દુનીયાભરના સૌથી ઘાતક સાપ પૈકીના કેટલાક ઘાતક સાપ ભારતમાં સામાન્ય છે. સાપદંશથી સૌથી વધુ લોકોના મૃત્યુ ભારતમાં થાય છે. ઝેરી/બીનઝેરી સાપદંશના ચીહ્નો અને તેના નીશાન વીશે તેમ જ બીનઝેરી સાપના દંશ કયા સંજોગોમાં ઘાતક બની શકે છે તે જાણીએ…
21
સાપદંશ
–અજય દેસાઈ
ઉષ્ણ કટીબંધ અને સમશીતોષ્ણ કટીબંધીય પ્રદેશોમાં સાપદંશ એ બહુ સામાન્ય બાબત છે. સાપદંશ થકી આ પ્રદેશોમાં સૌથી વધુ મૃત્યુ થાય છે. સાપદંશ ખાસ કરીને, ખેતમજુરો, ખેડુતો, માછીમાર, જંગલોમાં ફરનારા, ટ્રેકીંગ કરનારા, મદારીઓ, સાપ પકડનારાઓ, ગ્રામીણ વીસ્તારમાં રહેનારાઓને થતો હોય છે. સાપની દુનીયાભરમાં 3600 ઉપરાંત જાતો છે. જે પૈકી 600 જેટલા સાપ ઝેર દંશી શકે છે; પરન્તુ આ 600 પૈકી ફક્ત 50 ટકાનું વીષ જ આપણા મનુષ્યો માટે ઘાતક હોય છે. ભારતમાં વર્ષે લાખ્ખો લોકોને સાપદંશ થાય છે તે પૈકી અન્દાજે 25000 જેટલાં લોકોના મૃત્યુ થાય છે. આ આંકડાં સરકારી દફતરે નોંધાયેલા કેસોના છે, નહીં નોંધાતાં કેસો અસંખ્ય હોઈ શકે છે.
દુનીયાભરના સૌથી ઘાતક સાપ પૈકીના કેટલાક ઘાતક સાપ ભારતમાં સામાન્ય છે. માનવવસ્તીની ગીચતાને લઈને સાપદંશના કીસ્સા પણ વધુ બને છે. વળી, પ્રાથમીક સારવાર અને ધનીષ્ઠ સારવારની સુવીધાઓ અપુરતી છે. એટલું જ નહીં નીરક્ષરતા અને અજ્ઞાનતાને લઈને સાપની માહીતીનો અભાવ પણ છે. આથી જ દુનીયાભરમાં સાપદંશથી સૌથી વધુ લોકો ભારતમાં મરે છે. સાપદંશથી મનુષ્યો મરે છે તે માટે સૌથી વધુ કારણભુત આપણે જ છીએ. સાપ ક્યારેય સામેથી ચાલીને કરડતો નથી. જો આપણે તેને છંછેડીએ તો જ તે કરડે છે. દુનીયાભરમાં સાપદંશથી અનેક લોકો મૃત્યુ પામે છે. એનો અર્થ એ નથી કે આપણે પૃથ્વી ઉપરથી સાપનું નીકંદન કાઢી નાંખવું જોઈએ; કારણ કે સાપ પર્યાવરણીય સંતુલન માટે ખુબ જ જરુરી છે.
સાપદંશ થયો હોય તેવા મોટાભાગના કીસ્સાઓમાં સાપ જોવાતો નથી એટલે જ ગફલતમાં ન રહેવું. દંશ લાગ્યો છે તે સાપનો હોય કે ન પણ હોય, સાપદંશના ચીન્હોની રાહ ન જોવી જોઈએ. ઘણીવાર ઝેરી સાપ કરડ્યો હોય તો પણ તેનાં ચીહ્નો લાંબા સમય સુધી જણાતા નથી. જો કે સાપ દંશના ચીન્હો કેટલીકવારમાં દેખા દેશે તેનો આધાર ઘણી બાબતો પર નીર્ભર કરે છે. દા.ત.
● દરદીની પ્રતીકારક શક્તી.
● દરદીની પ્રકૃતી.
● સાપનું ઝેર કેટલી માત્રામાં દરદીના શરીરમાં પ્રવેશ્યું છે.
● દંશનો ઘા કેટલો ઉંડો છે.
● સાપના ઝેર દંશતાં દાંત, દરદીના અંગમાં કેટલો વખત ખુંપાયેલા રહ્યા છે.
● દરદીની ઉમ્મર, વજન તથા તન્દુરસ્તી.
● ઝેરી સાપની વીષગ્રંથીમાંના વીષનો જથ્થો.
● દંશ દ્વારા દંશાયેલ વીષનો જથ્થો.
● સાપે છેલ્લો શીકાર ક્યારે કર્યો હતો?
● સાપે છેલ્લો દંશ ક્યારે દીધો હતો?
● કઈ ઋતુ ચાલી રહી છે? દા.ત.; ઉનાળો કે ચોમાસુ હોય તો વીષની માત્રા વધુ હોય છે જ્યારે શીયાળામાં ઓછી હોય છે.
● કયા સમયે સાપદંશ થયો છે? વહેલી સવારના કે મોડી સાંજના?
● દંશ કઈ જગ્યાએ લાગ્યો છે?
– ધડ અને ચહેરા પરના દંશ કરતાં, અન્ય અંગ ઉપાંગો પરનો દંશ ઓછો ખતરનાક હોય છે.
– સ્નાયુઓ અને રક્તવાહીનીઓ પરના દંશ કરતાં, હાડકાં પરનો કે જાડી ચરબી પરનો દંશ ઓછો ખતરનાક હોય છે.
● એક વખત કરતાં વધુ વખત દંશ મારવાનો મોકો સાપને મળ્યો હોય તો તે વધુ ઘાતક બને છે.
● મોટા સાપ વધુ પ્રમાણમાં ઝેર ઠાલવી શકે છે.
● એક જ સાપ દ્વારા એક કરતાં વધુ વ્યક્તીઓને દંશ આપ્યાની ઘટનામાં પ્રથમ વ્યક્તીમાં ઝેરનું પ્રમાણ વધુ હોય છે.
● જો વીષદંત તુટેલા હોય અથવા તાજેતરમાં જ કાઢી નાંખ્યા હોય તો, તેવી સ્થીતીમાં ઝેરનું પ્રમાણ ઓછું હોય છે.
સાપ કરડ્યો હોય, અને તેને દંશવામાં પુરતો સમય મળ્યો હોય, તો તેના દંશના નીશાન પરથી સાપ ઝેરી હતો કે બીનઝેરી તે ઘણા કીસ્સાઓમાં જાણી શકાય છે. બીન ઝેરી સાપના બચકાંના ચીન્હો એક સરખાં અર્ધવર્તુળાકાર જણાય છે, જ્યારે ઝેરી સાપનાં દંશમાં આવા અર્ધલમ્બ વર્તુળાકાર ચીન્હો વચ્ચે આગળથી બે મોટા દંશના ચીન્હો જણાય છે.
અહીં એક સ્પષ્ટતા જરુરી છે કે મોટાભાગના કીસ્સાઓમાં આવા નીશાનો સ્પષ્ટ નથી હોતા. તે ઉઝરડા સ્વરુપનાં હોય છે અથવા એક કે બે દંશના નીશાન સ્પષ્ટ જણાય છે. ક્યારેક ફક્ત ઘા પડેલો દેખાય છે, તો ક્યારેક ચીરા પડેલા પણ જણાય છે. બહુ જુજ કીસ્સાઓમાં ચીત્રમાં દર્શાવેલ ચીહ્નો જણાય છે.
22
બીનઝેરી સાપના દંશ
પૃથ્વી ઉપર જે 3600 ઉપરાંત જાતીના સાપ જોવા મળે છે, તે પૈકી 600 જાતીના ઝેરી સાપ છે. આ પૈકી 300 જાતીના સાપનું વીષ મનુષ્યો માટે ઘાતક છે. ગુજરાતમાં કુલ મળીને 61 જાતીના સાપ જોવા મળે છે. તે પૈકી જમીન ઉપરના ફક્ત ચાર જાતીના સાપ જ ઘાતક છે. બાકીનાં જમીન પરના પાંચ જાતીના ઝેરી સાપનું વીષ મનુષ્યો માટે ઘાતક નથી. જ્યારે દરીયાના જે 12 પ્રકારના સાપ આપણા ગુજરાતમાં જોવા મળે છે તે બધાં જ ઝેરી હોવા છતાં તેમનો પનારો સામાન્ય લોકોને પડતો નથી. આમ તો સામાન્ય રીતે 41 પ્રકારના સાપ બીનઝેરી છે અને આથી જ આપણને સાપદંશ લાગે તો તે બીનઝેરી સાપના હોવાની સંભાવના વધુ હોય છે. આ બીનઝેરી સાપમાં પણ સૌથી વધુ સામાન્ય એવા આંગળીનાં વેઢે ગણાય એટલા જ સાપ જોવા મળે છે. દા.ત.; ધામણ, ડેંડુ, અજગર, વરુદંતી, ઘંઉલો વગેરે.
(તસવીર સૌજન્ય : શક્તી પાઠક અને દીકાંશ પરમાર)
સમગ્ર ગુજરાતમાં જોવા મળતો ડેંડુ સાપ, મુખ્યત્વે મીઠા પાણીમાં જોવા મળે છે. એક વરસાદ પડતા તે અહીં–તહીં બધે જોવા મળે છે. ખાસ કરીને ડાંગરના ખેતરો, નદીનાળાઓ વગેરે તેને પ્રીય છે. પાણીમાં કરડતાં સાપમાં તથા ડાંગરના ખેતરોમાં કરડતાં સાપમાં મુખ્યત્વે આ સાપદંશના બનાવ વધુ હોય છે. તે આમ પણ આક્રમક સ્વભાવનો સાપ છે. તેને વીષ દંશતા દાંત નથી, તેથી તે કરડે છે તો પણ આપણને નુકસાન કરી શકતો નથી; પરન્તુ તે ખુબ જ આવેશમાં આવીને કરડે છે કે ઘણીવાર તેનાં મોંની પકડથી આપણું અંગ છુટું પાડવું મુશ્કેલ બની જાય છે. તેનું મોં છોડાવવા જતાં, તેનાં દાંત શરીરમાં ખુંપેલા રહી જાય છે.
આ ઉપરાંત આપણે ત્યાં ખેતરોમાં, ઝાડીઝાંખરાઓમાં કે વૃક્ષો ઉપર જોવા મળતી ધામણ ખુબ જ ચપળ છે, તેને હાથમાં આરામથી રમાડી શકાય છે; પરન્તુ જો તેને દબાવવામાં આવે, છંછેડવામાં આવે તો તે કરડે છે. ધામણનું કરડવું, ડેંડુ જેટલું આક્રમક નથી હોતું. તેથી તે ગમ્ભીર ઈજા નથી પહોંચાડતું. આમછતાં તેના કરડવામાં પણ ડેંડુ જેવી સારવાર લેવી જોઈએ.
આ ઉપરાંત અન્ય બીનઝેરી સાપમાં જે કરડતાં હોય તેવા સાપમાં મુખ્યત્વે વરુદંતી, અજગર, બીલ્લીસાપ વગેરે છે.
સાપનો દંશ હોય કે અન્ય કોઈ પણ જીવજંતુનો દંશ હોય. સમય બગાડ્યા સીવાય દરદીને સમયસર સારવાર મળે તે માટે દવાખાનામાં લઈ જવો જરુરી છે.
સામાન્ય રીતે દંશના નીશાનો પરથી તે દંશ ઝેરી સાપનો છે કે બીનઝેરી સાપનો છે તે જાણી શકાય છે; પણ આવા નીશાનો ઉઝરડા સ્વરુપના ન હોતાં, સ્પષ્ટ હોવા જોઈએ. આવાં નીશાનો આપણે આગળ ચીત્ર નં. 36માં જોયા મુજબના હોય છે.
આમ તો બીનઝેરી સાપના દંશમાં કશું થતું નથી હોતું. ક્યારેક સાધારણ ચક્કર જેવું લાગે છે. મોંમાં લાળ પણ આવે છે, આથી જ દવાખાનામાં જવું જરુરી છે. જ્યાં બરાબર ડ્રેસીંગ થાય અને ધનુરનું ઈંજેક્શન મુકાવી શકાય.
બીનઝેરી સાપના દંશ નીચેના સંજોગોમાં ઘાતક બની શકે છે.
1. બીનઝેરી સાપના દાંત દરદીના શરીરમાં પ્રવેશ્યા હોય તો તેની ઉપર રહેલાં જીવાણુઓ દ્વારા આવા નીશાનો પર ચેપ લાગે છે, સોજો આવે છે, યોગ્ય સારવાર ન થાય તો ધનુર પણ થઈ શકે છે.
2. બીનઝેરી સાપનો દંશ થયો હોય તેવા દરદીમાં કોઈ પ્રકારના ચીન્હો જોવા નથી મળતાં; પણ ઘણા કીસ્સાઓમાં દરદી પોતે ગભરાઈ જાય છે. ઝેરી સાપના દંશથી દરદી ચીંતાતુર બની જાય છે, ઉશ્કેરાઈ જાય છે, તેના શ્વાસોચ્છવાસ વધી જાય છે. સ્નાયુઓ તંગ બની જાય છે, તેનું વર્તન અસામાન્ય બની જાય છે અને ઘણીવાર વાત એટલે સુધી વધી જાય છે કે, દરદીને ઍટેક પણ આવી જાય છે.
3. બીનઝેરી સાપના દંશમાં પણ અયોગ્ય પ્રાથમીક સારવાર, રુઢીગત ઉપાયો થકી જોખમ ઉભું થાય છે. જો પ્રાથમીક સારવાર દરમીયાન (ટોરનીકેટ) પાટો સખત રીતે બાંધવામાં આવે અને 30 મીનીટથી વધુ સમય સુધી રાખવામાં આવે તો તે અંગમાં ખોટ રહી જાય છે, ક્યારેક ધનુર પણ થઈ જાય છે.
4. ઘણી વખત દંશની જગ્યાએ કાટખાયેલી છરી કે બ્લેડથી કાપો મુકવામાં આવે, ત્યારે પણ દરદીને ધનુરનું જોખમ ઉભું થઈ શકે છે.
દંશ ઝેરી સાપના હોય કે બીનઝેરી સાપના હોય, દરદીને વીષપ્રતીરોધક રસી ઉપલબ્ધ હોય તેવા દવાખાનામાં તાત્કાલીક દાખલ કરવો હીતાવહ છે. પ્રાથમીક સારવારમાં પણ સમય વધુ ન બગાડવો, દવાખાનું નજીક હોય તો પ્રાથમીક સારવાર પણ ન કરવી. ઝેર ઉતારનાર લોકો કે ભુવા, બડવાઓનો સમ્પર્ક ન કરવો, સમય ન બગાડવો. તમારી આસપાસના સલાહ આપનારા લોકોથી ગેરમાર્ગે ન દોરાવું જોઈએ અને સાપને શોધવામાં પણ સમય બગાડવો નહીં.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
સાપ વિશે સચોટ અને ઉપયોગી માહિતીસભર લેખ આપવા બદલ લેખક શ્રી અજય દેસાઈ તથા શ્રી ગોવિન્દ મારુ નો ખુબ ખુબ આભાર.🙏
LikeLiked by 1 person
અજયભાઇ અને ગોવિંદભાઇનો ખૂબ આભાર.
સરસ માહિતિઓ મળી. જ્ઞાન હંમેશા આવકાર્ય હોય છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સાપદંશ અંગે મા શ્રી અજય દેસાઈનો ખૂબ સુંદર લેખ.
સાપદંશવાળા વ્યક્તિઓને તબિબો દ્વારા અને ભુવા દ્વારા સારવાર આપતા જોયેલા –સમયસર સારવારથી ઝેરી દંશવાળાને પણ સારા થતા જોયા છે પણ આવી અભ્યાસપૂર્ણ માહિતી નો સમાજમા પ્રચાર થાય તો સારવારમા સરળતા રહે
ધન્યવાદ
LikeLiked by 1 person
Nice information
LikeLiked by 1 person