મને પીકનીકમાં આવવાનું બહું મન છે ટીચર; પણ…

25

મને પીકનીકમાં આવવાનું બહું મન છે ટીચર; પણ…

–ડૉ. મુકુલ ચોકસી

શાલીની ટીચર મને ખીજવાશે તો? ના… ના… ટીચર એવું ન કરે. તેઓ તો કેટલા સારા છે? મને કેટલું વહાલ કરે છે? પણ તેમને મારી મુશ્કેલી હું કેવી રીતે સમજાવી શકીશ? અને મમ્મી–ડેડીને ખબર પડી જશે કે મેં ટીચરને બધું; કહી દીધું છે, તો? નવ વર્ષની ઉમ્મરના નાનકડા બીરજુના મનમાં વીચારો ઉપરતળે થતા હતા. એક તરફ તેને થતું હતું કે લાવ આજે ટીચરને બધું જ કહી દઉં, તો બીજી તરફ તેને ડેડીનો ભયાનક ડર લાગતો હતો. આજે તેને પોતાની મુશ્કેલીનો અને લાચારીનો દુ:ખદ અહેસાસ સૌથી વધારે માત્રામાં થયો. તેની આંખમાંથી આંસુઓ દડી પડ્યા.

ગઈ કાલની જ વાત છે. ‘ન્યુ એક્સપીરીયન્સ’ સ્કુલના ચોથા ધોરણના બાળકોનો ઉત્સાહ હૃદયમાં સમાતો નહોતો. સ્કુલના ગ્રાન્ડ સેલીબ્રેશન નીમીત્તે ચોથા ધોરણના બાળકો ત્રણ દીવસ માટે હરવાફરવા જવાનાં હતાં. આખા વર્ગના તમામ બાળકો તૈયાર હતાં. તેમના વાલીઓની સમ્મતી પણ મળી ગઈ હતી. સીવાય એક બીરજુ. બધાં બાળકો આનન્દમાં હતાં. બીરજુએ તેના ક્લાસટીચર શાલીની મેડમને પોતાનું નામ ન નોંધવાની વીનન્તી કરી હતી. જેનાથી ચીંતીત થયેલા મેડમે આજે સાંજે સ્કુલ છુટ્યા પછીના સમયમાં બીરજુને પોતાની ઑફીસમાં મળવા બોલાવ્યો હતો. એ જ કારણે બીરજુ વધારે દ્વીધા અનુભવતો હતો. તેમના કુમળા મનમાં અનેક કલ્પનાઓ, તરંગો ઉઠી ઉઠીને શમી જતા હતા.

‘કેમ બીરજુ બેટા! તું પીકનીકમાં આવવાની ના કેમ પાડે છે? તું ક્લાસનો સૌથી હોશીયાર વીદ્યાર્થી છે. તું ન આવે તો કોઈને ન ગમે. તને તકલીફ શું છે? તારા ડેડીને ફોન કરીને તેમની સાથે હું વાત કરું?’ – હજુ તો બીરજુએ ટીચરની કૅબીનમાં પગ મુક્યો ને તરત જ ટીચરે બોલવાનું શરુ કરી દીધું. ‘ના… ના… ટીચર… પ્લીઝ! ડેડીને ફોન ન કરશો?’ બીરજુ જોરથી બોલી ઉઠ્યો. તેની આંખમાં ભય, આજીજી તથા અનુકમ્પાનું મીશ્રણ હતું. શાલીની મેડમ ચતુર ને સમજુ હતા. તેમણે બીરજુને માથે ધીમેથી હાથ મુક્યો; પછી પ્રેમાળ સ્વરે પુછ્યું, ‘તને કોઈ મુશ્કેલી હોય તો મને કહે, બીરજુ! હું તને મદદ કરીશ. તું સારો છોકરો છે; પછી શું કામ ગભરાય છે?

અને બીરજુની આંખમાંથી અશ્રુનો ધોધ વહી આવ્યો. જેનાથી ભીંજાયેલા તેના ડુસકાઓ ટીચરને વીનવતા હતા. ‘મારાથી નહીં અવાય મેડમ! મને નહીં લઈ જશો!’ શાલીનીબહેને સ્વસ્થતાપુર્વક બીરજુને પાણી પીવડાવ્યું. તેનું રુદન અટકે તેની રાહ જોઈ અને ફરી મમત્વપુર્ણ ભાવે કહ્યું, ‘ભલે તને આગ્રહ નહીં કરું બસ! તારી ઈચ્છા ન હોય તો તું ન આવીશ; પણ મને એટલું તો જણાવીશને કે શા માટે તું નથી આવતો! હું કોઈને ન કહીશ બસ!’

બીરજુએ આટલા સમય બાદ પહેલી વાર મોં ઉંચું કરી, ટીચરની આંખમાં આંખ મેળવી જોયું. ટીચરની આંખમાંથી છલકાતા સ્નેહ અને ઉષ્મા જોઈને તેનામાં થોડી હીમ્મત આવી. તેણે ધીમે ધીમે દબાતા અવાજે કહેવાનું શરુ કર્યું, ‘મને પીકનીક ઉપર આવવાનું બહું મન છે ટીચર… પણ મારા ડેડી મને આવવા નહીં દેશે… જો સવારે જઈને સાંજે પાછા ફરી જવાનું હોતે તો કદાચ તેઓ મને આવવા દેતે… પરન્તુ મને રાત રોકાવા નહીં દેશે… મને પોતાને પણ બીજે કોઈ ઠેકાણે રાત્રે રોકાવાની બહુ બીક લાગે છે… મને… ટીચર… મને… રાત્રે પથારીમાં પેશાબ થઈ જાય છે… હું બહુ કોશીશ કરું છું છતાં પણ અટકાવી શકતો નથી… ડેડી પણ ખીજવાય છે, ગુસ્સો કરે છે… પણ શું કરું? મારાથી આવું થઈ જ જાય છે…’ બીરજુ ફરી ગળગળો થઈ ગયો.

શાલીની બહેન બીરજુની વાત સાંભળીને અવાક થઈ ગયા. તેઓ ત્રણ વર્ષથી બીરજુને તથા તેના વાલીને ઓળખતા હતા; છતાં આજ સુધી તેમને બીરજુના પ્રૉબ્લેમ વીશે કંઈ જ ખબર નહોતી. બીરજુનું ભવીષ્ય, તેની કારકીર્દી ખુબ ઉજ્જવળ હતાં. તેની શાલીનીબહેનને ખાતરી હતી. આવો તેજસ્વી બાળક પોતાને ગમતી એકાદ નાનકડી પીકનીક ઉપર પણ ન જઈ શકે તે કેટલું વીચીત્ર કહેવાય!

શાલીનીબહેન ઉંડા વીચારમાં ડુબી ગયા. તેમના વ્યક્તીત્વમાં એક વાચાળ, આકર્ષક, છટાદાર સ્ત્રી ઉપરાંત એક જવાબદાર, ગમ્ભીર, વીચારશીલ શીક્ષીકા પણ હતી જ. તેમને આ પ્રશ્નની ગમ્ભીરતા તરત જ સમજાઈ. આવા ઝડપથી ઉછરતા, આગળ વધતા છોકરાને પ્રાકૃતીક સ્થળોની મુલાકાતો, સામુહીકજીવનની રહેણીકરણી, માબાપ–ઘર–શાળા–શીક્ષકો વગેરેથી મુક્ત એવી પળોની ઉજવણી તથા પ્રવાસની પ્રક્રીયામાંથી મળતા અનુભવોની કેટલી જરુર હોય છે!

શાલીનીબહેન પોતે પોતાના એમ.એડ.ના ભણતર ઉપરાંત પણ વાંચવાના શોખને લીધે ઘણું ઘણું શીખ્યા હતા. તેઓને બાળકોના મનોજગતનો પણ ખાસ્સો એવો પરીચય હતો. પોતાના ઉછેર દરમીયાન નૈસર્ગીક અનુભવો, સહઅસ્તીત્વની ક્ષણો, છત્રછાયાની હુંફ તથા આગળ વધવા માટેનું પ્રોત્સાહન ન પામી શકેલા બાળકોના મનમાં કાયમ માટે રહી જતી ઉણપોથી તેઓ જ્ઞાત હતા. આજે બીરજુની આંખોમાં પાણી, લઘુતાગ્રંથી અને કાકલુદી જોઈને તેઓ ફફડી ઉઠ્યા. આ બાળક પોતાની આટલી શક્તીઓ હોવા છતાં જો જીવનના સામાન્ય અનુભવોમાંથી બાકાત રહી જશે તો પોતાનું આત્મગૌરવ કેવી રીતે કેળવી શકશે? અને આ વીચાર સાથે જ તેઓ મનોમન એક વાતની ગાંઠ વાળી દીધી, બીરજુના વાલીઓ સાથે આ પ્રશ્ન અંગે ચર્ચાવીચારણા કરવાની.

તેમણે જોયું કે જેમતેમ ચાર વાક્યો બોલી શકેલો બીરજુ ફરી પાછો નીચું જોઈને ટેબલની ધાર ખોતરી રહ્યો છે. શાલીનીબહેને તત્કાળ તો બીરજુને કંઈ ન કહેવાનું નક્કી કર્યું. તેનું ધ્યાન બીજે વાળવા તેમણે હળવા સ્વરે કહ્યું, ‘સારું ભાઈ, મારે તો તને લઈ જવો હતો… પણ તું તારા પપ્પાની જ વાત માનતો હોય તો પછી ભલે ન આવતો; પણ એક વાત યાદ રાખજે. ગઈ ઈન્ટર્નલ પરીક્ષામાં તારા સૌથી વધુ માર્ક હતા તેની, નાટકમાં ઈનામ મળ્યું તેની અને ટેબલ ટેનીસમાં તું ચૅમ્પીયન બન્યો તેની તમામ પાર્ટીઓ આપવાની તારે બાકી છે. પીકનીક ભલે ગપચાવી જતો.’ આ સાંભળી બીરજુની પાંપણો નીચે પણ એક સ્મીતની લહેરખી હળવેકથી દોડતી પસાર થઈ ગઈ.

બીજે દીવસે સાંજે બીરજુના પપ્પા મનમોહનજીની એપોઈંટમેન્ટ મળી. મનમોહનજી મોટા બીઝનેસમેન હતા. તેમને મળવા જતી વખતે શાલીનીબહેન થોડા મુંઝાયેલા હતા. અને તેમની ચીંતા યોગ્ય નીવડી. મનમોહનજીએ બીરજુને કશે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલું જ નહીં, તેમણે શાલીનીબહેનને આડકતરી રીતે ચેતવ્યા પણ ખરા કે પોતાના પુત્રની નબળાઈ વ્યક્ત કરતી આ વાત બહાર બીજા કોઈ સુધી પહોંચવી જોઈએ નહીં. શાલીનીબહેન મનોમન સમસમીને બેસી રહ્યા. કેમ કે મનમોહનજી સાથેની આખી વાતચીત દરમીયાન બીરજુને સમજવાની, તેના પ્રૉબ્લેમને પ્રૉબ્લેમ તરીકે સ્વીકારવાની અને તેને ઉકેલવા અન્ય કોઈ માણસની મદદ લેવાની તો વાત જ ન આવી.

પરન્તુ શાલીનીબહેન નીરાશ ન થયા. તેમણે હસતા હસતા વીદાય લીધી. બીરજુને તેમણે કોઈ પ્રકારનું સાંત્વન ન આપ્યું; પણ તે દીવસથી બીરજુના અભ્યાસમાં, તેની પ્રવૃત્તીઓમાં અને પ્રગતીમાં તેઓ જાણ્યેઅજાણ્યે વધારે રસ લેવા માંડ્યા. આખો ક્લાસ પીકનીક પર જઈ આવ્યો. એ ત્રણ દીવસો બીરજુએ ખુબ નીરાશામાં, ખુબ ઉદાસીમાં વીતાવ્યા.

બરાબર દોઢ વર્ષ પછીની વાત છે. પાંચમાં ધોરણમાં બીરજુ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો હતો. તેની ખુશાલી વ્યક્ત કરવા શાલીનીબહેન બીરજુના પપ્પા મનમોહનજીની એપોઈંટમેન્ટ લે છે. તેમના બંગલાના દીવાનખંડમાં એ જ જગ્યાએ બન્ને જણાની મુલાકાત થાય છે, જે જગ્યાએ તો દોઢ વર્ષ પુર્વે બીરજુને પીકનીક પર લઈ જવો કે નહીં તે નકકી કરવા મળ્યા હતા. હસીખુશીના વાતાવરણમાં અભીનન્દનોની આપ–લે થાય છે. બીરજુની ધગશના, તેની તૈયારીના, તેની યાદશક્તીના વખાણ થાય છે. અચાનક મનમોહનજી ‘એક્સક્યુઝ મી પ્લીઝ’ કહીને ઉભા થાય છે અને ડ્રોઈંગરુમ છોડીને બાજુના હૉલમાં જાય છે. બે જ મીનીટમાં તેઓ પાછા ફરે છે; ત્યારે તેમના હાથમાં એક મોટું સોનેરી કવરવાળું પેકેટ હોય છે. આ ગીફ્ટ નથી મેડમ! બીરજુને ગૌરવ પ્રાપ્ત થયું તે આપને કારણે છે. આ અમારી ખુશીનું, અમારા આનન્દનું પ્રતીક છે.’ એમ કહીને મનમોહનજીએ એ પેકેટ શાલીનીબહેનના હાથમાં મુકી દીધું. શાલીનીબહેન ચોંકી નથી ઉઠતા. તેમને યાદ હતું કે બીરજુના પપ્પા મોટા બીઝનેસમેન છે. તેમણે હસતાં હસતાં એટલું જ કહ્યું : ‘આવડી મોટી ખુશાલી કંઈ આટલી નાની ચીજથી થોડી જ વ્યક્ત થશે, મી. મનમોહનજી? આપવું જ હોય તો કંઈ મોટું, કંઈક યાદગાર આપો!’ તરત જ મનમોહનજી બોલી ઉઠ્યા, ‘તમે જ બોલોને મેડમ! શું આપું!’

શાલીનીબહેન આ જ વાક્યની રાહ જોતા હતા. તરત જ તેમણે તક ઝડપી લીધી. ‘તમારા લાડલાને આ વેકેશનમાં પંદર દીવસની ટુર ઉપર લઈ જવાની સમ્મતી આપો.’ અને રુમમાં સોપો પડી ગયો. મનમોહનજી વ્યગ્ર થઈ ઉઠ્યા. તેમને નહોતી ખબર કે આવી કઢંગી પરીસ્થીતી ઉપસ્થીત થશે; છતાં તેમનામાં પ્રસંગ જાળવી લેવાની ક્ષમતા હતી. ‘જુઓ મેડમ! ખોટું ન લગાડશો પ્લીઝ! તમે જાણો જ છો કે બીરજુ રાત્રે પથારીમાં… ઓહ નો! એ વાત આપણી વચ્ચે થયેલી છે. તમે શું કામ ફરી વાર એ જ વાત કાઢો છો, મીસ શાલીની? નેવર. હું બીરજુને તેની ટેવ એ ન સુધારે ત્યાં સુધી બહાર જવાની પરમીશન ન આપી શકું. કોઈ જાણે તો શું વીચારે?’

શું જાણે તો?’ શાલીનીબહેને પ્રતીપ્રશ્ન કર્યો.

‘એ જ કે મારો દીકરો રોજ રાત્રે પથારીમાં આ ઉમ્મરે પણ પેશાબ કરી દે છે.’

‘પણ એ એવું ન કરતો હોય તો?’ શાલીનીબહેને દ્રઢતાપુર્વક પુછ્યું. અને મનમોહનજી અકળાઈ ઉઠ્યા.

‘મતલબ? તમે શું કહેવા માંગો છો?’

‘એ જ કે તમારો દીકરો હવે પથારી ભીની નથી કરતો. છેલ્લા એક મહીનાથી. પુછી જુઓ એની મમ્મીને.’ મનમોહનજી ફરી ચોંક્યા. તેમને સમજાતું નહોતું કે ટીચર શું વાત કરી રહ્યા હતા! જે વાતની તેમને પોતાને ખબર નહોતી તે ટીચરે કઈ રીતે જાણી?

અને અત્યાર સુધી ચુપ બેઠેલા બીરજુના મમ્મીએ પહેલી વાર મોં ઉઘાડ્યું. ‘ટીચરની વાત સાચી છે. બીરજુ હવે તદ્દન સારો થઈ ગયો છે. ડૉ. વણકરની સારવારથી અને મેડમની મદદથી. આપણે તેને પ્રવાસે મોકલી શકીએ એમ છીએ. ગમે તેટલા લાંબા ગાળા માટે.’

‘પણ આવું ક્યાં, ક્યારે, કઈ રીતે થયું? ડૉ. વણકર કોણ છે? મનમોહનજીની શંકાનું હજુ નીવારણ નહોતું થયું.

‘તેઓ સાઈકીઆટ્રીસ્ટ છે. મેં અને મેડમે ભેગા મળીને તેમને કન્સલ્ટ કર્યા હતા, બીરજુની બીમારી માટે. તમારા ગુસ્સાના ડરે તમને નહોતું કહ્યું. ડૉક્ટરે બીરજુને ખુબ મદદ કરી છે. તેમના કહેવા પ્રમાણે બીરજુને ‘નોકચર્નલ એનયુરેસીસ’ નામનો રોગ હતો. બે મહીના પહેલા બીરજુને દવા આપવાનું શરુ કર્યું હતું. સાથે સાથે જ તેમણે ‘બેલ એન્ડ પેડ’ નામનું એક યન્ત્ર વાપરતા શીખવાડ્યું હતું અને ‘બ્લેડર ટ્રેઈનીંગ’ નામની એક પદ્ધતી શીખવાડી હતી. આ બધાને કારણે બીરજુ આજે તદ્દન સાજો થઈ ગયો છે.’

‘પણ સાઈકીઆટ્રીસ્ટ પાસે તમે કેવી રીતે ગયા? અને બન્ને એકમેકને ક્યારે મળ્યા?’ મનમોહનજીએ છેલ્લે અચકાતા અચકાતા પુછી લીધું.

‘એ હું તમને કહું.’ શીલાબહેન બોલ્યા, ‘મેં બીરજુ તથા તેની મમ્મી સાથે સૌ પ્રથમ મીત્રતા કેળવી. પછી બીરજુની તકલીફો અંગે પુસ્તકોમાં વીગતવાર વાંચ્યું. છેવટે ભાભીને ખાતરી કરાવી કે આ બીમારી છે, જે સારી થઈ શકે છે; પછી અમે ડૉક્ટરને મળ્યા.’

‘પણ તમને આટલું બધું કરવાનું મોટીવેશન–’

‘ક્યાંથી મળ્યું એમ જ ને?’ મેડમે મનમોહનજીને વચ્ચેથી જ અટકાવીને કહ્યું, ‘બીરજુ પાસેથી જ ઑફકોર્સ! તમે ભુલી જાઓ છો, મી. મનમોહનજી, કે હું આવું કરી શકું છું! કેમ કે હું બીઝનેસમેન નથી; ટીચર છું’

નૉકચર્નલ એનયુરેસીસ

બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેઓ પેશાબ એકઠો કરનારી કોથળી (મુત્રાશય, બ્લેડર) ઉપર પોતાનો કાબુ મેળવતા જાય છે. ઘણાખરા બાળકો છ એક વર્ષની વય સુધીમાં સમ્પુર્ણ કન્ટ્રોલ હાંસલ કરી લેતા હોય છે. જેઓ આ નથી કરી શકતા તેવા બાળકોને ‘ફંકશનલ એનયુરેસીસ’ થયું કહેવાય છે. જો તેઓ માત્ર રાત્રે ઉંઘમાં જ પેશાબ કરી દેતા હોય તો આ રોગ ઓછો તીવ્ર ગણાય છે. તેને ‘નૉકચર્નલ એનયુરેસીસ’ કહેવાય છે. જ્યારે દીવસે જાગતી અવસ્થામાં પણ વસ્ત્રોમાં પેશાબ કરી દેનાર બાળકને ‘ડાયર્નલ એનયુરેસીસ’ હોય છે. જે વધારે તીવ્ર ગણાય છે.

આવા રોગવાળા ઘણા બાળકો જેમ જેમ મોટા થાય છે, તેમ તેમ સાઈકોસોશીયલ કારણોને લીધે તથા ન્યુરોમસ્ક્યુલર મેચ્યુરેશનને લીધે ધીમે ધીમે પેશાબની પ્રક્રીયા ઉપર કાબુ રાખતા શીખી જતા હોય છે. બાકીના બાળકોને દવાઓ તથા ટ્રેઈનીંગની જરુર પડે છે. ક્યારેક દવાઓ વડે સારા થઈ ગયેલા બાળકો ફરીથી ‘એનયુરેટીક’ થઈ જતાં હોય છે. વળી આ રોગ માટે વપરાતી ‘ઈમીપ્રામીન’ જેવી દવાઓ પણ તેની આડઅસરોને કારણે સાવચેતીપુર્વક આપવી પડતી હોય છે.

ક્યારેક ઈન્ફેક્શન, ડાયાબીટીસ કે એપીલેપ્સી જેવા રોગમાં વધારે પેશાબ થવાથી અથવા અન્ય કારણોસર એનયુરેસીસ જેવા લક્ષણો લાગે છે, જેનું તપાસ દ્વારા નીદાન કરી શકાય છે.

સૌથી મહત્ત્વનું તો એ છે કે આનો ભોગ બનનાર બાળક ચીંતાતુર, ઉદાસ, જાતને વખોડતું, નીરાશ થઈ જાય છે. વળી, માનસીક તાણ, કૌટુમ્બીક ઝગડાઓ, ઘરમાં નવા બાળકનું આગમન, શાળાએ જવાની શરુઆત, બાળક ઉપર ધાકધમકી કે મારપીટની અજમાયશ, બાળકની અવગણના વગેરે પરીબળો પણ ‘એનયુરેસીસ’ કરવામાં જવાબદાર હોય છે.

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 23મો લેખ, પુસ્તકનાં પાન 158થી 163 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 3473243, 3478596 ફેક્સ : (0261)  3460650 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

7 Comments

  1. ખુબ જ ઉપયોગી માહીતી. ગોવીન્દભાઈ, આ પ્રકારની માહીતી મુકીને સમાજની આપ ઉત્તમ સેવા કરો છો. હાર્દીક આભાર આપનો તથા ડૉ. મુકુલ ચોકસીનો.

    Liked by 1 person

  2. GOOD INFORMATION
    eye opening for busy parents
    very useful for those parents who are busy and do not care for the child or least or less care for child and child suffers a lot Some time baby sitters are also found responsible placing diaper and do not bother much
    for child

    Liked by 1 person

  3. સ્કૂલે જતાં બાળકોમાં પથારીમાં પેશાબ થવાની બિમારી હોય તો કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને તેનાથી બાળક એક જાતનો અપરાધભાવ કે મૂઝવણને કારણે પોતાનું સ્વમાન પણ ગુમાવી શકે છે.

    બાળકોમાં સામાન્ય લાગતી પથારીમાં પેશાબ થઈ જવાની આ બીમારી વિશે તથા ‘ફંકશનલ એનયુરેસીસ’ ‘નૉકચર્નલ એનયુરેસીસ’ અને ‘ડાયર્નલ એનયુરેસીસ’ જેવા રોગો વિશેનો ડૉ.મુકુલ ચોકસી નો વધુ એક માહિતીસભર ઉપયોગી લેખ જાણી આનંદ થયો. આભાર! સામાજિક જાગૃતિનુ કાર્ય કરનાર મા. ગોવિંન્દભાઈ નો પણ આભાર.

    Liked by 1 person

  4. હું આંઠ નવ વર્ષ નો હતો ને સ્કૂલ માં ભણતો ત્યાં ઘણા નાના છોકરાઓને આવું થતું ત્યારે બધા એવું કહેતા કે જાસૂદ ની ફૂલ સાકર સાથે ખાવાથી આ વસ્તુ મટી જાય છે મને લાગે છે કે સૂચન સ્વીકારવા ને લીધે સાયકોલોજીકલી મટી જતું જસે પણ એ આઈડિયા ઇફેક્ટિવ હતો મને પોતાને મટી ગયેલું આ બીમારી નું પ્રમાણ લગભગ છોકરાઓ માંજ હોય છે જો કે આને બીમારી પણ કહી શકાય નહિ

    Liked by 1 person

  5. ડૉ. મુકુલ ચોકસીના દરેક લેખ જેમ સુંદર માહિતીપ્રદ લેખ.
    ‘બેલ એન્ડ પેડ’ યન્ત્ર અંગે આજે જાણ્યું.
    અમારા કુટુંબ અને સ્નેહીઓમા અમે સમજાવતા કે રાત્રે પથારીમાં પેશાબ થઇ જવો તે કોઈ ચિંતાજનક પ્રશ્ન નથી . તે મટી જ જશે તેવી સમજણ માનસિક તણાવ ઘટાડવામાં અને પ્રશ્નને વહેલો હલ કરવામાં મદદરૂપ બને છે.ખાસ સમજાવતા કે આ પ્રશ્નની ચર્ચા કરી બાળકને કદિ ઉતારી પાડવું, ખિજાવું ન જોઈએ. જે રાત્રે બાળક પથારી ભીની ન કરે ત્યારે તેના પ્રયત્નની પ્રશંસા કરવી તે બાળકને પ્રશ્ન હલ કરવામાં પ્રોત્સાહન આપે છે.સામાન્ય રીતે પથારી માં પેશાબ કયા સમયે થાય છે તેને ધ્યાન માં રાખી સમય પહેલા બાળક ને ઉઠાડી પેશાબ કરાવવો.
    રાત્રે ખજુરવાળુ દુધ પીવા આપતા.
    અમારા વૈદરાજ કરમની દવા સાથે બહુ મૂત્રાન્તક રસ આપતા.

    Liked by 2 people

  6. ભાણવડમાં અમારા એક પાડોશીના છોકરાને આ તકલીફ હતી. તેણે ક્યાંકથી જાણ્યું કે કાળા તલ ખાવા બાળકને આપવા. અને તેને કારણે એક બે મહિનામાં જ રાત્રે પેશાબ કરવાની તકલીફ દૂર થઇ ગઇ હતી.
    કાળા તલ ખાવાથી બીજું તો કોઈ નુકસાન નથી અને એક સારા પ્રોટીન સફળ તેલીબીયા છે.

    Liked by 1 person

  7. મિત્રો,
    ડો. મુકુલ ચાકસીના આ બઘા લેખો સામાજીક બની રહે છે. ભારતમાં કદાચ મોટે ભાગે…મા, બાપ બાળકની રોજીંદી જીંદગીમાં જોઇઅે અેટલું ઘ્યાન આપી શકતા નથી…કારણ ગમે તે હોય..
    બીરજુના સવાલની વિગતો જે રીતે ડો. મુકુલ ચોકસીઅે સરસ સાદા સમજમાં આવી જાય તે રીતે સમજાવી છે જ.
    ટીચર શીલાબહેન ટીચર હોવા ઉપરાંત અેક બાળસંભાર કરતી માતૃટીચર હતાં.
    શીલા બહેને બે ઉત્તમ કાર્યો કર્યા,,,૧. મનમોહનજીને બીઝનેસમેનની સાથે સાથે બાળકની તંદુરસ્તીની કાળજી લેવાની જવાબદારી શીખવી અને ૨. બીરજુને હોંસલો આપીને અને તેની માતાને પણ સમજાવીને બીરજુની તંદુરસ્તી સુઘારી.
    મા, બાપની બેકાળજી જેવી બીરજુના મા, બાપ દેખાડતા હતાં તે જ રીતે ઘણા મા,બાપ રાખતા હો છે તેમને પણ સંદેશો આપ્યો.
    આ રોગનું નામ અને જુદા જુદા ઉમરના વર્ગ પ્રમાણે રોગના પ્રકારની સમજ આપી. તેની દવા વિષે સરસ માહિતિ આપી. સ્પેશીયાલીસ્ટ ડોક્ટરની સલાહ વિના આ રોગની સારવાર કરવી નહિ.
    ખૂબ સરસ લેખ…જાણે ડો. ચોકસી આપણી સામે બેસીને વાતચીત કરતાં હોય.
    ગોવિંદભાઇને અભિનંદન…સમાજને ખૂબ ઉપયોગી વાતની સમજ છાપીને કર્મ કરવા માટે.
    વઘુ આવી માહિતિઓ આપતા રહો.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply to ગાંડાભાઈ વલ્લભ Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s