સાપનું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. માથુ, ધડ અને પુંછડી. તેની કાયા કોઈ પણ બાહ્ય અંગઉપાંગ વગરની છે. અન્ય પ્રાણીઓ કરતાં સાપની શરીર રચના વીશીષ્ટ છે અને એ જ રીતે તેનાં આંતરીક અંગોની ગોઠવણ પણ વીશીષ્ટ છે.
(તસવીર સૌજન્ય : સુકેતુ મૈસુરીયા)
8
સાપની શારીરીક રચના
–અજય દેસાઈ
સામાન્યત: સજીવોમાં લગભગ બધા અંગો સમાન આકારનાં અને સામાન્ય રીતે વીભાજીત હોય છે. તેમનાં શરીરની અન્દરની રચના એ રીતની હોય છે કે તે બન્ને બાજુએ અને એકબીજાથી વીપરીત દીશામાં ગોઠવાયેલા હોય છે, જેથી સંતુલન બની રહે છે. જો કે સાપ આમાં અપવાદરુપ જીવ છે. સાપમાં ઘણા આંતરીક અવયવો બે બાજુએ ન હોતાં એક બાજુએ કે એક જ હોય છે. આ પાછળનું કારણ સાપની લંબ–નળાકાર કાયા છે, તેની આ લંબનળાકાર કાયામાં અન્ય પૃષ્ઠવંશી સજીવોની જેમ લગભગ બધા જ અંગોની આંતરીક ગોઠવણ કરી, કમાલની કરામત કુદરતે દાખવી છે. અન્ય પ્રાણીઓ કરતાં સાપની શરીર રચના વીશીષ્ટ છે અને એ જ રીતે તેનાં આંતરીક અંગોની ગોઠવણ પણ વીશીષ્ટ છે. સાપની લંબનળાકાર કાયામાં સાપની લમ્બાઈ અનુસાર સાપના અવયવો લમ્બાઈવાળા હોય છે.
આપણે જાણીએ છીએ તેમ સાપનું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. માથુ, ધડ અને પુંછડી. તેની કાયા કોઈ પણ બાહ્ય અંગઉપાંગ વગરની છે. આપણે સહુ પ્રથમ સાપના માથાની રચના જોઈએ. સાપનું માથું તેના ધડની જેમ જ કોઈ પણ બાહ્ય અંગઉપાંગ વગરનું છે.
માથાના ભાગ બાદ ગળાની નજીકથી શરુ થતી પાંસળીઓની સાથે સાથે જ તેના આંતરીક અવયવો શરુ થાય છે, જે છેક પુંછડી સુધી હોય છે. આવા લમ્બ સ્વરુપે ગોઠવાયેલાં અવયવોનો સમ્પુર્ણપણે અભ્યાસ કરવો, એ કઠીન કાર્ય છે. તે આપણા જેવા સામાન્ય લોકોની સમજ બહારનું છે અને અહીં તેની આંતરીક રચનાના વીગતવાર ઉંડાણપુર્વકના અભ્યાસને અવકાશ નથી. એ એક જુદો વીસ્તૃત અભ્યાસ માંગી લે એમ છે અને તેથી જ આપણે અહીં સામાન્ય માણસને રસ પડે એવી સાદી સરળ રીતે તેની આંતરીક રચનાની વાત કરીશું. (ચીત્ર–9) આ અંગેના લખાણને સમજવા ઉપયોગી નીવડશે.
મોટાભાગની જાતીનાં સાપમાં બે પુર્ણ વીકસીત ફેફસાં હોતાં નથી. બે પૈકી એક ફેફસું ક્યાં તો હોતું જ નથી અથવા તો અલ્પ વીકસીત હોય છે. આવું ડાબા ફેફસામાં જ હોય છે. જમણા ફફસાનાં આકારની તુલનામાં ડાબું ફેફસું હોતું જ નથી કે અર્ધાથી પણ ઓછા કદનું હોય છે. અજગર જેવા જમીનના સાપમાં જમણા કરતાં ડાબું ફેફસું ત્રીજા ભાગનું જ હોય છે. જ્યારે કોલ્યુબ્રીડી જાતીના સાપોમાં તો ડાબું ફેફસું હોતું જ નથી અને જમણું ફેફસું વધુ પડતું લાંબુ હોય છે. કેટલીક જાતીના સાપમાં તે છેક અવસારણી માર્ગ સુધી લમ્બાયેલું હોય છે.
સાપનું શ્વસનતન્ત્ર શ્વાસનળી, શ્વાસવાહીની, ફેફસાં અને વાયુ કોષ્ઠોનું બનેલું છે. શ્વાસનળી આમ તો સાપની મુખ ગુહાના અન્દરના ભાગમાંથી શરુ થઈ, હૃદય પાસે પુરી થતી હોય છે. જ્યાં તે બે ભાગમાં ફેફસાંમાં વીભાજીત થતી હોય છે. ફેફસાંનો આગળનો ભાગ નળી સ્વરુપનો હોય છે, જ્યાં લોહીની નળીઓ પણ હોય છે. જેનું કામ વાયુઓની અદલાબદલીનું હોય છે. જ્યારે ફેફસાનો બીજો ભાગ લોહીની નળીઓ વગરનો હોય છે. તે પુંછડી સુધી લમ્બાયેલો હોય છે. મોટાભાગના ફેફસાંનું કામ દબાણ દુર કરવાનું છે. તે શરીરના અન્દરના પોલાણના દબાણોનું નીયમન કરે છે; કારણ કે સાપને મધ્યપટલ–ઉદરપટલ નથી હોતું.
(તસવીર સૌજન્ય : દીકાંક્ષ પરમાર)
સાપના મોંમાં જ્યારે શીકાર ભરાયેલો હોય છે ત્યારે સાપનું મોં બધી રીતે બંધ તથા જકડાયેલું હોય છે. સાપના મોંની અન્દરનાં શીકારનું કદ પ્રમાણમાં મોટું હોય તો તેનું મોં સખત રીતે ભીંસાયેલું હોય છે. આવા સંજોગોમાં સાપ શ્વાસોચ્છવાસ કેવી રીતે કરી શકે? આથી જ કુદરતે અહીં તેનામાં વીશીષ્ટ રચના કરી છે. સાપની શ્વાસનળીના સ્નાયુઓ સ્થીતીસ્થાપક હોય છે. અને તેથી તે શ્વાસનળીને લમ્બાવી ખેંચી શકે છે. આવી રીતે શ્વાસનળીને ખેંચીને, તેના મોંના તળીયામાં શ્વાસનળીને લઈ આવે છે. જે શીકારની નીચે થઈ આગળ આવી જતી હોય છે. આમ તેની શ્વાસનળી શીકારની નીચે રહીને શ્વસનકાર્ય કરી શકે છે. વળી, શીકાર ગળતી વખતે તે એવી રીતે ગોઠવાયેલી રહે છે કે ક્યાંય નડતરરુપ થતી નથી અને શ્વાસોચ્છવાની પ્રક્રીયા અવીરત ચાલુ રહે છે. સાપનું મોં ખુલ્લું હોય છે, ત્યારે મુખગુહાના તળીયાના ભાગમાં એક કાણા જેવું જોવા મળે છે. (ચીત્ર–12) આ કાણું તે શ્વાસનળીનું મુખ હોય છે. શ્વાસોચ્છવાની ક્રીયા દરમીયાન હવા–ફેફસામાં પ્રવેશે છે અને બહાર નીકળે છે. તે થકી સ્નાયુઓમાં સંકોચન વીસ્તરણ ક્રીયા દ્વારા પાંસળીઓનું હલનચલન શક્ય બને છે. ટુંકમાં છાતીની પાંસળીઓથી રચાતા સંકોચન અને પ્રસરણ દ્વારા ફેફસા પર દબાણની વધઘટ થવાથી શ્વાસોચ્છવાસની ક્રીયા સીદ્ધ થાય છે. સાપના શરીરમાં, શરીરના; અન્દરના અવયવોને વીભાજીત હોય તેવી રચના હોતી નથી. તેથી સાપ જ્યારે શ્વાસોચ્છવાસ કરે છે ત્યારે તેની બધી પાંસળીઓ સાથે જોડાયેલા સ્નાયુઓ શ્વાસોચ્છવાસ કરતા હોય તેવું લાગે છે.
સાપને કોઈ પણ પ્રકારના બાહ્ય અંગઉપાંગ હોતા નથી. એટલે કે આંખનાં પોપચાં, ખુલ્લા કાન, હાથ–પગ, પેશાબની ગ્રંથીઓ, શીશ્ન વગેરે જેવા બાહ્ય અંગો ન હાવાથી તેને આનુષાંગીક આંતરીક રચના પણ હોતી નથી. તેથી સાપની આંતરીક રચનામાં અન્ય સજીવો કરતાં ઓછા અવયવો હોય છે.
સાપનું હૃદય સમ્પુર્ણ બન્ધનયુક્ત ન હોતાં, લગભગ ખુલ્લું હોય છે. વળી તે શરીરનાં અન્દરના સ્નાયુઓ સાથે અને પાંસળીઓ સાથે ચુસ્તીથી જકડાયેલું ન હોઈ, સ્થીતીસ્થાપક હોય છે. આથી જ સાપ જ્યારે મોટો શીકાર ગળતો હોય ત્યારે હૃદય એકબાજુએ ધકેલાઈ જાય છે જેથી અંતરાયરુપ રહેતું નથી. તેનું હૃદય ત્રીખંડી (ત્રણ ભાગમાં વહેંચાયેલું) હોય છે જેમાં ચોથો ખંડ સ્વતન્ત્ર નથી હોતો. તે ત્રીજા ખંડ સાથે સંલગ્ન હોય છે અને તેને કારણે શુધ્ધ–અશુદ્ધ લોહીનું મીશ્રણ થતું રહે છે. સહુ પ્રથમ સાપનું લોહી હૃદયના ઉપલા, જમણા ખંડમાં પહોંચે છે. ત્યાં ઓક્સીજન ઉમેરાય છે અને ઓક્સીજનથી સમૃધ્ધ થયેલું લોહી અહીંથી ઉપલા, બીજા ડાબા ખંડમાં પહોંચે છે ત્યારબાદ લોહી ત્રીજા નીચલા ખંડમાં પહોંચે છે. અહીં બરોળ સાથે જોડાયેલ પીત્તાશય અને સ્વાદુપીંડની મદદથી લોહી શુધ્ધ થઈ, જુના લાલ રક્તકણો તરોતાજા થાય છે. ત્યારબાદ અહીંથી જ સમગ્ર શરીરમાં પરીભ્રમણ માટે જાય છે. આ રક્ત શુધ્ધીની પ્રક્રીયા સમ્પુર્ણ નથી. આવી અપુરતી પદ્ધતી અને ઓક્સીજનની અયોગ્ય વહેંચણીને લઈને સાપ જલ્દીથી થાકી જાય છે. થોડીક પ્રવૃત્તી બાદ તેને લાંબા સમયના આરામની જરુર પડે છે.
રક્તવાહીનીઓ દ્વારા શરીરમાં પ્રસરાવવા માટે ગળાનાં ભાગમાં ખાસ પ્રકારનાં રસ ઉત્પન્ન કરતી ગ્રંથીઓ પણ સાપમાં રહેલી છે; પરન્તુ શરીર રચનાને અનુરુપ તે પણ તે રીતે જ ગોઠવાયેલ હોય છે. દા.ત.; શરીરના યોગ્ય વીકાસ અને વૃદ્ધી માટે રસ ઝારતી કંઠ ગ્રંથીઓ (થાઈરોઈડ) કે જે શરીરનાં કેલ્શીયમને પણ નીયન્ત્રણમાં રાખે છે. આવી ગ્રંથીઓ ગળામાં આવેલી છે, તો હોર્મોનની બે એડ્રીનલ ગ્રંથીઓ પુંછડીના ભાગમાં અવસારણી માર્ગ પાસે આવેલી છે. જેનું કામ સાપને જ્યારે હૃદયનાં ધબકારા વધતા હોય અને શ્વાસોચ્છવાસ વધતા હોય છે, ત્યારે તેમાં પુરક થતાં રસો પીરસવાનું છે.
સાપમાં નરને બે શીશ્ન હોય છે. જે અવસારણી માર્ગની અન્દર પુછડી તરફ લમ્બાયેલા હોય છે. સમાગમની ક્રીયા દરમીયાન તે બે પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરે છે. તેના બન્ને શીશ્નની આ માટેની ક્ષમતા સરખી હોય છે. નરનું વીર્ય શુક્રગ્રંથીમાં બને છે. ત્યાં વીર્ય ઉત્પન્ન થયા બાદ અવસારણી માર્ગના પોલાણમાં નરના શીશ્નની પાસે જનન ગ્રંથીમાં એકઠું થાય છે. દરેક સાપની જાતીએ–જાતીએ શીશ્નની બાહ્ય તેમ જ આંતરીક રચના અલગ–અલગ હોય છે. તે જાતી દીઠ નાના–મોટા અલગ આકાર તથા રંગ રુપ ધરાવતાં હોય છે. કેટલાકમાં મુલાયમ તો કેટલાકમાં બરછટ–કાંટાળા હોય છે. આવા શીશ્નમાં ગુદા માર્ગ સ્થીત પોલાણ મારફતે આવતું વીર્ય જમા થાય છે. શીશ્ન માદાના અવસારણી માર્ગમાં પ્રવેશે છે ત્યારે ઉત્તેજનાની અંતીમ પળોમાં શીશ્ન મારફતે વીર્ય માદાના યોની મુખમાં ઠલવાય છે. શીશ્ન માદાના અવસારણી માર્ગમાં દાખલ થાય છે પછી; અન્દર પ્રવેશ્યા બાદ વીસ્તરણ પામે છે અને એથી જ સમ્ભોગ દરમીયાન નરમાદા એકદમ છુટા નથી પડી શકતા. સમ્ભોગના અંતીમ તબક્કામાં શીશ્નમાંથી વીર્ય માદાની યોનીમાં ઠલવાયા બાદ, શીશ્ન નરમ પડ્યા પછી જ બહાર નીકળે છે. નરમાં શુક્રપીંડ હોય છે, ત્યાં જ માદાનું ડીમ્ભાશય હોય છે. આ ડીમ્ભાશયની સાથે જ ડીમ્ભવાહીની જોડાયેલી હોય છે, જે ગર્ભાશય સાથે સંકળાયેલી હોય છે. ડીમ્ભાશય અને ગુદાના પોલાણ વચ્ચે માદાનું ગર્ભાશય આવેલું હોય છે. જ્યાં ઈંડા જણતા સાપમાં ઈંડા તૈયાર થાય છે અને અવસારણી માર્ગ દ્વારા બહાર આવે છે.
સાપની આંતરીક રચનાનાં લગભગ મુખ્ય બધા અંગો, સાપની પાચનક્રીયા સાથે સંકળાયેલા હોય છે. અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું વગેરે અન્નનળી અને શ્વાસનળીની જોડાજોડ હોય છે. અન્નનળી મજબુત સ્નાયુઓની બનેલી હોય છે. અલબત્ત આવા સ્નાયુઓની સંખ્યા ઓછી હોય છે. અન્નનળી દ્વારા ખોરાક જઠર સુધી પહોંચે છે. શરીરના સ્નાયુઓનું હલનચલન, ખોરાકને જઠર સુધી પહોંચાડવામાં મદદરુપ થાય છે. અન્નનળી અને જઠર વચ્ચેનું જોડાણ અલગ પડતું જણાતું નથી, સળંગ લાગે છે. જઠર પણ પુર્ણ વીકસીત ન હોતા ટુંકું હોય છે. જઠરમાં પાચન પ્રક્રીયા પુર્ણ થતાં ખોરાક નાના આંતરડામાં જાય છે. આ આંતરડું અનેક વળાંકોવાળું હોય છે અને ગમે તેવા ખોરાકને પચાવવામાં સક્ષમ હોય છે. ત્યાંથી હજમ થયેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે. ત્યાં પાચનક્રીયા પુર્ણ થાય છે અને ખોરાક મળસ્વરુપે અવસારણી માર્ગ દ્વારા બહાર જાય છે.
યકૃત, પીત્તાશય અને સ્વાદુપીંડ એ બધા પાચનક્રીયા સાથે જોડાયેલા મહત્ત્વના પુરક અંગો છે. તે જેમ લોહી શુદ્ધીકરણમાં મદદરુપ થાય છે તેમ ખોરાક પાચનમાં પણ મહત્ત્વની ભુમીકા ભજવે છે. યકૃત એ સાપના શરીરનું સહુથી મોટું અંગ છે. તે હૃદયથી લઈ જઠર સુધી લમ્બાયેલું હોય છે. યકૃતનું મુખ્ય કામ પાચક રસો ઉત્પન્ન કરવાનું છે, આવા ઉત્પન્ન થયેલા પાચક રસો સંગ્રહવાનું કામ પીત્તાશયમાં થાય છે. પાચનક્રીયા દરમીયાન નાના આંતરડામાં જરુર પડે ત્યારે આ પાચક રસો ત્યાં પહોંચાડવાનું કામ પીત્તાશયનું છે. સ્વાદુપીંડનું કામ જરુરી રસોને ઉત્પન્ન કરી, નાના આંતરડામાં પહોંચાડવાનું છે. વધુમાં સ્વાદુપીંડનું કામ રક્તમાંની શર્કરાનું નીયમન કરવાનું છે અને શરીર માટે જરુરી હોર્મોન્સ બનાવવાનું છે.
સાપના મુત્રપીંડ પણ લમ્બાકારે હોય છે. જમણું મુત્રપીંડ માથાના ભાગ તરફ લમ્બાયેલું હોય છે તો ડાબું મુત્રપીંડ પુંછડી બાજુના ભાગે લમ્બાયેલું હોય છે. મુત્રપીંડનું કામ રક્તશુદ્ધીમાં મદદરુપ થવાનું તો છે જ; પરન્તુ વધારામાં શરીરનો કચરો બહાર ફેંકવાનું કામ પણ કરે છે. આવો કચરો તે મુત્રનલીકા મારફતે અવસારણી માર્ગ દ્વારા બહાર ફેંકે છે. સાપનો પેશાબ અર્ધઘન સ્વરુપનો હોય છે. આથી જ સાપને મુત્રાશયની આવશ્યકતા હોતી નથી; કારણ કે મુત્ર પ્રવાહી સ્વરુપનું નથી હોતું અને મુત્રાશય ન હોઈ મુત્ર એકઠું થવાનાં બદલે સીધું જ બહાર નીકળી જાય છે.
આપણે અગાઉ જોયું તેમ સાપનું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. માથું તથા ધડ વીશે જાણ્યા બાદ હવે સાપની પુંછડી અંગે જોઈએ. બધા સાપની પુંછડી એક સરખી હોતી નથી. તેનો આધાર સાપ કયો છે? ક્યાં રહે છે? કઈ જાતી (નર કે માદા)નો છે? તેની રહેઠાણની ખાસીયત વગેરે ઉપર રહે છે.
જમીન ઉપર રહેતાં લગભગ બધા જ સાપની પુંછડી ગોળ, નળાકાર અને પ્રમાણમાં ટુંકી હોય છે. દરીયાઈ સાપની પુંછડી ઉભી અને ચપટી હોય છે. આવી પુંછડી તેને પાણીમાં તરવા માટે અને દીશા બદલવા માટે મદદરુપ થાય છે. જ્યારે વૃક્ષ ઉપર રહેતાં સાપની પુંછડી પ્રમાણમાં પાતળી, મજબુત અને વધુ લાંબી હોય છે. લાંબી પુંછડીની મદદથી ડાળ ઉપર પકડ રાખી અધ્ધર રહી, તે શીકાર કરે છે. જમીનની અન્દર રહેતા સાપની પુંછડી ટુંકી અને છેડેથી અણીયાળી હોય છે. આવી અણીયાળી પુંછડીની મદદથી તે પોંચી જમીન ખોતરી શકે છે અને આવી જમીનમાં તે છુપાઈ શકે છે.
સાપની પુંછડીના પેટાળના ભીંગડાંની ગોઠવણ ઉપરથી ઘણીવાર સાપ કઈ જાતનો છે તે જાણી શકાય છે. કેટલાક સાપની પુંછડીનાં ભીંગડાં સળંગ, પેટાળનાં ભીંગડાંની જેમ હોય છે. કેટલાકમાં આવા ભીંગડાં સળંગ ન હોતાં વહેંચાયેલા હોય છે. જ્યારે કેટલાક સાપમાં આવા પુંછડીના ભીંગડાં અડધે સુધી સળંગ અને ત્યારબાદ વહેંચાયેલા હોય છે.
એક જ જાતીના સાપમાં નર અને માદાની પુંછડીમાં પણ તફાવત જોવા મળે છે. મોટા ભાગની જાતીમાં નર સાપની પુંછડી, માદાની પુંછડીની સરખામણીમાં લાંબી હોય છે. જ્યારે માદાની પુંછડી નરની પુંછડીની સરખામણીમાં ટુંકી હોય છે. મોટાભાગના નર સાપની પુંછડી અવસારણી માર્ગ આગળથી ઉપસેલી માલુમ પડે છે; કારણ કે નર સાપના બે શીશ્ન પુંછડીના છેડા તરફથી અન્દરની બાજુએ દબાયેલા હોય છે.
સાપની પુંછડી તુટી ગયા બાદ પણ સાપ જીવતો રહે છે. તેની પુંછડી તુટી જાય છે ત્યારે ગરોળીની તુટેલી પુંછડીની જેમ તરફડતી જણાય છે. ડેંડુ સાપની પુંછડી પ્રમાણમાં વધુ બટકણી જણાય છે.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
મા શ્રી અજય દેસાઈ દ્વારા સાપની શારીરીક રચના અંગે ઘણું વિગતે જાણવા મળ્યુ સાથે ખૂબ સુંદર ફોટા માણ્યા
LikeLiked by 1 person
સાપ વિશે ખુબ જ માહિતી સભર લેખ.
આભાર શ્રી ગોવિંદભાઇ તથા લેખક શ્રી અજય દેસાઈ.
LikeLike
સાપ વિશે ખુબ જ માહિતી સભર લેખ માણવાની મજા આવી.
આભાર શ્રી ગોવિંન્દભાઇ તથા લેખક શ્રી અજય દેસાઇ નો.
LikeLiked by 1 person
great details–reading first time–thx ajay bhai and Govind Bhai
LikeLiked by 1 person
શ્રી અજયભાઇના લેખો જ્ઞાન સભર હોય છે.
આનંદ થયો.
વઘુ ને વઘુ નોલેજ મળે તેવી ઇચ્છા.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person