમાં રસ પડતો નથી. કોઈ કોઈ દર્દીને આપઘાતના વીચારો આવે છે. જે વીચારો ક્યારેક અમલમાં પણ મુકાય છે. ફોબીઆમાં દર્દીને ચોકકસ વસ્તુ કે પરીસ્થીતીનો તીવ્ર ભય લાગતો હોય છે, જેમ કે– કોઈ પણ જળાશયની બીક, એલીવેટરની બીક, જાહેરમાં લોકો પ્રત્યક્ષ બોલવાની બીક. ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઓર્ડરમાં અમુક વીચારો ફરી ફરી બળજબરીપુર્વક મનમાં ઘોળાયા કરે છે (મારી કાર કોઈને અથડાઈ છે. બહાર નીકળ્યા પછી ઘર લોક કરવાનું હું ભુલી ગયો છું). આ સાથે કેટલીક ક્રીયાઓ ફરી ફરી કરવાનું આંતરીક દબાણ પણ થાય છે. (જંતુ અડી જવાની શંકાએ હાથ ફરી ફરી ધોવા.)

જેમ શારીરીક રોગોનો ઉપચાર થઈ શકે છે તેમ ઘણા માનસીક રોગોની પણ સફળતાપુર્વક સારવાર થઈ શકે છે. આજદીન સુધીમાં વધુ ને વધુ દવાઓ શોધાઈ છે. સાઈકોથેરાપીથી પણ માનસીક રોગ સુધરે છે. આમ માનસીક બાબતો પણ વીજ્ઞાનનો વીષય બની છે. માર્કેટમાં ઘણા સાઈકીઆટ્રીસ્ટ અને સાઈકોલૉજીસ્ટ પ્રેક્ટીસ કરી રહ્યા છે.

માનસીક સ્વાસ્થ્ય વધારવા માટેના સ્વસહાયના પગલાં

આપણી માનસીક સ્વસ્થતા સારી રાખવા માટે આપણે જાતે પણ કંઈ કરી શકીએ તે માટે થોડાં સુચનો નીચે પ્રમાણે છે :

(1) આપણા મનમાં રોજ આવતા વીચારોની અસર આપણી લાગણીઓ (feelings and emotions) પર પડે છે. આપણામાંથી ઘણાને નકારાત્મક વીચાર અવારનવાર આવતા હોય છે. જેમ કે– ‘મેં જીવનમાં કંઈ મેળવ્યું નહીં, હું એક નીષ્ફળ માણસ છું.’, ‘ઑફીસમાં બીજા બધા મારી પાછળ મારી ઠેકડી ઉડાવે છે અથવા ખરાબ વાતો કરે છે.’, ‘હું બહુ જાડી છું.’, આનો ઉપાય દરરોજ પોતાની જાત સાથે સકારાત્મક વાતો કરવાની ટેવ પાડવી એ છે. જેમ કે– ‘હું મારી જાતને માનથી જોઈશ.’, બીજા મારા માટે ગમે તે માને કે બોલે, એનાથી મારું કંઈ દાઝતું નથી, હું તેની પરવા નથી કરતો.’

(2) જીવનમાં નાની નાની વાતોની ખોટી ચીંતા છોડી દો. મોટાભાગની વાતો નાની નાની જ હોય છે.

(3) તમે શું બોલો છો તેટલું જ મહત્ત્વ કેવી રીતે બોલો છો એનું છે. પોતાની વાત ચીસો પાડ્યા વગર શાંતીથી અને મૈત્રીભાવથી કરવાનો પ્રયાસ કરવો.

(4) કોઈ સાથે લાંબો વખત દલીલ ન કરવી. દલીલબાજીને અન્તે કોઈ પોતાનો અભીપ્રાય બદલતું નથી અને નકામી અશાંતી ઉભી થાય છે.

(5) દરરોજ શારીરીક કસરત કરવી જોઈએ. શારીરીક કસરત મન માટે પણ સારી છે.

(6) ગુસ્સો આવે ત્યારે હોઠ થોડી વાર દબાવી રાખવા; પછી જરુર લાગે તો તમારી વાત સ્પષ્ટ અને શાંતીથી કરવી.

(7) જે વસ્તુની ખોટી બીક પેસી ગઈ હોય તે દુર કરવી હોય તો તેનાથી ભાગતા રહેવાને બદલે ધીમે ધીમે તેનો સામનો કરવો, જેમ કે– પાણીની બીક દુર કરવા પહેલાં માત્ર પાણીની સામે જોવાની ટેવ પાડવી; પછી માત્ર હાથ બોળવાથી ટેવાવું, પછી એક પગ બોળવો અને એ પ્રમાણે ધીમે ધીમે આગળ વધવાથી ડર ઓછો થશે.

(8) જીવનને વધારે ઉત્સાહમય બનાવવા માટે થોડા થોડા વખતે કંઈ ગમતો પ્લાન કરવો, જેમ કે– મુવી જોવા કે સંગીતના કાર્યક્રમમાં જવું, પીકનીક પર જવું, મીત્રોને મળવા જવું અથવા ઘરે બોલાવવા, નવી જગ્યાએ વેકેશન પર જવું.

(9) નોકરી–ધંધામાંથી નીવૃત્ત થયા પછી માત્ર ઘરમાં બેસી રહેવાથી લાઈફ કંટાળાજનક બની જાય છે. કોઈ નવી હોબી શીખવા માટે વીચારવું.

(10) બને તેટલો સમય તમારી આવડત પ્રમાણેની અને ગમતી પ્રવૃત્તીમાં ગાળવો, મન પ્રફુલ્લીત રહેશે.

સુખ (Happiness)

સુખ એટલે લાંબા સમય માટે મન શાંતીમય અને આનન્દમાં રહેવું. સુખ કોઈ વસ્તુ (રુપીયા–પૈસા, ટેસ્લા કાર), વ્યક્તી (સુંદર સ્ત્રી, ગુરુ) કે સ્થાન (હીમાલયની ગુફા, તીર્થધામ, પોતાના ગામનું ઘર)માં નથી. બીજી બાજુ એ કંઈ આપણી અન્દર એક જગ્યાએ પડેલો ખજાનો પણ નથી કે અંતર્ધ્યાનથી મેળવી લેવાય. મારા મતે સુખ એ આજુબાજુની દુનીયા સાથેનો આપણો વ્યવહાર (interaction) સુમેળભર્યો (in harmony) અથવા સુરમાં (in tune) ચાલતો હોય ત્યારે ઉપજતી ભાવ–અનુભુતી છે. પોતાને ફાવતી અને ગમતી ચીજો ખન્તથી કરીએ ત્યારે આડ–ઉપજ (byproduct) તરીકે સુખ અનુભવાય છે. બહુ ભોગવીલાસમાં પણ સુખ નથી કે બહુ તપ કરવાથી પણ સુખી થવાતું નથી. તથાગત્ બુદ્ધે મધ્યમમાર્ગની સલાહ આપી છે. કોઈ પણ વ્યક્તીનું આખું જીવન સુખમય હોય એવું બનતું નથી. યાદ રાખીએ કે ક્યારેક ક્યારેક જીવનમાં દુ:ખ કે પીડા ઉપજવી અનીવાર્ય છે. દુ:ખની સામે ધીરજ રાખીને ઉભા રહીએ તો તે પણ પસાર થાય છે. બીજાનું દુ:ખ ઓછું થાય એવું અવારનવાર કરતાં રહેવાથી પણ સુખ ઉપજે છે. કોઈ એક જ વસ્તુમાં ભમરાની જેમ ચોંટેલા ન રહેવું. આઈન્સ્ટાઈને જીવનની વ્યાખ્યા કરી છે કે સુખ સાયકલ ચલાવવા જેવું છે, સમતોલ રહેવા માટે તમારે ગતીમાન રહેવું પડે છે.’

–ડૉ. રમેશ શાહ

ન્યુ જર્સી (અમેરીકાના)ના સાયકોલૉજીસ્ટ અને ક્લીનીકલ નીષ્ણાત તરીકે 40 વર્ષથી વધુ અનુભવ ધરાવતાં ડૉ. રમેશ શાહે ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ખાસ લખેલો લેખ, લેખકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :

Dr. Ramesh Shah, 9 Bloomfield Court, Dayton. NJ 08810 USA. e.Mail : nitaram18@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

12 Comments

  1. Practical, useful and important scientific information very well presented. Congratulations !
    Please keep writing. —Subodh Shah, USA.

    Liked by 1 person

  2. ખૂબ જ સરસ લેખ છે. સરળ ભાષા માં સારી રીતે સમજી શકાય તેમ છે. આવા લેખ હજુ વાંચવા મળે તેવી આશા.

    Liked by 2 people

  3. nice explanation in very simple language.This type article are really required .The writer really required appreciation & I appeal to give more articles. our organisation is going to start community Mental health project in our area.This is just for information.

    Liked by 1 person

    1. સરળ શબ્દોમાં સુંદર માહિતી.ટેકનિકલ શબ્દો ની સમજૂતી પણ સામાન્ય માણસને સમજાઈ જાય તેવી રીતે રજૂ થઈ છે. ડૉ.રમેશભાઈ નો આભાર અને અભિનંદન.ગોવિંદભાઈ આપને પણ

      Liked by 1 person

  4. It is a very nice article for everybody. Rameshbhai has explained it in a very simple and convincing way.
    I am very thankful to you. Please write more articles in this field.
    Thanks again.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  5. This Article belongs to Local GUJARATI Magazine and Other Publications, IT MIGHTY HELPFUL TO MANY DESI PEOPLE TO UNDERSTAND COMMONLY OBSERVED MENTAL PROBLEMS IN FAMILY AND FREINDS FAMILY.

    Liked by 1 person

  6. +
    Govindbhai,
    A VERY WELL INFORMATIVE INFORMATION REGARDING THE MENTAL HEALTH.
    ALSO TELLING US HOW TO OVERCOME IF YOU EVER SUFFER FROM THIS ONGOING
    PROBLEM IN A LARGE NUMBER OF POPULATION. IT IS GOOD TO KNOW THAT DR. RAMESH SHAH
    SHAH HAS GIVEN US A WONDERFUL ARTICLE !!

    Liked by 1 person

  7. ડૉ. રમેશ શાહે સરળ ભાષામા માનસીક સ્વાસ્થ્ય અને સુખ અંગે સમજાવ્યું.
    અમેરીક્નો માટે કહેવાય છે અર્ધા માનસીક રોગી છે અને અર્ધા રોગી થવાની તૈયારીમા છે.આ રમુજ હોય તો પણ ડબ્લ્યુએચઓ માનસિક આરોગ્યના મજબૂત અને પ્રોત્સાહક હેતુને ટેકો આપે છે. ડબ્લ્યુએચઓ માનસિક સ્વાસ્થ્ય પ્રોત્સાહન માટે પુરાવાનું મૂલ્યાંકન કર્યું અને સરકાર સાથે કામ કરીને આ માહિતીનો પ્રસાર કરી અને નીતિઓ અને યોજનાઓમાં અસરકારક વ્યૂહરચના સંકલિત કરે છે. બાળપણ પહેલાની કામગીરીઓ માટે ઘર મુલાકાતો, પૂર્વ શાળા માનસિક-સામાજિક પ્રવૃત્તિઓ, લાભવંચિત વસતી માટે સંયુક્ત પોષણ અને માનસિક-સામાજિક માટે મદદ કરે છે.
    તો બીજી તરફ માનસિક રોગ માટે પોષણક્ષમ્ય ન હોય તેવી દવાઓ જીવનભર લેવા લખી આપે છે! એક તરફ ગન બાબત ખાસ કાંઇ સુધારો કરી શકાય તેમ નથી ત્યારે વારંવાર બનતા શુટીંગના બનાવોમા માનસીક રોગીઓ વધુ હોય છે.આવી સ્થિતીમા આવા દર્દીઓ માટૅ પોષણક્ષમ્ય દવાઓ મળવી જોઇએ.તેવા દર્દીઓને રાહતદરે ડૉકટરની સલાહ મળવી જોઇએ અને તે દવાઓ બરોબર લેવાય છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. જિંદગીને સરળ અને નોર્મલ બનાવવા તમારે જરૂર પડ્યે તુરંત સાયકોલોજીસ્ટ ની મદદ લેવી જોઈએ. આમા ધાર્મિક સંસ્થાઓ જેવી કે સ્વામીનારાયણ ,સદગુરુની ઇશાક્રીયા જેવી ઘણી સંસ્થાઓના માનસિક સ્વાસ્થ્ય અંગે સારઆ પરીણામો જોઈ શકાય છે.
    અમેરીકાના સુપ્રીમ કોર્ટના મા.જજસાહેબની આવી સારવાર હોય તો સામાન્યજને તો વધુ જાગૃત રહેવું જોઇએ

    Liked by 1 person

  8. ખૂબ સરસ લેખ માનસિક બીમારી અને સ્વાસ્થ્ય ને સારી રીતે સરળ ભાષા માં સમજાવી છે. મન ની વ્યાખ્યા પણ ખૂબ સરસ રીતે કરી છે.ખૂબ ખૂબ ધન્યવાદ.

    Liked by 1 person

Leave a comment