જાતીવાદ અને તેની જન્મદાતા
વર્ણવ્યવસ્થાનો અંત ક્યારે?
–બીપીન શ્રોફ
જાતીવાદનો સાર્થ જોડણી પ્રમાણે અર્થ એક સામાજીક સમુહ તરીકે મનુષ્ય જાતી, આર્ય જાતી, ક્ષત્રીય જાતી કે સ્રી જાતીને સમજાવવા આ શબ્દનો ઉપયોગ થાય છે. આ સામાજીક સમુહ ખરેખર એક પ્રાથમીક સમુહ જીવનની કામની વહેંચણીની જરુરીયાતમાંથી જન્મ પામેલ છે.
આપણા દેશ માટે જાતીવાદ એ હીન્દુ વર્ણવ્યવસ્થાના ચાર ભાગોના વધારાના પેટાભાગો તરીકે અસ્તીત્વમાં આવેલ છે. વૈશ્વીક સ્તર પર લગભગ દરેક દેશોમાં શીકારયુગ પછી અસ્તીત્વમાં આવેલ કૃષી જીવન પદ્ધતીમાં કામની વહેંચણી માટેની નીપજ આ પ્રમાણે જ વીકસી હતી. ભારતમાં પણ હીન્દુ ધર્મે વર્ણવ્યવસ્થા (સામાજીક જાતીપ્રથા)નો ઉપયોગ કૃષી આધારીત ઉત્પાદન પદ્ધતી અને વહેંચણીના ટેકામાં જ કર્યો હતો. હીન્દુ ધર્મે વર્ણવ્યસ્થાને ઈશ્વરી સર્જન હોય તેવા ધાર્મીક પુસ્તકોનું સર્જન કરીને તેને અપરીવર્તનશીલ બનાવી દીધી હતી. વધારામાં આ ધર્મે વર્ણવ્યવસ્થાને માનવીના જન્મ સાથે જોડીને તેને સામાજીક વ્યવહાર અને નૈતીકતાનો એક ભાગ બનાવી દીધી. કૃષી જીવન પદ્ધતીને ટકાવી રાખવા માટે વીકસેલા શ્રમના વીભાજન જુદા જુદા કામના પ્રકારોને હીન્દુ ધર્મે સામાજીક, આર્થીક અને રાજકીય અસમાન પરીબળોના ભાગ બનાવી દીધા છે. બ્રાહ્મણ સીવાયના ત્રણેય વર્ણો ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્રને હીન્દુ ધર્મે પોતાના તમામ પ્રકારે શોષણના એક ભાગ બનાવી દીધા હતા અને હજુ પણ છે. તેમાં સૌથી વધારે અમાનવીય શોષણ શુદ્રનું એક વર્ણ તરીકે કરવામાં આવી રહ્યું છે. તદ્ઉપરાંત બ્રાહ્મણ સહીત તમામ વર્ણોની સ્રીઓને મીલકતના અધીકાર વીહીન બનાવીને તેણી સાથેનો વ્યવહાર પણ પેલા શુદ્ર વર્ણના લોકો સાથેના વ્યવહારથી પ્રમાણમાં બીલકુલ જુદો નથી.
દેશ સ્વતન્ત્ર બન્યો, આધુનીક અને ઔદ્યોગીક પરીબળોએ વર્ણ–જન્મ આધારીત તમામ વ્યવસાયી ધંધાઓને ક્રમશ: નાબુદ કરી નાંખ્યા. (પ્રમાણમાં સીવાય કે શુદ્ર વર્ણનો). હવે પેલી જુની કહેવત ખોટી પડે કે ‘મોચીનો દીકરો જીવે ત્યાં સુધી મરેલા ઢોરનું ચામડું કમાવે/ચમકાવે, દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે અને લુહારનો દીકરો જીવે ત્યાં સુધી લોઢુ ટીપે.’ કોરોના–19 મહામારીમાં લોકડાઉનના કારણે આપણને માહીતી મળી કે ભારતના જુદા જુદા રાજ્યોના ગામડાઓના લોકો રોજી–રોટી માટે પોતાનો વર્ણ–જન્મ–કર્મ છોડીને શહેરોમાં કોઈ પણ પ્રકારના આધુનીક ઔદ્યોગીક વ્યવસાયોમાં ફક્ત આધુનીક શ્રમજીવી તરીકે શ્રમ કરતા હતા. આમ ભારતમાં વર્ણ–જન્મ–કર્મ નીર્મીત વ્યવસાયો અને વર્ણ વીભાજનોની નાબુદી ક્રમશ: આર્થીક ક્ષેત્રોમાં શરુ થઈ છે; પરન્તુ હજુ વર્ણ અને જાતી આધારીત સામાજીક, આર્થીક, રાજકીય અને ખાસ કરીને નૈતીક વ્યવહારીક માળખું કે તેની પકડો ઢીલી થવાની જગ્યાએ વધુ મજબુત બનતી જાય છે.
આપણો મુખ્ય પ્રશ્ન છે કે કેવી રીતે માનવી જે એક જૈવીક એકમ છે તેને હીન્દુ ધર્મ આધારીત વ્યવસ્થાએ વર્ણો અને જાતીવાદે સર્જેલી સામાજીક અસમાનતાઓથી મુક્તી મેળવવી? આવી સામાજીક અસમાનતા વર્ણ અને જ્ઞાતી આધારીત શ્રમના વીભાજનમાં રહેલી છે. અહીંયા માનવીને તેના જન્મ–કર્મ સાથે જોડીને વ્યક્તીને શ્રમજીવીને બદલે એક ધર્મ આધારીત સમાજ વ્યવસ્થાનો ભાગ ગણીને, તે પ્રમાણેના અમાનવીય અને અનૈતીક વ્યવહાર તેની સાથે કરવામાં આવે છે. વૈશ્વીક કક્ષાએ સર્જન પામેલ આધુનીક ઔદ્યોગીક પરીબળોએ માનવીને જુની કૃષી સંસ્કૃતી આધારીત સામન્તશાહી સમાજમાંથી મુક્ત કરીને રાજકીય, આર્થીક અને સામાજીક રીતે સ્વતન્ત્ર બનાવ્યો છે.
ભારતમાં દેશ આઝાદ થયા પછી પ્રજા રાજકીય રીતે સ્વતન્ત્ર થઈ; પણ પેલા સામાજીક વર્ણ–જાતીવાદે પેદા કરેલા સમાજના ઉંચનીંચના વ્યવહારોની નાગચુડ બેડીઓમાંથી મુક્ત થઈ નથી. દેશમાં કોઈ પણ રાજકીય, સામાજીક કે ધાર્મીક સુધારાવાદી ચળવળો અને તેના નેતાઓએ હીન્દુ ધર્મે બક્ષેલી વર્ણવ્યવસ્થાના માળખાને અકબંધ રાખીને કામ કર્યા છે; કારણકે જો તમે વર્ણવ્યવસ્થા આધારીત સામાજીક પ્રણાલીઓ, રૂઢી–રીવાજોને આધુનીક જ્ઞાન–વીજ્ઞાન આધારીત પડકારો તો તમારી સામે પેલા રુઢીચુસ્ત પરીબળો કે ‘જૈસેથેવાદીઓ છે’ તે બધા એક થઈ, સંગઠીત થઈને ‘દેશના પૌરાણીક, સંસ્કૃતી અને વારસાને બચાવવાના નામે સામે પડી જશે. રાજ્યસત્તાને ચલાવનાર સરકાર પણ આ મુદ્દે સામાજીક ન્યાયને બદલે સામાજીક અન્યાયના બચાવમાં છડીદાર બનીને ઉભી રહેશે.
તો હવે કરવું શું? કોઈ ઉપાય છે? વર્તમાન આધુનીક ઉદ્યોગો આધારીત માળખાએ પોતાના અસ્તીત્વ અને વીકાસ માટે વર્ણ–જાતીવાદ આધારીત શ્રમના વીભાજનને બીનઉપયોગી ગણીને ફગાવી દીધો છે. નવા માળખાને જ્ઞાન–વીજ્ઞાન આધારીત નવા કામદારની જરૂર છે. તેને કોઈ નીસ્બત નથી કે તેનો વર્ણ કે જાતી કઈ છે. તેનો ધર્મ કયો છે. સદર આધુનીક પરીબળોની તાકાતે પોતાના હીતને ટકાવી રાખે તેવો સમાજ અને સંસ્થાઓ બનાવી દીધી છે. આ તાકાતવાન ઔદ્યોગીક સમાજમાં પેલા જુના વર્ણ–જાતીવાદવાળા માનવપરીબળોએ કેવી રીતે રોટલો કમાવવો તેની કુશળતા પેલા જુના સંસ્કાર અને વ્યવહારો અકબંધ રાખીને પણ મેળવી લીધી છે. દરેક રાષ્ટ્ર–રાજ્ય અને તેનો સમાજ જે પ્રમાણમાં આધુનીક પરીબળોને અનુકુળ થઈને નવી દીશામાં વીકાસ કરી શકે તે પ્રમાણે તેની પ્રજાને ફાયદો થાય. અથવા જે તે ધર્મ પ્રેરીત પરીબળોના હાથમાં સત્તાનું સુકાન આવે તો ઘડીયાળના કાંટા ઉંધા પણ ફરી શકે.
આ લેખના સન્દર્ભમાં હજુ આપણને વર્ણ–જાતીવાદમાંથી મુક્તી કેવી રીતે મળે તેનો સંતોષકારક ઉપાય દેખાતો નથી. તે માટે વ્યક્તીગત કક્ષાએ આપણા પોતાના કુટુમ્બના સ્તર પર પ્રયત્ન કરવા પડશે; કારણ કે હીન્દુધર્મ આધારીત વર્ણવ્યવસ્થાએ આપણા કુટુમ્બના તમામ વ્યવહારોમાં જબ્બરજસ્ત પગપેસારો સદીઓથી કરેલો છે. તેણે કુટુમ્બમાં મનુવાદી–બ્રાહ્મણવાદી વીચારસરણી આધારીત અસ્તીત્વમાં આવેલ બાળકના જન્મ, બાબરી અથવા ચૌલક્રીયા, યજ્ઞોપવીત–જનોઈ લગ્ન, મૃત્યુ પછીની વીધીઓ વગેરે તમામ વીધી–રૂઢીઓ અને તેના આધારીત વ્યવહારોમાંથી મુક્તી મેળવવાની છે. આપણે આ બધી જ વીધી–રૂઢીઓ જે બીલકુલ વ્યર્થ છે તેને પેલા મનુવાદી–બ્રાહ્મણવાદી વીચારસરણીના ટેકેદારો કે પ્રતીનીધીઓ જે બધા ખરેખર પરોપજીવીઓ છે તે બધાને શા માટે બોલાવવાની જરુર છે? આપણે કમસે કમ એવા રૅશનલ–માનવવાદી વ્યક્તીઓ, યુવાનો–યુવતીઓ ‘રોલમોડેલ’ તરીકે જ્ઞાન આધારીત બનાવવા પડશે કે જે પેલા મનુવાદી–બ્રાહ્મણવાદીને પોતાના કુટુમ્બમાંથી કાયમ માટે જાકારો આપે અને અપાવે. આવી ચળવળને આપણે ‘નવજાગૃતી’ની ચળવળ તરીકે જાહેર અને આગળ વધારી શકીએ.
–બીપીન શ્રોફ
લેખક રેશનાલીસ્ટ બીપીન શ્રોફે તા. 29/11/2020ના રોજ પ્રગટ કરેલ તેમની ‘ફેસબુક’ પોસ્ટ (સ્રોત : https://www.facebook.com/bipin.shroff/posts/10223256342428024)માંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : રૅશનાલીસ્ટ બીપીન શ્રોફ, તન્ત્રી, ‘વૈશ્વીક માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 ઈ.મેલ : shroffbipin@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
સરસ લેખ ગોવીન્દભાઈ. આભાર આપનો તથા બીપીનભાઈનો. જો કે હીન્દુ ધર્મમાંથી જાતીવાદ જવો અશક્ય લાગે છે. થોડા સમય પહેલાં જોવા મળ્યું. એક બ્રાહ્મણના અયોગ્ય વર્તનનો પણ કહેવાતા અસ્પૃશ્ય લોકોએ બચાવ કર્યો હતો. બ્રાહ્મણને ત્યાં જન્મેલ સાવ નીચલી કક્ષાનું વર્તન કરે તો પણ લોકો તેને ભગવાન તરીકે પુજે છે.
LikeLiked by 2 people
આ જુઓ..
LikeLiked by 1 person
જાતિવાદ એ એક પ્રકાર નું સામાજિક અનિષ્ટ (social evil) છે. અને આ social evil દરેક ધર્મ માં ઓછે વત્તે ફેલાયેલ છે મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં જાતિવાદ ને અપનાવવા વિષે મના કરવામાં આવેલ છે પરંતુ મુસ્લિમ સમાજ માં ચુનંદા વર્ગે તથા મુલ્લા મૌલવીઓએ જાતિવાદ અને સાંપ્રદાયિક વલણ ને અપનાવી ને પ્રજા માં ભાગલા પાડી દીધેલ છે.
LikeLiked by 2 people
“વીધીઓ વગેરે તમામ વીધી–રૂઢીઓ અને તેના આધારીત વ્યવહારોમાંથી મુક્તી મેળવવાની છે.” આ વાત સાથે સંપૂર્ણ સહમત.
સારા પ્રસંગોની ઉજવણી જરૂર કરવી જોઈએ…પણ ‘રૂઢી છે’ અને ‘કરવી પડે’ એ અજ્ઞાન છે. સરયૂ પરીખ
LikeLiked by 2 people
જાતિ એ મોટાભાગે વ્યવસાય આધારિત અને વારસાગત ઉતરી આવેલું સામાજીક માળખું છે, જે ખાસ સામાજીક નિયમો અને પ્રતિબંધો ધરાવે છે. જાતિનો ખ્યાલ વિવિધ ધર્મોમાં રહેલો છે, પરંતુ તે ભારતીય સમાજમાં લાંબા સમયથી હજુ સુધી વ્યાપેલ છે. જોકે, ભારતના જાતિવાદનું આર્થિક મહત્વ શહેરીકરણને લીધે ઘટી ગયું છે. જાતિ પ્રથાને ઘણી વખત કીડી જેવા પ્રાણીઓમાં રહેલા સામાજીક માળખા સાથે પણ સરખાવાય છે.
કડવી વાસ્તવિકતા એ છે કે ૨૧મી સદીમાં પણ ભારતમાં જ્ઞાતિવાદ અને જાતિવાદ નાબુદ થવાને બદલે વધુ વકરતો જાય છે.આ અંગે વધુ પ્રયાસો કરી નાબુદ ન થાય તો પણ ઓછો થાય તેવા સતત પ્રયાસો થવા જોઇએ
સરસ લેખ
ધન્યવાદ
LikeLiked by 2 people
શ્રી બીપીન શ્રોફે,
વરસોથી ચવાઇ ગયેલો વિષય ચર્ચા માટે લીઘો છે.
ભગવદ્ ગીતાના અઘ્યાય : ૪ : શ્લોક : ૧૩ કહે છે કે….( ગુજરાતી ભાવાનુવાદ )
શ્રી કૃષણ ઉવાચ……( અર્જુનને )
ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.
ગીતાના આ શબ્દોને જીવનમાં જીવતાં લોકો પોતાની રીતે આ શબ્દોને પોતાના જીવનમાં જીવે છે. કહેવાય કે જો ગીતાજી ૩ હજાર કે ૫ હજાર વરસો પહેલાં લખાયેલા હોય તો તેટલાં વરસોથી આ જિવન જિવાઇ રહ્યુ છે. વર્ણવ્યવસ્થાને પછી મનુ મહારાજને લોકો વચ્ચે જીવવા માટે સોંપવાનું કર્મ સોંપાયેલું. મનુ સ્મૃતિ વાંચવાની ભલામણ કરું છું. શુદ્રો અને સ્ત્રીઓના જિવનને વાંચવાની ભલામણ કરું છું. આ બઘુ આજે પણ ઓછે વત્તે અંશે સમાજમાં જીવાઇ રહ્યા છે….
પાચ હજાર વરસોથી ( ? ) જે જીવન જીવાઇ રહ્યુ હોય તેને કોણ દૂર કરી શકે ? કેટલાં જ્ઞાનીઓ સમાજ સેવકો દુનિયા છોડી ગયા…પણ…વર્ણવ્યવસ્થા જીવીત છે.
આજના સમાજના પ્રશ્નો ની ચર્ચા કરીઅે અને તેને સોલ્વ કરીઅે.
આજથી પાંચમી પેઢી કદાચ વર્ણવ્યવસ્થાનું જીવન ઘણું ઓછું જીવતી હશે. કુદરતી રીતે સમય પ્રમાણે તે દૂર થશે.
સ્વામી સચ્ચિદાનંદજિના પુસ્તક ગીતા અને આપણા પ્રશ્નો..ની પ્રસ્તાવના…ભૂમિકામાં તેઓ લખે છે….
હિન્દુ પ્રજા પાસે અેક તો પોતાનું સર્વમાન્ય સચોટ ઘર્મપુસ્તક નથી. બ્રાહ્મણઘર્મને માનવઘર્મમાં ઢાળી શકાય તેમ નથી અેટલે વેદોને કદી પણ સામાન્ય પ્રજા સુઘી પહોંચાડી શકાયા નથી.
પાના નં: ૧૦ : ઉપર….
હિન્દુ ઘર્મોનું વેદોત્તર કાળનું રુપ બદલાઇને નિવૃત્તિમાર્ગી થઇ ગયું છે., અેટલે સેનાપતિ, યોદ્ઘો, વૈજ્ઞાનિક, સમુદ્ર સાહસિક વગેરે થવા કરતાં અહીં સન્યાસીઓ મોટી સ;ખ્યામાં થયા છે. આ સંસારને મિથ્યા માનનાર સાઘુ સન્યાસીઓઅે પ્રજાને સતત ઠંડી પાડવાનું તથા ઇચ્છાશક્તિનો ક્ષય કરવાનું ભારે કામ કર્યુ છે.
છે કોઇનામાં હિંમત ? વર્ણવ્યવસ્થાને દૂર કરવાની ?
ગાંઘીજીને…‘ ભંગી ‘ ઓને ‘ હરિજન ‘ કહેડાવવા માટે કેટલી તકલીફ પડેલી તેનો અભ્યાસ કરવા વિનંતિ છે. ભંગી શબ્દને ડીક્શનરીમાંથી કાઢી નાખવાની હિંમત છે ?
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
લેખ ખૂબ જ ગમ્યો…ખરેખર સાચી વાત આપની વ્યક્તીગત રીતે પોતપોતાના ઘરથી જ શરૂઆત કરે જાગૃતી લાવે અને ખોટી બીનજરૂરી કર્મકાંડ વીધીમાંથી છુટકારો મેળવે ત્યારે જ આ શક્ય છે.
LikeLiked by 2 people
Gitaben Humanist
આખો લેખ વાંચ્યો. વાત તો સાચી છે. પણ ઉપાય શું? જાતિવાદને માર્ક્સવાદી શાસન જ નાબૂદ કરી શકે; પણ ગુજરાતના મોટાભાગના રૅશનાલિસ્ટો માર્ક્સવાદ વિરોધી છે. વર્ષોથી રૅશનાલિસ્ટો મિટીંગો કરે છે; પણ જાતિવાદ તો એમનો એમ જ છે. રૅશનાલિસ્ટો જાતિવાદ નાબૂદ કરવા માંગતા નથી. માત્ર પોતે બહુ વિદ્વાન છે એવું સાબિત કરવા માંગે છે.
(મારી ‘ફેસબુક’ ટાઈમલાઈન પર આ પોસ્ટના અનુસંધાને માનનીય ગીતાબહેને ‘ફેસબુક’ પર આપેલ પ્રતીભાવ અહીં ચર્ચાર્થે સાદર કર્યો છે.)
LikeLiked by 1 person
ચર્ચા પત્રી શ્રી ગીતાબેન હ્યુમેનીસ્ટ.
તેઓએ કરેલા અંગત આક્ષેપનો જવાબ આપવાનો અર્થ એટલા માટે નથી કે તે તેમનો અંગત મત છે. પણ રેશનાલીઝમ અને માર્કસવાદ અંગે મારે એટલું જ જાણવું છે કે તમે અમને ટુંકમાં સમજાવો કે રેશનાલીઝમ શું છે અને તેનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં શું છે? બીજું રેશનાલીઝમ અને વર્ણવ્યવસ્થાને શું સંબંધ છે? માર્કસવાદ એ કઇ જાદુઇ લાકડી છે કે તેનાથી વર્ણવ્યવસ્થા નાબુદ થઇ જાય? પશ્ચીમી ઔધ્યોગીક સમાજમાં માર્કસવાદ છે કે નહી? તેમાં વર્ણવ્યવસ્થા કેમ નથી?
LikeLiked by 2 people
શિકાર યુગ પછી ખેતી આધારિત જીવન માં બધા દેશો માં અલગ અલગ કામ ની વહેંચણી થઈ સાચું પણ અહીંયા ભારત માં કામ ના લીધે જાતિવાદ થયો એ વાત ખોટી છે. કાર્ય વિભાજન તો પહેલા પણ હતું પણ જાતિ કે વર્ણ નહોતા.આવો જાતિવાદ થવાનું મૂળ કારણ છે જે રીતે મુગલો ત્યાર બાદ અંગ્રેજો આવ્યા એમ હજારો વર્ષ પહેલા આર્યો ભારત માં આવ્યા.આર્યો મુખ્યત્વે શિકારી અને પશુ પાલકો હતા.એમનો મુખ્ય વ્યવસાય હતો રસ્તા માં આવતા ગામો ને લૂંટી લેવા લૂંટ એ એમનો મુખ્ય વ્યવસાય હતો.ખોટું લાગતું હોય તો નહેરુ જી નું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જોઈ લેવા વિનંતી. એ લોકો આવ્યા અહી ના મૂળ નિવાસી શાસકો ને હરાવ્યા અને રાજાશાહી સ્થાપી ત્યાર બાદ અહી ના મૂળ નિવાસી લોકો ને કાયમી ગુલામ બનાવવા અનેક જાતિઓ માં વિભાજિત કરી નાખ્યાં અને હજારો વર્ષ અત્યાચાર કર્યાં.હવે વધુ ન લખતા જાતિ વાદ નો ઉપાય જાણવું.પહેલા તો હિન્દુ એ માત્ર વર્ણવ્યવસ્થા છે. ધર્મ નથી.ધર્મ ની વ્યાખ્યા પ્રમાણે ધર્મ એને કહેવાય જેનો એક ધર્મ સ્થાપક હોય જેમ કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હિન્દુ ધર્મ નો કોઈ ધર્મ સ્થાપક નથી.બીજું ધર્મ શાસ્ત્ર જેમ કે બાઇબલ.હિન્દુ ધર્મ નું કોઈ એક ધર્મ શાસ્ત્ર નથી.રામાયણ મહાભારત માત્ર મહાકાવ્યો છે.પછી ત્રીજું ધર્મ શાસ્ત્ર ના તત્વ જ્ઞાન ની અંદર એક વ્યક્તિ એ બીજી વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો તેનો નિર્દેશ હોય.ચોથું તે ધર્મ ની યંત્રણા ચલાવવા ધર્મ સ્થાન હોવું જોઇએ જેમકે ચર્ચ અને તેનો ચાલક પુરોહિત હોવો જોઇએ.આમ વ્યાખ્યા પ્રમાણે હિન્દુ ધર્મ નથી માત્ર જાતિ વ્યવસ્થા જ છે.હવે તમે ગમે તેટલું ભણેલા હોવ શૂટ બુટ પહેરતા હોવ તો નીચી જાતિ ના હોવ એટલે એક અભણ ઉચી જાતિ નો તમારા કરતાં ઊંચો ગણાય અને તમે નીચ જ ગણાવ આનો એક જ ઉપાય થાય જેમ જોયું કે હિન્દુ માત્ર જાતિ વ્યવસ્થા જ છે તો જાતિ નો વિનાશ થાય બધા નીચી જાતિ ના લોકો ધર્મ પરિવર્તન ન કરે અને જાતિનો સંપૂર્ણ વિનાશ ન કરે ત્યાં સુધી જાતિવાદ નો વિનાશ થાય નહિ આ એક જ ઉપાય છે જાતિ નો સંપૂર્ણ વિનાશ પણ નીચી જાતિ ના લોકો આ કરવાના નથી કારણ કે બદલાવું,પરિવર્તન માં ડર કે આળસ એ પણ આમાં એક મોટું મનોવૈજ્ઞાનિક પાસુ છે અને જેને લાગતું હોય કે સામ્ય વાદ કઈ કરી શકે એ જાણી લે કે સામ્ય વાદે કેટલા લોકો ને માર્યા છે અને રશિયા અને ચીન જેવા મોટા સામ્ય વાદી દેશો નું અર્થ તંત્ર સામ્ય વાદ થી ચાલે છે?કે મૂડી વાદ થી?સિધ્ધાંત તો બનાવી નાખે પણ એની કઈક વાસ્તવિકતા પણ હોવી જોઇએ સામ્ય વાદ માં માનવતા નથી ચીન એનું જીવંત ઉદાહરણ છે જોઈ લો
LikeLiked by 2 people
બહુ જ સરસ લેખ છે. આ વ્યવસ્થા ભારતના ડીએનએ માં વણાઈ ગઈ હોય એવું લાગે છે. બહારથી જે ધર્મો આવ્યા તે પણ આવા જ થઈ ગયા!
હવે પ્રશ્ન એ છે કે આ વ્યવસ્થા ને દુર કેવી રીતે કરવી? એક વાત સ્પષ્ટ છે કે સમાજ કોઈપણ પ્રથાને ત્યારે જ ત્યાગે છે જ્યારે તેવું કરવું તેના માટે ફરજિયાત બની જાય છે. સમાજમાંથી આજે એવા અનેક રિવાજો દૂર થઈ ગયા છે જે આજથી પચાસ વરસ પહેલાં પ્રવર્તતા હતા, કેટલાક આર્થિક મજબૂરીથી થયા તો કેટલાક કાયદાકીય પરિવર્તનથી. આ આધાર ઉપર મને એવું લાગે છે કે જે પ્રમાણે વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે ભારતમાંથી પણ કાળાંતરે આ દુષણો દૂર થતાં જશે. પરંતુ જો તેને આયોજન બદ્ધ રીતે દૂર કરવા હોય તો કેટલાક સામાજિક સુધારા કાયદાકીય રીતે દાખલ કરવામાં આવે તો તે જલ્દી શક્ય બને.
(૧). વસ્તીગણતરી હોય કે કોઈ પણ સરકારી ગણત્રી કે કોલમ કોઈ પણ જગ્યાએ જાતિ કે ધાર્મિક ગણત્રી કે ઓળખ ના કરવી.
(૨). આર્થિક આધાર ઉપર માત્ર શિક્ષણમાં અનામત આપવી
(૩). દરેક વ્યક્તિની ઓળખ પ્રાદેશિક આધાર ઉપર સ્થાપિત થાય તેવી વ્યવસ્થા કરવી એટલે કે એક પ્રદેશના તમામ લોકોની ઓળખ સમાન હોય.
(૪). કાયદો અને વ્યવસ્થા તેમજ કાયદાનું શાસન એટલું સુદ્રઢ કરવું કે કોઈપણ પ્રકારની ફરિયાદ નો નિકાલ વધારેમાં વધારે એક વર્ષમાં આવી જાય.
(૫).દરેક પદની સામાજિક જવાબદારી નિર્ધારિત કરવી અને તેનું મૂલ્યાંકન તેમજ તે પ્રમાણે તેને બદલો મળે તેવી વ્યવસ્થા કરવી.
(૬). સરકારની કે ખાનગી દરેક વ્યવસ્થામાં ભરતી, બઢતી વિગેરે ના ચોક્કસ ગાણિતિક આધાર ઉપર ધોરણ સ્થાપિત કરવા.
(૭). ધાર્મિક આયોજનો જાહેરમાં ના કરવા અને ધાર્મિક તહેવારોની જાહેર રજા ના હોય.
મને એવું લાગે છે કે આટલી વ્યવસ્થા કરવામાં આવે તો પચાસેક વરસમાં આ પ્રશ્ન લગભગ પ્રાસંગિક બની જાય.
LikeLiked by 2 people
સરસ લેખ.
LikeLiked by 1 person
સરસ લેખ.
મે વ્યક્તીગત રીતે ક્યારનીય શરુઆત કરી દીધી છે.હું કોઇ પણ પ્રકારના કુરીવાજો આડંબર અને વીધીઓમાં માંનતો નથી.
આભાર.
LikeLiked by 2 people
Friends,
” Recently I read this……..Regarding HUMANITY…….
We are all human….
Untill,
RACE disconnected us, RELIGIOUS separated us, POLITICS divided us, and WEALTH classified us…….”
This ,I think is applicable to the human life in the year 2021……We are all human…….
Just to share……
Thanks,
Amrut Hazari.
LikeLiked by 2 people