સરળ અને વૈજ્ઞાનીક જોડણી શા માટે?

અનેક વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ, શીક્ષકો, તન્ત્રીઓ, સાહીત્યકારો, સંસ્થાઓની ચર્ચા–વીચારણામાંથી નુતન, સરળ અને વૈજ્ઞાનીક જોડણીનો વીચાર ઉદભવ્યો. ઉંઝા મુકામે ‘અખીલ ગુજરાત જોડણી પરીષદે’ બે દીવસની વીસ્તૃત અને સઘન ચર્ચાવીચારણાને અંતે સર્વાનુમતે તેનો અમલ કરવાં ઠરાવ્યું. આ જોડણીને સરકાર માન્યતા આપે તો કરોડો બાળકો પર સેંકડો વરસોથી થતો બાળમજુરી જેવો જ જુલ્મ/અત્યાચાર નીવારી શકાશે…?

સરળ અને વૈજ્ઞનીક જોડણી શા માટે?

ગુજરાતી ભાશા બચાવો અભીયાન

–વીનોદ વામજા

ગુજરાતી ભાશા બોલવામાં હસ્વ–દીર્ઘના ભેદ રહ્યા નથી. તે પ્રમાણે બોલવા જઈએ તો કૃત્રીમ અને બેહુદુ લાગે. તો માત્ર લખવામાં બે–બે ચીહ્નો ‘ઈઈ–ઉઊ’( િ ી – ુ ૂ ) શા માટે? લાંબા ટુંકા ઉચ્ચારની ચોકસાઈ માટે હોય તો અ, આ, એ, ઓ…માં કેમ નથી? અનુસ્વારનાં માત્ર એક બીંદુ ચીહ્ન (ં) થી મ્  ન્  ણ્ ….  પાંચ સ્પશ્ટ ઉચ્ચાર કરાય છે તેનું શું?

કેટલાક અર્થભેદ કરતા શબ્દો (પાણી–પાણિ, વધુ–વધૂ, પુર–પૂર, દીન–દિન, ચીર–ચિર)ને આગળ ધરીને રુઢીચુસ્ત વીદ્વાનો સાર્થ જોડણીને વળગી રહયા છે. અન્ય કારણો પણ ઉપજાવી કાઢયા છે. તેમાં કોઈ દમ નથી. હસ્વ–દીર્ઘ ના હોય તેવા અર્થભેદ કરતા શબ્દો ગુજરાતીમાં અનેક છે.

જેમ કે (1) માળા– ગળાની માળા, પક્ષીઓના માળા (2) હાર– પહેરવાનો, હાર જીતનો (3) કર– વેરો, હાથ (4) ચલણ– નાણું, વ્યવહાર (5) વાસ– ગંધ, રહેઠાણ… તથા કામ, કાળ, વાર, વાત, ભાવ, ભાત, દળ, દર, તક, મોર, ગોળ, સોળ વગેરે.

લખાણ અને ઉચ્ચારમાં એક જ હોય તેવા થોડા શબ્દો તો દરેક ભાશામાં હોય છે. અંગ્રજી અને સંસ્કૃતમાં તો બહુ છે. અંગ્રજીના કેપીટલ શબ્દના તો પાંચ અર્થ થાય છે. શબ્દો હસ્વ દીર્ઘ ન હોવા છતાં તેના અર્થો વાક્યના સન્દર્ભથી સમજી શકાતા હોય છે. જેમ કે દરીયાનાં મોજામાં મારાં પગનાં મોજાં તણાયા. તારા માન ખાતર મેં આ રાસાયણીક ખાતર વાપર્યું છે, જે તારી જાણ ખાતર.

આજ સુધી આ બોજ નાખનાર, અને હજુ ન હટવા દેનાર વીદ્વાનોને શું કહેશું? અભણ લોકો પણ જુનવાણી વસ્તુ કે વાહનો વાપરવાનો મોહ ધરાવતા નથી; પણ ભણેલા ગણેલા વીદ્વાનો પરમ્પરાનો મોહ છોડી શકતા નથી.

દ્વ, દ્ર, દૃ, દ્ધ, શ્ચ જેવા હીન્દી જોડાક્ષરો પ્રયોજવાનું કારણ શું? પુરી હીન્દી લીપી શા માટે અપનાવી નહીં? સાત પ્રકારના રુ છે. ઋ રૂ…. માત્ર રુ માં જ જરૂર શા માટે પડી? શું કોઈ તર્ક/જવાબ છે વીદ્વાનો પાસે?

આ વૈશ્વીક યુગમાં પ્રાદેશીક ભાશાઓ નશ્ટ થતી જાય છે. ત્યારે આપણી ભાશાને બચાવવી હોય તો સરળ કર્યા વગર છુટકો જ નથી. સરળ જોડણીમાં છપાયેલ પુસ્તકો વાંચશો તો શરૂઆતમાં અજુગતું લાગશે. બાકી, આપણી આંખો ટેવાઈ જાય પછી તે શબ્દો ખુંચતા નથી. જે અનુભવ પુસ્તકના અન્તે નહીં પણ મધ્યમાં જ થઈ થશે.

આપણે ગુજરાતી ઉપરાંત હીન્દી, અંગ્રેજી ભાશા પણ શીખવી પડે છે. યુરોપીયન, અમેરીકનોને અંગ્રેજી સીવાય બીજી કોઈ ભાશા શીખવી પડતી નથી. માટે આપણી લીપી તો સરળ જ હોવી જોઈએ જેથી બીજી ભાશા શીખવાનો સમય રહે. ભાશા લીપી સરળ હોય તો દેશનો વીકાસ ઝડપી થાય. એવું નથી કે દુશ્મનો જ દેશને નુકશાન કરતા હોય.

પ્રવર્તમાન જોડણીમાં 32 નીયમો છે; પણ તેમાં 33 ખામીઓ છે. અસંખ્ય અપવાદો છે. જો નીયમો ચોકકસ હોય તો પણ દરેક શબ્દ લખવા માટે 33 નીયમોથી ચકાસીએ તો કેટલો સમય લાગે? પછી પણ તે શબ્દ સાચો હોતો નથી જો અપવાદ હોય તો પછી તે પીસ્ટ પીંજણ કરવાનો ફાયદો શું? ઈનામ શું મળે?

અહીં નીચે આપેલ બધી જોડણી સાચી છે; પણ જુઓ કેવા વીરોધાભાસથી ભરેલ છે.

મતિ – સતી, કવિ – રવી, રતિ – સતી, ગતિ – જતી, શિક્ષા – દીક્ષા,

બુક – બૂટ, ભુજ – ભૂત, કુલ – ભૂલ, ઈરાક – ઈરાન,  કુંડ – કૂંડી,

ખેડુ – ખેડૂત, ત્રિકમ – પ્રીતમ, નલિન – કુલીન, ઘુવડ – ફુવડ વગેરે.

સાર્થ જોડણીકોશમાં 32 નીયમોની ધજીયા ઉડાડતા, આવા અસંખ્ય શબ્દો છે….

અનીયમીત જોડણી માત્ર વીદ્યાર્થી, શીક્ષકો અને પ્રીન્ટ મીડીયા માટે જ બોજ છે. વ્યવહારમાં તેનો કોઈ ભાવ પુછતું નથી. બેંકમાં ખોટી જોડણીથી લખાયેલ ચેક પાછો ફરતો નથી. કોર્ટમાં ખોટી જોડણીથી સજા/ન્યાય થતાં નથી. કાળજી રાખવાં છતાં છાપાઓમાં મેગેઝીન ચોપડીઓમાં જોડણીની અનેક ભુલો રહી જાય છે અને બધું ચાલે છે. કાવ્ય, ગીત, ગાવામાં પણ લાંબા ટુંકા ઉચ્ચાર જોડણી પ્રમાણે નહીં; પણ રાગ પ્રમાણે થાય છે. અર્થાત્ જોડણીના કોઈ લાભ કે ઉપયોગ છે જ નહીં. 100 ટકા નડતર વસ્તુ છે.

આજના ઝડપી અને માહીતીના યુગમાં બબ્બે ‘ઈ–ઉ’વાળી વીચીત્ર જોડણી બાળકો પર અર્થહીન કર્મકાંડી બોજ છે. તેને કારણે બાળકોને ભણતર પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય અને ભણવાનું છોડી દે છે. લાભ તો કાઈ જ નથી. વીદ્યાર્થીઓ જોડણી ગોખવામાં સમય બગાડે તેનાં કરતા વીજ્ઞાન, ગણીત, કમ્પ્યુટર, ભુગોળ, ઈતીહાસ, સમાજશાસ્ત્ર… વગેરેનું વધુ ઉંડુ તલસ્પર્શી જ્ઞાન મેળવે તે વધુ હીતાવહ છે. કોઈ પણ પ્રશ્નોના જવાબમાં શુધ્ધ જોડણીમાં ગપ્પાં મારવાં કરતાં અર્થસભર જવાબ વધુ મહત્વના ગણાય. જોડણીની ગોખણપટ્ટીના અકારણ બોજને કારણે વીદ્યાર્થીઓમાં સર્જનશકતી ખીલી શકતી નથી. જે સરવાળે દેશને ભારે નુકશાન કરે છે.

(1) જોડણીમાં એક જ ‘ઈ’ અને ‘ઉ’ નો ઉપયોગ કરવો.

(2) દુનીયાની લગભગ બધી જ ભાશાઓમાં એક થી બે ‘સ’ ‘શ’ છે. આપણે ત્રીજા ‘ષ’ ને દુર કરી તેને બદલે આસાનીથી ‘શ’ અથવા ‘સ’ વાપરી શકીએ તેમ છીએ.

(3) ક્રીયાપદના અન્તે આવતાં – નાં, નું, માં, વું, સારું, ફરવું વગેરેમાં અનુનાસીક અનુસ્વારનો કોઈ સ્પશ્ટ ઉચ્ચાર થતો નથી. તેને પણ દુર કરવાથી ગુજરાતી ભાશા લખવાની 90 ટકા મુશ્કેલીઓ દુર થઈ જાય તેમ છે. બીનજરૂરી અનુસ્વાર લખવામાં કમ્પ્યુટર પર એક અક્ષર લખવા જેટલો સમય લે છે. હવે તો વધુ લખવાનું કમ્પ્યુટર અને મોબાઈલમાંં જ આવે છે.

(4) આપણે યજ્ઞ સુજ્ઞ લખીએ છીએ પણ લજ્ઞ, મજ્ઞ, નજ્ઞ, ભજ્ઞ લખતાં નથી; પણ લગ્ન, મગ્ન, નગ્ન, ભગ્ન લખીએ છીએ. બાકી ઉચ્ચાર તો સરખો જ છે. (‘જ્ઞ’ નો પ્રાચીન ઉચ્ચાર ‘ગ્ન્ય’ છે; પણ ગુજરાતીઓ ‘ગ્ન’ અને હીંદીઓ ‘ગ્ય’ ઉચ્ચાર કરે છે) જો ‘જ્ઞ’ અને ‘ઋ’ ‘રૂ’ દુર કરીએ તો ગુજરાતી લીપી 95 ટકા ફોનેટીક થઈ શકે છે.

(5) ગુજરાતી અંકો ૧,ર,૩,… ને બદલે અંગ્રેજી અંકો 1, 2, 3… સ્વીકારી લઈએ તો ઘણી સરળતા આવે. સીક્કા, નોટો, ઘડીયાલમાં અંગ્રજી અંકો હોવાથી અભણ લોકો તેને વધુ ઓળખતા હોય છે. આજે તો તોલા, કાટા, કમ્પ્યુટર, ટીવી ચેનલ, મીટરો, લીફટ, તાસ પત્તા, વગેરે બધા પર અંગ્રેજી અંકો જ હોય છે.

.   ,   ?   !   /   %   ”  ‘  :     (   [   {   +   =   ~  વગેરે સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય થઈ ગઈ છે. દુનીયાની બધી ભાષામાં છે. તેનો કોઈએ વીરોધ કર્યો નથી. ટીવી પર ચાઈનીઝ, અરબી કે અન્ય ભાશામાં લખાણ આવે તો જોજો કે તેમાં આંકડા અને સંજ્ઞાઓ તો અંગ્રેજીમાં જ હોય છે. અન્ય લોકો આટલા સુધારા કરીને ઝડપથી આગળ વધી જાય તો આપણે શા માટે પાછળ રહેવું. આટલા સુધારા થાય તો દેશનું શીક્ષણ 90 ટકા આસાનીથી થઈ શકે છે. જે હાલ 75 ટકા છે.

એંડ્રોઈડ મોબાઈલમાં સેંકડો ફેસીલીટી છે. વગર ભણ્યે/ટ્યુશને શીખી લઈએ છીએ, તો આ નાના સુધારને આત્મસાત કરતાં શું વાર લાગે? સરળતા માનવમાત્રને ગમે છે. ગમે તેવી સારી વાતમા 2 – 5 ટકા લોકો તો વીરોધ કરે, તેને ધ્યાનમાં ના લેવાય.

ગુજરાતમાં સરળ જોડણી અભીયાન માટે ઘણી બેઠકો થઈ હતી. છેલ્લે 1999માં ઉંઝામાં 250 જેટલા પ્રબુધ્ધોની સહમતીથી એક જ ‘ઈ’ અને ‘ઉ’ જોડણીને સ્વીકૃતી અપાઈ હતી. પછી કેટલાક દૈનીક અને મેગેઝીન તેમાં પ્રકાશીત થવા માંડ્યા. પચાસ જેટલાં પુસ્તકો પણ એક ‘ઈ–ઉ’માં છપાયા છે. અને માત્ર જોડણી વીશય પર જ ત્રીસેક પુસ્તકો લખાયા છે. તેમાં તમામ શંકાઓનું તર્કબધ્ધ નીરસન કરવામાં આવ્યું છે.

આ એક નુતન ક્રાંતીકારી વ્યવસ્થા છે. તેનાથી લોકોના સમય અને શકતી બચશે. માત્ર આ સુધારાથી ગુજરાતીઓનો 95 ટકા ભાશાકીય બોજો દુર થઈ શકે છે. શૈક્ષણીક ક્ષેત્રે અકલ્પનીય પ્રગતી થઈ શકે તેમ છે. કોઈ પણ લેખક તેના પુસ્તકમાં આ ‘સરળ/વૈજ્ઞાનીક જોડણી શા માટે?’ લેખ આપી/છાપી શકે છે. તેનાથી એક મહાન શૈક્ષણીક કાર્ય થઈ શકે તેમ છે. કરોડો બાળકો પર સેંકડો વરસોથી બાળમજુરી જેવો જ જુલ્મ/અત્યાચાર રુઢીચુસ્ત વીદ્વાનો દ્વારા પણ થઈ રહ્યો છે. જેથી સરળ જોડણીને સરકાર ઝડપથી માન્યતા આપે તે અતી જરૂરી છે.

–વીનોદ વામજા

લેખન અને સંકલન : શ્રી. વીનોદ વામજા, નીવૃત્ત ટેલીકોમ એન્જીનીયર (BSNL), 2, સુન્દરમ પાર્ક, ગરબી શેરી જીરાપા પ્લોટ, ઉપલેટા – 360 490 જીલ્લો : રાજકોટ ફોન : (02826) 222 626 સેલફોન : +91 87329 59720 ઈમેલ : vinodvamja@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

 

13 Comments

  1. ભાષા નું એવું છે કે કોઈ પણ ભાષા હોય, જયારે તે જન્મ લે છે ત્યારે તેમાં ખોડ ખાપણ હોય છે. અંગ્રેજી ભાષા નું જ ઉદાહરણ લઈ લો knowledge અને knife માં k. નકામો અને ઘુસાડી દીધેલ છે. તેવી જ રીતે psychology અને pneumonia માં p. નકામો અને ઘુસાડી દીધેલ છે આવા અનેક ઉદાહરણ આપી શકાય.

    p u t પુટ વંચાય પરંતુ b u t બટ વંચાય queue. (ક્યુ ) શબ્દ માં નકામા બીજા ચાર alphabet. ઘુસાડી દીધેલ.

    તે અનુસાર આપણી પોતાની ભાષા ગુજરાતી માં જો થોડી ખોડ ખાપણ હોય તો તેને સહી લો અથવા સુધારી લો.

    જય જય ગરવી ગુજરાત
    દીપ અરુણ પ્રભાત

    Liked by 1 person

  2. Such changes should be accepted to make the language easier for learning. It has been rightly argued to prove the point.

    Liked by 1 person

  3. વીનોદ વામજામાં મને અેક સમયની સાથે ચાલનાર શીક્ષક જોવા મળ્યા.
    મારા અહિંના વિચારોમાં પણ ‘ સાહિત્ય‘ ની ફીક્ષ જોડણી ના પણ મળે. માફી આપશો.
    તેમના ગુજરાતી ભાષાને, લીપીમાં ફેરફાર કરીને, આઘુનિક સ્વરુપ આપીને સરળ બનાવવાના , દાખલાઓ સાથે, ના આર્ગ્યુમેંન્ટસ્ વાંચ્યાં. સમજવાની કોશીષ પણ કરી. વાત ગમી. શ્રી વામજાને સમયની સાથે ચાલનાર આઘુનિક રીસર્ચ વિજ્ઞાની કહેવાનું મને મન થાય છે.
    શ્રી ગોવિંદભાઇઅે ‘ અભીવ્યક્તિ‘ માટે વાચકોના વિચારોને તેમના પોતાના ‘ જોડણી…લિપિ સુઘાર ‘ વાક્યોમાં મોકલવા વિનંતિ કરી હતી. તેઓ તેને સ્વિકારશે તેવી બાહેંઘરી આપી હતી.
    શ્રી વામજાનો આજનો લેખ પણ તેમના વિચારોને અનુરુપ શબ્દોની જોડણી સાથે વાંચ્યોિ. દા.ત. ‘ભાશા ‘ ( ભાષા ).
    આ રીતે ‘ જોડણી ..લિપિ સુઘાર ‘ માટે ઘણા ઘણા પ્રયત્નો થયેલાં છે. આજથી ૮૦ થી ૧૦૦ વરસો પહેલાં જે ગુજરાતી સાહિત્ય પ્રગટ થતું તેમાં જોડણીઓ કે શબ્દોચ્ચારો જુદા હતાં તે ઉપરાંત નરસિહ મહેતાનું મુદ્રિત સાહિત્ય તો અનુવાદ થયેલાના સમયની છે. મૂળ સાહિત્યની ગુજરાતી ભાષા તો જુદી હતી. ફક્ત જે લોકો, ‘સાહિત્યકારો ‘ કહેવાય છે તેમને જ સમજ પડી હોય તેવું બને.
    આપણે કહીઅે છીઅે…‘ બાર ગાંવે બોલી બદલાય ‘ દરેક જીલ્લાની બોલી…ઉચ્ચારો…જુદા જુદા હોય છે…દા.ત. સુરતી…મેહાણી….કચ્છી…અમદાવાદી…વડોદરી…વિ.વિ….
    ઉચ્ચારોને વળગીને શબ્દોની જોડણી ઘડવી કે નહી ?…
    ફક્ત જેઓ પોતાને ‘ સાહિત્યકાર‘ ની કક્ષામાં સમજે છે તેઓ પણ આ વિષયે વિચારે કારણ કે તેમના સાહિત્યને વાંચનારાઓ જોડણી ભૂલો કાઢવા કરતાં તમે …લેખકો..કયો મેસેજ આપવા માંગો છો તે પૂર્ણતાથી સમજી શકે.
    સાહિત્યકાર અને નિવૃત પ્રિન્સિપાલ, સરસપુર કોલેજ, અમદાવાદ, શ્ર સોમાભાઇ પટેલે પણ શ્ર વીનોદ વામજાના જેવો પ્રયત્ન તેમના પુસ્તક, ‘ ગુજરાતી જોડણી..સમસ્યા.. ઉકેલની દિશામાં વિચારણા‘માં ચર્ચા કરી હતી. ( પ્રથમ આવૃતિ : ૧૯૯૮. કિંમત : ૨૦ રુપીયા. પ્રાપ્તિસ્થાન : ૧. ગૂર્જર સાહિત્ય ભવન, ગાંઘી માર્ગ, અમદાવાદ. ૨. ઉત્તમ ગજ્જર, ૫૩ ગુરુનગર, વરાછા માર્ગ, સુરત. ૩૯૫ ૦૦૬ )
    તેમના નિવેદન…પ્રસ્તાવનામાંથી થોડા વિચારો :
    ગુજરાતીના લેખનમાં અને સર્વ પ્રકારના મુદ્રિત સાહિત્યમાં વ્યાપક જોડણીદોષો જોવા મળે છે. સાઘારણ ભણેલાથી માંડીને શિક્ષકો અને સાક્ષરોનાં લખાણો પણ જોડણીદોષો મુક્ત હોતા નથી હોતા અે આપણા સૌનો અનુભવ છે.
    ગુજરાતી જોડણીની ાાવી અરાજકતાભરી સ્થિતિનો ઉકેલ શો ? આ અંગેની મારી વિચારણામાંથી આ પુસ્તક તૈયાર થયું છે.
    મારા વિચારો સાથે ઘણા સહમત ન હોય અેવું બને; આમ છતાં ગુજરાત વિદ્યાપીઠના કોશવિભાગ સહિત ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓ આ દિશામાં વિચારવિમર્શ કરી રહી છે ત્યારે આ પુસ્તકમાં રજૂ કરેલાં મંતવ્યો પણ લક્ષમાં લેવાશે તો મારું આ કાર્ય લેખે લાગશે અેમ માનું છું.
    ( શ્રી સોમાભાઇનું સરનામું : ૧ રચના સોસાયટી, સેટેલાઇટ રોડ, અમદાવાદ..૩૮૦ ૦૧૫.)
    શ્રી સોમાભાઇઅે લગભગ શ્રી વીનોદ વામજાઅે જે સુઘારાઓ સૂચવ્યા છે તેની ઉપર જ ભાર દીઘો છે.
    યથે કથે કા સોલહી આના…..શું શા પૈસા ચાર યાદ આવે છે.
    હવે મારો વિચાર : ૨૦૨૦નું વરસ અેટલે વિજ્ઞાન….સાયન્સનું વરસ…દુનિયા પુરી વિજ્ઞાનના સંશોઘનોના બેઇઝ ઉપર ચાલે છે. અંગ્રેજી ભાષા વૈજ્ઞાનીક સંશોઘનોની બેઇઝ ભાષા છે. અંગ્રેજી ભાષા શબ્દોનો ભંડાર છે અને તેને રોજીંદા બેઇઝ ઉપર અેનરીચ કરવામાં આવી રહી છે. તેના સાક્ષરો, દુનિયાની બીજી કોઇપણ ભાષામાંથી ઘટતા શબ્દોનો સ્વીકાર કરતાં રહે છે. ( શ્રી વસાવડા તેમના સાહિત્ય સર્જનમાં અંગ્રેજી શબ્દોને સારા અેવાં પ્રમાણમાં સ્વીકારે છે )( ભદ્રં ભંદ્ર ? )ગુજરાતી ભાષાનું તે રવૈયું મને દેખાયું નથી.. આપણા મોટે ભાગેના ગુજરાતી શબ્દો મૂળે સંસ્કૃત ભાષાની ભેટ છે. અને આજની ગુજરાતી પ્રજા..સંસ્કૃતથી વંચીત થયેલી હોય તેવું લાગે છે. . સંસ્કૃતના વ્યાકરણ અને શબ્દભંડોળથી વંચીત બની રહેલી પ્રજા પાસે ગુજરાતી ભાષાને અેનરીચ કરવાની અપેક્ષા કેવી રીતે કરાય ?
    કવિતા અને કવિઓ : હવે બે પ્રકારમાં મળે. . છાંદસ અને અછાંદસ. છાંદસ કવિઓ ઘટતા જતાં હોય તેવું લાગે છે. અછાંદસ કવિઓ પોતાના મન હૃદયને કદાચ સારી રીતે સમજાવી શકતા હોય. કવિતા ગુજરાતી સાહિત્યની વાત કરું ત્યાં સુઘીમાં સૌથી વઘુ મુશ્કેલ કર્મ છે. ઓછા શબ્દોમાં દુનિયા ઠાલવી દેવી ?નવલકથા કે વાર્તા…શબ્દો અને લંબાઇનો ચાન્સ પામે છે.

    સમયની સાથે ચાલીઅે. સમયની માંગને સમજીઅે. શઘ્ઘ ગુજરાતી સાહિત્યનું સર્જન અને સામાન્ય લોકજીવનનું ગુજરાતી ચલણ જુદા પાડી શકાય કે નહિ ? જેમ કે સંસ્કૃત ભાષા અને પાલી ભાષાનો કેસ બનેલો.

    શ્રી વીનોદ વમજાને હાર્દિક અભિનંદન.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. વઘુમાં…..વર્ણવ્યવસ્થા પણ ઉચ્ચારો અને સાહિત્યસર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે. તે જ મુજબ…હિન્દુ…તેમાં જુદી જુદી ન્યાતીઓ, પારસી, મુસ્લીમ અને ઇસાઇઓના ઉચ્ચારો…ગુજરાતી ભાષામાં અને તે તે સોર્સના વિદ્યાર્થીઓ જે ગુજરાતી લખે છે તે પણ અેક ઉમદા દાખલો બની રહે છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. ભાઈ વીનોદ વામજાના વીચારો ખુબ ગમ્યા.
    મને લાગે છે કે ઉંઝામાં મળેલી પરીષદ જેવી બીજી પરીષદનું આયોજન કરવાનો સમય પાકી ગયો છે અને વીનોદભાઈએ સુચવેલા ફેરફાર અને તે સીવાયના પણ જરુરી જણાય તેવા બીજા ફેરફારો કરવાનું વીચારવું જોઈએ. જે લોકોને આ ફેરફારો અપનાવવા જેવા લાગે તે લોકોએ એ મુજબ કરવાનું શરુ કરી દેવું જોઈએ. એ રીતે કદાચ ધીમે ધીમે આ ફેરફારો લોકો સ્વીકારતા જશે.
    મારા ખ્યાલ મુજબ અંકો અંગે યુ.એન.(UN)માં ઠરાવ કરવામાં આવ્યો છે કે દુનીયાની બધી જ ભાષાઓમાં માત્ર અંગ્રેજી અંકોનો જ ઉપયોગ કરવામાં આવે. ગુજરાતીમાં એ અપનાવવાથી ઘણી સરળતા થશે, કેમ કે ગુજરાતીમાં પાંચ (૫) અને પ (p) સરખા જ છે. તે જ પ્રમાણે બે (૨) અને ર(r) પણ સરખા જ છે. અંગ્રેજી અંકો વાપરવાથી આ મુશ્કેલી દુર થશે.
    હાર્દીક આભાર વીનોદભાઈ તથા ગોવીન્દભાઈનો.

    Liked by 1 person

  6. ‘ફેસબુક.કોમ’ અને ત્રણેય પ્રતીભાવકોના સૌજન્યથી સાભાર… –ગોવીન્દ મારુ

    Harish Desai:

    (1) એક જ ઈ અને એક જ ઉ સુધીની વાત ઉંઝા જોડણીમાં સમાવિષ્ટ હોવાનું સમજ્યો છું. અનુસ્વાર તથા ષ અને જ્ઞ જેવા અક્ષરો છોડી દેવાની વાત ઉંઝા જોડણીનાં ઠરાવમાં જ છે કે એ વિચારતંતુને આગળ વધારવા માટે છે એ અહીં સ્પષ્ટ ન થયું.

    (2) લીપી અને જોડણી બાબતે અનેક તર્ક વિતર્ક ચાલતા હોય છે. સરેરાશ માણસને ભાષા સાથે ઓછી નિસ્બત રહે. વિદ્વાનોએ એનાં વિજ્ઞાનમાં ઉંડા ઉતરવું પડે. અને ભાષાની સંરચના અંગે એમને સાંભળવા સમજવા પણ જોઈએ. આને હોંસાતુસી કે અમે તમેની છાવણીમાં વહેંચવાને બદલે આપણે સૌ એવું ઊભું કરવું રહ્યું।અન્યથા પણ ભાષાની જાળવણી અને વિકાસ માટે એક સૌને માન્ય મંડળ કે સંસ્થા હોવી જોઈએ. અંગ્રેજી ભાષાનો વિકાસ દર વર્ષે દુનિયાભરની ભાષામાંથી નવાં શબ્દોને સામેલ કરતાં રહીને ઓક્સફર્ડ યુનિવર્સિટી કરે છે એમ સમજું છું. આવી વ્યવસ્થા આપણે પણ કરવી પડે. એ વિશ્વકોશ કરે કે પરિષદ અને અન્ય સંસ્થાઓ મળીને કરે.

    (3) જોડણી એ બાળકો માટે નિરર્થક અને હળવો થઈ શકે એવો બોજ છે એ સાચું પણ એને કારણે ભણવાનું છોડી દેવામાં આવે છે એ સાચું નથી. ભણતર પોતે જ એક મોટો બોજ છે, એની રચના અને પધ્ધતિને કારણે. અભ્યાસ છોડવાનું એ એક કારણ છે. અન્ય પણ ઘણાં છે.

    (4) તર્કની રીતે લીપી તથા જોડણીમાં સરળતા લાવવી હોય તો મહેન્દ્ર મેઘાણી જેની વાત કરતાં એ વધારે સરળ અને તર્કબધ્ધ લાગશે. જેમ કે ક્રમ નહીં પણ કરમ(અહીં ટાઈપ કરવાની સગવડ ન હોવાથી લખાઈ નથી શકતું પણ ક અને ર ને જોડીને લખવા. જુદી સંજ્ઞા શા માટે?)

    (5) અનુસ્વારની વાત વધારે વિચારણા માંગે છે. ન મ ણ વગેરે માટે ચિન્હ ભલે એક જ હોય પણ ઉચ્ચાર જુદાં થાય છે. એનાં હાલનાં નિયમોને. વધારે સુરેખ કરવાની જરૂર હોઈ શકે છે.

    Reply Manishi Jani

    ઉંઝા જોડણી ના ઠરાવમાં માત્ર એક ઈ-ઉ ની જ વાત છે

    Govind Makwana

    ખુબજ વિચારણીય મુદ્દો

    Liked by 1 person

  7. સરળ અને વૈજ્ઞનીક જોડણી શા માટે?ગુજરાતી ભાશા બચાવો અભીયાન અંગે શ્રી વીનોદ વામજાનો અભ્યાસપૂર્ણ લેખ
    સામ્પ્રત સમયે તો આંતર દેશીય વાતે ગુજરાતી લખતા સમજાવવાનુ અઘરુ થાય છે.બોલવામા પણ ખૂબ તકલીફ પડે છે.ગુગ્ગલીશમા માંડ બોલતા સંભળાય !
    જો કે આ અંગે ખૂબ પ્રયત્નો થાય છે તેમા આવા સુધારા મદદ રુપ થાય બાકી અમારા ઉછેરમા દિન અને દીન લખવામા કે બોલવામા પણ ભૂલ કરતા તો ઠપકો મળતો ! સંસ્કૃતમાથી જન્મેલ આ ભાષાને શુધ્ધ રાખવાનો આગ્રહ રહેતો તેથી આવા સુધારા માટે વિરોધપક્ષે રહેતા.
    આવી સ્થિતીમા જે સુધારાથી ગુજરાતી ભાષા લુપ્ત થતી અટકાવવામા મદદ થાય તો વધુ સુધારા પણ આવકાર્ય છે.

    Liked by 3 people

  8. રાકેશ હર્ષ

    એક જ જેવા ઉચ્ચાર ધરાવતા શબ્દો હોય તો શ્લેષ અલન્કારમાં પણ સહાય થાય.

    ‘ફેસબુક.કોમ’ અને રાકેશભાઈના સૌજન્યથી સાભાર… –ગોવીન્દ મારુ

    Like

  9. જોડણી સુધારણા અભિયાન ઘણા સમયથી ચાલતો આવ્યો છે. જરૂરી બધા સુધારા કરવા જોઈએ સમયાંતરે. અમૃત હઝારે અને બીજા પ્રતિભાવોકોના અભીપ્રયોથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. આપણો બધાનો સયારો સાથ અભિયાન થવા જોઇએ કે જેથી બાળકો અને સામાન્ય માણસને નિરર્થક બીજા માંથી મુક્તિ મળે.

    Liked by 1 person

  10. ભાષાની જોડણી સાથેના ચેડાં , ભલે વિદ્વાનોને પસંદ આવે ! કિંતુ મારા જેવી સામાન્ય વ્યક્તિને આ વાત ગળે ઉતરતી નથી. કોઈ પણ કળા, જેવી કે ભરવું, ગુંથવું, મોતીના દાગિના બનાવવા યા સિલાઈ કામ કરવું ,શું તેમાં અળવિતરા પણું ચલાવી લેવાય છે ? હા, વાનગીઓમાં નવા સ્વાદ કે રીત રસમ બદલી શકાય ! જે બધાને ગમે, ભાવે યા અનુકૂળ આવે તેની કોઈ ખાત્રી નહિ ! ભાષા શિખવી હોય તો બરાબર શિખવી વરના પ્રય્ત્ન કરવો નહી ! મારી સ્પષ્ટ વાત ગમી નહી હોય ? કિંતુ આ મારો અભિપ્રાય છે જે વ્યક્ત કરવાની મને આઝાદી છે. પસંદ આવે એવો કોઈ આગ્રહ નથી. ન ગમ્યું હોય તો ક્ષમા યાચું છું .

    Like

    1. ભાશાનો મુળ ઉપયોગ શુ? ભાશાનો મુળ ઉપયોગ વાર્તાલાપ ચલાવવાનો છે. વાત કરવા, લખવા અને જોવા માટે મુખ્યત્વે ભાશાનો ઉપયોગ કરવામા આવે છે. છંદ, અલંકાર અને બીજુ જે પણ છે એ બધુ તો આડપેદાશ છે.

      મારી આ ટીપ્પણી વાંચી અને સમજી શકતા હોય્ તો શુ ભાશા વધુ ઉંડાણથી “શિખવી” જરુરી લાગે છે?

      Liked by 1 person

Leave a comment