ચાલુ ક્લાસે ઉભા થઈને બુમ પાડવાનું, ભાગી જવાનું, મોટેથી વાતો કરવાનું, નાનીનાની વાતોમાં ગુસ્સે થઈ જવાનું, બીજાનો નાસ્તો ખાઈ જવાનું, ભણવામાં જરા પણ ધ્યાન ચોટતું ન હોય તેવા બાળકને સુધારવા શું કરવું? શું આવા વીચીત્ર વર્તનનો ઈલાજ શીક્ષા છે? મનોચીકીત્સકની સારવાર દ્વારા આવા બાળકોની એકાગ્રતા, જવાબદારીપણું અને શૈક્ષણીક સજ્જતા કેળવી શકાય?
23
તોફાની, જીદ્દી બાળકો શૈક્ષણીક સજ્જતા કેળવી શકે?
–ડૉ. મુકુલ ચોકસી
માસ્તર મણીરામજીને પહેલી વાર પોતાને માટે ગૌરવની લાગણી થઈ આવી. તેઓનો આનન્દ હૈયામાં સમાતો નહોતો. આજે આટલા વર્ષોમાં પહેલી વાર આચાર્ય કૃપાશંકરે તેમની કદર કરી હતી. હરહમ્મેશ એવું જ બનતું આવ્યું હતું કે મણીરામજીને જ્યારે આચાર્યશ્રી તેમની કૅબીનમાં બોલાવતા ત્યારે અચુક મણીરામજીને ઠપકો જ સાંભળવા મળતો. તેમની સામે કોઈને કોઈ ફરીયાદ જ લઈને આવ્યું હોય. દલીલબાજીઓ થાય, આક્ષેપો થાય, છેલ્લે પ્રીન્સીપાલશ્રી વાત પર પુર્ણવીરામ મુકતા કહે, ‘મણીરામજી! હવે પછી આવું ન થવું જોઈએ! આ વખતે ભલે તમે તુષારને માર્યો, હવે પછી મને આ પ્રકારની ફરીયાદ ન મળવી જોઈએ.’ અને નતમસ્તકે મણીરામજી આચાર્યની કૅબીન છોડીને બહાર નીકળી જાય.
પણ તેઓ એકલા પડે ત્યારે ફરી તેમને એ જ પ્રસંગના વીચારો આવે. તેમને થાય કે મને કોઈ સમજવાના પ્રયત્નો કેમ નથી કરતું? તુષારને મેં ફુટપટ્ટી વડે એક વાર માર્યો તે તેના સારા માટે જ ને! જો આમ ન કરતે તો તે ફરી વાર ખુણામાં સંતાઈને સીગારેટ ફુંકતે. અને પેલા ચાર બદમાશ છોકરાઓને જો મેં આખો દીવસ અંગુઠા પકડાવીને ઉભા ન રાપ્યા હોત તો તેઓ ચોક્કસ ફરી વાર ચોરી કરતે. એટલું જ નહીં, કદાચ વધારે ચોરી કરતે. આ બધું જાણવા, સમજવા છતાંય પેલા રખડેલ તુષારના બેજવાબદાર વડીલો આચાર્ય સમક્ષ ફરીયાદ કરવા દોડી જાય ત્યારે આચાર્યશ્રી મને સાંભળવાને બદલે તેઓની માફી શું કામ માંગતા હશે? મને સૌની હાજરીમાં કડવા વેણ શું કામ કહેતા હશે?
અને માસ્તર મણીરામની આ મુંઝવણ સાવ અસ્થાને પણ નહોતી. તેઓ એક ઉત્તમ, સાચા, ઉદાત્ત શીક્ષક હતા. તેઓને વીદ્યાર્થીઓની, તેમના ભવીષ્યની, મુલ્યોની, આદર્શોની, શીક્ષણની સૌની ચીંતા હતી. અને એટલા માટે જ તેઓ સૌથી વધુ કડક, આકરા, ઉગ્ર તથા ક્રોધી શીક્ષક તરીકે કુખ્યાત હતા.
પરન્તુ આજનો દીવસ તેમના માટે એટલે આનન્દભર્યો બની ગયો હતો કે આજે બપોરે આચાર્યશ્રીએ તેમને કૅબીનમાં બોલાવ્યા બાદ દર વખતની જેમ ઠપકાર્યા નહોતા. ઉલટું જેવા તેઓ કૃપાશંકરની ચેમ્બરમાં દાખલ થયા કે તરત તેઓને આવકારવામાં આવ્યા. “આવો મણીરામજી! બેસો. ચાહ–કૉફી લેશો? તમારું જરા અગત્યનું કામ પડ્યું છે.” આચાર્યની વાતમાં ગાંભીર્ય હતું. મણીરામજીએ અચકાતા અચકાતા, પ્રીન્સીપાલને ખરેખર શું કામ હશે તેનું અનુમાન કરતા કરતા જવાબ આપ્યો, ‘બોલો સાહેબ! મારે લાયક કામ હોય તો અચુક જણાવો. મને આનન્દ થશે.’
અને પ્રીન્સીપાલ મુળ વાત પર આવ્યા. “જુઓ મણીરામજી! તમે ધોરણ ત્રીજાના ‘એ’ વર્ગના વર્ગશીક્ષક છો. તમને ખબર હશે જ કે તમારી બાજુવાળા ત્રીજા ધોરણના વર્ગ ‘બી’ના ક્લાસટીચર બીનાબહેન હજુ હમણાં જ આવ્યા છે. તમને એ પણ ખબર હશે કે બીનાબહેનને શૈક્ષણીક અનુભવ ઓછો હોવાથી તેમને કયા પ્રકારની તકલીફો પડી રહી છે અથવા પડી શકે.” પ્રીન્સીપાલ જરા અટક્યા.
‘હા પણ તેનું શું છે?’ મણીરામજીના સ્વરમાં અધીરાઈ હતી.
‘વાત જાણે એમ છે મણીરામજી,’ પ્રીન્સીપાલશ્રીએ વાતનો દોર આગળ ચલાવતા કહ્યું. ‘એ બીનાબહેનના વર્ગમાં એક અત્યન્ત તોફાની, જીદ્દી છોકરો છે : રોલ નં. 42, નામ– રણજીત બાબુરાવ સોની. આ છોકરાને કારણે ઘણી વાર ધોરણ ત્રણ ‘બી’માં લડાઈ–ઝગડાઓ થાય છે. તે ઘણી વાર ક્લાસમાંથી નાસી જાય છે. તે સૌને તંગ કરે છે અને કોઈને ગાંઠતો નથી.’
“પણ એમાં મને શું કામ બોલાવ્યો, સાહેબ? હું કંઈ એને માટે જવાબદાર નથી!” મણીરામજીએ અસમંજસમાં કહ્યું.
તરત જ આચાર્યશ્રીએ ઉમેર્યું, “અરે, હું ક્યાં કહું છું કે આમાં તમે જવાબદાર છો! ઉલટું હું તો તમને વીનન્તી કરું છું કે આ છોકરાનો તમે જ કોઈ ઉપાય બતાવો. બીનાબહેન તો ત્રાસી જ ગયા છે. એ છોકરો અમને કોઈને પણ ગાંઠતો નથી. તમે એને તમારા ક્લાસમાં ન લઈ શકો, મણીરામજી? આ સીવાય મારે કોઈ છુટકો જ નથી. તેના વાલીઓ એવા મોટા છે કે આપણે તેમના આ ધમાલીયા બાબા રણજીતને આપણી સ્કુલમાંથી પાણીચું આપીએ એય શક્ય નથી.”
“પણ હું તો એની સાથે મારી રીતરસમ પ્રમાણે જ વર્તીશ.” મણીરામજી બોલી ઉઠ્યા, પછી ઉમેર્યું; “મેં ઘણા નઠોર અને ભટકેલ છોકરાઓને સીધાદોર કર્યા છે. સોટી વાગે તો જ વીદ્યા આવે છે. પછી એ સમયે તમે પોતે જ મારી પાસે દર વખતની જેમ, બાબાના વડીલોની ફરીયાદ લઈને આવશો તો?” તરત જ આચાર્યશ્રીએ તેમને રોકીને કહ્યું, “એવું ન થાય. હું તમને ખાતરી આપું છું. તમને તમારી રીતે વર્તવાની બધી જ છુટ આપવામાં આવે છે. ઉલટું રણજીતના વડીલો તો તેના વર્તનથી એટલા ત્રાસી ગયા છે કે તમને કોઈ પણ પ્રકારનો સહકાર આપવા હમ્મેશ તત્પર રહેશે.”
બીજે જ દીવસે, ત્રીજા ધોરણના ‘બી’ વર્ગમાં ભણતા રણજીતને ત્યાંથી ઉઠાડી વર્ગ ત્રણ ‘એ’માં માસ્તર મણીરામજીની ચાંપતી નજર હેઠળ મુકવામાં આવ્યો. અને રણજીતના વડીલોએ, બીનાબહેને, આચાર્યશ્રીએ સૌએ હાશ અનુભવી. તેઓને ખાતરી હતી કે એક જ અઠવાડીયામાં રણજીત ચાલુ ક્લાસે ઉભા થઈને બુમ પાડવાનું, ભાગી જવાનું, મોટેથી વાતો કરવાનું, બીજાનો નાસ્તો ખાઈ જવાનું વગેરે બન્ધ કરી દેશે.
મણીરામજીએ પણ રણજીતને હેન્ડલ કરવાની માનસીક તૈયારીઓ કરી લીધી હતી. તેઓએ વીચારી રાખ્યું હતું કે જો માત્ર અંગુઠા પકડાવવાથી, ઉભા રાખવાથી, ફુટપટ્ટી મારવાથી, દોડાવવાથી કે ગોંધી રાખવાથીય જો રણજીત ન સુધરે તો તેમની પાસે એનાથી પણ વધારે જોરદાર તરકીબો છે. ભુખો રાખવો. શીર્ષાસન કરાવવું, હાથ બાંધી દેવા, મોં ખોલવા ન દેવું વગેરે વગેરે. તેમણે મનોમન નક્કી કર્યું હતું કે પન્દર જ દીવસમાં છોકરાને ઠેકાણે પાડી દઉં. મા–બાપ પૈસા ખરચે છે તે ભણાવવા માટે. નહીં કે તોફાન–મસ્તી કે ભાંગ–તોડ માટે. આચાર્યશ્રીને પણ બતાવી આપું કે આજ સુધી તમે ભલે મણીરામજીને ઠપકારતા રહ્યા. હવે તમને સમજાયું ને કે વીચકેલ અને વંઠેલાઓ માટે મણીરામજી જ શ્રેષ્ઠ શીક્ષક છે.
પરન્તુ રણજીતને તેમના ક્લાસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો તેના બે–ચાર દીવસમાં જ મણીરામજીને સમજાઈ ગયું કે, આ છોકરાને ઠેકાણે પાડવાનું કામ અઘરું થઈ પડવાનું છે. રણજીત બીજા બધા કરતા વધારે ઉંચો, સશક્ત અને મજબુત બાંધાનો છોકરો હતો. તેની લાક્ષણીકતા એ હતી કે તે ચોક્કસ કોઈ એક જગ્યા ઉપર ઠરીને બેસી શકતો નહોતો. તેનું મન સતત આમ તેમ ભટકતું રહેતું. મન જ શું કામ? તે પોતે પણ બેઠો હોય તો ઉભો થઈ જતો અને ઉભો રાખવામાં આવે ત્યારે બેસી જતો.
આ ઉપરાંત પણ તેનામાં ઘણી બધી વીચીત્રતાઓ તથા ખાસીયતો એવી હતી જે સામા માણસને હેરાન–પરેશાન કરી મુકે. રણજીત નાનીનાની વાતોમાં ગુસ્સે થઈ જતો, ચીડાઈ જતો અને રાડારાડ કરી મુકતો. તેને કોઈ વીચાર આવે કે તરત જ તે પ્રમાણે વર્તન કરતો. એક વાર તેણે બાજુમાં બેઠેલા લક્ષમણનું દફ્તર ઉંચકીને બારીમાંથી બહાર ફેંકી દીધું. તો બીજી વાર ડસ્ટર ઉંચકીને સીધું છેલ્લી બેન્ચ ઉપર બેઠેલા અમીતને મારી દીધું. જ્યાં સુધી તેને કોઈ રોકે નહીં ત્યાં સુધી જ તે આનન્દમાં રહેતો. તેને એકલા એકલા રીસેસમાં ક્લાસની બેન્ચીઝ ઉપરથી દોડવા જોઈએ. જો કોઈ તેને રોકવા જાય તો તેનું આવી બને; પરન્તુ સૌથી મહત્ત્વનું તો એ કે ભણવામાં તેનું ધ્યાન જરા પણ નહોતું ચોટતું. આખો ક્લાસ સાહેબની સાથે સાથે ચોપડીમાં જોઈને કવીતા વાંચતો હોય, ત્યારે રણજીત આમતેમ જોતો હોય. ઉભો થઈને કોઈ બીજાની બેન્ચ ઉપર ચાલ્યો જતો હોય અને ક્યારેક તો આખા ક્લાસને ચોંકાવી નાખે એ રીતે અધવચ્ચે જોરથી સીસોટી વગાડી બેસતો હોય.
અને એટલે જ પહેલા ધોરણમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં, તેને આમ જ વાલીઓની વીનન્તી અને સીફારીશથી ચડાવી દેવામાં આવ્યો હતો. રણજીત ચાર આખા વાક્યો પણ એકચીત્તે વાંચી શકતો નહોતો. તેનું ધ્યાન હમ્મેશ રમતગમતમાં, ઉછળકુદમાં, ભગદોડમાં તથા છટકવામાં, રડારોળ કરવામાં અને તોડફોડમાં જ રહેતું. તે વાંચતા વાંચતા અચાનક ગીતો ગાવા માંડે, પછી થોડી વારમાં રમવા જાય અને તરત તે પડતું મુકીને પથારી પર આળોટે. વળી, એવામાં શું સુઝે કે ખાવાનું માંગે અને તેય અડધું મુકીને પથ્થરો ફેંકવાનું શરુ કરે.
મણીરામજીએ પ્રાથમીક શાળાના શીક્ષક તરીકે પોતાની 25 વર્ષની કારકીર્દીમાં આવા ઘણાય છોકરા જોયા હતા; પરન્તુ રણજીત એ સૌને ટપી જાય તેવો હતો. ત્રીજે જ દીવસે તેણે ક્લાસમાં ટેબલ પરથી કુદકો માર્યો અને ચમ્પલનો છુટ્ટો ઘા કરીને ટ્યુબલાઈટ તોડી નાખી. મણીરામજીએ આ પહેલો પ્રસંગ હોવાથી ‘હળવી શીક્ષા’ના ભાગરુપે રણજીતને વાંકો વાળી સૌની સામે આખો પીરીયડ ઉભો રાખ્યો અને તેની પીઠ પર ત્રણ ભરેલા દફ્તરોનું વજન મુક્યું. અલબત્ત, પીરીયડની અધવચ્ચે જ મણીરામજીએ ખુણામાં જોયું તો ખબર પડી કે રણજીત દફ્તરો લઈને ભાગી ગયો હતો.
ત્યાર પછીનો આખો મહીનો મણીરામજી માટે તેમના શીક્ષકજીવનનો સૌથી કપરો અને વસમો હતો. તેમને સમજ નહોતી પડતી કે રણજીતને સુધારવા કયા પ્રકારની શીક્ષા કરવી! સતત બોલ બોલ કરતા, હાથ હલાવતા, ઉઠબેસ કરતા, કોઈ પ્રકારના નીયમો ન પાળતા, ભાગી જતા, સૌને ત્રસ્ત કરી મુકતા આ છોકરાને કઈ રીતે શાંત પાડવો, કઈ રીતે શીસ્તબદ્ધ બનાવવો અને કઈ રીતે ભણાવવો તેની તેમને ખબર નહોતી પડતી.
એટલું જ નહીં, તેમણે જેમ જેમ શીક્ષાઓ વધારે કડક બનાવી તેમ તેમ રણજીત વધારે બેકાબુ બનતો જતો જોવા મળ્યો. પહેલા તો તેને શાળામાં જ સાંજ સુધી બેસાડી રાખવું શક્ય હતું. હવે તો સતત ધાક, ધમકી, ચેતવણી, બીક અને મારને પગલે તેને સ્કુલમાં લાવવો જ અઘરું બની ગયું હતું. મણીરામજીને જીવનમાં પહેલી વાર વીચાર આવ્યો કે આ બાળકની ટકટક, હલચલ, નાસભાગ રોકવા માટે શીક્ષા સીવાય કંઈ બીજો ઉપાય અજમાવવો જોઈએ; પણ કશું નક્કર ન સુઝતાં તેઓ પણ રણજીતનાં માતા–પીતા, આચાર્ય અને બીનાબહેનની જેમ લાચારી અનુભવવા માંડ્યા.
એવામાં એક પ્રસંગ બન્યો અને આખી વાતને એક નવો જ, અણધાર્યો વળાંક મળ્યો. શનીવારે શાળામાં ડૉક્ટરો દ્વારા હેલ્થ ચેકીંગ રાખવામાં આવ્યું હતું. મણીરામજીના ક્લાસમાં બે ડૉક્ટરો વીદ્યાર્થીઓની શારીરીક તપાસ માટે આવ્યા હતા. તેઓ કામના બોજને કારણે ઝડપથી એક પછી એક વીદ્યાર્થોને બોલવાતા હતા. અને ત્વરાથી તપાસીને તેમની નોંધ બાળકની મેડીકલ રીપોર્ટ–બુકમાં ટપકાવતા જતા હતા. મણીરામજી ક્લાસના એક ખુણામાં છોકરાઓને હારબન્ધ ઉભા રાખવામાં વ્યસ્ત હતા. એ વખતે અચાનક એક અવાજ આવ્યો. સૌએ તે તરફ જોયું તો ત્યાનું દૃશ્ય જોઈને દંગ રહી ગયા.
તોફાની બારકસ રણજીતે રમત રમતમાં ડૉક્ટરની ટોર્ચ જમીન પર જોરથી પછાડી હતી; જે તુટીને નકામી થઈ ગઈ હતી. આશ્ચર્ય તો એ વાતનું હતું કે ડૉક્ટર એ છોકરા સાથે સ્વસ્થતાથી, કાળજીપુર્વક વાત કરી રહ્યા હતા. મણીરામજી સમસમી ગયા. સમયના અભાવે તેમણે તાત્કાલીક રણજીતને કંઈ ન કહ્યું; પરન્તુ ‘કાલે વાત’ કહીને પતાવી. અને સાંજે સૌના ગયા પછી તેઓ ડૉક્ટરોના રીપોર્ટ ગોઠવતા હતા ત્યારે તેમની નજર રણજીતના હેલ્થકાર્ડ પર પડી. તેના રીપોર્ટમાં લખાયું હતું : ‘હાઈપર એક્ટીવીટી? એ.ડી.ડી.? એડવાઈઝ્ડ સાઈકીઆટ્રીક કન્સલ્ટેશન એન્ડ ઈવેલ્યુએશન.’
મુંઝાયેલા મણીરામે આચાર્યને તથા રણજીતના પીતાને આ રીપોર્ટથી વાકેફ કર્યા. તેમાં જણાવ્યા પ્રમાણે મનોચીકીત્સકની સલાહ લેવામાં આવી અને તે દ્વારા તેઓએ જે કંઈ જાણ્યું તેનો સાર કંઈક આવો હતો.
‘રણજીતને એક પ્રકારનો માનસીક રોગ હતો, જે ‘એટેન્શન ડેફીસીટ ડીસઑર્ડર વીથ હાઈપરએક્ટીવીટી’ (એ.ડી.ડી.) તરીકે ઓળખાતો હતો. રણજીતનો જન્મ વહેલો (પ્રીમેચ્યોરલી) થયો હતો, તેનું જન્મ વખતે વજન ખુબ ઓછું હતું અને જન્મ પછી તેને જે કમળો થયો હતો તે ઘણો લાંબો ચાલ્યો હતો. આ તેના રોગ માટેનું શક્ય કારણ હોઈ શકે. આ રોગમાં આવેશાત્મકતા (ઈમ્પલ્સીવીટી), એકાગ્રતાનો અભાવ (એટેન્શન ડેફીસીટ) તથા વધુ પડતા હલનચલન અને ચંચળતા (હાઈપરએક્ટીવીટી) જોવા મળે છે જેને કારણે તોફાન, ગુસ્સો, અકળામણ, અભ્યાસમાં બેકાળજી વગેરે જોવા મળે છે. શીક્ષા એ આ રોગનો ઈલાજ નથી. ડૉક્ટરી સારવાર, સમજપુર્વકનું વર્તન, બાળકને તેના વીચીત્ર વર્તન માટે મદદ કરવાની આપણી તૈયારી, મા–બાપને આપવામાં આવતી સમજણ વગેરેના સમન્વય દ્વારા જ આવા બાળકોને કેળવી શકાય છે.
‘એટેન્શન ડેફીસીટ ડીસઑર્ડર’
બાળકોને થતો આ રોગ ક્યારેક અંશત: સારો થાય છે, તો ક્યારેક સક્રીય પણ રહેતો હોય છે. કમનસીબે આ રોગના ભોગ બનેલા સારા એવા બાળકોની બુદ્ધીમત્તા નોર્મલ હોય છે, જે તેમના જીવનમાં એક કરુણ પેરેડોક્સ સર્જે છે. એક તરફ તેઓ શારીરીક રીતે વધુ પડતા સક્રીય, આક્રમક, ઉત્તેજીત અને ચંચળ હોય છે. જેને લીધે તેઓ કોઈ પ્રવૃત્તી સંયમપુર્વક લાંબા ગાળા સુધી કરી શકતા નથી. તો બીજી તરફ તેઓના વીકાસશીલ મનને ધીરજ, સાતત્ય તથા સંયમની જરુર હોય છે. પોતાની આવી મર્યાદાથી તેઓ સભાન બને છે. અને તેને કારણે પોતાના જીવનમાં આવતી ઉણપથી તેઓ નીરાશા, અકળામણ તથા બેચેની અનુભવે છે.
‘એટેન્શન ડેફીસીટ ડીસઑર્ડર’ સામાન્ય રીતે ‘હાઈપરએક્ટીવીટી’ સાથે હોય છે; પરન્તુ ક્યારેક આવા બાળકો હાઈપરએક્ટીવ નથી હોતા. તેમની સારવાર માટે વપરાતી ‘એમ્ફેટામીન’ નામની દવા ખુબ જોખમી પ્રકારનું એડીક્શન કરતી હોવાથી સહેલાઈથી ઉપલબ્ધ નથી હોતી.
આવા બાળકોને તેમના રોગ અંગે સમજ આપવી પડે છે. તેમના ઈમ્પલ્સને તેઓએ કઈ રીતે કાબુમાં રાખવા તેની ટ્રેનીંગ આપવી પડતી હોય છે. તેમના બેધ્યાનપણાને કારણે તેઓ અભ્યાસમાં પાછળ પડી જતા હોય છે. પરીચીત, એકધારું, વ્યવસ્થીત, સુરક્ષીત, સ્ટકચર્ડ અને ઑર્ગેનાઈઝ્ડ વાતાવરણ પુરું પાડવાથી આવા બાળકો એકાગ્રતા, જવાબદારીપણું અને શૈક્ષણીક સજ્જતા કેળવી શકતા હોય છે.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 23મો લેખ, પુસ્તકનાં પાન 158થી 163 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243, 3478596 ફેક્સ : (0261) 3460650 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ડૉ. મુકુલ ચોકસીએ સરળ ભાષામા હાઈપર એક્ટીવીટી? એ.ડી.ડી.? એડવાઈઝ્ડ સાઈકીઆટ્રીક કન્સલ્ટેશન એન્ડ ઈવેલ્યુએશન. એક પ્રકારનો માનસીક રોગ જે ‘એટેન્શન ડેફીસીટ ડીસઑર્ડર વીથ હાઈપરએક્ટીવીટી’ (એ.ડી.ડી.) તરીકે ઓળખાય અંગે સરસ સમજાવ્યું
અને સારવારમા પરીચીત, એકધારું, વ્યવસ્થીત, સુરક્ષીત, સ્ટકચર્ડ અને ઑર્ગેનાઈઝ્ડ વાતાવરણ પુરું પાડવાથી આવા બાળકો એકાગ્રતા, જવાબદારીપણું અને શૈક્ષણીક સજ્જતા કેળવી શકતા હોય છે.આવી કાળજી રાખવાથી ખૂબ આડ અસર વાળી દવાઓથી બચી શકાય છે ધન્યવાદ
LikeLiked by 2 people
અઅે.ડી.ડી…‘અેડવાઇઝ્ડ સાકીઆટરીક કન્સલટરેશન અેન્ડ ઇવોલ્યુશન‘ અે સારવાર સૂચિત છે.
અસલ રોગ તો ‘ અટેન્સન ડેફીસીટ ડીસઓર્ડર વીથ હાઇપર અેક્ટીવીટી ‘ છે.
રણજીતનો આ રોગ જન્મોના થોડા નિમ્ન કારણોને લીઘે થયો હતો.
રણજીત જ્યારે ત્રીજા ઘોરણમાં આવ્યો ત્યારે શાળામાં આવેલા ડોક્ટરે તુરંત પારખી લીઘો.
રણજીત ત્રીજા ઘોરણમાં આવ્યો ત્યારે આઠ વરસનો હોવો જોઇઅે. રણજીત શાળામાં અેડમીશન મેળવે ત્યારે કહો કે પાંચ વરસનો હશે.
તેના જીવનના પ્રથમ પાંચ વરસો તે પોતાને ઘરે રહીને મા, બાપની કાળજી હેઠળ રહ્યો હશે. તેની અે.ડી.ડી. ની માનસિક બિમારી તે વરસો દરમ્યાન ઘરે પણ ચાલતી જ હશે.
રણજીતના મા , બાપ પૈસાદાર હતાં. દિકરાની બીહેવીયરથી કંટાળીને કોઇ ડોક્ટરના બતાવ્યુ હશે જ. ડોક્ટરો પોતાની બઘી જ ફરજો ચૂકી ગયા હોવા જોઇઅે. નહિ તો જે નિદાન શાળામાં આવેલા ડોક્ટરે કર્યું તે જ નિદાન સણજીતના પહેલાં પાંચ વરસોમાં ડોક્ટરોઅે કરેલું હોવું જોઇઅે અને રણજીતની સારવાર થઇ શકી હોત. બીજું ‘ છોકરો છે…ઘમાલ તો કરે જ ને ?‘ કહીને તેના મા, બાપે નીગ્લેક્ટ કરીને પોતાની ફરજો સામે આંખમીચામણા કરેલાં હોવા જોઇઅે
પહેલા કસુરવાર રણજીતના મા, બાપ બને છે. પાંચ, પાંચ વરસો સુઘી તેમણે ચલાવી લીઘુ અને કંટાળીને શાળામાં દાખલ કરી દીઘો. શાળાના ટીચરોઅે, હેડ માસ્ટરે પણ મોટા ઘરનો છોકરો છે તેમ સમજીને આંખમીચામણા કર્યા.
ટૂંકમાં જન્મથી શાળામાં જાય કે ત્યાંથી મોટા ક્લાસોમાં જાય કે કોલેજમાં જાય…પહેલી સૌથી મોટી જવાબદારી મા, બાપની બને છે…છોકરાની બીહેવીયર નોરમલ રાખવાની.
રણજીતને તો અે.ડી.ડીનિ સારવાર આપવી જ રહી, પરંતું સાથે સાથે તેના મા, બાપને પણ મનોચિકીટસકની સારવાર આપવી જોઇઅે, તેમની જવાબદારી શીખવવા માટે.
આવા જેટલાં પણ કેસીસ થાય તે તે બાળકોના મા, બાપે જાગૃત થવું રહ્યું. છોકરાની સારવારનું પ્રથમ પગથીયું ‘ મા, બાપની માનસિક સારવાર કે અેજ્યુકેશન થી થવી જોઇઅે.
વેસ્ટર્ન દેશોમાં મા પ્રેગનન્ટ થાય કે હોસ્પીટલોમાં મા, બાપની ફરજોની ટરેનીંગ શરુ કરે છે. બાળકને આ દુનિયામાં લાવવાની તૈયારી પહેલાં મા, બાપને તેમની ફરજોનું ભાન થવું જ જોઇઅે. અને તે નોલેજ વેસ્ટર્ન દુનિયામાં હોસ્પીટલના ડોક્ટરો ાાપે છે. સરકાર, રાજ્યો….અે આ નિયમો બનાવેલા છે. દિકરીઓની શાળામાં વેસ્ટર્ન દુનિયામાં, અેક સ્ત્રીના પ્રજનનના વિષયનું જ્ઞાન પણ આપવામાં આવે છે. કુમારિકા બને તે દિકરીઓને ભારતમાં શાળામાં આવું જ્ઞાન આપવાનું શરું કરીને માનસિક રીતે તૈયાર કરવી જોઇઅે.
ભારત ક્યારે જાગશે કે…મણિશંકરોની જરુરત નહિ પડે. ?
દરેક વાચકો , સિનિયરો, યુવાનો કે શાળામાં જતાં બાળકોને સરકાર તરફથી આ નોલેજ મળે તેવું વલણ ઊભુ કરવા વિનંતિ છે.
સમાજની અને મા, બાપ બનતા યુવાનોની માનસિક જાગૃતિ માટે દરેક નાગરીકની ફરજ બને છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
ખરેખર તમે આ લેખને ન્યાય આપ્યો અને અમે ભારતવાસી અહીં કેટલા નિરક્ષર છીએ તે તરફ આંગળી ચીંધી. અહીં અમને થાળી અને તાળી વગાડવાનું શીખવવામાં આવે છે. અને મંદિરોમાં સાધુને કેમ પગે લાગવાનું તે શીખવવામાં આવે છે. આભાર..
…
LikeLiked by 1 person
ગોવિંદભાઇ,
આટલો સારો લેખ મુકવા બદલ ધન્યવાદ.મને યાદ છે કે આજથી 60/70 વર્ષ પહેલા એવી માન્યતા હતી કે સોટી વાગે સ્મસ્મ વિદ્યા આવે રમરમ. કેટલી ક્રૂર અને જન્ગલી માન્યતા અને અમલમાં રહેલી કુપૃથાં??? વિદ્યાર્થીને માર મારીને સુધારવો કે અભ્યાસમાં જોતરવો તેનો આ એક આંખ ઉઘડનારો કિસ્સો છે.નિશાળમાં ભણતા દરેક વિધાર્થીને એક જ લાકડીએ હાંકવામાં આવતા અને માર મારીને જ ભણાવી શકાય તેવી માન્યતા હતી.સદરહુ કિસ્સામાં બતાવેલ માનસિક રોગ સમયસર ધ્યાનમાં આવતા તેનો મનોચિકિત્સક દ્વારા ઉપાય થઈ શકે તેવું પ્રતિપાદિત થાય છે.જુના સમયમાં માં-બાપને આવી માનસિક બીમારી હોય છે તેવી સમજ ના હતી પછી સારવારની તો વાત જ ક્યાં રહી??? અત્યારના સમયમાં સ્કૂલમાં મારવાની મનાઈ છે અને જો કોઈ શિક્ષક મારે તો તેની ઉપર પોલીસ ફરિયાદ થયાના દાખલા પણ વાંચવામાં આવ્યા છે.
આ એક બહુ મોટા વર્ગ ને અસરકર્તા કિસ્સો હોઈ લાખો મા-બાપના ધ્યાને આવે અને આ જાતના માનસિક રોગથી પીડાતા બાળકોની સમયસર સારવાર થઈ શકે તે હેતુથી જો આને ગુજરાતના બે-ત્રણ સમાચાર પત્રોમાં મુકવામાં આવે તો મને લાગે છે કે ઘણા જાગૃત મા-બાપ આનો લાભ લઈ પોતાના બાળકોનો સમયસર ઉપચાર કરાવી શકે; કારણકે આપનો આ બ્લોગ બહુ મર્યાદિત સંખ્યામા વંચાતો હશે તેમ મારું માનવું છે.
ધન્યવાદ
રવિન્દ્ર ભોજક
LikeLiked by 1 person
Yes this article will help many parents to take timely steps for their overactive children and make useful future. Thanks.. Govindbhai for this learned article once again.
LikeLiked by 2 people