‘ઉત્ક્રાંતીવાદ’ માટે એક લેખ પુરતો નથી, આખું પુસ્તક જોઈએ. આમ છતાં તે વીશે વીજ્ઞાન આધારીત વીશીષ્ટ સમજ પ્રસ્તુત છે.
પ્રકરણ : 10
ઉત્ક્રાંતી
– મુરજી ગડા
સર્વવ્યાપી, સર્વસ્વીકૃત એવી એક પુરાણી માન્યતાને ચારસો વરસ પહેલાં જોરદાર ફટકો લાગ્યો હતો, જ્યારે પૃથ્વીનો સાચો આકાર અને બ્રહ્માંડમાં તેનું સાચું સ્થાન જાહેર કરવામાં આવ્યા હતા. આ બાબતે હવે બધું સ્વીકારાઈ ગયું હોવાથી, જુજ અપવાદ બાદ કરતાં, વીવાદ શાંત થઈ ગયો છે.
એ જ રીતે આપણા મુળ વીશેની બીજી સર્વવ્યાપી, સર્વસ્વીકૃત પુરાણી ધાર્મીક માન્યતાને દોઢસો વરસ પહેલાં બીજો જોરદાર ફટકો લાગ્યો હતો, જ્યારે ‘ઉત્ક્રાંતીવાદ’ની વાત જાહેર થઈ હતી. એનો વીવાદ તો હજીયે ચાલુ છે.
કોઈ નવી વાતનો અહેવાલ આપતાં પહેલાં એને સારી રીતે સમજવાની કે ચકાસવાની ધીરજ અને વૃત્તી પ્રસાર માધ્યમોમાં હોતી નથી. પરીણામે કોઈ ઉતાવળીયા પત્રકારે ‘વાંદરામાંથી માણસ થયો’ એવું છાપી માર્યું. મોટાભાગના લોકોની ઉત્ક્રાંતી વીશેની સમજ આટલા પુરતી મર્યાદીત છે. આ એક અર્ધસત્યે ‘ઉત્ક્રાંતીવાદ’ સમજવામાં જેટલી અડચણો ઉભી કરી છે એટલી કદાચ એના અઠંગ વીરોધીઓએ પણ નહીં કરી હોય! આ ગેરસમજને દુર કરવી જરુરી છે.
સજીવોના નૈસર્ગીક રીતે તબક્કાવાર થયેલા વીકાસને ઉત્ક્રાંતી કહે છે. નીર્જીવોમાં દેખાતી વીવીધતા અને જટીલતા પણ તબક્કાવાર થઈ છે; છતાં એ ઉત્ક્રાંતી નથી ગણાતી. જો એને પણ ઉત્ક્રાંતી ગણવામાં આવે તો ઉત્ક્રાંતીની શરુઆત શુન્ય સમયથી એટલે કે ‘બીગ બેંગ’થી થઈ એમ કહી શકાય.
જીવ વીજ્ઞાનને રસાયણશાસ્ત્ર સાથે ખુબ નજીકનો નાતો છે. એટલે ઉત્ક્રાંતીની વાત આગળ વધારતાં પહેલાં શુષ્ક ગણાતા રસાયણશાસ્ત્રને થોડું સમજવું જરુરી બને છે. આપણી આસપાસ જે પણ દેખાય છે તે બધું અણુ અને પરમાણોનું બનેલું છે. ઘણા આ જાણે છે. એને થોડા ઉંડાણમાં જાણીએ અને સમજીએ.
પૃથ્વી પર 94 પ્રકારના મુળતત્ત્વો (ઍલીમેન્ટસ) નૈસર્ગીક રુપમાં જોવા મળ્યા છે. આમાંથી મોટાભાગના તત્ત્વો તારાઓના ગર્ભમાં બનેલા છે. આ ઉપરાંત બીજા 24 મુળતત્ત્વોને વૈજ્ઞાનીકો અણુભઠ્ઠીમાં બનાવી શક્યા છે. આ બધા જ તત્ત્વોના પરમાણુ (એટમ) માત્ર ત્રણ ઘટકોના બનેલા છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન. ફરક માત્ર એમનામાં સમાયેલા ઘટકોની સંખ્યાનો છે. સૌથી પહેલાં અને સહેલા હાઈડ્રોજનના પરમાણુમાં માત્ર એક પ્રોટોન અને એક ઈલેકટ્રોન હોય છે. સૌને ગમતા સોનામાં 79 પ્રોટોન છે જ્યારે પારામાં 80 અને સીસામાં 82 પ્રોટોન છે. માત્ર આટલા નજીવા ફરકને કારણે આ તત્ત્વોના ગુણધર્મ, ઉપયોગ અને કીમ્મતમાં કેટલો ફરક પડે છે એ જોઈ શકાય છે.
આ માત્ર મુળ તત્ત્વોની વાત થઈ. આ તત્ત્વોનું એકબીજા સાથે સંયોજન થવાથી એક નવો જ પદાર્થ બને છે જેને કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. એના ગુણધર્મો મુળ તત્ત્વો કરતાં સાવ અલગ હોય છે. પૃથ્વી પર કુદરતી તેમ જ માનવસર્જીત સંયોજનો એક કરોડ કરતાં પણ વધારે છે. આ બધા મુળ તત્ત્વો અને સંયોજનોના પોતાના વીશીષ્ટ ગુણધર્મો છે. દા.ત.; માત્ર ઑક્સીજનની હાજરીમાં જ વસ્તુઓ બળી શકે છે, માત્ર લોખંડ જ ચુમ્બકત્વ ધરી શકે છે, વગેરે… ઘણા દાખલા આપી શકાય.
કાર્બન એક એવું તત્ત્વ છે જે સાવ સહેલાઈથી કેટલાયે અલગ મુળતત્ત્વો સાથે સંયોજીત થઈ અતી જટીલ અણુઓ બનાવી શકે છે. આ કાર્બન અને હાઈડ્રોજનના સંયોજનથી એક નવો અણુ બન્યો જેણે વાતાવરણમાંથી બીજા કાર્બન અને હાઈડ્રોજનના પરમાણુઓને આકર્ષી, પોતાના જેવા બીજા અણુઓ બનાવી એક સાંકળ રચી. આ પ્રક્રીયા શરુ થવા જરુરી ઉર્જા વાતાવરણમાં વીજળી થાય ત્યારે થઈ હોવાની ઘણી શક્યતા છે. પોતાની પ્રતીકૃતી બનાવતા આ અણુઓ ઓર્ગેનીક મૉલેક્યુલ કહેવાયા જે જૈવીક ઉત્ક્રાંતીની શરુઆત છે. કોઈને આમાં દૈવી હસ્તક્ષેપ દેખાતો હોય તો તે એમનો દૃષ્ટીકોણ છે. બાકી જે રીતે ભેજમાં લોખંડ કટાય છે એના જેવી આ એક રાસાયણીક ક્રીયા માત્ર છે, જે યોગ્ય વાતાવરણમાં સ્વયંભુ થઈ છે, થાય છે. ઓર્ગેનીક મૉલેક્યુલની શરુઆત સમજવા આટલા ઉંડાણમા જવાનું જરુરી હતું.
આ ઓર્ગેનીક મૉલેક્યુલ નીર્જીવ અને સજીવ બોર્ડર પર ગણાય છે. પોતાની પ્રતીકૃતી બનાવવી એ સજીવની ખાસીયત છે. સામાન્ય શરદીથી લઈ એઈડ્સ સુધીની બીમારીઓ ફેલાવતા વાઈરસ આ મુળ ઑર્ગેનીક મૉલેક્યુલની સુધરેલી આવૃત્તી જેવા છે. વાઈરસ પરોપજીવી છે. એટલે કે તે બીજા સજીવના શરીરમાં જ વૃધ્ધી પામી શકે છે. એ શ્વાસ લેતા નથી; સ્વતન્ત્ર રીતે પોતા જેવા બીજા બનાવી શકતા નથી; પણ યજમાન સજીવના શરીરમાં પોતાના જેવા બીજા બનાવી શકે છે.
એક કોષીય બેક્ટેરીયા પ્રમાણમાં ઘણા જટીલ અને વીકસીત છે. એમને અસ્તીત્વમાં આવતાં વાઈરસ પછી કરોડો વરસ લાગ્યા છે. વધારે વીકસીત જીવો બનતાં બીજા કરોડો વરસ લાગ્યા છે. વનસ્પતી કે પ્રાણી જગતની જે પણ પ્રજાતી પોતાની આસપાસ બદલાતા વાતાવરણ સાથે અનુકુળ ન થઈ શકી, તેનો કુદરતી રીતે નાશ થયો છે. જે પ્રતીકુળતામાં પણ ટકી રહ્યા એમની શરીર રચનામાં કાળક્રમે જરુરી ફેરફાર થતા ગયા. જેથી તે આસપાસના વાતાવરણને સહેલાઈથી અનુકુળ થઈ વધારે બળવાન બન્યા છે. આ રીતે કેટલીયે પ્રજાતીઓ લુપ્ત થઈ છે અને વધુ વીકસીત નવી પ્રજાતીઓ અસ્તીત્વમાં આવી છે.
આનો દાખલો વર્તમાનની બે ઘટનાઓથી સમજાવી શકાય છે. મેલેરીયા જેવા રોગ ફેલાવતા મચ્છરોએ DDT કહેવાતી પ્રચલીત દવા સામે ટકી રહેવાની ક્ષમતા વીકસાવી છે. જેથી એમનો નાશ કરવામાં DDT હવે નાકામીયાબ થઈ છે. એટલું જ નહીં; પણ મચ્છરોના શરીરમાં મળતા વાઈરસોએ પણ પોતામાં ફેરફાર કરી મેલેરીયાને બદલે ડૅન્ગ્યુ કે સ્વાઈન ફ્લુનો ઉપદ્રવ શરુ કર્યો છે. એ જ રીતે TBના જીવાણુઓએ પણ TBની અમુક દવાને નકામી કરી છે. આ એ જીવાણુઓની ઉત્ક્રાંતી છે, જે ‘ઉત્ક્રાંતીવાદ’ સાબીત કરે છે.
‘ઉત્ક્રાંતીવાદ’ વીજ્ઞાનનો જ એક વીષય છે. જે સાબીત થઈ શકે તેને જ સ્વીકારવાનો વીજ્ઞાનનો પાયાનો નીયમ ઉત્ક્રાંતીવાદને પણ લાગુ પડે છે. વધુ શોધખોળને અંતે જો સ્વીકારાયેલ નીયમોથી અલગ સાબીતી મળે તો વીજ્ઞાન તેને આવકારે છે. એમાં જડતા કે આડમ્બર નથી. આજ સુધીનું બધું જ સંશોધન ‘ઉત્ક્રાંતીવાદ’ની તરફેણમાં જાય છે. એને પડકારતી કોઈ પણ વૈજ્ઞાનીક સાબીતી હજી સુધી મળી નથી. તો પછી આ વાસ્તવીકતાનો વીરોધ કેમ કરાય છે?
‘ઉત્ક્રાંતીવાદ’ની તબક્કાવાર વાત કરવા માટે એક લેખ પુરતો નથી, આખું પુસ્તક જોઈએ. એટલે સીધા વાંદરા–માણસની વાત પર આવીએ. પુછડીવાળા વાનર ઉત્ક્રાંતીમાં આપણાથી ઘણા પછાત છે. એમની પુંછડી વગરની વીકસીત પ્રજાતી એપ (APE) કહેવાય છે. ભારતમાં એમનો વાસ નથી એટલે આપણી ભાષાઓમાં એમના માટે યોગ્ય શબ્દ પણ નથી. અન્યત્ર વસતા આ એપની માત્ર ચાર જાતો હયાત છે : ગોરીલા, ચીમ્પાન્ઝી, ઉરાનગુટાન અને બોનોબો.
આ એપ પણ આપણા પુર્વજ નથી, બલકે એમના અને આપણા પુર્વજ એક હતા જે પ્રાયમેટ કહેવાય છે. એમની અને આપણી ઉત્ક્રાંતીની શાખા 65 લાખ વરસ પહેલાં છુટી પડી છે. આ સમય દરમીયાન આપણા પુર્વજોની કેટલીયે પ્રજાતીઓ થઈ અને નાશ પામી છે. એનો અપયશ આપણા ત્યારના પુર્વજોને ફાળે જાય છે. હરીફાઈ ઘટાડવા એમનું નીકંદન કાઢી નાખવામાં આવ્યું હોય એવું એક અનુમાન છે.
ટુંકમાં વાનરમાંથી રાતોરાત માણસ નથી થયો, ન થઈ શકે. ઉત્ક્રાંતીને લીધે થતા ફેરફારોને હજારો, લાખો વરસ લાગે છે. એપ આપણા પુર્વજ નથી પણ દુરના પીતરાઈ છે. એમના જનીન આપણા જનીન સાથે 98% મળતા આવે છે એટલે એમનો અને આપણો ‘લોહીનો સમ્બન્ધ છે’ એવું જરુરી કહી શકાય. પુંછડીવાળા વાનર તો ઘણા દુર થાય.
આજે કાળા, ધોળા, ઘઉવર્ણા કે પીળાશ પડતા, જેટલા પણ રંગના માણસો છે, એ બધાના પુર્વજ પુર્વ આફ્રીકામાંથી આવેલા છે. આધુનીક માણસ આશરે દોઢ–બે લાખ વર્ષો પહેલાં જ અસ્તીત્વમાં આવ્યો છે અને માત્ર 60,000 વરસ પહેલાં આફ્રીકાથી બહાર નીકળી અન્યત્ર ફેલાયો છે. ત્યારના બધા જ મનુષ્યની ચામડીનો રંગ કાળો હતો. વાતાવરણ, રહેણીકરણી અને ખોરાક જેવી વીવીધતાને લીધે બધી માનવીય પ્રજાતીઓના દેખાવ, રુપ–રંગ વગેરેમાં પણ કેટલો ફરક થયો છે તે જોઈ શકાય છે. ઉત્ક્રાંતીનું આ પણ ઉદાહરણ છે.
ઉત્ક્રાંતી ‘હાઈપોથીસી’/અનુમાનીત નથી, એટલે કે અનુમાન કે માન્યતા માત્ર નથી; એ નક્કર વાસ્તવીકતા છે. એના પુરાવા છે : જમીનમાંથી મળી આવતા પ્રાણીઓ અને વનસ્પતીઓના અશ્મી; એક જ પ્રજાતીના પ્રાણીઓ વચ્ચે સ્થળ અને કાળને લીધે થતો તફાવત અને હવે DNA પરીક્ષણના પરીણામો. આ બધું વીસ્તારથી સમજાવતા થોકબંધ પુસ્તકો લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે. આપણે વાંચવાની તસ્દી લેવી પડે.
સમસ્ત દુનીયાના પુરાતત્ત્વ વીભાગ દ્વારા થતાં ખોદકામથી ભુતકાળના મૃત જીવોનાં અશ્મી (Fossils) પુષ્કળ પ્રમાણમાં મળી આવ્યા છે. એમનો સમય જાણવા માટે Carbon-14, Argon-39, Argon-40 જેવી વીવીધ પદ્ધતીઓ વીકસાવાઈ છે. જે ચોકસાઈપુર્વક સમયગણના કરી શકે છે. બધું જ વૈજ્ઞાનીક ઢબે થતું. પારદર્શક, બધા માટે ખુલલું જ્ઞાન છે. એમાં માન્યતાઓને કોઈ સ્થાન નથી. ક્યાંયથી પણ દોઢ લાખ વરસથી પુરાણા આધુનીક માણસનાં અશ્મી મળ્યાં નથી. માણસનું લાખો/કરોડો વરસનું આયુષ્ય ક્યારેય પણ નહોતું. અન્ય કોઈ પ્રાણીનું પણ આટલું લાંબું આયુષ્ય ક્યારે પણ નહોતું.
પૃથ્વી પરની અન્ય જીવસૃષ્ટીના પ્રમાણમાં માણસનું આગમન સાવ તાજું છે; પણ છેલ્લું નથી. આ બ્રહ્માંડનો જે પણ કર્તાહર્તા હોય એના માટે આપણે જરા પણ વીશીષ્ટ હોવાની સમ્ભાવના નથી. આપણું જે પણ મહત્ત્વ છે તે આપણે જાતે આપણને આપ્યું છે. એટલાથી સંતોષ ન થતાં માનવ સમાજે દેશ, ધર્મ, જાતી આધારીત અનેક ભાગ કરી બધાએ પોતપોતાને વધારે ઉંચા બતાવ્યા છે.
હવે માત્ર કુદરતી નહીં પણ માનવસર્જીત ઘટનાઓ અને પ્રયત્નોથી આ ઉત્ક્રાંતીની પ્રક્રીયા ઝડપી બની છે, એના પરીણામો હજારો વરસમાં નહીં; પણ ટુંક સમયમાં જોઈ શકાય છે. છેલ્લા થોડા દાયકાઓમાં તબીબી ક્ષેત્રે થયેલ સંશોધનથી સરેરાશ આયુમર્યાદા વધી છે. ખોરાકમાં થયેલ ફેરફારને લીધે સરેરાશ ઉંચાઈ વધી છે. યૌવન વહેલું શરુ થઈ લાંબો સમય જળવાઈ રહે છે. આ ઉત્ક્રાંતી છે.
કુતરા, ગાય, ઘોડા જેવા પાલતું પ્રાણીઓની ઉંચી નસલ મેળવવા કરવામાં આવતું ‘ક્રોસ બ્રીડીંગ’ ઉત્ક્રાંતીની ક્રીયા ઝડપી બનાવે છે. અનાજ, શાકભાજી વગેરેમાં હાઈબ્રીડથી કરવામાં આવતું વાવેતર પણ એમનામાં ઉત્ક્રાંતી લાવે છે. આંતરજાતીય લગ્નો દ્વારા (આંતરજ્ઞાતીય નહીં) થતા બાળકો પણ આવું જ ઉદાહરણ છે. આંખો અને મન ખુલ્લું રાખીએ તો ઉત્ક્રાંતી ચારે બાજુ દેખાય છે. કોઈએ લખેલા એક અર્ધસત્ય વાક્ય પરથી સમજ્યા વીચાર્યા વગર ‘ઉત્ક્રાંતીવાદ’ને વખોડાય નહીં.
ઉત્ક્રાંતીનો અંત આવ્યો નથી કે આવવાનો નથી. આજે માણસ પોતે કુદરતનું કામ કરી પોતાના લાભ માટે પૃથ્વીની કાયાપલટ કરી રહ્યો છે. એનું પરીણામ સર્વનાશ કહી શકાય એટલું નકારાત્મક આવે તોયે કુદરત પોતાની રીતે અને પોતાની ઝડપે ઉત્ક્રાંતી ચાલુ રાખશે. ટૅકનોલૉજીમાં માનવ જો ધારી પ્રગતી કરતો રહ્યો તો ક્યાંનો ક્યાં પહોંચી શકે છે. બન્ને શક્યતાઓ પર ઘણાં પુસ્તકો લખાયા છે.
ઉત્ક્રાંતીમાં અત્યારે મનુષ્ય છેલ્લો છે; પણ અન્તીમ નથી. આપણાથી વધુ વીકસીત પ્રજાતી કેવી હશે એની કલ્પના ઘણાએ કરી છે; પણ ખબર કોઈને નથી. ત્રીકાળજ્ઞાની કોઈ થયું નથી અને થવું શક્ય નથી. ત્રીકાળજ્ઞાન એક કલ્પનામાત્ર છે. ભવીષ્ય જાણી શકનારને ભુતકાળની ખબર હોવી જ જોઈએ. ભુતકાળ અને ત્યારના ભવીષ્ય વીશેની ઘણી પુરાણી માન્યતાઓ ખોટી સાબીત થઈ છે.
માણસે વનસ્પતી અને પ્રાણીઓની હાઈબ્રીડ જાતો તો વીકસાવી છે, સાથે પોતાની પણ હાઈબ્રીડ જાત વીકસાવી રહ્યો છે. કૃત્રીમ હાથમ પગ, આંખો, હૃદયના વાલ્વ, પેસમેકર સામાન્ય થયા છે. બીજા કૃત્રીમ અવયવોની શોધખોળ ચાલુ છે. જ્યારે અડધું શરીર કૃત્રીમ બની જશે ત્યારે આપણે માણસ મટી સાયબોર્ગ, અર્ધમાનવ – અર્ધમશીન બની જશું. ‘ઉત્ક્રાંતીવાદ’નું એ વીશીષ્ટ સ્વરુપ હશે. વૈજ્ઞાનીક રીતે માનવીય પ્રતીકૃતી (ક્લોનીંગ) શક્ય બન્યું છે. કાયદેસર કે ગેરકાયદે એનો અમલ થવા લાગે તો ઉત્ક્રાંતીમાં વળી નવો જ વળાંક આવે.
કુદરતના સર્જન એવા મનુષ્યે કુદરત પર આંશીક કાબુ મેળવ્યો છે. માણસના સર્જન એવા કમ્પ્યુટર કે પછી સાયબોર્ગે, માણસ પર કાબુ મેળવી એમના હરીફો એવા આપણો જ નાશ કરશે? વાર્તાઓ તો ઘણી લખાઈ છે, સાવ અશક્ય પણ નથી.
ઉત્ક્રાંતીવાદ અને સર્જનવાદ વચ્ચે મુખ્ય ફરક એ છે કે ઉત્ક્રાંતીવાદ પ્રમાણે સજીવોની પ્રજાતીઓ કુદરતી પરીબળોને આધીન ધીરેધીરે વીકસી છે. જ્યારે સર્જનવાદ પ્રમાણે બધું એક સાથે એક સમયે સર્જાયું હતું. સહેતુક સર્જવામાં આવ્યું હતું. જો કે સહેતુક સર્જન પાછળનો હેતુ શું હતો તે આજ સુધી કોઈ સમજાવી શક્યું નથી. સર્જકનું પોતાનું સર્જન કોણે કર્યું, કેવી રીતે થયું એ પણ કોઈ સમજાવતું નથી. સર્જનવાદ વીશે ઘણા પ્રશ્નો છે. એના ઉંડાણમાં અત્યારે ન જઈએ.
બધા જ ધર્મો ‘સત્ય’ને સ્વીકારવાનો ઉપદેશ આપે છે; છતાં પણ ‘ઉત્ક્રાંતીવાદ’ના સીદ્ધાંત સામે બધી જ ધાર્મીક વીચારધારાઓનો સખત વીરોધ રહ્યો છે. કારણ તે એમની પ્રચલીત માન્યતાથી ભીન્ન રજુઆત કરે છે. જ્યારે ‘ઉત્ક્રાંતીવાદ’ માણસને કુદરતી પ્રક્રીયાની એક કડી માત્ર બનાવી દે છે. આપણા અસ્તીત્વને એક યા બીજી રીતે ઈશ્વર સાથે જોડતી પરમ્પરાગત માન્યતાને આ ‘ઉત્ક્રાંતીવાદ’ પડકારે છે.
કુદરતના નીયમોને ઈશ્વરનું સર્જન ગણીએ કે પછી એના એક સ્વરુપ તરીકે સ્વીકારીએ તો આપણું ઘટેલું મહત્ત્વ એટલું હચમચાવનારું નહીં લાગે. એક રીતે જોઈએ તો ઉત્ક્રાંતીવાદે કુદરતી પરીબળોને આપણા કરતા વધુ શક્તીશાળી અને વધુ મહત્ત્વના બતાવ્યા છે. ધર્મ પણ આ જ વાતને જરા જુદી રીતે કહે છે; છતાં વીવાદ શમતો નથી.
‘ઉત્ક્રાંતીવાદ’ની શોધનું શ્રેય ચાર્લ્સ ડાર્વીન અને આલફ્ર્ડ વૉલેસને મળે છે. ખરી રીતે તો તે એમણે કરેલ વીસ્તૃત અભ્યાસ માટે ગણાય. એમનાથી સદીઓ પહેલાં પણ કેટલાક લોકોને ઉત્ક્રાંતીનો ખ્યાલ હતો, પણ તેઓ જાહેરમાં એવું કહેતાં ધર્મગુરુઓથી ડરતા હતા; એટલે એમણે ઉંડાણમાં સંશોધન પણ કર્યું નહીં. ઝનુની વૃત્તીવાળા લોકો ત્યારે પણ હતા અને આજે પણ છે, જે પોતાની માન્યતાથી ભીન્ન વીચારને દબાવી દેવા સદા તત્પર હોય છે. પોતાનું હીત જાળવી રાખવા, પ્રગતીને રોકવાનો કે સત્યને દબાવી દેવાનો આ જુનો અને જાણીતો માર્ગ ભુતકાળમાં કામયાબ હતો. હવે વર્તમાનમાં એની અસરકારકતા ઓછી થતી જાય છે. પુરવાર થયેલાં સત્યો હવે ધીરે ધીરે સ્વીકારાઈ રહ્યા છે; છતાં થોડાક અપવાદ હજી પણ અસ્તીત્વમાં છે.
–મુરજી ગડા
લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ દસમો લેખ, પુસ્તકનાં પાન 48થી 54 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક–સમ્પર્ક : શ્રી મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 97267 99009 ઈ.મેલ : mggada@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
સ્નેહીશ્રી મુરજીભાઇ,
ઇવોલ્યુશન….ઉત્કરાન્તી…સરસ રીતે યોગ્ય શબ્દોના ઉપયોગ સાથે, સમજાવ્યું.
ખૂબ આનંદ થયો.
આજના સામાજીક પ્રશ્નોને પણ સાંકળી લીઘા.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Very informative article. Thank you very much Govindbhai and Murajibhai. Sorry, I am using Apple computer which does not support my Gujarati programme.
LikeLiked by 1 person
માહિતીસભર લેખ … આભાર
LikeLiked by 1 person
મુરજી ગડા સાહેબ નું રેશનાલિષમ અને વિજ્ઞાનનું જ્ઞાન ઘણું ઊંચું છે.અન્ય રેશનાલીસ્ટ ના ઘણા લેખો વાંચ્યા પણ કોઈ પણ શુદ્ધ રેશનાલીસ્ટ લાગ્યા નહી. એ લોકો જે તે બાબતો ના વૈજ્ઞાનિક જવાબો પણ આપી શકતા નથી હોતા રેશનાલિશમ ના ભીષ્મ ગણાતા રમણ પાઠક પણ એટલું સારી રીતે રેશાનાલિષમ સમજાવી શક્યા નથી એક પ્રો.શ્યામ માનવ બાદ મુરજી ગડા જ આટલા શુદ્ધ રેશનાલીસ્ટ લાગ્યા છે એમનું જ વિજ્ઞાન અને રેશનાલીશમ નું આટલું ઊંચું જ્ઞાન જોવા મળે છે.જોરદાર લેખ ગડા સાહેબ વિજ્ઞાન ની પ્રક્રિયા ને સારી રીતે જાણે છે.ધન્યવાદ ઉત્ક્રાંતિ વાદ પર લેખ મૂકવા બદલ ધન્યવાદ
LikeLiked by 1 person
ઉત્ક્રાંતી પ્રકરણ ૧૦ મા – મુરજી ગડાનો અભ્યાસપુર્ણ લેખ
ઘણું નવુ જાણવા મળ્યુ.
‘પોતાનું હીત જાળવી રાખવા, પ્રગતીને રોકવાનો કે સત્યને દબાવી દેવાનો આ જુનો અને જાણીતો માર્ગ ભુતકાળમાં કામયાબ હતો. હવે વર્તમાનમાં એની અસરકારકતા ઓછી થતી જાય છે. પુરવાર થયેલાં સત્યો હવે ધીરે ધીરે સ્વીકારાઈ રહ્યા છે; છતાં થોડાક અપવાદ હજી પણ અસ્તીત્વમાં છે.’
આશાસ્પદ વાત જાણી આનંદ
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર મૂળજીભાઈ અને ગોવિંદભાઈ આટલો સરસ લેખ ખૂબ જ માવજત થી લખાયેલો છે ઘણું જાણવા મળ્યું ધન્યવાદ
LikeLiked by 1 person
હંમેશ ની જેમ શ્રી મુળજી ગડા દ્વારા લેખીત પુસ્તક “કુદરતને સમજીએ ” માંથી વધુ એક માહિતીસભર લેખ વાંચી આનંદ થયો.
રેશનાલીસ્ટો વૈજ્ઞાનિકો જેવા હોય છે, વહેલું-મોડું લોકોએ સત્ય સ્વીકારવું જ પડે છે.
ખુબ ખુબ આભાર લેખક શ્રી તથા માનનીય ગોવિંદભાઈ મારુ.
🙏
LikeLiked by 1 person
Brilliantly informative article!!!
LikeLiked by 1 person
અત્યંત સરળ ભાષામાં વિજ્ઞાનને રજુ કર્યું છે. આંતરજાતિય અને આંતરજ્ઞાતિય વચ્ચેનો તફાવત?
LikeLiked by 1 person
………………….
आंतरज्ञाती ए तो बोगस समजवुं. जेमके हीटलर पोताने आर्य समजतो हतो अने डीएनएमां ए यहुदी नीकळी आव्यो अने ए खबर पडी गई.
भारतमां कंई केटलाए आम ज्ञातीए आर्य समजता हशे पण डीएनए मां सोमनाथ मंदीरना पत्थरने तोडनार मुहमद गजनवीना वारसदार समजवा.
हवे अहीं जाती बाबत जणांवी दंउ.
उत्तरधुव उपर बरफना घरोमां रहेता लोको, दक्षीण आफ्रीकाना अलग प्रकारना लोगो, उत्तर अमेरीकाना अलास्काना मुळ वतनीओ अने ओस्ट्रेलीया खंडना लोको, आ बधाने भेगा करो तो आंतरजाती बने.
एमां भारतना आर्योने भेगा करो तो चोक्कस मुहम्मदना वारसदारो आवे अने आवे. छेवटे तो डीएनए थी बधी खबर पडी जाय छे.
………………….
LikeLiked by 2 people
मुरजीभाई गडा ना घणां लेख आ वीभागमां आवेल छे. मुरजीभाई गडा ए जुदी जुदी जग्याए लेखो प्रकाशीत करेल छे अने आ अभीव्यक्तीमां वीशाळ वांचकने लेखक अने प्रकाशकनी मंजुरीथी वांचवा मळे छे. मुंबई गुजरातना रेशनलीस्टनुं एक ग्रुप हतुं. हजी पण छे एम समजवुं. गुलाब भाई भेडा जीवनना ठेठ भाग सुधी ए ग्रुपना सभ्योने अवार नवार भेगा करता. आम गुलाब भाई भेडा, मुरजीभाई गडानी साथे मारे दोस्ती थई. एमां गोवींदभाई मारु साथे पण दोस्ती थई. उमरने कारणे आंगळीओ मोबाइल उपर काम करती नथी पण कोम्युटर अने कीबोर्डथी अवार नवार कोमेंन्ट जरुर मुकुं छुं.
LikeLiked by 2 people
………………….
मुंबई गुजरातना ए रेशनलीस्ट ग्रुपना श्री दामजीभाई सावला प्रमुख हता. मोटी उमरना दामजीभाई सावला मुंबईमां मुलुन्ड वेस्ट वीस्तारमां हजी छे. घर थी बील्डीं आजु बाजु बगीचा सुधी हजी समयनो उपयोग करे छे.
………………….
LikeLiked by 2 people