સાપનો ઉદ્ભવ અને સજીવોના વર્ગીકરણમાં તેનું સ્થાન

સાપનો ઉદભવ ક્યારે થયો? સાપ શરુઆતના સરીસૃપો પૈકીનો જ જીવ છે? સજીવોના વર્ગીકરણમાં સાપનું શું સ્થાન છે?

(તસવીર સૌજન્ય : હર્ષદ ઝાદે)

3

સાપનો ઉદ્ભવ

–અજય દેસાઈ

સાપ એ સરીસૃપ છે તે આપણે જાણ્યું; પરન્તુ સાપનો ઉદ્ભવ ક્યારે થયો? શું સાપ શરુઆતના સરીસૃપો પૈકીનો જ જીવ છે? ના, સાપ તો સરીસૃપ પૈકીના એક એવા કાચીડાંમાંથી પરીવર્તન પામ્યા છે. સાપના જે અશ્મી અવશેષો મળ્યા છે તેના આધારે આમ તો સાપના સચોટ ઉદ્ભવનો ઈતીહાસ જાણવો કઠીન છે; કારણ કે સાપ ખુબ નાજુક અસ્થીઓ ધરાવતા જીવ છે અને આવા નાજુક અસ્થીઓ લાંબા સમય સુધી જળવાતા હોતા નથી. ખડકોમાંથી જે કાંઈ અશ્મી અવશેષો મળ્યા છે, તે તેથી જ સમ્પુર્ણ નથી મળ્યા, ભાંગ્યા તુટ્યા–ખંડીત છે. આમ છતાં તુલનાત્મક અભ્યાસ પરથી ઉત્ખનનશાસ્ત્રીઓ (Paleontologists) એટલા નીષ્કર્ષ પર જરુર આવ્યા છે કે સાપ પ્રાચીન ઉભયજીવી વીશાળ સમુહમાંથી પરીવર્તન પામેલા કાચીંડામાંથી ઉદ્ભવ્યા છે. બોર્નીયો ટાપુ ઉપરથી મળી આવતા Earless Monitor – કાચીંડા એ એવા સરીસૃપ છે કે જેનું શારીરીક બંધારણ ઘણે અંશે સાપને મળતું આવે છે. સાપ, કાચીંડામાંથી ઉદ્ભવ્યાના તર્ક માટે વૈજ્ઞાનીકો એવી થીયરી રજુ કરે છે કે અમુક જાતીના કાચીંડાઓ જમીન ઉપર ખોરાકની અછત વર્તાતા, જમીનની અન્દરના જીવોને ભક્ષ્ય બનાવવા તેઓના જમીન અન્દરના દરો કે પોલાણોમાં આવતાં જતાં થયા હશે. લાખો વર્ષના કાળક્રમે ધીમે ધીમે, તેઓને તેમના બાહ્ય અંગ–ઉપાંગો દા.ત., કાન, પગ વગેરે નડતરરુપ બનતા હશે અને જમીનની અન્દર આ અંગોની ઉપયોગીતા પણ ન રહેતી હોઈ, ક્રમશ: તે નાશ પામતા ગયા હશે. વળી, જમીનની અન્દર આખો ઉપરના પોપચા ઉઘાડબન્ધ કરવામાં, અન્દરની માટી વગેરે નડતરરુપ બનતા હશે, તેથી કાળક્રમે તે પોપચા પણ નામશેષ થયાં હશે, તેને સ્થાને વધુ ઉપયોગી એવું પારદર્શક આવરણ વીકસ્યું હશે. આમ ધીમે ધીમે ક્રમશ: કાચીડાંમાંથી લાખો વર્ષની પ્રક્રીયાને અંતે અંગ ઉપાંગ વગરનાં જીવ એવા સાપનો વીકાસ થયો હશે. ડાયનાસોરસ જ્યારે પૃથ્વી ઉપર સમ્પુર્ણ પ્રભુત્વ ધરાવતા હતાં ત્યારે આવા અંગ ઉપાંગ વગરના જીવો જમીન ઉપર પણ સરકતાં થયા અને તેઓના વીકાસની પ્રક્રીયા સતત ચાલુ રહી હશે, બાહ્ય પરીસ્થીતીને અનુરુપ તેઓના ચાલ–ખોરાક–રહેણીકરણી થયા હશે અને એક તબક્કે તેઓ કાચીંડા મટી સમ્પુર્ણપણે સાપમાં પરીણમ્યા હશે. સરીસૃપમાં એક વધારે સમુહનો ઉમેરો થવા પામ્યો હશે. સાપ એ સરીસૃપમાં સહુથી છેલ્લો ઉદ્ભવેલ સરીસૃપ છે.

સાપના સહુથી આધારભુત અશ્મી અવશેષ સહરાના રણમાંથી મળ્યા છે. જે 130 લાખ વર્ષ અગાઉના છે. જો કે આ અવશેષો સમ્પુર્ણ નથી; પણ ફક્ત મણકા સ્વરુપના જ છે. ત્યારબાદ કાંઈક પુર્ણ કહી શકાય તેવા અવશેષો આર્જેન્ટીનામાંથી Upper Cretaceous સમયના ખડકોમાંથી મળી આવ્યા છે. આ અવશેષો કરોડસ્થંભ અને કેટલીક પાંસળીઓ સાથેના છે. 6 ફુટ લાંબા એવા સાપના આ અવશેષોને Pinilysia Patagonica નામ આપવામાં આવ્યું છે. આ અવશેષો કાંઈક અંશે આજના અજગર કે બોઆને મળતાં આવે છે. જ્યારે, આજે જે આધુનીક સાપ છે તે બધાનાં પુર્વજો બોઆ અને અજગર હતા એવું ચોક્કસ ફલીત થયું છે. ડાયનાસોરસનું સામ્રાજ્ય પૃથ્વી ઉપરથી 650 લાખ વર્ષ અગાઉ નષ્ટ પામ્યું. તે સમયથી સાપ પૃથ્વી ઉપર મહત્ત્વના સરીસૃપે પ્રસ્થાપીત થઈ ચુક્યા હતા અને સર્વત્ર ફેલાઈ ચુક્યા હતા. તેમનો સહુથી શ્રેષ્ઠ સમયગાળો આ પછીના લાખ્ખો વર્ષનો હતો જ્યારે તેઓ વીકાસના પંથે હતા. 360 લાખ વર્ષો અગાઉ નાના સાપના સમુહો અસ્તીત્વમાં આવ્યા. 200 લાખ વર્ષ અગાઉ જ્યારે ભુખંડીય વીભાજનની પ્રક્રીયા પુરી થઈ. એટલે કે તે અગાઉના વર્ષોમાં પૃથ્વી ઉપરનો જમીની પોપડો એક ખંડ સમુહમાં હતો તેમાં વીભાજન થતાં અલગ અલગ ખંડો રચાયા હતા. આ પૈકી જે ખંડો વીષુવવૃત અને કર્કવૃતની આસપાસ હતા ત્યાં સાપ અને અન્ય જીવો ટકી શક્યા, તેમનો વીકાસ પણ થતો રહ્યો. જ્યારે આનાથી વીપરીત દુરના પ્રદેશો કે જ્યાં સદાય બરફ છવાયેલો રહેવા માંડ્યો ત્યાં સાપ ટકી ન શક્યાં; પરન્તુ જ્યાં અનુકુળતા મળી ત્યાં સાપની વીવીધ જાતોનો વીકાસ થતો રહ્યો. આ સમયગાળામાં એટલે કે 150 લાખ વર્ષ અગાઉના સમયગાળામાં Colubridae સાપ વધુ વીકસ્યા. વળી, આ જ સમયગાળામાં જડબાની અન્દરથી પાછળનાં ભાગમાં ઝેરી દાંતો ધરાવતા સાપનો ઉદ્ભવ થયો. ત્યારબાદના તબક્કામાં ઉપરના જડબામાં આગળના ભાગમાં, ઝેર ઠાલવી શકે તેવા બે ઝેરી દાંત ધરાવતા સાપનો ઉદ્ભવ થયો જેને આપણે Elapidae કહીએ છીએ. 100 લાખ વર્ષ અગાઉ આજના જે Viper છે, તે ઉદ્ભવ્યા અને સહુથી છેલ્લે Pit Viperનો ઉદ્ભવ થયો.

ઉપરનો ઉદ્ભવક્રમ, જે અશ્મી અવશેષો મળી આવ્યા છે તે અને અર્વાચીન સાપના શરીરના તુલનાત્મક અભ્યાસ બાદ ગોઠવાયો છે. અલબત્ત વચ્ચેના ઘણાં લાખ્ખો વર્ષોનો તાળો મળતો નથી. આણ્વીક જીવ વીજ્ઞાન (Molecule biology) દ્વારા સમગ્ર ક્રમ અંગેનું નવું સંશોધન જારી છે. આ DNA પદ્ધતી દ્વારા જે અભ્યાસ–સંશોધન થઈ રહ્યા છે તે કદાચ આપણા માટે નવા આશ્ચર્યો જન્માવે તો નવાઈ નહીં. અત્યાર સુધીની આપણી બધી ગણતરીઓ તથા સંશોધનો ખોટા પણ પડી શકે છે; પરન્તુ તે તો સમય આવ્યે જ જણાશે, અત્યારે તો આપણે ઉપરોક્ત સંશોધનો મુજબ સાપના ઉદ્ભવને મુલવીશું.

4

(તસવીર સૌજન્ય : ભાવેશ ત્રીવેદી અને ઝુઝાર બોરીવાલા)

સજીવોના વર્ગીકરણમાં સાપનું સ્થાન

પૃથ્વી ઉપર જેટલા સજીવો છે, તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

  1. વનસ્પતી (Plants)
  2. પ્રાણીસૃષ્ટી (Animals)

સાપ પ્રાણીસૃષ્ટીમાં સ્થાન ધરાવે છે. પ્રાણીસૃષ્ટીની કરોડરજ્જુને લક્ષમાં રાખીને તેમને બે સમુદાય (Phylum)માં વહેચવામાં આવ્યા છે.

  1. કરોડરજ્જુ વગરના (Non Chordata)
  2. કરોડરજ્જુવાળા (Chordata)

સાપ કરોડરજ્જુવાળા પ્રાણીઓમાં સ્થાન ધરાવે છે અને કરોડરજ્જુવાળા પ્રાણીઓને 4 પેટા સમુદાય (Sub Phylum)માં વીભાગવામાં આવે છે.

  1. અર્ધવીકસીત કરોડસ્તંભ (Hemi chordata)
  2. ઉપરના વીભાગમાં વીકસીત કરોડસ્તંભ (Cephalo chordata)
  3. નીચેના ભાગમાં વીકસીત કરોડસ્તંભ (Uro chordata)
  4. પુર્ણ વીકસીત – સમ્પુર્ણ કરોડસ્તંભ (Vertebra)

સાપ પુર્ણ વીકસીત કરોડસ્તંભવાળા પ્રાણીઓમાં સ્થાન ધરાવે છે. આ સમ્પુર્ણ કરોડસ્તંભવાળા (Vertebrates) પ્રાણીઓના પાંચ વર્ગ (Class) છે. આ પાંચ પૈકીના એક વર્ગ સરીસૃપ (Reptilia)માં સ્થાન ધરાવે છે.

  1. કાચબા (Turtle-Tortoise)
  2. મગર (Crocodile)
  3. ટુઆટારા (Tuatara)
  4. કાચીડાં (Lizard)
  5. સાપ (Snake)

સાપ અહીં, Squamata શ્રેણીમાં સ્થાન ધરાવે છે. એટલે આ પેટા શ્રેણીમાં મુકાયેલા બધા જીવો સાપ તરીકે ઓળખાય છે. આમાં આગળ વધીએ તો પેટા શ્રેણી Ophidia આવે છે. આ પેટા શ્રેણી મુજબ જેટલા સાપ પૃથ્વી ઉપર અસતીત્વમાં છે કે, નોંધાયા છે, તેમને 28 કુટુમ્બમાં તેમની ખાસીયત, શરીરની આંતરીક રચના, તેમની ખુબીઓ તથા ડી.એન.એ. વગરના તુલનાત્મક સંશોધનો અને અભ્યાસ બાદ વીભાગવામાં આવ્યા છે. જેને જાતી (Species) કહે છે.

આ જાતીને થોડાંક વીશાળ સન્દર્ભમાં જોઈએ. એક જાતીનો નર સાપ તેની જાતીની જ માદા સાથે સંવનન કરે, તેનાથી બચ્ચાં થાય તો તે એક જ જાતીના કહેવાય. આવું અલગ અલગ જાતીના સાપના નર–માદા વચ્ચે થવું અશક્ય છે. એટલે સાપની જે 28 કુટુમ્બોમાં વહેંચણી થયેલી છે. તે આવા 28 જાતીના સમુહો છે.

આપણે અજગર (Indian Pythan)નું શાસ્ત્રીય રીતે સ્થાન દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય :

સૃષ્ટી (Kingdom) યુકેરીયોટા (Eucaryota)
ઉપસૃષ્ટી (Sub Kingdom) મેટાઝુઆ (Metazoa)
વીભાગ (Division) યુમેટાઝુઆ (Eumetazoa)
સમુદાય (Phylum) મેરુદંડી (Chordata)
ઉપસમુદાય (Sub Phylum) પૃષ્ઠવંશી (Vertelbrate)
અનુસમુદાય (Infra Phytum) હનુધારી (Gnathostomata)
પ્રવર્ગ (Super Class) ચતુષ્પાદ (Tetrapoda)
વર્ગ (Class) સરીસૃપ (Reptiles)
ઉપવર્ગ (Sub Class) ડાયપ્સીડા (Diapsida)
શ્રેણી (Order) સ્કવામાટા (Squamata)
ઉપશ્રેણી (Sub Order) ઓફીડીયા (Ophidia)
અનુશ્રેણી (Infra Order) એલેથીનોફીડીયા (Alethinophidia)
ગોત્ર (Cohort) બોઈડીયા (Boidea)
કુળ (Family) પાયથોનીડાય (Pythonidae)
ઉપકુળ(Sub Family) પાયથોની (Pythoniae)
પ્રજાતી – વંશ (Genus) પાયથોન (Python)
જાતી (Species) મોલુરસ (Molurus)
શાસ્ત્રીયનામ (Scientific Name) પાયથોન મોલુરસ (Python Molurus)
સામાન્ય નામ (Common Name)

અજગર (Indian Python)

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

2 Comments

  1. માન. શ્રી અજય દેસાઈનો સાપનો ઉદ્ભ અંગે અભ્યાસપુર્ણ લેખ દ્વારા ઘણુ નવુ જાણવા મળ્યુ.

    Liked by 1 person

  2. શ્રી અજયભાઇ,
    આટલી સીઘી સાદી ભાષામાં બાયોલોજી મેં શીખ્યું નથી. ઇન્ટરસાયન્સના કોલેજના વરસમાં બાયોલોજી વિષય લીઘો હતો. અળસીયા કાપ્યા હતાં. દેડકા પણ, અળસીયાને અર્ઘવિકસિત કરોડસ્થંભવાળા વર્ગમાં મુકી શકાય? સરીસૃપ છે. કરોડરજ્જુ , મને લાગે છે કે, નથી હોતું.
    શ્રી અજયભાઇના વિજ્ઞાન બાયોલોજી…. ઝુઓલોજી….ના ક્લાસમાં ખૂબ માહિતિઓ મળે છે. નવું નવું જાણવા મળે છે જે કોલેજકાળમાં ન્હોતું સમજ્યા.
    હાર્દિક અભિનંદન, શ્રી અજયભાઇને. અને ગોવિંદભાઇને… આ જ્ઞાન વાચકો સુઘી લાવી આપવા માટે.
    શાળાના… મઘ્યમવર્ગના (ઇન્ટરમીડીએટ) શાળાના બાળકો માટે સુંદર નોલેજ. કદાચ આજકાલના માન્ય પુસ્તકમાં આવું સરસ નોલેજ નહિ મળે. ડોક્ટર બનવા માટે બાયોલોજી… ઝુઓલોજીના વિષયનો અભ્યાસ જરુરી હોય છે. તેમને માટે પણ આ નોલેજ અગત્યનું બની રહેશે.
    વઘુ ને વઘુ નોલેજ મળતું રહે તેવી ઇચ્છા.
    હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment