‘પુર્ણ માનવ’ અને ‘માનવ સમાજમાં આપણું કર્તવ્ય’

શું આપણે શરીર, મન અને બુદ્ધીના સ્તર પર જ જીવીએ છીએ? પુરી માનવજાતને અને સ્વપુર્ણ મહારાજને કયો રોગ લાગ્યો છે? માનવ સમાજમાં આપણું કર્તવ્ય શું છે? આપણાં જીવનમાં કયા ચાર મુદ્દાઓ મહત્ત્વના છે? ઘણી વખત જે કામ દવાથી નથી થતું એ કામ શાનાથી થાય છે?

 (4)

પુર્ણ માનવ

–સ્વપુર્ણ મહારાજ

ધન, માન, જ્ઞાન, મીત્રો, સ્નેહીઓ, કીર્તી, શરીર વગેરે જોઈએ એવું હોવા છતાં, જીવનમાં કંઈક ઘટતું હોય, કંઈક ખુટતું હોય એવું લાગ્યા કરે છે. બીજાની સાથેની સ્પર્ધા, સમન્વય પીછો છોડતાં નથી.

બધું જ હોય છતાં માણસને વીચાર આવે છે, શું સ્વામી વીવેકાનંદ જેવું મારું જીવન છે? રજનીશ, વીમળાતાઈ જેવું તો કેમ થવાય! ગાંધીજી, રવીન્દ્રનાથ, રાધાકૃષ્ણ, સરદાર, ડૉ. આંબેડકર જેવું જીવન જીવવાની ઈચ્છા થાય છે. મેઘજી પેથરાજ, નાનજી કાળીદાસ, જમશેદજી તાતા આગળ તો આપણી શી ગણના? આવી અનેક મહત્ત્વાકાંક્ષા માણસનો પીછો છોડતી નથી.

આ સ્પર્ધાભાવનું કારણ એટલું જ કે આપણે શરીર, મન, બુદ્ધીના સ્તર પર જ જીવીએ છીએ.

વીશ્વચેતના એ મારું સ્થાન અથવા રુપ છે અને એથી એમાં સ્થીત રહેવાય, જીવાય છે. આવી સમજ જ્યારે દૃઢ બને ત્યારે આવાં તનાવો, દબાણો હટી શકે છે.

પોતાના સ્વરુપ વીષે માણસ ભાગ્યે જ વીચારે છે અને આહાર–વીહાર, મનોરંજનમાં વધારે સમય વીતાવે છે. આપણી અતૃપ્તીનું કારણ બહારનો મોહ છે. હું કોઈને સમાજથી વીખુટા પડવાનું નથી કહેતો. આપણે માણસ છીએ. માનવોચીત કર્તવ્યો કરવાનાં જ હોય છે. માનવોચીત–માનવ ઉચીત કર્મ ત્યારે જ સુંદર બને જ્યારે તમે આત્મસ્થીત રહો, આત્મસ્થીતનો અર્થ એવો ન કરતા કે બધાં કામો છોડીને એકાંતમાં સમાધી–અવસ્થામાં પડ્યું રહેવું.

માણસે પોતાનો થોડો સમય પોતાનું મુળ સ્વરુપ શું છે, એના ચીંતન–મનમાં વીતાવવો જોઈએ. જીવનનો પાયો આત્મનીષ્ઠા છે. પોતાના જ જીવનમાં ઉંડો રસ લેનારા જગતમાં આખરે મહાન બન્યા છે. સમાજમાં પોકળ પ્રતીષ્ઠા મેળવવાના પ્રયાસો ઓછા કરી આત્મરત રહેવાનો મહાવરો કરો.

પુરી માનવજાતને એક રોગ લાગ્યો છે, હું બીજાથી પાછળ રહી જઈશ તો? એ રોગમાંથી તમે છુટો અને તમારી તૃપ્તીના દર્શન કરવામાં હું આનન્દ અનુભવું એ મારું વ્યસન પણ છે. મારે તૃપ્ત માણસોના જ દર્શન કરવા છે. મારો એ એક રોગ જ છે. એની દવા તમે જ કરી શકો. ઘણી વખત માણસ પોતાની દવા પોતે કરી શકતો નથી.

તમારી અતૃપ્તીના દર્શન કોઈને ન કરાવો. કોઈને ડરાવવા, નાના બતાવવા કે ઈર્ષાથી કોઈને બાળવા તમારા જીવનને પ્રદર્શનમાં ન મુકો. તમારી સરળતા અને સહજતા જ તમે દુનીયાને પીરસો. કોઈને પ્રભાવમાં નાંખી દેવાનો ધંધો પાપ જ છે.

પોતાને, પોતાની અન્દર જ સોરવે, ગમતું રહે એ જ મહાન પુરુષાર્થ છે.

દુ:ખના છોડને ત્રણ પાંદડાં હોય છે : સંકોચ, વીક્ષેપ અને ભય. આ ત્રણની અસરો ન થાય એ પુરો માણસ.

(5)

માનવ સમાજમાં આપણું કર્તવ્ય

શારીરીક શ્રમ, વીદ્યા અને સેવા – એ ત્રણની કાયમ જરુર છે.

નીર્ભ્રાંત દૃષ્ટી, શુદ્ધ ચીત્ત અને વ્યસન રહીત જીવન – આ ત્રણની જરુરીયાત છે. આ ત્રણ બાબતો જીવનમાં વણાઈ ગઈ હોય, તો પછી શારીરીક શ્રમ, વીદ્યા અને સેવા એ સમાજ માટે ઉપયોગી બને છે.

‘પરસ્પર દેવો ભવ’ – એકબીજાના ઉપયોગમાં આવવું, સહાયરુપ બનવું એ જ આપણા જીવનનું કર્તવ્ય છે.

જગતમાં અનેક પ્રકારના વીલાસ, વીકાસ, વીજ્ઞાન અને પરીવર્તનો નીત્ય નવાં નવાં થયા જ કરે છે, તેથી વીદ્યાની તો હમ્મેશાં જરુર રહેવાની જ.

 પેટ ભરવા શ્રમ તો કરવો જ જોઈએ, એટલે શ્રમની જરુર પણ રહેવાની જ. પ્રેમ વીના આ સંસાર સાવ લુખો, સુનો લાગે છે, માટે સેવા પણ કરવી જ જોઈએ.

કોઈ એક જ અનુશાસક, ધણી, ઈશ્વર છે – એવી બેહુદી માન્યતા સમાજમાં ફેલાણી છે. એનો પુરેપુરો અસ્વીકાર કરવો એ જ અત્યારે આપણું કર્તવ્ય છે. અનન્ત ચૈતન્ય મુળ દ્રવ્ય એક જ છે, એમાં સૌ સૌની ઈચ્છાથી–ઈચ્છા મુજબ જીવન–લીલા, વીલાસ ચાલ્યા કરે છે. જેને જેમ ફાવે તેમ માને – એવું વલણ સમાજમાં નહીં ચાલે. એમ કરવાથી મતભેદો વધતા જાય છે અને આખરે મારામારી થાય છે. સમાજમાં બંધારણ તો જોઈએ જ.

જે પરીસ્થીતી તમારી સામે આવી છે એને સહન કરી લેવી અને યોગ્ય કર્તવ્ય કર્યા કરવું.

જીવનમાં નીચેના ચાર મુદ્દાઓ મહત્ત્વના છે :

(1)    સત્યાગ્રહ : હીતમાં તમને જે બાબત સાચી લાગતી હોય એને પ્રાણાંતે પણ ન છોડવી.

(2)   અસહકાર : જેમાં માનવજાતનું હીત ન દેખાતું હોય એવી ક્રીયાને પ્રાણાંતે પણ ટેકો ન આપવો.

(3)    અસ્વીકાર : તમારી જાતને અને તમારા કર્મને જે વ્યક્તી ન માનતી હોય એનો કદી લાભ ન લેવો અથવા એની સેવાનો કદી પણ સ્વીકાર ન કરવો.

(4)     સેવા : આપણો કોઈ દુશ્મન હોય, તો પણ સેવા જ ધર્મ છે. આપણી પાસે એ યોગ્ય અપેક્ષા રાખતો હોય તો એનું કામ કરવું, એની સેવા કરવી.

જે બીજાને બાંધે છે તે જ બન્ધાયેલ છે. તમારું ઘર સુસજ્જ, સુખી, સમ્પીલું અને ઘણાં ઘરોથી આગળ પડતું હોય; તેમ છતાં તમે કંઈ માનવહીતમાં દાન, સેવા કરવા ઈચ્છો તો અવરોધો આવે છે; છતાં આપણે બડાઈ કરીએ છીએ કે અમારા ઘરમાં ખુબ સમ્પ ને શાંતી છે.

તમને પુછ્યા વીના ઘરની કોઈ વ્યક્તી જો પોતાની ઈચ્છાથી કાંઈ કરી શકતી ન હોય, તો એને તમે બાંધેલી જ ગણાય. તમને પુછ્યા વગર ઘરની કોઈ વ્યક્તી કંઈક કરવા ઈચ્છે અને પછી એને એમ થાય કે તમે વઢશો કે તમને દુ:ખ થશે તો? અને જ્યારે આવું લાગે ત્યારે તમે એને બાંધી જ ગણાય.

ઘરમાં પ્રેમનું સામ્રાજ્ય સૌથી મોટું સુખ છે. ઘણી વખત જે કામ દવાથી નથી થતું એ હેતથી, પ્રેમથી, સ્નેહથી થઈ જાય છે. મારા જીવનમાં મેં આ પ્રયોગ સફળ થયેલો જોયો છે. રસગ્રંથીઓ દવાથી રસ મુકવાનું કામ કરે છે. એ કબુલ જ છે; પરન્તુ આશ્વાસનના મીઠા શબ્દો, હેતસભર દૃષ્ટી અને નીર્દોષ સ્પર્શ જીવનમાં જે સ્ફુર્તી પ્રદાન કરે છે એ નીરાળી હોય છે.

એકતાનું ખોટું પ્રદર્શન કુટુમ્બને લાંબા ગાળે મોટું નુકસાન પહોંચાડે છે. એકતા કપટરહીત હોવી જોઈએ. બીલકુલ ચોરી વગરનું જીવન હોય ત્યારે જ પ્રેમ સમ્ભવે.

યાદ રાખજો બધાથી વધારે નુકસાન અન્તરભેદથી થાય છે.

તમારી ઈચ્છાઓ, ભાવનાઓ, ભોગવવાની રીતો કુટુમ્બ, મીત્રો કે સમાજને અનુકુળ ન હોય; ત્યારે તમારી હજારો ઈચ્છાઓ સતત કચડાયા કરે છે. એના લીધે દુ:ખ, પીડા અને અનેક યાતનાઓ તમારો પીછો છોડતી નથી. તો આનો ઉપાય શું?

ઉપાય એ જ કે તમારી ઈચ્છા, લીલા અને કાર્યો તમારા કુટુમ્બને કે સમાજને સમજાય, એને બંધ બેસે એવી રીતે એમને તૈયાર કરવા પુરુષાર્થ કરવો જોઈએ. સંયમ રાખો, તમારું જ્ઞાન અને કર્મો બીજાને ગળે ઉતારવા પુરુષાર્થ કરતા રહો. આ બે બાબતોમાં તમે જેટલું કરી શકશો એટલા પ્રમાણમાં મુક્ત અને સુખી બની શકશો.

જેણે જગત સુધારવું હોય એણે પ્રથમ સુધરવું પડશે. સુધારો તો આને જ કહેવો પડશે કે પોતે જ પોતાનામાં રાજી રહે. જેને પોતાના સીવાય બીજી વસ્તુ, વ્યક્તી કે ઉપાસનાની જરુર છે તે પોતે સુધર્યા નથી.

કોઈ માણસની વીરુદ્ધ જાય એવી ચેષ્ટા ન કરવી જોઈએ, આખી માનવજાતીના હીતમાં કૃત્ય કરવું.

સમ્પીને રીવાજો બનાવો અને મઝા કરો. કાં તો માની લો અને કાં તો બધાને મનાવી લો. અત્યારે જે માની લે છે એને અનુયાયી કહે છે અને મનાવી લે છે એને આદર્શ કહે છે.

–સ્વપુર્ણ મહારાજ

લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ વે આપણી વચ્ચે નથી.

ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ માનવતા [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી :1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આ પુસ્તક આજે ઉપલબ્ધ નથી)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

7 Comments

 1. Manav samajma apnu kartavya vanchine kharekhar ekdam haday sudhi ane sachi dharmni vyakhya sahaj samjay . Abhiyakti vanchine em thay k ane navyuvano ubha thayne ek samarth kutumb samaj ne pachhi rashtra nu nirman thay . Hu to bahu j prabhavit chhu ane em lage chhe k koi to jivan jivavano nichod api rahyu chhe . Jay shree krishna 🙏

  Liked by 1 person

 2. સ્વ સ્વપુર્ણ મહારાજના આદર્શવાળી વાતો ચિંતન મનન કરવાથી વધુ સમજાય
  ‘ઘરમાં પ્રેમનું સામ્રાજ્ય સૌથી મોટું સુખ છે. ઘણી વખત જે કામ દવાથી નથી થતું એ હેતથી, પ્રેમથી, સ્નેહથી થઈ જાય છે.”જેણે જગત સુધારવું હોય એણે પ્રથમ સુધરવું પડશે’ વાળી સટિક વાતો અનુભિતીથી સમજાય.ધન્યવાદ

  Liked by 2 people

 3. મિત્રો,
  આ લેખના લેખક શ્રી સ્વપૂર્ણ મહારાજ છે. શું તેઓ પોતાને પોતે જાતે, જાત કર્મો થકી ‘ પૂર્ણ ‘ થયેલાં માને છે ? અને આ કર્મોને શબ્દોનું રુપ આપિને આ લેખ લખ્યો છે ? લેખ પૂર્ણ વાંચ્યો. સલાહો, ગાઇડલાઇનો, સુવાક્યો, વાંચ્યા. પરા પૂર્વેથી જે આપણા પુરાણા પુસ્તકો કહેતા આવ્યા છે તે વાક્યોને પોતાના શબ્દો વડે પ્રયોજ્યા લાગે છે. આ બઘા સુવાક્યો, કહેલાં સુકર્મો આજની પ્રેક્ટીકલ લાઇફમાં ,રોજીંદી ઘટમાળમાં, દોડાદોડીમાં, જીવન જીવવાના રોજીંદા જનમતા જુદા જુદા પ્રશ્નોના નિરાકરણમાં આ બઘું કેવી રીતે કરી શકાય ?
  અેક જીવનનું…પ્રેક્ટીકલ લાઇફનું, રોજીંદા જીવનનું સનાતન સત્ય આ વાક્ય શીખવે છે…જે ‘ સલાહ ‘ નથી પરંતું રોજીંદા જિવનના મીનીટે મીનીટે બદલાતા વાતાવરણને કેવી રીતે પચાવવું અને બને તે જગ્યાઅે કોમ્પરોમાઇઝ કરવું તે શીખવે છે.

  ‘ સમય ‘ પણ શીખવે છે અને ‘ શીક્ષક ‘‘ પણ શીખવે છે. બન્નેમાં ફર્ક અેટલો જ છે કે, ‘શીક્ષક ‘ શીખવાડીને પરીક્ષા લે છે, જ્યારે ‘ સમય ‘ પરીક્ષા લઇને શીખવાડે છે. અેટલે કે ઠોકર મારીને શીખવાડે છે. આપણે પોે નક્કિ કરવાનું છે કે આપણે કોને શીખવનાર બનાવવો છે. સમયનું શીખવેલું જીંદગી સુઘારી દે છે.

  બીજું સરસ વાક્ય અંગ્રેજીમાં છે. ” Open your EYE and close your I. ” And Also The greatesest challenge in life is discoverying who you are. And second greatest is being happy with what you find .” TIME IS OUR BEST TEACHER.

  પેપર ઉપર લખેલાં અને કોઇ મહાત્માના મોઢે બોલાયેલાં સુવાક્યો સરસ છે. પરંતું દરેકના રોજીંદા જીવનમાં ‘ ફીટ ‘ નથી બેસતાં. રોજીંદું જીવન પોતે સામે આવતાં પ્રશ્નોને સોલ્વ કરવાની મહેનત અને બુઘ્ઘિ આપે છે. સમય જ આપણને શીખવે છે. અને તે જ જીવન જીવવાનો રસ્તો બતાવે છે.

  થીયરી ????? પ્રેક્ટીકલ …‘ હાં ‘. વૈષ્ણવજન બનીઅે…જાતે…..કબીરજીઅે કહેલું કે…..

  ‘ ના હિ મંદિર, ના હિ કાબા કૈલાસ રે….. મો કો કહાં ઢૂંઢે રે બંદે, મો તો તેરે પાસ હૈ. ‘

  કદાચ મારા વિચારો જુદા પડે..સ્વપૂર્ણ સ્વામીજીની વિરુઘ્ઘ કહેવાનો આશય નથી. થીયરી જીવનમાં ઇમ્પલીમેંટ કરવા પ્રેક્ટીકલ બનવું પડે જ છે. દરેક તાળાની ચાવી જુદી હોય છે. તે ચાવી તાળું ખોલનારે બનાવવી પડે છે. આપણે કોઇ પણ સંપૂર્ણ નથી. પ્રેક્ટીકલ જીવન જીવનારા છીઅે.

  કોઇક મિત્રને દુ:ખ પહોંચ્યુ હોય તો માફી માંગું છું.

  આભાર.
  અમૃત હઝારી

  Liked by 2 people

 4. Liked the entire article with four important goal-points! I am especially impressed by the 4th point of “helping others without any expectation and/or appreciation”!

  Liked by 2 people

 5. પૂર્ણ માનવ ? અરે પૂર્ણતા પામવા માવે શું શું પ્રેક્ટીકલી કરવું પડે તે વિચારવા લાયક વિષય છે. કારણ કે પ્રભુના સર્જનો પણ ઘણીવાર પૂર્ણ નથી હોતા. પ્રેક્ટીકલ બનીને રોજીંદું જીવન અેવી રીતે જીવીઅે કે વૈષ્ણવજન ની વ્યાખ્યામાં જીવીઅે. વૈષ્ણવજન તો તેને રે કહીઅે જે પીડ પરાઇ જાણે રે…પર દુ:ખે ઉપકાર કરે તોઅે મન અભિમાન ના આણે રે. પોતાનું જીવન જીવતાં જીવતાં પારકાને માટે પણ કાંઇક કરી છુતીઅે જે તેને જીવન સુખેથી જીવવામાં મદદ કરે. પૂર્ણ માનવ ? અશક્ય…માનવતાવાળો માનવ શક્ય…..
  ાાઆભાર.
  અમૃત હઝારી.

  Like

 6. Good teaching. But this is nothing new what he said or wrote. Many good people and Mahatmas have been saying the same thing for past several thousand years. This advice or teaching is also mixed with lots of mumbo jumbo and some what irrational saying about Atma or to be Atmasthir.
  A saying attributed to Ved Vyasa is “paropkarh Punyay, Papay Parpeednam”
  Narsinh Mehta said same in “ Vaishnav Jan”, and almost all the saintly quality people all over the world said are saying the same thing and this has been inculcated in us since early childhood by parents, relatives, teachers and many others.
  I agree wholeheartedly with the above comments written by Amrutbhai Hazari.

  Liked by 1 person

 7. શ્રી ગોવિંદભાઇ,
  આ લેખમાં અસલ લેખક અને તેની ઉપર આપેલ કોમેન્ટ દરેક પોતાની જગ્યાએ વ્યાજબી છે. ટૂંકમાં આ લેખમાં ભગવદગીતાનો સાર આપેલ છે. કોણે, ક્યારે કઈ રીતે જીવવું તે ફોર્મ્યુલા દેશ, કાળ અને સન્જોગો પ્રમાણે બદલાતી હોય છે અને માણસે તેની વિવેકબુદ્ધિનો ઉપીયોગ કરી, સન્જોગોનો સામનો કરવાનો હોય છે. એક જ પ્રોટોટાઇપ ફોર્મ્યુલા ચાલી શકે નહીં.
  અસલ લેખકે આપેલ લેખ મનન કરવા જેવો છે અને પોતાની સમજ પ્રમાણે સારું ગ્રહણ કરવાનો યથાશક્તિ પ્રયાસ કરવો જોઈએ.
  ધન્યવાદ.
  રવિન્દ્ર ભોજક

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s