સાપદંશની પ્રાથમીક સારવાર

સાપદંશના કીસ્સામાં દવાખાને પહોંચવામાં વીલમ્બ થાય તેમ હોય ત્યારે દરદીને સ્થળ ઉપર પ્રાથમીક સારવાર આપવા અંગે ધ્યાનમાં રાખવાના અને અનુસરવાના મુદ્દાઓ પ્રસ્તુત છે…

(તસવીર સૌજન્ય : ઉમેશ બારભાઈ)

સાપદંશની પ્રાથમીક સારવાર

–અજય દેસાઈ

આપણને અજાણતાં જ કશું કરડે–દંશે અને આપણને કોઈ અસર ન જણાય, તો જરુર છે ચીંતા કરવાની અને એમાંય દંશના ચીન્હો પરથી એવું અનુમાન થતું હોય કે, આ દંશ સાપનો છે અને દવાખાનું દુર છે, ત્યાં પહોંચવામાં વીલમ્બ થાય તેમ છે, તો દરદીને સ્થળ ઉપર જ સુવડાવી અને પ્રાથમીક સારવાર આપવાની શરુ કરવી જોઈએ.

પ્રાથમીક સારવાર શરુ કરતાં અગાઉ દરદીને બને તેટલાં ઝડપથી દવાખાને પહોંચાડવા માટેનું આયોજન કરવું જોઈએ. દરદીને કોઈ પણ જાતનો શ્રમ ન કરાવતાં, બાઈક ઉપર, ગાડીમાં, ટ્રેક્ટરમાં કે જે વાહન શક્ય એટલી ઝડપે મળી શકતું હોય, તેમાં દવાખાના સુધી પહોંચાડવા મથવું જોઈએ. જો દરદી એવી જગ્યાએ હોય કે જ્યાં વાહન લઈ જવું શક્ય ન હોય તો દરદીને ઉંચકીને વાહન સુધી પહોંચાડવો; પણ તેને ચલાવવો તો હરગીઝ નહીં. સાનુકુળતા હોય અને દરદીને પ્રાથમીક સારવાર આપવી શક્ય હોય તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા અને અનુસરવા.

1. દરદીને હલનચલન ન કરાવવું જોઈએ. તેને સીધો ચત્તો સુવાડવો જોઈએ. જો દરદી હલનચલન કરશે, તો લોહી ઝડપથી શરીરમાં ભ્રમણ કરશે અને આમ થતાં ઝેર ઝડપથી શરીરમાં પ્રસરશે.

2. દરદીને હીમ્મ્ત આપવી જોઈએ. તેને કંઈ નહીં થાય, તેવો આત્મવીશ્વાસ જગાડવો જોઈએ. બીનઝેરી સાપનો દંશ હોવા છતાં ઘણીવાર દરદી ડર–ભયથી ગભરાઈને કે આઘાતથી મરી જતાં હોય છે.

3. નવી નવી શોધખોળ થતી જાય છે તેમ તેમ સાપદંશની સારવારમાં પણ સુધારા વધારા થતાં જાય છે. સાપદંશ લાગ્યો હોય તે અંગ–હાથ કે પગને બે ઈંચથી ચાર ઈંચ પહોળા એવા સળંગ લાંબા પાટાથી (Crepe bandage) એવી રીતે આવરવું કે લપેટવું જોઈએ કે જેથી હાથ કે પગ વળી શકે અને આવો પાટો દંશવાળા અંગ ઉપર શક્ય હોય ત્યાં સુધી ઉપરના ભાગે પહોંચે ત્યાં સુધી બાંધવો જોઈએ. આવો સળંગ પાટો ઉપલબ્ધ ન હોય તો ચોખ્ખું, સારું કપડું ચીરીને ટુવાલ, ચાદર, લુંગી કે પડદા જેવા લાંબા કપડાંમાંથી સળંગ લાંબા ચીરા બનાવવા જોઈએ. આવા લાંબા ચીરા દંશવાળા સમગ્ર અંગ ઉપર એકબીજાને ઢાંકે તેવી રીતે લપેટવા જોઈએ. દંશવાળું અંગ હલનચલન ન કરે તેનું ધ્યાન રાખવું. અગાઉ જે એક જ જગ્યાએ પાતળી પટ્ટીના રુપમાં પાટો (Tourniquet) બાંધવાની રીત ચલણમાં હતી તેના બદલે આ રીત સળંગ પાટાથી આખું અંગ બાંધવામાં વધુ ફાયદો રહે છે. દરદીને આવો પાટો બાંધીને દવાખાને લઈ ગયા બાદ, ત્યાંના ડૉક્ટરની સલાહ બાદ જ પાટો છોડવો જોઈએ.

4.   દરદીને એસ્પીરીન આપી શકાય.

5.   શરીર ઠંડુ પડતું જણાય તો તેને ઢાંકવું જોઈએ.

6.   જરુર જણાય તો કૃત્રીમ શ્વાસોચ્છવાસ આપવા જોઈએ.

7.   દંશવાળું અંગ સ્થીર રાખવું, હૃદયથી નીચે રાખવું તથા તેને ઢાંકી રાખવું.

8.   દરદીને ઉંઘવા ન દેવો અને દરદીના શરીરમાં થતાં ફેરફાર, અસરોનું સતત ધ્યાન રાખવું.

9.  દરદીને વારંવાર એવું આશ્વાસન આપતા રહો કે ગમે તેવા ઝેરી સાપની અસરોને નાબુદ કરતાં ઈંજેક્શનો દવાખાનામાં ઉપલબ્ધ છે. ત્યાં પહોંચી તેની સારવાર શરુ થતાં તે 100 ટકા બચી જશે.

10.  દરદીને ચત્તો સુવડાવવો અને જો શ્વાસોચ્છવાસમાં તકલીફ લાગે તો, તેને પડખાભેર સુવડાવી શકાય.

11.  દરદીના શરીર ઉપરની કોઈ પણ ભીંસ લઈ શકે તેવી વસ્તુને દુર કરવી. દા.ત.; વીટી, ઘડીયાળ, બુટ મોજા, ચમ્પલ વગેરે.

12.  કોઈ પણ પ્રકારની આલ્કોહોલીક વસ્તુ આપવી નહીં, આવું પ્રવાહી આપવાથી દરદી લાગણીશુન્ય થઈ શકે છે અને લોહીની નસો પહોળી થતાં, રક્તસંચાર વધે છે.

પ્રાથમીક સારવાર દરમીયાન આટલું ધ્યાન રાખશો :

1. લોહીનું વહન કરતી મુખ્ય નળી ઉપર કસીને પાટો બાંધવો ન જોઈએ. ઘણીવાર લોહીનું પરીભ્રમણ અટકી જતાં દંશવાળા અંગમાં ખોટ રહી જવાની સમ્ભાવના રહે છે.

2. દંશવાળા અંગને બરફમાં ન રાખવું જોઈએ કે તે અંગમાં વીજળીના નીયન્ત્રીત માત્રાના વીદ્યુતપ્રવાહ આપવા હીતાવહ નથી..

3. પ્રાથમીક સારવાર શરુ કરતાંની સાથોસાથ દરદીને દવાખાનામાં ખસેડવા માટે વાહન અને સ્ટ્રેચરની સગવડ માટે બંદોબસ્ત કરવો. દવાખાનામાં ડૉક્ટરને હાજર રહેવા અને સારવાર અંગેની તૈયારીઓ કરવા માટે દવાખાનામાં અગાઉથી ફોન કરી ને જાણ કરવી.

4. શક્ય હોય ત્યાં સુધી જે સાપ કરડ્યો હોય તે સાપને જીવતો કે મરેલો દવાખાને લઈ જવો જોઈએ. જો આવી કોઈ સમ્ભાવના ન હોય તો તેને પકડવા કે મારવા માટે દરદીએ વધુ શ્રમ કે હલનચલન ન કરવું જોઈએ.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

7 Comments

  1. શ્રી અજય દેસાઈ દ્વારા સાપદંશની પ્રાથમીક સારવાર અંગે ખૂબ અગત્યની માહિતી બદલ ધન્યવાદ.
    દરેક શાળાના અભ્યાસક્રમમા ન હોય તો આ માહિતી ઉમેરી દેવા જેવી

    Liked by 1 person

  2. શ્રી અજય દેસાઇના સર્પ વિષેના લેખો નોલેજ આપનારા હોય છે. આજના લેખમાં સર્પદંશની સારવારની સરસ માહિતિઓ આપી છે.
    આ માહિતિઓ સમજીને આનંદ થયો.
    શ્રી અજય દેસાઇ અને ગોવિંદભાઇનો આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. સાપદંશ વિશેની પ્રાથમિક સારવાર અને ઉપયોગી માહિતી આપવા બદલ લેખક શ્રી. અજય દેસાઈ તથા માનનીય ગોવીન્દભાઈ નો આભાર.

    મને એક પ્ર્શ્ન છે કે, જે જગ્યાએ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ ના હોય ત્યાં ઝેરી સાપદંશ પછી પ્રાથમિક સારવાર વગર દર્દી વધુમાં વધુ કેટલા સમય સુધી જીવીત રહી શકે, અથવા સાપદંશ પછી દર્દીને વધુમાં વધુ કેટલા સમય પછી સારવાર મળે તો તે બચી જાય?
    આભાર.

    Liked by 1 person

  4. Patient with cobrabite can die within one hr as it is Neurotoxic & patient may develop Respiratory paralysis. Patient who has bite due to other snake will give time.So it is always better to health facility where Inj Anti snake venom available.

    Liked by 1 person

  5. સરસ લેખ. હજુ થોડી વધુ માહિતી આપવાની જરૂર હતી.જેમ કૉમેન્ટમાં પ્રશ્ન કર્યો છે એ રીતે સાંપ ના કે જેર ના પ્રકાર પ્રમાણે. સાંપ શું કામ દવાખાને લઈ જવો એની વિગત આપવી હતી કે સાંપ જોઈ એના જેર પ્રમાણે દવા કરી શકે.ખૂબ સરસ માહિતી ધન્યવાદ.

    Liked by 1 person

    1. સાપદંશની ધનીષ્ઠ સારવાર વીશે જાણકારી મેળવવા માટે તા. 1 માર્ચને સોમવારે તેમ જ દરદીને બચાવવાનો શ્રેષ્ઠ ઈલાજ ‘વીષ પ્રતીરોધક રસી’ છે. વીષ પ્રતીરોધક દ્રવ્યની માત્રા, તેનો અખતરો, તેની આડઅસરો, તેના રીએક્શન/પ્રત્યાઘાતી અસરો વીશે જાણકારી મેળવવા માટે તા. 15 માર્ચ, 2021ના રોજ ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવાનું ચુકશો નહીં.

      Like

Leave a reply to ગાંડાભાઈ વલ્લભ Cancel reply