બ્રહ્માંડના વણઉકલ્યાં રહસ્યો

બ્રહ્માંડ અતી વીશાળ અને વીવીધ છે, જે હજી જાણી નથી શકાયું તે ઘણું અજબ–ગજબ હોઈ શકે છે. બ્રહ્માંડ વીશે ઘણી અટપટી માન્યતાઓ, શક્યતાઓ અને રહસ્યો છે તે વીશે જાણીએ.

પ્રકરણ : 09

બ્રહ્માંડના વણઉકલ્યાં રહસ્યો

– મુરજી ગડા

આપણે ગેલેક્સી વીશે ટુંકમાં જાણ્યું. આપણી આકાશગંગાની ત્રીજ્યા 50,000 પ્રકાશવર્ષ જેટલી છે. વર્તુળાકાર તારાવૃંદો (Globular Clusters) તો એનાથી પણ વધુ દુર છે; છતાં આ બધા તારા આકાશગંગાના કેન્દ્રની ફરતે ફરે છે. કારણ કે, બધા તારા એકબીજા સાથે ગુરુત્વબળથી સંકળાયેલા છે. આકાશગંગા પોતે સુધ્ધાં ‘લોકલ ગૃપ’ તરીકે ઓળખાતી 20 જેટલી ગેલેક્સીઓના ઝુંડ સાથે ચકરાવા લે છે, આનો અંત નથી. બ્રહ્માંડમાં કશું જ સ્થીર નથી. આકાશમાં આપણે શક્તીશાળી દુરબીનથી ગમે તે દીશામાં જોઈએ તોયે અગણીત ગેલેક્સીઓ પથરાયેલી દેખાય છે. આ બધી ગેલેક્સી આપણાથી અને એકબીજાથી દુર ભાગી રહી છે. એટલે કે, બ્રહ્માંડ સતત વીસ્તરી રહ્યું છે. બ્રહ્માંડના બીજા કોઈ સ્થળેથી જોવામાં આવે તોયે આવું જ દૃશ્ય દેખાશે એવું માનવામાં આવે છે. આ સમજાવવા માટે ફુગ્ગાનું ઉદાહરણ આપી શકાય. ટપકાવાળો ફુગ્ગો ફુલાવતાં એના ઉપરનાં ટપકાં એકબીજાથી દુર જતાં રહે છે. ફરક એટલો છે કે ટપકાં માત્ર ફુગ્ગાની સપાટી પર હોય છે. એકની અન્દર બીજો એવા અલગ અલગ કદના ઘણા બધા ફુગ્ગા હોય અને તે બધા એકસાથે ફુલાવવામાં આવે તો દરેકે દરેક ફુગ્ગાનાં બધા ટપકાં એકબીજાથી વધુ દુર જતા દેખાશે. એવું જ ગેલેક્સીઓનું થઈ રહ્યું છે.

બ્રહ્માંડની શરુઆત આશરે 13.7 અબજ વર્ષ પહેલાં થયાનું હવે વીજ્ઞાનજગતે સ્વીકારી લીધું છે. એની પાછળનું કારણ એક અતી ઘન રચનાનો વીસ્ફોટ છે. જેને મહા વીસ્ફોટ (BIG BANG)નું નામ આપ્યું છે. ત્યારથી બ્રહ્માંડ સતત વીસ્તરતું રહ્યું છે. એના વીસ્તારનો ખ્યાલ કોઈને નથી. જેમ જેમ વધુ શક્તીશાળી દુરબીન શોધાય છે તેમ વધુ દુરની ગેલેક્સીઓ જોવા મળે છે. બધા દ્રવ્ય, ઉર્જા, સમય અને અવકાશનું સર્જન પણ આ મહાવીસ્ફોટ સાથે થયું હોવાનું મનાય છે.

બ્રહ્માંડનો જીવનકાળ અને એમાં બનેલી ઘટનાઓને સરળતાથી સમજાવવા એક વૈજ્ઞાનીકે બ્રહ્માંડના 13.7 અબજ વરસને આપણા એક વરસ સાથે સરખાવ્યાં છે. એ ધોરણે BIG BANG, એ 1લી જાન્યુઆરીની પહેલી સેકંડની શરુઆત છે અને આપણી આજ તે 31 ડીસેમ્બરની છેલ્લી સેકંડનો અંત છે. આ હીસાબે બ્રહ્માંડની એક સેકંડ આપણા 430 વરસ, એક મીનીટ આપણાં 25,000 વરસ અને બ્રહ્માંડનો એક કલાક આપણાં 15 લાખ વરસ જેટલો થાય છે.

બ્રહ્માંડના આ કેલેન્ડર પ્રમાણે આપણા સુર્યમંડળની રચના ઠેઠ સપ્ટેમ્બર મહીનામાં થઈ છે. (એટલે જ સુર્ય બીજી કે ત્રીજી પેઢીનો તારો હોવાનું મનાય છે.) પૃથ્વી પર એક કોષીય જીવ ઓક્ટોબરમાં પ્રગટ્યો છે. બહુચર્ચીત મહાકાય ડાયનાસોર 25 ડીસેમ્બરે દેખાયાં અને 29 ડીસેમ્બરની સાંજે એમનો અંત આવ્યો. 30મી ડીસેમ્બરે મોટા સસ્તન જીવો દેખાયા અને આશરે મધરાતે આપણા દુરના પુર્વજ પ્રાઈમેટ્સ દેખાયા. હવે આપણે વરસના છેલ્લા દીવસમાં આવી ગયા છીએ. રાત્રે 9 વાગે આપણા પુર્વજો અને એપ (Ape) છુટા પડ્યા, રાત્રે 11 વાગે બે પગે ચાલતા થયા, 11 કલાક અને 54 મીનીટે આધુનીક માણસ અસ્તીત્વમાં આવ્યો, 11:59 મીનીટે માણસ સ્થાઈ થઈ ખેતી કરવા લાગ્યો. મહાવીર અને બુદ્ધ 11:59:54 સેકંડે થઈ ગયા છે. આધુનીક માણસની બધી પ્રગતી, બધી સંસ્કૃતીઓ વરસના છેલ્લા દીવસના, છેલ્લા કલાકની છેલ્લી મીનીટની છેલ્લી દસથી બાર સેકંડમાં થઈ છે. આ ઉદાહરણથી અબજના આંકડાની વીશાળતા, બ્રહ્માંડમાં આપણા આગમનની તાજેતરતા તેમ જ આગળ વર્ણવ્યું છે એના પરથી બ્રહ્માંડના વીસ્તારનો ખ્યાલ આવી શકે છે; છતાં બ્રહ્માંડની વાત આટલેથી અટકતી નથી. એના વીશે ઘણી અટપટી માન્યતાઓ, શક્યતાઓ અને રહસ્યો છે, એમાંથી થોડા ટુંકમાં તપાસીએ.

જાણીતું બ્રહ્માંડ અતી વીશાળ અને વીવીધ છે, જે હજી જાણી નથી શકાયું તે ઘણું અજબ–ગજબ હોઈ શકે છે. આપણી આકાશગંગા અબજો ગેલેક્સીમાંની એક છે. એ બ્રહ્માંડના મધ્યમાં કે અન્ય કોઈ મહત્ત્વના સ્થાને નથી. આકાશગંગામાં સુર્યનું સ્થાન પણ કોઈ મહત્ત્વની જગ્યાએ નથી. આકાશગંગાના કેન્દ્રથી ત્રીસ હજાર પ્રકાશવર્ષ દુર એ આવેલો છે. પૃથ્વી એ સુર્યમંડળનો પહેલો કે છેલ્લો ગ્રહ નથી. સૌથી મોટો કે સૌથી નાનો પણ નથી. પૃથ્વીની એકમાત્ર વીશીષ્ટતા એના પર થવા પામેલ જીવસૃષ્ટીની છે. આ વીશીષ્ટતા આપણા માટે અતી અગત્યની છે; પણ સુર્ય કે બીજા કોઈને એનાથી કંઈ ફરક પડતો નથી. સુર્ય, તારા, ગ્રહો વગેરેનું જીવનચક્ર એમના પોતાના નીયમો પ્રમાણે ચાલે છે. આપણું અસ્તીત્વ પૃથ્વી અને સુર્યના લીધે છે. તે આપણા માટે સર્જાયા નથી.

1990માં વૈજ્ઞાનીકોએ ‘હબલ’ ટેલીસ્કોપને પૃથ્વી ફરતે આકાશમાં મુક્યા પછી ખગોળશાસ્ત્રીઓ 13.5 અબજ પ્રકાશવર્ષ દુરની રચનાઓ જોઈ શક્યા છે. ત્યારે હજી ગેલેક્સીઓ પણ રચાઈ નહોતી. ત્યારે તે અણુઓનું વીશાળ વાદળ માત્ર હતું. એટલા માટે એને એક રચના કહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, દુરનું જોવું એટલે ભુતકાળને જોયા જેવું ગણાય. બ્રહ્માંડની વય 13.7 અબજ વરસની આંકવામાં આવી છે. એટલે ગમે તેટલાં શક્તીશાળી દુરબીનો શોધાય તો પણ 13.7 અબજ પ્રકાશવર્ષથી દુર કંઈ હોય તો પણ એને જોવું આપણા માટે અશક્ય છે; કારણ કે એનો પ્રકાશ હજી આપણા સુધી પહોંચ્યો નથી.

અવકાશ (Space) પણ સતત વીસ્તરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. આ વીસ્તરણ ગેલેક્સીઓની દુર જવાની ગતીથી સ્વતન્ત્ર છે. આનો મતલબ એ થયો કે બ્રહ્માંડનો વીસ્તાર 13.7 અબજ પ્રકાશવર્ષની ત્રીજ્યા કરતાં પણ વધુ હોવાની સમ્ભાવના છે. ત્રીજ્યા એટલે ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી સુધીનું અંતર. બ્રહ્માંડમાં ગેલેક્સીઓ એકબીજાથી દુર ને દુર ભાગી રહી છે. એનો અર્થ એ છે કે બ્રહ્માંડની ‘ત્રીજ્યા’ લમ્બાતી જાય છે અને ગોળો ફુલે છે. કમનસીબે, માનવસમાજ ક્યારેય પણ એટલે દુર સુધી જોઈ શકવાનો નથી. આપણને સમય – અંતરની મર્યાદા નડે છે. ટુંકમા, બ્રહ્માંડનો સાચો વીસ્તાર કેટલો હોઈ શકે તેમ જ તેનું કેન્દ્ર ક્યાં હોઈ શકે એ જાણવું માનવસમાજ માટે અત્યારે તો શક્ય લાગતું નથી.

બ્રહ્માંડનો તાગ મેળવવામાં સમય – અંતરની મર્યાદા ઉપરાંત બીજી પણ એક મર્યાદા નડતી હોવાની શક્યતા છે. એ મર્યાદા છે, બ્રહ્માંડના વળાંક (Curvature)ની. કેટલાક ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે આપણું બ્રહ્માંડ ચોથા પરીમાણમાં વળેલું હોઈ શકે છે. ચોથા પરીમાણની અટપટી વાત દૃષ્ટાંત આપીને આગલા પ્રકરણમાં વીસ્તારથી સમજાવી છે.

આ ઉપરાંત, દૃષ્ટીની તેમ જ જ્ઞાનેન્દ્રીયોની બીજી ઘણી મર્યાદાઓ આપણા જ્ઞાનની પણ મર્યાદાઓ બની જાય છે. વૈજ્ઞાનીક શોધખોળોએ આ મર્યાદાને ઓળંગી છે. બ્રહ્માંડને જોવા – સમજવાનો મહત્તમ યશ ટેલીસ્કોપ, સ્પેક્ટ્રોસ્કોપ જેવાં સાધનોને ફાળે જાય છે.

બ્રહ્માંડ વીશે વણઉકલ્યો બીજો એક મુદ્દો તપાસીએ. તારાઓ, ગેલેક્સીઓ અને બીજી ઘણી રચનાઓને ખગોળશાસ્ત્રીઓ પ્રત્યક્ષ રીતે જોઈ કે જાણી શક્યા છે. આમ છતાં, આપણી દૃષ્ટીમર્યાદામાં છે એટલા બ્રહ્માંડમાં આનાથી ઘણું વીશેષ છે. ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે બ્રહ્માંડ જેટલું હોવું જોઈએ એના 95 ટકા ભાગને તેઓ હજી ઓળખી શક્યા નથી. આ વણઓળખાયેલા ભાગમાંથી 23 ટકા ‘ડાર્ક મેટર’ અને 72 ટકા ‘ડાર્ક એનર્જી’ હોવાનું મનાય છે. આ બન્નેનું અસ્તીત્વ પરોક્ષ રીતે જાણી શકાયું છે; પણ તે હજી સાબીત કરી શકાયું નથી.

સવાલ એ છે કે બ્રહ્માંડ ખરેખર કેટલું અને કેવું હોઈ શકે એનો ખ્યાલ આ રજકણ જેવડી પૃથ્વી પર બેઠાં બેઠાં ખગોળશાસ્ત્રીઓને કેવી રીતે આવી શકે? એક દાખલો લઈએ : અન્ધ વ્યક્તી કંઈ જોઈ શકતી નથી; છતાં એને પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એનો સારો એવો ખ્યાલ હોય છે. ઘરમાં કોઈ અપરીચીત વ્યક્તીનો અવાજ સમ્ભળાય એટલે કોઈ મહેમાન આવ્યાનું અનુમાન લગાવે છે. અવાજ ઉપરાંત ગંધ અને સ્પર્શથી પણ તે ઘણું જાણી લે છે. આ જ રીતે વૈજ્ઞાનીકોએ પણ ક્યારેક કરવું પડે છે.

ભૌતીકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણીતના નીયમો સમસ્ત બ્રહ્માંડમાં એકસરખા છે. એ આપણને જેટલા લાગુ પડે છે, એટલા જ તારાઓ અને ગેલેક્સીઓને પણ લાગુ પડે છે. વૈજ્ઞાનીકોના નીરીક્ષણના જ્યારે ધાર્યા કરતાં વીપરીત પરીણામ દેખાય છે ત્યારે એનું કારણ જાણવા માટે જુદી વ્યક્તીઓ દ્વારા, જુદા સમયે, જુદી જગ્યાએ, જુદા ઉપકરણથી ફરી ફરી એ જ નીરીક્ષણ કરવામાં આવે છે. દર વખતે જો એકસરખું પરીણામ આવે; છતાં ધારણા કરતાં જુદું જ હોય ત્યારે ધારણાને અવગણીને નીરીક્ષણને સ્વીકારાય છે. આ રીતે અન્ય ઘણી બાબતોની જેમ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનું અસ્તીત્વ સ્વીકારાયું છે, જેમાં બ્રહ્માંડના વીસ્તરણની ઝડપ, ગુરુત્વાકર્ષણના નીયમોનો અપવાદ, તારાઓની ગતી વગેરેએ ભાગ ભજવ્યો છે.

બ્રહ્માંડના સન્દર્ભમાં આપણા મામુલીપણાથી જરા પણ ખોટું લગાડવા જેવું નથી. ઉલટાનું કુદરત સામે નમ્ર થવા માટેનું આ ઉત્તમ કારણ છે. નમ્રતા તો બધા ધર્મોની શીખ છે. કમનસીબે, કુદરત સામે નમવાનું કે આદર્શો આગળ નમવાનું કોઈએ નથી કહ્યું. બલકે, કોઈ ખાસ વ્યક્તી આગળ નમવાનું દરેક સમ્પ્રદાય કહે છે.

સ્વર્ગ, નરક જેવી પરલોકની દુનીયા વીશે બધા વાતો કરે છે; પણ આટઆટલા દુરબીનો બધી દીશાઓમાં જોતા હોવા છતાંય કોઈએ તે જોયા નથી. તે હોય અથવા ન પણ હોય. જે નજર સામે દેખાય છે તે સત્ય છે, ભ્રમ કે માયા નથી. આટલી વાસ્તવીકતા તો બધાએ સ્વીકારવી જ રહી.

આ બધી ચર્ચા આપણે કરી તે જાણીતા બ્રહ્માંડની હતી. તારાઓની જેમ બ્રહ્માંડનો અંત પણ આવી શકે ખરો? વગેરે બાબતો વીશે જાણવું હોય તો એના ઉપર ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે. તે ઉપરાંત બ્રહ્માંડ વીશે વધુ જાણવાની ઈચ્છા હોય એના માટે નીચે જણાવેલ એક કલાકના એવા 13 એપીસોડ/વીડીયોની લીંક અત્રે આપી છે. જે અંગ્રેજી સમજતા હોય એમના માટે આ 13 કલાકનું જોણું અતી રોમાંચક પુરવાર થશે.

Carl Sagan’s Cosmos Episodes 1-13:
https://www.youtube.com/playlist?list=PL6DAD93D11320E122

13 એપીસોડ/વીડીયો પૈકી હાલ નીચે મુજબના વીડીયો જોઈ શકાય છે :

Episode 3 The Harmony of the Worlds:
https://www.youtube.com/watch?v=R6TdNbiAUnE

Episode 5 Blues for a Red Planet:
https://www.youtube.com/watch?v=Lo7buFS_dLo

Episode 6 – Traveller’s Tales:
https://www.youtube.com/watch?v=y7Qs3iXqgzs&list=PL6DAD93D11320E122&index=6

Episode 7 – The Backbone of the Night:
https://www.youtube.com/watch?v=Mfa2lUj6TS0&list=PL6DAD93D11320E122&index=7

Episode 10 – The Edge of Forever:
https://www.youtube.com/watch?v=o8ENNgO4z5c&list=PL6DAD93D11320E122&index=10

Episode 12 – Encyclopædia Galactica:
https://www.youtube.com/watch?v=5DgWOlqa-iQ&list=PL6DAD93D11320E122&index=12

–મુરજી ગડા

લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું  પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ નવમો લેખ, પુસ્તકનાં પાન 42થી 47 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–વ–પ્રકાશક–સમ્પર્ક : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390 007 સેલફોન : 972 679 9009 ઈ.મેલ : mggada@gmail.com    

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

                                                                          

11 Comments

 1. સ્વર્ગ અને નર્ક જેવું આ દુનિયા માં કઈ જ નથી …. સરસ લેખ
  આપણી કોઈ ટેલીગ્રામ ચેનલ હોય તો મોકલાવો
  ધન્યવાદ

  Liked by 2 people

 2. બહુજ ઉપયોગી માહિતી .

  ” બ્રહ્માંડની શરુઆત આશરે 13.7 અબજ વર્ષ પહેલાં થયાનું હવે વીજ્ઞાનજગતે સ્વીકારી લીધું છે. એની પાછળનું કારણ એક અતી ઘન રચનાનો વીસ્ફોટ છે. જેને મહા વીસ્ફોટ (BIG BANG)નું નામ આપ્યું છે. ત્યારથી બ્રહ્માંડ સતત વીસ્તરતું રહ્યું છે. ”

  — શ્રી મુરજી ગડા

  મહા વીસ્ફોટ (BIG BANG) તથા બ્રહ્માંડ નું સતત વીસ્તરવું, એ વિષે બીજા કોઈ ધર્મશાસ્ત્રો માં આ વાત નો ઉલ્લેખ છે કે નહિ તેની મને ખબર નથી, પરંતુ મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં આ વિષે બે શ્લોકો આપવામાં આવેલ છે, જે આ અનુસાર છે:

  ” આ આકાશ અને ધરતી એક બીજા સાથે જોડાયેલા હતા. પછી અમે તેનેં અલગ કર્યા, અને પાણી વડે દરેક સજીવ વસ્તુ નું સર્જન કર્યુ. ” ( પ્રકરણ ૨૧, શલોક ૩૦ )

  ” આકાશ ને અમે અમારા બાહુબળ થી સર્જન કર્યું છે, અને અમે તેને વિસ્તારવાની શક્તિ ધરાવીએ છીએ. ”
  ( પ્રકરણ ૫૧, શ્લોક ૪૭ )

  Liked by 1 person

 3. મા. મુરજી ગડાનો બ્રહ્માંડના વણઉકલ્યાં રહસ્યો અંગે અભ્યાસપૂર્ણ લેખ
  વૈજ્ઞાનીક શોધખોળોએ આ મર્યાદાને ઓળંગી છે. બ્રહ્માંડને જોવા – સમજવાનો મહત્તમ યશ ટેલીસ્કોપ, સ્પેક્ટ્રોસ્કોપ જેવાં સાધનોને ફાળે જાય છે.આ રીતે અન્ય ઘણી બાબતોની જેમ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનું અસ્તીત્વ સ્વીકારાયું છે, જેમાં બ્રહ્માંડના વીસ્તરણની ઝડપ, ગુરુત્વાકર્ષણના નીયમોનો અપવાદ, તારાઓની ગતી વગેરેએ ભાગ ભજવ્યો છે.’ખૂબ સુંદર વાત સમજાવી
  ‘કુદરત સામે નમવાનું કે આદર્શો આગળ નમવાનું કોઈએ નથી કહ્યું !’ કુદરતને કોટી કોટી નમન

  Liked by 2 people

 4. કુદરત…બ્રહમાંડ…..યુનિવર્શ….અને તેના ભેદો જાણવાના વૈજ્ઞાનિકોના પ્રયાસો….સફળતા અને હજી પણ ઘણું ઘણું જાણવાનું બાકી છે તે સત્યતા, આ બઘું સમજીઅે ત્યારે જેમ વૈજ્ઞાનિકો પોતાની મર્યાદાને સ્વીકારીને વઘુ પ્રયત્નશીલ બની રહે છે તે પૃથ્વી ઉપરના ‘ માનવી‘ ઓને પોતાના જીવનમાં ઉતારવાની જરુરત દેખાય છે…પરંતુંતે થઇ શકતું નથી. આ વાત આખા લેખના અંતે શ્રી મુરજીભાઇ ગડા કહે છે….

  ‘ બ્રહમાંડના સંદર્ભમાં આપણા મામુલીપણાથી ( પરફેક્ટ શબ્દ, વાપર્યો છે.)જરા પણ ખોટું લગાડવા જેવું નથી. ઉલટાનું કુદરત સામે નમ્ર થવા માટેનું આ ઉત્તમ કારણ છે. નમ્રતા તો બઘા ઘર્મોની શીખ છે. કમનસીબે, કુદરત સામે નમવાનું કે આદર્શો આગળ નમવાનું કોઇઅે નથી કહ્યુ, બલકે કોઇ ખાસ વ્યક્તય આગળ નમવાનું દરેક સંમ્પ્રદાય કહે છે.ં
  આ અેક સનાતન સત્ય પાનર માનવી ક્યારે સમજશે ? વેપારી થઇ ગયેલો માનવી દરેક વસ્તુને પૈસાથી તોલે છે.
  સુંદર લેખ, ઘીમે ઘીમે…વિજ્ઞાનને સહારે બ્રહ્માંડના વણઉકેલ્યા સત્યો તરફ લઇ જાય છે…..આ નોલેજ પામવા ઘીરજની જરુરત રહેશે. ૧૩.૭ અબજ વરસોનું સત્ય જાણવાનું છે……
  આનંદ થયો અને પોતાની પામરતાનો અહેસાશ પણ…
  આભાર, મુરજીભાઇ અને ગોવિદભાઇ મારુનો.
  આજે ક્રિસમસનો દિવસ છે સૌને હેપી હોલીડેઇઝ નિ શુભેચ્છાઓ તથા ૨૦૨૧ના નવા વરસની શુભેચ્છાઓ પાઠવું છું તંદુરસ્ત રહો અને અેક્ટીવ રહો.

  અમૃત હઝારી.

  Liked by 2 people

 5. Govindbhai and Muljibhai,
  Lots of thanks for placing such a mind blowing and full of knowledge article about universe.Interesting and inspiring for those who are keen to know astrophysics.Looking to the magnitude of universe human being is not more than
  invisible bacteria.Looking forward for such good articles.
  Ravindra Bhojak

  Liked by 2 people

 6. જોરદાર માહિતી હવે next લેખ ક્યારે પડશે?ચોથા પરિમાણ વિશે જાણવું છે.કાસિમ અબ્બાસ ભાઈ ની comment ઘણા સમયે પડી.

  Liked by 2 people

 7. मुरब्बी मीत्र मुरजीभाई गडाना ग्र्ह, तारा, नीहारीका अने ब्रह्मांडने लगता बधा लेख अने लीन्क खरेखर वांचवा अने जांणवा जेवी छे. नरक अने मोक्षमां रच्या पच्या रहेता लोकोए तारा, नीहारीका अने ब्रह्मांड वीशे जेटलुं ज्ञान प्राप्त भेगुं करे ए ओछुं छे.

  गोवीन्द भाई मारु अने एमनी टीम आवा लेख गोती गोती ब्लोग उपर मुके छे.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s