કર્મનો સીદ્ધાંત

આટઆટલાં દમન–શોષણ છતાં ભારતમાં ક્રાંતી કેમ નથી થતી? દુ:ખગ્રસ્ત– યાતનાગ્રસ્ત લોકો મુંગા મોઢે ઘોર અન્યાય કેમ સહન કરી લે છે? વર્ષોના ગોબેલ્સ–પ્રચાર દ્વારા તેઓનાં મનમાં શું ઠસાવી દેવામાં આવ્યું છે?

વીભાગ : 03 પુરાણા ખ્યાલો                                 

કર્મનો સીદ્ધાંત

–રમણ પાઠક (વાચસ્પતી)

“અહીં બીજા કેટલાક પ્રશ્નો ઉદભવે છે : આપણાં કર્મોનો હીસાબ કોણ રાખે છે? આવી નોંધના ચોપડા કોઈએ (કોઈ પ્રકાંડ ઋષી–મુની–ગુરુએ પણ) જોયા છે? શું એકલા મનુષ્યોનાં જ કર્મોનો હીસાબ રાખવામાં આવે છે કે પ્રાણીમાત્રનાં? હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી, બૌદ્ધ અને યહુદી તમામ માનવીઓના હીસાબ શું કોઈ એક જ ચોપડામાં રાખવામાં આવે છે કે પછી અલગ અલગ? વળી, દેશમાં અને પરદેશમાં વસતા હીન્દુઓ, બ્રાહ્મણ, ક્ષત્રીય આદી વર્ણ પ્રમાણેના તથા જુદી જુદી જ્ઞાતીઓ પ્રમાણેના હીન્દુઓ માટે એક જ કે અલગ અલગ ચોપડા હોય છે? તે કોણ સમ્ભાળે છે અને ક્યાં સમ્ભાળે છે? (જો સ્વર્ગમાં હોય તો આટઆટલા રોકેટો સુર્યમંડળમાં તથા સુર્યમંડળની બહાર પણ ઉડ્યાં, ક્યાંય પ્રસ્તુત સ્વર્ગ કેમ દેખાતું નથી)? હીન્દુ જીવાત્મા એક દેહ ત્યાગ કરીને તરત અન્ય દેહમાં પ્રવેશી જાય છે, જ્યારે અમુક ધર્મોના આત્માઓને વળી ‘કયામતના દીન’ સુધી રાહ જોવી પડે છે, તો શું હીન્દુઓના હીસાબો તરત જ અને ઉક્ત બીનહીન્દુઓના ચોક્કસ મુદતે જ કરવામાં આવે એવી વ્યવસ્થા છે? વળી, ખાસ્સી ઉમ્મર બાદ જે લોકો ધર્માંતર કરે છે એમના હીસાબનો મેળ કેવી રીતે બેસાડાય છે?”

–ડૉ. જેરામ જે. દેસાઈ (‘કર્મનો સીદ્ધાંત’ પૃષ્ઠ : 31)

મને તો એક મુળભુત પ્રશ્ન જ હમ્મેશાં સતાવે છે અને તે એ કે કર્મ, સારાં કે ખોટાં કરાવે છે જ કોણ? એમ ભારપુર્વક કહેવાય છે તે ‘ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય ફરફરી શકતું નથી,’ તો પછી મનુષ્ય ઈશ્વરની ઈચ્છા વીરુદ્ધના કર્મ કરી જ કેવી રીતે શકે? અને તદનુસાર જો ઈશ્વર જ તમામ કર્મો કરાવતો હોય તો એ અમુક મનુષ્યો પાસે ભુંડા કુકર્મ કરાવે છે જ શા માટે? જો કરાવતો હોય તો એવા દુષ્ટતાપ્રેરક ઈશ્વરને સત્યમ્, શીવમ્, સુંદરમ્ કહી જ કેવી રીતે શકાય? આના જવાબમાં ગઈ સદીના કે તે પુર્વેના અમુક પશ્ચીમી ચીંતકોએ ‘ફ્રી વીલ’ (મુક્ત ઈચ્છા)નો સીદ્ધાંત પ્રસ્તુત કર્યો છે, જે મુજબ ઈશ્વરે મનુષ્યને સર્જીને પછી સ્વતન્ત્રતા બક્ષી દીધી કે ‘તારી ઈચ્છા મુજબનાં કર્મો કરવાની તને સમ્પુર્ણ છુટ રહેશે!’ અલબત્ત, પછી એ બાબત જવાબ માગવામાં આવશે અને સજા પણ અચુક કરવામાં આવશે. આવી યોજના તો બહુ દુષ્ટ, ક્રુર તથા બેવકુફ કહેવાય. એક દાખલાથી આ તારણને સ્પષ્ટ કરીએ :

તમારા બેત્રણ વર્ષના બાળકને તમે એવી સ્વતન્ત્રતા આપો કે ‘ઘરે–બાહીરે તને તારી મરજી પ્રમાણે જે ઈચ્છે તે કરવાની સમ્પુર્ણ છુટ છે’ અને પછી પચ્ચીસ–પચાસ વર્ષે, ક્વચીત તો એથીય મોડા તમે એની સામે લાઠી કે બન્દુક લઈને ફરી વળો, એને બેસુમાર મરણતોલ માર મારો અને કહો કે ‘પચ્ચીસ, પચાસ કે સાઠ વર્ષ પહેલાં તેં અમુક ખરાબ કામ કરેલું તેની આ સજા છે’ તો તમારા જેવો મુરખ વડીલ બીજો કયો કહેવાય? અરે, બાપડા પેલા બાળકને તો નાનપણના તેના ગુના યાદ પણ ન હોય! વળી, તેણે સ્વતન્ત્ર અવસ્થામાં જે ભાંગફોડ કરી હોય, કદાચ મારફાડ કરી હોય, કોઈને અન્ય ગમ્ભીર હાની પહોંચાડી હોય, એને, એટલે કે ઉક્ત બાળકનાં ગમ્ભીર તોફાનોનો ભોગ બનનારને એથી કયો બદલો મળ્યો? આ જ દાખલો ફ્રી વીલ ધરાવતી માનવજાતને લાગુ પાડીએ તો, આ જન્મે જો કોઈ માનવી બીજાનું ખુન કરે તો તાત્કાલીક પરીણામ તો એ જ આવે કે પેલો માણસ જાનથી જાય, એનાં પત્ની–બાળકો રવડી મરે, કદાચ ભુખે મરે યા તો અનેકવીધ ગમ્ભીર આપત્તીઓ ભોગવીને માંડ જીવે. હવે વર્ષો બાદ કે બહુધા તો બીજા જન્મે ઈશ્વર પેલા ખુનીને ગમે તે સજા કરે તો પણ એમાં પેલાં નીર્દોષ પત્ની–બાળકોને શું મળ્યું? અંગ્રેજીમાં એક સત્ય–અર્થપુર્ણ સુત્ર છે કે ‘જસ્ટીસ ડીલેઈડ ઈઝ જસ્ટીસ ડીનાઈડ’, અર્થાત્ મોડો મોડો ન્યાય કરવો એ અન્યાય કરવા બરાબર જ છે. મતલબ એ જ કે સમસ્ત જીવસૃષ્ટીનો ન્યાય તોળવાનો દાવો કરનાર ઈશ્વર આવો લાપરવા, દીર્ઘસુત્રી તથા અન્યાયી જ છે.

આ સન્દર્ભે બીજો એક ગમ્ભીર પ્રશ્ન એ પણ ઉદભવે છે કે સજા થાય છે કોને, શરીરને કે આત્માને? એક બાજુ મહાન ચીંતનરુપે એમ ભારપુર્વક કહેવામાં આવે કે ‘નૈનં છીંદતી શસ્ત્રાણી, નૈનં દહતી પાવક:’ અર્થાત્ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્ની બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી… ઈત્યાદી. તો પછી એવા આત્માને ગમે તેવી ભૌતીક સજા શી અસર કરી શકવાની? દા.ત., પોતાના પુર્વજન્મનાં પાપની સજા રુપે એક માણસ અન્ધ જન્મે છે, અપંગ થાય છે, ભુખે મરે છે યા એવી કોઈ નાનીમોટી શીક્ષા સહી રહ્યો છે, તો એ કોણ સહે છે? એનોય આત્મા તો અન્ય જેવો જ, અછેદ્ય, અદાહ્ય છે, તો પછી તાત્પર્ય એ જ કે સજા શરીર ભોગવે છે. હવે મુળ કુકર્મ કરનાર શરીર તો નાશ પામ્યું અને નવું આવ્યું. પછી નીર્દોષ, બાપડા નવા દેહને સજા કરવી એ વળી ક્યાંનો ન્યાય? શું સર્વશક્તીમાન, સર્વજ્ઞ તથા દયાળુ–કૃપાળુ પરમાત્મા આવો સાવ બેસમજ ન્યાયાધીશ? પાડાને વાંકે બહુધા પખાલીને જ ડામ દે?

– – – – – – – – – – – – – – – – – – – – – – –

ખુશ ખબર

માનવતા અને માનવવાદને મજબુત કરવા અંગે રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’
લેખમાળા ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર પ્રગટ થઈ. તે લેખોની ‘ઈ.બુક’ – 38 (મોબાઈલ એડીશન)
‘મણી મારુ પ્રકાશને’ પ્રગટ કરી છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ
https://govindmaru.com/e-books/ પરથી આ ‘ઈ.બુક’ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
જો કોઈ વાચકમીત્રને આ વીધી ન ફાવે અને મને પોતાનું નામ, ગામ/શહેર અને
કૉન્ટેક્ટ નમ્બર સાથે લખશે તેમને હું ‘ઈ.બુક’ ઈ.મેઈલ/વોટ્સએપથી મોકલી આપીશ.

ગોવીન્દ મારુ

– – – – – – – – – – – – – – – – – – – – – – – –

કેટલીક વળી એવી માન્યતા દર્શાવે છે કે આ જન્મે કરેલાં કર્મનાં ફળ આ જ જન્મમાં અહીં જ પાછળથી ભોગવવાં પડે છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે જીવનભર ભુંડાં, ઘોર પાતકો આચરનારા મનુષ્યો અમનચમન કરતા જોવા મળે છે અને સત્કર્મી, સત્યવક્તા, પ્રામાણીક, જીવદયામાં ચુસ્તપણે માનનાર એવો પરોપકારી અર્થાત્ બધી જ રીતે પુણ્યશાળી માણસ જીવનભર દુ:ખી દુ:ખી જ રહે છે એવું કેમ? કદાચ કોઈ એવો જવાબ આપે કે ‘પેલો પાપી અન્તે રીબાઈ રીબાઈને મરે છે, જ્યારે પુણ્યશાળી જીવ શાંતીથી દેહ છોડે છે.’ તો શું કોઈએ એવો સર્વે કર્યો છે ખરો કે બધા જ પાપીઓ કેન્સર કે લકવા જેવા લાંબી પીડા આપનારા અસાધ્ય રોગોથી રીબાઈ રીબાઈને મરે છે. જ્યારે પુણ્યશાળી માણસો હાર્ટ–ફેઈલ કે હેમરેજ જેવા ગમ્ભીર હુમલાથી તત્કાળ મરણશરણ થાય છે. એકંદરે તો બધા જ મનુષ્યો, પાપી યા પુણ્યશાળી વૃદ્ધાવસ્થામાં કોઈ ને કોઈ રોગથી જ મરે છે; કારણ કે ત્યાં ઘસારાનો નીયમ લાગુ પડે છે. ઉપરાંત, અમુક માણસો કશાક જીવલેણ અકસ્માતમાં તત્કાળ મૃત્યુ પામે છે, નહીવત્ જ પીડા ભોગવે છે, તો શું એને અપમૃત્યુ કહેવું કે ઉત્તમ મૃત્યુ? બીજી બાજુ વળી ઘણા ધર્મપુરુષો તત્કાળ કે આકસ્મીક મૃત્યુને જ પાપની સજા ગણાવે છે.

અન્ય એક ગમ્ભીર સમસ્યા એ પણ છે કે ધર્મ અનુસાર પાપપુણ્યની વ્યાખ્યા જ જુદી જુદી હોય છે, તો શું એ પ્રમાણે જુદો જુદો ન્યાય તોળવામાં આવે છે? બધાનો ઈશ્વર એક જ છે એવો દાવો પણ કરવામાં આવે છે, તો શું આવો મહાન પરમેશ્વર આવા ભેદભાવ આચરે? દા.ત., એક વ્યક્તી કાંદા–લસણ કે લીલા શાકભાજી અને કન્દમુળ સુધ્ધાં ખાવામાં પાપ માને છે, જ્યારે એની જ નજીકમાં વસતી અન્ય વ્યક્તી વળી અમુક પર્વ નીમીત્તે બકરાની કુરબાની આપે છે અને એનું માંસ પ્રસાદરુપે ખાય છે અને એ મોટું પુણ્યકાર્ય મનાય છે. તો વળી બીજા અમુક ધર્મીઓ એ જ વધ્ય બકરાને પૈસા આપીને છોડાવી જવામાં પુણ્ય માને છે, તો આ બધાનો ન્યાય શું કર્મફળની જુદી જુદી કલમો મુજબ તોળવામાં આવે કે એકસરખો? કે પછી જુદા જુદા ધર્મોનો ન્યાયકર્તા ઈશ્વર જ જુદો જુદો છે? ઉચ્ચ કક્ષાની ધાર્મીક ફીલસુફી–એકેશ્વરવાદ અનુસાર તો વીરાટ શક્તીરુપ, પરમ ચૈતન્યરુપ પરમાત્મા જ આ સમગ્ર વીશ્વનો સંચાલક છે, કર્તાહર્તા છે. તો એ કયા માપદંડથી ન્યાય તોળતો હશે? કે પછી સીવીલ કોર્ટ, સેશન્સ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ જેવી ક્રમબદ્ધ વ્યવસ્થાઓ સ્વર્ગમાં પણ છે? જેથી અમુક જ કેસો સુપ્રીમ કોર્ટરુપ પરમેશ્વર સુધી જાય, બાકીના, પ્રમાણમાં નાના કેસો નાના દેવો–લેસર ગોડ્ઝ પતાવી દે!

એવો જ એક ગમ્ભીર પ્રશ્ન વળી એ પણ છે કે જો જીવહીંસા એ પાપ જ હોય તો માંસાહારી પ્રાણીઓનું શું? સીંહ કદાપી ઘાસ ખાઈને જીવી શકે જ નહીં, એણે તો મૃગાદી પ્રાણીઓને રોજ જ હણવા પડે. તો શું સીંહ, વાઘ વગેરેને જીવહત્યાનું પાપ લાગે ખરું? એની સજા થાય ખરી? જવાબમાં કર્મના સીદ્ધાંતમાં માનનાર શ્રદ્ધાળુ કદાચ એમ કહેશે કે બીજે જન્મે નીર્દોષ મૃગલાં સીંહરુપે તથા પાપી સીંહ મૃગરુપે જન્મશે અને પછી એમ સીંહ બનેલાં મૃગલાં પેલા મૃગદેહે જન્મેલા સીંહને ખાઈ જઈને બદલો લેશે. અત્રે સ્વાભાવીક જ પ્રશ્ન થાય કે વર્તમાનમાં જે મૃગલાં વાઘ સીંહ દ્વારા ખવાઈ રહ્યાં છે તેઓ શું પોતાના ગત જન્મનાં પાપનું ફળ ભોગવે છે કે પછી આવતા જન્મે એમણે આજના સીંહ સામે બદલો લેવાનો હજી બાકી રહે છે? જો બન્ને ઘટનાઓ શક્ય હોય તો આવી ઘટમાળ પછી અનન્ત કાળ સુધી ચાલ્યા જ કરે. અર્થાત્ સીંહ–મૃગને વારાફરતી મૃગ અને સીંહરુપે જ જન્મ લેતાં રહેવું પડે. એમનાં બાપડાંનો તો આ જન્મમરણના ફેરામાંથી કદી મોક્ષ જ નહીંને?

કર્મફળની આવી અગડંબગડં માન્યતાનું મુળ તો ભૌતીક વીજ્ઞાનના નીયમ ‘કોઝ ઍન્ડ ઈફેક્ટ’ અર્થાત્ કાર્યકારણ ન્યાયમાં રહેલું છે અને ઐહીક જગતમાં કારણ વીના કોઈ કાર્ય – પરીણામ સમ્ભવતું જ નથી એ સીદ્ધાંત પણ સત્ય જ છે. આ જ સીદ્ધાંત મનુષ્યના ચોક્કસ ભૌતીક સત્કર્મોને યા કુકર્મોનેય પણ લાગુ પડે છે. દા.ત., શુદ્ધ, પૌષ્ટીક આહાર ખાઓ, તો આરોગ્ય સારું રહે, જ્યારે ની:સત્વ આહારથી તબીયત કથળે. આ કાર્યકારણ ન્યાય, ઉર્જા કે ચયાપચયનો કેવળ ભૌતીક સીદ્ધાંત છે; પરન્તુ એને આધારે કર્મફળનો–પાપપુણ્યના બદલાનો નીયમ ઘડવો એ અતાર્કીક છે; કારણ કે ઉપર જણાવ્યું તેમ, પાપપુણ્યની વ્યાખ્યા જ ધર્મે ધર્મે અલગ અલગ છે, એકનું પાપ તે બીજાનું પુણ્ય છે; જે બહુધા સમય–સંજોગમાંથી જન્મેલી સાપેક્ષ વ્યાખ્યાઓ જ છે, નીરપેક્ષ સત્યો નથી જ. મતલબ કે જ્યાં કોઝ–કારણ જ કપોળકલ્પીત છે ત્યાં ઈફેક્ટ–કાર્ય અમુક જ તથા ન્યાયપુર:સરનું સમ્ભવી જ કેવી રીતે શકે?

“પંચેન્દ્રીય દ્વારા જે પ્રત્યક્ષ જ્ઞાન મળે એને પામી, પ્રમાણી, યોગ્ય રીતે સંગ્રહીત કરી લેવાની માનસીક શક્તીને ‘રીઝન’ (તર્કવીવેક) કહેવાય છે. બીજી બાજુ, ઈન્દ્રીયાતીત તથા જેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા જ ન કરી શકાય એવા ઈરૅશનલ (વીવેકબુદ્ધીરહીત), અલૌકીક ખ્યાલોને ‘આધ્યાત્મીકતા’ કહેવામાં આવે છે.”

–આઈન રેન્ડ

એક ફીલસુફે કહ્યું હતું કે, ‘સત્ય હમ્મેશાં ફાંસીને માંચડે લટકે છે, જ્યારે જુઠ રાજગાદીએ વીરાજી શાસન ચલાવે છે.’

સંસારનો રોજીંદો સામાન્ય ક્રમ જોતાં તો આ ફીલસુફનો મત પુર્ણ સત્ય પ્રતીત થાય છે; કારણ કે દુનીયામાં બદમાશો મજા કરે છે, જ્યારે સાચા–પ્રામાણીક માણસો અપરમ્પાર આપત્તીઓનો ભોગ અવારનવાર બનતા જ રહે છે. ‘સત્યમેવ જયતે’નું સુત્ર ઠીક છે, દીવાલ પર ટાંગવા કામ લાગે ને શોભે! બાકી ક્વચીત સત્ય જીતે અને ક્વચીત અસત્ય પણ જીતી જાય – એમ જ બનતું આપણે તો આ દુનીયામાં સાક્ષાત્ જોઈએ છીએ. અરે, અદાલતોમાં પણ કેવળ સત્યને આધારે જ કેસ જીતી શકાતો નથી, ખરેખર તો સત્યને જીતવા માટે પણ અસત્યની સહાય લેવી પડે છે. પુછજો કોઈ વકીલને તો તે અચુક કહેશે કે ‘ભલે તમે પુરા સાચા હો, છતાં કેસ જીતવા માટે તો તમારે જુઠા સાક્ષી–પુરાવા ઉભા કરવા જ પડશે! સત્ય કેવળ સત્ય છે, એટલે જ જીતી ગયું એવું તો ભાગ્યે જ બને, કદાચ ન જ બને.’

આનું કારણ શું? કારણ સ્પષ્ટ જ છે કે વીશ્વનું સંચાલન કેવળ બળના સીદ્ધાંત પર જ થાય છે, એ જ રીતે માનવ–સંસારની ગતીવીધીઓ પણ મુખ્યત્વે બળના સીદ્ધાંતને આધારે ચાલે છે. અત્રે ‘મુખ્યત્વે’ શબ્દપ્રયોગ તો એટલા માટે કે મનુષ્ય બુદ્ધીશાળી પ્રાણી છે અને વળી તે દયા–કરુણા જેવી લાગણીઓ પણ ધરાવે છે, એથી ઘણી વાર અહીં નીર્બળનું પણ રક્ષણ થાય અથવા તો તેને ન્યાય મળે. અત્રે એય નોંધવું ઘટે કે માનવ સન્દર્ભે ‘બળ’ શબ્દમાં ધનબળ તથા બુદ્ધીબળનો અર્થ પણ સમાવીષ્ટ છે. બીજી બાજુ પ્રકૃતી અન્ધ તથા લાગણીવીહીન એવી અફર વ્યવસ્થા છે, જેમાં બળ એટલે કેવળ ભૌતીક બળ જ વીજયી નીવડે છે. ત્યાં માનવકૃત જીવનમુલ્યો યા નીતીમુલ્યોનું કોઈ જ સ્થાન નથી. દા.ત., કોઈ નદીમાં ઘોડાપુર ઘુઘવાતાં હોય, તો એમાં ચોરલુટારાં પણ તણાઈ જાય અને સન્ત–મહાત્મા પણ તણાઈ જ જાય. હા, જેને તરતાં આવડતું હોય તે બચે; પણ એ તો બળનો જ સીદ્ધાંત થયો – પ્રવાહના વેગનો સામનો કરવાનું બળ, તદનુસાર એમ બને કે ચોરલુંટારા બચી જાય અને સન્તમહાત્મા ડુબી મરે!

ઉપર જે સીંહ–મૃગ ન્યાયનો દાખલો ટાંક્યો, એમાં પણ એ જ બળનો સીદ્ધાંત પ્રવર્તે છે. અર્થાત્ બળવાન પ્રાણી નીર્બળ જીવને ખાઈ જાય એ કુદરતનો જ ક્રમ છે. એમાં પાપ–પુણ્યનો કે ન્યાય તોળવાનો પ્રશ્ન જ ક્યાંય ઉદભવતો નથી. આ સન્દર્ભે માનવસમાજમાં માંસાહારી વ્યક્તી પાપી અને શાકાહારી પુણ્યશાળી એવી માન્યતા પણ કેવળ અમુક ધર્મોનો ધાર્મીક ખ્યાલ માત્ર છે. અને આજે વીજ્ઞાનની વીરાટ આગેકુચ પછી તો આહાર બાબતમાં હીંસા–અહીંસાનો સમગ્ર ખ્યાલ જ વળી અજ્ઞાનજનીત સીદ્ધ થાય છે; કારણ કે શાકમાં અર્થાત્ વનસ્પતીમાં પણ જીવ છે અને તે પણ સુખદુ:ખની લાગણીય સમ્ભવત: અનુભવે છે. જડ–નીર્જીવ પદાર્થ ખાઈને કોઈ પણ પ્રાણી જીવી શકે જ નહીં, મત્સ્યગલાગલન્યાય, કુદરતનો જ એ લાગણીહીન, છતાં અફર નીયમ છે. પ્રકૃતીમાં કેવળ નીર્મમ–અન્ધ સંચાલન છે, વ્યવસ્થા કે સુવ્યવસ્થાનો એમાં પ્રશ્ન જ નથી.

મને એક આડવાત; છતાં મહત્તવનો મુદ્દો અત્રે સ્ફુરી આવે છે : શેક્સપીયરનાં કરુણાંત નાટકો જગવીખ્યાત છે અને ‘હેમલેટ’ કે ‘કીંગલીયર’ જેવી સર્વોત્તમ નાટ્યકૃતીઓનો જગતમાં, વીશ્વસાહીત્યમાં જોટો જડવો મુશ્કેલ–અસમ્ભવીત છે. એવી જ રીતે અમુક ગ્રીક ટ્રેજેડીઓ પણ ઉત્તમ નાટ્યરચનાઓ તરીકે સીદ્ધ થાય છે. આપણાં પ્રાચીન નાટકોમાં કાલીદાસનું ‘શાકુન્તલ’ ઉચ્ચ કક્ષાનું, ભલે વીશ્વકક્ષાનું નાટક ગણાય છે; છતાં વીવેચકો કહે છે કે ‘છેલ્લા બે અંકો ઉમેરવાથી નાટક કથળ્યું છે, એ અકારણ ‘ચોંટાડેલા’ લાગે છે.’ આમેય કાલીદાસની યા તો આપણી એકેય પ્રાચીન નાટ્યકૃતી શેક્સપીયરની તોલે તો આવતી જ નથી. અને ઉત્તમ ટ્રેજેડી (કરુણાંત નાટક) તો આપણા સાહીત્યમાં છે જ ક્યાં? સુખાંત બનાવવા જતાં જ નાટક કૃત્રીમ બની જાય છે. આમ કેમ બન્યું?

આનું કારણ ‘કર્મનો સીદ્ધાંત’ જ છે– એમ કહું તો કદાચ બહુમતી વાચકોને આશ્ચર્ય કે આઘાત લાગશે; પણ હકીકત સત્ય છે. જાણો છો? આપણા પ્રાચીન નાટ્યશાસ્ત્રમાં–રસશાસ્ત્રમાં કરુણાંત લાવવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. (મોટે ભાગે હજી આજેય આપણી સીનેમા–કહાણીઓમાં એવું જ ગોઠવાય છે!) આવી મનાઈ ફરમાવવાનું કારણ એ જ કે એથી કર્મના સીદ્ધાંતનો ભંગ થાય. ‘સત્યમેવ જયતે’ કે ‘ધર્મે જય, પાપે ક્ષય’ જેવા ધાર્મીક–નૈતીક સીદ્ધાંતો ખોટા ઠરે. નાટકોમાં સામાન્યત: સત્ય તથા ન્યાય નાયક–નાયીકાના પક્ષે જ હોય, એટલે ટ્રેજેડી થાય તો સત્ય અને ન્યાય હાર્યા–એમ સીદ્ધ થાય. માટે જ ફરમાન છે કે ટ્રેજેડી સર્જવી જ નહીં, મારીઠોકીને પણ ધર્મપક્ષને જીતાડવો (નાયક–નાયીકાને પરણાવી દેવાં!), ભલે પછી કૃતી કથળે! આવો કલાવીરોધી આદેશ આપણા રસશાસ્ત્રીઓએ કર્મના સીદ્ધાંતવશ આપ્યો, પરીણામે વીશ્વશ્રેષ્ઠ સાહીત્યકૃતી સર્જતાં આપણા પ્રકાંડ નાટ્યકારોય પાછા પડ્યા. કેવો કરુણાંત!

આપણા એક સક્રીય સુધારક–વીચારક લખે છે : ‘કર્મની થીયરીથી પ્રજાને ભારે હાની થઈ છે. આપણી પ્રતીકાર–ક્ષમતા નષ્ટ કરવામાં અન્ય કારણોની સાથે કર્મવાદ પણ એક મોટું કારણ છે… લોકોને વાસ્તવીકતા કરતાં કાલ્પનીકતામાં વધુ રસ આવે છે. સારુંય ધાર્મીક જગત આવી કાલ્પનીકતાના ઘટાટોપમાં પ્રજાને અન્ધકારપ્રીય બનાવવાનું કામ કરે છે વળી, આમ અન્ધકાર ફેલાવનારી વ્યક્તી (ધર્મગુરુ કે સન્તમહન્ત) પુજાય છે અને એની સમક્ષ દક્ષીણાનો ઢગલો થાય છે. આ દીશામાં હું સક્રીય કામ કરું છું; છતાં નીરાશ થાઉં છું. આ પ્રજાનું ઉજ્જવળ ભવીષ્ય મને દેખાતું નથી.’

બીજા એક વીદ્વાન પ્રાધ્યાપક, લેખક–વીચારક ડૉ. જશવંત શેખડીવાલા (‘કર્મનો સીદ્ધાંત’ પુસ્તકની પ્રસ્તાવનામાં) લખે છે : ‘કર્મના આ સીદ્ધાંતે હીન્દુઓ અને હીન્દુસ્તાનને બધી રીતે કંગાલ તેથી નમાલા બનાવી દીધા છે… કર્મનો સીદ્ધાંત કેવો અસત્ય, ભ્રામક, બેહુદો, ઉપરાંત વીસંગત અને વીનાશક છે એ જાણવું જોઈએ… આ સીદ્ધાંતના પ્રવર્તક પ્રાચીન ધર્મગુરુઓ તથા એમના સમર્થક અનુયાયીઓ… પોતાના વર્ગીય હીતો માટે પુરા જાગૃત હતા. તેઓ સમાજના સર્વોચ્ચ વર્ગના પ્રતીનીધીઓ હતા. શાસક તથા શાસકવર્ગના પ્રત્યક્ષ યા પરોક્ષ રુપમાં, તેઓ સહયોગીઓ અને સાથીદારો હતા. કોઈ પણ ભોગે દુ:ખીત–પીડીત–શોષીત લોકોને શાંત, નીષ્ક્રીય, આત્મસંતોષી… પ્રારબ્ધવાદી રાખવાનો અને તેમની દુર્દશા માટે જવાબદાર શાસકો, ધનીકો, ધર્માચાર્યો વીરુદ્ધ બગાવત કરતા રોકવાનો પાકો ઈરાદો ધરાવતા વીચારકોએ કર્મનો સીદ્ધાંત રચ્યો અને ઉપજાવી કાઢેલાં દષ્ટાંતો વડે… તેને દૃઢમુલ તથા વ્યાપક કરી દીધો.’

ડૉ. શેખડીવાલાના કથનનો ભાવાર્થ સ્પષ્ટ છે : આટઆટલાં દમન–શોષણ છતાં ભારતમાં ક્રાંતી કેમ નથી થતી? દુ:ખગ્રસ્ત– યાતનાગ્રસ્ત લોકો મુંગા મોઢે ઘોર અન્યાય કેમ સહન કરી લે છે? એનું કારણ એ જ કે વર્ષોના ગોબેલ્સ–પ્રચાર દ્વારા તેઓનાં મનમાં એમ ઠસાવી દેવામાં આવ્યું છે કે ‘આપણી આવી અવદશા, આ વેદના–પીડા માટે જવાબદાર આપણાં પુર્વજન્મનાં પાપ જ છે, આપણે આપણાં જ ખરાબ કર્મોનાં આવાં ફળ ભોગવી રહ્યા છીએ! ભોગવ્યે જ છુટકો છે, એમાં કોઈનો શો દોષ?…’ બસ, એથી શોષકો–શાસકોને નીશ્ચીંત નીરાંત!

પરન્તુ કેવળ બેફીકર અને બેફામ શોષણ ચાલુ કરવા તથા ચાલુ રાખવા માટે જ ‘કર્મનો સીદ્ધાંત’ બનાવી કાઢવામાં આવ્યો–એવું તારણ પુર્ણ સત્ય ન ગણાય. હા, પરીણામનો લાભ શોષકો–શાસકોએ જરુર ઉઠાવ્યો છે; પરન્તુ કર્મના સીદ્ધાંતનાં મુળ તો ઘણાં ઉંડાં છે, જે છેક આદીમ સમાજવ્યવસ્થા સુધી પહોંચે છે. તો અન્તમાં આપણે એ સ્પષ્ટ કરીએ :

માનવજાતે સમાજ રચ્યો, એટલે અમુક નીયમો બનાવવા જ પડે તથા ફરજીયાત પળાવવા પડે; તો જ સમાજવ્યવસ્થા ટકી શકે. એટલે અગ્રણીઓએ સભ્ય વર્તનના કેટલાક નીયમો ઘડ્યા; પરન્તુ સમાજ રચવા માત્રથી માણસ સમ્પુર્ણ સંસ્કૃત ન બની જાય. અરે, આજેય નથી. એથી ઉલટું, પોતાની પ્રાણીસહજ વૃત્તીઓથી પ્રેરાઈને સામાજીક માનવી ઘણી વાર સમાજના નીયમોનો ભંગ કરવા પ્રેરાય, એ ખુબ જ સ્વાભાવીક છે, જેવું આજેય બને છે. પરીણામે આવા નીયમોના પાલન અર્થે લોકોને નીતીબોધ ઉપરાંત, કશોક ભય પણ બતાવવો પડે. એમાં પ્રથમ ભય શાસક દંડનો એટલે કે રાજ્ય દ્વારા સજા થવાનો બતાવ્યો અને એ માટે કાયદા બનાવ્યા; પરન્તુ ગમે તેવી કડક સરકાર પણ સર્વત્ર પહોંચી શકે નહીં, એટલે સમાજના અગ્રણીઓએ પાપપુણ્યની શોધ કરી, કર્મનો સીદ્ધાંત પ્રવર્તાવ્યો (અને એથી જ સમાજે–સમાજે પાપ–પુણ્યની વ્યાખ્યા આજેય ભીન્ન ભીન્ન જ રહી છે) સાથે સાથે એક પરમ–સર્વોચ્ચ શાસક એવા પરમેશ્વરની કલ્પનાય પ્રચલીત બનાવી. પછી એવો ભય ફેલાવ્યો કે ‘જો તમે ગુપ્ત રીતે પાપ કે કુકર્મ આચરશો, તો ભલે કદાચ રાજ્યદંડથી બચી જશો; પરન્તુ ઈશ્વર તો સર્વવ્યાપી તથા સર્વજ્ઞ છે, એ તો તમારાં ભુંડા કર્મની સજા કર્યા વીના તમને નહીં જ છોડે!’ આમ મુળ કર્મનો સીદ્ધાંત અસ્તીત્વમાં આવ્યો.

ભરત વાક્ય

“જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીતીકથાઓ અને ધર્મમાન્યતાઓને વેદવાક્ય માની, માથે ચઢાવીને ફર્યા કરશે, ત્યાં સુધી સંસ્કૃતીની કોઈ આશા નથી.”

–બર્ટ્રાન્ડ રસેલ

[‘કર્મનો સીદ્ધાંત’ લેખક : ડૉ. જેરામ દેસાઈ, પ્રકાશક : ‘વહેમ અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’, વલ્લભવીદ્યાનગર (જીલ્લો : ખેડા)  સેલફોન : 99259 24816  કીમ્મત : રુપીયા 7-50. જીજ્ઞાસુઓએ આ પુસ્તક પણ જોવું. (અફસોસ આ પુસ્તક આઉટ ઑફ પ્રીન્ટ છે. –ગોવીન્દ મારુ)]

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે મધુપર્ક ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/)માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક–સમ્પર્ક : 

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.comઅને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

6 Comments

 1. મા. –રમણ પાઠક (વાચસ્પતી)એ કર્મનો સીદ્ધાંત પર ખૂબ ચર્ચા કરી છે.
  તેમા કેટલીક વાતે ‘પુણ્યશાળી વૃદ્ધાવસ્થામાં કોઈ ને કોઈ રોગથી જ મરે છે; કારણ કે ત્યાં ઘસારાનો નીયમ લાગુ પડે છે ●ભરત વાક્ય●’વાતે વૈજ્ઞાનીક દ્રુષ્ટિએ જોતા મૃત્યુના બે પ્રકાર છે.
  Apoptosis: A form of cell death in which a programmed sequence of events leads to the elimination of cells without releasing harmful substances into the surrounding area. Apoptosis plays a crucial role in developing and maintaining the health of the body by eliminating old cells, unnecessary cells, and unhealthy cells. આ રીતે વૈજ્ઞાનીક રીતે સારા આહાર વિહાર સાથે જીવન જીવતાના મૃત્યુ થાય છે ત્યારે બીજી તરફ Necrosis can be defined as cell death caused by loss of membrane integrity, intracellular organelle swelling and adenosine triphosphate (ATP) depletion leading to an influx of calcium.
  “જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીતીકથાઓ અને ધર્મમાન્યતાઓને વેદવાક્ય માની, માથે ચઢાવીને ફર્યા કરશે, ત્યાં સુધી સંસ્કૃતીની કોઈ આશા નથી.”
  –બર્ટ્રાન્ડ રસેલના આ સિધ્ધાંત સાથે સૌ સંમત થાય અને આ અંગે વિદ્વાન સાધકોએ સાધના- તપથી અનુભવેલી વાતો સમજાવી છે બાકી ચિંતન મનન વગર આવી ચર્ચાઓ આદીકાળથી થતી આવી છે અને ઘણા પ્રશ્નોનુ સમાધાન કરવામા આવ્યુ છે બાકી વિતંડાવાદથી સમાધાન થતુ નથી.
  સાંપ્રત સમયે જાણીતી વાત- આતંકવાદી વિચાર સરણીવાળા આવા અમુક વિચારોના પ્રચાર માટે ફંડ આપવામા આવે છે

  Like

 2. કર્મનો સીદ્ધાંત:

  હાથ ના કર્યા હૈયે વાગે
  જેવું વાવો તેવું લણો
  જેવી કરણી તેવી ભરણી
  ખાડો ખોદે તે પડે

  આ સીદ્ધાંત દરેક ધર્મ માં લાગુ પડે છે – વહેલે કે મોડે તેનું પરિણામ જાહેર થઈ જાય છે

  Like

 3. લેખ વાંચ્યો. કેટલાંક લેખકોઅે લખ્યાનો બનેલો લેખ વાંચ્યો. કર્મ ? શું રોજીંદા કામો ( સવારે જાગીઅે ત્યારથી જે કામો દિવસભર કરીઅે અને રાતે સુવાનું કર્મ કરીઅે તે ? )કરીઅે છીઅે તેને કર્મના સીદ્ઘાતમાં ગણવામાં આવે છે ? કે પછી અેવા કર્મો કે જેને કરીઅે …‘મોક્ષ‘ મેળવવા માટે કરીઅે છે તે કામો ?

  પાપકર્મો…કુકર્મો…..સુકર્મો….પુણય કર્મો….. કર્મોના સીદ્ઘાંતમા સમાવાયેલા છે. તે લેખમાં વાંચ્યું.
  સ્નેહીશ્રી કાસીમભાઇનો કર્મનો સીદ્ઘાંત વાંચ્યો. આ સીદ્ઘાંત દરેક માનવીને લાગુ પડે છે. તેને લાગુ પડવા માટે કોઇપણ ઘર્મના અનુયાયીને જુદા ગણાય નહી.

  આ લેખ ‘ આદર્શ ‘. જેવો જ કાંઇક લાગે છે. પ્રેક્ટીકલ નહિ. ” The greatest challenge in life is DISCOVERING who you are ” This is not a theory…This is a practical law of living a life of a HUMAN….”HUMANITY is the law…કર્મનો સીદ્ઘાંત….
  લેખના અંતમાં લેખને બરટરાન્ડ રસેલજીના વિચારોમાં નિષકર્શ તરીકે સમાવેલો છે…..

  ભરત વાક્ય : ‘જ્યાં સુઘી મનુષય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક અેવી નીતીકથાઓ અને ઘર્મમાન્યતાઓને વેદવાક્ય માની, માથે ચઢાવીને ફર્યા કરશે, ત્યાં સુઘી સંસ્કૃતીની કોઇ આશા નથી.‘

  ૨૦૨૦ના વરસમાં જીવતા કોઇપણ ઘરમના મનુષયને માટે જો ‘ કર્મનો સિદ્ઘાંત ‘ લાગુ પાડવો હોય તો……ભુતકાળના ઘર્મોના પુસ્તકો વાંચીને…ભુતકાળમાં જઇને આજનું જીવન જીવવું પડે.

  મને પાછું યાદ આવ્યું…હરીશ દેસાઇનું અનુપમ વાક્ય,

  ‘ હંમેશા યાદ રાખજો, ‘ ભુતકાળમાં આંટો મરાય…… રહેવાય નહી. ‘
  માને મારા વઘારાના શબ્દો ઉમેરવાનું ગમ્યું…..‘ અને ભુતકાળમાં રહેવા માટે….મરવું પડે. ‘

  પૂજ્ય રમણભાઇને અમેરિકામાં, ન્યુ જર્સીમાં ‘ ગુજરાત દર્પણ ‘ની સાહિત્યસભામાં મળ્યાનો અને મારા લેખની કોપી, તેમના પુસ્તકના અવલોકનની, તેમણે માંગેલી, તે આપવાનો આનંદ યાદ આવે છે.

  આજના સમયના જીવનના બદલાવને ઘ્યાનમાં રાખવા માટે આજના સામાજીક , ઔદ્યોગીક અને પોલોટીકલ જીવનને અનુરુપ કર્મો કરીને ” Struggle for Existance ” નું જીવન જીવવું પડે છે. પાપોથી ભરેલાં સંસારમાં જીવવું પડે છે. જે પોતાની જાતને ‘ અનુરુપ ‘ નહિ બનાવે તો તેનો નાશ. રસેલજીના વાક્યના છેલ્લા શબ્દ લાગુ પડે છે…

  ‘…ત્યાં સુઘી સંસ્કૃતીની કોઇ આશા નથી.‘

  સમયની સાથે જીવો…સમયની માંગ ને સમજો….૨૦૨૦ના વરસમાં જીવો. ( ૨૦૭૫,,,વિક્રમ સંવત )) ભુતકાળ ફક્ત ‘ થીયરી ‘ છે..ગાઇડલાઇન આપી શકે.

  શ્રી ભર્તુહરિઅે ‘ નીતિ શતકો ‘ લખ્યા હતાં. તેમના સમયને અનુરુપ.

  ાાઆભાર
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. મિત્રો,
  આ લેખને ઇન્ટરોડયુસ કરવાના શરુઆતના સવાલો, ભારતીય સમાજને લગતા છે.
  તે સવાલોના મજબુત જવાબો જાણવા અને માણવા મારે અેક રીક્વેસ્ટ કરવી છે.
  વાંચવાની વિનંતિ…..
  સ્વામી સચ્ચિદાનંદજીના આ પુસ્તકો…
  ૧. ભારતીય યુઘ્ઘનો સંક્ષિપ્ત ઇતિહાસ
  ૨. આપણે અને સમાજ.
  અને
  ૩. અઘોગતિનું મૂળ…વર્ણ વ્યવસ્થા
  સરસ સમજ આપી છે…ભારતીયોની નિર્બળતા માટે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. Ekdum Arthjin bematlab ni ardh-vidvata bhari post.
  Tamara vicharo ne bija par thopi na shakay,

  Aamana ghana khara prashno nu nivaran tamney
  P.Kanjiswami (Songadh) na pravachano sambhado tau madi rehsey.
  “Kramabaddha Paryay” book vachi, undu manomanthan kari lyo, pachhi charcha karjo.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s