‘દેખીયે! અગર જરા ભી દેર હો જાયેગી તો મૈં મર જાઉંગા!’

અત્યન્ત મુંઝારો, શ્વાસોચ્છવાસમાં અવરોધ, ધબકારા, પરસેવો તથા હમણાં મરી જવાશે એવા ભય–ચીંતાના, ગભરામણના ઍટેક આવે છે? પા–અડધો કલાકમાં એ જ દરદી આપોઆપ સારા થઈ જાય છે? 

24

 દેખીયે! અગર જરા ભી દેર હો જાયેગી તો મૈં મર જાઉંગા!

–ડૉ. મુકુલ ચોકસી

અચાનક મને હદયમાં તીવ્ર સણકો ઉપડ્યો. છાતીમાં જોરથી એક ફાળ પડી. હું ગભરાઈ ગયો. ફરી પાછો હું એ જ લાચાર, ભયાવહ, અસહ્ય, અકલ્પ્ય દશામાં મુકાઈ જવાનો હતો તેનો મને અંદેશો આવી ગયો. ‘ઓહ ગૉડ! આઈ મસ્ટ બી ક્રેઝી! નો, નો, નેવર! મારે આમ અકલા નીકળવાની ભુલ ફરીથી નહોતી કરવી જોઈતી! પણ થઈ ગઈ… હવે શું થાય!’ હું મનોમન બબડ્યો અને મેં ‘હનુમાન ચાલીસા’નું રટણ શરુ કર્યું.

હજુ તો માંડ ત્રીસ સેકંડ પસાર થઈ હશે અને એવામાં છાતીમાં ફરી એક ટીસ ઉઠી. મેં જોયું કે મારો શ્વાસ રુંધાઈ રુંધાઈને આવવા માંડ્યો. છાતી જોરજોરથી ધડકવા માંડી. મારા ધબકારા પડઘમની જેમ ગાજવા લાગ્યા, અને આજુબાજુનું વીશ્વ ચક્કર ચક્કર ઘુમરાવા લાગ્યું. મોં એવું સુકાઈ ગયું કે ભગવાનનું નામ લેવું મુશ્કેલ થઈ પડ્યું.

મેં આસપાસ નજર દોડાવી. કદાચ કોઈ રડ્યોખડ્યો રાહદારી પસાર થતો હોય તો મારા બચવાની શક્યતા રહે. નહીંતર આ વખતે હું બચવાનો નથી. મને મનોમન થઈ આવ્યું કે આ મારા જીવનની આખરી ઘડીઓ છે. હું ગુંગળાઈ રહ્યો હતો. પગ ઢીલા પડી રહ્યા હતા. કપાળેથી, ચહેરા પરથી, છાતીએથી, હથેળીએથી પરસેવાના રેલાઓ દદડી રહ્યા હતા. આંખે ઝાંખપ જેવું આવવા માંડ્યું હતું. હું મનોમન મને પોતાને જ ભાંડતો, વખોડતો હતો; શું કામ મેં ડૉક્ટરનું કહ્યું નહીં માન્યું? અત્યારે તો ભેંકાર, નીર્જન જગ્યાએ હવે મને કોણ બચાવશે? હું એકલો નીકળ્યો જ શું કામ? તપને ના પાડી તો કંઈ નહીં, વીવેકને પુછવું જોઈતું હતું. તે સાથે હોત તો અત્યારે મારી આ હાલત ન હોત ને?

હજુ તો હું કંઈ પણ આગળ વીચારું તે પહેલાં જ એક વીજળીવેગું લખલખું મને ધ્રુજાવતું શરીરમાંથી પસાર થઈ ગયું. મારા કાંડા ધ્રુજી ઉઠ્યા. ચહેરો ફીકો પડી ગયો. આંખો ભયની મારી પહોળી થઈ ગઈ અને હું જાણે મૃત્યુની આગલી ક્ષણે આવીને અટક્યો હોઉં તેમ ફાટી આંખે સામે પથરાયેલા અફાટ, બીહામણા અવકાશમાં તાકી રહ્યો. જીન્દગીની છેલ્લી કારમી ચીસ તારસ્વરે પાડવા માટે મેં મોં ઉઘાડ્યું; પણ ગળા ઉપર જાણે કોઈએ મોટો પથરો મુકી દીધો હોય તેમ મારાથી શ્વાસ જ ન ખેંચાયો, અને ચીસ તો શું! એક હળવો સીસકારો પણ ન કરી શક્યો.

મને ઓચીંતા અગાઉના પ્રસંગો યાદ આવી ગયા. આવું ત્રીજી વાર બની રહ્યું હતું. મહીના પહેલા પહેલી વાર જ્યારે હું ઑફીસમાં એક પત્ર ટાઈપ કરી રહ્યો હતો ત્યારે મને આ જ રીતે સફોકેશન, ગભરામણ, ચીંતા અને મૃત્યુની બીકનો એક હુમલો આવેલો. મારી હાલત જોઈને બધા ગભરાઈ ગયા હતા. તેઓ મને તાત્કાલીક ડૉક્ટરને ત્યાં લઈ ગયા હતા. ડૉક્ટરે મને તપાસ્યો હતો. એક્સ–રે તથા કાર્ડીયોગ્રામ કઢાવ્યા હતા. તેમણે આપેલા ઈંજેકશનથી હું થોડી વારમાં સારો પણ થઈ ગયો હતો.

પરન્તુ ગયા અઠવાડીયે જ્યારે હું બાથરુમમાં હતો ત્યારે મને ફરી વાર આવો શ્વાસ રુંધાવાનો, ધબકારા, પરસેવા તથા અકારણ ફફડાટ થવાનો હુમલો આવી ગયો. એ તો સારું થયું કે બધા તરત જ દોડી આવ્યા અને મને તાત્કાલીક જ ડૉક્ટર પાસે લઈ ગયા. ફરી વાર મારો કાર્ડીયોગ્રામ લેવાયો અને દવાઓ આપવામાં આવી. અલબત્ત, આ વખતર ડૉક્ટરે મને જણાવ્યું, ‘જુઓ મી. પંડીત! તમારું પ્રેશર, હૃદય વગેરે બધું બરાબર છે. તમારો પ્રોબ્લેમ માનસીક લાગે છે. શું તમને કોઈ લડાઈ, ઝગડો કે ચીંતા રહે છે? તમે કોઈ સાઈકીઆટ્રીસ્ટની સલાહ લો તો સારું’

અને હું અકળાઈ ઉઠ્યો’તો, મને છાતીમાં દુ:ખે, ગભરામણ થાય, શ્વાસ ચાલે, ચક્કર આવે તેમાં મારે ગાંડાના ડૉક્ટર પાસે જવાનું? મેં તમને સ્પષ્ટ ના પાડી દીધી. અલબત્ત, મનોમન મેં નકકી કર્યું કે હવે પછી મારે ક્યારેય બહાર એકલાએ ન નીકળવું. કેમ કે ભુલેચુકેય જો હું ક્યાંક એકલો જાઉં અને જો મને ફરી વાર આવો ઍટેક આવી ચડે તો હું શું કરુ? ક્યાં જાઉં?

પણ એ વાતને હજુ અઠવાડીયું પણ માંડ થયું હશે અને હું જે ન ઈચ્છતો હતો તે જ બન્યું. રાત્રી ફીલ્મ જોવાનું મન થયું. તપને ના પાડી. વીવેક કચકચ કરે એ બીકે એને ન પુછ્યું. છેવટે તીમીર સાથે ઉપડી ગયો. ફીલ્મ પત્યા પછી તીમીર તો એને રસ્તે ચાલ્યો ગયો. અને હું એકલો સંધ્યા કૉમ્પ્લેક્સની પાછળના મેદાનમાંથી આવતો હતો. ત્યાં જ અચાનક મને એક કારમી, બીહામણી ક્ષણે પહેલા જેવો જ ચેસ્ટપેઈન, બ્રેથલેસનેસ, ડેથ ફીયર અને ચોકીંગનો ઍટેક આવ્યો. પહેલી બે વખત કરતાં વધારે તીવ્ર, વધારે મોટો અને વધુ લાંબો ચાલનારો. મારું કમભાગ્ય તો એ હતું કે આખા મેદાનમાં એકેય બત્તી પણ નહોતી જલતી. છુટાછવાયા બે–પાંચ મકાનો હતાં તે ખુબ દુર હતાં. અને વધારામાં મારામાં એક ઝીણો ઉંહકારો કરવાનીય તાકાત કે હીમ્મ્ત નહોતા.

શી ખબર ગભરાટમાં ને ગભરાટમાં હનુમાન ચાલીસાના કેટલા પાઠ બોલાઈ ગયા! શી ખબર પાંચ મીનીટ વીતી હશે કે પાંચ કલાક! પણ એવામાં આશાનો એક ઝબકારો થયો. દુરથી કોઈક ચોકીદારનો પથ્થરો પર દંડા પછાડવાનો અને ‘જાગતે રહો’ની બુમો પાડતો અવાજ મને સંભળાયો. મને પહેલું તો એ આશ્ચર્ય થયું કે હાશ! હજુ સુધી હું મર્યો નથી!

મેં મનોમન હનુમાનનો આભાર માનીને હતી એટલી શક્તી એકઠી કરીને અન્ધકારમાં એક જોરથી બુમ પાડી : ‘કોઈ છે કે! બચાવો! બચાવો!’ અને તરત જ દુર એક ટોર્ચ ઝબકી ઉઠી. કોઈક આકાર ઝડપભેર મારી તરફ આવી રહ્યો હતો. એ ચોકીદાર જ હતો, જે મારી સાવ નજીક આવી પહોંચ્યો. ‘કઉન હઈ જી! ક્યા તકલીફ હઈ! મેં તરત જ તેનો હાથ પકડી લીધો અને હાંફતા હાંફતા કહ્યું, ‘અગલે ચૌરાહે પે મેરા ઘર હૈ. મુઝે વહાં તક પહુંચા દીજીએ જી! દેખીયે મૈં બીમાર હું! અગર દેર હો જાએગી તો મૈં સચમુચ મર જાઉંગા!’ મારો રઘવાટ, તરફડાટ, હાંફ તથા ડર જોઈને પહેલાં તો ચોકીદાર હેબતાઈ ગયો; પણ તેણે તરત જ ઝડપથી નીર્ણય લીધો અને મને અડધી મીનીટ રોકાવા વીનન્તી કરી. તરત જ તે અન્ધકારમાં ગાયબ થઈ ગયો અને ખુબ જ ત્વરાથી કોઈકનું સ્કુટર લઈ પાછો આવ્યો. તેણે મને બેસવામાં મદદ કરી. તરત જ અમે ઘરની દીશામાં પ્રયાણ કર્યું. બે જ મીનીટમાં તો અમે મારા ઘરના આંગણામાં આવી પહોંચ્યા હતા.

ફરી એ જ સીલસીલો શરુ થયો. અડધી રાત્રે ડૉક્ટરને ઉઠાડવામાં આવ્યા. દવાઓ મંગાવાઈ. ઈંજેક્શનો તૈયાર રાખવામાં આવ્યા; પણ એવામાં એક ચમત્કાર થયો. હજુ ડૉક્ટર આવે તે પહેલા જ સૌના આશ્ચર્ય વચ્ચે મારો શ્વાસ ઝડપભેર નોર્મલ થવા માંડ્યો. ઓચીંતો જ મારો દુખાવો બંધ થઈ ગયો અને હું એકદમ પહેલા જેવો સ્વસ્થ થઈ ગયો. મેં રુમાલ કાઢી પરસેવો લુછી નાંખ્યો. અનાયાસ મારા ચહેરા પર સ્મીત આવી ગયું. મેં સૌને ધીરજ આપતા કહ્યું, ‘સારું છે. કંઈ વાંધો નહીં. ડૉક્ટરને… ન બોલાવશો… તો… ચાલશે.’

પણ એટલી વારમાં તો ડૉક્ટર આવી લાગ્યા હતા. મેં બારણું ખોલીને હસતે મોઢે તેમને શેકહેન્ડ કર્યું તો તેમને નવાઈ લાગી. ‘સોરી ડૉક્ટર! આઈ જસ્ટ હેડ અ સીમીલર ટાઈપ ઑફ ઍટેક; બટ નાવ આઈ એમ એબ્સોલ્યુટલી ફાઈન. થેન્ક્યુ.’ મેં કહ્યું. અને ઉમેર્યું, ‘છતાંય જો આપને જરુર જણાતી હોય તો મને ઈંજેક્શન આપો અને કાર્ડીયોગ્રામ લઈ લો, હું તૈયાર છું. હવે મારામાં એટલી હીમ્મત છે. બાકી તમને નવાઈ લાગશે ડૉક્ટર; હાફ એન અવર બેક, આઈ વોઝ લીટરલી ડાઈંગ! ગૉડ નોઝ, હું કઈ રીતે બચી ગયો!’

હું રાહ જોઈ રહ્યો કે ક્યારે ડૉક્ટર તેમની ટેવ મુજબ કાર્ડીયોગ્રામ પાડી લે અને ગમ્ભીર મોં રાખી, આંખો ઝીણી કરી મને ઈંજેક્શન મુકે; પણ આજે ડૉક્ટર કંઈક જુદા જ જણાતા હતા. તેઓના વદન પર સમ્પુર્ણ શાંતી અને સ્વસ્થતા હતા. તેઓએ મને એટલું જ કહ્યું, ‘વેલ મી. પંડીત! આ વખતે અને હવે પછી દરેક વખતે કોઈ કાર્ડીયોગ્રામની જરુર નથી. મેં તમને સાઈકીઆટ્રીસ્ટની સલાહ લેવાનું સુચવ્યું હતુ; પરન્તુ તમે ના પાડી તેથી મેં જાતે જ તપાસ કરીને એક સાઈકીઆટ્રીસ્ટને તમારી બીમારી અંગે પુછી જોયું છે. મારી ધારણા સાચી પડી છે. ફીઝીશયનોના મત મુજબ તમારા કાર્ડીયોગ્રામ તદ્દન નોર્મલ છે; અને સાઈકીઆટ્રીસ્ટના કહેવા મુજબ તમને એક પ્રકારની ચીંતાનો, એન્કઝાઈટીનો રોગ છે. અત્યારે અડધી રાત થવા આવી છે આથી આપણે કાલે એને વીશે વીગતે ચર્ચા કરીશું; જો તમને હવે પછી આવા ઍટેકને આવતા રોકવામાં રસ હોય તો. ગુડનાઈટ!’

બીજે દીવસે તેમની ચેમ્બરમાં મારી બીમારી અંગે ચર્ચાનો દોર સમ્ભાળતા તેમણે કહ્યું : ‘એન્કઝાઈટી રોગના આ પ્રકારને ‘પેનીક ડીસઑર્ડર’ કહેવામાં આવે છે. આ રોગ સમાજમાં સારો એવો સામાન્ય છે. તમને ખબર છે કે અત્યન્ત મુંઝારો, શ્વાસોચ્છવાસમાં અવરોધ, હમણાં મરી જવાશે એવો ભય વગેરેથી માણસ હાંફળોફાંફળો થઈ જાય છે. અને મહત્ત્વનું તો એ છે કે આવા ઍટેક કોઈ પણ દેખીતા કારણ વગર ગમે તે સ્થળે, ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં આવી શકતા હોય છે. તમને તો સારું છે મી. પંડીત! કે મહીનામાં આ ત્રીજી વાર આવું થયું. બાકી કેટલાક કમનસીબ દર્દીઓને તો અઠવાડીયે ત્રણ ત્રણ વાર આવી પીડામાંથી પસાર થવું પડતું હોય છે. કેટલાકને આવા ઍટેક દસથી પન્દર મીનીટ, તો કેટલાકને અડધો કલાક સુધી ચાલે છે.’

ડૉક્ટર જરાક થંભ્યા કે તરત મેં પુછી લીધું, ‘પણ આ વખતે તમે આવ્યા તે પહેલાં જ હું સારો થઈ ગયો ડૉક્ટર!’

‘એ જ તો ખુબી છે આ બીમારીની.’ ડૉક્ટરે મને સમજાવતા કહ્યું, ‘હકીકતમાં ‘પેનીક’ના આવા ઍટેક હમ્મેશાં એની જાતે જ સારા થઈ જતા હોય છે. પહેલાંના ઍટેક વખતે પણ જો મેં તમને કોઈ ઈંજેક્શન ન આપ્યું હોત તોય તમે સારા થતે જ; જે રીતે આ વખતે થયા. અને એટલે જ તમે જોયું હશે કે આ વખતે હું મારી બેગ લીધા વગર જ તમને જોવા આવ્યો હતો.’

‘પણ મને આવું વારંવાર કેમ થાય છે?’ મારી અકળામણ વ્યક્ત કરી.

તેમણે કહ્યું, ‘આ રોગ હવે બાયોલૉજીકલ ગણાય છે. શરીરમાં, ખાસ કરીને મગજમાંના ન્યુરોટ્રાન્સમીટર કેમીકલ્સના ફેરફારને કારણે તે થાય છે અને લેબોરેટરી તપાસ દ્વારા તેનું નીદાન પણ થઈ શકે છે. ‘લેક્ટેટ ઈન્ફ્યુઝન ટેસ્ટ’ નામની તપાસ દ્વારા જાણી શકાય છે કે દર્દીને ‘પેનીક ડીસઑર્ડર’ હોઈ શકે કે નહીં’

‘પણ એનો કોઈ ઉપાય ખરો કે નહીં? આવા ઍટેક આવતા બંધ કેમ કરવા?’ મારી અકળામણ હજુ ઓછી નહોતી થઈ.

‘એ ચીંતા અમારે કરવાની છે મી. પંડીત! તમે આ પ્રીસ્ક્રીપ્શન પ્રમાણે દવાઓ લેવાની શરુ કરો. ત્રણ અઠવાડીયા પછી મને ફોન કરજો કે હવે તમને આવા ઍટેક આવતા સદન્તર બંધ થઈ ગયા છે, ઓકે?’

પેનીક ડીસઑર્ડર

જેમાં અણધાર્યા ચીંતાના, ગભરામણના પરસેવાના ઍટેક આવતા હોય છે. અને પા–અડધો કલાકમાં આપોઆપ સારા થઈ જતા હોય છે. એવા આ ચીંતારોગના બે પ્રકાર હોય છે; (1) ‘પેનીક વીથ એગોરાફોબીયા’ અને (2) ‘પેનીક વીધાઉટ એગોરાફોબીયા’.

પેનીકના ઍટેક ક્યારેક એટલા તીવ્ર હોય છે કે તેના અનુભવમાંથી બે–ત્રણ વાર પસાર થનાર વ્યક્તી બાકીના સમય દરમીયાન પોતાને આવો ઍટેક ફરી નહીં આવે ને! એવી ચીંતામાં ને ચીંતામાં ડુબેલી રહે છે. એવામાં જો પેનીકનો એકાદ ઍટેક પણ દર્દી એકલો હોય ત્યારે આવે તો દર્દીને કાયમ માટે એકલા પડવાની બીક લાગતી હોય છે. આથી તે ખુલ્લી જગ્યાઓમાં, બંધ ટનલોમાં તથા એવી બીજી જગ્યાઓએ જવાનું ટાળે છે જ્યાંથી અણીને સમયે ભાગવું મુશ્કેલ થઈ પડે. આવી વૃત્તીને ‘એગોરાફોબીયા’ કહેવાય છે.

ઘણી વાર એવું બને છે કે પેનીકના ઘણાખરા લક્ષણો હાર્ટઍટેકના લક્ષણોને મળતા આવતા હોવાથી દર્દી તથા તેના સગાવહાલાઓ ગભરાઈને દોડાદોડ કરી મુકે છે. આવા દર્દીઓને જો ડૉક્ટર દ્વારા એમ કહેવામાં આવે કે તમને કંઈ નથી, તો તેઓ વધુ ગુંચવણમાં મુકાઈ જતા હોય છે; કેમ કે તેમને જે તકલીફ થતી હોય છે તે તેઓ એકલા જ ભોગવતા હોય છે.

‘ટ્રાઈસાઈકલીક એન્ટીડીપ્રેશન્ટ’ અમુક ‘બેન્ઝોડાયાઝેપીન’ અથવા ‘બીટા બ્લોકર’ પ્રકારની દવાઓ થોડા મહીનાઓ માટે આપવાથી પેનીકનો આ રોગ ઘણા ખરા કીસ્સાઓમાં સારો થઈ જતો જોવા મળે છે. આ રોગ અંગેની જાણકારી એટલા માટે જરુરી છે કે મોટે ભાગે યુવાન અને મધ્યમ વયના સ્ત્રીપુરુષો આનાથી પીડાતા હોય છે. અને ગભરાઈને દવા વગર એકલા એકલા વેદના ભોગવ્યા કરતા હોય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 23મો લેખ, પુસ્તકનાં પાન 158થી 163 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243, 3478596 ફેક્સ : (0261)  3460650 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

13 Comments

 1. આજે કોમેંટ પોસ્ટ થતી નથી !
  યથા યોગ્ય તથા કુરુ

  ડૉ. મુકુલ ચોકસીનો હમ્મેશની જેમ સ રસ અભ્યાસપૂર્ણ લેખ
  “એન્કઝાઈટી રોગના આ પ્રકારને ‘પેનીક ડીસઑર્ડર’ કહેવામાં આવે છે. આ રોગ સમાજમાં સારો એવો સામાન્ય છે.‘આ રોગ હવે બાયોલૉજીકલ ગણાય છે. શરીરમાં, ખાસ કરીને મગજમાંના ન્યુરોટ્રાન્સમીટર કેમીકલ્સના ફેરફારને કારણે તે થાય છે અને લેબોરેટરી તપાસ દ્વારા તેનું નીદાન પણ થઈ શકે છે. ‘લેક્ટેટ ઈન્ફ્યુઝન ટેસ્ટ’ નામની તપાસ દ્વારા જાણી શકાય છે કે દર્દીને ‘પેનીક ડીસઑર્ડર’ હોઈ શકે કે નહીં’આ ચીંતારોગના બે પ્રકાર હોય છે; (1) ‘પેનીક વીથ એગોરાફોબીયા’ અને (2) ‘પેનીક વીધાઉટ એગોરાફોબીયા’.‘ટ્રાઈસાઈકલીક એન્ટીડીપ્રેશન્ટ’ અમુક ‘બેન્ઝોડાયાઝેપીન’ અથવા ‘બીટા બ્લોકર’
  ખૂબ સુદર પ્રેરણાદાયી વાતનો પ્રચાર પ્રસાર થવો જોઇએ.આવા દર્દીઓ અનેક કુટૂંબોમા જોવા મળે છે.દવાઓની સાથે જેવામા શ્રદ્ધા હોય તેવી સાધના કે યોગના પ્રયોગોથી વધુ સારા પરિણામ આવે છે.રોગની શરૂઆત કે સાધારણ પ્રમાણ હોય તો દવા વગર પ્રાણાયામ અને જાપથી પણ સારા થતા જોયા છે.આને પ્લેસીબો અસર ગણે તો ભલે પણ સારું થાય તે મહત્વનું છે.
  ધન્યવાદ

  Liked by 2 people

 2. Govindbhai,
  Very good article on psychic disorder and especially well explained by experienced Psychiatrist Dr.Mukul Choksi.
  This can also be known as psycho-somatic disease where in worry-anxiety or any sort of pressure appears thru
  body because body has also got certain limit to endure mental pressure .One of the factors is also fear of death.
  Meditation is also a alternative therapy along with prescription drugs.
  It will be a pleasure to have such articles from you at reasonable intervals.
  Regards,
  Ravindra Bhojak
  28th January,2021

  Liked by 1 person

 3. મને યાદ છે
  ભારતમાં ૧૯૯૪માં પશ્ચિમ વિસ્તારમાં ન્યૂમૉનિક પ્લેગ કારણે ૫0થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સુરતમાં સૌથી વધુ મહામારી ફેલાઈ હતી.સુરતમાં વર્ષોથી રહેતા અને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી મહામારી પહેલાંની એ રાતનું વર્ણન કરતાં કહે છેઃ”એ રાતે એવા સમાચાર આવ્યા કે શહેરના વેડરોડ વિસ્તારમાં ઘણાબધા લોકોનાં મૃત્યુ થયાં છે અને અફવા ઊડી કે કોઈએ પાણીમાં ઝેર ભેળવી દીધું છે. પછી અફવાનું તરત ખંડન થયું અને એવી વાત આવી કે શહેરમાં પ્લેગ ફેલાયો ગયો છે.””મળસકા સુધીમાં તો ફોન આવવા લાગ્યા કે શહેરમાં પ્લેગ ફેલાઈ ગયો છે.”
  “શરૂઆતના ત્રણચાર દિવસમાં તો મેડિકલજગતને પણ મૂંઝવણમાં હતી કે શું કરવું કેમ કે શહેરમાં અગાઉ ક્યારેય આવું થયું નહોતું.””સમાચાર મળતાં એક કલાકમાં શહેર આખું જાગી ગયું હતું. આખા શહેરે ટૅટ્રાસાયક્લીન બાયૉટિક ખાધી હતી. સવાર સુધીમાં આ દવા શહેરમાંથી ખલાસ થઈ ગઈ હતી.”એ રાતની વાત કરતાં ચોકસી કહે છે કે એ રાતે જ લોકોનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને લોકોને પણ શું કરવું એ ખબર નહોતી.ચોકસી કહે છે કે બીજા દિવસે બપોરે બાર વાગ્યા પછી શહેરમાં એક પણ માણસ માસ્ક વિનાનો જોવા નહોતો મળ્યો.
  ……………
  બીજી તરફ ખબર આવી કે વલસાડમા અમારી સાસુમા ગુજરી ગયા છે.દીલ્હી-મથુરા રૉડ પર અમારી દીકરી છાયાને અકસ્માત થયો તેમા અમારી ગ્રાંડ ડૉટર નેહાનુ માથુ બસના હૅડ લાઈટમા ભેરવાઇ છુટ્ટૂ પડી ગયું અને રૉડ પર ધડ તડફડતુ મૃત્યુ થયુ.ચિ છાયાને બેભાન અવસ્થામા ફ્રેકચર સાથે દીલ્હીની હોસ્પિટલમા દાખલ કરી.અમારા દીકરા પરેશ અને દિકરી યામિનીને પ્લેગની ઇમર્જન્સી ડ્યુટી પર રજા મળે તેમ ન હતુ.અમે દીલ્હી પહોંચ્યા ત્યાં કોઇને સુરતથી આવ્યા તેમ કહેવાય તેમ ન હતું.ત્યાં હોસ્પિટલમા મને અત્યન્ત મુંઝારો, શ્વાસોચ્છવાસમાં અવરોધ, અને ભય થી
  ચક્કર આવતા હતા.ત્યાના ડૉકટર બહુ ભલા માણસ હતા તેમણે મારી વાત ધીરજપૂર્વક સાંભળી સામાન્ય તપાસ કરી ઉંડા શ્વાસ લેવાનુ કહ્યું બાદમા અનુલોમ-વિલોમ ક્રીયામા બને તેટલો બાહ્યકુંભકમા શ્વાસ રોકવાની પ્રક્રીયા કરતા એકદમ રાહત લાગી.જેમા શ્રધ્ધા હોય તેની માળા અથવા શ્વાસ લીધો-મુક્યો તેનુ ધ્યાન કરવાનુ કહ્યું.
  આવા સામાન્ય ઉપચારથી ઘણાને રાહત લાગતી જોઈ છે.

  Liked by 1 person

 4. ડૉ. મુકુલ ચોક્સી નો માનસિક બિમારીને લગતા રોગ વિશેનો માહિતીસભર લેખ દ્વારા નવું જાણવા મળ્યું. ઘણાં લોકોમાં સામાન્ય એવી આ બીમારીથી પરેશાન લોકો ભાગ્યેજ માનસિક રોગ હશે એમ માનીને કોઇ સાઇકીઆટ્રીસ્ટ પાસે જતાં હશે, અને બીજા ભળતા રોગની દવાઓ ખાઇને પરેશાન થતાં હશે. માનસિક બિમારીને લગતા રોગ વિશેની માહિતી દ્વારા લોકોમાં જાગરૂતા આવે એવા ઉમદા પ્રયાસ બદલ ડૉ. મુકુલ ચોક્સી અને માનનીય ગોવિંદભાઇ મારુ નો ખુબ ખુબ આભાર.

  Liked by 1 person

 5. ડૉ. મુકુલ ચોક્સીના લેખ લોકો માટે ખુબ જ ઉપયોગી માહીતી પ્રદાન કરનારા હોય છે. એનો લાભ આપવા બદલ એમનો તથા ગોવીન્દભાઈ આપનો હાર્દીક આભાર.

  Liked by 1 person

 6. ખૂબ સરસ લેખ. માનસિક બીમારી અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવાની ઘણી જરૂર છે. એ કામ તમે કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર.

  Liked by 1 person

 7. સરસ. અેક માનસિક રોગની સરસ સમજ ડો. મુકુલ ચોકસીઅે આપી. .તેમના લેખના નિષકર્શના શબ્દો કહે છે કે આ રોગ ‘ અેકલતા‘ના સમયે વઘુ થવાના ચાન્સીસ હોય છે. ઉપર દર્શાવેલા દરેક સંજોગોમાં દર્દી પોતાને અેકલો સમજતો બતાવાયો છે. દર્દી પોતે પોતાનો ડોક્ટર બની શકે છે. તેને બીજા કોઇ અેક પોતાના સંગાથની જરુરત હોય છે. વાતોમાં જો દર્દી કોઇની સાથે બીઝી રહે તો આ રોગને ઘીમે ઘીમે દૂર કરી શકાય તેવો અંદેશો લેખમાંથી મળે છે. આવા દર્દીઅે પોતાનું કોઇ અગત સાથે રાખવું જોઇઅે જે તેના મગજને હંમેશા બીઝી રાખે. રાતે ડોક્ટરે આપેલી મગજને શાંત રાખવાની દવા કામ આવે. તપનના કહેવા છતાં દર્દી પોતાના મનથી રાત્રી ફિલ્મ જોવા ગયો. ફરતાં અેકલો પડયો અને મગજ ઘુમરાયું. છેલ્લા કિસ્સામાં ઘરમાં હોવાથી દર્દી પોતે સારો થઇ ગયો.
  કેમ ?
  ડોક્ટરોની સલાહને અવગણવી તે પણ કદાચ અેક ગુનો જ ગણાવો જોઇઅે..
  મુકુલભાઇની આ સમાજને જાગૃત કરવાની ઝુંબેશને દાદ આપવી પડે.
  આભાર, મુકુલભાઇ અને ગોવિંદભાઇ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. નિરાતે ડાબા પડખે સૂઈ જવાનું અને ખૂબ ઊંડા સ્વાશ લેવાના. તમારા જે કોઈ મંત્ર યાદ હોય તેનું રતન કરબવાનું. જરા પણ ટેન્શન લેવાનું નહીં મને કાઇજ નથી એવા વિચારમાં ડૂબી જવાનું. જ્યાં સુધી દમ Asthma ના માટે ત્યાં સૂધી ઊંડા સ્વાશ લેવા. મને પણ અસ્થમા છે. બહુ લાગે તોજ નેબુલાઇજર વાપરવું . duolin અને Budecort ડોક્ટરની સલાહ મુજબ લેવું. આ મારો
  અનુભવ છે. lekh saaro chhe

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s