શું બીક બેસાડવા માટે દરેક ધર્મમાં સરખું મીકેનીઝમ છે? આપણા બાળકો બીકણ ન થાય અને ભયમુક્ત થઈ પોતાનું રક્ષણ કરી શકે તે માટે માબાપે શી કાળજી લેવી જોઈએ?
બાળકો બીકણ કેમ થાય છે?
–રમેશ સવાણી
અન્ધારાની બીક સૌને લાગે; કોઈ જગ્યાએ અથડાઈ જવાનો ડર રહે; ખાડામાં પડી જવાનો ડર રહે; પગથીયું ચુકી જવાનો ડર રહે; પણ તેમાં બાવો આવે કે ભુતપ્રેત ઉમેરાય ત્યારે બીક બમણી થઈ જાય છે! બાળક રડે ત્યારે છાનું રાખવા “બાવા કે પોલીસને બોલાવું છું. છાનો રહે નહીં તો અન્ધારી કોટડીમાં પુરી દઈશ! મોઢું બંધ કર નહીં તો વીંછી મોઢામાં આવી જશે!” એવી બીક દેખાડીએ છીએ. બાળકને ચુપ રાખવા ડર બતાવવાનો સહેલો રસ્તો આપણને ગમે છે; પરન્તુ ડરપોક બાળક મોટું થાય ત્યારે પોલીસથી ડરે છે, અસામાજીક તત્ત્વોથી ડરે છે, સત્તાથી ડરે છે! અન્ધારાની બીક પછી ભુતપ્રેતની બીક લાગે; મેલડીમાની બીક લાગે; ભગવાનની બીક લાગે! આમ બીકની પરમ્પરા ચાલે! બીક, માણસને બળહીન કરે છે. બીકથી માણસ ધ્રુજે છે; પરસેવે રેબઝેબ થઈ જાય છે; ક્યારેક તો મળમુત્ર કરી નાખે છે.
બાળકમાં બીક સ્વાભાવીક છે. રસ્તો ઓળંગતા ડર લાગે છે એટલે આપણે સાવચેતી રાખીએ છીએ. અગાશી ઉપરથી કુદકો મારતા નથી, કુવામાં ધુબકો મારતા નથી કેમ કે ઉંચાઈનો આપણને ડર લાગે છે! પરન્તુ જ્યાં ડરનું/બીકનું કોઈ કારણ હોતું નથી ત્યાં પણ આપણે ખુદ ડરીએ છીએ અને બાળકમાં બીક બેસાડીએ છીએ. વીંછી નીકળે ત્યારે “વોય બાપરે!” કહીને આપણે દુર ભાગવાને બદલે સાંણસીથી પકડીને દુર કરવાથી બાળક સમજશે કે ડરવાની જરુર નથી; સાવચેતીની જરુર છે! જે જે પ્રસંગોએ ખરેખર ડરવા જેવું નથી હોતું; તે તે પ્રસંગોએ આપણા વર્તનથી ઘણી વખત બાળક ડરતું થઈ જાય છે. આમ ન થાય તે માટે માબાપે કાળજી લેવી પડે. સીંહ/વાઘ/સાપનો ભય ભલે હોય; પરન્તુ તેની સામે નીડરપણે કેમ થઈ શકાય તે બાળકને સમજાવવું પડે. સલામતી માટે જ્યાં જ્યાં કાળજી રાખવાની છે ત્યાં ત્યાં નીર્ભયપણે કાળજી કેમ રખાય; તેનો વીચાર બાળકમાં મુકીએ તો બાળક બીકણ થઈને નાસી જવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકે.
બાળકને ભગવાનનો ડર બતાવવાથી બાળક શીસ્તબદ્ધ બને છે; આ માન્યતા મોટાભાગના વાલીઓમાં જોવા મળે છે. સ્વામીનારાયણ ગુરુકુળમાં મારા મીત્રનો દીકરો પ્રાથમીક શાળામાં હતો. મેં મીત્રને સલાહ આપી : “તમારો દીકરો ભલે હાલે લસણ ખાતો નથી; પણ મોટો થશે અને સ્વતન્ત્ર થશે ત્યારે સ્પ્રીંગ છટકશે. રોજે સવારે વહેલા ઉઠી પુજાપાઠ કરવાના. નાનું બાળક શીક્ષાપત્રીની પુજા કરે! આ શીક્ષણ નથી; સર્કસ માટે પ્રાણીઓને આ રીતે તાલીમ આપી શકાય; બાળકોને નહીં.” મીત્રએ પોતાના દીકરાને ગુરુકુળમાંથી ઉઠાડી, બીજી સ્કુલમાં મુકી દીધો! સમ્પ્રદાય/ધર્મ સંચાલીત શાળા/કૉલેજો બાળકોને ધાર્મીક બનાવે છે; સંકુચીત બનાવે છે. આવું બાળક ટીલાંટપકાં કરશે પણ દલીતોને દુર રાખશે! આવું બાળક ચમત્કારમાં માનશે અને સામાજીક/રાજકીય/આર્થીક સમસ્યાઓ સામે લડવાને બદલે ઈશ્વરની કૃપાથી જ સમસ્યાઓ દુર થઈ શકે; તેમ માની પુજાપાઠ કર્યા કરશે. ઈશ્વર/ધર્મ/નરક/પાપનો ડર સૌથી વધુ ખતરનાક છે. આ બીકના કારણે ગુરુઓ/સ્વામીઓ/મૌલવીઓ/પાદરીઓ ગોકુળ/વૈકુંઠ/અક્ષરધામ/સ્વર્ગ/જન્નતની લાલચ આપીને, સગીર બાળાઓનું જાતીય શોષણ કરે છે! સત્યનારાયણની કથા સાંભળો. પ્રસાદ નહીં ખાવાથી અનેક મુશ્કેલીઓ આવે અને પ્રસાદ ખાવાથી અનેક લાભ થઈ જાય! બીક બેસાડવા માટે હીન્દુ/ઈસ્લામ/ખ્રીસ્ત વગેરે ધર્મમાં સરખું મીકેનીઝમ જોવા મળે છે. અન્ધકારનો ડર અજવાળું થતા દુર થઈ જાય છે; પરન્તુ ધાર્મીક ડરનો અન્ધકાર પરમેનન્ટ હોય છે!
–રમેશ સવાણી
‘ફેસબુક.કોમ’ના ‘અપના અડ્ડા’ ગ્રુપમાં તા. 20, ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી, લેખકના, ‘અપના અડ્ડા’ ગ્રુપ અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
મા રમેશ સવાણીનો અભ્યાસપુર્ણ લેખ
તેમનું તારણ-‘અન્ધકારનો ડર અજવાળું થતા દુર થઈ જાય છે; પરન્તુ ધાર્મીક ડરનો અન્ધકાર પરમેનન્ટ હોય છે!’ આ અંગે પણ સંતો કહે છે કે ઇશ્વર પ્રેમ સ્વરુપ છે અને તેનાથી ડરવાનુ નથી.કર્મ સારા હોય તો સારા ફળ મળે છે માટે સારા કર્મ કરવા જોઇએ અને તે સત્સંગ અને સાધનાથી ખોટા કર્મો કરતા બાળપણથી જ અટકાવાય છે.આવા બાળકો મોટા થઇ સારા માનવ બને છે અને સામાન્ય જન માટે પ્રેરણાદાયી હોય છે.જો કે આવા ઠગ લોકો ખોટો પ્રચાર કરી પોતાના લાભ મેળવે છે તે અંગે તો દરેકે સાવધાન રહેવાનું છે અને પાની પીજો છાનકે-
મનોવિજ્ઞાનની ભાષામાં એને ફોબિયા કહે છે.ફોબિયાથી પીડાતી વ્યક્તિનો ઇલાજ કરવો જરૂરી છે. આ ઇલાજ બે પ્રકારના હોય છે. (૧) પ્રોગ્રેસિવ ડિસેન્સિટાઇઝેશન અને (૨) ફ્લિડંગ ડિસેન્સિટાઇઝેશનઆમા મુખ્ય કારણ ઘરના પ્રતિકૂળ સંજોગો, માતા-પિતા તરફથી પ્રેમનો અભાવ વગેરે. પરિણામે બાળકના કુમળા માનસ પર અવળી અસર પડે છે. તે હતાશાથી પીડાય છે. તેને ઉદાસી ઘેરી વળે છે. તે અંધકારથી પણ ડરે છે.
LikeLiked by 2 people
Logical, practical, and appropriate view-point for our culture!
LikeLiked by 1 person
your friend saved one life–nice article
LikeLiked by 1 person
ડરપોકપણાનું એક કારણ આનુવંશિક લક્ષણો પણ હોય છે, જે માતાપિતામાંથી બાળકોમાં અને એમાંથી એમના બાળકોમાં ઉતરતા હોય છે. જે દૂર થઇ શકે છે, સાપ, ગરોળી કે અંધકાર જેવા ડર સ્વાભાવિક હોય છે, જેનાથી બાળકો ડરતા નથી પણ માતા પિતા દ્વારા ડરપોક બનાવવામાંં આવે છે.
“સમ્પ્રદાય/ધર્મ સંચાલીત શાળા/કૉલેજો બાળકોને ધાર્મીક બનાવે છે; સંકુચીત બનાવે છે” દ્વારા લેખકે બાળકોને તટસ્થ શાળા/કૉલેજોમાં ભણાવવા જોઇએ એવું લાગે છે. બાળકોમાં ધાર્મિકવ્રુતિનું સિંચન કરવું અને સારા સંંસ્કાર આપવા એ બંનેમાં ખુબજ ફર્ક છે.
ધાર્મિક રીતે પ્રોગામીંગ કરેલા બાળકો મોટાં થઇને પોતાના ધર્મ/સંપ્રદાયને જ શ્રેષ્ઠ માને છે. માનવધર્મ ભુલાઇ જાય છે.
“અભીવ્યક્તી” બ્લોગમાં જ ક્યાંક વાચ્યુંં હતું કે:- બાળકોને નાનપણમાં જ ધાર્મિક ન બનાવતાં તેમને મોટા થવા દઇને તેમને જાતે જ નક્કી કરવા દો. જે ખુબ જ સરસ વિચાર છે. આ ઉપરાંત માનનીય ગોવિંદભાઇએ નિર્માણ કરેલ “સંતાનોમાં સંસ્કારસીંચન” લેખક -ડૉ. શશીકાન્ત શાહની ‘ઇ.બુક’ પણ કિશોરો માટે વાંચવા લાયક છે.
ખુબ ખુબ આભાર લેખક શ્રી રમેશ સવાણી અને ગોવિંદભાઇનો.
LikeLiked by 1 person
બંધ થા નહિ તો મોમાં વીંછી આવી જશે. હા હા હા હા હા હા……. આવું કોણ કહે છે? સરસ લેખ છે.
ખરેખર બાળકોના ઉછેરમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. ડર ના સંસ્કાર ન પડે એ રીત નું વલણ અને શબ્દો વાપરવા જોઇએ વડીલોએ. વળી નૈતિકતાના સંસ્કાર પાડવા કરતાં naturaly હકીકત શું છે સાથે સાથે સમાજના સંસ્કાર શું છે એ ભેદ સાથે સંસ્કાર પાડવા જોઇએ. હું પણ પહેલા ફેસબૂક વાપરતો ત્યારે અપના અડ્ડામાં હતો સરસ ગ્રુપ છે અનેક વિષયો પર ચર્ચા વિચારણા કરે છે પણ એમનું રેશનાલિઝમ કંઈક અલગ જ લાગ્યું
LikeLiked by 1 person
“સામે નીડરપણે કેમ થઈ શકાય તે બાળકને સમજાવવું પડે. સલામતી માટે જ્યાં જ્યાં કાળજી રાખવાની છે ત્યાં ત્યાં નીર્ભયપણે કાળજી કેમ રખાય; તેનો વીચાર બાળકમાં મુકીએ તો બાળક બીકણ થઈને નાસી જવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકે” બાળકો ડરી જાય ત્યારે મોટાઓ કેવો પ્રતિભાવ આપે છે તે પછી ‘ડરવું જોઈએ કે નહીં’ એ બાળકો નક્કી કરતાં હોય છે. સારો લેખ છે.
સરયૂ પરીખ http://www.saryu.wordpress.com
LikeLiked by 1 person
રમેશભાઇનો લેખ વાંચ્યો. ટૂંકો લાગ્યો. ઘણી વઘુ માહિતિઓ આપી શકાઇ હોત.
ભારતના જુદા જુદા લોકોના કલ્ચરને સમજીઅે તો…પંજાબીઓ સામે ગુજરાતીઓને સમજી જોઇઅે.બન્ને ના જીન્સ જુદા જુદા કામો કરે છે. પંજાબી , સરદારજી , મા, બાપ નાના છોકરાઓને મજબુત મનના બનાવે છે.. શીખ પ્રજાને ઘણી તકલીફો વેઠીને આજની પરિસ્થિતિ મળી છે. તેમના બ્લડમાં જ ડરવાનું નથી હોતું. ગુજરાતી પ્રજા અેટલે પોચી પ્રજા. ગભરું પ્રજા. બીકણ બનાવેલા. માવડીયા બનાવેલા. હજી પણ આ રીત રસમ ચાલે છે.
મરાઠીઓ પણ મોટે ભાગે ગભરું નથી હોતા.
વર્ણાશ્રમે સમાજના લોકોના જન્મને આઘારે ચાર વિભાગો પાડીને ફક્ત ક્ષત્રીયોને લડવાનું કર્મ સોંપેલું. બ્રાહ્મણો, વૈશ્યો અને શુદ્રોને લડવાનું કામ ન્હોતું સોંપેલું.
હવે પૃથ્વિના બે ભાગ ને સરખાવી જોઇઅે.
પૂર્વ અને પશ્ચિમ.
પૂર્વમાં ભારતના ત્રણ હિન્દુ વર્ણાશ્રમોની સામે અમેરિકા કે યુરોપની પ્રજામાં બાળકોને જન્મીને ત્રણ કે ચાર મહિનાનું બાળક બને કે તેમને સ્વીમીંગપૂલમાં મૂકે. લંડનમાં મારા સાળીના બન્ને બાળકોને ચાર મહિનાની ઇમરે સ્વીમીંગપૂલમાં શીક્ષણ આપવા મુકેલા. મારા ગ્રાન્ડ સન અને ગ્રાન્ડ ડોટરને અમેરિકામાં અેક વરસની ઉમરે સ્વીમીંગપૂલમાં શીખવા મૂકેલાં.
શાળામાંથી પણ બાળકોને જુદા જુદા મજબુત મનના બનાવવાના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે.
ગાંઘીજીની આત્મકથામાં તેમણે લખેલું છે કે તેઓ પણ બીકણ હતાં. તેમના ઘરે કામ કરતી બહેન તેમની સાથે રહીને તેમની બીક ભાંગતી.
ઘર્માચાર્યો પણ ભાષણમાં કે સતસંગમાં દેવ અને દાનવોની બીક બતાવતા હોય છે.
જીવનના સુખના દિવસો અને દુ:ખના દિવસોને નસીબ, હારામાઠા કર્મો….મોક્ષ, સ્વર્ગ, નર્ક ના દરવાજા…યમરાજાની બીક…અેવું કેટ કેટલું બાળકોના મનને નિર્બળ બનાવી દે છે.
ભગવાનમાં વિશ્વાસ રાખો તેમની પૂજા કરો, તમારા દુ:ખના દિવસોને તે દૂર કરશે. તેમનામાં વિશ્વાસ રાખો….
સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક, ‘ નવા વિચારો ‘ ની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે…..
અેક અમેરિકને મને પ્રશ્ન પૂછયો કે વિશ્વમાં અેવો કયો દેશ છે જ્યાં પ્રચંડ બહુમતી ઘરાવતી પ્રજા બિચારી થઇને, રાંક થઇને, ભયભીત થઇને, ભવિશ્યની ચિંતા સાથે જીવે છે ? હું સમજી ગયો, તે મને જ કહેવા માંગે છે કે અેવો અેકમાત્ર દેશ ભારત છે. તમે અમને અઘ્યાત્મ, યોગ, સંસ્કૃતિ અને ફિલસૂફીની દિવ્ય વાતો સંભળાવવા દોડી આવો છો, પણ તમારી વાસ્તવિક દશાનો તો વિચાર કરો. તમારી પ્રજા અંઘશ્રઘ્ઘા, ભય, અપ્રમાણિકતા અને અનિશ્ચિત ભાવિ જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકતી નથી…….કારણ કે તમારું નાવ જ પથ્થરનું બનેલું છે. જ્યાં સુઘી આ પથ્થરનૌકા ( ઘર્માભાષ ) પ્પ્રત્યેનો મોહ નહિ ૭તરે ત્યાં સુઘી તમે આંતરિક અને બાહ્યબન્ને ક્ષેત્રે દુર્બળ રહેવાના જ.
આપણે પોતે આપણા બાળકોની આ માનસિક પરિસ્થિતિના જમનદાતા, પોષક અને પેઢી દર પેઢી મોકલનારા છીઅે.
જો કે દુનિયા અેટલી નાની થઇ ગઇ છે કે આજની યુવાન પેઢી તેમના બાળકોને પાછલી પેઢીના જેટલા બીકણ તો નહિ જ બનાવે…..
કારણ કે પૂર્વ અને પશ્ચિમ હાથમાં હાથ નાંખીને ચાલતા થયા છે.
LikeLiked by 1 person
✔️✔️✔️👉👉👉👉✔️✔️✔️
LikeLiked by 1 person
મિત્રો,
ભારતીય માતા, પિતા પોતાના બોળકોને…લવ અને કુશ અને ભરતના દાખલા આપીને મોટા કેમ નથી કરતાં ? સાહસિક નથી બનાવતા ? પોતાના બાળકોને આ ત્રણ બાળકોના જેવા બનવા તૈયાર નથી કરતાં. સામાજીક ફીલોસોફીઅે ઘણાને નબળા બનાવી દીઘા છે. મહાભારતમાં અર્જુને હથીયાર હેઠા મુકી દીઘા હતાં. કૃષ્ણઅે તેને હથીયારો ઉઠાવીને અન્યાય સામે લડવા તૈયાર કરેલ.
દુનિયાનો ઇતિહાસ….માણસો વચ્ચે કે પ્રાણિઓ વચ્ચે સ્વરક્ષણ મૂળ સાઘન હતુ અને છે. Struggle for existence And Survival of the fittest was the life style and that is even true in today”s world.
બાળકોને સાહસિક બનાવો, અન્યાય સામે લડતા શીખવો. પોતે શક્તિનો દુરુપયોગ ના કરે તેનું ઘ્યાન રાખો. આજકાલના સાઘુઓ, ગાંઘીજી બુઘ્ઘના ,મહાવીરના ફીલોસોફીના પાઠ શીખવે છે…તમારા અેક ગાલ પર કોઇ તમાચો મારે તો બીજો ગાલ ઘરો…..તેને માફ કરો…..ભારતે આઝાદી બીજો ગાલ ઘરીને ન્હોતી લીઘી…..અન્યાય શહન ન્હોતો કર્યો….
બહુ લખાય….
અમૃત હઝારી.
LikeLiked by 1 person