ભારતના પુર્વ અને પશ્ચીમ છેડા વચ્ચે 26 રેખાંશનો તફાવત છે. એ હીસાબે ભારત બે ટાઈમ ઝોન માટેનો પાકો ઉમેદવાર ગણાય. દુનીયા સાથે તાલ મીલાવવા માટે ભારતે જાત સાથે થોડા ફેરફાર કરવા જરુરી બને છે. એમાંનો એક ફેરફાર છે– દેશનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ બદલવાનો.
પ્રકરણ : 11
સ્ટાન્ડર્ડ ટાઈમ
– મુરજી ગડા
પંદરમી સદીના ઉત્તરાર્ધમાં યુરોપના સાગરખેડુઓ નવી દુનીયાની શોધમાં નીકળી પડ્યા હતા. દરીયામાં પોતાનું ચોક્કસ સ્થાન જાણવું એમના માટે ખુબ જરુરી હતું. એટલા માટે પુર્વ–પશ્ચીમનું અંતર માપવા, પૃથ્વીના ગોળા પર ઉત્તર દક્ષીણ દીશામાં વીભાજીત કરતી રેખાઓ બનાવી એમને રેખાંશ નામ આપવામાં આવ્યું. તેમ જ ઉત્તર–દક્ષીણનું અંતર માપવા માટે પુર્વ–પશ્ચીમમાં જતી રેખાઓને અક્ષાંશ નામ આપવામાં આવ્યું. આ રેખાઓના આધારે પૃથ્વીની સપાટીને 360 રેખાંશમાં અને 180 અક્ષાંશમાં વીભાજીત કરવામાં આવી. એટલું ખ્યાલમાં રાખવાનું છે કે પુર્વ–પશ્ચીમમાં જતી અક્ષાંશ રેખાઓ હમ્મેશાં એકબીજાને સમાંતર રહે છે, જ્યારે ઉત્તર–દક્ષીણમાં જતી રેખાંશ રેખાઓ જેમ જેમ વીષુવવૃતથી દુર જાય તેમ એકબીજાની નજીક આવતી જાય છે અને ઉત્તર તેમ જ દક્ષીણ ધ્રુવ પર એક બીન્દુમાં સમાઈ જાય છે. વહાણવટા ઉપરાંત આજે આ અક્ષાંશ–રેખાંશની પદ્ધતી વીમાન ઉડ્ડયનમાં અતી મહત્ત્વનો ભાગ ભજવે છે. એના લીધે વીમાનને કે વહાણને પૃથ્વી પર પોતાના ચોક્કસ સ્થાનની ખબર પડે છે.
અઢારમી સદી સુધી દરેક પ્રદેશ/રાજ્ય/દેશ સુર્યના ઉદય અને અસ્ત પ્રમાણે પોતાનો સ્વતન્ત્ર સમય રાખતો હતો. ભારતમાં ત્યારે ડઝનના હીસાબે અનેક સ્થાનીક સમય હશે. જુદા જુદા રાજ્યો વચ્ચે સમયનો કોઈ મેળ નહોતો. ઘડીયાળનો વપરાશ પણ નહોતો થતો એટલે ચોક્કસ સમય જેવો સવાલ પેદા થતો નહોતો. આકાશમાં સુર્યનું સ્થાન જોઈને સમયનું અનુમાન કરાતું. ત્યારે પ્રવાસીઓ જુજ હતા પણ જે હતા એમને જરુર તકલીફ થતી હશે.
રેલવે લાઈનો નંખાઈ અને લાંબા અંતરની દરીયાઈ સફરો શરુ થઈ એટલે વીશાળ વીસ્તારને આવરી લેતી કોઈ વ્યવસ્થીત, પરસ્પરને અનુકુળ રીતે સંકળાયેલ સમય રાખવાની જરુરત ઉભી થઈ. એ સમય દરમીયાન યુરોપમાં ઘડીયાળની શોધ થઈ હતી. એને લીધે એક દીવસને 24 કલાકમાં વીભાજીત કરવામાં આવ્યો અને ચોક્કસ ‘સમયગણના’ શરુ થઈ.
વીવીધ દેશો દ્વારા ચોક્કસ સમય (‘સ્ટાન્ડર્ડ ટાઈમ’) નક્કી કરવાની આ શરુઆત હતી. જો કે આ બધા ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ને એકબીજા સાથે સાંકળવામાં આવ્યા નહોતા. દરેક દેશે પોતાને મનફાવતો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ નક્કી કર્યો હતો તેમ જ એમની વચ્ચેનો તફાવત પણ અનીયમીત હતો.
આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધ્યા પછી બધા ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ને એકબીજા સાથે સાંકળવા જરુરી બન્યા. એટલે મોટાભાગના દેશોએ પૃથ્વી પરના પોતાના સ્થાન પ્રમાણે, ‘ગીનવીચ મીન ટાઈમ’ (GMT) સાથે એક પુરા કલાકનો તફાવત રાખી પોતાના સ્થાનીક સમયને બદલાવીને પોતાનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ નક્કી કર્યો.
પૃથ્વી પોતાની ધરી પર ફરતી એક દીવસમાં (24 કલાકમાં) 360 રેખાંશ જેટલું અંતર કાપે છે એ પ્રમાણે એક કલાક બરાબર 15 રેખાંશ થાય. જે દેશોની પુર્વ–પશ્ચીમ લમ્બાઈ વધુ છે એટલે કે 15 રેખાંશ કરતાં વધારે પહોળા છે એ દેશોમાં એકથી વધુ ટાઈમ ઝોન જરુરી બને છે. એટલે આ પ્રકારના મોટાભાગના દેશોએ એ પ્રમાણે એકથી વધારે ટાઈમ ઝોન રાખ્યા છે. દા.ત.; એકથી વધુ ટાઈમ ઝોન રાખનારા, વીસ્તારમાં મોટા એવા મુખ્ય દેશ છે : યુનાઈટેડ સ્ટેટ્સ (4 + 2), રશીયા (8), કેનેડા (6), ઓસ્ટ્રેલીયા (5) વગેરે.
આઝાદી પહેલાં પાકીસ્તાન અને બાંગ્લાદેશ અખંડ ભારતનો ભાગ હતા. ત્યારે તો ભારતના પુર્વ અને પશ્ચીમ છેડા વચ્ચે 39 રેખાંશનો તફાવત હતો; છતાં અંગ્રેજે આપણને અશીક્ષીત પ્રજા સમજીને બે ટાઈમ ઝોનને બદલે આખા દેશમાં એક જ ટાઈમ ઝોન રાખ્યો હતો. હાલના ભારતના પુર્વ અને પશ્ચીમ છેડા વચ્ચે 26 રેખાંશનો તફાવત છે. એ હીસાબે ભારત હજી પણ બે ટાઈમ ઝોન માટેનો પાકો ઉમેદવાર ગણાય.
ભારત અને એના પાડોશી દેશોએ (અફઘાનીસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર) ભારતને અનુસરીને GMT સાથે પુરા કલાકને બદલે અડધા કલાકનો તફાવત રાખ્યો છે. આ અડધા કલાકના સમયનો તફાવત આંતરદેશીય વ્યવહારમાં થોડીઘણી અડચણ જરુર ઉભી કરે છે. એ અડચણને દુર કરવાના ત્રણ રસ્તા છે. આપણા ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ને અડધો કલાક આગળ કરવાનો; અડધો કલાક પાછળ કરવાનો કે પછી બે સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન બનાવવાના. જ્યારે ટાઈમ ઝોન નક્કી કરવામાં આવ્યા હતા ત્યારે લોકો અશીક્ષીત હતા, વીદેશ સાથે ખાસ વ્યવહાર નહોતા, મોટાભાગના લોકો ઘડીયાળ પણ રાખતા નહોતા એટલે ત્યારે એક ટાઈમ ઝોન હોય કે બે ટાઈમ ઝોન હોય, કોઈને કંઈ ફરક પડતો નહોતો. હવે જ્યારે પરીસ્થીતી બદલાઈ છે ત્યારે બે ટાઈમ ઝોન કરવા શક્ય છે, જરુરી છે અને વ્યવહારુ પણ છે.
ભારતની ભુગોળ જોતાં, પુર્વના ‘સેવન સીસ્ટર’ કહેવાતાં સાત નાનાં રાજ્યોને અડધો કલાક આગળ કરી અને બાકીના ભારતને અડધો કલાક પાછળ કરી, બાકીની દુનીયા સાથે પુરા એક કલાકનો અંતરાય મેળવી શકાય છે. જો એવું થાય તો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ની રીતે પુર્વનાં રાજ્યોનો સમય બાંગ્લાદેશ સાથે ભળી જાય અને બાકીના ભારતનો સમય પાકીસ્તાન સાથે થઈ જાય. આને પ્રેસ્ટીજ ઈસ્યુ બનાવી રાજદ્વારી રીતે જોવાની જરુર નથી. આ ફેરફાર કરવાથી માત્ર એટલો જ ફરક પડે છે કે દરેક ઠેકાણે સુર્યોદય અને સુર્યાસ્તનો સમય માત્ર અડધો કલાક બદલાય છે જે મોટી વાત નથી. આમેય ઋતુ પ્રમાણે તે સતત બદલાતો હોય છે.
આઝાદી પહેલાં પાકીસ્તાન અને બાંગ્લાદેશ અખંડ ભારતનો ભાગ હતા. ત્યારે એમનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ આપણી સાથે જ હતો. આઝાદી વખતે કે ત્યાર પછી ક્યારેક બાંગ્લાદેશે પોતાનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ અડધો કલાક આગળ અને પાકીસ્તાને અડધો કલાક પાછળ કરી વીશ્વના અન્ય દેશો સાથે કદમ મીલાવ્યા છે. આપણે પણ હવે એવું કરી શકીએ. જો ભારત પોતાનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ બદલે તો બાકી રહેતા પાડોશી દેશો પણ એમનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ બદલે એની પુરેપુરી શક્યતા છે.
ટાઈમ ઝોનની વાત ચાલે છે ત્યારે જાણ ખાતર એટલું ઉમેરી શકાય કે અડધા કલાકના તફાવતના બીજા ગણનાપાત્ર દેશોમાં માત્ર વેનેઝુએલા, ઈરાન અને ઓસ્ટ્રેલીયાનો વેરાન મધ્ય ભાગ છે. એકમાત્ર નેપાળ જેવા નાના દેશ તો વળી પા કલાકનો તફાવત રાખ્યો છે.
આ ટાઈમ ઝોનની શરુઆત કેટલી તાજેતરની/અદ્યતન ઘટના છે તે નવાઈ પમાડે એવી છે. 1675માં ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ (GMT)નો ખ્યાલ અસ્તીત્વમાં આવ્યો હતો; પણ ત્યારે ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ કે ટાઈમ ઝોન બન્યા નહોતા. સૌથી પહેલાં ન્યુઝીલેન્ડે પોતાના દેશ માટેનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ 1868માં અને પછી બ્રીટને 1880માં અમલમાં મુક્યો હતો. સન 1900 સુધીમાં મોટાભાગના દેશોએ લોકલ ટાઈમને બદલે પોતપોતાનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ નક્કી કર્યો હતો. અંતે 1929માં લગભગ બધા દેશોએ પોતાના મનફાવતા ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’માં જરુરી ફેરફાર કરી GMT સાથે પુર્ણ કલાકોના અંતરે નકકી કર્યા છે. 1972થી હવે બધા ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’નું બેંચમાર્ક GMTને બદલે UCT (Universally Coordinated Time) સાથેના સન્દર્ભમાં ઓળખાય છે. (ઈંગ્લેન્ડના એક શહેર ગ્રીનવીચમાંથી પસાર થતા રેખાંશને આધારે GMT – ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ શરુ થયું હતું. ધીરેધીરે દરેક બાબતમાં કોઈ એક દેશ કે સંસ્કૃતીનું મહત્ત્વ કે વર્ચસ્વ હટાવવામાં આવે છે. આને સાચા અર્થમાં ગ્લોબલાઈઝેશન કહેવાય.)
ટુંકમાં, પોતાનો સ્થાનીક સમય દર્શાવવામાં દુનીયાના દેશ પરસ્પર અનુકુળ થઈ ગયા છે. માત્ર થોડા દેશોએ પોતાના સમયમાં થોડો ફેરફાર કરવાની જરુર છે. આની સરખામણીએ ‘સમયગણના’નું બીજું અંગ એવું કેલેન્ડર હજી ઘણો ફેરફાર માગે છે. એની ચર્ચા ‘સમય’ પરના લેખ (સ્રોત : https://govindmaru.com/2020/09/04/murji-gada-54/)માં કરવામાં આવી હતી. વૈશ્વીકરણ સાથે દરેક વ્યવસ્થાનું સરળીકરણ પણ એટલું જ જરુરી છે ભલે પછી, એમાં કોઈ દેખીતો આર્થીક લાભ ન હોય. સરળીકરણ પોતે જ એક લાભ છે.
ભારત હવે આર્થીક પ્રગતીને પંથે છે અને વીશ્વના આગલી હરોળમાં બેસનારા દેશોમાં પોતાનું સ્થાન પાકું કરી રહ્યો છે એ હકીકત છે. આગેવાની સાથે જવાબદારીઓ પણ આવી જતી હોવાથી એ સ્વીકારી, દુનીયા સાથે તાલ મીલાવવા માટે જાત સાથે થોડા ફેરફાર કરવા જરુરી બને છે. એમાંનો એક છે, દેશનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ બદલવાનો. એના માટે શું યોગ્ય રહેશે? ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ અડધો કલાક આગળ કે પાછળ કરવાનો, બે ટાઈમ ઝોન બનાવવાના કે પછી જેમ ચાલે છે તેમ જ ચલાવે રાખવાનું?
–મુરજી ગડા
લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ 11મો લેખ, પુસ્તકનાં પાન 55થી 58 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક–વ–પ્રકાશક–સમ્પર્ક : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390 007 સેલફોન : 97267 99009 ઈ.મેલ : mggada@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
Best is to have two I S T one as on this day and another to be based with Ujjain-MP state as such Ujjain has very ancient recognized presence and astitv !!
LikeLiked by 1 person
” અંગ્રેજે આપણને અશીક્ષીત પ્રજા સમજીને બે ટાઈમ ઝોનને બદલે આખા દેશમાં એક જ ટાઈમ ઝોન રાખ્યો હતો. ”
” સ્ટાન્ડર્ડ ટાઈમ’ અડધો કલાક આગળ કે પાછળ કરવાનો, બે ટાઈમ ઝોન બનાવવાના કે પછી જેમ ચાલે છે તેમ જ ચલાવે રાખવાનું? ”
–મુરજી ગડા
અમેરિકા માં ૩ ટાઈમ ઝોન છે. કેનેડા માં પણ એવું જ છે. દુનિયા ના બીજા દેશો માં પણ એવું જ છે. અમેરિકા અને કેનેડા માં તો દર ૬ મહીને ઘડિયાળો ને એક કલાક આગળ પાછળ કરવામાં આવે છે.
પરંતુ ભારત તથા પાકિસ્તાન જેવા દેશ માં જેમ ચાલે છે તેમ જ ચલાવે રાખવાનું. તેનું કારણ એ છે કે વધુમતી ની પ્રજા માટે આ વ્યવસ્થા ગૂંચવણ ઉભી કરી શકે છે.
LikeLiked by 1 person
UCT Time અને વૈશવિક જવાબદારીઓ નિભાવવાનો નહાવા નિચોવીને કે શનાનસુતકનો જરા પણ સંબંધ નથી.
UCT બદલવાથી કે ન બદલવાથી કયા પ્રકારની જવાબદારીઓને કઈ રીતે અસર કે લાભ- નુકસાન થશે તેનો વિગતવાર ખુલાસો કરો તો કંઈક સમજ પડે.
બાકી ભારત જેવા દેશ માટે તો આ વ્યવસ્થા સરળબનવાનો બદલે વધુ ગૂંચવણ ઉભી કરી શકે છે.
બાકી તો જેમ ચાલે છે તેમ જ ચલાવે રાખવા દો તેમાં જ મજા છે.
LikeLike
ખૂબ સરસ લેખ.time zone અને અક્ષાંશ રેખાંશ ની સરસ માહિતી મળી.વચ્ચે કઈક વાંચેલું કે અમુક દેશ આર્થિક લાભ માટે વર્ષ ના વેપાર ધંધા ના દિવસો વધે એ માટે time line ને ખસેડ્યા કરતાં હોય છે.છેલ્લે પ્રશ્ન કર્યો છે તેના જવાબ માં મને લાગે છે કે બે ટાઈમ ઝોન રાખવા જોઇએ પણ પાછું કાસિમ અબ્બાસ ભાઈએ કહ્યું કે અમેરિકા માં દર છ મહિને ઘડિયાળ એક કલાક ફેરવવી પડે છે તો એમાં કઈ સમજાયું નહિ ને એવો સમય સેટ કરવાનો હોય તો આપણને સેટ કરતાં ફાવે ય નહિ આપણને તો એટલી જ ખબર પડી કે દિવસ ચોવીસ કલાક નો હોય સૂરજ ઉગે દિવસ આથમે રાત ચોવીસ કલાક પૂરા થયા ટાઈમ ઝોન માં કઈ ખબર પડે નહિ.આપણા લેખક શ્રી મુરજી ગડા સાહેબ ઘણા વિદ્વાન છે એમને જે આપણી માહિતી માટે લેખ લખ્યો અને ગોવિંદ મારું સાહેબે લેખ મૂક્યો એ બદલ ખુબ ધન્યવાદ અને આવા માહિતી સભર લેખો મૂકતા રહેવા વિનંતી ઉત્ક્રાંતિ વાદ પર સરસ લેખ મૂક્યો હતો વૈજ્ઞાનિક માહિતી જાણતા વિદ્વાનો વિજ્ઞાન વિષયક માહિતી ના લેખો મૂકતા રહો અને વધુ ને વધુ જ્ઞાન પ્રસાર કરવા વિનંતી
LikeLiked by 1 person
” દેશનો ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ બદલવાનો. એ માટે શું યોગ્ય રહેશે? “મુરજી ગડાનો હંમેશ જેમ time zone અને અક્ષાંશ રેખાંશ ની માહિતી પુર્ણ સ રસ લેખ
અહીં અમેરિકા માં દર છ મહિને ઘડિયાળ એક કલાક ફેરવવી અને ટાઇમ ઝોન અંગે બધા ટેવાઇ ગયા છે તેમ ભારતમા પણ ટેવાઇ જશે.
LikeLiked by 1 person
શ્રી મુરજી ગડાઅે અેક વિચારને તરતો મુક્યો છે. સરકારમાં વિજ્ઞાનીઓ હોય છે. સરકારના જુદા જુદા વિભાગોના વિજ્ઞાનીઓ મળે…પ્રશ્નની દરેક દિશાઓને સમજીને નક્કિ કરે કે અેક ટાઇમ ઝોન જોઇઅે કે બે ? સૌથી વઘારે આ ફેરફારની અસર સરકારના જુદા જુદા ડીપાર્ટમેંટને થશે. ખાસ કરીને ઇન્ટેનેશનલ ટરાવેલ કે પ્રવાસના વિષયે.
અમેરિકામાં વરસમાં બે વખત ૧ કલાકનો ફેરફાર શીયાળા અને ઉનાળાના સૂર્યોદયને ઘ્યાનમાં રાખીને કરાય છે. શીયાળામાં નોકરી ઉપર જનારને અંઘારામાં જવું પડે અેટલેકે દિવસની શરુઆત અઅંઘારામાં કરવી પડે. સૂર્યોદય મોડો.( સૂર્ય સાઉઠમાં હોય છે.)…ઉનાળામાં સૂર્યોદય વહેલો…સૂર્ય નોર્થમાં હોય છે.
સરસ ચર્ચા.
સરકાર જ ફાઇનલ ઓથોરીટી.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Even in UK Scotland England and wells plus area of Northern Ireland which is under UK region do change their TIME depending on season winter and their summer This runs between 5 and half to 4 and half as with their GMT People are aware and they do follow that schedule.Well,its due to REASON to season…!!!
LikeLiked by 1 person
ખોટી મગજમારી નકામી.. જેમ ચાલે છે એમ ચાલવા દ્યો.
LikeLike
This is most practical and proper ideas. Should have at least two time zones and also remove the half hour, instead should be based on full hour, i.e. 6 and 7 hours from Greenwich time, instead of five and half hours difference. this is highly over due for a very long time and should be implemented as soon as possible. these kind of thoughts and ideas should be widely publicized all over the country.
LikeLiked by 1 person
વધુ એક વિજ્ઞાન આધારિત લેખ આપી અને લોકચર્ચા માટે મૂકવા બદલ લેખક શ્રી મુરજી ગડા અને ગોવિંદભાઈનો આભાર.
‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ બદલવાનો. એના માટે શું યોગ્ય રહેશે? ‘સ્ટાન્ડર્ડ ટાઈમ’ અડધો કલાક આગળ કે પાછળ કરવાનો, બે ટાઈમ ઝોન બનાવવાના કે પછી જેમ ચાલે છે તેમ જ ચલાવે રાખવાનું? –મુરજી ગડા
ભારતનાં પૂર્વ અને પશ્ચિમના અંતિમ છેડાઓ વચ્ચે લગભગ ૩૦૦૦ કી.મી.નું અંતર છે તથા આખો વિસ્તાર પૂર્વ અને પશ્ચિમ અનુક્રમે ૬૮ ડી.પૂ. રેખાંશ અને ૯૮ ડી. પૂ. રેખાંશની વચ્ચે ૩૦ ડીગ્રીનો તફાવત આવે છે, જે લગભગ ૨ કલાકનો સમય તફાવત દર્શાવે છે. જેની અસરથી પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્ય જલદીથી ઊગે અને આથમે છે. જેના લીધે ૨ કલાક જેટલો દિવસનો સમય વ્યર્થ જાય છે અને જલદીથી અંધારુ થતા વિજળીનો ખોટો વ્યય થાય છે. જો ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ અડધો કલાક વધારવામા આવે તો સંશોધનકર્તાઓના મતે અંદાજે ૨.૭ બીલીયન ( ૧ અબજ) વીજળીના યુનિટસ દર વર્ષે બચત થઈ શકે જે પૂર્વોત્તરનાં પછાત રાજ્યો માટે આર્થિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ દર્શાવે છે.
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુન ગોગોઈ જેમને ૨૦૧૪માં ફરીથી ‘ચાઈબાગાન’ સમય ચાલુ કરવાની ફરજ પડી જેથી ચા અને ઓઈલ કંપનીઓ એમનું ઉત્પાદન વધારી શકે અને લોકલ તથા કોમર્સિયલ વીજળી બચત કરી શકે. તેમને ભારતનો સમય સ્ટાન્ડર્ડ ટાઈમથી એક કલાક આગળ રાખેલ છે.
બે ટાઈમ ઝોન રાખવાથી રેલ્વે સિગ્નલિંગ માં મુશ્કેલી પડી શકે છે.
સ્વામી સચ્ચિદાનંદે પણ તેમના પુસ્તક ‘ચીન મારી નજરે’ માં ભારતને બે ટાઈમ ઝોન રાખવા વેશે લ્ખ્યું છે.
LikeLiked by 1 person
ટાઇમઝોન બદલવાનું એટલે કહેવામાં આવે છે કે પૂર્વના રાજ્યોમાં સૂરજ દેખાય ત્યારે પશ્ચિમ ભારતમાં હજી સૂરજ દેખાવાને (જેમ દીનેશ પરમારે કહ્યું તેમ) લગભગ બે કલાક જેટલી વાર હોય છે, અને તેના કારણે દિવસનો બે કલાક જેટલો સમય વ્યર્થ જાય છે! પરંતુ આ કારણ ખાસ તાર્કિક નથી.
ટાઇમઝોન બદલવાની માથાકૂટ કરવા જેવી નથી લાગતી. અલગ-અલગ સમય હોવાના કારણે તો વહીવટી બીજી અનેક સમસ્યાઓ આવી શકે છે. આમ કરવાની બદલે સાદી રીત અજમાવવાની જરુર છે કે આખા ભારતમાં સરકારી ઓફિસ બે અથવા ત્રણ અલગ-અલગ સમયે ખુલે. પૂર્વની ઓફિસ વહેલા ખુલે અને પશ્ચિમના કાર્યાલયો તેમના કરતા મોડા ખુલે.
વિવિધ દેશોમાં અલગ-અલગ ટાઇમઝોનને કારણે ઓલરેડી ઘણી સમસ્યાઓ છે. અમુક દેશોમાં તો આટલુ ઓછું હોય તેમ વળી ડે-લાઇટ સેવિંગ ટાઇમ (DST) પણ રાખ્યા છે! જેના કારણે જ્યારે DST લાગુ પડે ત્યારે અને બંધ થાય ત્યારે, અડધા કલાકથી લઇને એક કલાકનો સમય વરસમાં એક વખત સાવ ઇતિહાસમાંથી જ નિકળી જાય, તો બીજો એટલો સમય બીજી વાર રીપીટ થાય! ગાડું ફેરવવાની બદલે ગામ ફેરવવા જેવા કામ છે આ તો.
ખરેખર તો આખી દુનિયામાં એક જ ટાઇમઝોન હોવો જોઇએ, બધે એક જ સરખો સમય હોય. અલગ-અલગ વિસ્તાર/રેખાંશ પ્રમાણે કાર્યાલયોના અલગ-અલગ સમય નક્કિ કરી દેવાના.
ટાઇમઝોન એટલે બનાવ્યા હતા કે દુનિયાના અલગ-અલગ ભાગમાં દિવસ-રાત વિશે ખબર પડે, પણ હવે આધુનિક યુગમાં તેની ખરેખર કઇ જરુર નથી.
LikeLiked by 1 person