ધર્મ અભડાઈ જવો એટલે શું? શું કરો તો તમારો ધર્મ અભડાઈ જાય?

શું આપણે ધાર્મીક કટ્ટરતા કે વૈચારીક કટ્ટરતાનો ભોગ બની રહ્યા છીએ? આપણો ધર્મ અભડાઈ ગયો છે અથવા અભડાવી રહ્યા છીએ તે બાબત કટ્ટરતા તરફ ધકેલે છે?

ધર્મ અભડાઈ જવો એટલે શું?

શું કરો તો તમારો ધર્મ અભડાઈ જાય?

પ્રશાંત દયાળ

પહેલાં હું માનતો કે શીક્ષણનો અભાવ હોય ત્યાં કટ્ટરતા વધુ હોય છે. કટ્ટરતાની વાત એટલે કોઈ એક ચોક્કસ ધર્મમાં વીશ્વાસ કરનારની વાત નથી, કારણ આપણે ત્યાં કટ્ટરતા શબ્દનો પ્રયોગ થાય એટલે કોઈ ચોક્કસ ધર્મના લોકો અને ખાસ પ્રકારના વસ્ત્ર પહેરનાર આપણી આંખ સામે આવી જાય છે; પણ છેલ્લા અઢી દાયકાથી માહોલ જે પ્રકારે બદલાયો છે, તે પ્રકારે હવે શીક્ષીત જ નહીં, ઉચ્ચ શીક્ષણ મેળવનારના મનમાં પણ અનેક પ્રકારની કટ્ટરતા પ્રવેશી ચુકી છે, માત્રને માત્ર ધાર્મીક કટ્ટરતા હોય તો તે વ્યક્તીગત બાબત છે; પરન્તુ વીવીધ પ્રકારની વૈચારીક કટ્ટરતાનાં મુળીયા ખુબ ઉંડાં ઉતરી ગયા છે. કટ્ટરતાનો સીધો અને સરળ અર્થ કરીએ તો હું જે માનું છું, તે જ સાચું છે, મારો મત અફર છે. આ એક પ્રકારની કટ્ટરતા છે. હું તેનાથી આગળ વધીને કહું કે, હું જે માનું છું તે આખરી સત્ય છે તેવું માનવાનો અધીકાર છે; પણ જેઓ મારા સત્ય સાથે સમ્મત નથી તેઓ મારા દુશ્મન છે, દેશદ્રોહી છે, તેઓ હીન્દુ વીરોધી છે, જો મુસ્લીમ છું તો તમે કાફર છો આ ખુબ જ ઘાતક કટ્ટરતા છે.

ધાર્મીક કટ્ટરતા એક તરફ રહી; પણ તેની સાથે આપણે જે વૈચારીક કટ્ટરતાનો ભોગ બની રહ્યા છીએ તેનો આપણને અંદાજ જ આવી રહ્યો હતો, આપણે જાણે અજાણે આ રમતમાં ભાગ લઈ રહ્યા છીએ અને તેનો હીસ્સો પણ બની રહ્યા છીએ. જો કે વીવીધ પ્રકારની કટ્ટરતા પણ આપણા શીક્ષણનો જ ભાગ છે. શીક્ષણનો અર્થ માત્ર સ્કુલ–કૉલેજ પુરતો સીમીત નથી. શીક્ષણ આપણને ઘરથી લઈ આપણી સોસાયટી, આપણા મીત્રો અને આપણી ઑફીસથી લઈ જાહેર સ્થળે થાય છે. આ બધા શીક્ષણમાં કોઈ આપણને પેન–પાટી અથવા કાગળ–પેન આપી કંઈ લખાવતું નથી; પણ આપણા માનસની પાટી ઉપર તેઓ ઈચ્છે તે પ્રકારનું લખાણ લખી નાખે છે અને આપણે અજાણતાપણે તે લખાણને સાચું માનવા લાગીએ છે. આ પ્રકારનું જે શીક્ષણ આપણને મળે છે તે મોટાભાગે ધર્મ અને સંસ્કારના નામે આપવામાં આવે છે, જેના કારણે આપણી કટ્ટરતા ઉપર ધર્મ અને સંસ્કારની મહોર વાગી જાય છે.

કોઈ હીન્દુ માને કે મુસ્લીમ ખરાબ છે અને કોઈ મુસ્લીમ માને હીન્દુ કાફર છે તો આ તેમનો મત છે; પણ એક બ્રાહ્મણ હીન્દુ માને કે તેની દીકરી કોઈ પટેલ અથવા જૈન સાથે લગ્ન ના કરી શકે; કારણ તેની દીકરીએ પસન્દ કરેલો યુવક માત્ર તેની જ્ઞાતીનો નથી. આ પણ એક પ્રકારની કટ્ટરતા છે, તેવી રીતે સીયા મુસ્લીમ માને કે સુન્ની મુસ્લીમ કરતાં તેઓ શ્રષ્ઠ છે. આ પણ કટ્ટરતા જ છે. ઘરની બહાર નીકળીએ અને વીધવા સ્ત્રી સામે મળે તો અપશુકન થાય, જો કોઈ બીલાડી આપણો રસ્તો ઓળંગે તો ખરાબ થવાનો સંકેત છે, માંસાહાર કરનાર પાપી છે, આપણી જાત બીજા કરતાં ઉંચી છે, બીજા આપણા કરતાં નીચી જાતીના છે. આ પણ એક પ્રકારની કટ્ટરતા છે. જો કે કોઈ આપણને આ કટ્ટરતા છે તેના અંગે ક્યારેય વાત કરતા નથી, પોતાને પ્રગતીશીલ માનનાર અનેકોને હું ઓળખું છું, જેઓ ધાર્મીક કટ્ટરતા ફગાવી ચુક્યા છે; પણ જ્ઞાતી, હોદ્દો, જાતી, પદ, રીવાજ જેવી અનેક કટ્ટરતાને બરાબર વળગી રહ્યા છે. તેઓ હીન્દુ–મુસ્લીમ વચ્ચે ભેદ જોતા નથી; પણ તેમની દીકરી–દીકરો બીજી કોઈ જાતી–જ્ઞાતીમાં લગ્ન કરે તે તેમને હરગીઝ મંજુર નથી.

આપણે ત્યાં બીજા એક શબ્દનો પ્રયોગ થાય છે જેમાં આપણે કહીએ છીએ કે જો આવું કરીશું નહીં તો આપણો ધર્મ અભડાઈ જશે. ધર્મ અભડાઈ જશે તે બાબત આપણને કટ્ટરતા તરફ ધકેલે છે; પણ શીક્ષીતો પણ વીચાર કરતા નથી કે આપણો ધર્મ એટલો સસ્તો છે કે કોઈ ચોક્કસ જ્ઞાતીના માણસને સ્પર્શ કરવાથી અથવા અન્ય ધર્મમાં વીશ્વાસ કરનારની સાથે ભોજન લેવાથી આપણો ધર્મ અભડાઈ જાય છે. ધર્મ અભડાઈ જતાં પહેલા આપણે આપણો ધર્મ સમજવો જરુરી છે. કુદરત આપણને અનેક બાબતો પસન્દ કરવાની તક આપે છે; પરન્તુ આપણે કોના પેટે જન્મવું અને કયા ધર્મમાં વીશ્વાસ કરનારના ઘરે આવવું તે આપણને ક્યારેય પુછતી નથી. આપણા જન્મ પછી આપણને ખબર પડ છે કે આપણે હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી, પારસી, પટેલ, દવે, શેખ, મન્સુરી, પરમાર અને મકવાણા છીએ; છતાં આપણે આખી જીન્દગી આપણા કુળને લઈ અભીમાન કરીએ છે અથવા કુળને લઈ દુ:ખી થઈએ છીએ.

આપણે એક ક્ષણ વીચાર કરીએ, જો આપણે આપણો ધર્મ અભડાય માટે એવું કંઈક તો કરતા નથી ને? જો આવું કરીએ છીએ, ચોક્કસ આપણો ધર્મ અભડાઈ ગયો છે અથવા અભડાવી રહ્યા છીએ.

(1)  બીજા ધર્મ અથવા બીજી જ્ઞાતીનાં લોકોને ધીક્કારીએ છીએ.

(2)  આપણાં સંતાનો આપણી જ જ્ઞાતીમાં લગ્ન કરે તેવો આગ્રહ રાખીએ છીએ.

(3)  જેઓ આપણા જેવા કપડાં પહેરતાં નથી અને આપણા જેવો ખોરાક ખાતા નથી તેમનાથી આપણે અંતર રાખીએ છીએ.

(4)  આપણે કોઈના કામના આધારે તેની જાતી નક્કી કરીએ છીએ.

(5)  આપણા ઘરમાં દીકરા–દીકરી અને પુત્રવધુ માટે અલગ અલગ માપદંડો છે.

(6)  ઘરની સ્રીઓએ લાજ કાઢવી પડે અથવા સ્ત્રીઓએ બુરખો પહેરવો જ જોઈએ તેવું માનીએ છીએ.

(7)  આપણા ધાર્મીક સ્થળ અથવા મન્દીરમાં ચોક્કસ જાતી–જ્ઞાતીના લોકોને જ પ્રવેશ કરવાની છુટ છે.

(8)  આપણી મદદની જ્યારે કોઈને જરુર હતી અને આપણે મદદ કરી શકીએ તેવી સ્થીતીમાં હતા; છતાં આપણે મદદ કરી નથી તેવું ક્યારેય બન્યું છે.

(9)  જેઓ આપણી સાથે સમ્મત નથી, તેઓ આપણા દુશ્મન છે તેવું તમે માનો છો.

પ્રશાંત દયાળ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતના તા. 30 ડીસેમ્બર, 2020ના અંકની લોકપ્રીય કટાર ‘લાઈવ વાયર’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. પ્રશાંત દયાળ, 114, નવજીવન બ્લોક, સરદાર પટેલ સ્ટેડીયમ સામે, નવરંગપુરા, અમદાવાદ – 380 015 સેલફોન : 98250 47682 ઈ.મેલ : prashant.dayal26@gmail.com ફેસબુક પેજ : https://www.facebook.com/prashant.dayal26/

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com

13 Comments

 1. શું આપણે ધાર્મીક કટ્ટરતા કે વૈચારીક કટ્ટરતાનો ભોગ બની રહ્યા છીએ? આપણો ધર્મ અભડાઈ ગયો છે અથવા અભડાવી રહ્યા છીએ તે બાબત કટ્ટરતા તરફ ધકેલે છે?ધર્મ અભડાઈ જવો એટલે શું? શું કરો તો તમારો ધર્મ અભડાઈ જાય? અંગે શ્રી પ્રશાંત દયાળનો પ્રેરણાદાયી લેખ .
  અમારા અનુભવમા તો આ વાતે ઘણો સુધારો થયો છે.
  હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંસદસભ્યોના વિદાય ભાષણ આપી રહ્યાં હતાં. કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદનાં ભારોભાર વખાણ કર્યા તો ગુલામ નબી આઝાદે પણ કહ્યું કે તેઓને દરેક તહેવારે મોદીજીએ યાદ રાખી ફોન કર્યા છે. આવા દાખલા જેવા અમારા અને અનેક સ્નેહીઓમા આવી આભડછેટ જણાઇ નથી.મુળ તો આભડછેટનો પ્રશ્ન હરીજનો માટે થતો હતો જે હાલ તો બીલકુલ જણાતો નથી .પહેલા હરીજનો પુછતા કે જીવ અને શિવની એકતા ઉપર ભાર મૂકનાર, वसुधैव कुटुम्बकम् સિદ્ધાંતનો આગ્રહ રાખનાર તથા शुनिचैव श्वपाके च पंडिता : समदर्शिन : એવો નિત્ય પાઠ આપનાર શાસ્ત્રમાં અમારી અસ્પૃશ્યતા માટે આધાર હોય ખરો ?
  છતા કોઇ જગ્યાએ આભડછેટનો પ્રશ્ન હશે તો તે સમજાવટથી ઓછો થશે

  Liked by 2 people

  1. રાજકારણીઓના વાણી, વર્તન અને વ્યવહાર નાટકીય હોય છે. હાથીના દાંત ચાવવાના અને દેખાડવાના જુદા હોય છે. સમજદારને ઈશારો જ કાફી હોય છે..

   Like

 2. મિત્રો,
  શ્રી પ્રશાંત દયાળજીનો લેખ વાંચ્યો. હાલમાં હું સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યો છું.
  પુસ્તક : મ્રારા અનુભવો પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી ૨૦૦૪. કિંમત રુ. ૮૦. પ્રકાશક : ગૂર્જર પ્રકાશન અમદાવાદ.
  આપણા આજના વિષયના સંદર્ભમા પહેલું ચેપ્ટર છે : ૪૯. હરિજનોનો મંદિરપ્રવેશ –૧.
  લખાણ : પ્રથમ પેરેગ્રાફ :
  હિન્દુ પ્રજા ઘાર્મિક તથા આઘ્યાત્મિક ક્ષેત્રે વિશ્વની સૌથી વઘુ અસ્પષ્ટ તથા અવ્યવસ્થિત પ્રજા છે. ………….
  બીજો પેરેગ્રાફ :
  જે પ્રજા પાસે સંયોજક બળો કરતાં વિભાજક બળો વઘારે હોય તે દુર્બળ થાય તે સ્પષ્ટ વાત છે. માત્ર ઘાર્મિક પંથો કે મંડળોથી જ પ્રજા વિભાજીત નથી, પણ તેટલા જ પ્રમાણમાં સમાજરચનાથી પણ તે વિભાજીત છે.
  ………….ચાર વર્ણોને ઇશ્વરીય રચના માનીને પછી અઢાર વર્ણો કરવામાં આવ્યા. તે પછી અસંખ્ય જાતિઓ, જ્ઞાતિઓ, ગોળો, કુળો વગેરે વગેરે દ્વારા પ્રજાને વઘુ ને વઘુ વિભાજીત કરવામાં આવી. આવી સમાજરચના કરનારાંઓઅે કદી સંપૂર્ણ સમાજ કે સંપૂર્ણ રાષ્ટ્રના હિતોનો વિચાર કર્યો જ નથી. મારી પ્રતિષ્ઠા દૃઢ થાય અે જ તેનું લક્ષ્ય રહ્યુ છે.
  મારી સૌને વિનંતિ છે કે ચેપ્ટર : ૫૦, ૫૧, ૫૨ જરુરથી વાંચજો. સાઘુઓમાં પણ ઉંચ નીચના વાડાઓ હતાં તેની પણ વિગતો મળશે. અશ્પૃત્યતા, આભડછેટ ના વિષય ઉપર આ બઘા પ્રકરણો લખાયેલા છે.
  માનસિકતા જ જેને સમાજમાં વર્તવાની શીખ આપતી હોય તેને સમજાવટથી કેવી રીતે સમજાવી શકાય ?
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. સરસ લેખ. આભાર એના લેખક શ્રી પ્રશાંત દયાળ તથા ગોવીન્દભાઈ આપનો.
  આ કટ્ટરતાનું કારણ કદાચ વૈચારીક કુંઠીતપણુ, દીનતા હશે? કે કટ્ટરતા એટલે જ યોગ્ય વીચારનો અભાવ?

  Liked by 1 person

  1. લેખક અને ચીંતક શ્રી. પ્રશાંત દયાળનો લેખ ‘ધર્મ અભડાઈ જવો એટલે શું? શું કરો તો તમારો ધર્મ અભડાઈ જાય?’ને આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..

   Like

 4. Good morning,

  It is a very nice and bold analysis. We all are same peiople but live at different places and eat diiferent foods. It is understable. I have been living in USA since 1977 and I have understood this problem very well. My both kids married non hindu person. They are happy with their spouse. It takes time to understand in life but again, thanks to Prashantbhai Dayal for such a nice article.

  THanks,
  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 5. “માહી મુસલમાન હતી. રમેશના પરિવારમાં ચૂસ્ત હિંદુધર્મનું પાલન થતું. રમેશ-માહીનાં અડગ નિર્ણય સાથે બન્નેના પરિવારે કચવાતા મનથી લગ્નની સંમતિ આપી હતી. રમેશના માતાએ વહુને આવકારી હતી, પણ તેનાં હાથનું પાણી કે ભોજન લેવાનું ટાળતા. હાં, એ ચોખવટ કરેલી કે ભગવાનના મંદિરમાં માહીને નહીં અડવાનું…_જાણે ભગવાનને રક્ષણની જરૂર હોય! ”
  મારી નવલિકા, ઊર્મિલ સંચારમાં આ વિષય પર લખાયું છે. માન્યતાઓ, જેને બદલવાની શક્યતા ઓછી હોય છે.
  સરયૂ

  Liked by 2 people

 6. મિત્રો,સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક ‘મારા અનુભવો’ ના પ્રકરણ : ૪૯ના છેલ્લા પેરેગ્રાફમાં તેઓ લખે છે……
  ઊંચી ગણાતી પ્રજાઅે શૂદ્રો પ્રત્યે જે વ્યવહાર કર્યો છે તે કોઇ પણ ઘર્મને ઉજ્જવળ બનાવે તેવો નથી. શુદ્રોમાં પણ અસ્પૃશ્ય ગણાતી પ્રજા માટે તો જીવન જ ક્યાં રહેવા દીઘુ છે ? આટલી પ્રતારણા પછી પણ આ ગરીબ પ્રજા હિન્દુ ઘર્મ સાથે મમત્વ ઘરાવે, ભળી જવા ઉત્સુકતા રાખે તે જ વિચિત્રતા કહેવાય.
  પ્રકરણ: ૫૦ : હરિજનોનો મંદિર પ્રવેશ – ૨
  હરિજનો પ્રત્યે (ભંગીઓને ગાંઘીજીઅે હરિજન કહીને સ્વીકાર્યા હતાં) અેવી સૂગ ઊભી કરાઇ છે કે માત્ર ઉપરની જ્ઞાતિઓ નહિ, તેની સમીપની જ્ઞાતિઓ પણ તેમની પ્રત્યે સૂગ કરે. ઘણી વાર તો શિક્ષણના કારણે ઉપરની જ્ઞાતિઓ ઓછી સૂગ કરે. સમાજરચના જ અેવા પ્રકારની કરાઇ છે કે પ્રત્યેક જ્ઞાતિ અેક બીજી પ્રત્યે સૂગનો ભાવ રાખ્યા કરે.
  પ્રકરણ: ૫૧, નિંદાપ્રસ્તાવ
  ત્રીજો પેરેગ્રાફ :
  વિશ્વની કોઇ પ્રજાના ગળામાં આટલી બઘી અસ્પૃશ્યતાની ભારે ઘંટી બાંઘવામાં નહિ આવી હોય. સ્પર્શની અસ્પૃત્યતા, દર્શનની અસ્પૃત્યતા, રોટીની અસ્પૃશ્યતા, જળની અસ્પૃત્યતા તો જાણે ઠીક, પણ વિદ્વાનોમાં અેક બીજી પણ અસ્પૃશ્યતા હતી. તેનું નામ જ્ઞાન–અસ્પૃશ્યતા. અર્થાત પોતાનું જ્ઞાન નિશ્ચિત વર્ગ સિવાય કોઇને આપવું નહિ. અને બીજા વર્ગનું જ્ઞાન લેવું નહિ……………..
  અમે પૂર્ણ છીઅે અને અમારે કોઇના જ્ઞાનની જરુર નથી. તેવી અહંકારી વૃત્તિ વિદ્વાનોમાં ભરપૂર ભરવામાં આવી હતી………….
  આ વાક્યો સ્વમીજીઅે આ પુસ્તક લખ્યાના વરસમાં લખ્યા હતાં…૨૦૦૪ના વરસમાં. જે તેમના કાશીનિવાસના વરસોમાં અનુભવેલા હતાં.
  આજે ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ જેવા રાજ્યોમાં ઘણું જોવા મળશે. કદાચ હાં કદાચ કાશીમાં પણ…….
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 7. Dharma can never be touched or “ abhadaijai”, if it is real Dharma. Real dharma is Humanism or Manav Dharma. All so called many thousands of dharma widely practiced all over the world are kind of different belief systems.
  So be a real Manav or a human being. As it’s said
  Manushat na paro dharma.

  Liked by 1 person

 8. Very simply open all loopholes of all religion – worth appreciating & max comments show effectiveness of your & Govind Bhai efforts .

  Liked by 1 person

 9. દેશની ધર્મ આધારિત સમસ્યા અંગેનો લેખ આપવા બદલ લેખક શ્રી તથા ગોવિંદભાઈનો ખુબ ખુબ આભાર.

  પહેલાનાં સમયમાં જો કોઈ ‘શુદ્ર’ જાતિનો માણસ કોઈ અન્ય ‘કહેવાતી’ ઊચી જાતિનાં માણસ ને અળી જાય તો અભળાઈ ગયો એવુ કહેવાતું. હવે ધર્મ પણ અભળાવવા લાગ્યો. દેખાદેખી અને પરંપરાગત સમાજની જટિલ વર્ણ અને જાતિ વ્યવસ્થા નાં કારણે આજે પણ લોકો એકબીજા પ્રત્યે ધાર્મિક દ્રષ્ટિકોણથી જુવે છે. પહેલા જો કે જાતિ વ્યવસ્થા ને લીધે લોકોના વ્યવસાયની ઓળખ થતી. હવે તો એવું કંઈ જાતિ આધારીત વ્યવસાય જેવું રહ્યું નથી.

  ‘ધાર્મિક કે વૈચારિક કટ્ટરતા’ જનમાનસમાં ઉધઈ ની જેમ એટલી બધી વ્યાપી ગઈ છે કે ‘માનસાઈ’ ને કોરી ખાધી છે. માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર કે ધંંધા- વ્યવસાય ના લીધે લોકો એક્બીજાથી અલગ ધર્મ ના લોકો પાસે જાય છે, બાકી વિધર્મીને માનસાઈના નામે બહુ ઓછા બોલાવે છે. આપણને શાકભાજી કે કરિયાણું સસ્તું મળતું હોય તો કોઈ ધર્મ કે જાતિ નથી જોતાં અને મુસ્લીમ કે હિંદું ધર્મની દુકાને થી પણ ખરીદી લઈએ છીએ અને જયારે એમનો કોઈ તહેવાર ઉજ્વાતો હોય છે ત્યારે આપણે એમાં ભળાતા નથી ત્યાં આપણો ધર્મ અભળાઈ જાય છે. આવું જ અન્ય ધર્મોમા પણ બનતું હોય છે.

  વર્ણ, જાતિ, ધર્મ કે સમાજ આધારિત દેશમાં ઘણી સમસ્યાઓ છે, એને દૂર કરવા માટે જે પણ સંસ્થાઓ, બુદ્ધિજીવીઓ, લેખકો કામ કરે છે એમને સપોર્ટ કરવો જોઈએ અને એમનો આભાર પણ માનવો જોઈએ. અંતે, આધુનિક ટેક્નોલોજીને લીધે ‘દુનિયા મેરી મુઠ્ઠીમેં’ કહેનાર માણસ કૂપમંડૂક્તા ક્યારે છોડશે?

  Liked by 1 person

 10. શ્રી ગોવિંદભાઇ એ સાચું કહ્યું છે.રાજ્કારણીયોના દેખાડવાના અને ચાવવાના જુદા હોય છે.હું આ કટ્ટરતાને એક શબ્દ માં કહું તો તે એક જાતની માનસિક
  બીમારી સિવાય બીજું કાંઈ નથી અને આનો ઉપાય પોતે પોતાની જાતને સુધારવા સિવાય બીજો કોઈ નથી.
  રવિન્દ્ર ભોજક

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s