સાધુને હમ્મેશાં પતનના માર્ગે કોણ ધક્કો મારે છે?

સાધુ એટલે વૈરાગી સજ્જન અને સજ્જન એટલે સંસારી સાધુ? દાન–ભેટ આપ્યા પછી એને ભુલી જવાનું આપણને સાધુઓ શીખવાડે છે એનું રહસ્ય ખબર છે? સમગ્ર સમાજનું ચારીત્રનીર્માણ અને ચારીત્રઘડતર કરનાર સાધુઓ આજે પોતે જ ચારીત્રહીન અથવા શીથીલાચારી કેમ બની રહ્યા છે?

સાધુને હમ્મેશાં પતનના માર્ગે
કોણ ધક્કો મારે છે?

–રોહિત શાહ

સાધુ એટલે વૈરાગી સજ્જન અને સજ્જન એટલે સંસારી સાધુ. આ વ્યાખ્યા સમજણમાં ન આવે તો વારંવાર વાંચીને તેનો અર્થ સમજવાની મથામણ કરવી જોઈએ. આપણે ત્યાં સાધુને બહુ આદરપુર્વક જોવાની દૃષ્ટી કેળવાયેલી છે અને એમાં કશું ખોટું પણ નથી. સજ્જનનાં તમામ લક્ષણો ધરાવનાર વ્યક્તી આદરણીય હોય જ ને!

આપણા આધ્યાત્મીક વ્યવહારમાં આપણે સાધુનો અર્થ વેશધારી, વૈરાગી કે વીતરાગી એવો સંકુચીત અર્થ બનાવી દીધો છે. ક્યારેક સાધુને આપણે ‘ધર્મગુરુ’ તરીકે પણ ઓળખીએ છીએ. જગતમાં જેટલા પણ ધર્મો છે તે દરેક ધર્મ પાસે પોતપોતાના આવા સાધુઓ એટલે કે  ધર્મગુરુઓની બહુ મોટી ફોજ છે અને આવા તમામ ધર્મગુરુઓ તેમના ફોલોઅર્સને પરલોકના જાતજાતના લોભામણા ઉપદેશ આપીને ચારીત્રવાન બનાવવાની કોશીશ કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં આપણા સાધુસમાજનું ચારીત્ર ઘણું નીચે ઉતરી રહ્યું હોય તેવું આપણે સૌ વારંવાર અનુભવીએ છીએ. બીજાના ચારીત્ર્યનું ઘડતર કરનાર વ્યક્તી પોતે જ પોતાના ચરીત્રને વફાદાર ન રહે ત્યારે સમાજ ડામાડોળ બને એમાં કોઈ આશ્ચર્યની વાત નથી.

આપણા સમાજમાં કેટલાક સાધુઓ કરોડોની સમ્પત્તી ધરાવે છે. કેટલાક સાધુઓ સેક્સ–સ્કેન્ડલમાં ફસાય છે. કેટલાક સાધુઓ આત્મહત્યા કરે છે. કેટલાક સાધુઓ બીજાઓનું મર્ડર કરે છે. કેટલાક સાધુઓ મન્ત્રતન્ત્રનાં ધતીંગ કરીને હજારો ભોળા લોકોને ગુમરાહ કરે છે. કેટલાક સાધુઓ વારંવાર પોતાનાં ભવ્ય સામૈયાં કરાવે છે કે કરવા દે છે. કેટલાક સાધુઓ ચમત્કારના ગન્દા ખેલ ખેલે છે. કેટલાક સાધુઓ પોતાનો પ્રભાવ પ્રગટાવવા અને જાળવી રાખવા માટે જાતભાતના પ્રપંચ કરે છે. કેટલાક સાધુઓ સત્સંગના નામે જીવનને નફરત કરવાનું અને સંસારને વગોવવાનું જ શીખવે છે.

અને આ બધું શું અખબાર કે ટીવી દ્વારા જાણવા મળે એટલું જ હોય? અખબાર કે ટીવી સુધી પહોંચ્યું જ ન હોય,  ન્યુઝમાં આવતાં આવતાં એને કોઈ રીતે દબાવી કે છુપાવી દેવામાં આવ્યું હોય એવું તો ઢગલાબંધ હશે જ ને!

કોઈ પણ સમ્પ્રદાયનો સાધુ આખરે તો માણસ જ હોય છે અને માણસ એટલે લપસી પડવાની પુરી સમ્ભાવના!

કઠોર પરીશ્રમ વગર દાનમાં અને ભેટમાં મળેલી કરોડોની સમ્પત્તી માણસને બહેકાવે જ એમાં કોઈ શંકા નથી. મોટા ભાગના ધર્મગુરુઓ પાસે એમના ભક્તોની બે નમ્બરની કમાણીના ઢગલા થતા હોય છે. એ જ રીતે દરેક ધર્મસ્થાનમાં પણ દાન–ભેટના નામે માત્ર અને માત્ર બે નમ્બરની સમ્પત્તીના જ ઢગલાં થતા હોય છે. આવા ઢગલા સર્વનાશ ન કરે તો જ નવાઈ!

આપણે એટલો વીચાર અવશ્ય કરવો જોઈએ કે આપણે દાન કે ભેટમાં આપેલી રકમ સામેની વ્યક્તીને કે સંસ્થાને ગુમરાહ કરતી હોય કે બહેકાવતી હોય તો આપણને એવાં દાન–ભેટ આપવાથી પુણ્ય મળે કે પછી આપણે તેના પાપના ભાગીદાર બનીએ?

કેટલાક સાધુઓ તો પાછા આપણને એવાં ઉઠાં ભણાવે છે કે તમે સારા હેતુથી દાન–ભેટ આપો પછી એને ભુલી જાવ! તમને તમારા કાર્યનું પુણ્ય મળી ગયું! હવે એ રકમનું દાન–ભેટ લેનાર જે કરે તે ભોગવશે! દાન–ભેટ આપ્યા પછી એને ભુલી જવાનું આપણને સાધુઓ શીખવાડે છે એનું રહસ્ય ખબર છે? એનું કારણ એ છે કે જો તમે આપેલા દાન–ભેટને યાદ કરીને હીસાબ માંગો તો એવા લમ્પટ સાધુઓનાની પોલ ઉઘાડી પડી જાય અને ધર્મના નામે ધમધોકાર ચાલતો એમનો ગોરખ ધન્ધો બન્ધ પડી જાય!

સંસારમાં બધા લોકો કાંઈ માત્ર દુર્જનો જ નથી હોતા, ખરેખર તો સંસારમાં સજ્જનોની સંખ્યા વધુ છે. સાધુસમાજમાં પણ બધા સાધુઓ સારા અને શુદ્ધ સદાચારી નથી હોતા. એમાં ઉપર જણાવ્યા તેવા દુરાચારી સાધુઓ પણ ઘણા બધા હોય છે.

જો સંસારી લોકોમાં અને સંન્યાસી લોકોમાં કોઈ ફરક જ ન હોય તો શા માટે આપણે સાધુઓની પાછળ ભટકવું જોઈએ?

આપણે ઘરકામ માટે નોકર રાખવો હોય તો પણ એની કેટલી બધી ચકાસણી કરીએ છીએ! જ્યારે જેની આગળ મસ્તક નમાવીને આપણું જીવન અર્પણ કરવાની ભાવના રાખતા હોઈએ એવા ગુરુની પસન્દગી કરતી વખતે એની જરા પણ ચકાસણી ન કરીએ કે તદ્દન બેદરકાર રહીએ તો આપણે ભોટમાં જ ખપીએ ને!

અલબત્ત, આ જગતે જ આપણને એવા અનેક સાધુઓ અને ધર્મગુરુઓ પણ આપ્યા છે જેણે જગતને સાચો, નવો અને પ્રેરણાદાયક પંથ બતાવ્યો છે! આપણે એવાં અનેક નામ જાણીએ છીએ કે જે ક્યારેય પ્રકાશમાં નથી આવ્યાં. એ લોકોએ પોતાની પબ્લીસીટી માટે કોઈ સ્ટન્ટ કે ચમત્કારનાં ત્રાગાં નથી કર્યાં; પરન્તુ કોઈ એક અજાણ્યા ખુણામાં બેઠાબેઠા ધુપસળીની જેમ સુગંધ ફેલાવવાનું કામ લાઈફટાઈમ કર્યું છે! એવા સાધુઓએ ક્યાંય ગગનચુંબી દેવાલયો નથી બનાવ્યાં, પરન્તુ ગગનચુંબી વૃક્ષો વાવ્યાં છે! ક્યાંક પાણીની નાની પરબો બનાવી છે તો કોઈ કે વળી પોતાના ઉપદેશ દ્વારા થોડાક માણસોને વ્યસનમુક્ત કર્યા છે. કોઈકે બહેન–દીકરીનીનું સન્માન કરવાનું શીખવાડ્યું છે, તો કોઈકે વળી ધર્મનો મર્મ સમજાવ્યો છે! આ જગતમાં એવા પણ કેટલાક સાધુઓ થયા છે જેમણે રાષ્ટ્રભક્તીની અનેક મશાલો પ્રગટાવી હોય અને એનો પ્રકાશ સદીઓ સુધી આપણને પ્રેરણાનાં અજવાળાં આપતો રહ્યો હોય!

હવે સૌથી મોટો સવાલ એ છે કે સમગ્ર સમાજનું ચારીત્રનીર્માણ અને ચારીત્રઘડતર કરનાર સાધુઓ આજે પોતે જ ચારીત્રહીન અથવા શીથીલાચારી કેમ બની રહ્યા છે? સાધુઓના અધ:પતન માટે સાધુઓ જવાબદાર છે એ ખરું; પણ શું માત્ર સાધુઓ જ જવાબદાર છે? આપણી વેવલી ભક્તી એ માટે બીલકુલ જવાબદાર નથી શું? આપણે જાણીએ છીએ કે આવા ધર્મગુરુઓ વૈરાગી છે, એમણે ભૌતીક સુખ–સગવડો અને સાંસારીક રાગદ્વેષનો સમ્પુર્ણ ત્યાગ કરેલો છે અને છતાં આપણે એમને બીલકુલ જરુરી ન હોય તેવી અઢળક કીમતી ભેટ–સોગાદો આપીએ છીએ અને એમને ધર્મભ્રષ્ટ થવા અથવા માર્ગભ્રષ્ટ થવા મજબુર અને મજબુત પણ કરીએ છીએ! સાધુના ચારીત્રપતન માટે એનો ડામાડોળ અને ડગુમગુ વૈરાગ્યભાવ અને આપણી વેવલી ભક્તી એ બન્ને સમાન જવાબદાર છે!

હવેથી જ્યારે પણ આપણે કોઈ સાધુ પાસે જઈએ ત્યારે એ ન ભુલીએ કે એ વ્યક્તી  સાધુ હોવા છતાં માણસ પણ છે અને માણસમાં હોઈ શકે તે તમામ નબળાઈઓ એની અન્દર પણ હોઈ જ શકે! આપણે એના ભીતરના સામર્થ્યને ટેકો આપવો જરુરી છે નહીં કે એની નબળાઈઓને બહેકાવવાની સગવડ આપવી જરુરી છે. સામેનો સાધુ જેટલો મહાન છે એના કરતાં વધારે મહાન માની લેવાની કે એનાથી ભ્રમીત થઈ જવાની કોઈ જરુર નથી હોતી. દરેક સાચા સાધુને માન–સન્માન અને આદર અવશ્ય આપીએ પરન્તુ એને એટલો ઉંચો ન ચડાવીએ કે જ્યાંથી તેનું માત્ર પતન જ નીશ્ચીત થઈ જાય!

–રોહિત શાહ

લેખક–સમ્પર્ક : શ્રી. રોહિત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

‘ગુજરાત ટાઈમ્સ’, ન્યુયોર્ક(અમેરીકા)થી પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ‘અનુભુતી’ (તા. 22 જુન, 2018)માંથી.. લેખકશ્રીના અને ‘ગુજરાત ટાઈમ્સ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

10 Comments

 1. Very objective, realistic view-point! I used to follow one in USA for 7-8 years with generous amount of financial contributions for needy people … however, as I got mature, I realized he lived expensive life … then, I left him! He cursed that my family will suffer in hell but in last 20-years, my life has not deteriorated at all! 😇

  Liked by 2 people

 2. when word sadhu is either written heard or told then its only with sanatan Hindu Dharma
  side by side one should dare to mention about maulavi mulla or maulana as well as Priests who are also labelled as Father
  sadhu and sant or saint or mahatma or mahant or swami or and mulla maulavi all have their OWN parameters and accordingly each one acts
  Thus please next time when opportunity reaches then do mention about all the so called vairagi
  its a worth remembering point to My thoughts and expressed here under the rights of expression granted to ALL Hindustani by the Bandharan of Bharat

  Like

 3. રોહિતભાઇઅે ભારતનો અતિ પુરાણો ઊંડા મૂળિયાવાળો પ્રશ્ન હાથે લીઘો.

  મેનકાને તો કયો હિન્દુ ઓળખતો નહિ હોય ?
  પુરાણના માનવો ,માનવીના શારિરિક વિજ્ઞાનને કદાચ કર્મથી ઓળખતા હશે પરંતું કેમિકલના …સેક્ષ હોરમોન્સને કારણે ક્યા ક્યા પરિણામો આવે તે વિજ્ઞાને સો…બસો વરસો પહેલાં શીખવ્યું મેનકા જો ભલભલા મહાન સાઘુ કહો કે સન્યાસી કહો કે કાંઇપણ કહો તેવા વિશ્વામિત્રને મોહિત કરીને પછાડે તો હાલના કહેવાતા સાઘુઓ, કથાકારો વિ..વિ..કીસ ખેત કી મુલી. બીજું આજના ગામડે ગામડે ઉગી નીકળેલા મશરુમ સાઘુઓને મોટાઇ બક્ષનારા લોકો સૌથી મોટા ગુનેગારો છે.

  જેમને પોતાનાનામાં વિશ્વાસ નથી હોતો તેઓ જ તરણું શોઘવા જાય છે. અને કહેવાતા સાઘુ, મહંત, કથાકાર, ના ગુલામ બની જાય છે. અને…વઘુમાં તેમના તે તારણહારને ‘ ભગવાન ‘ નુ પદ પણ આપી દે છે.
  સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક, ‘ ગીતા અને આપણા પ્રશ્નોના ‘ ભૂમિકા ‘ વિભાગમાં લખે છે….
  ૧. હિન્દુ પ્રજા પાસે અેક તો પોતાનું સર્વમાન્ય સચોટ ઘર્મપુસ્તક નથી. બ્રાહ્મણઘર્મને માનવઘર્મમાં ઢાળી શકાય તેમ નથી અેટલે વેદોને કદી પણ સામાન્ય પ્રજા સુઘી પહોંચાડી શકાયા નથી.
  ૨. આપણે જ્યારે કોઇ ગ્રંથને કે કોઇ વ્યક્તિને પરમ દૈવી તત્વ માની લઇઅે ત્યારે અે ભૂલી જઇઅે છીઅે કે આ અતિશ્રઘ્ઘાનું રુપ છે, જે ગમે ત્યારે અંઘશ્રઘ્ઘા કે કદાગ્રહનું રુપ ઘારણ કરી શકે છે. અેક વાર તમે કોઇ ગ્રંથ કે વ્યક્તિને પૂર્ણ માની લો પછી તમે તેમાંથી ભૂલો ના કાઢી શકો. જો કોઇ બીજા માણસો ભૂલો બતાવે તો તમે સ્વીકારવા તો ના જ તૈયાર થાવ પણ સાંભળવાની સહનશક્તિ પણ રાખી ના શકો.
  ૩. વિશ્વના લગભગ તમામે તમામ ઘર્મગ્રંથો કોઇ ને કોઇ રીતે સંપાદિત ગ્રંથો છે. મોટા ભાગના તે તે વ્યક્તિઓના અવસાન પછી કટલાંક વરસે સંપાદિત થયેલા છે. સંપાદક ગમે તેટલો સમર્થ હોય તો પણ તે કદી મૂળ પુરુષને શતપ્રતિશત ન્યાય આપી શકે નહિ…..
  હવે સ્વામી સચ્ચિદાનંદજીના બીજા પુસ્તક..‘ નવા વિચારો ‘ ના પ્રસ્તાવના વિભાગને સૌને વાચવા વિનંતિ કરું છું.

  જે માનવીને પોતાની બુઘ્ઘિશક્તિમાં વિશ્વાસ નથી હોતો તે જ ડૂબવામાંથી છુતવા ‘ તેરણું ‘ કે ‘ તારણહાર ‘ શોઘવા જાય છે.
  હિન્દુ ઘર્મને આપણે લગભગ ૫૦૦૦ વરસો પુરાણો માનીઅે છીઅે. પરંતું બૌઘઘર્મના સંસ્થાપક બુઘ્ઘ તો ભારત માનવતા રાજ્યો ચાલતા હતાં અને સંસ્કૃત ભાષા અને પાલીભાષા ચાલતા હતાં ત્યારે આપણી વચ્ચે જન્મ પામ્યો હતો. ગૌતમ બુઘ્ઘના મરણ પછી બૌઘઘર્મનો વિનાશ જે રીતે ઘીમે ઘીમે થયો તે ઉદાહરણ માનવીના દુર્ગુણોને કારણે થયો હતો. જે કોઇ ઘર્મના ઝંડા લઇને ફરવા નીકળે તે હંમેશા લગ્નગ્રંથી થી બંઘાયેલો હોવો જોઇઅે..
  સ્વામી સચ્ચિદાનંદજીના બીજા પુસ્તક, ‘ નવી આશા ‘ના ‘ ભૂમિકા ‘ વિભાગમા સ્વામીજી લખે છે કે….
  ભારતનું વાતાવરણ અત્યંત નિરાશાજનક છે. ઘાર્મિક ક્ષેત્ર પ્રજાને જગાડવાની જગ્યાઅે ઊંઘાડવાનું અને ઉશ્કેરવાનું કામ કરે છે. …..

  ‘ દરેક ખોટું કર્મ કરનારને પહેલેથી ખબર હોય છે કે સત્ય શું છે. ‘

  ચેલા બનવા આવનારાઓ જ પેલાં ખોટુ કરનાર ઢોંગી મહાત્માને મોટાઇ આપીને દુનિયાભરના ખોટા કર્મો કરવાની પરવાનગી આપે છે. તે સાઘુ તો પોતાને ઓળખે છે અને તેથી વઘુ તે પેલા ચેલા બનવા ાાવનાર મુરખોને ઓળખે છે અને પોતાનો ઘંઘો જોરશોરથી ચલાવતા રહે છે.

  ઓછું ભણતર. અંઘશ્રઘ્ઘા….ઘર્માંઘતા ભારતને ડૂબાડનારા મુખ્ય કારણો છે. ગલી ગલીઅે મોક્ષ અપાવનાર બેઠેલો હોય તો જાત સમર્પિત કરનારા ચેલાઓ લાખોની સંખ્યામાં મળી રહે છે. મોક્ષ મેળવવા પૈસાની ગણત્રી નથી થતી, ગરીબાઇને સહન કરી લેશે પણ મોક્ષ માટે જીવન પણ ન્યોછાવર કરી દેશે. . બાળકોના મોઢામાંથી દુઘની બાટલી છીનવીને સાઘુનું પેટ ભરશે. સ્ત્રીઓ પોતાની જાત સમર્પિત કરશે..

  અંઘશ્રઘ્ઘાળું ભારતનો કોઇ પ્રશ્નોત્તર દેખાતો નથી.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 4. ” કોઈ પણ સમ્પ્રદાયનો સાધુ આખરે તો માણસ જ હોય છે અને માણસ એટલે લપસી પડવાની પુરી સમ્ભાવના! ”

  —- –રોહિત શાહ

  આ એકવીસ મી સદીમાં ઉપરનું વાક્ય દરેક ધર્મના ધર્મગુરુને લાગુ પડે છે, અને તેનો પુરાવો એ છે કે તેઓના લફરાંઓના સમાચાર છાપાઓમાં વાંચવા મળે છે.

  ગુજરાતીની આ કહેવતો પણ તેનો પુરાવો છે

  જર દેખી મુનિવર ચળે

  રામ નામ જપના, ઔર પરાયા માલ અપના

  મુખ મેં રામ, ઔર બગલ મેં છૂરી

  Liked by 1 person

  1. Basic PRINCIPAL of RELIEGIOUS and POLIYICAL AGENDA has changed ALL OVER WORLD ITS MAIN GOAL IS MAKING MONEY, PERIOD.

   Like

 5. સાધુને હમ્મેશાં પતનના માર્ગે કોણ ધક્કો મારે છે? શ્રી–રોહિત શાહનો અભ્યાસુ લેખ.
  આપણે ત્યાં સાધુને બહુ આદરપૂર્વક જોવાની દષ્ટિ કેળવાયેલી છે અને એમાં કશું ખોટું પણ નથી.ઘણા સાધુઓએ ક્યાંય ગગનચુંબી દેવાલયો નથી બનાવ્યાં, પરંતુ ગગનચુંબી વૃક્ષો વાવ્યાં છે! ક્યાંક પાણીની નાની પરબો બનાવી છે તો કોઈકે વળી પોતાના ઉપદેશ દ્વારા માણસોને વ્યસનમુક્ત કર્યા છે. કોઈકે બહેન-દીકરીનું સન્માન કરવાનું શીખવાડ્યું છે, તો કોઈકે વળી ધર્મનો મર્મ સમજાવ્યો છે! રાષ્ટ્રભક્તિની અનેક મશાલો પ્રગટાવી હોય અને એનો પ્રકાશ સદીઓ સુધી આપણને પ્રેરણાનાં અજવાળાં આપતો રહ્યો હોય.
  કેટલાક કહેવાતા સાધુના વેષ ધારી ઠગો કરોડોની સંપત્તિવાળા , સેક્સ-સ્કેન્ડલમાં ફસાય , મંત્રતંત્રનાં ધતિંગ કરીને હજારો ભોળા લોકોને ગુમરાહ કરે, ચમત્કારના ગંદા ખેલ ખેલે જાતભાતના પ્રપંચ કરે સત્સંગના નામે જીવનને નફરત કરવાનું અને સંસારને વગોવવાનું જ શીખવે આમા ઘણુ છુપાવી દેવામાં આવ્યું હોય છે.કઠોર પરિશ્રમ વગર દાનમાં અને ભેટમાં મળેલી કરોડોની સંપત્તિ માણસને બહેકાવે ! તમે આપેલા દાન-ભેટને યાદ કરીને હિસાબ માગો તો એવા લંપટ સાધુઓની પોલ ઉઘાડી પડી જાય.પાની પીજો છાનકે ગુરુ કીજો જાનકે વાત ધ્યાનમા રાખવી જોઇએ.
  આપણી વેવલી ભક્તિ એ માટે બિલકુલ જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે આવા ધર્મગુરુઓ વૈરાગી છે, એમણે ભૌતિક સુખ -સગવડો અને સાંસારિક રાગદ્વેષનો સંપૂર્ણ ત્યાગ કરેલો છે અને છતાં આપણે એમને બિલકુલ જરૂરી ન હોય તેવી અઢળક કીમતી ભેટ-સોગાદો આપીએ છીએ અને એમને ધર્મભ્રષ્ટ થવા અથવા માર્ગભ્રષ્ટ થવા મજબૂર કરીએ છીએ! સાધુના ચારિત્રપતન માટે એનો ડામાડોળ અને ડગુમગુ વૈરાગ્યભાવ અને આપણી વેવલી ભક્તિ એ બન્ને સમાન જવાબદાર છે! સાધુને માન-સન્માન અને આદર અવશ્ય આપીએ, પરંતુ એને એટલો ઊંચો ન ચડાવીએ કે જ્યાંથી તેનું માત્ર પતન જ નિશ્ચિત થઈ જાય! આદિકાળથી આ કહેવાતુ આવ્યું છે તેથી સમાજમા સુધારો જણાયો છે પણ હજુ વધુ પ્રયાસની જારુર છે.

  Liked by 1 person

 6. બાવા સાધુઓ,મૌલા મહન્તો,ધર્મગુરુઓ વી.વી.માટે અવારનવાર આવતા લેખો સિવાય આ બ્લોગમાં કાંઈ નવું નથી એકજ વાત ઘીસી-પીટી રેકોર્ડની જેમ કહેવામાં
  આવી છે.ઘણા વર્ષોથી આવા આશ્રમો,મન્દીરો વિગેરે દાન-દક્ષિણ થી ચાલતા આવ્યા છે અને હજુ ચાલતાંજ રહેશે. લોકોએ પોતેજ સમજીને આવા તત્વોને
  પ્રોત્સાહન આપવાનું બન્ધ કરવું જોઈએ અન્યથા અવિરત પ્રમાણે આ બધું ચાલતું જ રહેશે.મોટાભાગના માણસો પોતાને દુઃખી માનતા હોય છે અને તેના ઉપાય માટે
  બાવા-સાધુઓનું શરણું લેતાંહોય છે અને ઠગારી આશામાં લુંટાતા હોય છે.જો તેઓને પ્રોત્સાહન જ આપવાનું બન્ધ થાય તો આપોઆપ આ બદીમાં ઘટાડો થવાની
  શક્યતા છે.નહિતર આગેસે ચલી આંતી હે ચલને દો એવું ચાલતું રહેશે.

  Like

 7. મિત્રો,
  હિન્દુઓના મંગલ દિવસો આવી રહ્યા છે. ઘરે રહીને ઉજવવા વિનંતિ છે.
  અમેરિકામાં, ન્યુ જર્સીમાં હિન્દુઓના ગઢ સમા જર્સીસીટીમાં હિન્દુ લોકો…મુખ્ય રસ્તા પર ગરબા ગાવા નિકળી પડેલાં…પોલીસે ઘરે મોકલી દીઘા હતાં. અમેરિકામાં રહે તેનો અર્થ સમજુ અને નિયમો પાળનારા હોય તેવું માની લેવું નહિ. આ ગરબાપ્રેમીઓમાં યુવાનો…મસ્તીખોરો કદાચ મોટા પ્રમાણમાં હોઇ શકે.
  હવે બીજી વાત…ઉપર મારા વિચારોમાં માણસો, જેનો આત્મવિશ્વાસ ઓછો હોય તે તરણું શોઘવા નીકળે છે…તે વિચાર લખ્યો હતો. આજે અેક નાનું અછાંદસ કાવ્ય હાથે ચઢી ગયુ….આસ્વાદ કરીઅે…..
  ‘ રાખ ભરોસો તું ખુદ પર,
  શાને શોઘે છે ફરિસ્તાઓ ?
  સમુદ્રના પક્ષીઓ પાસે,
  ક્યાં હોય છે નકશાઓ ?
  તોય શોઘી લે છે ને….રસ્તાઓ ….‘
  આનંદો…
  અમૃત હઝારી.

  Liked by 1 person

  1. મિત્રો
   અમૃતભાઈની વાત સો ટકા સાચી છે. ભારતીઓ જો લખણ ઝળકાવે નહીં તો ભારતીઓ કેવી રીતે કહેવાય. અમેરિકા, કેનેડા કે યુરોપના કોઈ પણ દેશમાં રહેતા હોય
   તો પણ માની લેવાની જરૂર નથી કે તેઓ બધા શિસ્તનું પાલન કરનારા હશે.

   Liked by 1 person

 8. આર્ટીકલને અેક પ્રશ્નના રુપે રજૂ કરાયો છે.
  ‘ સાઘુને હંમેશા પતનના માર્ગે કોણ ઘક્કો મારે છે.‘
  બે ફેક્ટરો છે.
  ૧. સાઘુનો પોતાનો પતન તરફ લઇ જતો અસંયમ.
  ૨. સાઘુનો સંયમ જુઠો હોય, તેને ચેલાઓ ઉભા કરવાનો મોહ.

  શ્રી મોટાઅે કદાપી ચેલાઓ બનાવ્યા ન્હોતા. કોઇને દિક્ષા આપી ન્હોતી.
  પુજ્ય સચ્ચિદાનંદજીઅે કદાપિ કોઇને ચેલા બનાવવાની દિક્ષા આપી ન્હોતી.
  પૂજ્ય ગાંઘીજીની આત્મકથાના ( સત્યના પ્રયોગો અથવા આત્મકથા ) ત્રીજા ભાગના બે ચેપ્ટરો આ ‘ સંયમ ‘ ને સમજાવે છે
  ૧. બ્રહ્મચર્ય – ૧ અને ૨. બ્રહ્મચર્ય – ૨.
  આ બન્ને ચેપ્ટરોમાંથી થોડા વાક્યો….

  ‘ સંયમપાલનની મુશ્કેલીઓનો પાર ન્હોતો….‘

  ‘ આજે વીસ વર્ષ પછી તે વ્રતનું સ્મરણ કરતાં મને સાનંદાશ્રર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તો ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું તે પાળી પણ રહ્યો હતો; પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભોગવવા લાગ્યો તે સન ૧૯૦૬ પહેલાં ભોગવ્યાનું મને સ્મરણ નથી.‘

  બ્રમ્ચર્યનું સંપૂર્ણ પાલન અેટલે બ્રહ્મદર્શન. આ જ્ઞાન મને શાસ્ત્ર મારફતે નહોતું થયું. અે અર્થ મારી આગળ ઘીરે ઘીરે અનુભવસિઘ્ઘ થતો ગયો. તેને લગતાં શાસ્ત્રવાક્યો મેં પાછળથી વાંચ્યાં. બ્રહ્મચર્યમાં શરીરરક્ષણ, બુઘ્ઘિરક્ષણ અને આત્માનું રક્ષણ છે અે હું વ્રત પછી દિવસે દિવસે વઘારે અનુભવવા લાગ્યો. કેમ કે, હવે બ્રહ્મચર્યને અેક ઘોર તપશ્ચર્યારુપ રહેવા દેવાને બદલે તેને રસમય બનાવવાનું હતું; તેની જ ઓથે નભવું રહ્યું હતું. અેટલે હવે તેની ખૂબીઓનાં નિત્યનવાં દર્શન થવા લાગ્યા.

  સાચો સંયમ……જે મોટે ભાગેના સાઘુડાઓ પાસે નથી….ચેલાઓ…પૈસા…શરીરભુખ..મોટાઇ અને અભિમાન…….કેવી રીતે ‘ સંપૂર્ણ સંયમ ‘ આપે ?

  સાઘુઓનાપોતાના પતન માટે ,અસંયમી સાઘુઓ પોતે અને તેમાં ઘી ઉમેરવા માટે તેના ચેલાઓ…જવાબદાર છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s