મુ. નગીનદાસ સંઘવીનો ભ્રમ(આદ્ય શંકરાચાર્ય જેવો બીજો રૅશનાલીસ્ટ મેં જોયો–જાણ્યો નથી)ને દુર કરવા માટે પ્રા. રમણ પાઠકે કયું ચીંતન પ્રસ્તુત કર્યું? મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તથા ધર્મમાન્યતાઓને વેદવાક્ય માની માથે ચઢાવીને ક્યાં સુધી ફર્યા કરશે?
વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :
રૅશનાલીઝમ અને અદ્વૈતવાદ, ભક્તીવાદ
–રમણ પાઠક (વાચસ્પતી)
શુદ્ધાદ્વયબ્રહ્મ વીષાધનાશ્યા
સર્પભ્રમો રજ્જુવીવેક્તો યથા ।
રજસ્તમ: સત્ત્વમીતી પ્રસીદ્ધા
ગુણાસ્તદીયા: પ્રથીતૈ: સ્વકાર્યૈ: ।।
જેમ રજ્જુ (દોરડા)ના વાસ્તવીક જ્ઞાનથી સર્પની ભ્રાંતી નાશ પામે છે તેમ માયા તથા માયાના પરીણામરુપ મલથી રહીત તેમ જ અદ્વીતીય એવા બ્રહ્મના જ્ઞાન વડે માયા નાશ પામવાની જ છે, તે સદ્રુપ નથી. સત્ત્વ, રજસ અને તમસ આ તેનાં કાર્યો વડે પ્રસીદ્ધ ગુણો છે અને તે સુખ, દુ:ખ તથા મોહરુપ છે.
–શ્રીમદ્ શંકરાચાર્ય (‘વીવેકચુડામણી’ – 100)
નગીનદાસ સંઘવીએ અમારી રૅશનાલીઝમની પ્રચારઝુમ્બેશના ઝનુની વીરોધમાં કહી નાખ્યું કે આદ્ય શંકરાચાર્ય જેવો બીજો રૅશનાલીસ્ટ મેં જોયો–જાણ્યો નથી; કારણ કે ઉક્ત જગદગુરુએ ઘોષણા કરી છે કે ‘અગ્ની શીતળ છે એમ ભલે સો વેદોમાં કહ્યું હોય તો પણ હું એ ન જ સ્વીકારુ’ (જેનો ઉલ્લેખ અત્રે એક લેખમાં મેં કરેલો જ છે). એના અનુસંધાનમાં હવે મુ. નગીનદાસજીનો પ્રસ્તુત ભ્રમ દુર કરવા માટે, તેઓની સમક્ષ શંકરાચાર્ય વીરચીત ‘વીવેકચુડામણી’ ગ્રંથનું કેટલુંક ચીંતન પ્રસ્તુત કરું. અત્રે યાદ રાખવું ઘટે કે પુ. જગદગુરુના અદ્વૈતવાદી ચીંતનનો આ શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. વીદ્વાનો જણાવે છે કે શાંકરભાષ્ય, બ્રહ્મસુત્ર આદી મુખ્ય ગ્રંથોના ચીંતનમાં જેઓની મન્દબુદ્ધી પ્રવેશી શકતી નથી એવા અલ્પમતી મનુષ્યોને સંસારરુપી અન્ધારા કુવામાંથી બહાર કાઢવા માટે જગદગુરુ આચાર્યભગવાને નાનામોટા સર્વે કોઈને સુખપુર્વક સમજાય તેવો આ પ્રકરણગ્રંથ રચ્યો; જે શાંકરમતના સારરુપ શ્રી. શંકરાચાર્યજીનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. અત્રે મારો ઉપક્રમ એ સત્ય સીદ્ધ કરવાનો જ છે કે, ‘આત્મા–પરમાત્મા તથા બ્રહ્મવીષયક ચીંતન ચલાવનાર કોઈ પણ પુરુષને કદાપી રૅશનાલીસ્ટ (વીવેકબુદ્ધીવાદી) કહી શકાય જ નહીં. ઓશો રજનીશ પણ ઉત્તરકાળમાં આ પ્રકારના ચીંતનમાં જ પ્રાધાન્યે સરી પડ. એનું કારણ એ જ કે રૅશનાલીઝમનો ગમે તેટલો આશ્રય લો યા પ્રચાર કરો તો પણ જો તમારે કોઈ પંથ સ્થાપવો યા ચલાવવો હોય તો મીસ્ટીસીઝમનો સહારો અન્તે લેવો જ પડે. મારા મતે બૌદ્ધીક અભીગમનું મીશ્રણ કરીને પણ સ્પેક્યુલેટીવ (ધારણાવાદી) ફીલોસોફી પ્રચારનારા સર્વ વીચારકો અન્તે તો ‘મીસ્ટીક’ (રહસ્યવાદીઓ) જ ઠરે. કપોળકલ્પીત એવું અધ્યાત્મ મીસ્ટીસીઝમથી ભીન્ન સમ્ભવી જ કેવી રીતે શકે? આત્મા–પરમાત્મા કે બ્રહ્મની ચીંતનચર્વણા અન્તે તો અમુર્ત એવી ધારણાની ભુમીકા પર જ વીસ્તરી શકે. માટે એવું ચીંતન સ્પેક્યુલેટીવની વ્યાખ્યામાં જ સમાવીષ્ટ થાય. અગાઉના લેખમાં સર્પરજ્જુન્યાયનું ઉદાહરણ ટાંકેલું, એથી પ્રારમ્ભે પ્રસ્તુત ચીંતનપીઠીકારુપ એક શ્લોક ટાંક્યો છે, જે સીદ્ધ કરે છે કે શાંકરમતના ચીંતનનો પ્રધાન યા સારાંશરુપ ધ્વની એ જ છે કે આ સંસાર ભ્રમણા છે, કેવળ માયારુપ છે જે માયા સામાન્ય મનુષ્યના અજ્ઞાનનું કારણ છે. બ્રહ્મના સત્યજ્ઞાન વડે જ આ માયાનો નાશ થઈ શકે છે અને મન્દબુદ્ધી ચીત્ત ભ્રમણામુક્ત થાય છે.
નવમી સદીમાં થઈ ગયેલા શ્રી. જગદગુરુના પ્રશંસાભીધાનથી સમ્પ્રતીષ્ઠીત એવા અધ્યાત્મવાદી તત્ત્વજ્ઞાની શંકરાચાર્યે ‘બ્રહ્મ સત્યમ્ જગત્ મીથ્યા’, ‘અહં બ્રહ્માસ્મી’, ‘સર્વમ્ ખલુ ઈદમ્ બ્રહ્મ’ જેવાં સુત્રો અર્થાત્ પાયાની ભુમીકા આધારીત કેવલાદ્વૈતવાદી ફીલસુફી વીકસાવી. તેઓના પ્રકાંડ જ્ઞાન તથા વાક્શક્તી, કવીત્વશક્તીના બૃહદ્ વીનીયોગ વડે એનો એવો તો સબળ પ્રચાર કર્યો કે બૌદ્ધ ધર્મનો તો એથી સદંતર વીલય થયો જ, ઉપરાંત પરમ્પરાગત સનાતન બ્રાહ્મણધર્મના પ્રભાવમાં પણ થોડી ઓટ આવી ગઈ.
શ્રીમદ્ શંકરાચાર્યની કાવ્યમય છતાં તત્ત્વાભાસી દલીલોનો પરીચય કેવળ જ્ઞાન ખાતર અત્રે પ્રસ્તુત કરીએ પહેલાં તેઓના અવૈજ્ઞાનીક આદર્શવાદ વીશેનો એક મુલ્યવાન–સત્ત્વશીલ મત અત્રે ટાંકીએ :
જાણીતા લેખક, વીચારક, રાજકીય તથા આર્થીક આલમના સમીક્ષક બટુક વોરા, તેઓના નજીકમાં જ પ્રસીદ્ધ થનારા પુસ્તક ‘ગરુડની આંખે’માં લખે છે : શંકરે જાહેર કરેલું કે ‘જ્ઞાન મેળવવાનાં તમામ સાધનો–નીરીક્ષણ, અનુભુતી, અનુમાન, જ્ઞાનસંચય આદીનો સદન્તર અસ્વીકાર કરવો જોઈએ; કારણ કે આ બધાં સાધનોનો ઉપયોગ માત્ર અજ્ઞાનતાના તબક્કામાં થઈ શકે. અજ્ઞાનતાનું મુળભુત કાર્ય, જે હકીકતોનું અસ્તીત્વ જ નથી એવી બાહ્ય–કાલ્પનીક વાતોને માનવચીત્ત ઉપર લાદવાનું છે, એ સીવાય જ્ઞાનનાં આ કહેવાતાં સાધન અન્ય કશું મુલ્ય ધરાવતાં નથી. માટે જ્ઞાનની એકમાત્ર પુર્વશરત ‘અજ્ઞાનતા’માં જ રહેલી છે. એકમાત્ર વાસ્તવીકતા જ એ છે કે જે અનાવરીત ચેતનારુપે, આત્મસ્વરુપે અસ્તીત્વ ધરાવે છે. શંકરના આ અનાવરીત ચેતનાસ્વરુપને જ ઓશો રજનીશ ‘પુર્ણ નીર્દોષતા’ કહીને સ્વીકારે છે. આમ ભારતની પ્રાચીન આદર્શવાદી સ્પેક્યુલેટીવ ફીલસુફીનો પાયો જ આ કહેવાતા ક્રાંતીકારી વીચારકો પણ દૃઢતર બનાવે છે. એમાં વીવેકબુદ્ધીવાદ યા વૈજ્ઞાનીક અભીગમનો સમ્પુર્ણ અભાવ જ સ્પષ્ટ સમજાય છે.’
(ઘટતા શાબ્દીક ફેરફાર સાથે – લેખક) આમ, શ્રીમદ્ શંકરાચાર્યજીની ચીંતનક્ષેત્રે જેટલી પ્રતીષ્ઠા થાય છે એ અલબત્ત અવાસ્તવીક છે. એથી ઉલટું, ધર્મસુધારક તરીકે તેઓના કાર્યને વધુ મુલ્યવાન ગણવું ઘટે; કારણ કે તેઓએ અનેક મીથ્યા કર્મકાંડ, વહેમો, અન્ધશ્રદ્ધાઓ, વર્ણાશ્રમધર્મ, મુર્તીપુજા, અનેકેશ્વરવાદ, યજ્ઞાયાગદી જેવાં અનીષ્ટો સામે પ્રચંડ યુદ્ધ ચલાવ્યું અને નોંધપાત્ર વીજય પણ પ્રાપ્ત કર્યો. ‘સીદ્ધાંતબીન્દુ’માં તેઓ સશક્ત વાણીમાં પ્રબોધે છે : મને વર્ણો નથી, વર્ણાશ્રમધર્મના આચાર એ મારા નથી. ધ્યાન, ધારણા તથા યોગાદીનો મને કશો ખપ નથી – દેવો નથી, વેદો નથી. યજ્ઞો નથી, તીર્થ નથી, હું શૈવ નથી, જૈન નથી, સાંખ્ય નથી, મીમાંસાક નથી, શાસ્તા નથી, શાસ્ત્ર નથી, શીષ્ય નથી, શીક્ષા પણ નથી – ઈત્યાદી અભેદબોધ તેમ જ કર્મકાંડ, જ્યોતીષ, સ્વર્ગ, નરક જેવી માન્યતાઓનો એકંદરે વીરોધ એ શ્રીમદ્ શંકરાચાર્યના ઉપદેશનો પ્રધાન ધ્વની છે. આમ છતાં તેઓ ‘ભજગોવીન્દમ’નો અનુરોધ પણ કરે જ છે. ઉપરાંત વેદવેદાંતાદીનાં પ્રમાણોને પણ સમર્થે છે. ટુંકમાં શ્રીશંકર ધર્મસુધારક હતા; પરન્તુ મોટા ક્રાંતીકારી તો નહોતા જ, મતલબ કે અનેક પરમ્પરાઓ પ્રતી તેઓનો અભીગમ અનીર્ણીત યા વીરોધાભાસી રહ્યો, જેનું મુખ્ય કારણ એ જ કે પ્રત્યેક ચીંતન યા વ્યવહારને તેઓ કેવલાદ્વૈતના સીદ્ધાંત દ્વારા મુલવવાનો આગ્રહ સેવતા હતા, જ્યારે તેઓનું આંતરીક સંસ્કારસત્ત્વ ભક્તીમાર્ગી હોવાનું સમજાય છે. આમ છતાં કર્મકાંડની અપ્રતીષ્ઠાના ક્ષેત્રે તેઓ કરેલા પ્રદાનનું મુલ્ય ઓછું આંકી શકાય નહીં.
‘હું નામાદીથી વીરહીત છું. નરક, સ્વર્ગ તથા મોક્ષથી પર છું, સમગ્ર વેદોનો સારભુત છું. હું મન્ત્ર સહીત હવીષ્ય–હોમ આદી ક્રયારુપ યજ્ઞ કરનાર, કરાવનાર અને યોગરુપ છું. હું ઈન્દ્ર, યમ, વરુણ, યક્ષ, રાક્ષસ, મરુત, રુદ્ર તથા અગ્નીરુપ છું.’
(શ્રી સ્વાત્મનીરુપણ)
આમ જગદગુરુશ્રી વીશ્વના તમામ વીવર્તોને મુળભુત સ્વરુપે બ્રહ્મરુપ ગણી, ‘અહં બ્રહ્માસ્મી’ ભાવે કેવલાદ્વૈતના અનુભવથી સર્વ કર્મકાંડને અનાવશ્યક ગણાવે છે. જો કે આ સમગ્ર વીશ્વ કેવલ બ્રહ્મ જ છે અને સમસ્ત સંસાર મીથ્યા ભ્રમણા છે એવી ધર્મભાવનાનો પ્રચાર માનવીને નીષ્ક્રીય તથા ઐહીક જીવનવ્યવહાર પ્રતી ઉદાસીન બનાવી શકે; પરન્તુ માનવ–પ્રકૃતી જ એવી છે કે તે ભાગ્યે જ દૈહીક સુખ તથા સભાનતાને ત્યજી શકે. આથી કેવલાદ્વૈત મત સમજમાં સર્વસ્વીકૃત બન્યો નહીં. કેવળ સૈદ્ધાંતીક ચર્ચાનો વીષય જ રહ્યો. નક્કર વાસ્તવીકતાની અવગણના અશક્ય તથા અનુચીત સમજાતાં શ્રી શંકરાચાર્ય પછીના મોટા ભાગના આધ્યાત્મીક ચીંતકોએ પણ પ્રસ્તુત મતનો વીરોધ જ કર્યો અને એવો સુધરેલો મત પ્રચાર્યો કે ‘બ્રહ્મ સત્યમ્, જગત્ સત્યમ્’ અર્થાત્ બ્રહ્મ સત્ય છે તો એના વીવર્તરુપ આ જગત અસત્ય સમ્ભવે જ શી રીતે? મતલબ કે આ સંસાર પણ સત્ય જ છે; જ્યારે રૅશનાલીઝમ તો એ નક્કર સત્ય વાસ્તવીકતામાં માને છે કે ‘બ્રહ્મ મીથ્યા, જગત સત્યમ.’
આધુનીક વીજ્ઞાને શોધ્યું કે સમગ્ર વીશ્વ પરમાણુનું બનેલું છે એ જાણી શાંકરમતના પ્રશંસકો આનન્દમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે આપણા પ્રાચીન ધર્મચીંતકો પોતાની દીવ્યદૃષ્ટીથી જે જોઈજાણી શકતા એ જ સત્યો આજે વીજ્ઞાન શોધી રહ્યું છે તથા સીદ્ધ કરી રહ્યું છે. હમણાં જ રૅશનાલીઝમ તથા વૈજ્ઞાનીક અભીગમ તરફી મારું પ્રવચન સાંભળતા આપણા વાચકમીત્રોની જેમ જ એક શ્રોતા બહેન ઉશ્કેરાઈ ગયાં અને ગર્જી ઉઠ્યાં કે ‘પ્રાચીનો–આપણા પુર્વજો કશું જ જાણતા નહોતા, આપણી કોઈ સંસ્કૃતી જ નહોતી એવું એવું તમે માનો છો અને પ્રચારો છો એ રાષ્ટ્રદ્રોહ છે. હકીકતે, પશ્ચીમની વીજેતા પ્રજાઓ મુળ આપણા જ જુના ગ્રંથો ચોરી ગઈ છે અને એમાંથી જ આજે નવી નવી વૈજ્ઞાનીક શોધો કરી રહી છે.’ મેં એ બહેનને ફક્ત એટલો જ સામો પ્રશ્ન કર્યો કે ‘બહેન, એકાદ તો એવા ગ્રંથનું નામ આપો કે જેમાં રૉકેટવીદ્યા, ઈલેક્ટ્રોનીક્સ, ઑક્સીજન, કીડની–પ્રત્યારોપણ કે કૉમ્પ્યુટરનો ઉલ્લેખ હોય? હા, એક ‘વૈમાનીક શાસ્ત્ર’ મળે છે ખરું, અને એના રચયીતા ભારદ્વાજ ઋષી ગણાય છે; પણ એનું કર્તૃત્વ શંકાસ્પદ સમજાયું છે અને એના વર્ણન મુજબનું વીમાન બનાવીને ઉડાડતાં ફક્ત રમકડા–વીમાન જ પુરવાર થયું છે. આવાં અસત્ય ખ્યાલો, જુઠાણાં ધર્મગુરુઓ જ પ્રચારે છે અને ભોળા જનો એ માની પણ લે છે, બાકી આજે ‘વીજ્ઞાન’ની જે વીભાવના આપણા ચીત્તમાં સ્પષ્ટ છે એવું કોઈ વીજ્ઞાન પ્રાચીન કાળમાં જ્ઞાત યા પ્રવર્તમાન હતું જ નહીં. આવા ખ્યાલોમાં રાચવું એ મીથ્યા (ફોલ્સ) રાષ્ટ્રવાદ ગણાય.
અન્તમાં આદ્ય જગદગુરુ શંકરાચાર્યજીની કવીત્વમય, સશક્ત વાણીનો અલ્પ પરીચય પામી લઈએ :
જો ઝરણામાં યા નદીમાં અથવા તો મન્દીરમાં કે ચૌટામાં, ગમે ત્યાં વૃક્ષનું એક પર્ણ ખરી પડે, એથી વૃક્ષને શો લાભાલાભ? જેમ પાંદડાં, ફુલ યા ફુલનો નાશ થતાં વૃક્ષને કશી જ અસર થતી નથી તેમ શરીર, ઈન્દ્રીયો, પ્રાણ યા બુદ્ધીના નાશથી આનન્દરુપ આત્મા નષ્ટ થતો નથી. જેમ ઘડો ભાંગી જતાં તેની અન્દર રહેલું આકાશ સ્પષ્ટ રીતે આકાશરુપે પ્રગટે છે એ જ રીતે દેહાદી ઉપાધીનો વીલય થતાં બ્રહ્મજ્ઞ સ્વયં બ્રહ્મરુપે જ પ્રગટ થાય છે, ઈત્યાદી.
ભેદાપગમે નાથ,
તવાહં, ન મામકીનસ્તવમ્ ।
સામુદ્રો હી તરંગ: ન કવચન
સમુદ્રો હી તારંગ: ।।
આમ જગદગુરુ શંકરાચાર્યજી કોઈ રૅશનાલીસ્ટ નહીં; પરન્તુ અભેદમાર્ગી છતાં તત્ત્વત: ભક્તીમાર્ગી જ પ્રતીત થાય છે. ગુજરાતમાં, પંડીતયુગના પ્રકાંડ સાક્ષરો મણીલાલ તથા આનન્દશંકરે પણ કેવલાદ્વૈતવાદના શાંકરમતની બૃહદ્ ચર્ચા કરી; પરન્તુ સમાજ ઉપર એનો કોઈ પ્રભાવ કદી પાડી શકાયો નથી, સમાજ બહુધા ભક્તીમાર્ગી જ રહ્યો છે. શાંકર મતનું ભારતમાં પણ એ જ પરીણામ રહ્યું. હા, શંકરાચાર્યજીના ચાર મઠો ગુજરાત સહીત, અદ્યાપી તેમના દબદબાપુર્વક વીદ્યમાન છે ખરા!
ભરત વાક્ય
જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક
એવી નીરર્થક નીતીકથાઓ તથા ધર્મમાન્યતાઓને વેદવાક્ય માની
માથે ચઢાવીને ફર્યા કરશે, ત્યાં સુધી સાચી માનવસંસ્કૃતીની
આશા સેવવી એ કેવળ અર્થહીન કલ્પનામાં રાચવા બરાબર છે.
♦બર્ટ્રાન્ડ રસેલ♦
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડયા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-) તે પુસ્તક ‘મધુપર્ક’નું દસમું પ્રકરણનાં પૃષ્ઠક્રમાંક : 63થી 67 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com અને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
લેખ ગમ્યો, સરસ લખાણ, વિચારો અને વિવાદ.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
મિત્રો,
ભારતીય પુરાણો અને તેવા જ બીજા સર્જનો તે તે સમયને માટે સુંદર ચિંતન પુરુ પડતા પુસ્તકો હતાં.
આજે, ૨૦૨૦ ( ઇસુ સંવત ) કે ૨૦૭૫( વિક્રમસંવત ) ના વરસની માનવ વસ્તીના દૈનિક જીવનમા વપરાતી જીવન પઘ્ઘતિ સાથે કેટલા અંશે મનમેળ ઘરાવે છે તે પ્રશ્ન વિચારવા યોગ્ય છે. પૂજ્ય રમણભાઇઅે , તેમને , આ પ્રશ્નના જવાબમાં જે ખૂબ જ નજીક વિચાર જણાયેલો તે ટાંકી દઇને આ લેખની ચર્ચા પુરી કરી છે. તેમણે બર્ટરાન્ડ રસેલના વિચારો ટાંક્યા છે.
‘ જ્યાં સુઘી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાતપ્રચારક અેવી નીરર્થક નીતીકથાઓ તથા ઘર્મમાન્યતાઓને વેદવાક્ય માનીને માથે ચઢાવીને ફર્યા કરશે, ત્યાં સુઘી સાચી માનવસંસ્કૃતિની આશા સેવવી અે કેવળ અર્થહીન કલ્પનામાં રાચવા બરાબર છે.‘
બીજો સવાલ અે છે કે આજે ૨૦૨૦ના ઇસુના વર્ષમાં આ ચર્ચા કરનારા વિદ્વાનો પોતે પુરાણોમાં જેની ચર્ચા થઇ છે તેનો કેટલો અંશ પોતે જીવે છે ?
સમયની સાથે બદલાવુ જ પડે છે. વિજ્ઞાનની હરણફાળ પૃથ્વિની ઉપરના જીવનને કય્ાં ક્યાં લઇ ગયુ છે તેનો વેચાર કરવો રહ્યો અને આ રોજે રોજ વઘુ વિકસતું જતું વિજ્ઞાન પાસે ભાવિને માટે શું શું પડેલું છે તે તો સમય જ બતાવશે. આજે હાથમાં ‘ સેલફોન ‘ લઇને ફરતું નાનુ બાળક ઘરના વડીલોને તેનું વિજ્ઞાન શીખવે છે. માનવ સ્વભાવ બે પ્રકારના છે. અેક નવા વિજ્ઞાનના જ્ઞાનને માનવહીતમાં વાપરનારા અને બીજા માનવસંહારમાં વાપરનારા.
જૂના પુરાણોના જ્ઞાનને રેફરન્સ તરીકે વાપરીને સમયને અનુરુપ વિજ્ઞાનની શોઘો કરવી તે જ વિજ્ઞાનનો આશય હોય છે. આ ચર્ચામાં સમૃઘ્ઘ લેખના પેરેગ્રાફ જે ના શરુઆતના શબ્દો છે…‘આઘુનીક વિજ્ઞાને શોઘ્યુ કે………….‘ વાંચનારને આજના સમયને સમજાવતું જ્ઞાન છે..‘
ચર્ચાને ચોરે આ લેખ જરુરથી ઇન્ટરેસ્ટીંગ છે. આજના રોજીંદા જીવનમાં વાપરવા માટે નહિ. અભ્યાસક્રમમાં સમાવીને ભારતના જૂના જ્ઞાનના જનકોના વિચારોને સમજવા માટે અૈતિહાસીક વેલ્યુ ઘરાવે છે. પુરાણોને ‘ જ્ઞાનનો ભંડાર ‘ જરુરથી માની શકાય. આજના રોજીંદા જીવનમાં વાપરવા માટે નહિ.
આવતી પેઢીઓ શું કરશે ? આજે પુરાણો અને તેના સર્જકોના જ્ઞાનને પોતાના ‘ વૈજ્ઞાનિક ‘ જીવન પઘ્ઘતિમાં વાપરી શકશે ?
સમય…સમય…બલવાન…નહિ મનુષ્ય………ચલના જીવન કી કહાણી રુકના મૌત કી નીશાની.
મેં આજે ચર્ચાને અેક જુદો મોડ આપ્યો છે. પૂજ્ય રમણભાઇનો હું ચાહક છું અને રહીશ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
અભ્યાસપૂર્ણ લેખમા આવા રૅશનાલીસ્ટ વિચાર
‘શ્રીમદ્ શંકરાચાર્યજીની ધર્મસુધારક તરીકે તેઓના કાર્યને વધુ મુલ્યવાન ગણવું ઘટે; કારણ કે તેઓએ અનેક મીથ્યા કર્મકાંડ, વહેમો, અન્ધશ્રદ્ધાઓ, વર્ણાશ્રમધર્મ, મુર્તીપુજા, અનેકેશ્વરવાદ, યજ્ઞાયાગદી જેવાં અનીષ્ટો સામે પ્રચંડ યુદ્ધ ચલાવ્યું અને નોંધપાત્ર વીજય પણ પ્રાપ્ત કર્યો. ‘સીદ્ધાંતબીન્દુ’માં તેઓ સશક્ત વાણીમાં પ્રબોધે છે : મને વર્ણો નથી, વર્ણાશ્રમધર્મના આચાર એ મારા નથી. ધ્યાન, ધારણા તથા યોગાદીનો મને કશો ખપ નથી – દેવો નથી, વેદો નથી. યજ્ઞો નથી, તીર્થ નથી, હું શૈવ નથી, જૈન નથી, સાંખ્ય નથી, મીમાંસાક નથી, શાસ્તા નથી, શાસ્ત્ર નથી, શીષ્ય નથી, શીક્ષા પણ નથી – ઈત્યાદી અભેદબોધ તેમ જ કર્મકાંડ, જ્યોતીષ, સ્વર્ગ, નરક જેવી માન્યતાઓનો એકંદરે વીરોધ એ શ્રીમદ્ શંકરાચાર્યના ઉપદેશનો પ્રધાન ધ્વની છે. ‘વાત ગમી તે આનંદદાયક છે.દરેક લોકોના અભ્યાસ પ્રમાણે શ્રીમદ્ શંકરાચાર્યના ઉપદેશ રહ્યો છે.
સામાન્ય લોકોને ટૂંકમા આધ્યાત્મ સમજાવવા ભજ ગોવિંન્દ–પ્રમાણે સરળ ભાષામા સમજાવ્યું. આવા ઘણા પ્રશ્નો તેમના ચિંતન મનન તપ બાદ લખાયલા લેખ માટે થાય કારણ કે આવા અનુભૂતિ માટે આવા ચિંતન મનન તપની જરુર હોય છે.કેટલીક વાતમા અર્ધ સત્ય જેમ કે અહિંસા પરમો ધર્મ જ્યારે આખો શ્લોક જાણીએ તો ગેરસમજ દૂર થાય જેમકે
“અહિંસા પરમો ધર્મ: ધર્મ હિંસા તથૈવ ચ:”
(અહિંસા એ સૌથી મોટો ધર્મ છે અને ધર્મની રક્ષા હેતુ કરવામાં આવેલી હિંસા સારી જ છે)
LikeLiked by 1 person
હાલમાં જ ક્યાંક જોવા મળ્યું, “બ્રહ્મ સત્ય જગત મીથ્યા” એ લખનાર કે કહેનાર પણ આ મીથ્યા જગતમાં જ જીવ્યો અને મર્યો હશે.
સરસ લેખ. ગમ્યો. હાર્દીક આભાર ગોવીન્દભાઈ. અને રમણભાઈના તો આપણે હંમેશાં ઋણી છીએ જ. ખુબ સરસ ચીંતન.
LikeLiked by 1 person
Powerful analysis and criticism of shri Shankaracharya’s philosophy. Thanks a lot Ramanbhai!
LikeLiked by 1 person
Nice article
LikeLiked by 1 person
વિક્રમ સંવત ૨૦૭૫ના વરસમાં પ્રત્યેક હિન્દુ ‘ રીયલ લાઇફ ‘ જીવી રહ્યો છે. આપણા , ઇવન આજના જમાનામાં, સમાજ સુઘારકો કુરીવાજોનો વિરોઘ કરીને સમાજને સંસ્કૃત બનાવવાના યોગમાં પોતાની જાતને હોમી રહ્યા છે.
પરંતું……
આજનો મોર્ડન સમાજ, લગ્નમાં કે મરણમાં કે બીજી સામાજીક કે કૌટુંબિક ઘાર્મિક કહેવાતી ક્રિયાઓ ‘ કુરીવાજ‘ ના સ્વરુપે જ આચરે છે અને તેમાં ગર્વ અનુભવે છે. કદાચ દેખા દેખી કરીને પોતાનું ‘ ગર્વ ‘ સાચવીને ‘ જીત ‘ ઉજવે છે.
આપણે જેને ‘ આદર્શ ‘ કહીઅે છીઅે તે તો શબ્દના માળખામાં જ જીવે છે…રીયાલીટીમાં તો ‘ આદર્શ‘ ને દફનાવી દેવાયા છે. ( થોડા આદર્શવાદીઓને બાદ કરતાં. )
હિંસા અને અહિંસાનો પ્રશ્ન વિચારીઅે.
આજે પૃથ્વિ ટોટલી….‘ હિંસા ‘ ના માહોલમાં સડી રહી છે. અહિંસા ફક્ત કહેવાતું ‘ આદર્શ ‘ બનીને રહી ગયુ છે. ગાંઘીજીઅે પણ પોતાની આત્મકથાને ‘ મારા સત્યના પ્રયોગો ‘ કહી છે…અહિંસા પણ તેમને માટે અેક ‘ સત્યનો પ્રયોગ ‘ જ બની રહ્યો હતો. ભારતનો ઇતિહાસ અને મેળવેલી ‘ આઝાદી ‘, હિંસાના …બલીદાનના બેઝ ઉપર જ મેળવવામાં આવેલી.
આદર્શો હંમેશા….મેળવવાના હોય છે…પામવાના પ્રયત્નો થકી મેળવવાના હોય છે. કેટલાં ટકા પામીઅે….સિઘ્ઘ કરીઅેતે દરેક વ્યક્તિના પોતાના પ્રયત્નો ઉપર આઘારિત હોય છે.
આજનો સમાજ…પુરેપુરો સમાજ….‘ સ્વકેન્દરીય ‘ ‘ સેલ્ફસેન્ટર્ડ ‘ બની ગયો છે. Struggle for existence is the life. …….REALITY is our life. Let us be HONEST…..Accept the TRUTH……
સુવાક્યો….સુંદરતા વઘારનારા બની ગયા છે. સંસ્કૃત બનવા માટે ફક્ત નરસિંહ મહેતાના ભજનને જીવનમાં ઉતારો તો કોઇ પણ પુરાણોને વાંચવાની અને જીવનમાં ઉતારવાની જરુરત નહિ પડે….
‘ વૈષ્ણવજન તો તેને રે કહીઅે જે પીડ પરાઇ જાણે રે,
પર દુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે,
શકળલોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે…………..
વાચ કાચ મન નિશ્ચલ રાખે……………
વાચકને આ ભજન પુરુ વાંચી, સમજીને જીવનમાં બને તો …જેટલા ટકે…ઉતારી શકાય અેટલે ટકે જીવશો તો….જીવન જીતી જશો…..
.
આ ભજનને જન્મ આપીને નરસંહજીઅે દુનિયાના દરેક મહાન, ઘાર્મિક, સામાજીક, કૌટુંબિક…..મહાગ્રંથોને સમાવી લીઘા છે. બીજું કોઇ પણ લખાણ વાંશો નહિ અને આ ભજનને જીવનમાં ઉતારીને જીવન જીવશો….તો જન્મ મરણનો ખેલ જીતીને તરી જશો.
ાાજના સમયમાં જીવો….ભાવિની પેઢીને માટે જીવી જાણીઅે.
આભાર.
અમૃત હઝારી.
LikeLike