સરીસૃપનો ઉદ્ભવ

પૃથ્વી ઉપર સરીસૃપનો ઉદ્ભવ ક્યારે થયો? તે જોતાં પહેલાં, પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો? તે ટુંકમાં જોઈએ…

(તસવીર સૌજન્ય : વીવેક શર્મા)

2

સરીસૃપનો ઉદ્ભવ

–અજય દેસાઈ

પૃથ્વી ઉપર સરીસૃપનો ઉદ્ભવ ક્યારે થયો? તે જોતાં પહેલાં, પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો? તે ટુંકમાં જોઈએ. આજથી અન્દાજે 5000 લાખ વર્ષ અગાઉ સુર્યમાંથી વાયુસ્વરુપે, પૃથ્વી છુટી પડી. એ પછીના 1500 લાખ વર્ષ સુધી પૃથ્વી વાયુ સ્વરુપે કે અર્ધઘન વાયુ સ્વરુપે હતી. સતત વરસાદ થકી ક્રમશ: વાયુ ઠંડા પડતા ગયા, પૃથ્વીનો પોપડો જામતો ગયો. પૃથ્વીનો કેટલોક ભાગ ઘન સ્વરુપે ઠરતો ગયો. ખડકો બન્ધાવવા શરુ થયા, અસહ્ય ગરમી ધીમે ધીમે સહ્ય થવા માંડી. સતત પડતા રહેલાં વરસાદ પછી પાણીના સમુહો રચાતા ગયા. તળાવો, સમુદ્રો બનતા ગયા. અને વાતાવરણમાં એક એવા પ્રકારની સાનુકુળતા છવાતી ગઈ, જે પૃથ્વી પરના પ્રારમ્ભીક જીવનનાં ઉદ્ભવ માટે આવશ્યક હતી. અને આવી અનુકુળતા થતાં પાણીની અન્દર શેવાળ અને બેક્ટેરીયા સ્વરુપનાં સુક્ષ્મ જીવોનો ઉદ્ભવ થયો. ત્યારબાદ એકકોષી જીવનો ઉદ્ભવ થયો. આ બધુ પૃથ્વીના ઉદ્ભવ્યાની શરુઆતના 2000 લાખ વર્ષ સુધી ચાલ્યું અને બહુકોષી જીવ તો આજથી 2500 લાખ વર્ષ અગાઉ જ ઉદ્ભવ્યા. આમ જોવા જઈએ તો પૃથ્વીના ઉદ્ભવના શરુઆતના 3000 લાખ વર્ષ સુધી જૈવીક દૃષ્ટીએ ખુબ જ ઓછા ફેરફાર થયા હતા. આપણે શરુઆતના 1500 લાખ વર્ષ જવા દઈએ તો બાકીના 3500 લાખ વર્ષના સમયગાળાને ત્રણ વીભાગમાં વહેંચવામાં આવે છે.

1.   પ્રાચીન જીવકલ્પ (Upper Palaeozoic) :

(3500 લાખ વર્ષ પુર્વથી 2300 લાખ વર્ષ સુધીનો – 1200 લાખ વર્ષનો સમય ગાળો). આ ગાળાના બે પેટા વીભાગ પાડવામાં આવ્યા છે.

A   કાર્બોનીફેરસ (Carboniferous) 700 લાખ વર્ષ
B   પર્મીયન (Permian) 500 લાખ વર્ષ

2.   મધ્ય જીવકલ્પ (Mesozoic) :

(2300 લાખ વર્ષ પુર્વથી 650 લાખ વર્ષ સુધીનો – 1650 વર્ષનો ગાળો). આ ગાળાના ત્રણ પેટા વીભાગ પાડવામાં આવ્યા છે.

A   ટ્રાયસીક (Triassic) 500 લાખ વર્ષ
B   જ્યુરેસીક (Jurassic) 500 લાખ વર્ષ
C   ક્રીટેસીઅસ (Cretaceous) 650 લાખ વર્ષ

3.   અભીનવ જીવકલ્પ (Cenozoic) :

(650 લાખ વર્ષ પુર્વથી આજ સુધીની અવધીનો – 650 લાખ વર્ષનો સમયગાળો)

આ ગાળાના બે પેટા વીભાગ પાડવામાં આવ્યા છે.

A  ટર્શીયરી (Tertiary) – 630 લાખ વર્ષ
B  ક્વાટરનરી (Quaternary) – 20 લાખ વર્ષ

પૃથ્વી ઉપર સરીસૃપનો ઉદ્ભવ 2800 લાખ વર્ષ અગાઉથી 2300 લાખ વર્ષ અગાઉના સમયગાળામાં એટલે કે પર્મીયન યુગમાં થયો હતો. સરીસૃપનો પૃથ્વી ઉપર એ સમયગાળામાં ઉદ્ભવ કેવી રીતે થયો તે માટેનું સંશોધન કહે છે કે, સરીસૃપનો ઉદ્ભવ ઉભયજીવી (Amphibians)માંથી થયો છે. આપણે જાણીએ છીએ કે જીવ સૃષ્ટીનો ઉદ્ભવ પાણીમાં થયો હતો. તેનો પ્રારમ્ભીક વીકાસ પણ પાણીમાં થયો હતો. એક એવો તબક્કો આવ્યો કે તેમની સંખ્યા પાણીમાં ખુબ અધીક થઈ ગઈ. પાણીમાં તેમને ખોરાક પુરતો મળવા ન લાગ્યો. તેમનાં ઈંડા કે બચ્ચાં મુકવાં – ઉછેરવાની જગ્યાનો અભાવ થવા લાગ્યો, ત્યારે આ પાણીની અન્દર જ રહેવા ટેવાયેલા જીવો કે જે દેડકાં કે દેડકાં સ્વરુપનાં અન્ય જીવો હતા, તે ધીમે ધીમે પાણીની બહાર આવવા લાગ્યા. બહારના વાતાવરણથી ટેવાતા ગયાં. બાહ્ય વાતાવરણને અનુકુળ થતાં ગયાં અને આવા વાતાવરણમાં જીવવા યોગ્ય તેઓના શરીરમાં તબક્કાવાર ફેરફારો થતાં ગયાં. શરુઆતમાં તેઓ પાણીની આસપાસ નજીકમાં જ વીકાસ પામ્યા. ધીમે ધીમે દુર જતા ગયા, તેમ તેમ તેઓને પાણીની અન્દર રહેવા–જવાની આવશ્યકતા રહી નહીં. તેમના અંગઉપાંગ જમીનના વાતાવરણ–રહેઠાણને અનુરુપ વીકસતા ગયા. ઉભયજીવી નરમ શરીર ધરાવતાં હતા, જ્યારે આ જીવો બહારથી કઠણ હોય તેવા આવરણ ધરાવતા થયા. જેનાથી તેમની અન્દરનું પાણી જળવાઈ રહેતું. વળી, તેમના ફેફસાં વધુ મોટાં વધુ વીકસીત અને વધુ કાર્યક્ષમ થયા, જેનાથી લોહીના પરીભ્રમણમાં સુધારો થયો. જમીન ઉપર ખોરાક અને રહેઠાણ માટે અને વધુ ઝડપથી હેરફેર થઈ શકે તે માટે છાતીના તથા ખભાના હાડકાનો વીકાસ થયો. સ્નાયુઓ મજબુત થયા. આ બધો વીકાસ જરુર થયો; આમ છતાં ઉભયજીવીઓના ઘણા ગુણો સરીસૃપમાં સમાન રહ્યા, તેમાં બદલાવ ન આવ્યો. દા.ત., તેમના શરીરનું ઉષ્ણતામાન બાહ્ય વાતાવરણ પર નીર્ભર રહ્યું. તેમના દાંત એક સરખા રહ્યા. ટુંકમાં આજના સરીસૃપ એ સુધરેલી આવૃત્તીના ઉભયજીવી જ છે.

કાળક્રમે સરીસૃપમાં ભીન્નતા આવવા લાગી કેટલાક ચાલનારા, સરકનારા, દોડનારા, તરનારા, ઉડનારા, માંસભક્ષી, તૃણભક્ષી, વૃક્ષોની ઉપર રહેનારા, જમીન ઉપર તથા જમીનની અન્દર રહેનારા, પાણીની અન્દર રહેનારા, ખુબ નાના કદના, ખુબ વીશાળ કદના વગેરે સ્વરુપમાં વીકાસ પામ્યા. આ બધી ભીન્ન્તાઓ એટલી બધી છે કે આપણે તેમના દેખાવ અને રંગરુપથી એક ગોત્રમાં મુકી ના શકીએ. વળી, શરુઆતના સરીસૃપો, આપણી કલ્પના બહારના કદ, આકાર અને વીચીત્રતાઓ ધરાવતાં હતા.

સરીસૃપના સહુથી જુના અશ્મી અવશેષ 2750 લાખ વર્ષ અગાઉના પર્મીયન યુગના મળ્યા છે. આ અશ્મી અવશેષ નાના કાચીંડાના છે. જે Hylonomus તરીકે ઓળખાય છે. આ અવશેષો એ વખતનાં છે જ્યારે સમગ્ર પૃથ્વીની જમીન એક સમુહમાં સયુંક્ત હતી. જેને Pangea કહેવામાં આવે છે. આ સમયે ઉત્તરધ્રુવ અને દક્ષીણ ધ્રુવ, કેનેડા વગેરે પ્રેદેશો ગરમ હતા અને જંગલોથી છવાયેલા હતા; પરન્તુ આ જમીનના સમુહો કાળક્રમે દુર સરકતા ગયા, અલગ ખંડો રચાતા ગયા, અને જ્યાં જ્યાં અનુકુળ વાતાવરણ હતું ત્યાં સરીસૃપ તે જગ્યાને અનુરુપ વીકસતા ગયા. જ્યાં વાતાવરણ અનુકુળ ન જણાયું ત્યાં, તે વીકસી ન શક્યા. એક તબક્કે પૃથ્વી ઉપર 16 શ્રેણીના સરીસૃપ અસ્તીત્ત્વમાં હતા અને તેમની અસંખ્ય જાતી–પ્રજાતી અસ્તીત્વમાં હતી. આજે તો પૃથ્વી ઉપર નીચે દર્શાવેલ પાંચ શ્રેણીના સરીસૃપો જ અસ્તીત્વમાં છે.

વીશ્વના તથા ભારતના સરીસૃપ (કોષ્ટક – 1)

ક્રમ સરીસૃપની શ્રેણીઓ વીશ્વમાં ભારતમાં
1 કાંચીડા Lizard (Lacertilia) 6,263 202
2 સાપ (Snake (Ophidia) 3,631 299
3 કાચબાTurtle-Tortoise (Testudinata) 346 34
4 મગર Crocodile (Crocodilia) 25 03
5 ટુઆટારાTuatara (Rhynchocephalia)         01 00
  કુલ સરીસૃપ 10,266 538

દરેક સરીસૃપની ચામડી ઉપર ભીંગડાં હોય છે. આ ભીંગડાં તેમની અન્દરની ચામડીને રક્ષણ આપે છે. ચામડીને સુકી થતી બચાવે છે. વધુમાં બાહ્ય ભેજ, ગરમી, પાણી વગેરેથી અન્દરની ચામડીને રક્ષણ આપે છે. ઉભયજીવીની જેમ સરીસૃપને ડીમ્ભાવસ્થા હોતી નથી. સરીસૃપના તરતના જન્મેલાં બચ્ચાં પણ પુખ્ત માતાપીતા જેવા દેખાતા હોય છે. સરીસૃપ તેમનો શ્વાસોચ્છવાસ ફેફસાંની મદદથી કરે છે, નહીં કે ચુઈ કે ચામડીની મદદથી! સરીસૃપ પોતાના શરીરનું ઉષ્ણતામાન પક્ષીઓ કે સસ્તનોની જેમ જાળવી શકતા નથી. શરીરનું ઉષ્ણતામાન બાહ્ય વાતાવરણ ઉપર આધારીત હોય છે. તેઓના નીચેના જડબામાં એકથી વધુ હાડકાં હોય છે. દરીયાઈ જીવસૃષ્ટીમાં સરીસૃપનો ભાગ બહુ ઓછો છે. ફક્ત 60 પ્રકારના સરીસૃપ છે. તેમાં પણ મુખ્યત્વે સાપ છે, જ્યારે દરીયાઈ કાચબાની 6 જાતો છે અને દરીયાઈ કાચીંડાની ફક્ત એક જ જાત નોંધાઈ છે. આ બધી જાતો ખાસ કરીને ઉષ્ણકટીબન્ધ કે સમશીતોષ્ણ કટીબન્ધના સમુદ્રોમાં જોવા મળે છે. જમીનના સરીસૃપ પણ આ પ્રદેશોમાં જ વધુ જોવા મળે છે; કારણ કે તેઓને આ પ્રદેશનું વાતાવરણ વધુ માફક આવે છે. આ પ્રદેશોમાં જંગલો વધુ હોય છે. જંગલની વનરાજી હેઠળ ગરમી કે ઠંડીમાં ઝાઝો ફરક નથી પડતો. આવી પરીસ્થીતીમાં, સરીસૃપ તેમનાં શરીરનું ઉષ્ણતામાન એકધારું જાળવી શકે છે. જેને લઈને તેમને તેમના જીવનની ક્રીયાઓ કરવામાં સરળતા રહે છે.

આપણે આગળ જોયું તેમ સરીસૃપ ઉભયજીવીથી ઘણી બધી રીતે અલગ તરી આવે છે, તેમ પક્ષીઓથી પણ અલગ તરી આવે છે. પક્ષીઓને પીછાં હોય છે, રુંવાટી હોય છે અને તેઓ પોતાના શરીરનું ઉષ્ણતામાન જાળવી શકે તેવી રચના હોય છે. જ્યારે સરીસૃપમાં આ ત્રણેયમાંથી કશું જ હોતું નથી. હા, પક્ષીઓના પગ ઉપર ભીંગડાં હોય છે, તેવા જ ભીંગડાં સાપના શરીર ઉપર હોય છે. કેટલાક પ્રાણીઓને પણ આવાં ભીંગડાં હોય છે. દા.ત., કીડીખાઉં. પરન્તુ આવા પ્રાણીઓને ફક્ત ભીંગડાં જ હોય છે તેવું નથી હોતું સાથે સાથે વાળ અને રુંવાટી પણ હોય છે.

બધા જ સરીસૃપ ઠંડા લોહીવાળા – શીતરુધીર (Ecotherms) છે. જ્યારે પ્રાણીઓ તથા પક્ષીઓ ગરમ લોહીવાળા – ઉષ્ણરુધીર (Homotherms) હોય છે. આનો મતલબ એ નથી કે સરીસૃપનું લોહી ઠંડુ હોય છે અને પ્રાણીઓ તથા પક્ષીઓનું લોહી ગરમ હોય છે. સરીસૃપ ઠંડા લોહીવાળા એટલે કહેવાય છે કે તેમના શરીરનું ઉષ્ણતામાન પોતે નીયન્ત્રીત નથી કરી શકતાં. તે બાહ્ય વાતાવરણ પર આધારીત હોય છે. જ્યારે સસ્તનો અને પક્ષીઓ ગરમ લોહીવાળા એટલે કહેવાય છે કે તેઓ બાહ્ય વાતાવરણ ઉપર નીર્ભર રહ્યા સીવાય પોતાના શરીરનું ઉષ્ણતામાન પોતાની રીતે નીયન્ત્રીત કરી શકે છે. સરીસૃપને પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથી હોતી નથી. સામાન્યત: સરીસૃપ માટે 20 અંશથી 38 અંશ સે.ગ્રે. ઉષ્ણતામાન સહ્ય હોય છે. જ્યારે પૃથ્વી ઉપરના હાલના સરીસૃપમાં સહુથી જુના એવા સરીસૃપ ટુઆટારા (Tuatara) 12 અંશ સે.ગ્રે. સુધી નીચું ઉષ્ણતામાન સહન કરી શકે છે.

સરીસૃપ એટલે પેટચર કે પેટથી સરકનારા પણ કહી શકાય. બધા જ સરીસૃપ પેટની મદદથી ચાલે છે, પ્રસંગોપાત અનુકુળતા–પ્રતીકુળતા મુજબ પગના આધારે અધ્ધર થઈને પણ ચાલતા હોય છે. વળી, તેમની ચાલ પણ વીવીધ પ્રકારની હોય છે.

અમુક અપવાદ સીવાય બધા સરીસૃપ માંસાહારી છે. દરેક પોતાના કદ અને જરુરીયાત મુજબ શીકાર કરે છે. જમીનના કાચબા, દરીયાઈ લીલા કાચબા અને સ્પાઈની ટેઈલ્ડ લીઝાર્ડ એ આંશીક કે સમ્પુર્ણ શાકાહારી છે.

https://reptile-database.reptarium.cz/

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

6 Comments

 1. સરીસૃપનો ઉદ્ભવ અંગે –અજય દેસાઈ દ્વારા ઘણી નવી વાતો જાણી .
  સાથે આવા સમાચાર
  ‘સર્પમિત્રોની સંસ્થા દ્વારા અત્યાર સુધીના રેકોર્ડ મુજબ સૌથી વધુ ૫30 સરીસૃપને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી સફળતાપૂર્વક બચાવીને કુદરતના ખોળે મુકત કર્યા હતા. આ ૫30 સરીસૃપ માં 30૭ બિનઝેરી સર્પ, ૨૧૫ ઝેરી સર્પ તથા ૮ ચંદન ઘો .કોઈપણ સમયે કે વરસાદમાં પણ પોતાના જીવના જોખમે અને પોતાના સ્વખર્ચે અલગ-અલગ વિસ્તારમાં તરત જ પોહચીને બચાવ કરેલ છે.સંસ્થા દ્વારા સરીસૃપ બચાવ માટે કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી,’ માણી આનંદ

  Liked by 1 person

 2. બહુ સરસ માહિતી, સરળ ગુજરાતીમાં હોવાથી ઘણું સમજી શકાયુ

  Liked by 1 person

 3. મિત્રો,
  શ્રી અજય દેસાઇ, મને તો અેક સફળ શિક્ષક મળ્યા હોય અેટલો આનંદ થયો.
  તેમના બાયોલોજીના આ ક્લાસીસો ચાલુ રાખો.
  માહિતિઓ સભર, જ્ઞાનવર્ઘક બે આર્ટીકલ્સ…વાંચીને આનંદ થયો…હજી વઘુ નોલેજ જોઇઅે છે.
  આભાર, ગોવિંદભાઇ, આભાર અજયભાઇ.
  અમેરિકા ક્રિસમસ પહેલાનાં દિવસોને ‘ હોલીડેઝ ‘ તરીકે ઉજવે છે…જે આજે પણ મનાવાઇ રહ્યા છે.
  તમને સૌને હેપી હોલીડેઇઝની શુભેચ્છાઓ પાઠવું છું.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. This is what Science explains with Proof and Evidence, and Believrers of Religious theory, in Christianity or Hinduism
  the ORIGINE of Life and Humans differs and there are Believers ,they Don’t need any
  Proof or Evidence.

  Like

 5. ધન્યવાદ… દેસાઈ સાહેબ અને ગોવિંદભાઇ,
  ખુબ નજીકથી અને ઊંડાણપૂર્વક સરીસૃપ પ્રજાતિ વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર…
  ર્ડો સુરેશભાઈ, ભુજ-કચ્છ.

  Liked by 1 person

 6. ખૂબ સરસ માહિતી સભર લેખ.આવી શ્રેણીઓ લાવતા રહો. ઉત્ક્રાન્તિ વાદ ની થીયરી પર પણ શ્રેણી શરૂ કરો.ખૂબ મજા આવી.ધન્યવાદ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s