સાપનું અસ્થીતન્ત્ર

સાપનું અસ્થીતન્ત્ર આમ તો સીધું–સાદું અને સરળ છે. અન્ય પ્રાણીઓની જેમ જ તે અસ્થી અને કાસ્થીઓનું બનેલું છે. આજે સાપની ‘ખોપરી’ અને ‘દંતાસ્થી’ની રચના જોઈએ.

 

(તસવીર સૌજન્ય : મેહુલ ઠાકુર)

7

સાપનું અસ્થીતન્ત્ર

–અજય દેસાઈ

સાપનું અસ્થીતન્ત્ર આમ તો સીધું–સાદું કહી શકાય, તેનાં શરીરમાં ખુબ હાડકાં નથી હોતાં; કારણ કે તેને બાહ્ય કોઈ પણ પ્રકારના અંગઉપાંગ નથી. આમ, ભલે સાપનું અસ્થીતન્ત્ર સરળ લાગે; પરન્તુ વાસ્તવમાં કાર્ય અને બંધારણની દૃષ્ટીએ તે અટપટું અને સમ્પુર્ણપણે સાપના લમ્બનળાકાર શરીરમાં અન્દરના ભાગમાં આવેલું છે. આવી રચનાને લઈને તેને અંતરકંકાલ પણ કહી શકાય. અન્ય પ્રાણીઓની સરખામણીમાં સાપની દેહ રચના વીશીષ્ટ છે એટલે જ અસ્થીતન્ત્રની ગોઠવણી પણ વીશીષ્ટ હોય તે સ્વાભાવીક છે. સાપનું અસ્થીતન્ત્ર અન્ય પ્રાણીઓની જેમ જ અસ્થી અને કાસ્થીઓનું બનેલું છે.

સાપના કંકાલતન્ત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. પ્રથમ ભાગ તે સાપની ખોપરી અને બીજો ભાગ તે કરોડસ્તન્ભ. આપણે પ્રથમ સાપની ખોપરીની રચના જોઈએ.

સાપની ખોપરી નાની છે; પરન્તુ તેની અન્દરના અસ્થીઓની ગોઠવણી વીશીષ્ટ તથા અટપટી પણ છે. નાની ખોપરીના પ્રમાણમાં હાડકાંઓની સંખ્યા વધુ છે. તેના મોંના કદના પ્રમાણમાં અનેક ગણો મોટો શીકાર ગળવાની ક્ષમતા હોય, તેની ખોપરીના ઘણા હાડકાઓમાં વીશીષ્ટ રચના ધરાવતા સાંધાઓ હોય છે.

ખોપરીના સ્થીતીસ્થાપક અસ્થીઓની મદદથી સાપ, તેનું મોં 150 અંશ સુધી ખોલી શકે છે. તેના વીષદંત ખુપાવી શકે છે, તેના મોંના કદ કરતાં મોટા કદનો શીકાર પકડી શકે છે. શીકારને જડબાંઓની મદદથી અન્નનળી તરફ ધકેલી શકે છે. સાપની ખોપરીનું મુખ્ય હાડકું તેના મગજને રક્ષણ આપતી દાબડી છે. જે તેના ઉપરના જડબાંમાં પાછળથી હોય છે, સાપનું મગજ ખોપરીમાં સ્થીત એવી સમ્પુર્ણ બંધ દાબડીમાં ગોઠવાયેલું – રક્ષાયેલું હોય છે. તેની સાથે જડબાનાં હાડકા અસ્થીર રીતે પરન્તુ સ્થીતીસ્થાપક સંકળાયેલા હોય છે. તેના ઉપરના જડબાંનું હાડકું સળંગ એક જ હોય છે. જ્યારે નીચેના જડબાનું હાડકું બે ભાગમાં વહેંચાયેલું હોય છે. જે બન્ને હાડકાં અલગ અસ્તીત્વ ધરાવે છે અને અલગ અલગ હલનચલન કરી શકે છે. તેમની રચના એ રીતની હોય છે કે તે વીસ્તરી શકે છે. સાપ જ્યારે ખોરાક ગળાથી નીચે ઉતારી દે છે ત્યારે બગાસું ખાતો હોય તેમ આખું મોં ખોલે છે. તેનાં છુટાં થયેલા જડબાનાં હાડકાઓને તેની મુળ સ્થીતીમાં ગોઠવે છે અને પાછું બંધ કરે છે. સાપ ડાયેપીસ્ડા વર્ગનું પ્રાણી હોય, આ વર્ગના અન્ય પ્રાણીઓની જેમ તેની ખોપરીમાં શંખકની ઉપર અને નીચે બે બખોલ હોય છે. જેથી તેના લમણા પાસે કમાન બને છે અને આ થકી જ તેની ખોપરી અને જડબાનાં અસ્થીઓ વચ્ચેનું જોડાણ શીથીલ હોય છે. કંઠાસ્થી (Hyoid) એ નાનું હાડકું છે. આ હાડકું ખોપરીના અસ્થી પુરા થાય અને મણકાના અસ્થી શરુ થાય ત્યાં હોય છે. ગળાના ભાગમાં આવેલ આ અસ્થી સાપની જીભના સ્નાયુઓ સાથે સંકળાયેલા હોય છે. હવે આપણે સાપની ખોપરીમાં આવેલા સાપના દાંતની રચના તથા તેની ઉપયોગીતા જોઈએ.

દંતાસ્થી

દાંતનું નામ પડતા જ આપણને કલ્પના આપણા દાંતની જ આવે. આપણા શરીરમાં દાંતનું જે કામ છે, તેની જે રચના છે, તે જ નજર સમક્ષ તરી આવે. આપણે જ શું પણ પૃથ્વી ઉપરના મોટા ભાગના સજીવો કે જેમને દાંત છે તેનો ઉપયોગ તેઓ આપણી જેમ જ ખોરાક ચીરવા તથા ખોરાક ચાવવા કરતા હોય છે. સાપની શરીર રચના વીશીષ્ટ છે તેમ તેનાં દાંતની રચના પણ વીશીષ્ટ છે. સાપના દાંત ચાવવા માટે, ટુકડા કરવા માટે કે ચીરવા માટેના નથી હોતાં. સાપના દાંતની રચના એ રીતની છે કે તે ખોરાક ચાવવા ધારે તો પણ ચાવી નથી શકતો, તે ખોરાકને આખેઆખો ગળી જાય છે. આપણે જાણીએ છીએ કે સાપને કોઈ પણ પ્રકારના બાહ્ય અંગો નથી. ખોરાક પકડ્યા બાદ બાહ્ય અંગઉપાંગ વગર તે ખોરાક કઈ રીતે મોંમાં અન્દર ધકેલતો હશે? અહીં જ સાપના દાંતની ઉપયોગીતા છે. સાપના ઉપરનાં જડબાં તથા નીચેના જડબાંઓ ઉપર, અન્દરની તરફ વળેલા, બારીક, તીક્ષ્ણ નક્કર દાંત હોય છે. જેની પકડની મદદથી તે શીકારને મોંમાં અન્દર ધકેલે છે. બધી જાતીના સાપમાં આવા દાંતની રચના એક સરખી નથી હોતી, અગાઉના સમયમાં કેટલાક જીવશાસ્ત્રીઓ દાંતની રચના તથા ગોઠવણીના આધારે પણ સાપની ઓળખ કરતા હતા.મોટાભાગના બીનઝેરી જાતીના સાપને ઉપરના જડબામાં દાંતની બે હાર કે તેથી વધુ હાર આવેલી હોય છે. તથા નીચેના જડબાં ઉપર પણ એક હાર કે બે હારમાં દાંત આવેલા હોય છે, વળી, આવા દાંતની સંખ્યા 200થી પણ વધુ હોય શકે છે. એટલે કે અન્ય પ્રાણીઓની સરખામણીમાં સાપને દાંત વધુ હોય છે. આવા દાંતની લંબાઈ લગભગ સરખી હોય છે. કેટલાક સાપમાં દા.ત.; અજગર જેવા સાપમાં આવા દાંત, આગળના ભાગે મોટા હોય છે. જ્યારે વરુદંતી સાપમાં પણ આગળના ભાગના કેટલાક દાંતો પ્રમાણમાં મોટા અને વધુ તીક્ષ્ણ હોય છે. જ્યારે પીતપટીત સાપમાં તેના આગળના ભાગના દાંત નાના અને પાછળના મોટા હોય છે. વળી, બધા સાપમાં આવા દાંત વધુ હોય છે તેવું પણ નથી. કેટલાકમાં નહીંવત્ હોય છે. તો કૃમી સાપ (Worm Snake) જેવા સાપમાં હોતા જ નથી. ઝેરી તથા બીનઝેરી બન્ને પ્રકારના સાપમાં આવા દાંત હોય છે જ; પરન્તુ વીષ દંશતા સાપમાં ઉપરના જડબાંમાં આવા દાંતની આગળ બે વધુ મોટા વીષ દંશતા દાંત આવેલા હોય છે, જે થકી તે તેનું વીષ શીકારના શરીરમાં ઠાલવે છે.

જે સાપને ઝેર દંશી શકે તેવા દાંત હોતા નથી, એટલે કે જે સાપ સમ્પુર્ણ બીનઝેરી હોય છે તેવા સાપને Aglyphous કહે છે. દા.ત.; ધામણ (Rate snake), અજગર (Python) વગેરે. જ્યારે જે સાપને ઝેર દંશતા દાંત ઉપરના જડબામાં આગળના ભાગમાં મજબુત રીતે જકડાયેલાં હોય છે, તેવા સાપને Proteroglyphous કહે છે. દા.ત.; નાગ (Cobra), કાળોતરો (Krait) વગેરે. જ્યારે આવા ઝેર દંશતા દાંત જે સાપમાં ઉપરના જડબાંમાં આગળથી જ હોય; પરન્તુ તેની રચના મજાગરાની જેમ ઉઘાડ બંધ થઈ શકે, તે રીતની હોય તેવા સાપને Solenoglyphous કહે છે. દા.ત. ખડચીતળ (Russell’s Viper), જ્યારે કેટલાક સાપને આવા ઝેર દંશતા દાંત જડબાની ઉપરના ભાગમાં જ; પરન્તુ આગળથી ન હોતાં પાછળના ભાગે અન્દરથી આવેલા હોય છે. આવા સાપને Opisthoglyphous કહે છે. દા.ત. દરીયાઈ સાપ (Sea snakes) (ચીત્ર–4)નાગ, કાળોતરો જેવા સાપનાં ઝેર દંશતા દાંત 0.5 સે.મી. જેટલા લાંબા હોય છે. આવા દાંત એકબાજુથી ખુલ્લી ગટરની જેમ હોય છે. આપણે ત્યાં થતાં બધા જ ઝેરી સાપમાં ખડચીતળના દાંત સહુથી મોટા હોય છે, તે મહત્તમ 1.5 સે.મી. જેટલા લાંબા જોવા મળે છે. આવડા મોટા દાંત હમ્મેશાં સીધા રહેતા નથી. જો તે હમ્મેશાં સીધા રહે તો સાપને મોં બંધ કરવામાં તથા ખોરાક ગળવામાં અવરોધ પેદા થાય એ સ્વાભાવીક છે. આથી જ કુદરતે તેને વીશીષ્ટ રચના આપી છે. જ્યારે આવા દાંતનો ઉપયોગ ન હોય ત્યારે તે દાંત મજાગરાની જેમ ઉપરના ભાગે અન્દરથી વાળી દે છે. જ્યારે ભય હોય, આક્રમણ કરવાનું હોય કે દંશવાનું હોય ત્યારે તે સીધા થઈ જાય છે. (ચીત્ર–4) આવા સાપના ઝેર દંશતા દાંત ઈંજેક્શનની સોયની જેમ અન્દરથી પોલા હોય છે અને છેક છેવાડે ન ખુલતાં જરાક ઉપરથી ખુલે છે અને ત્યાંથી ઝેર બહાર નીકળે છે. જ્યારે જે સાપના ઝેર દંશતા દાંત જડબામાં અન્દરના ભાગમાં આવેલા હોય છે, તે પ્રમાણમાં નાના હોય છે અને તેની રચના પણ એકબાજુથી ખુલ્લી ગટરની જેમ હોય છે. (ચીત્ર–5)

સાપના વીષદંતના મુળમાં જ 3થી 4 વધારાના વીષદંતની કણીકાઓ અથવા તો અલ્પવીકસીત વધારાના વીષદંત હોય છે. મુખ્ય વીષદંત તુટી જતાં તેની જગ્યાએ આવા અલ્પવીકસીત દાંત પૈકી એક દાંત પુર્ણ વીકસીત થઈ આવે છે. માત્ર વીષદંત જ નહીં પરન્તુ બન્ને જડબાંઓ ઉપરના અન્ય સામાન્ય દાંત તુટી જાય તો પણ તેની જગ્યાએ નવા દાંત આવી જાય છે.

આ સન્દર્ભમાં જ મદારી લોકો સાપ બતાવીને પૈસા કમાવવા માટે સાપ ઉપર અત્યાચાર કરે છે. મોટાભાગના લોકો એવું માને છે કે મદારી લોકો સાપ પકડે છે ત્યારે તેના ઝેર દંશતા દાંત તોડી નાખે છે, ઝેથી સાપ દંશે નહીં. ખાસ બાબત તો એ છે કે મદારી લોકો આવા દાંત તો ભલે તોડતા હશે; પરન્તુ તેઓ તેના ઉપર અત્યાચાર પણ કરે છે. તેઓ તો તેની વીષ ઉત્પન્ન કરતી વીષગ્રંથીઓને જ કાઢી નાખે છે. આને લઈને સાપ દંશે તો પણ ઝેર ન ઠાલવી શકે. દાંત તો આપણે અગાઉ જોયું તેમ તોડવામાં આવે તો પણ ફરીથી 3થી 5 અઠવાડીયામાં ઉગી આવે છે. જો વીષગ્રંથી ન કાઢી હોય તો સાપ તુટેલા દાંત વડે પણ ઝેર દંશી શકે છે.

બધા જ પ્રકારના ઝેરી અને બીનઝેરી સાપમાં સામાન્ય દાંત અને વીષદંત સમય થતાં આપોઆપ ખરી જતાં હોય છે અને તેના સ્થાને નવા દાંત ઉગી આવતા હોય છે.

વીષદંત એ એવા દાંત છે કે જેનું કામ શીકારમાં ઝેર દંશવાનું છે. આ વીષદંત એક અસ્થી જ છે; પરન્તુ વીષ દંશવાનું કામ એકલા આ દાંતથી નથી થતું. ઘણાં બધાં અસ્થીઓના સંયુક્ત પ્રયાસથી થાય છે. આ દાંતની સરખામણી આપણે અધ:સ્તરીય (Hypodermic), પીચકારી (Syringe) અને સોય સાથે કરી શકીએ. કેટલીક જાતના નાગ તેઓના વીષને 2થી 3 મીટર દુર સુધી પીચકારી સ્વરુપમાં ઉડાડી શકે છે. આ કાંઈ હોઠોની મદદથી નથી થતું. નાગ મોં ખોલી વીષદંત મારફતે જ આવું વીષ ઉડાડે છે. આ પાછળનું તેનું મુખ્ય કારણ સ્વબચાવનું છે, નહીં કે શીકારને મારવાનું. આવા નાગ પણ અન્ય ઝેરી સાપની જેમ જ વીષદંતથી શીકારને બેભાન કરે છે કે મારે છે. આવા નાગમાં મુખ્યત્વે African Ringhal Cobra, Black Necked Cobra, અને Mozambique Spitting Cobra છે. જ્યારે પુર્વ એશીયામાં થતાં Golden Spitting Cobra અને કેટલાક અંશે આપણે ત્યાં થતો નાગ પણ દોઢથી બે ફુટ સુધી પોતાના વીષને આ રીતે ઉડાડી શકે છે.

સાપની ખોપરી પછીના ક્રમે આવતા અસ્થીઓ એ કરોડસ્થંભના હોય છે. કરોડસ્થંભ અનેક મણકાઓથી બનેલી હોય છે. મણકઓની સંખ્યા 100થી લઈ 500 સુધીની હોય શકે છે. ખોપરી પછીના શરુના બે મણકા પાંસળી વગરના હોય છે જેને ગળાના હાડકાં કહે છે. ત્યારપછીના પુંછડી સુધીના મણકાના હાડકા સાથે પાંસળીઓ જોડાયેલી હોય છે. દરેક મણકાની બન્ને બાજુ પાંસળી હોય છે. આ પાંસળીઓ ઉપરની બાજુએથી મણકા સાથે સંકળાયેલી હોય છે. જ્યારે પડખા તરફથી નીચે જતાં છુટી હોય છે, તે અહીં કોઈ પણ અસ્થી સાથે સંકળાયેલી નથી હોતી. આથી જ દરેક પાંસળીઓ સ્વતન્ત્ર રીતે આગળ–પાછળ હલનચલન કરી શકવા સક્ષમ અને મુક્ત હોય છે. આ પાંસળીઓ સાથે જ સ્નાયુઓ સંકળાયેલા હોય છે અને તેથી જ સાપ હલનચલન કરી શકે છે. પાંસળીઓની આવી રચના થકી જ સાપ તેના શરીરના કદ કરતાં મોટા કદનો ખોરાક ગળી શકે છે, જઠર સુધી અન્નનળી મારફતે પહોંચાડી શકે છે. પૃથ્વી ઉપરના કોઈ પણ સજીવ કરતાં સાપના મણકા તથા પાંસળીઓની સંખ્યા સહુથી વધુ હોય છે. અવસારણી માર્ગ પછી પુંછડી શરુ થાય છે ત્યાંથી જે મણકા હોય છે તેની સાથે પાંસળીઓ હોતી નથી. સાપના શરીરના આગળના ભાગના મણકા તથા તેની સાથેની પાંસળીઓ પ્રમાણમાં નાની, ત્યારબાદ તબક્કાવાર મણકા મોટા થતાં જાય છે, તેમ તેમ પાંસળીઓ પણ મોટી થતી જાય છે, જ્યારે નાગ (Cobra) જેવા સાપને શરુઆતના મણકાઓની પાંસળીઓ વધુ મોટી હોય છે. જે વીસ્તૃત થઈ શકે છે ને, તે વીસ્તૃત થતાં ફેણ રચાય છે (ચીત્ર–6).

કોઈ પણ સાપની છાતીમાં કે અન્યત્ર ક્યાંય આ સીવાયના કોઈ અસ્થી હોતા નથી. હા, અજગર જેવા સાપમાં કેટલાક અવીશીષ્ટ નીતમ્બ મેખલાના અસ્થી હોય છે. ખાસ કરીને તે Boa તથા અજગરમાં જોવા મળે છે. જે તેનાં અવસારણી માર્ગ પાસે હોય છે. આ અવશેષ થકી જ આવા સાપ એક તબક્કે ચતુષ્પાદ વર્ગમાં હોવાના પુરાવા આપે છે. આવા અસ્થી થાપાના હાડકાંનાં છે. આ અસ્થીઓનું જોડાણ કરોડરજજુ કે અન્ય કોઈ અસ્થીઓ સાથે હોતું નથી. તેનું જોડાણ સ્નાયુઓ સાથે હોય છે. આવા અસ્થીઓ માદા કરતાં નરમાં વધુ લાંબા અને વધુ અણીયાળા હોય છે. હાલ લગભગ નષ્ટપ્રાય: બનેલાં, ઘસાઈ ચુકેલાં આવા અસ્થીઓની કોઈ ઉપયોગીતા નથી. હા, ક્યારેક સંવનન વખતે એકબીજા ઉપર પકડ જમાવવા તેનો ઉપયોગ થાય છે ખરો!!

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

4 Comments

 1. અજય દેસાઇનો અભ્યાસપુર્ણ લેખમા ઘણુ નવુ જાણવા મળ્યું .
  તેમા ઘણા વખતથી ઉઠતા પ્રશ્નનો જવાબ -‘ખોપરીના સ્થીતીસ્થાપક અસ્થીઓની મદદથી સાપ, તેનું મોં ૧૫૦ અંશ સુધી ખોલી શકે છે. તેના વીષદંત ખુપાવી શકે છે, તેના મોંના કદ કરતાં મોટા કદનો શીકાર પકડી શકે છે’ મળ્યો.

  Liked by 1 person

 2. શ્રી અજયભાઇએ ઊંડી વિગતો સાથે સાપનું અસ્થિતંત્ર સમજાવ્યું. સરસ નોલેજ મળ્યું.
  તેમનો ખૂબ ખૂબ આભાર.
  વઘુ ને વઘુ જ્ઞાન મળતું રહે તેવી આશા.
  સર્વે મિત્રોને ‘ હેપી ન્યુ યર અને તેની શુભેચ્છાઓ.‘
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. This is second article that has no place in this forum. Subject being discussed is not at all related to philosophy of this group. Please select articles that relate to our specific interest. Thanks.

  Pradip Patel.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s