યુવતીઓએ પોતાનું શોષણ અટકાવવા કઈ કાળજી લેવી જોઈએ?

શ્રી. રમેશભાઈ સવાણી, આઈ.પી.એસ. અધીકારી સમક્ષ મોહભંગ થયેલી યુવતીઓના અનેક કેસ આવ્યા હતા. યુવકોને છેતરપીંડી કરવાની તક જ ન મળે તે માટે યુવતીઓએ કઈ કઈ કાળજી લેવી કે તકેદારી રાખવી જોઈએ… તે અત્રે સાદર છે…

યુવતીઓએ પોતાનું શોષણ અટકાવવા
કઈ કાળજી લેવી જોઈએ?

–રમેશ સવાણી

કોઈ છોકરી કોઈ છોકરાને પ્રેમ કરે; એની સાથે સમ્બન્ધ રાખે; અને છોકરો એને છોડી દે તો સમાજ છોકરી અને છોકરા તરફ અલગ અલગ દૃષ્ટીથી જોશે! આવું કેમ? છોકરી કુંવારી હોવી જ જોઈએ અને છોકરો કુંવારો ન હોય તો ચાલે; એવું કેમ? શા માટે છોકરી ખરાબ થઈ જાય છે? અને છોકરો દુધે ધોયેલો જ રહે છે? પ્રેમમાં પડેલી યુવતીઓ કેમ છેતરાઈ જાય છે? પ્રેમી દગો દે તો યુવતી શા માટે સ્યુસાઈડ કરે છે? સીતાની અગ્ની પરીક્ષા થાય પણ રામની અગ્ની પરીક્ષા ન થાય; આવો દમ્ભ કેમ? રુઢીવાદી લોકોની માંગણી છે કે માતાપીતાની મંજુરી વીના કોઈ યુવતી લગ્ન ન કરી શકે; તેવો કાયદો કરો! મા–બાપને પોતાના સંતાનો ઉપર જ વીશ્વાસ રહ્યો નથી!

અખબારમાં હમણાં સમાજના દમ્ભને ઉજાગર કરતાં બે કીસ્સા વાંચવામાં આવ્યા. પ્રથમ કીસ્સામાં યુવકે યુવતી સાથેની અંગત પળોનો વીડીયો ઉતારીને વારંવાર શરીરસમ્બન્ધની તે માંગણી કરતો હતો. યુવતી ધમકીને તાબે ન થઈ એટલે યુવકે તે વીડીયો પોતાના ત્રણ મીત્રોને ફોરવર્ડ કર્યો. ત્રણેય મીત્રોએ પોતાની સાથે સમ્બન્ધ બાંધવા યુવતીને કહ્યું. યુવતી મક્કમ રહી. ત્રણેય મીત્રોએ વીડીયો બીજાને ફોરવર્ડ કરી દીધો. યુવતીએ હારીને સ્યુસાઈડ કરી લીધું! બીજા કીસ્સામાં એક યુવકે, એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી. પોતે અપરણીત છે; અને ડીપ્લોમા સીવીલ એન્જીનીયર છે; એમ કહીને છોકરાએ યુવતી સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. થોડા દીવસ સારું ચાલ્યું. પછી યુવતીને ખ્યાલ આવ્યો કે પતીદેવ તો અગાઉ બે વખત પરણેલા છે, અને ધોરણ–12માં ફેઈલ થયેલ છે! યુવતીને ચુપ રહેવા માટે ધમકીઓ મળી. છેતરીને લગ્ન કરનાર યુવક સામે ફરીયાદ કરવા યુવતી પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસે માત્ર અરજી લીધી! FIR નોંધી નહીં. કેટલાય ધક્કા પછી FIR નોંધી. ધમકી આપનારાઓ આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા. છેતરપીંડી/વીશ્વાસઘાત કરનાર યુવકે આગોતરા જામીન અરજી મુકી છે. છેતરાયેલી યુવતીની વેદના એ છે કે વીશ્વાસઘાત કરનાર યુવકને પોલીસ પકડતી કેમ નથી? શા માટે એને આગોતરા જામીન લેવાની તક પોલીસ આપે છે?

પોલીસમાં ભાગ્યે જ કોઈ અધીકારી સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ વ્યક્તી પણ પોલીસખાતામાં આવતા બીનસંવેદનશીલ બની જાય છે! પોલીસનો ઢાંચો જ એવો છે! પોલીસ મદદ કરશે તેવી અપેક્ષા રાખશો તો દુખી થશો. મારી સમક્ષ મોહભંગ થયેલી યુવતીઓના અનેક કેસ આવેલા. તે કેસ ઉપરથી એટલું તારણ નીકળે છે કે યુવતીઓ વીચાર કર્યા વીના, રંગદર્શી ખ્યાલોના કારણે વીશ્વાસ મુકી દે છે; ત્યારે યુવકને છેતરપીંડી કરવાની તક મળે છે! ગુનો બન્યા પછી ઉપચાર કરવો તેના કરતા ગુનો ન બને તે માટે સાવચેતી રાખવામાં ડહાપણ છે. Prevention is better than cure.

યુવતીઓએ શું કાળજી લેવી જોઈએ?

[1] યુવકે શું એજ્યુકેશન લીધું છે, તેની ખરાઈ કરો. તેમનો દાવો ખોટો હોઈ શકે છે.

[2] તે પરણીત છે કે અપરણીત તેની ખાત્રી કરો. અગાઉની પત્નીને છુટાછેડા આપેલ છે કે નહીં, તેની ખાત્રી કરો.

[3] યુવકના માતા–પીતાને; ભાઈ–બહેનને મળવાનો આગ્રહ રાખો, જો યુવક ના પાડે તો સમજી લેવાનું કે દાળમાં કાળું છે!

[4] યુવકના માતા–પીતા/ભાઈ–બહેન શું કરે છે? તેમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે? તેની ખાત્રી કરો.

[5] યુવક કઈ જોબ કરે છે; શું ધંધો કરે છે, તેની ખાત્રી કરો. સોશીયલ મીડીયાથી પરીચય થાય તો કાળજી લો; યુવકને જોવા કરતા જાણો.

[6] યુવક વારેવારે કસમ ખાતો હોય; વીશ્વાસ અપાવતો હોય; તો સમજી લેજો કે તે ટ્રેપ કરી રહ્યો છે; તેને શીકાર કરવામાં જ રુચી છે.

[7] યુવક ફીલ્મી સ્ટાઈલમાં પ્રેમનું પ્રદર્શન કરતો હોય તો માનજો કે તેને તમારું શોષણ કરવામાં જ રસ છે!

[8] યુવક કોઈ પણ ભોગે શરીરસમ્બન્ધ ઈચ્છે તો ચેતવું; એને તમારી લાગણીઓની પડી નથી, એટલું નક્કી માનજો.

[9] યુવક લગ્નની ઉતાવળ કરતો હોય કે શરીરસમ્બન્ધની ઉતાવળ કરતો હોય તો માનજો કે એ તમને છેતરી રહ્યો છે.

[10] યુવક અંગત પળોનો વીડીયો ઉતારે તો ચેતી જજો; એ વીડીયો જાહેર કરવાની ધમકી આપીને યુવક તમારું શારીરીક શોષણ કર્યા કરશે.

[11] જો યુવકનું ચરીત્ર સમજાતું ન હોય તો તેના મીત્રો કોણ છે; તેનું નીરીક્ષણ કરો. મીત્રોનું ચરીત્ર હશે, તેવું જ યુવકનું ચરીત્ર સમજવું.

જો યુવતીઓ આટલી તકેદારી લે તો એને ક્યારેય પછતાવું ન પડે!

–રમેશ સવાણી

‘ફેસબુક’ના ‘અપના અડ્ડા’ (https://www.facebook.com/groups/apnaaddagujarati/) ગ્રુપમાં તા. 16, માર્ચ, 2020ના રોજ પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી,  લેખકના, ‘ફેસબુક’ના અને ‘અપના અડ્ડા’ ગ્રુપના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ. પીએસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ–મેઈલ :  govindmaru@gmail.com

 

4 Comments

 1. Very appropriate in the current circumstances going around in India. Both are tragic incidents the first one is more so as the girl is compelled to commit a suicide, while in the second one she can’t find the justice.
  All the young girls should heed the advice and suggestions given by Rameshbhai Savani Saheb.
  Highly pertinent.
  Congratulations and thank you all for publishing this.

  Liked by 1 person

 2. મને માફ કરજો કારણ કે પહેલો પેરેગ્રાફ ચવાઇ ગયેલા વિષયના શબ્દો છે. ઘણી ઘણી વાર ચર્ચાઇ ગયેલાં શબ્દો છે.

  બીજું છોકરા છોકરીના સ્નેહ સંબંઘો કે પ્રેમ સંબંઘોની વાતો કહેવાઇ છે. અને તે સંબંઘોમા થતાં ખોટા કર્મો…જેમાં છોકરો ખોટી માંગણી કરે. આ માંગણીથી બચવા માટે છોકરીઅે કયા પગલાં ભરવા તેની સમજ આપવામાં આવી છે. છોકરો ભણેલો હોય કે અભણ હોય…સેક્ષની બાબતે બન્ને સરખા જ રહેવાના. જેમ પોલીટીક્સ કે કોઇ ઓફીસોના મોટા ઓફીસરો તેમની સાથે કામ કરતી યુવતીઓ પાસે સેક્ષની માંગણી મુકે છે….અને બને તો બળાત્કાર કરે છે. છોકરા છોકરી, પોતે બાંઘેલા સંબંઘો બાબતે બન્ને પોતાની મરજીથી બાંઘેલાં ‘ પ્રેમ ‘ માં પડેલાં હોય છે. તેઓ પોતાની રીતે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરે. તેઓ બન્ને અેબીજાને ખુબ જ સારી રીતે ઓળખતા હોય છે. તે પ્રેમી છોકરીને પોતાની ઇજ્જત સાચવવાનું આવડવું જોઇઅે. તે અેક અલગ પ્રકારનો વિષય છે.

  આજે જે વિષય ઉપર ચર્ચા કરવાની છે તે છે…‘ બળાત્કાર ‘ ગામડાઓની દિકરીઓની ઉપર કે શહેરોની દિકરીઓના થતાં બળાત્કાર.:

  આજે જે બળાત્કારના પ્રસંગો દેશમાં બને છે તેને મઘ્યમાં રાખીને આજનો વિષય ચર્ચાય તો ગમે. ગામડાઓમાં થતાં બળાત્કાર અને તેની સાથે છોકરીઓને મારી નાંખવાનાં પ્રસંગો નહિ બનવા માટે છોકરીઓઅે પોતાના બચાવમાં શું કરવું જોઇઅે તેને મહત્વ આપવું જોઇઅે.

  ( અેક જૂની રીત…જેમાં યુરોપમાં લશ્કરનો સૈનિક જ્યારે લડાઇના મેદાનમાં જતો ત્યારે પોતાની પત્નિને ‘ ચેસ્ટીટી બેલ્ટ ‘ પહેરાવીને જતો….આ માહિતિને આજના ચર્ચાના વિષય સાથે કોઇ સંબંઘ નથી. ફક્ત નોલેજ…જાણ માટે જ છે .)

  ભારતીય ન્યાયતંત્ર, પોલીસતંત્ર,ની ઢીલાસ ખોટા કર્મોને વઘુ ફેલાવા માટે જવાબદાર ગણવા જોઇઅે. અને અેટલીસ્ટ ૪૦ ટકાની આસપાસના પોલીટીશીયનો પોતે પણ આવા કુકર્મોમાં હોવાના સમાચારો જાણવા મળેલા છે..

  આવા સંજોગોમાં યુવતીઓને પોતાની ઇજ્જત અને જીવન બચાવવા શું કરવું જોઇઅે તેની સમજ આપવી જોઇે. દક્ષીણ ભારતમાં આવાજ અેક કેસમાં પોલીસે લીઘેલાં પગલાઓની બઘે જ વાહ વાહ થયેલી. તુરંત ન્યાય.. ગુનેગારોને ઇમીડીઅેટ સજા. આવા પ્રસંગો બળાત્કારીઓને ચેતવણી આપશે….કેમ આ યુવતીઓને પોતાને ફુલ્લનદેવી ના બનાવવી ? ભારતનું પોપ્યુલેશન અેટલું મોટું છે કે આવા પ્રસંગો બનવા જ રહ્યા. જ્યાં પોલીસતંત્ર ઓનેસ્ટ ના હોય ત્યાં બીજું શું જોવા મળે ?…દિકરીઓઅે પોતે પોતાની રક્ષા કરવાના રસ્તાઓ શોઘવા રહ્યા. અને સરકારે પણ તેને માટે દિકરીઓને કાયદાથી છુટ આપવી જોઇઅે. રાજ્યોની સરકારો પણ પાછી પડે છે.

  વઘુ ચર્ચા થાય તેવી આશા સાથે…..

  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. ઘણા પશ્ચિમી દેશો માં કાયદો છે કે લગ્ન કે પતિ પત્ની ના સંબંધ સીવાય એક નર અને નારી સમંતિ થી શરીર સંબંધ જોડી શકે છે. વધુમતી ના દેશો માં આ કૃત્ય ગેરકાનૂની ગણાય છે. મુસ્લિમ ધર્મ શાસ્ત્ર અનુસાર ઇસ્લામ ધર્મ માં આ કૃત્ય માટે કોરડા મારવાની સજા રાખવામાં આવેલ છે જેનો અમલ સઉદી અરેબિયા , ઇન્ડોનેશિયા તથા ઘણા ઇસ્લામી દેશો માં થાય છે. આવી સજા યુવતીઓનું શોષણ અટકાવવા માં અસરકારક નીવડી શકે છે.

  Like

 4. .મા શ્રી રમેશ સવાણીનો યુવતીઓએ પોતાનું શોષણ અટકાવવા કઈ કાળજી લેવી જોઈએ?
  દરેક મા બાપે આ વાત સમજી પોતાની દીકરીની સાથે પણ આ વાત ચર્ચવી જોઇએ જેથી આ દુષણ ઓછુ કરવામા મદદ રુપ થાય
  ધન્યવાદ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s