મીરાંબહેનને દર નવરાત્રીમાં ખરેખર ‘માતા’ આવતાં?

સુરતના મીરાંબહેનને દર નવરાત્રીમાં રોજ રાત્રે અચુક ‘માતા’ આવતાં. દર વર્ષે સેંકડો માણસો આ ‘માતા’ના દર્શને જતા હતા. મીરાંબહેનનો આ કીસ્સો, સંશોધનની વીગતો અને તારણો તથા આવા માનસીક રોગોને દુર કરવા માટે કયો બદલાવ જરુરી છે તે પ્રસ્તુત છે…

17

મીરાંબહેનને દર નવરાત્રીમાં
ખરેખર ‘માતા’ આવતાં?

–ડૉ. મુકુલ ચોકસી

આસો મહીનાની આછી આછી ઠંડીનો સમય હતો. નવરાત્રીની રઢીયાળી રાત્રીઓનો ઉત્સવ હતો. વડોદરાના અલકાપુરીના ચોકમાં વીશાળ શામીયાણા મધ્યે રવીન નાયક અને તેનું ગાયકવૃંદ પાંચમી રાત્રીના ગરબાની તૈયારીમાં વ્યસ્ત હતા. હજારો યુવક–યુવતીઓ ચણીયા–ચોળી, કફની–સુરવાલમાં સજ્જ થઈ હાથમાં દાંડીયા ઝાલીને ઉત્સાહથી આમતેમ ઘુમતાં હતાં. બરાબર સાડાદસે શામીયાણા નીચેથી પહેલાં ગરબાના સુર છેડાયા : ‘સખી, ચલો ધોધમાર મહેકના મલકમાં… પછી નીંદ નહીં આવે પલકમાં…..’ અને આખો સમુહ હર્ષોલ્લાસના વીલમ્બીત લયથી તાલબદ્ધ રીતે ઝુમતો થઈ ગયો.

ખુબ વીશાળ એવા આ ચોગાનને અડીને આવેલ દામુભાઈના બંગલાની અગાશીમાં ત્રણ જણા વાતોમાં પરોવાયા હતા. એક હતા બળવંતભાઈ પટેલ – સુરતના કતારગામની એક સોસાયટીના પ્રમુખ, બીજા તેમના પડોશી રમણીકભાઈ કે જેઓ તેમના પત્ની મીરાંબહેન સાથે વડોદરા આવ્યા હતા. અને ત્રીજા ‘સત્યશોધક સભા’ સુરતના રૅશનાલીસ્ટ સુનીલભાઈ હતા.

મેદાનમાં રંગીન વસ્ત્રોની આવનજાવન થતી રહી, ગરબાઓ બદલાતા રહ્યા અને અગાશીમાં અલક–મલકની વાતો ચાલતી રહી; પરન્તુ રમણીકભાઈનું મન વાતોમાં સહેજે પરોવાતું નહોતું. તેમના પત્ની મીરાંબહેન ચોગાનમાં ગરબે ઘુમી રહ્યાં હતા અને એ જ રમણીકભાઈની ચીંતાનો વીષય હતો. બળવંતભાઈ પણ થોડી થોડી વારે ઉભા થઈ અને ગરબે ઘુમતા સમુહ તરફ જોઈ લેતા. તેમના ચહેરા ઉપર પણ કોઈક અસ્પષ્ટ મુંઝવણ, સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.

બરાબર ત્રણ વાગે ‘તારા ગણવાથી રાત પુરી ન થાય’ એ શબ્દોવાળો છેલ્લો ગરબો પુરો થયો અને સહુ વીખરાવા લાગ્યા. બળવંતભાઈ અને રમણીકભાઈ પહેલી જ વાર આઘાત અને આશ્ચર્યથી દીગ્મુઢ થઈ ગયા હતા. અને આ તરફ બંગલાના માલીક દામુભાઈ તથા ‘સત્યશોધક સભા’વાળા સુનીલભાઈ આછું આછું મલકાઈ રહ્યા હતા. અન્તે તેઓનો પ્રયોગ સફળ નીવડ્યો હતો.

આખી વાત આમ હતી. ‘સત્યશોધક સભા’, સુરતને ઘણાં વખત પહેલાં એવી માહીતી મળી હતી કે કતારગામની એક મહીલાને દર નવરાત્રીમાં રોજ રાત્રે અચુક ‘માતા’ આવતાં હતાં. આ મીરાંબહેન તથા ‘માતા’ના દર્શને દર વર્ષે સેંકડો માણસો જતા હતા.

સુનીલભાઈ ‘સત્યશોધક સભા’ તરફથી આ વર્ષે આ બનાવ અંગે સંશોધન કરવાનું નકકી કર્યું હતું. તેમણે નવરાત્રીના એક મહીના અગાઉથી જ કતારગામના ઘણા રહીશોને મળીને આ બનાવ અંગે જાતજાતની અનેક માહીતીઓ મેળવી લીધી હતી. તેમને આશ્ચર્ય થતું હતું કે મધ્યમ વર્ગના ઘણાખરા ભણેલાગણેલા માણસો પણ ‘માતા’ આવવાવાળી વાતને સમર્થન આપતા હતા.

સુનીલભાઈ નવરાત્રીના અઠવાડીયા પુર્વે રમણીકભાઈ–મીરાંબહેનના પાડોશી તથા તેમની સોસાયટીના પ્રમુખ શ્રી. બળવંતભાઈને મળી આવ્યા. સદ્ભાગ્યે બળવંતભાઈ ધાર્મીક વૃત્તીવાળા નહોતા; પણ છતાંય ‘માતા આવવા’ એ વાત ખોટી છે એવું માનવા તેઓ તૈયાર નહોતા. ઘણી સમજાવટ પછી તેઓ સુનીલભાઈના સંશોધન માટેના પ્રયોગમાં સહકાર આપવા તૈયાર થયા; તેમણે જ મીરાંબહેનના પતી રમણીકભાઈને પણ તૈયાર કર્યા. સુનીલભાઈએ મનમાં નીશ્ચય કર્યો હતો કે તેઓ મીરાંબહેનમાં ‘માતા’ આવતાં અટકાવશે અને એ રીતે ‘માતા’નું અસ્તીત્વ નથી એવું સાબીત કરી બતાવશે.

એટલામાં તો સામેના ચોગાનમાંથી મીરાંબહેન, સુશીલાબહેન વગેરે સહુ આવી લાગ્યાં. થાક અને આનન્દના મીશ્રણવાળા ભાવે સહુ વડોદરા અને સુરતના ગરબાની ખુબીઓની ચર્ચામાં પરોવાયા. બીજે દીવસે સવારે સહુ મહેમાનોએ દામુભાઈની વીદાય લીધી અને સુરત જવા પ્રયાણ કર્યું. ટ્રેનમાં જેવા મીરાંબહેન તથા બીજી બહેનો અલગ પડ્યા કે તરત જ રમણીકભાઈએ પોતાને જે પ્રશ્નો મુંઝવતા હતા તેની વાત કરવાની શરુઆત કરી.

‘મારા તો માન્યામાં જ નથી આવતું. છેલ્લાં પાંચ વર્ષોમાં આવું પહેલી વાર બન્યું છે કે નવરાત્રીની રાત્રે ગરબે ઘુમતાં ઘુમતાં મીરાંને ‘માતા’ ન આવ્યા. મારી મીરાં પર માતાનો પ્રકોપ તો ન ઉતરી આવે ને? મને તો ચીંતા થવા લાગી છે.’ સુનીલભાઈએ આ તક ઝડપી લીધી અને કહ્યું, ‘જુઓ, રમણીકભાઈ! મેં તમને ખાતરી આપી હતી ને કે વડોદરામાં મીરાંબહેનને ‘માતા’ ન આવવા દઉં!’ ‘હા.’

‘હવે તમારા કહ્યા મુજબ ‘માતા’ જો સર્વશક્તીમાન હોતે તો ગમે તે સ્થળે, ગમે તે કાળે પણ મીરાંભાભીના શરીરમાં પ્રવેશ કરી શકવા જોઈએ કે નહીં?’

‘હાસ્તો.’ રમણીકભાઈ બીજું તો શું બોલે? ‘તો પછી એવું કેમ ન થયું?’

‘હું પણ એ જ તો વીચારું છું! સેંકડો લોકો છેલ્લાં પાંચ વર્ષથી મીરાંને ‘માતા’ સ્વરુપે જુએ છે. અરે ‘માતા’ આવ્યાં હોય ત્યારે તો મીરાં સળગતા કોલસા ઉપર પગ મુકીને ચાલી જાય; છતાં ગઈકાલે એને કેમ ‘માતા’ ન આવ્યાં?’

‘એ હું તમને સમજાવું’ કહીને સુનીલભાઈએ કહેવાનું શરુ કર્યું :

‘પહેલું તો એ કે મેં તમારા પત્નીના નોર્મલ વર્તનનો, તેમને ‘માતા’ આવે ત્યારની તેમની અવસ્થાનો તથા તમારી આસપાસનાં ઘણા લોકોની માન્યતાઓ વગેરેનો, મહીનામાં ખુબ ઝીણવટથી અભ્યાસ કર્યો છે. એ માટે મને ‘સત્યશોધક સભા’ સાથે સંકળાયેલા એક મનોચીકીત્સકની પણ ખુબ મદદ મળી છે. આ અભ્યાસ ઉપરથી અમે એવા તારણ ઉપર પહોંચ્યા છીએ, જે જાણીને તમને કદાચ આઘાત લાગશે. તમારા પત્ની વારંવાર એક વીશીષ્ટ પ્રકારની માનસીક પરીસ્થીતીનો ભોગ બને છે. જેને વૈજ્ઞાનીક ભાષામાં ‘ડીસોસીએટીવ’ મનોસ્થીતી કહેવાય છે. આને એક પ્રકારનો માનસીક રોગ પણ ગણી શકાય.’

જ્યારે પાંચ વર્ષ પહેલાં મીરાંબહેનને આવી ‘ડીસોસીએટીવ’ મનોસ્થીતીનો પહેલો હુમલો આવ્યો ત્યારે નવરાત્રીનો સમય હતો. આથી સૌએ માની લીધું કે તેમને ‘માતા’ આવ્યા છે; પણ ‘માતા આવવા’ એ તો મનોસ્થીતી અંગેનું એક સામાજીક અર્થઘટન જ થયું. આફ્રીકાની અમુક આદીજાતીઓ આવી મનોસ્થીતીનું અર્થઘટન તદ્દન જુદી રીતે કરે છે. ત્યાં આવું કરનાર સ્ત્રીના શરીરમાં ડાકણ પ્રવેશેલી ગણીને તેને ઢોરમાર મારવામાં આવે છે.

‘પણ તો પછી દર નવરાત્રીમાં જ રોજ રાત્રે નીયમીતપણે મીરાંને આવું કેમ થતું હતું?’ રમણીકભાઈએ અધીરાઈપુર્વક વચ્ચેથી જ પુછ્યું. ‘એનાં પણ કારણો છે.’ સુનીલભાઈએ કહેવાનું ચાલું રાખ્યું. ‘આ ‘ડીસોસીએટીવ’ મનોસ્થીતીની વીશીષ્ટતા એ છે કે તેના ઉપર સામાજીક માન્યતાઓ, રીત–રીવાજો, વ્યક્તીગત અપેક્ષાઓ તથા સાંસ્કૃતીક પરીબળોનો અત્યન્ત વ્યાપક પ્રભાવ હોય છે. મીરાંબહેનના કીસ્સામાં એવું બન્યું કે પહેલી વારના તેમના ધુણવા, ચીસો પાડવા, ભાન ભુલી જવા વગેરે પ્રકારના વીશીષ્ટ વર્તન પછી લોકોએ તેમને પુજવાનું શરુ કર્યું. તેમની આજુબાજુના તમામ લોકો તેમની પાસે આવા વર્તનની અપેક્ષા રાખવા માંડ્યા અને એને લીધે જ નવરાત્રીની પ્રત્યેક રાત્રે મીરાંબહેનનું વર્તન અચાનક બદલાઈ જતું.’

‘તો શું મારી પત્ની લોકોને ખુશ કરવા ઢોંગ કરતી હતી એમ આપનું કહેવું છે?’ રમણીકભાઈ અકળાઈને પુછ્યું.

‘ના. એવું હરગીજ નથી. તેઓ જો ઢોંગ કરતા હોતે તો વડોદરામાં પણ કરી શક્યા હોત. વાસ્તવમાં આ રોગ માણસની ઈચ્છાથી નથી થતો; પરન્તુ તે થવામાં અજાગ્રત મનની અપેક્ષાઓ જરુર ભાગ ભજવે છે. અમને ખાતરી હતી કે તેમનો આ રોગ તમારી સોસાયટીના ધાર્મીક વાતાવરણને કારણે જ પાંગર્યો છે. આથી અમે વીચાર્યું કે જો તેમને ‘માતા’ આવતા બન્ધ કરાવવા હોય તો તેમને એવા વાતાવરણમાં લઈ જવા જોઈએ કે જ્યાં ધાર્મીક પરીવેશ ન હોય, લોકો તેમની પાસે ‘માતા’ આવે એવા વર્તનની અપેક્ષા ન રાખતા હોય. અને ધારો કે એવું થાય તો તેની પુજા ન કરતા હોય. આ બધું વડોદરામાં શક્ય હતું. આથી અમે આ સફળ પ્રયોગ કર્યો અને તમને પણ બતાવી શક્યા.’

રમણીકભાઈ અને બળવંતભાઈ સુનીલભાઈની વાત સમજવા પ્રયત્ન કરતા હતા. અને સુનીલભાઈ આગળ વધ્યા. ‘તમને વીશ્વાસ ન પડતો હોય તો હું હજુય વધુ પુરાવા આપી પુરવાર કરી શકું એમ છું. મારા એક મીત્ર મી. ઠાકર હીપ્નોટીસ્ટ છે. તેઓ જ્યારે વ્યક્તીને ખુબ ઉંડે સુધી હીપ્નોટાઈઝ કરે છે ત્યારે તે વ્યક્તી ઉકળતા પાણીમાં હાથ સુદ્ધાં બોળી દેતી હોય છે. તે વ્યક્તીને કોઈ ‘માતા’ આવ્યા નથી હોતા.

‘અમે મીરાંબહેનના સ્વભાવનું પણ વીશ્લેષણ કર્યું છે. માત્ર નવરાત્રીમાં જ નહીં; પણ જ્યારે જ્યારે તમારા ઘરમાં મોટા ઝગડાઓ થયા છે ત્યારે ત્યારે તેમને આવા હુમલાઓ આવ્યા છે. ધુણવું, ચીસાચીસ કરવી, ઉંઘમાં હોઈએ એ રીતે ચાલવું, હાથ–પગ હલાવવા, અસ્પષ્ટ શબ્દો બોલવા વગેરે પ્રકારનું વર્તન આવી ‘ડીસોસીએટીવ’ અવસ્થામાં થતું હોય છે. ગયે વર્ષે તેઓ એક વાર અભાનપણે ઘરેથી ચાલ્યાં ગયાં હતાં અને ત્રણેક દીવસ પછી અજાણ્યા સ્થળેથી મળી આવ્યાં હતાં, તે પણ તેમને આવતા આવાં જ ‘ડીસોસીએટીવ’ પ્રકારના હુમલાનો ભાગ છે.

‘વળી તમને ખબર છે કે મીરાંબહેન તેમની ઉમ્મરના પ્રમાણમાં વધુ પડતો મેકઅપ કરે છે. તેમના કેશકલાપ, વેશભુષા તથા આભુષણોના શોખો અને અજાણ્યા પુરુષો સાથે વધુ પડતી આત્મીયતા દાખવવાની ટેવ પરથી સ્પષ્ટ છે કે તેઓ હમ્મેશાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા તત્પર રહેતાં હોય છે. તેમના આ પ્રકારના વ્યક્તીત્વને ‘હીસ્ટ્રીઓનીક વ્યક્તીત્વ’ કહેવાય છે. આવી ‘ડીસોસીએટીવ’ મનોસ્થીતી જન્માવવામાં આવા વ્યક્તીત્વનો પણ ફાળો રહેલો હોય છે.’

રમણીકભાઈ ચીંતાતુર વદને આ બધું સાંભળતા હતા. તેમ છતાંયે તેમનાથી પુછ્યા વગર રહેવાયું નહીં. ‘તો શું સેંકડો લોકો મીરાં અને ‘માતા’ ઉપર અમથી જ આટલી બધી શ્રદ્ધા રાખતા હશે?’

‘શ્રદ્ધા નહીં… એને અન્ધશ્રદ્ધા કહો.’ સુનીલભાઈનો અવાજ પ્રભાવશાળી હતો, ‘કેમ કે એ ‘માતા’ તમારા દીકરાને માંદગીમાંથી મરતો બચાવી શક્યાં નથી અને અકસ્માતમાં તમારા પીતા ગુજરી ગયા એનેય ઉગારી શક્યાં નથી. આ બન્ને બનાવ નવરાત્રી દરમીયાન જ બનેલા એ તેમને યાદ હશે જ. જો એ ‘માતા’ એ રાત્રે તમારા પત્નીના શરીરમાં પ્રવેશી સર્વનું કલ્યાણ કરી શકતા હોય તો એ જ દીવસોમાં બનેલા આ બે કરુણ પ્રસંગોએ તેઓ ક્યાં હતાં?

‘બળવંતભાઈ! આ ‘ડીસોસીએટી’ મનોસ્થીતી તો અત્યન્ત સંકુલ વસ્તુ છે. ઘણી વાર તો તે એલ.એસ.ડી. જેવી દવા અથવા અમુક પ્રકારની ખેંચને કારણે પણ ઉત્પન્ન થતી હોય છે. તમે નહીં માનશો પણ આ રોગના એક દર્દીએ આવી અભાનાવસ્થામાં બીજા એક નીર્દોષ માણસનું ખુન કરી નાંખેલું અને ફરી તેની મનોસ્થીતી સાધારણ થઈ ગઈ ત્યારે તેને કશું જ યાદ નહીં. આવો જ બીજો એક દર્દી હીલ સ્ટેશન પર ફરવા ગયો ને બીજે દીવસે ખીણમાંથી તેની લાશ મળી. તે અકસ્માત હતો કે આત્મહત્યા તે પણ જાણી ન શકાયું.’ ત્યાર પછી તો ટ્રેનમાં ઘણી ઘણી વાતો થઈ. સુરત આવ્યું ત્યારે સુનીલભાઈએ છેલ્લું વાક્ય કહ્યું, ‘તમને હજુય ખાતરી ન થતી હોય તો મીરાંબહેનને હવે પછી જ્યારે કહેવાતા ‘માતા’ આવે ત્યારે અમારી પાસે લઈ આવજો. અમે તેમનો ઉપચાર કરવા તૈયાર છીએ.’

‘હીસ્ટીરીકલ ડીસોસીએશન’

મીરાંબહેનને જે થયું હતું તેને ‘ડીસોસીએશન’ કહેવાય છે. રાત્રે ઉંઘમાં ચાલવું, તન્દ્રાવસ્થામાં હોવું, સમાધીમાં લીન થવું વગેરે સ્થીતીમાં આવા ‘ડીસોસીએશન’નો અનુભવ થઈ શકતો હોય છે. જેમાં આપણું જાગૃત મન જાણે કોઈ બીજાની ઈચ્છાથી કાર્ય કરી રહ્યું હોય એવું લાગે. અને એટલે જ લોકો મીરાંબહેન જેવા ‘હીસ્ટીરીકલ ડીસોસીએટીવ’ અવસ્થાવાળા દર્દીઓને જુએ છે ત્યારે એમ માની લે છે કે આ બધું તો ‘માતાજી’ જ તેમની પાસે કરાવતા હશે.

‘માતા’ આવવાની ઘટનાઓ બહુ સામાન્ય છે. ઘણી સ્ત્રીઓ ચીસો પાડતી, ધુણતી, ગરબે ઘુમતી, ગાતી જોવા મળે છે. ધાર્મીક વાતાવરણોમાં અને ઓછું ભણેલી સ્ત્રીઓમાં આવું વધારે જોવા મળે છે.

આવા બનાવોનું મહત્ત્વ એ હોય છે કે તેમને સામાજીક, સાંસ્કૃતીક માન્યતા મળેલી હોય છે. (સોશીયોકલ્ચરલ સેન્કશન). લોકો પણ તે દર્દીની માન્યતાઓ જેવી જ માન્યતાઓ ધરાવતા હોય છે. અને એટલા માટે જ આવા રોગોને દુર કરવા વ્યક્તીની સારવાર કરવાને બદલે સામાજીક રુઢીગત માન્યતાઓ બદલવી વધારે જરુરી હોય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 17મો લેખ, પુસ્તકનાં પાન 119થી 123 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243, 3478596 ફેક્સ : (0261)  3460650 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

8 Comments

  1. નાનપણમાં અમારા પાડોશી દાદીમાંને માતા આવતા અને એ સમયે, હંમેશા જોર જમાવતી વહુ, ગભારાઈને પગે લાગતી. એ યાદ કરતા હાસ્ય ફરકી જાય છે. સરયૂ.

    Liked by 1 person

  2. સરસ લેખ છે
    પરંતું તેને વઘુ સરસ સમજાવવામાં આવ્યો છે.
    શહેરો અને ગામડાઓમાં જ્યાં જ્યાં સ્ત્રી સંસ્થાઓ હોય ત્યાં ત્યાં આ લેખ ની કોપી દરેક સ્ત્રીને ભેટ આપવી જોઇઅે. તેમને રીક્વેસ્ટ કરવી કે તેમનાં ઘરમાં અને આજુબાજુમાં રહેતી નાની ઉમરની કે મોટી ઉમરની બેનો ને પણ વંચાવીને જ્ઞાનનો પ્રસાર કરવો જોઇઅે.
    લેખનો છેલ્લો પેરેગ્રાફ લેખનો નીચોડ છે.
    ડો. મુકુલ ચોકસી અને ગોવિંદભાઇને હાર્દિક અભિનંદન.
    સમાજને જ્ઞાન વહેંચવા યોગ્ય લેખોની ખાસ જરુરતો છે.
    સમાજને અંઘશ્રઘ્ઘાની પકડમાંથી બહાર કાઢવાનો છે.
    કદાચ અેક કવિ, મોહિત દડગાઅે સરસ વાત કહી છે….કારણ કે આપણા ભણેલાઓ પણ અંઘશ્રઘ્ઘાના ભેખઘારી હોય છે…..

    ‘ લાગણી લખી ત્યારે ખબર પડી…. કે…..ભણેલા લોકો પણ વાંચી ના શક્યા.‘

    આપણે ભણેલા અંઘશ્રઘ્ઘાળુઓને પણ વાંચતા અને મનન કરી જીવનમાં ઉતારતાં કરવાના છે.
    ાાઆભાર,
    અમૃત હઝારી.

    Liked by 3 people

  3. SHREE GOVINDBHAI, MANO OR NA MANO
    AVA PRSANGO LONDONMA PAN THAI CHHE. HATHMATHI KANKU KHARE CHHE.
    MUKHMATHI SHIVLING KADHTA ANE SAIBABANA CHAGDA ANE JUDA JUDA BIJA.
    HAVE AAMA SACHU SHU AI TO BHAGVAN JANE !!
    AVA PRASNGO MATAJI TEEDAVYA HOI ATHVA NAVRATRI VAKHTE PAN BANE CHHE .

    Like

  4. Govindbhai
    Good article on blind faith and attempt to bring truth before the husband of mental patient.Suggestion put by
    shri Amrutbhai Hazari is worth implementing that such incidents should be circulated in organizations run by and for the women so it may create awareness.

    Liked by 1 person

  5. khub j saras kharekhar avi andhshradha mathi apne badhae jagrut thavani jarur chhe even bhanela manso pan avi vastu ma mane chhe . hamesha ma shakti sarvenu rakshan kare chhe kyarey sarva shaktiman shatio jagat nu kalyan mate hamesha ashirvad ape chhe. apnu kyare pan ahit thay tevu nathi karta .maushyane sachi samj ave e mate apne sau loko e hamesha jagrut rahevu joi ane sukarma karta rahiye ej abhyrthna . jay shree krishna.

    Liked by 1 person

Leave a comment