સાપની આંખ, જીભ અને જેકબસન ઓર્ગન

સાપની આંખ, જીભ અને જેકબસન ઓર્ગનની રચના વીશે આજે આપણે જાણીએ–સમજીએ.

(તસવીર સૌજન્ય : અર્પીત જૈન)

9

આંખ

–અજય દેસાઈ

સાપને માથાની ઉપરની બાજુએ, બન્ને પડખે બહારથી ઉપસેલી હોય એવી બે આંખો હોય છે. આ આંખોને આવરી લેતું પારદર્શક આવરણ આંખની ઉપર હોય છે. આપણે જેમ આંખના પોપચાં હલાવીએ છીએ તથા પટપટાવીએ છીએ એમ આ આવરણ હાલી શકતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સાપને પોપચાં હોતા નથી. માત્ર તેને સ્થાને પારદર્શક આવરણ હોય છે. સાપની કાંચળી જ્યારે શરીરથી અલગ થાય છે ત્યારે આ આવરણ પણ અલગ થાય છે અને કાંચળીની જેમ તેને સ્થાને નવું આવરણ આવી જાય છે.

સાપ જે વીસ્તારમાં – જગ્યામાં રહેતો હોય છે, ત્યાંની આવશ્યક્તા મુજબ તેમની આંખો હોય છે. જમીનની અન્દર રહેતાં સાપમાં આંખો ખુબ જ નાની હોય છે. તો વૃક્ષો ઉપર રહેનારા સાપની આંખો પ્રમાણમાં વધુ મોટી હોય છે. જાતીએ જાતીએ સાપની આંખો ભીન્ન હોય છે. કેટલાક સાપમાં તો ફક્ત અજવાળા–અન્ધારાની ઓળખ પુરતી જ આંખો વીકસીત હોય છે, તો કેટલાકમાં ધુંધળુ જોઈ શકવા પુરતી વીકસીત હોય છે, તો કેટલાકમાં પુર્ણ વીકસીત હોય છે. આવી પુર્ણ વીકસીત દૃષ્ટી ખાસ કરીને વૃક્ષો ઉપર રહેનારાં સાપમાં હોય છે; પરન્તુ દરેક સાપમાં આંખો તો હોય છે જ, ઘણા એવું માને છે કે કૃમી અન્ધ સાપને આંખો હોતી નથી. ખરેખર તો તેને પણ આંખો હોય છે જ; પરન્તુ તે ખુબ જ નાની, નરી આંખોએ જોઈ શકાય તેવી ન હોવાથી આવું લાગે છે.

સાપની આંખનું કાર્ય, દૃષ્ટી માટે તો મહત્ત્વનું છે જ. એ ઉપરાંત શીકાર શોધવા માટે પણ તે ખાસ સહાયક થાય છે. સાપની આંખોની રચના બીજા સરીસૃપ તથા બીજા વીકસીત પ્રાણીઓ કરતાં વીશીષ્ટ છે.

સાપની આંખમાં આવેલા કીકીના નેત્રબીંદુના આધારે સાપ નીશાચાર છે કે, દીવાચર એ જાણી શકાય છે. (ચીત્ર–11) મોટાભાગે દીવાચર સાપની આંખની કીકીનું નેત્રબીંદુ ગોળ હોય છે, ત્યારે નીશાચર સાપને આવું નેત્રબીંદુ ઉભું ખુલતું હોય છે. ઉભું નેત્રબીંદુ વધુ પ્રમાણમાં ખુલી શકતું હોવાથી રાત્રી દરમીયાન અન્ધકારમાં પણ વધુ પ્રકાશ ગ્રહણ કરી શકે છે અને વધુ જોઈ શકે છે. આવા નેત્રબીંદુ દ્વારા વીશાળ ક્ષેત્ર સુધી દૃષ્ટી પહોંચાડી શકે છે.

આંખોની કીકીના રંગ અને નેત્રબીંદુના રંગ પણ સાપની જાતી દીઠ અલગ–અલગ હોય છે. કુદરતની કરામત એવી છે કે સાપની આંખો માથાની ઉપરની બાજુ ઉપસેલી હોવાથી સાપ માથાના પાછળના અમુક ભાગને બાદ કરતાં લગભગ બધી બાજુ જોઈ શકે છે. જો કે આની મર્યાદા પણ છે (એ પણ કુદરતની કરામત ગણીશું). સાપ તેની તદ્દન સામેના ભાગમાં બન્ને આંખોથી એક સાથે જોતી વખતે પન્દરથી વીસ ડીગ્રીથી વધુ વીસ્તારમાં જોઈ શકતો નથી, એટલે કે આ પન્દરથી વીસ અંશના ખુણાની અન્દર તેની ત્રીપરીમાણીય નજર હોતી નથી. વળી, બીજી પણ એક મર્યાદા છે કે જો કોઈ વ્યક્તી એકદમ સ્થીર ઉભી રહી જાય તો તેની આંખો તે વ્યક્તીને સ્પષ્ટપણે અનુભવી શકતી નથી. જો વ્યક્તી જરાપણ હલનચલન કરે કે તરત જ સાપ, તીવ્રતાથી તેને નજરમાં પકડી લે છે.

રંગ પારખવાની ક્ષમતા પણ સાપ દીવાચર છે કે નીશાચર છે એના પર આધાર રાખે છે. નીશાચર સાપને રંગ પારખવાની આવશ્યક્તા હોતી નથી. નીશાચર સાપને રાત્રીના અન્ધકારમાં બધું જ શ્વેત–શ્યામ જોવાનું હોય છે, એટલે તેઓ રંગ ઓળખી શકતા નથી, અથવા તો મર્યાદીત રંગો ઓળખી શકે છે. જ્યારે દીવાચર સાપ દીવસના પ્રકાશમાં ફરતા હોવાથી મુખ્ય રંગો ઓળખી શકે છે. દીવાચર સાપની આંખોમાં દક્કાચ પીળાશ પડતો હોય છે તેથી ભુરાશ પડતાં ઘણા રંગો ગળાઈ જતાં હોવાથી તે મર્યાદીત રંગો જોઈ શકે છે.

સાપને પોપચાં હોતા નથી, આથી સાપ જ્યારે ઉંઘતો હોય છે ત્યારે તેની કીકીનું નેત્રબીંદુ સંકોચાઈ જાય છે. આ નેત્રબીંદુ આંખની નીચેની બાજુ સંકેલાઈ જતું હોય છે, અથવા તો સરકી જતું હોય છે.

સાપને અશ્રુ સારતી ગ્રંથી નથી હોતી; પરન્તુ તેની પાસે વીશીષ્ટ સ્રાવ કરતી Harderian ગ્રંથી હોય છે. જે એક પ્રકારનું સ્નીગ્ધ પ્રવાહી ઉત્પન્ન કરે છે. આ પ્રવાહી આંખ ઉપર રેલાતું રહેતું હોવાથી આંખનું બાહ્ય આવરણ સરળતાથી ફરી શકે છે અને તેના વડે આંખના બાહ્ય આવરણ ઉપરનો કચરો પણ સાફ થઈ જાય છે.

જીભ

આપણી જીભનું મુખ્ય કામ સ્વાદ પારખવાનું છે; પરન્તુ સાપની જીભ તો સ્વાદ અનુભવી શકતી જ નથી એટલે સ્વાદ પારખવાનું પણ શક્ય જ નથી. અલબત્ત નવું સંશોધન કહે છે કે સાપની જીભ ખુબ જ મર્યાદીત રીતે અમુક સ્વાદ અનુભવી શકે છે. સાપને કોઈ પણ વસ્તુ ખાસ કરીને શીકારને ચાવવાનો હોતો નથી. તેના ટુકડા કરવાના હોતા નથી, તેણે તો શીકારને આખેઆખો ગળી જવાનો હોય છે. એટલે શીકારનો સ્વાદ પારખવાની આવશ્યક્તા રહેતી જ નથી. કુદરતે તેની જીભને અન્ય જવાબદારીઓ સોંપી છે. સાપની જીભનું કામ બાહ્ય વાતાવરણનું ઉષ્ણતામાન, ભેજ, ગરમીને અનુભવવાનું છે. હવામાંથી આવતી ગંધ–તરંગોને અનુભવવાનું છે, શીકારને અનુભવવાનું છે અને આ સમગ્ર બાબતો જેકબસન ઓર્ગનમાં પહોંચાડવાનું છે.

(રંગીન તસવીર સૌજન્ય : ધૈવત હાથી અને દીકાંશ પરમાર)

સાપની સદાય ભીની રહેતી જીભ આગળના ભાગમાં વહેંચાયેલી (વીભાજીત) હોય છે. વળી, તે ખુબ જ કોમળ–મુલાયમ પણ હોય છે. સાપના માથે જોખમ હોય, સાપ સંવનન ઋતુમાં હોય, શીકાર પકડવાનો હોય, વગેરે પરીસ્થીતીમાં હોય ત્યારે સાપની જીભ સતત લપકારા મારતી હોય છે, અન્દર બહાર થતી હોય છે. સાપની આ લપકારા મારતી જીભના મુળમાં એક કોથળી હોય છે, જેની અન્દર આખી જીભ સમાઈ જતી હોય છે. સાપનું મોં ખોલીને જીભને શોધીશું તો જીવ જોવા મળશે નહીં; કારણ કે જીભ તો આ કોથળીમાં સરી ગયેલી હોય છે. આવી રચના થકી જ સાપનું મોં બંધ હોય છે ત્યારે પણ તેની જીભ લપકારા મારતી અન્દર–બહાર સરક્યા કરી શકે છે અને આ જ ખાસીયતને લઈને સાપ તેના મોંના કદ કરતાં મોટા કદનો શીકાર પકડીને મોંમાં લાવે છે, ત્યારે જીભ નીચેના પોલાણવાળા આવરણમાં સમાયેલી હોઈ નડતી નથી. જીભ આ પોલાણમાંથી બહાર લપકારા મારતી રહીને સાપને આજુબાજુની પરીસ્થીતીનો તાગ મેળવવામાં મદદરુપ થાય છે.

જીભ સંભોગ દરમીયાન મહત્ત્વનો ભાગ ભજવે છે. નર સાપ જ્યારે માદાની ઉપર હોય છે ત્યારે માદાના માથા ઉપર જીભના લપકારા થકી પ્રેમ વ્યક્ત કરી, માદા સાપને ઉશ્કેરે છે. માથા ઉપર જીભ થકી પ્રેમ વ્યક્ત કરી માદાને સંભોગ માટે તત્પર કરે છે.

સાપની સતત લપકારા મારતી જીભ માટે એવી માન્યતા પ્રવર્તે છે કે સાપ જીભ દ્વારા કરડે છે. ખરેખર તો આપણે જોયું તેમ સાપની જીભ ખુબ જ મુલાયમ છે અને આગળના ભાગેથી વહેંચાયેલી છે. તે એટલી બધી મુલાયમ છે કે તે પાતળામાં પાતળા કાગળમાં પણ છીદ્ર નથી કરી શકતી. તો મનુષ્યના શરીરમાં જીભ કેવી રીતે છીદ્ર કરી શકે કે દંશીને વીષ ઠાલવી શકે? વળી, એવી પણ માન્યતા છે કે સાપ તેની જીભ દ્વારા મનુષ્યની ત્વચા ઉપર ચીકણું ઝેરી પ્રવાહી લગાવે છે. તેની અસર થતાં ત્યાં સોજો આવે છે, એટલો ભાગ લાલ થાય છે કે દુખાવો થાય છે. આવી માન્યતા તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે. સાપની જીવ સદૈવ ભીની જરુર હોય છે; પરન્તુ તેની રચના એ રીતની હોય છે કે ક્યાંયથી જીભને વીષ ગ્રંથી સાથે કોઈ જોડાણ નથી હોતું. તે તો અલગ અને સ્વતન્ત્ર અસ્તીત્વ ધરાવે છે તેથી તેની જીભ ઉપર કોઈ પણ પ્રકારનું વીષ હોવાની સંભાવના હોતી નથી.

જેકબસન ઓર્ગન

સાપના ઉપરનાં જડબામાં, તાળવાના આગળના ભાગમાં બે ગ્રંથી હોય છે. જે ખાડા કે પોલાણ સ્વરુપે હોય છે તે ગ્રંથીઓને ‘જેકબસન ઓર્ગન’ કહે છે. ઘણા આને Vomeronasal organ પણ કહે છે. આવી ગ્રંથી ઘણા પ્રાણીઓમાં હોય છે. આ ગ્રંથીની શોધ 1913માં Ludwig Jacobson એ કરી હતી. આ ગ્રંથીનું કામ રસાયણ સંગ્રહવાનું છે. જેટલી વખત સાપની જીભ લપકારા મારતી બહાર આવે અને પાછી અન્દર જાય છે, તેટલી વખત સાપની જીભનાં છેડા જેકબસન ગ્રંથીમાં સ્પર્શે છે. સાપની જીભ આગળનાં ભાગેથી વહેંચાયેલી કેમ હોય છે? તેની ઉપયોગીતા શી હોય છે? સાપની આ વહેંચાયેલી જીભની આગળના ટોચકા જેકબસન ઓર્ગનના ખાડાઓમાં સ્પર્શે છે. જીભની ડાબી બાજુનો ફાંટો જેકબસન ઓર્ગનનાં ડાબી બાજુના ખાડામાં સ્પર્શે છે અને જીભનો જમણી બાજુનો ફાંટો જેકબસન ઓર્ગનનાં જમણા ખાડામાં સ્પર્શે છે. અને ડાબા–જમણા ફાંટાના ટોચકા પૈકી જે ટોચકા ઉપરની ગંધ વધુ તીવ્ર જણાય તે ઉપરથી સાપને ખબર પડી શકે છે કે ગંધ કઈ બાજુથી આવી છે.

આ ઈન્દ્રીય સાપ માટે ખુબ મહત્ત્વની છે. સાપ તેની જીભ ઉપર સંગ્રહાયેલાં ગંધ તથા તરંગોને જેકબસન ઓર્ગનનાં ખાડાઓમાં પહોંચાડે છે. અહીં તેનું વીશ્લેષણ થાય છે અને જેકબસન ઓર્ગન સાથે સંકળાયેલ માર્ગ સુધી પહોંચાડે છે. ત્યાંથી તે મગજમાં પહોંચે છે અને મગજમાં થતાં વીશ્લેષણના આધારે તે પ્રતીક્રીયા કરે છે.

આ ઈન્દ્રીયની મદદથી સંવનનની ઋતુમાં નર અને માદા એકબીજાને અનુસરે છે, ભેગા થાય છે. સાપ ભય અનુભવે છે, શીકારને અનુભવે છે તથા શીકાર મેળવે છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

2 Comments

 1. સાપની આંખ, જીભ અને જેકબસન ઓર્ગ અંગે ખૂબ સ રસ માહિતી
  ‘સાપ તેની જીભ ઉપર સંગ્રહાયેલાં ગંધ તથા તરંગોને જેકબસન ઓર્ગનનાં ખાડાઓમાં પહોંચાડે છે. અહીં તેનું વીશ્લેષણ થાય છે અને જેકબસન ઓર્ગન સાથે સંકળાયેલ માર્ગ સુધી પહોંચાડે છે. ત્યાંથી તે મગજમાં પહોંચે છે અને મગજમાં થતાં વીશ્લેષણના આધારે તે પ્રતીક્રીયા કરે છે.’
  આ વાત સાપ સાથે સંપર્ક રાખનારાને ખબર હોય છે કે જો ભય રાખો તો ભયને લીધે જે હોરમોન્સનો શ્રાવ થાય છે જેની સાપને ખબર પડે છે અને તે સામનો કરે છે.

  Liked by 2 people

 2. શ્રી અજયભાઇ દેસાઇ તરફથી સરસ જ્ઞાન પીરસાઇ રહ્યું છે.
  ખૂબ આનંદ.
  વઘુ પીરસો…
  અમૃત હઝારી.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s