દોસ્ત! જીવનનું મૃત્યુ સાથેનું આ પણ એક યુદ્ધ જ છે

નાની ઉમ્મરે મા–બાપની રીતભાતને કારણે તે વ્યક્તીના મનના એક મહત્ત્વના ભાગનું નીર્માણ કઈ રીતે થાય છે, તેની છણાવટ કરતી અને દેખીતી રીતે નાટકીય લાગતી ‘અનોખી સીંહા’ની અનોખી વાર્તા પ્રસ્તુત છે…

22

દોસ્ત! જીવનનું મૃત્યુ સાથેનું 
આ પણ એક યુદ્ધ જ  છે

–ડૉ. મુકુલ ચોકસી

રોશનીથી ઝગમગતો નાનકડો હૉલ દીલ્હીના મેયર, સીટી સ્પોર્ટસ કલબના પ્રેસીડન્ટ, ચેરમેન, અગ્રણી ધારાસભ્યો, પ્રધાનો, નેશનલ સ્કુલ ઑફ એરોનોટીક્સના ડીરેક્ટર, ફ્લાઈંગ કલબના મેનેજર તથા શહેરના અન્ય મહાનુભવોની હાજરીથી છલકાતો હતો; પણ એથીય મહત્ત્વની હાજરી તો ‘ગીનેસ બુક્સ ઑફ વર્લ્ડ રેકર્ડઝ’ના એશીયન વીભાગના હેડની વર્તાતી હતી. એક સોળ વર્ષની ભારતીય છોકરીને અભીનન્દનોથી નવાજેશ કરવાનો કાર્યક્રમ હતો. એ કીશોરી હતી મીસ અનોખી સીંહા. સ્વર્ગસ્થ કેપ્ટન આનન્દ સીંહાની એકની એક પુત્રી. માત્ર સોળ જ વર્ષની વયે પ્લેનમાં સૌથી વધુ ઝડપે આખા જગતની પ્રદક્ષીણા કરનાર સૌથી યુવાન વય ધરાવતી તરુણી તરીકે એણે વર્લ્ડ રેકર્ડ સ્થાપી ગીનેસ બુકમાં પોતાનું નામ કોતરાવી દીધું હતું, અને પોતાના સ્વર્ગસ્થ પીતાના તથા દેશ આખાના નામને ગૌરવ બક્ષ્યું હતું. એ અનોખી સીંહાને સન્માનવા આજે આટલી ભીડ એકત્ર થઈ હતી.

અનોખીનું હૈયું ગર્વથી છલકાતું હતું. ચારેકોરથી તેની મુક્ત કંઠે પ્રશંસા થઈ રહી હતી. તેણે એ મેળવ્યું હતું જે બહુ ઓછા લોકો બહુ ઓછી વાર મેળવવા ભાગ્યશાળી બનતા હોય છે. સ્ટેજ પરથી તેણે પ્રથમ હરોળમાં બેઠેલી તેની વીધવા મા રાધા સામે જોયું. જેમાં તેની પોતાની જ ખુશીનું વીરાટ પ્રતીબીંબ ઝલકતું હતું. અનોખી નજર સામેથી એક પળમાં પપ્પાના મૃત્યુ પછીના આઠ વર્ષ પસાર થઈ ગયા. તેને યાદ આવ્યો મમ્મીનો કઠોર ચહેરો. “અનોખી બેટી! તારા પપ્પા મૃત્યુ પામ્યા છે; પણ એમનામાં જે કંઈ જીવતું હતું એ તેઓ તારામાં મુકી ગયા છે. અને હું એને ઉછેરવાની છું.” આઠ વર્ષની અનોખીને મમ્મીના વાક્યોમાં ઝાઝી સમજ નહોતી પડતી. એને માત્ર એટલું જ સમજાયું હતું કે પપ્પા ખુબ બહાદુર હતા અને એવા માણસો જ સૌને ગમતા હોય છે. પપ્પાના મૃત્યુથી તેને રડવું આવતું હતું; પરન્તુ મમ્મીએ તેને રડવાની ના પાડી હતી. તેને તરત જ રાજન અંકલને ત્યાં રહેવા મોકલી દેવામાં આવેલી.

અને કૅપ્ટન રાજન અંકલને ત્યાંના એ દીવસો! અનોખીના શરીરમાંથી એક હળવી ઝણઝણઝટી પસાર થઈ ગઈ. લશ્કરના મોટા મોટા ઉપરીઓની આવનજાવન. કોમ્પ્યુટરો અને નકશાઓની દુનીયા. ચોવીસે કલાક વાયરલેસ સેટ સાથે રાખીને ફરતા અંકલ. ઝડપી સુચનાઓ, ઝડપી અમલ અને દીવસ–રાત દોડધામ. જાણે બસમાં ચડતા હોઈએ એટલી સહજતાથી વીમાનોમાં ચડવા–ઉતરવાનું. રન–વેની, ટેઈક ઑફની, લેન્ડીંગની, ફ્લાઈટોની, ડાઈવીંગની, પેરેશુટોની, રડારની, કન્ટ્રોલ ટાવરની દુનીયા. રાજન અંકલની સાથે ને સાથે રહેવાનું, ફરવાનું, શીખવાનું ને જાણવાનું. અંકલના બધા મીત્રો કહેતા, “માય ગૉડ! આ અનોખી તો છોકરી છે કે મશીન! આ ઉમ્મરે તો બાળકોને પેશાબ ક્યાં કરવો તેનુંય ભાન નથી હોતું. જ્યારે આ છોકરી તો પાયલોટનું, એરહૉસ્ટેસનું તમામ કામ આ ઉમ્મરે શીખવા માંડી છે. ગમે તેમ તોય કેપ્ટન આનન્દની છોકરી છે ને! સમજમાં, આવડતમાં, દેખાવમાં, શક્તીમાં બધી વાતમાં બાપ કરતાં બાર ગણી આગળ છે.”

રાજન અંકલ પણ અનોખીની આવડતથી દંગ થઈ ગયા હતા. બાર વર્ષની થઈ ત્યાં સુધીમાં તો અનોખી નીયમીતપણે અંકલ સાથે ઉડ્ડયનો કરતી થઈ ગઈ હતી. ખરાબ હવામાનમાં, અકસ્માતોની પરીસ્થીતીમાં, હાઈજેકના પ્રયાસોમાં કે યુદ્ધના વાતાવરણમાં તેને બીક કે ચીંતાને બદલે એક્સાઈટમેન્ટ અને રોમાંચ થતા. અને તે ઉડ્ડયન ચાલુ રાખવાની જીદ પકડતી. ધીમે ધીમે તે ઑફીસરોમાં તથા અધીકારીઓમાં એટલી પ્રીય થઈ ગઈ કે ઘણા બધા વીમાનચાલકો તેને સાથે લઈ જતા. ક્યારેક તો એવા અઠવાડીયાઓ જતા કે જેમાં સાતમાંથી છ દીવસ તે આકાશમાં ઉડતી રહી હોય.

ફરી તાળીઓ ગુંજી ઉઠી. સ્ટેજ પરથી મહાનુભવો અનોખીની બહાદુરીની પ્રશંસા કરતા થાકતા નહોતા. તેની સીદ્ધીઓના વર્ણનો થઈ રહ્યા હતા. તેણે કઈ રીતે પર્વતના ઢાળ પર તેના વીમાનને લેન્ડ કરાવેલું, કઈ રીતે તેણે આટલી નાની વયે જર્મનીની ઍર–નેવીગેશન સ્કુલમાં પ્રવેશ મેળવ્યો, પુનામાં બે વર્ષની કડક તાલીમ એણે કઈ રીતે મેળવેલી, કઈ રીતે એણે મશીન બગડી જવાને કારણે સર્જાયેલી ઈમર્જન્સીમાં પાયલોટ ડીસોઝાને ચાલુ વીમાને મદદ કરેલી. પ્રેક્ટીસ દરમીયાન સર્જાયેલા અકસ્માત વખતે કઈ રીતે તે દરીયામાં કુદી પડેલી અને વીસ જણાની જીન્દગી બચાવી લીધેલી વગેરે… વગેરે… વગેરે…

પ્રેક્ષાગારની પહેલી હરોળમાં બેઠલી અનોખીની માતા રાધા ગર્વથી નીહાળી રહી હતી. તેની ઉંડી આંખોમાં ગજબનાક સ્વસ્થતા હતી. આ એ સ્વસ્થતા હતી જે તેણે આઠ વર્ષ પહેલાં અનોખીના પીતાના મૃત્યુ સમયે હીમ્મતપુર્વક દાખવી હતી. આજ સ્વસ્થતાના જોરે આજે તે અનોખીના સન્માનનું આ દૃશ્ય જોવા પામી હતી. અચાનક સ્ટેજ પરથી તેનું નામ બોલાયું. મીસીસ રાધા સીંહાને સ્ટેજ પર આવવા માટે વીનન્તી કરવામાં આવી હતી. તે ઉભી થઈ અને પ્રેક્ષકોની વધામણીઓ લેતાં લેતાં સ્ટેજ તરફ આગળ વધી. સ્ટેજના પગથીયાં ચડતા ચડતા તો તેનું મન ભુતકાળની સ્મૃતીઓમાં ગરક થવા માંડ્યું. તેના માનસપટ પર આઠ વર્ષ પુર્વેનો આખો માહોલ ફરીથી સજીવન થઈ ઉઠ્યો. એ જ સન્માન, એ જ આદર, એ જ પ્રશંસા, એ જ વીરગાથા અને એ જ ભાવુક મીત્રોનો સ્નેહ એ આઠ વર્ષ પુર્વે આનન્દના મૃત્યુ સમયે પણ પામી હતી.

ભારત–પાકીસ્તાન યુદ્ધ 1971. ભયાનક તનાવના દીવસો હતા. કેપ્ટન આનન્દ સરહદ પર જ રહેતા. ફાઈટર પ્લેનના હુમલા અને બચાવના દીવસો. આક્રમણ, સંરક્ષણની બેવડી જવાબદારી તેમને માથે હતી. રાધાને યાદ હતું કે એ દીવસોમાં માત્ર પંદરેક દહાડે એકાદ જ વાર પતી સાથે બે’ક મીનીટ ફોન પર વાત કરવા મળતી. એ જ રીતે એક રાત્રે ઓચીંતો ફોન આવ્યો હતો. તેમાં તેના પાયલોટ પતી કૅપ્ટન આનન્દના મૃત્યુના સમાચાર હતા. રાધા એ આઘાતમાં ફોન પકડીને અડધો કલાક સુધી ઉભી રહી હતી અને બાજુમાં તેની આઠ વર્ષની સમજુ, ચતુર, એકની એક લાડકી પુત્રી અનોખી તેને ઢંઢોળતી રહી હતી. “શું થયું મમ્મી? પપ્પાનો ફોન હતો? તું કેમ ચુપ થઈ ગઈ છે? પપ્પા ઘરે નથી આવવાના?”

“પપ્પા હવે ક્યારેય નથી આવવાના, બેટા!… પણ તું ચીંતા ન કર… હું તને બધું સમજાવીશ.” એમ કહીને રાધાએ અનોખીને સુવાડી દીધી હતી. અને બીજે દીવસે અંતીમવીધીમાં પાયલોટો અને જવાનોનો કાફલો ઉમટી પડ્યો. તેમના મૃતદેહને ધ્વજો અને સલામો સહીત રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું. રાધાને ત્યારે જ ખબર પડી કે તેના પતી કૅપ્ટન આનન્દે સાચા અર્થમાં શહાદત વહોરી હતી. ખુબ જ જોખમી જગાએ તેમણે સામે ચાલીને ઉડ્ડયન કર્યું હતું. પર્વતમાળાઓ ભેદીને ખુબ જ ઓછી ઉંચાઈએ વીમાન લઈ જઈ બોમ્બવર્ષા કરવાનો પ્લાન હતો. સામે ચાલીને મૃત્યુ વહોરવાનો ખેલ હતો. સહુ કોઈ આ પ્લાન અંગેની ધનીષ્ટ વીચારણામાં હતા અને આગલે દીવસે સાંજે અચાનક કૅપ્ટન આનન્દે સામે ચાલીને પોતે આ કાર્ય એકલે હાથે તત્કાળ કરવા માંગે છે એવી માંગણી કરી. ઉપરી અધીકારીઓએ આનન્દ અને આઘાત એક સાથે અનુભવ્યાં. કેમ કે તેમને ખબર હતી કે આ વ્યુહ પાર પાડનારનું મૃત્યુ અનીવાર્ય હતું. કૅપ્ટન આનન્દે આ પડકાર ઉપાડી લીધો હતો અને દેશ માટે તેઓ કુટુમ્બને ભુલી ગયા હતા.

રાધાને એ તમામ દૃશ્યો યાદ આવ્યા. અંતીમયાત્રામાં કૅપ્ટનના મૃતદેહ પર હજારો ફુલોનો ઢગ ખડકાતો જતો હતો. તેમને વન્દન અને સલામી કરનાર જવાનોની આંખમાં પાણી હતા અને ચહેરા પર ઉંડો આત્મસન્તોષ હતો. કોઈએ રાધાને આશ્વાસન નહોતું આપ્યું. કૅપ્ટનનું મૃત્યુ વીરમૃત્યુ હતું અને એ દુ:ખનું નહીં પણ પ્રેરણાનું, મનોબળનું, શૌર્યનું, દેશદાઝનું પ્રતીક બની ગયું હતું. અને એટલે જ રાધા પોતે પણ રડી નહોતી. તેણે નાનકડી અનોખીને આ બધું સમજાવ્યું, બતાવ્યું હતું. “જો બેટા! આ તારા પપ્પા! તેમના જેવું કરનારા બહું ઓછા હોય છે. તેઓ બીજાના, દેશના અને સહુના બની શક્યાં. આ તમામ જવાનોના હૃદયમાં તેઓ વધુ પ્રતીષ્ઠીત રીતે, વધુ લાંબો સમય જીવશે. તું પણ એમના જેવી થજે અને કંઈક એવું કરજે જે માત્ર તું જ કરે.”

આજે આઠ વર્ષ પછી ફરી પાછું રાધાને આટલું મોટું સન્માન પ્રાપ્ત થઈ રહ્યું હતું. આ સન્માન એની પુત્રી અપાવી રહી હતી. રાધાને માઈક ઉપર બે શબ્દો બોલવાની વીનન્તી કરવામાં આવી, ત્યારે તે આટલું જ બોલી શકી, “અનોખીના પીતાની આ જ અંતીમ ઈચ્છા હતી જે તેણે પુરી કરી છે. તે સમયે મારું નહીં; પણ અનોખીના પીતાના મીત્ર અને તેના પ્રેરણાસ્રોત એવા કૅપ્ટન રાજનનું સન્માન થવું જોઈએ. તેમણે પીતા ગુમાવનાર એક છ વર્ષની બાળકીને આટઆટલી હુંફ આપીને, મોટી કરીને, આટઆટલું શીખવાડીને આજે આટલું ગૌરવ મેળવવાની અધીકારી બનાવી છે. હું મારા વતી, અનોખી વતી અને આપ સહુ કોઈ વતી કૅપ્ટન રાજન સરને સ્ટેજ પર આવવા વીનન્તી કરું છું.” આટલું કહીને મીસીસ રાધાએ પ્રેક્ષકગૃહમાં છેલ્લે ખુણામાં બેઠેલા કૅપ્ટન રાજન તરફ હાથ લમ્બાવ્યો. “ઉપર આવો કૅપ્ટન, તમારી લાડકી પુત્રી જેવી અનોખીને આશીર્વાદ આપો.”

મીસીસ રાધાના આ શબ્દોની સાથે જ પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ ગયો. કૅપ્ટન માટે આ ક્ષણ એક તીવ્ર અનુભુતીની હતી. તેઓ ત્રણેયની જીન્દગીના તમામ ચઢાવ–ઉતારના એકમાત્ર સાક્ષી હતા. અને સૌથી વધુ વેદનાપુર્ણ વાત તો એ હતી કે તેઓ કંઈક એવું જાણતા હતા જે તેમને ઉંડે ઉંડેથી વલોવી નાખતું હતું. આઠ આઠ વર્ષથી એ જાણકારીનો ભાર તેમણે એકલાએ ઉપાડ્યો હતો અને આમ છતાં એ ભાર સહેજે હળવો નહોતો થયો. બલકે વધી રહ્યો હતો. તેમણે બુમ પાડીને આખા જગતને કંઈક જણાવવું હતું. આજે આ આનન્દના પ્રસંગે તેમના એક ટીસ ઉઠી. તેમણે અનોખીને બીરદાવનારાઓને કહેવું હતું કે અનોખીની સીદ્ધી પાછળ, નીષ્ઠા પાછળ, શક્તી પાછળ ખરેખર કોનો હાથ છે! કોના પ્રાણ છે!

તેમની નજર સામેનું જગત ધીમે ધીમે ધુંધળું થયું અને તેઓ ફ્લેશબેકમાં સરી પડ્યા. આઠ વર્ષ પહેલાનાં યુદ્ધના દીવસો. લડાખ, છામ્બ, લેહ તમામ સરહદો સીલ કરી દેવાઈ હતી. કૅપ્ટન આનન્દ અને કૅપ્ટન રાજન સાથે જ રહેતા હતા. એક દીવસ કૅપ્ટન આનન્દ તબીયત ખરાબ હોવાથી રજા લઈને દીલ્હી જતા રહ્યા; પણ બીજે દીવસે ધારણા મુજબ પાછા નહીં ફર્યા. ત્રીજે દીવસે અચાનક તેમનો ટેલીગ્રામ આવ્યો. તેમણે રાજનને મળવા બોલાવ્યા હતા. યુદ્ધના દીવસોમાં આવી વર્તુણુંક બહુ વીચીત્ર લાગવા છતાં રાજન તેમને મળવા ગયા. ત્યાં તેમણે જે કંઈ જોયું, જાણ્યું, સાંભળ્યું તેનો જોટો જડે એમ નહોતું.

કૅપ્ટન આનન્દ સાદા વસ્ત્રો પહેરીને ખુરશીમાં બેઠા હતા. તેમના ચહેરા પર ગજબની શાંતી જણાતી હતી. જાણે કે તુમુલ, ભીષણ યુદ્ધ પશ્ચાતની શાંતી. તેમણે ધીમે અવાજે કહેવાનું શરુ કર્યું. રાજન! હું થોડા જ સમયમાં મૃત્યુ પામવાનો છું, મને ફેફસાનું કેન્સર છે. સ્મોલ સેલ વેરાઈટી ઑફ બ્રોન્કોજેનીક કારસીનોમા વીથ સેકન્ડરીઝ ઈન લીવર; પણ આ સાંભળીને આમ ચોંકી ન ઉઠ દોસ્ત! મેં તને બીજા એક કામ માટે બોલાવ્યો છે. રાજન હતપ્રભ બનીને સાંભળી રહ્યા. ‘તું જાણે છે કે મારી પત્ની અને બાળકી મારા ઉપર ખુબ નીર્ભર છે. આવા સમયે હું તેને છોડવા નથી માંગતો. આથી મેં એક પ્લાન તૈયાર કર્યો છે અને એ અમલમાં મુકવા માટે મારે તારી મદદની જરુર છે.

પ્લાન? રાજને ચોંકીને પુછ્યું, તું કેવી વાત કરી રહ્યો છે? આ કંઈ યુદ્ધ છે?

હા દોસ્ત! આ પણ એક યુદ્ધ જ છે! જીવનનું મૃત્યુ સાથેનું યુદ્ધ. મનુષ્યનું કુદરત સાથેનું યુદ્ધ. અને આ યુદ્ધ હું હારવા નથી માગતો નથી. હું બીજા માણસો જેવો નથી.

એટલે જ મને તારી ચીંતા થાય છે આનન્દ! તું શું કરવા માંગે છે?

તરત જ આનન્દનો દૃઢ, મક્કમ જવાબ મળ્યો. ‘આપણે બોર્ડર પર ઍટેક માટે જે પ્લાન વીચાર્યો હતો, તે હું તાત્કાલીક–’

રાજને તેને રોકવા છેલ્લો પ્રયત્ન કરી જોયો, ‘તને સારી રીતે ખબર છે કે એ પ્લાન અમલમાં મુકનાર દેશને માટે ઉત્તમ કામ કરશે; પણ પોતે નહીં બચી શકે.’

‘અને એટલે જ એ કામ હું તત્કાળ ક્ષણે પુરું કરવા માંગું છું.’ આનન્દના સ્વરમાં ઉશ્કેરાટ હતો. મારી જીન્દગીનો આમ પણ હવે કોઈ અર્થ નથી, રાજન! હું નથી ઈચ્છતો કે મારી વહાલસોયી પુત્રી મને રીબાતા, રીબાતા મરતો જુએ. તને ખબર છે કે હું લશ્કરમાં કેમ જોડાયો? કેમ કે ઉત્તમ સૈનીક હોવું એ મારા પીતાનો આદર્શ હતો અને એટલે જ એ મારો આદર્શ બન્યો. હું આ પ્રક્રીયા ચાલુ રાખવા માંગું છું. મારી પુત્રીના આદર્શો ઉચ્ચ જ હોવા જોઈએ. આદર્શો ઘડવાની તેની ઉમ્મર છે. એ વખતે જો એ મને કરુણ, દયાજનક, લાચાર અને કેન્સરની પીડાથી મરતો જુએ તો જીન્દગી પાસેથી તે એવું જ પામે. એને બદલે જો એ મને બહાદુરીથી, વીરતાથી મરતો જોશે તો એને મૃત્યુની ખોટી બીક નહીં લાગશે. હું એ રીતે જીવવા–મરવા માંગું છું કે અનોખી આવું જ જીવન જીવવા, આવું જ મરણ મરવા માટે તલસે. હું એવી રીતે મરવા નથી માંગતો જેથી મારા મરણ બાદ અનોખીની મા અને દુનીયા એને એમ કહે કે બીચારી બેટી! અને એનો બીચારો બાપ! બન્ને કેટલા સારા; પણ કુદરત આગળ કેટલા લાચાર! ના. મારે કેન્સરથી નથી મરવું. હું એ રીતે મરીશ કે જેથી અનોખીને આખો દેશ વારંવાર કહે કે, ‘તારા પીતા જેવું તો કોઈ નહોતું. સીદ્ધી અને શૌર્ય તો આને કહેવાય!’ જે સાંભળીને અનોખી પોતાની જાતને માપે, તોલે, તૈયાર કરે, કસે, કઠણ બનાવે અને એક દીવસ એવી શૌર્યગાથા રચે કે દુનીયા આખી એકી અવાજે કહી ઉઠે, ‘શાબાશ અનોખી! તું તારા પીતાથીય ચાર હાથ ઉપરની છે.’

અચાનક તાળીઓનો ગડગડાટ થયો અને ધુંધળુ ફ્લેશબેક પુરું થયું. કૅપ્ટન રાજનને ખ્યાલ આવ્યો કે તેઓ સ્ટેજ પર માઈક સામે ઉભા છે. ગળગળા કંઠે તેઓ એટલું જ બોલી શક્યા, ‘મારા આશીર્વાદ છે અનોખી બેટીને અને એના અનોખા એવા સ્મરણીય પીતાને.’

સુપરઈગો ફોર્મેશન

દેખીતી રીતે નાટકીય લાગતી આ વાર્તામાં, નાની ઉમ્મરે જ વ્યક્તીના મનના એક મહત્ત્વના ભાગનું નીર્માણ કઈ રીતે થાય છે તેની છણાવટ છે.

નાનું બાળક પોતાના કાલાઘેલા આવેશો, ઈચ્છાઓ અને ‘ઈમ્પલ્સ’ પ્રમાણે વર્તે છે, જેને ‘ઈડ’ કહેવાય છે; પણ તે મોટું થતા સામાજીક, કૌટુમ્બીક જવાબદારીઓ સમજીને તેને અનુરુપ નેશનલ, વીચારશીલ વર્તન કરતા શીખે છે. મનનો જે ભાગ આ કરાવડાવે છે તેને ‘ઈગો’ કહેવાય છે. (આપણે બોલચાલની ભાષામાં ‘અહમ્’ના પર્યાય તરીકે જે ‘ઈગો’ શબ્દ વાપરીએ છીએ તેનાથી આ જુદો છે). આ સીવાય પણ મનનો ત્રીજો એક ભાગ એવો હોય છે જે દ્વારા વ્યક્તીમાં સંસ્કાર, નીતીમત્તા, નૈતીકતા (એથીક્સ, મોરાલીટી) વગેરે આવે છે. મનના આ ભાગને ‘સુપરઈગો’ કહેવાય છે.

‘સુપરઈગો’ને લીધે જ વ્યક્તી ‘ગીલ્ટ’ અનુભવી શકે છે અને પોતાના આદર્શો, જીવનના હેતુઓ, ‘ગોલ’ ઘડી શકે છે. મહત્ત્વની વાત એ છે કે ‘સુપરઈગો’ વ્યક્તી પોતે જાતે નથી ઘડતી. નાની ઉમ્મરે મા–બાપની રીતભાત આ ‘સુપરઈગો’ ઘડે છે.

એનો અર્થ એવો થાય કે નીર્દોષોની કતલ કરવામાં તમને આનન્દ થાય છે કે દુ:ખ, તમે આખી જીન્દગી નોકરી કરવાથી સંતુષ્ટ રહેવાના છો કે અસંતુષ્ટ અને અનોખી સાદી ગૃહીણી બનશે કે ‘ગીનીસ બુક્સની રેકર્ડ બ્રેકર છોકરી’ એ બધું તમે અથવા અનોખી નક્કી કરો તેના કરતા તમારા માતાપીતાઓની વર્તુણુંક, વીચારધારા વગેરે વધારે નક્કી કરતા હોય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 22મો લેખ, પુસ્તકનાં પાન 150થી 156 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243, 3478596 ફેક્સ : (0261)  3460650 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

6 Comments

  1. સાચા શહિદની પ્રેરણાદાયી વાર્તા હૃદયને સ્પર્શ ગઈ.

    Liked by 1 person

  2. ઇગો ? સુપર ઇગો ?

    જીવન જીવવાના ‘ આદર્શ ‘ ?

    ડીક્શનરીમાં ,(૧) ” Ego, n, The self ; અહમ્ ; હુંપદ -ism, n. અહંકાર: (૨) સ્વાર્થીપણું -ist, n સ્વાર્થી, અહંકારી માણસ, -tism, n, અહંકાર, મમત, મિથ્યાભિમાન.
    ૈઇગો = One’s self ; ચેતન ; The consciousness.કહેલો અર્થ છે.
    Egocentric = આત્મકેન્દ્રી
    Egoism =આપમતલબીપણાનો સિઘ્ઘાંત.
    Egotism = આત્મસ્તુતિ
    Egotist =બડાઇખોર.

    સરસ વાર્તા.

    કેપ્ટન આનંદને પોતાના જીવનમાં અે રીતે ‘ જીવી ‘ જવું છે , તે પણ દેશની સેવામાં અને તેના દ્વારા ખ્યાતિ પામવી તે રીતે. ? લોકો વાહ…વાહ…કરે ! ( આ ‘ ઇગો ‘ છે કે ‘ આદર્શ ‘ ?

    ડીક્શનરી આ ‘ ઇગો ‘ ને આ અર્થોમાં સમજાવે છે.

    મારો સવાલ અે હતો કે, દેશને માટે શહાદત વહોરીને મૃત્યુ પામવું , તેવા વિચારો ઘરાવવું તેને ‘ જીવન જીવવાનો આદર્શ ‘ કહેવાય કે નહિ ? અને આજ આદર્શ પોતાની પૂત્રીને જીવવાનુ શીખવવાની ઇચ્છા તેને પણ ‘ આદર્શ ‘ કહેવાય કે નહીં ?
    સાયકોલોજી જે કાંઇ શીખવે છે તે ‘ ઇગો ‘ કે ‘ સુપર ઇગો ‘ કહેવાય છે.
    આજે પણ ઉત્તર પ્રદેશ કે પંજાબ કે નેપાલના લોકોમાં લશ્કરમાં જોડાવાવાળાઓ પેઢી દર પેઢી હોય છે. યુવાન દિકરાને કે તેની માતાને ખબર હોય છે કે દિકરાના પિતા (અને માંના પતિ) લશ્કરમાં, દેશસેવા કરતાં કરતાં શહિદ થયા હતાં ,છતાં તે પૂત્ર લશ્કરમાં જોડાય છે.

    વિજ્ઞાન કહે છે કે DNA, માતા, પિતાના શારિરિક અને માનસિક ગુણો બાળકોમાં વહેંચે છે.

    કહેવત છે કે ‘ વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા ‘ બાળકો જનરલી મા,બાપ સાથે મોટા થતાં હોય છે ત્યારે હંમેશા મા, બાપની કાર્યો કરવાની રીત રસમોની કોપી કરતાં હોય છે.
    બાળક જન્મે ત્યારથી..વડીલો તેના મુખની ,શરીરની સરખામણી મા કે બાપની સાથે કરતાં હોય છે…થોડું મોટું બાળક થાય કે તરત તેની વર્તણુક, રમત રમવાની રીત, બોલવા ચાલવાની રીતની સરખામણી મા, બાપની સાથે થતી હોય છે. જે આ વાર્તામાં કેપ્ટન આનંદ અને તેમની દિકરી અનોખીની કરવામાં આવે છે.

    દરેક ઘરમાં પિતા, પોતાના બાળકને તેના પુખ્તવયના જીવનમાં, કયા રુપમાં જોવો છે તે ‘ જીવતો ‘ હોય છે.
    અને તે ‘ જીવન ‘ તેનું ‘ આદર્શ ‘ હોય છે.
    મારા વિચારો…કે સમજ કદાચ સાચી ના પણ હોય. પરંતું અે મારી સમજ, મારે માટે છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. Govindbhai,
    Thanks for putting inspirational real melodramatic story/incident.Here father has already decided how to raise his daughter and make her brave.Most of the children are observing their parents behaviour right from their childhood and with the passage of time they emerge from them either good or bad.This is also a good case of psycho-analysis
    Hope present generation parents may take some inspiration for raising their children from the instant case.Rest the
    decision of captain Anand to die a heroic death or to die enduring severe pain of cancer is immaterial here because
    he was aware of the final consequences.
    Ravindra Bhojak
    20-11-2020

    Liked by 1 person

  4. સેલ વેરાઈટી ઑફ બ્રોન્કોજેનીક કારસીનોમા વીથ સેકન્ડરીઝ ઈન લીવરવાળા કેપ્ટનની પ્રેરણાદાયી કહાની સાથે ‘ઈડ’ , ‘ઈગો’ ‘અહમ્’ અને ‘સુપરઈગો’ વાતે ચિંતન કરતા સમજાયુ.
    નાની ઉમ્મરે મા–બાપની રીતભાત આ ‘સુપરઈગો’ ઘડે છે. તમારા માતાપીતાઓની વર્તુણુંક, વીચારધારા વગેરે વધારે નક્કી કરતા હોય છે.’ વાતે ચિંતન કરતા આ સમજાયુ.
    ઘણી જગ્યાએ અનુભવાયલી વાતો સમજાઇ
    ધન્યવાદ અદભુત લેખ માટે…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s