ફેબ્રુઆરી મહીનાના બીજા સોમવારે ‘આંતરરાષ્ટ્રીય એપીલેપ્સી દીવસ’ મનાવવામાં આવે છે. આવો… આજે ‘એપીલેપ્સી’ અને ‘પર્પલ ડે’ વીશે જાણકારી મેળવી ને અન્ધશ્રદ્ધા ત્યાગીએ…
અન્ધશ્રદ્ધા ત્યાગો
‘એપીલેપ્સી’નો ઈલાજ કરાવો
–જીગીષા જૈન
કોઈને ધ્રુજારી સાથે આંચકી આવે ત્યારે ગન્ધાતાં ચમ્પલ કે ડુંગળી સુંઘાડવાને બદલે તેને ડૉક્ટર પાસે લઈ જાઓ, કારણ કે તાણ કે આંચકી પણ ‘એપીલેપ્સી’નાં જ લક્ષણો છે. જો ‘એપીલેપ્સી’નો ઈલાજ ન કરાવીએ તો એ ઘાતક પણ બની શકે છે.
કોઈ અચાનક ધુણવા લાગે, હાથ–પગ પછાડવા લાગે તો વીકાસ તરફ પુરઝડપે દોડનારા ભારત દેશના અસંખ્ય લોકો કહેશે કે આ વ્યક્તીને કંઈક વળગ્યું લાગે છે. ભુત–પ્રેત અને એને લઈને વર્ષોથી ચાલી આવતી માન્યતા જો કોઈને ભયંકર નડે છે તો એ દરદીને ખુદને. હા, જેને આપણે ભુત–પ્રેત કે વળગણ સમજીએ છીએ એ એક રોગ છે, જેને ‘એપીલેપ્સી’ કહે છે. ભુત–પ્રેતના ચક્કરમાં આજે પણ હજારો લોકો ઈલાજથી વંચીત રહી જાય છે અને એમાંથી કેટલાક ઈજાગ્રસ્ત બનીને અક્ષમ બની જાય છે તો કેટલાકનું બ્રેઈન ડૅમેજ થઈ જાય છે તો કેટલાક તો સીધા મૃત્યુના દ્વારે જ પહોંચી જાય છે.
આ ‘એપીલેપ્સી’માં જે પ્રકારના હુમલા આવે એમાંનો એક પ્રકાર એટલે ઉપર આપણે જે વાત કરી એ. જો કે જરુરી નથી કે દરેક વખતે વળગણ પ્રકારનાં જ લક્ષણ હોય. રસ્તામાં ક્યારેક કોઈ વ્યક્તી અચાનક પડી જાય, હાથ–પગ ધ્રુજવા લાગે કે શરીર ખેંચાઈ જાય, મોઢામાંથી ફીણ નીકળી જાય કે એનું યુરીન પાસ થઈ જાય એવી પરીસ્થીતીને વાઈ કે ખેંચ કહે છે. હીન્દીમાં એને મીરગી કહે છે. પહેલાંના સમયમાં અને આજે પણ ઘણા લોકો આવું થાય ત્યારે એ માણસને ખુબ જ આકરી ગન્ધ ધરાવતું જોડું કે ડુંગળી જેવું કંઈક સુંઘાડે છે અને થોડી વારમાં એ વ્યક્તી ઠીક થઈ જાય છે. જો કે આ એક ગેરમાન્યતા જ છે. ‘એપીલેપ્સી’નો અટૅક થોડી વાર પછી શાંત થઈ જવાને લીધે વ્યક્તીને ઠીક લાગતું હોય છે, ગન્ધાતું જોડું કે ડુંગળી સુંઘવાથી નહીં. આ રોગ એક છે, પરન્તુ એનાં લક્ષણો જુદાં–જુદાં હોય છે; કારણ કે એ થવા પાછળનાં કારણો પણ જુદાં–જુદાં હોય છે.
‘એપીલેપ્સી’ મગજને લગતો એક રોગ છે. મગજને શરીરનું હેડક્વૉર્ટર સમજીએ તો આખા શરીરના જુદાં–જુદાં અંગો જે કાર્ય કરે છે, એનું સંચાલન શરીરના હેડક્વૉર્ટર એટલે કે મગજમાં થાય છે. આખા શરીર અને મગજની વચ્ચે કનેક્શન સાધતી ચેતાતન્ત્રની નળીઓ આખા શરીરમાં ફેલાયેલી છે, જે શરીરના એક અંગ અને મગજ વચ્ચે એક સીધું જોડાણ રચે છે. આ જ વાતને ઉદાહરણ સાથે સમજીએ તો ચાના ગરમ કપને તમારી આંગળી અડે છે ત્યારે સેકન્ડથી પણ ઓછા સમયમાં આંગળીના ટેરવેથી મગજ સુધી સન્દેશો પહોંચે છે અને મગજ આંગળીને ત્યાંથી હાથ હટાવવાનો આદેશ આપે છે. પલકારાભરના સમયમાં આ સન્દેશાની જે આપ–લે થાય છે એ આપ–લેનું માધ્યમ ઈલેક્ટ્રૉનીક છે, જેમાં અમુક પ્રકારની પ્રોસેસમાં કેમીકલ્સ પણ ભળે છે. એ વીશે સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પીટલ, મુમ્બઈ સેન્ટ્રલના ન્યુરોલૉજી અને સ્ટ્રોક ડીપાર્ટમેન્ટના હેડ ન્યુરોલૉજીસ્ટ ડૉ. શીરીષ હસ્તક કહે છે, ‘આપણું મગજ લાખો કોષોનું બનેલું છે. આ કોષોમાંથી વીજળીના કરન્ટ જેવી ઉર્જા સતત નીકળતી હોય છે. આ કરન્ટ થકી જ મગજ શરીરનાં અન્ય અંગોને સન્દેશા મોકલાવે છે. શરીરની બધી જ કામગીરીનું નીયન્ત્રણ આપણું મગજ આ ઈલેક્ટ્રીક કરન્ટ દ્વારા કરે છે. મગજની શરીર સાથેની આ ઍક્ટીવીટી જે પાથવે દ્વારા થાય છે એ ચેતાતન્ત્રની ચેતાઓને ઈલેક્ટ્રો–કેમીકલ પાથવે કહે છે. આ ઈલેક્ટ્રો–કેમીકલ પાથવે જ્યારે ભાંગી પડે કે એમાં કોઈ ખરાબી થાય ત્યારે ‘એપીલેપ્સી’ કે ‘ખેંચ’નો પ્રૉબ્લેમ થાય છે.’
‘એપીલેપ્સી’ ક્યારેક સાવ માઈલ્ડ રોગ સાબીત થાય છે તો ક્યારેક ઘણી રીતે તકલીફદાયક પણ હોઈ શકે છે. સમજવા જેવી વાત એ છે કે એનાં એક નહીં, પચાસ લક્ષણો હોઈ શકે છે. ‘એપીલેપ્સી’ને કારણે તમને જે હુમલા આવે એ હુમલાનાં લક્ષણો ઘણીબધી બાબતો પર આધાર રાખે છે. એ બાબતોને ડૉક્ટર સમજે છે, જરુરી ટેસ્ટ કરાવે છે અને પછી નીદાન પર આવે છે. નીદાન અત્યન્ત મહત્વનું છે; કારણ કે એના પર જ ઈલાજ સમ્ભવ છે. એ વીશે જણાવતાં ‘એપીલેપ્સી’માં વીશેષ રુચી ધરાવતા કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પીટલ, અન્ધેરી (મુમ્બઈ)ના સીનીયર કન્સલ્ટન્ટ ન્યુરોલૉજીસ્ટ ડૉ. જયંતી મણી કહે છે, ‘એપીલેપ્સીનો ઈલાજ દરેક દરદીએ જુદો–જુદો હોય છે. સામાન્ય તાવ આવવાને કારણે પણ આંચકી આવે અને મગજનો કોઈ ભાગ ડૅમેજ થયો હોય તો પણ; એટલે પહેલાં કારણ જાણવું પડે છે. એક દરદીનો ઈલાજ બીજા દરદી કરતાં અલગ જ હોવાનો, કારણ કે તેના રોગ પાછળનાં કારણો જુદાં જ હોવાનાં. જો કે આજે આપણી પાસે ઘણી સારી દવાઓ છે અને જાગૃતી પણ પહેલાં કરતાં વધી છે. દવાઓ અને પરીવારના સાથને કારણે 60–70 ટકા કેસમાં એપીલેપ્સીનું નીવારણ અથવા તો એને કન્ટ્રોલમાં રાખવું શક્ય બન્યું છે. બાકીના 30 ટકા કેસમાં સર્જરીની મદદ લઈ શકાય છે. મહત્વનું એ છે કે લોકો સમજે કે ‘એપીલેપ્સી’નો ઈલાજ કરવો અનીવાર્ય છે નહીંતર એ ઘાતક પુરવાર થતો હોય છે.’
2007માં કૅનેડામાં રહેતી સાત વર્ષની કેસીડી મીગન નામની છોકરીને ‘એપીલેપ્સી’ની તકલીફ છે એવું નીદાન થયું. આ સમયે આ નાનકડી છોકરી ગભરાઈ ગઈ હતી. તેને લાગ્યું કે ફક્ત તેની સાથે જ આ પ્રૉબ્લેમ થઈ રહ્યો છે. તે પોતાના મીત્રોને આ વાત કરતાં ગભરાતી; કારણ કે તેને લાગતું કે તે તેની મજાક ઉડાવશે. તેની મમ્મીએ ત્યારે તેને કહ્યું કે બેટા, તું એકલી જ આ રોગ નથી ધરાવતી, લાખોની સંખ્યામાં લોકો છે આ દુનીયામાં તારા જેવા. પોતાના માટે અને આ લાખો લોકો માટે કંઈ કરવાની ભાવના લઈને 2008માં આઠ વર્ષની ઉમ્મરે તેણે આ રોગ પ્રત્યે જાગૃતી ફેલાવવા માટે ‘પર્પલ ડે’ની શરુઆત કરી. 2008માં તેણે પોતાની નાનકડી કમ્યુનીટીથી શરુઆત કરી હતી અને આજે 2017માં દસમા વર્ષે કુલ 100 દેશો આ દીવસ ઉજવી રહ્યા છે, જે નાનકડી ઉંમરમાં આ છોકરીએ શરુ કરેલી ઝુંબેશની અપાર સફળતા દર્શાવે છે.
આંકડાઓ પર નજર નાખીએ તો દર 26માંથી એક વ્યક્તી પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન ગમે ત્યારે ‘એપીલેપ્સી’નો ભોગ બને છે. સમગ્ર દુનીયામાં 65 મીલીયન લોકો એપીલેપ્સીગ્રસ્ત છે અને આ રોગ દુનીયામાં જોવા મળતા માનસીક રોગોમાં ચોથું સ્થાન ધરાવે છે. એ પરથી સમજી શકાય કે આ ઘણો જ સામાન્ય રોગ છે. દુનીયામાં સ્ત્રીઓ કરતાં પુરુષો ‘એપીલેપ્સી’નો ભોગ વધુ બને છે. ખેંચ કે વાઈ આપણે જેને કહીએ છીએ એ ‘એપીલેપ્સી’ના લક્ષણો છે, એ રોગ નહીં. જેને ઓછામાં ઓછી બે વાર ખેંચના હુમલા આવ્યા હોય એ વ્યક્તીને એપીલેપ્સી છે એમ કહી શકાય. ‘પર્પલ ડે’ની ઉજવણી પાછળ જે મુખ્ય હેતુ છે એ મુજબ દરેક વ્યક્તીને એ બાબતે જાગૃતી હોવી જોઈએ કે તેને આજુબાજુ કોઈને પણ તાણ આવે તો તેણે તરત શું કરવું?
આજે અમુક ખાસ બાબતોને સમજીએ કે તાણ આવે ત્યારે શું કરવું અને શું ન જ કરવું :
1. સામાન્ય રીતે આ પ્રકારના હુમલામાં વ્યક્તી જાતે જ 5–10 મીનીટમાં ઠીક થઈ જાય છે. જો તે આ સમયગાળામાં ઠીક ન થાય તો તેને તરત જ ડૉક્ટર પાસે લઈ જવી જરુરી છે.
2. આ દરમ્યાન ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જો વ્યક્તી ઉલટી કરે તો એને બહાર કાઢવા દેવું નહીંતર તેનાં ફેફસાંમાં એ ફસાઈ જઈ શકે છે.
3. આ ઉપરાંત મોઢાથી તેને કશું જ ખવડાવવાની ભુલ ન કરવી; કારણ કે એ પણ શ્વાસનળીમાં ફસાઈ જઈ શકે છે.
4. વ્યક્તીને થઈ શકે તો એક પડખે કરી દેવી અને ખાસ ધ્યાનમાં રખવા જેવી બાબત એ છે કે વ્યક્તી ભુલથી પોતાની જીભ કચડી ન દે એનું ખાસ ધ્યાન રાખવું.
5. આ રીતે આવી વ્યક્તીની સાચી મદદ કરી શકાય છે. ‘એપીલેપ્સી’ને અન્ધશ્રદ્ધાથી નહીં, પરન્તુ એક રોગની જેમ ટ્રીટ કરવું વધુ આવશ્યક છે.
–જીગીષા જૈન
મુમ્બઈના ‘મીડ–ડે’ દૈનીકમાં તા. 27 માર્ચ, 2017ના રોજ ‘પીપલ-લાઈવ’ કૉલમમાં પ્રગટ થયેલ લેખમાંથી, લેખીકા અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક : jigishadoshi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
સુ શ્રી જીગીષા જૈનનો એપીલેપ્સી’ અંગે અગત્યની માહિતીની સ રસ રજુઆત
આ તકલીફ ઘણા ખરાએ જોઇ હોય છે અને તે અંગે વ્યવસ્થિત સારવાર કરાવતા હોય છે પણ કેટલાને આ અંગે માહિતી ન હોવાથી વ્યવસ્થિત સારવાર વગર પીડાય છે . આ માહિતી અને પોષણક્ષમ્ય દરે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.તબીબી સારવારમા પણ ‘સ્કેર’થી તેઓને ખોટા ગભરાવાય છે આથી પણ તેઓ વ્યવસ્થિત સારવાર છોડી દે છે.તેઓને આવી માહિતી સાથે પરહેજની માહિતીપણ આપવી જરુરી છે જેવી કે દવાઓ જો વચ્ચેથી એકદમ મૂકી દેવામાં આવે તો ક્યારેક ગંભીર ખેંચ આવી શકે છે અને ફરી નવેસરથી દવાઓ શરૂ કરવી પડે છે. લગભગ ૩૦ થી ૫૦ ટકામાં આ રોગ સંપૂર્ણપણે મટી જાય છે. જ્યારે બીજા દર્દીઓમાં તેને દવાઓથી કાબૂમાં રાખી શકાય છે. જેથી તે સામાન્ય માણસની જેમ જ જીંદગી જીવી શકે અને રોગના હુમલાથી થતા અકસ્માત નિવારી શકે. ખાસ કરીને આ રોગના દર્દીઓએ ઉજાગરા ન કરવા જોઈએ, આલ્કોહોલ કે અન્ય વ્યસનોનું સેવન ન કરવું જોઈએ. ખૂબ જ તડકામાં અથવા સીધા જ પ્રકાશમાં લાંબો સમય ન રહેવું જોઈએ, ભૂખ્યા ન રહેવું, વાહન ન ચલાવવું, અગ્નિ કે અકસ્માત થઈ શકે તેવી જગ્યાઓથી દૂર રહેવું, ક્યારેય દવાઓ બંધ ન કરવી, સુવાવડ કે ઓપરેશન પહેલાં પોતાના આ રોગ વિશે ડૉક્ટરને અચૂક જણાવવું વગેરે બાબતો ઘ્યાન રાખવા જેવી હોય છે
ધન્યવાદ
ખેંચની હોમીઓપેથી અને આયુર્વેદ સારવારથી પણ સારા પરિણામો આવતા જોયા છે . અમારા સ્નેહીની સારવારમા આવી કાળજીથી સારા થયા છે. જો દર્દીના શ્વાસમાં અવરોધ થતો જણાય તો તેના માથાને ઊંચુ રાખીને એક તરફ નમાવવું જોઈએ, કે જેથી મોઢામાં આવતા ફીણ-થૂંક વગેરે સરળતાથી બહાર નીકળી શકે અને શ્વાસનળીઓમાં અવરોધ ન થાય. હુમલા પછી જ્યારે દર્દી ભાનમાં આવે ત્યારે તેને આરામદાયક પથારીમાં સુવારાવવો જોઈએ.
આવા અપસ્મારના દર્દીનો દીર્ધકાલીન ઉપચારક્રમ પ્રયોજવાથી તથા વાયુપિત્તાદિ દોષાનુસાર પરેજી ગોઠવવાથી સફળ પરિણામ મળે છે. ચિકિત્સકની સલાહ વગર એકદમ ઉપચાર બંધ કરવો પણ હિતાવહ નથી. અધૂરો ઉપચાર કરવાથી એટેકનું પ્રમાણ વધે છે, અને દર વખતે એટેક પણ પહેલાથી તીવ્ર અને વારંવાર આવવા લાગે છે. મેડીકલ સાયન્સ પ્રમાણે અપસ્મારના મુખ્ય બે પ્રકાર વાંચવા મળે છે. એક ઉપદ્રવિક અને બીજો અજ્ઞાત કારણજન્ય. જ્યારે આયુર્વેદ પ્રમાણે અપસ્મારના વાતજ, પિત્તજ, કફજ અને સાનિપાતજ એમ ચાર પ્રકારો છે. અપસ્માર જો નવો અને એક દોષજન્ય હોય તો તે લાંબા ગાળે સાધ્ય બને છે. પરંતુ ત્રિદોષજન્ય અને દુર્બળ રોગીનો અપસ્માર જો ઉચિત ઉપચાર કરવામાં ન આવે તો લાંબા ગાળે અસાધ્ય બની જાય છે.અપસ્માર માટે અમારા ચિકિત્સા વ્યવસાયના લાંબા અનુભવે જે ઉપચારક્રમ ફળદાયી લાગ્યો છે. તેનું અહીં નિરૂપણ કરું છું.
પંચગવ્યધૃતનું નસ્ય દિવસમાં બે થી ત્રણ વાર લેવું ખૂબ જ ઉપયોગી બને છે. કલ્યાણ ચૂર્ણઃ અડધીથી એક ચમચી સવારે અને રાત્રે લેવું. સ્મૃતિસાગર રસની એક-એક ટેબ્લેટ- ટેબલેટ સવારે અને રાત્રે જમ્યા પછી લેવી.પાર્થાદિલોહ- એક-એક ટેબ્લેટ સવારે ને રાત્રે લો. સીરપ શંખપુષ્પી- એક-એક ચમચી અને બ્રાહ્મીવટી એક-એક ગોળી સવારે અને રાત્રે લેવી. બ્રાહ્મીધૃત- એક ચમચી જેટલું બપોરે જમતાં પહેલાં લેવું. વાયુપિત્તાદિ દોષોમાંથી જેના પ્રકોપના લક્ષણો જણાય. તેને ધ્યાનમાં રાખીને પરેજી ગોઠવવી.
LikeLiked by 3 people
ખુબ સરસ ઉપયોગી માહીતી. હાર્દીક આભાર બહેન જીગીષા અને ગોવીન્દભાઈ.
LikeLiked by 3 people
‘એપીલેપ્સી’ (વાઇ, ખેંચ,)વિશે ખુબ જ ઉપયોગી લેખ. તેમજ સુ શ્રી પ્રજ્ઞાજુ એ પણ ખેંચની હોમીઓપેથી અને આયુર્વેદીક ઉપચાર વિશે સરસ માહિતી આપી. આભાર.
‘પર્પલ ડે’ વિશેની રોચક માહિતી જાણીને આનંદ થયો.
વધુ એક માનસિક બીમારી અંગે લોકોમા જાગરુકતા આવે એવો લેખ આપવા બદલ લેખિકા શ્રી જીગીષા જૈન અને ગોવિંદભાઇ નો પણ ખુબ ખુબ આભાર.
LikeLiked by 2 people
અેપીલેપ્સી….વાઇ, ખેંચ અને ગુજરાતીમાં તેને ફેફરું પણ કહે છે.
સરસ માહિતિઓ મળી.
ગોવિંદભાઇ અને જીગીષા જૈનનો આભાર.
સમાજમાં આ પ્રકારના લેખો દ્વારા જાગૃતિ લાવવી જરુરી બને છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ધન્યવાદ લેખક શ્રી નો ખૂબ સરસ લેખ છે સમાજ માં જાગૃતિ લાવવા નો સુંદર પ્રયાસ જરૂર સફળ થશે
આજના વિજ્ઞાન અને કોમ્પ્યુર યુગમાં માં પણ ભણેલા ગણેલા લોકોને આવા અન્ધશ્રદ્ધા તરફ વળેલા જોઈએ છીએ ત્યારે બહુ અચરજ સાથે દુઃખ થાય છે
LikeLiked by 1 person
ખૂબ સરસ માહિતી.હું નાનો હતો ત્યારે અમારા ઘર બાજુ આવા એક બે વ્યક્તિઓને જોયેલા. એ લોકો ને પણ આ રીતે જોડા કે ડુંગળી સુંઘડવા માં આવતી અને ઝાટકા મારી ભાન માં આવતા જોયેલા.આ બીમારી ના અલગ અલગ નામો પણ જાણવા મળ્યા વાઈ,ખેંચ, અપસ્માર,ફેફરું ખૂબ સરસ જાગૃતિ નું કાર્ય આભાર
LikeLiked by 1 person