‘ઈશ્વર’ના નામે લુટાવાનું બન્ધ કરો

શું જગતના તમામ ધર્મો અને સમ્પ્રદાયોની સંસ્કૃતીમાં માંગવાની જ રીત શીખવવામાં આવે છે? અને એનું મોટું નામ પ્રાર્થના એવું રાખીને ઉપદેશકો અને પ્રચારકો ફુલાય છે, ગૌરવ લે છે? જીવને એક અને એક બાબત ગમતી નથી, એટલે નીત્ય નવા ઉધામા કર્યા કરે છે? અસ્તીત્ત્વનો સ્વભાવ ચેતના અથવા ઉધામાં છે? શું તમે સ્વયં બ્રહ્મ થઈ શકો છો?

 (6)

‘ઈશ્વર’ના નામે લુટાવાનું બન્ધ કરો

–સ્વપુર્ણ મહારાજ

તમારા હૃદયમાં દયા, ઉદારતા ભલે ખુબ હોય અને પરોપકારની ભાવના પણ હશે; દાન, તપ, તીર્થ અને સતસંગ પણ કરતા હશો; પરન્તુ જ્યાં સુધી આપણને યથાર્થ સમજણ ન હોય ત્યાં સુધી આપણે ઘટવાના, ટુંકા પડવાના અને બેચેની રહેવાની જ. તમે ગમે તેટલું ભણેલા કે સમૃદ્ધ હશો; પણ જ્યાં સુધી તમે અજ્ઞાની હશો ત્યાં સુધી તમે સુખી નહીં થઈ શકો. જ્યાં સુધી તમારામાં અજ્ઞાન ઘર કરીને રહેશે ત્યાં સુધી ન તો તમે સુખી રહી શકો અને ન તો કુટુમ્બને કે સમાજને સુખી કરી શકો.

સાધારણ રીતે આજ સુધી ઈશ્વર, અલ્લાહ, ગૉડ, પ્રભુ, હરી, ભગવાન વગેરે શબ્દોનો અર્થ ‘ધણી’ (માલીક) એવો કરવામાં આવે છે. ભક્તો ઈશ્વરનાં લક્ષણો આ પ્રમાણે ગણાવે છે.

  • ઈશ્વર દયાળુ છે.
  • ઈશ્વર સર્વજ્ઞ છે.
  • ઈશ્વર સર્વશક્તીમાન છે.
  • ઈશ્વરની ઈચ્છા વગર કંઈ થઈ શકતું નથી.

ઉપરનાં ચાર લક્ષણોનો આપણે પુરો અભ્યાસ કરવો જોઈએ.

ઈશ્વર દયાળુ હોય તો જીવ સુખી કે દુ:ખી કેમ છે? આપણે પાંગળું સમાધાન કરી લઈએ છીએ કે આપણાં કર્મથી આપણે સુખી કે દુ:ખી થયા કરીએ છીએ. તો આ વાત આપણે વીચારવી જોઈએ કે કર્મ ઈશ્વર કરાવે છે કે આપણી મેળે કરીએ છીએ? જો ઈશ્વર કરાવતો હોય, તો આપણે દુ:ખમાં પડીએ એવાં કર્મ તે શા માટે કરાવે છે? જગતમાં આટલી પીડા, મહારોગો, અત્યાચારો અને બળાત્કાર જેવી વીકૃતીઓ શા માટે છે? અને આ બધાં કર્મો આપણે આપણી મેળે જ કરતા હોઈએ, તો એમાં ઈશ્વરની ઈચ્છા અને સત્તા ક્યાં રહી? ભક્તો કહે છે કે પુર્વજન્મનાં પાપ–પુણ્યના આધારે ઈશ્વર આપણને સારાં–નબળાં કર્મમાં જોડે છે. તો વળી પાછો પ્રશ્ન ઉઠે છે કે પુર્વજન્મમાં પાપપુણ્ય આપણે પોતે કર્યા હશે કે ઈશ્વરે કરાવ્યા હશે? કેટલાક ભક્તો એમ કહે છે કે ઈશ્વર તો આપણને શુભકર્મ જ ચીંધે છે; પણ આપણે એનું કહ્યા માનતા નથી. તો પ્રશ્ન ઉઠે છે કે, આપણે ઈશ્વરનું કહ્યું ન માનીએ, ત્યારે એ આપણને દુષ્કૃત્ય કરતાં રોકતો કેમ નથી? ભક્તો બચાવ કરે છે કે, એ તો ઈશ્વરને ખબર હોય ત્યારે રોકેને? જો ઈશ્વરની જાણ બહાર કંઈ થતું હોય, તો એને સર્વજ્ઞ કેમ ગણવો? ભક્તો કહે છે કે, ઈશ્વર તો સર્વજ્ઞ જ છે; પરન્તુ આપણે એનાથી રોકાઈએ જ નહીં તો એ શું કરે? જો ઈશ્વર આપણને દુષ્કૃત્ય કરતાં રોકી ન શકતો હોય તો એને સર્વશક્તીમાન કેમ કહેવાય? ભક્તો કહે છે, ઈશ્વરને શું પડી છે કે એ કોઈને રોકે? જો ઈશ્વરને જગતની કશી ચીંતા જ ન હોય તો એને દયાળુ કેમ કહેવો?

કોઈ બાળક કુવા પાસે રમતું હોય તો આપણને એને રોકીએ છીએ, દુર ખસેડીએ છીએ એમ ઈશ્વર આપણને ખરાબ કૃત્ય કરતાં રોકતો કેમ નથી? આ બધી તપાસના અન્તે, ઈશ્વરનાં ચારમાંથી એકેય લક્ષણ સીદ્ધ થતાં નથી.

જગતના દુર્બળ, અજ્ઞાની અને પાખંડી માણસને જીવવાની રીત જડતી નથી અને કહે છે કે, ‘ઈશ્વર કરાવે એમ હું કરું છું’ અને જ્યારે કોઈ ઉત્સાહી–ઉમંગી વ્યક્તી પોતાની મહેનત અને પ્રતીભા દ્વારા વૈજ્ઞાનીક દૃષ્ટીકોણથી કોઈ યોજના તૈયાર કરે તો તેને કહેવામાં આવે છે કે ઈશ્વરની ઈચ્છા વીના પાન પણ ફરકી શકતું નથી, તો પછી તું શું કરી શકવાનો હતો? કલ્પીત અને પરોક્ષ ઈશ્વર ઉભો કરીને, માનવ પોતાની ઈચ્છાઓ ઈશ્વરને ખાતે ચડાવે છે, એ હાનીકર્તા છટકબારી છે; એનાથી વધારે નુકસાન બીજું એકેય નથી.

માનવ પોતાની ઈચ્છાથી જ શુભ–અશુભ કર્મ કરે છે અને એનું પરીણામ ભોગવે છે. અનાજનો કણ કુદરતના નીયમ મુજબ જ જમીન વીંધીને બહાર આવે છે; સુર્ય આકાશમાં કુદરતના નીયમ મુજબ જ તપી રહ્યો છે અને પૃથ્વી પ્રકૃતીના એ જ નીયમ મુજબ ભ્રમણ કરી રહી છે તેમ જ એક પરમાણુ પણ પ્રકૃતીના એ જ નીયમ મુજબ ચુંબકની પાસે જાય છે. અહીં કુદરત કે પ્રકૃતીનો અર્થ આ દૃશ્યમાન, સ્થુળ જગત એવો જ કરવો રહે છે.

જે કલ્પીત અને પરોક્ષ ઈશ્વરને ભજવાનું અને એને શરણે જવાનું કહે છે એ ભલેને કરોડોની સભામાં કથા–પ્રવચન કરતા હોય, છતાં એની આંખોમાં ધુળ છે અને તેઓ બીજાની આંખોમાં પણ ધુળ જ નાખી રહ્યા છે. ટુંકમાં, મારે એવું કહેવાનું છે કે દરેક જીવ પુરો સ્વતન્ત્ર છે, કોઈ–કોઈનો ધણી નથી અને કોઈ–કોઈનો દાસ પણ નથી. સંસારમાં સૌ સ્વતન્ત્ર જ છે.

સૃષ્ટીનું ચક્ર કયા નીયમોને આધીન ચાલી રહ્યું છે, એ વાસ્તવીકતાથી જેઓ અજાણ છે તેઓ લોકોમાં કલ્પીત અને પરોક્ષ એવો ઈશ્વર સૃષ્ટી ચલાવે છે એવા વાહીયાત વીચારો ફેલાવી, બીજાને અન્ધારા કુવામાં ફેંકવાના ધંધા લઈને પાપી પેટ ભરે છે.

તમે તમારા ઈષ્ટદેવને શા માટે પ્રાર્થો છો? કંઈક લેવા જ ને? જે માણસ પોતાનાથી પોતાનામાં જ સન્તુષ્ટ હોય તેને બીજા દેવથી શો મતલબ? જગતના તમામ ધર્મો અને સમ્પ્રદાયોની સંસ્કૃતીમાં માંગવાની જ રીત શીખવામાં આવે છે અને એમાં ઉપદેશકો અને પ્રચારકો ગૌરવ લેતા હોય છે. ધંધો નાદાનીનો, ભીખ માંગવાનો શીખવે છે અને મોટું નામ પ્રાર્થના એવું રાખીને ફુલાય છે, ગૌરવ લે છે.

 (7)

આત્મા–પદાર્થ અથવા પરમાત્મા વીચાર

આત્મા ‘નામ’ પોતાનું છે. આત્મા એટલે પોતે જ. હવે જ્યારે આપણે ‘પરમાત્મા’ એમ બોલીએ ત્યારે જરા વીવેકથી એ શબ્દ છુટો પાડવો જોઈએ. ‘પરમાત્મા’ એ શબ્દ બે શબ્દોનો બનેલો છે. પરમ + આત્મા ‘પરમ’ એટલે આખરી અને ‘આત્મા’ એટલે પોતે.

ટુંકમાં, પોતાનું આખરી સ્વરુપ એટલે પરમાત્મા.

આત્માને ત્રણ ઘરેણાં પહેરાવાયાં છે :

જીવ + આત્મા = જીવાત્મા

મહા + આત્મા = મહાત્મા

પરમ + આત્મા = પરમાત્મા

અહીં આપણે એ જ વસ્તુનાં ત્રણ બીજાં નામ પાડીએ :

(1) શરીર, (2) મન અને (3) આત્મા

શરીર:શરીરમાં અડકવું (સ્પર્શ), જોવું, સાંભળવું, ચાખવું અને સુંઘવું, હસવું, રડવું ઈત્યાદી લક્ષણો છે. શરીરથી કળા–કૌશલ્યનું પ્રદર્શન થઈ શકે છે.
મન:મનમાં કલ્પના, જપ, ધ્યાન, યાદ, વાહવાહ એમ ઘણા ભાવો હોય છે.
આત્મા:આત્મામાં શાંતી, સુખ, આનન્દ, સમાધી, જ્ઞાન, સ્થીરતા, નીર્વીકલ્પતા વગેરે આવે છે.

તમારી આ ત્રણ જ અવસ્થા છે.

તમે આ ત્રણમાંથી તમને ફાવે તે નામરુપે રહી શકો છો. જો તમને શરીરરુપે ફાવે તો શરીરરુપે અને ન ફાવે તો મનરુપે રહી શકો છો; મનરુપે ન ફાવે તો આત્મારુપે રહી શકો છો. આ ત્રણેય અવસ્થામાં રહેવાને તમે સ્વતન્ત્ર છો અને ત્રણેય અવસ્થા અભ્યાસથી પ્રાપ્ત થાય છે. જેવો અભ્યાસ કરશો એવી સ્થીતીમાં રહી શકશો.

પદાર્થ એટલે કાંઈ વસ્તુ, કસ્તર, કાંઈક આકાર, કાંઈક પીંડો કે રોંડુ.

શરીર એટલે પીંડો, શરીર એ અનેક કોષોનો બનેલો પીંડ છે. માનવ જીવતી નગરીનો રાજા છે. એમાં અનેક જીવો છે.

મન એટલે કલ્પનાનું વમળ, જે ઘણું નાનું કે બહું મોટું સમ્ભવે. મન એ મધ્યમ પરીમાણ ચૈતન્યની કલ્પના છે.

આત્મા એટલે વ્યાપક, અનન્ત, નામ–રુપ રહીત કેવળ અસ્તીત્ત્વ નીર્વીકલ્પ આત્મારુપે તમને કાંઈ અસર થતી નથી.

વ્યવહાર એ સૌની ઘાટી કલ્પનાનું સહીયારું રુપ છે. જ્યાં સુધી કલ્પનામાં સુખ લાગે ત્યાં સુધી વ્યવહાર કરવો, ન સુખ લાગે તો નીર્વીકલ્પ રહેવું. કલ્પનામાં પણ સુખ છે, વ્યવહારમાં પણ સુખ છે. નીર્વીકલ્પમાં તો સુખ છે જ. આ નામ–રુપની સૃષ્ટીમાં શરત વીના વ્યવહાર ન બને. આપણે સામસામે સૌની શરત કરીને વ્યવહાર ચલાવીએ, અધીકાર હશે એવો અને એટલો લાભ મળશે.

બુદ્ધ કહે છે, આત્મા, બ્રહ્મ, જગત, જીવ, ઈશ્વર, લોક–પરલોક કશાનું અસ્તીત્ત્વ નથી. શુન્ય, અભાવ જ છે. મહાવીર કહે છે કે અનેક આત્મા છે. કર્મથી બન્ધનમાં પડે છે. જગતનો કર્તા ઈશ્વર છે જ નહીં. કર્મ પતાવીને કેવળ આત્મારુપ રહો એ જ મોક્ષ છે.

જેવી રીતે સમુદ્રમાં ભમરીઓ, મોજાં, પરપોટા, વરસાદ, વરાળ, વાદળાં ઉત્પન્ન થયા કરે છે અને પાછા એમાં વીલીન થયા કરે; એવી જ રીતે બ્રહ્મસાગરમાં પ્રકૃતી, પાંચ મહાભુતો : આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી, સુર્યો, તારાઓ, નક્ષત્રો, ગ્રહો–ઉપગ્રહો, ધુમકેતુઓ, ઉલ્કાઓ અને નાના–મોટાં પ્રાણીઓ, જીવજંતુઓ, નેતાઓ, મહાત્માઓ અને કહેવાતા અવતારો (આ બધા નામો અને ડીગ્રીઓ માનવ સમાજને વ્યવહાર કરવામાં અનુકુળતા આવે એટલે ગોઠવી દીધા છે. માનસીક કસરત માટે દેવ–દેવીઓ પણ કલ્પી કાઢ્યા છે) બધા જ વીલીન થઈ જાય છે અને પુન: પુન: પ્રગટે છે.

જગતમાં સત્ય–અસત્યનો નીર્ણય કરવા માટે ખુબ વાદ–વીવાદને ચર્ચાઓ થયાં છે; પરન્તુ આ પરીવર્તનશીલ સંસારમાં કોઈ નીયમો કે રુપો એકધારા એવા અને એવા તો રહેતાં જ નથી, અને રહે પણ નહીં, બધું સાપેક્ષ છે.

અનુમાનથી છેવટે આમ જ માનવું પડે છે કે ચૈતન્ય વ્યાપક છે અને એમાંથી અનન્ત આકારો બન્યા કરે છે. જે દીશામાં પ્રાણી પ્રયત્ન કરતો હોય, એમાં ધાર્યું પરીણામ ન આવે; ત્યારે તે કોઈ બીજી કલ્પનામાં રાચે છે અને સફળતા મેળવે પણ ખરો! જીવને એક અને એક બાબત ગમતી નથી, એટલે નીત્ય નવા ઉધામા તે કર્યા જ કરે છે. અસ્તીત્ત્વનો સ્વભાવ ચેતના અથવા ઉધામાં છે. માથે કોઈ એક ઈશ્વર કે ધણી છે એવી ભ્રાંતીમાંથી નીકળીને ફાવે એવી લીલા, પ્રવૃત્તી કરો; પરન્તુ અન્ય કોઈને દુ:ખ, હાની પહોંચે એવી રીતે ન કરો, કરશો એવું મેળવશો! પ્રયત્નથી આગળ આવી શકશો, તમે પુરા સ્વતન્ત્ર છો, તમે સ્વયં બ્રહ્મ થઈ શકો છો.

–સ્વપુર્ણ મહારાજ

લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.

ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ માનવતા [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

12 Comments

  1. પંડિતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે પાસે ‘ઈશ્વર’ નામ ની વસ્તુ એક જીતાયેલ લોટરી ની ટિકિટ સમાન હોય છે, અને તે દ્રારા તેઓ ને ઘી કેળા હોય છે. આ જગત માં અંધશ્રદ્ધાળુ ઓ નો તોટો નથી. ” એક ઢૂંઢો, હઝાર મિલતે હેં” અનુસાર આવા અંધશ્રદ્ધાળુ ઓ પોતેજ અંધશ્રદ્ધા થકી લૂંટાઈ રહ્યા છે અને પંડિતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે ના તરભાણાંઓ ભરી રહ્યા છે.

    રેશનાલિસ્ટો ના અણથક પ્રયાસો પછી પણ આ ધતિંગ વધતું જ રહ્યું છે.

    Liked by 2 people

  2. સલાહ ,સવાલ કે જવાબ ?
    ‘ ઇશ્વર ‘ ના નામે લુટાવાનું બંઘ કરો.( લુટાવા જનાર ઢગલો છે અને લુટવાવાળા સ્માર્ટ લોકો ઓછા છે.)
    જો સલાહ જ હોય તો પૂજ્ય ‘ સ્વપૂર્ણ ‘ મહારાજે જાણવું જોઇઅે કે તેઓ પણ આવા લેખો દ્વારા સલાહ સુવનો જ આપી રહ્યા છે. જે અખો ૧૭મી સદીમાં ાાપી ગયો હતો…‘ ચાબખા ‘ મારી મારીને. પરંતું વિક્રમ સંવત ૨૦૭૭માં પણ ‘ પત્થર પર પાણી. ‘ જેવી પરિસ્થિતિ છે….કદાચ વઘુ વકરી છે.
    અખો જેતપૂર, અમદાવાદનો રહેવાસી હતો. જીવન સમયચક્ર : સંવત ૧૬૦૦ થી ૧૬૫૫.
    જન્મે અને ઘંઘે : સોની. સંત ગોકુલનાથના ચેલા અને ‘ ભક્તિ ‘ સંપ્રદાયના વાહક. જીવન વૈરાગ્યમય અને કર્મભક્તિથી જીવ્યા. જીંદગીનો અનુભવ દુનિયાને ‘ છપ્પા ‘ ના રુપે ‘ ચાબખા ‘…સત્ય મારીને, સમજાવીને આપ્યો. ( જે આજે ઘણા સાઘુઓ શીખવે છે.)

    ૧. આંઘળો સસરો ને શણગટ વહુ,
    કથા સાંભળવા ચાલ્યા સહુ.
    કહ્યું કાંઇ ને સમજ્યાં કશું,
    આંખોનું કાજલ ગાલે ઘસ્યું,
    ઉંડો કૂવો ને ફાટી બોક,
    શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

    ૨. અેક મુરખને અેવી ટેવ,
    પત્થર અેટલાં પૂજે દેવ,
    પાણી દેખી કરે સ્નાન,
    તુલસી દેખી તોડે પાન,
    અે અખા વઘુ ઉત્પાત,
    ઘણા પરમેશ્વર અે ક્યાંની વાત.

    ૩. ગુરુ કીઘા મેં ગોરખનાથ,
    ઘરડાં બળદને ઘાલી નાથ,
    ઘન હરે, ઘોકો નવ હરે,
    અેવો ગુરુ કલ્યાણ શું કરે ?
    મારે તો દરેક સમજુ, સમાજ કલ્યાણમાં માનતા સાઘુઓ, ગુરુઓ, કથાકારો બઘાને હૃદયપૂર્વકની પ્રાર્થના કરવાની છે કે…તમો સમજુ છો, તમને ખબર છે કે તમને , તમારા બોલેલા શબ્દોને અનુસરવા આવનાર, વગર સમજ્યે પોતાનું જીવન બરબાદ કરે છે. તો તમારી ફરજ બને છે કે તમે આ ગોરખઘંઘા બંઘ કરો. સદીઓ પૂર્વેથી સમજુઓ , અખા જેવા સમજુઓ, કહેતા આવ્યા છે તો સમજો. લોકો પણ સમજે.
    પરંતું…પત્થર પર પાણી, જેવો જીવનનો વણલેખ્યો નિયમ જ શક્તિશાળી છે.

    ‘ અભિવ્યક્તિ ‘ હવે આ પ્રકારના પત્થર પર પાણીને જાકારો આપે. રીયાલીટીને જાણીને હવે સમાજમાં જે વિષયની જરુરત છે તેનવા સબ્જેક્ટને આવકારીઅે. દાત. : સમાજમાં બાળકો મોટા પ્રમાણમાં જન્મીને પોતાની જાતને ” Struggle for existence ” ના દાબ નીચે જીવન બરબાદ કરે છે તેને માર્ગદર્શન આપવાના વીસમી…અેકવીસમી સદીના રોજીંદા પ્રશ્નોને ચર્ચે. જે વિષય ચવાઇ ચવાઇને પણ ફરી જાગૃત થતો હોય તેને હવે સમય નહિ આપવાનો સમય વીતી ગયો છે. વિજ્ઞાન આજે અેટલું આગળ વઘી ગયુ છે અને વઘી રહ્યુ છે કે જેની મદદ વિના જીવનની અેક પણ ક્ષણ જીવવી શક્ય નથી. આવા સમયમાં હજી સાઘુ સંતોન અર્થહિન ભાષણો સાંળીને ઘોયેલા મૂળા જેવા બની રહેવું કેટલું યોગ્ય ?

    રોજીંદા જીવનના પ્રશ્નો તેના અસલ સ્વરુપમા ચર્ચો.

    આ મારા વિચારો છે. મારા સૌ મિત્રો પોતાનો અભિપ્રાય જરુરથી આપે તેવી વિનંતિ.

    સૌને મારા અને મારા કુટુંબીજનો તરફથી દિવાલીની શુભેચ્છાઓ અને વિક્રમ સંવત ૨૦૭૭ના વરસની શુભેચ્છાઓ.

    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. કથા સાંભળવા ચાલ્યા સહુ.
      કહ્યું કાંઇ ને સમજ્યાં કશું,

      પછી પૂછે કે જેનું હરણ થયું,
      તેનું પછી માણસ ક્યારે થયું ?

      Liked by 2 people

  3. ‘ઈશ્વર’ના નામે લુટાવાનું બન્ધ કરો મા –સ્વપુર્ણ મહારાજનો ઉજાગર કરતો લેખ
    ‘જગતના તમામ ધર્મો અને સમ્પ્રદાયોની સંસ્કૃતીમાં માંગવાની જ રીત શીખવામાં આવે છે અને એમાં ઉપદેશકો અને પ્રચારકો ગૌરવ લેતા હોય છે. ધંધો નાદાનીનો, ભીખ માંગવાનો શીખવે છે ‘
    આમા તમામ શબ્દ યોગ્ય લાગતો નથી.ઘણા સંપ્રાદયો આપવાની રીત સમાજ માટે ઉપકારક રહે છે અને સેવાભાવી અનેક યોજના હોય છે.
    ………………………………………
    ‘જગતમાં સત્ય–અસત્યનો નીર્ણય કરવા માટે ખુબ વાદ–વીવાદને ચર્ચાઓ થયાં છે’ આમ એકલા વાદ -વિવાદથી પ્રશ્ન ઉકેલાતો નથી આ સમજવા સાધના કરવી પડે છે.
    આમા ધર્મોને નામે ઠગો છેતરપીંડી કરતા હોય તેમા સંતોને બદનામ ન કરી શકાય.

    Liked by 2 people

  4. “સંસારમાં કોઈ નીયમો કે રુપો એકધારા એવા અને એવા તો રહેતાં જ નથી” આ વાત સમજાય તેની સાથે નવી વસ્તુ અને નવી પ્રતિભાઓનો સહજ સ્વીકાર સહજ બને છે.
    સરયૂ પરીખ

    Liked by 2 people

  5. Very appropriate i.e. rational view-point! Those who are blessed would be able to understand every aspect of this article! I am grateful to the author for articulate and thorough presentation 👍

    Liked by 1 person

  6. સ્નેહીજનો,
    અેક ગાંડુ ઘેલું સજેશન મનમાં આવ્યુ છે. તમારા વિચારો જણાવજો.
    ભારતમાં ઘણા ઘણા સન્યાસીઓ ને બાબાઓ અને સ્વામીજીઓ… વિ… વિ…પોતાના લાખો ચેલા , ફોલોઅર્સોને લીઘે ખૂબ પ્રેમ, આદર, સન્માન પામે છે. કોઇ કોઇ સંતોના કિલ્લામાં તો સૈનિકો પણ છે જેઓ શસ્ત્રઘારી હોય છે.
    માતૃભૂમિ ભારત પણ દેવી છે. આપણી દેશમાતા છે. તેના સંરક્ષણ માટે સૈનિકો શહિદ થાય છે. તો આ બઘા ચેલાઓ પોતાના સંતોની સાથે સરહદ સેવા માટે દેશ ભક્તિ કરવા જાય. સૈનિકોને બળ આપે. તે ઉપરાંત દેશની અંદર દેશદ્રોહીઓ પડેલા છે અને દેશ વિરોઘી કર્મો કરે છે તેમને પાઠ ભણાવે અને દેશને સ્થિર બનાવવામાં પોતાનો સાથ આપે તો ભારત ખૂબ જલ્દીથી શાંતિનો શ્વાસ લઇ શકે. દેશસેવાનો મંત્ર તેમને આપીને પોતાના આદ્યદેવ કે દેવીના સાથ સાથે દેશસેવા કરે , ખાસ કરીને દેશની અંદર રહીને દેશવિરોઘી કામો કરનારને પકડે તો કેવું ?
    અમૃત હઝારી.

    Liked by 2 people

  7. very learned article with full logic-“શરીર એટલે પીંડો, શરીર એ અનેક કોષોનો બનેલો પીંડ છે. માનવ જીવતી નગરીનો રાજા છે. એમાં અનેક જીવો છે.

    મન એટલે કલ્પનાનું વમળ, જે ઘણું નાનું કે બહું મોટું સમ્ભવે. મન એ મધ્યમ પરીમાણ ચૈતન્યની કલ્પના છે.

    આત્મા એટલે વ્યાપક, અનન્ત, નામ–રુપ રહીત કેવળ અસ્તીત્ત્વ નીર્વીકલ્પ આત્મારુપે તમને કાંઈ અસર થતી નથી.” very nicely explained these trio.

    Liked by 2 people

  8. Good morning friends,

    It is a very good analysis. There are different level for people. It is very easy to believe something in life but very difficult to disagree with this belief about God. Gautam Buddha explained about this and he honored human being and said that every body can attain Nirvana. There is no need to do any rituals in life.
    I have really liked this article.
    Thanks to author.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  9. ભાઈ શ્રી અમૃતભાઈ હઝારીએ કરેલ સૂચન ઘણું સરસ છે પણ જ્યાં દેશભક્તિનો અભાવ હોય ત્યાં કોઈ કાંઈ કરી શકે તેમ નથી.બાકી આ આખી ચર્ચા એક
    બૌદ્ધિક કસરત સિવાય બીજું કાંઈ નથી.હજારો વર્ષથી આ ચાલ્યું આવે છે અને હજી ચાલતું જ રહેશે.હવે મને લાગે છેકે આ બધા બાવા સાધુઓ,આશ્રમો અને
    આવી સન્સ્થાઓ નું સરકારમાં ફરજીયાત રજીસ્ટ્રેશન જરૂરી છે અને સરકારે વખતો વખત પ્રવૃત્તિ ઉપર મોનીટરીંગ રાખવાની જરૂર છે તો થોડો ઘણૉ અંકુશ
    આવવાની સંભાવના છે પણ વોટબેન્ક ની જરૂરિયાતને નજરમાં રખી સરકાર આવું કાંઈ કરે તેવી નહિવત શક્યતા છે.
    રવિન્દ્ર ભોજક
    17-11-2020

    Liked by 1 person

    1. NOBODY FORCE, ANYONE TO ATTEND ANY TEMPLE OR ANY RELIGIOUS GURU OR ANY CULT(GROUP) IT IS THE BELIEF OR PHYLOSOPHY THEY FOLLOW KNOWINGLY OR BLINDLY, THE HISTORY WILL CONTINUE NOBODY CAN STOP, IT IS IN ALL RELIGION.

      Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s