ચમત્કારનો ભ્રમ

ચમત્કારનો ભ્રમ

–કેદારનાથજી

દરેક વીચારી માણસ જાણે છે કે કારણ વગર કાર્ય બનતું નથી. સૃષ્ટીમાં નાનામોટા જે જે બનાવો બને છે તે બધાની પાછળ કારણપરમ્પરા હોય છે. સૃષ્ટીમાંની અથવા આપણી અન્દરની કોઈક અસાધારણ ઘટનાની પાછળનો કાર્યકારણભાવ જ્યારે આપણે જાણી શકતા નથી, ત્યારે આપણે તેને ચમત્કાર કહીએ છીએ. આજે જગતમાં વાયરલેસ, ટેલીફોન, રેડીયો વગેરેની ઘણી મોટી વીલક્ષણ શોધો થઈ છે, પરન્તુ તેને કોઈ ચમત્કાર કહેતું નથી; કારણ કે તેની પાછળના કાર્યકારણભાવને આપણે પોતે જાણતા ન હોઈએ, તો પણ તે શાસ્ત્રના અનેક શોધક અને અભ્યાસી લોકો તેને જાણે છે, એની આપણને ખબર છે. આ બાબતો ભૌતીક વીષયની હોવાથી તેમાં આપણે કશું દૈવીપણું સમજતા નથી. શરીર અને બુદ્ધીનું અસાધારણ સામર્થ્ય જોઈશું તો તેમાં આપણને ચમત્કાર જેવું લાગતું નથી. કઠણ સ્થીતીમાંયે સજ્જન માણસની શાંતી ઢળતી ન હોય અથવા શીલ માટે કોઈ આકરી મુસીબતો તે સહન કરતો હોય, તો તે જોઈને આપણને તેમાં દૈવી ચમત્કાર લાગતો નથી. મદારી કે જાદુગરના પ્રયોગો જોઈને ચમત્કાર લાગે છે; પણ તેમાં દૈવીપણું જણાતું નથી. જ્યારે કાર્યકારણભાવ વીશે અજ્ઞાન હોય છે, ત્યારે કોઈ વીલક્ષણ ઘટના વીશે અદ્ભુતતા જણાય છે, ચમત્કાર પણ જણાય છે પણ તેમાં દૈવીપણાની ભાવના થતી નથી; પરન્તુ જ્યારે આપણા ચીત્તમાં ભક્તીભાવ હોય અને અસમ્ભવીત લાગતી કોઈ અત્યન્ત જરુરી ઘટના અચાનક બની આવે કે તે ઘટનામાં કોઈ સત્પુરુષનો બહારનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સમ્બન્ધ હોય અથવા સમ્બન્ધ છે એવી આપણી કેવળ કલ્પના હોય, ત્યારે આપણે તે ઘટનાને દૈવી ચમત્કાર કહીએ છીએ. દરરોજની જરુરીયાતો પુરી કરવા માટે યોગ્ય માર્ગ ન હોવાથી જે સમાજમાં અસંતોષ અને દીનતા ઘણા પ્રમાણમાં વધેલાં હોય છે અને જે સમાજ અનેક પ્રકારના અજ્ઞાનથી ભરેલો હોય છે તે સમાજમાં દૈવી ચમત્કારનો પ્રતાપ મોટા પ્રમાણમાં જણાઈ આવે છે. તપાસ કરતાં તે બધા ચમત્કારોમાં ચમત્કારનો ભ્રમ જ હોય છે. કોઈ દેવતા કે સત્પુરુષ અથવા તેની સમાધી કે મુર્તીની આજુબાજુ ચમત્કારની સૃષ્ટી નીર્માણ થયેલી હોય છે. આ બધાંની પાછળ કામના, પુરુષાર્થહીનતા અને અજ્ઞાન જ મુખ્ય દેખાઈ આવે છે.

આપણા સમાજમાં વેદમન્ત્રો વીશે પહેલેથી ઘણી શ્રદ્ધા ચાલુ હતી અને હજુ પણ છે. તે વેદમન્ત્રો પર પ્રતીષ્ઠાપુર્વક નીર્વાહ ચલાવનારો એક વર્ગ સમાજમાં હજુ પણ છે; પરન્તુ તે વેદમન્ત્રોમાં ખરેખર સામર્થ્ય છે કે નહીં અથવા હોય તો તે કેટલા પ્રમાણમાં છે, તે વીશેની કોઈ પણ જાતની શોધ કોઈએ કરી નથી. તેથી તે વીષય કેવળ અન્ધપરમ્પરાગત ચાલુ રહ્યો છે. સમાજની કામના, પુરુષાર્થહીનતા અને અજ્ઞાનને લઈને તે પરમ્પરામાં વીશેષ અડચણ આવી નથી. મન્ત્રમાં દૈવી સામર્થ્ય છે એવી શ્રદ્ધાને દેવતાને નામે બેસાડેલી મુર્તી, સમાધી અને પાદુકામાંયે મન્ત્ર દ્વારા દીવ્ય સત્વ પ્રસ્થાપીત કરીને ત્યાં જ તેને સ્થીર કરવામાં આવે છે. તે માટે વચમાં વચમાં વેદમન્ત્રની પુનરાવૃત્તી માત્ર કરવાની હોય છે. શ્રદ્ધાને લીધે ગરજુ, દીન અને નીરાધાર લોકોને કંઈક માનસીક આધાર મળે છે. અને બીજા એક વર્ગને પૈસા અને પ્રતીષ્ઠા મળે છે. પરમ્પરાના પ્રવાહમાં એક શક્તી હોવાથી પ્રચલીત માન્યતામાં કશો અર્થ કે ખરેખર કશું સામર્થ્ય છે કે નહીં એ તપાસી જોવાની બુદ્ધી કોઈને થતી નથી. ગરજુ અને નીરાધાર લોકોમાં બધા ગરીબ કે અજ્ઞાન વર્ગના જ હોય છે એમ નથી હોતું. તેમાં ધનીક અને વીદ્વાન લોકો પણ હોય છે. ‘ગરજુને અકકલ ન હોય’ એ કહેવત ઘણા અર્થવાળી હોઈ અનુભવજ્ઞાનમાંથી નીકળેલી છે એમ લાગે છે. નીરાધાર થયા પછી ધનીક કે વીદ્વાનનીયે સુધ્ધાં અક્કલ મારી જાય છે. તેને લઈને ચાલુ પરમ્પરાની માન્યતા અને શ્રદ્ધામાં ખરેખર સત્યનો ભાગ કેટલો છે એ જોવાનો કોઈનાયે દીલમાં વીચાર આવતો નથી. પરમ્પરાના પ્રવાહમાં વહી જનારાઓમાં બધા જ શ્રદ્ધાવાન હોય છે એમ પણ નથી. દીન અને ગરજુ લોકો જે વસ્તુ શ્રદ્ધાથી આચરે છે તેને જ ધનીક અને ખાધેપીધે સુખી લોકો પણ આચરે છે. તેમાં થોડો અંશ શ્રદ્ધાનો અને ઘણો ભાગ પોતાનાં ઐશ્વર્ય, વૈભવ અને મોટાઈ બતાવવાનો હોય છે. ગરીબના પુજનવીધીમાં ઠાઠ કરતાં શ્રદ્ધાનો ભાગ વધારે હોય છે તો શ્રીમન્તની તે જ પુજનવીધીમાં બહારનો ભભકો, ઠાઠ અને આડમ્બર જ વધારે હોય છે અને શ્રદ્ધાનો ભાગ થોડો હોય છે. ગરીબને જે પ્રસંગ ભક્તીભાવનાનો લાગે છે તે જ પ્રસંગ શ્રીમન્તને પોતાનું ઐશ્વર્ય બતાવવાનો લાગે છે. શ્રીમન્તમાં જો ખરેખર ભક્તીભાવ હોય અને તે ભક્તીયુક્ત કર્મમાં તેને આનન્દ અને પ્રસન્નતા લાગતાં હોત તો દેવી–દેવતાનું પુજન ભાડુતી માણસને ન સોંપતા તે જાતે જ કરતા હોત. સારાંશ, કોઈએ દીન અને અસહાય તરીકે તો કોઈએ પોતાની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવા માટે અને કોઈએ ભક્તીભાવનાના દેખાવ માટે, એમ બધાએ શ્રદ્ધાની પરમ્પરાને ચાલુ રાખી છે.

વૈદીકમન્ત્ર પ્રમાણે નામમન્ત્ર પર પણ આપણા લોકોમાં વીશ્વાસ છે. ઈશ્વરપ્રાપ્તીના કે ભક્તીના માર્ગે જતી વ્યક્તીની પાછળ લોકો શ્રદ્ધાથી લાગે છે. નામસ્મરણ, ભક્તી વગેરે દ્વારા તે વ્યક્તીમાં પણ કંઈક સામર્થ્ય આવે છે. અને તેનાથી શારીરીક પીડા અને રોગ દુર થાય છે અને કૌટુમ્બીક દુ:ખો, અડચણો અને સંકટો નાશ પામે છે એવી લોકમાન્યતા છે. ઈશ્વરભક્ત કે સાધુ તરફ ભક્તી ભાવનાથી જતા ભાવીકોનાં દુ:ખ ગમે તે કારણથી દુર થયાં હોય, તો પણ તે સાધુના દીવ્ય સામર્થ્યથી દુર થયાં છે એમ ભાવીક માણસ સમજે છે અને તેનું શ્રેય તે સાધુને જ આપે છે. આ રીતે એકાદ માણસની કોઈ સાધુ પર ભક્તીભાવના થાય એટલે જીવનની દરેક સારી બાબતનું કતૃત્વ તે, તે સાધુને આપવા લાગે છે અને દરેક ઈષ્ટ જણાતી બાબતનો કાર્યકારણભાવ છેવટે સાધુના દીવ્ય સામર્થ્ય સાથે જોડીને પોતાની શ્રદ્ધા દૃઢ કરે છે. તેમાં તેને એક પ્રકારનો આનન્દ લાગે છે. જીવનમાં તેને આધાર મળ્યા જેવું લાગે છે. કામનીક, પુરુષાર્થહીન, અજ્ઞાની અને ભોળા લોકોમાં આ વાત પ્રસરી જાય છે અને પછી તેઓ પણ તે ઈશ્વરભક્તની પાછળ લાગે છે. આ અદ્ભુત શક્તી અને સામર્થ્યના ભ્રમ પર તે સાધુનું માહાત્મ્ય વધવા લાગે છે. લોકો તેના નવા નવા ચમત્કારો વર્ણવવા લાગે છે. તેના ભક્તો અને અનુયાયીઓની સંખ્યા વધે છે. તેમાં કેટલાક ભાવીક હોય છે તો કેટલાક કેવળ કામનીક હોય છે. કોઈ ઈશ્વરની કૃપા માટે તો કોઈ મરણોત્તર ગતી માટે, કોઈ મોક્ષ માટે તો કોઈ પોતાની સાંસારીક અડચણોનું નીવારણ કરી લેવા માટે તેના શીષ્યો બને છે. આ રીતે તે, ઈશ્વરની ભક્તી કરતાં કરતાં સત્પુરુષ થાય છે. તેમાંથી આગળ દીવ્ય સામર્થ્યવાળો, ચમત્કારી અને સાક્ષાત્કાર પામેલો બને છે. તેમાં જ તેને ગુરુપદ પ્રાપ્ત થાય છે. જેમ જેમ લોકોમાં તેની કીર્તી વધવા લાગે છે, તેમ તેમ તે ગુરુનો ભગવાન બને છે. તેને ઈશ્વરનો અવતાર માનવામાં આવે છે. તેના ભક્તો ને શીષ્યો તેને જગતની ઉત્પત્તી, સ્થીતી અને લયનો કર્તા બનાવે છે. અનન્ત બ્રહ્માંડનો સ્વામી બનાવે છે. તેના અદ્ભુત દીવ્ય સામર્થ્યનું તેઓ વર્ણન કરવા લાગે છે. જન્મ પહેલાંના, જન્મ સમયના અને ત્યાર પછીના તેના દીવ્ય ચમત્કારો વર્ણવવામાં આવે છે. તેની દીવ્ય કથાઓ રચવામાં આવે છે અને તે બધા દીવ્ય ચમત્કારો અને દીવ્ય કથાઓ ખોટી છે એમ તે પરમેશ્વરનો અવતાર કદી કહેતો નથી. ઉલટું આવા ચમત્કારો અને કથાઓ બધે પ્રસરી જાય માટે તે તેને ઉત્તેજન આપે છે. દરેક સાધુનું ચરીત્ર તેના ભક્તોએ ચમત્કારોથી ભરી દીધેલું મળે છે. તેમ કરવામાં તેમને ભક્તી, શ્રદ્ધા, આનન્દ અને કૃતકૃત્યતા લાગે છે. આવું દરેક સાધુની બાબતમાં, નીદાન ગુરુ કહેવડાવનારાની બાબતમાં ખાતરીપુર્વક જણાય છે. ચમત્કાર એ જ સાધુની અને સત્પુરુસની ખરી શક્તી અને એ જ તેનું ખરું લક્ષણ છે એમ સમાજમાં બધે સમજવામાં આવે છે; પરન્તુ આ બધાનાં કારણો ઈશ્વરભક્તી કે કોઈનું દીવ્ય સામર્થ્ય ન હોઈ લોકોની કામના, સ્વાર્થ, અતૃપ્તી, પુરુષાર્થહીનતા, અજ્ઞાન, ભોળપણ, ભક્તીની ખોટી કલ્પના, સાધુ કહેવડાવનારાનો દમ્ભ, તેની સત્યોપાસનાનો અભાવ, તેનું પોતા વીશેનું અજ્ઞાન અને ગુરુપણાને લઈને મળનારા ઐશ્વર્ય અને પ્રતીષ્ઠાનો લાભ એ છે. આ દોષો પર જ કેટલાક સમ્પ્રદાયો નીર્માણ થાય છે અને ચાલે છે.

(‘ચમત્કારનો ભ્રમ’ લેખ મોટો છે. આ લેખનો અંતીમ ભાગ તા. 19 માર્ચ, 2021ના રોજ પોસ્ટ કરવામાં આવશે.)

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ – 380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/-(ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને દર સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

11 Comments

  1. પહેલો ભાગ વાંચ્યો, ખુબ સરસ લેખ. બીજા ભાગની ઇંતેજારી, આભાર ગોવિંદભાઈ, કેદારનાથ, ખુબ ખુબ આભાર.

    Liked by 1 person

  2. ચમત્કારનો ભ્રમ આ.–કેદારનાથજીનો ખૂબ સુંદર લેખ
    જાણીતી વાત -ચમત્કાર એટલે મૂરખ બનાવવાનો ધંધો ! આપણને સમજણ ના પડેને, એને આપણે ચમત્કાર કહીએ ! પણ એ હોય છે શું ? એ વિજ્ઞાન છે. જે વિજ્ઞાન આપણે જાણતા ના હોય, એને ચમત્કારરૂપે દેખાડે અને બીજું, એ નજરબંધી કરે. બાકી, આ ચમત્કાર જેવું હોતું નથી એટલું તમારે નક્કી માનવું. જ્યાં કિંચિત્માત્ર ચમત્કાર છે, એને જાદુગરી કહેવાય આ વાત ખૂબ સ રસ રીતે સમજાવ્યું
    બીજા ભાગની રાહ…

    Liked by 2 people

  3. “જેમ જેમ લોકોમાં તેની કીર્તી વધવા લાગે છે, તેમ તેમ તે ગુરુનો ભગવાન બને છે….” અને એ ગુરુ તેમજ શિષ્યની અધોગતિનું કારણ બને છે.

    Liked by 2 people

  4. એ સત્ય છે કે કહેવાતા ચમત્કાર નું નાટક મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મ માં પણ જોવા મળે છે. અને તેનું મુખ્ય કારણ છે પૈસો. આ એકવીસ મી સદી માં પણ એશિયા, યુરોપ, અમેરિકા, કેનેડા વગેરે દેશો (ભારત અને પાકિસ્તાન સહીત) માં પંડિતો, મુલ્લાઓ, બંગાળી બાબાઓ, પાસ્ટરો વાગેરે ની લોભામણી જાહેરાતો આવે છે અને “પૈસા ફેંક, તમાશા દેખ” કહેવત અનુસાર “પૈસા / દાન આપો તો તમારી દરેક પ્રકાર ની મુશ્કેલીઓ ચમત્કાર દ્રારા ખતમ થઈ જશે.” ના લોભામણા દાવા કરી ને કહેવાતા ચમત્કારો દ્રારા અંધશ્દ્ધાળુઓ ના પૈસે આવા પાખંડીઓ મજા કરે છે.

    Liked by 2 people

  5. સ્વ.પૂજ્ય કેદારનાથજીઅે ખૂબ સરસ શબ્દોમાં ‘ચમત્કાર‘ ને સમજાવ્યો.
    સ્નેહીશ્રી ગોવિંદભાઇનો આભાર. સમાજને આ હકીકત…સત્યતા સમજાવવાની જરુરત છે. ભારત અને હિન્દુઓમાં શ્રઘ્ઘા કે અંઘશ્રઘ્ઘા….ખૂબ પ્રસરેલા લાગે છે. સત્ય શું છે તે સમજાવતા આ લેખને સમાજમાં પહોચાડવો રહ્યો.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. Late kedarnath ji explained detail psychology of miracle illusion – we all have experienced this in autobiography of our spiritual masters & as said also found in well educated youths also.
    Efforts if Govind Bhai us always appreciated to eradicate from society all such misbelief. Thx

    Liked by 1 person

  7. Kedar Nathji was very well balanced thinker and quite modern in approach to metaphysics and thoughts about God. I have come across only one book by him ” Vivek ane Sadhana”. actually he did not write but this is a compilation by Ramniklal Modi from his various talks.
    Kishorlal Mashroowala was highly impressed by Kedar nathji, and was highly well balanced in thoughts about religion and spirituality. He was a staunch follower of Swaminarayan Sampraday and followed all the detailed routines of a staunch devotee. But under Nathji’s influence, gradually gave up all the routines. he has many books to his credit and may be worth reading. most of them are published by Navjivan Trust.

    Liked by 2 people

  8. મિત્રો,
    આજે જે લેખ વાંચ્યો તે માર્ચ, ૮, ૨૦૨૧નાદિવસનો છે પહેલો લેખ ચમત્કારના વિષય ઉપરનો તોગયા વીકમાં હતો. તે લેખના વાંચન માટે કુલ ૮ કોમેંટ આવી હતી. તે ૮ કોમેંટ હજી આજના લેખ સાથે જોડાયેલી જ વાંચવા મળી છે.
    ૮, માર્ચનો લેખ વાંચ્યો છે ,તેની ઉપર મારા વિચારો લખું છુંં આ પછી બીજો લેખ માર્ચ ૧૯ તારીખે છપાશે તે આ લેખ સાથે લખેલું છે.આજના લેખનો સારાંશ મને લાગે છે કે….
    વેદમંત્રોનો સામાજીક કાર્યોમાં વાપરીને સમાજના અમુક લોકો પોતાની આમદાની મેળવે છે. સરસ. ખૂબ વિગતે સ્વ. શ્રી કેદારનાથજીઅે વિગતે સમજાવ્યું કઇ પ્રકારના લોકો કેવી રીતે અને શા માટે , કેવી રીતે કરે છે તે સમજાવ્યું.
    મેં સમજીને અંતે વિચાર્યુ છે કે….
    વેદમંત્રોનો ઉપયોગ કરી પેટયું રળનાર જો આ સમાજમાં નહિ હોત તો, ભારત ખૂબ ઘનાઘ્ય હોત…લોકોમાં અંઘવિશ્વાસ નહિ હોત. ભારતની આબાદી કોઇ ઉચ્ચ સ્થાને બેઠી હોત.
    આનંદ થયો…ખૂબ આનંદ થયો…આજનો લેખ વાંચીને.
    સ્વ.શ્રી કેદારનાથજીનો અને શ્રી ગોવિંદભાઇનો ખૂબ આભાર. આવા લેખો સમાજમાં વહેતા થાય તેવું કરવું જોઇઅે.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  9. સારાંશ, કોઈએ દીન અને અસહાય તરીકે તો કોઈએ પોતાની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવા માટે અને કોઈએ ભક્તીભાવનાના દેખાવ માટે, એમ બધાએ શ્રદ્ધાની પરમ્પરાને ચાલુ રાખી છે.
    ચમત્કાર એ જ સાધુની અને સત્પુરુસની ખરી શક્તી અને એ જ તેનું ખરું લક્ષણ છે એમ સમાજમાં બધે સમજવામાં આવે છે; પરન્તુ આ બધાનાં કારણો ઈશ્વરભક્તી કે કોઈનું દીવ્ય સામર્થ્ય ન હોઈ લોકોની કામના, સ્વાર્થ, અતૃપ્તી, પુરુષાર્થહીનતા, અજ્ઞાન, ભોળપણ, ભક્તીની ખોટી કલ્પના, સાધુ કહેવડાવનારાનો દમ્ભ, તેની સત્યોપાસનાનો અભાવ, તેનું પોતા વીશેનું અજ્ઞાન અને ગુરુપણાને લઈને મળનારા ઐશ્વર્ય અને પ્રતીષ્ઠાનો લાભ એ છે. આ દોષો પર જ કેટલાક સમ્પ્રદાયો નીર્માણ થાય છે અને ચાલે છે. –કેદારનાથજી

    ખુબ સરસ! આંધળી ભક્તિ પાછ્ળ દોટ મૂકતા લોકોને આ વાતો જલદી સમજાઈ જાય અને પોતાના જીવનનો કીમતી સમય ન વેડફતા એનો સદુપયોગ કરે તો માનવજીવન સફ્ળ થશે. ભારતમાં ગરીબી એ અશિક્ષીત હોવા કરતાં ધાર્મિક અંધશ્રધ્ધા હોવાને લીધે વધુ છે.
    બીજા લેખની ઇંતેજારીમાં…
    આભાર ! આભાર!

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s