અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકનો
આખરી અંક ક્યારે ભજવાશે?
–ડૉ. મૃગેશ વૈષ્ણવ
વહેમ અને વળગાડની વાતો આપણા સમાજમાં સદીઓથી ચાલતી આવે છે. કમનસીબે એકવીસમી સદી તરફ હરણફાળ ભરતા આપણા કહેવાતા શીક્ષીત, ભદ્ર અને આધુનીક સમાજમાં પણ ‘વળગાડનું વીષચક્ર’ સંખ્યાબન્ધ નીર્દોષ વ્યક્તીઓના ભોગ લેતું રહે છે.
થોડા સમય પહેલાં દક્ષીણ ગુજરાતના નવસારી શહેરમાંથી એક આધેડ વયની, શીક્ષીત–આધુનીક અને પરીણીત સ્ત્રીની તેની કેટલી માન્યતાઓની વૈજ્ઞાનીક સ્પષ્ટતા કરવા આવી. પોતાની લાગણીઓને વાચા આપતાં દીપલબહેને જણાવ્યું, “ડૉક્ટર, મને લાગે છે કે હું ડાકણ છું. મારી આજુબાજુના લોકોમાં કોઈને પણ કંઈ થાય તો એ મારા કારણે જ થયું એમ હું માનું છું.”
દીપલબહેનના પીતા દક્ષીણ ગુજરાતની જ એક કૉલેજમાં સાઈકોલૉજીના પ્રોફેસર છે અને વળગાડની વાતોના પ્રખર વીરોધી છે. બુદ્ધીનીષ્ઠ પરીવારમાં જન્મેલાં અને ઉછરેલાં દીપલબહેન ગ્રૅજ્યુએટ થયાં ત્યાં સુધી તેમને ભુત–પ્રેત અને વળગાડ–મેલી વીદ્યાની વાતો સાંભળી હસવું આવતું હતું. પન્દર વર્ષ પહેલાં તેઓ લગ્ન કરીને શ્વશુરગૃહમાં પ્રવેશ્યાં ત્યાર પછી તેમના વીચારોમાં પરીવર્તન થવા લાગ્યું. લગ્ન પછી થોડો સમય ગયો ત્યાં એક દીવસ દીપલબહેનના પતીનું મોં એકાએક વાકું થઈ ગયું. તેમનાં સાસુ અન્ધશ્રદ્ધામાં માનતાં હતાં. એટલે તેઓ તેજસભાઈને દરગાહ, પીર, ભુવાને ત્યાં લઈ ગયા. દીપલબહેનને આ બધું જોઈ નવાઈ લાગતી પણ સાસુમાં સામે હરફ ઉચ્ચારવાની હીમ્મત તેમનામાં નહોતી.
લગ્નનાં ચાર વર્ષ સુધી તેમને સન્તાન ન થતાં, સાસુમાએ પીર–દરગાહ અને ભુવાઓની વીદ્યાઓની અજમાયેશ દીપલબહેન પર કરી. ભગત–ભુવા પાસે જવું, અમાસની રાત્રે ભુતડાં ધુણાવવાની વીધીમાં ભાગ લેવો અને પીર–દરગાહના આશીર્વાદ લેવા જવું એ તેમનો નીત્યક્રમ થઈ ગયો. સંજોગવશાત્ ચાર વર્ષ બાદ તેમને ગર્ભાધાન થયું; પરન્તુ આઠમે મહીને મૃત સન્તાન અવતર્યું. બસ પછી તો ભુવાઓએ જાહેર કર્યું કે દીપલમાં બે ડાકણનો વાસ છે. તેમને જાત જાતના પ્રશ્નો પુછી હેરાન કરવામાં આવ્યા, હાથ પર લોખંડના ગરમ સળીયાથી ડામ આપવામાં આવ્યા. એ બધી વીધીથી દીપલબહેનના મનમાં એક વાત ઘુસી ગઈ કે તેમનામાં ડાકણ ભરાઈ ગઈ છે. તેઓને ડર લાગવા માંડ્યો. સમાજમાં ભળતાં સંકોચ થવા લાગ્યો, તેમનામાંની ડાકણ બીજાનું અહીત કરી નાખશે એવો ડર તેમની બેચેની, અનીદ્રા, હતાશા, ભય અને ચીંતાનું કારણ બન્યો. તેમણે વીચારવાની શક્તી ગુમાવી દીધી. અને પોતાને મળેલું ડાકણનું બીરુદ સ્વીકારી લીધું. તેમના મહોલ્લામાં ઘણી બધી સ્ત્રીઓને માતાજી આવતાં. સમાજમામાં એવી માન્યતા હતી કે જે સ્ત્રીમાં ડાકણ હોય તે માતાજી પાસે જાય તો એને કંઈક થઈ જાય. દીપલબહેન આ વીચારોને કારણે માતાજી આવતા હોય તેવા ઘરમાં જવાની વાતથી જ ગભરાઈ જતાં. તેમના પગ ઢીલા પડી જતા, આંખે અન્ધારા આવવા લાગતાં. એટલે એમનો વહેમ પાકો થયો કે તેમનામાં ડાકણનો વાસ છે. તેમને ભગવાનના મન્દીરમાં કે ભુવા, દરગાહ પર જતાં ડર લાગવા માંડ્યો. તેમની તબીયત દીવસે દીવસે બગડવા લાગી. થીયેટરમાં, ઍરકન્ડીશન્ડ રુમમાં બેસવાનો પણ તેમને ડર લાગવા માંડ્યો.
દીપલબહેને કરેલી છેલ્લી વાત ખુબ જ સુચક હતી. તેમણે કહ્યું, “હાલમાં ન્યુઝીલૅન્ડ ખાતે મારાં જેઠ–જેઠાણી ખુબ જ બીમાર છે. એમને ફેફસાંની તથા શ્વાસની તકલીફ છે. આ પ્રદેશ ભેજવાળો હોવાથી તેમની તકલીફ વધતી જાય છે. તેમનામાં ચાલવાની પણ શક્તી નથી. ચોવીસ કલાક આરામ કરવાની અને ઑક્સીજન સાથે રાખવાની તેમને સલાહ છે. બૉમ્બેના મોટા ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ ભારત જેવા ગરમ પ્રદેશમાં આવીને રહે તો આપોઆપ સારું થઈ જાય; છતાં પણ મારાં સાસરીયાં, ભગત–ભુવાની વીધી કરાવ્યા કરે છે. અને એક ભુવાએ આ રોગ મટાડવાની ચૅલૅન્જ આપી હોવાથી તેઓને અહીંયા લાવવાની અથવા તો ભુવાને ન્યુઝીલૅન્ડ મોકલવાની વાતો વીચારાઈ રહી છે.”
શીક્ષીત અને ભદ્ર સમાજમાં વસતા કહેવાતા આધુનીક લોકો જો આવી અન્ધશ્રદ્ધાના શીકાર હોય તો પછી અશીક્ષીત અને ગ્રામ્ય સમાજની તો વાત જ શું કરવી? આ અંગે ગુજરાતના પ્રસીદ્ધ યાત્રાધામ શામળાજીના સાન્નીધ્યમાં બનતી એક ઘટનાનું ઉદાહરણ આપું છું :
શામળાજીથી એક કીલોમીટર દુર પહાડોની વચ્ચે ‘નાગધરા’ કુંડ આવેલો છે. આ ‘ધરા’ વીશે એવી લોકવાયકા છે કે ત્યાં પ્રેતશલ્યા હતી. જેથી એ ધરામાંથી પાણી ક્યારેય ખાલી થતું નહોતું. એટલે જ નાગધરામાં સ્નાન કરી જે માણસો પ્રેતશલ્યાના દર્શન કરે છે તેમના પુર્વજો મુક્તી પામે છે એવી માન્યતા આદીવાસી ગ્રામ્ય પ્રજામાં ફેલાયેલી છે. ગુજરાતના પંચમહાલ, ખેડા સહીત પુર્વપટ્ટીના આદીવાસીઓ તથા રાજસ્થાનના ડુંગરપુર, બાંસવાડા જેવા જીલ્લાના આદીવાસીઓ એવું દૃઢપણે માને છે કે આ નાગધરા કુંડમાં જો સ્ત્રીઓ સ્નાન કરે તો તેમને વળગેલ ભુતપ્રેત, ડાકણ, ચુડેલ વગેરે ધરાના પવીત્ર પાણીમાં અદૃશ્ય થઈ જાય છે.
કારતકી પુનમની મધરાતથી અહીંયાં હજારોની સંખ્યામાં આદીવાસીઓ આવે છે અને ઠંડા પાણીમાં મા–બહેન–દીકરી સાથે પવીત્ર કુંડમાં સ્નાન કરવા માટે પડાપડી કરે છે. આ કુંડમાં તમે જે કપડાં પહેરીને સ્નાન કરો એ કપડાં ફરીથી પહેરી ન શકાતાં હોવાને કારણે મોટા ભાગની યુવતીઓ કે સ્ત્રીઓ અર્ધનગ્ન કે નગ્ન અવસ્થામાં જ કુંડમાં સ્નાન કરતી જોવા મળે છે.
કારતકી પુનમની વહેલી પરોઢે અહીંયાં અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકના અગણીત અંક ભજવાય છે. પરોઢીયાની શાંતીને ભેદતી ગર્જનાઓ અને ચીચીયારીઓથી નાગધરા કુંડની આજુબાજુ આવેલી ત્રણ પહાડીઓ ગુંજી ઉઠે છે.
“કુણ હૈ તું…..?” “કયું નામ હૈ થારું?” “કીં ગામની સો?…” “જાવું હૈ કીં રે’વું હૈ?…..” એવા પ્રશ્નોની ઝડીઓ વળગાડવાળી સ્ત્રીઓ ઉપર વરસાવાય છે. અને એ સ્ત્રી કોઈ જવાબ ન આપે એટલે સટાક…. સટાક…. થપ્પડોના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આખરે પોતડીભેર પાણીમાં અર્ધનગ્ન અવસ્થામાં ભય અને ઠંડીથી થર થર કાંપતી સ્ત્રી પાણીની છાલકો અને ઢોરમારથી બચવા માટે ધુણવાનું શરુ કરે છે. અને ચીચીયારીઓ પાડીને બોલી ઉઠે છે… “મૈં સમુ હું….. મત મારો મુઝે….. છોડ દો મુઝે…..” અને આ નાટક ભજવાતું જોઈ રહેલા લોકો કૉમેન્ટો કરે છે : “સાલી શું મસ્ત ચીજ છે….” અન્ધારામાં બરાબર દેખાતું નથી….. અજવાળું થાય તો મઝા આવે.
જો કે ધરામાં નાહી રહેલા આદીવાસીઓનું ધ્યાન આવી કૉમેન્ટમાં નથી હોતું. આદીવાસી પુરુષો તેમના કુટુમ્બની મા, બહેન, દીકરી કે પત્નીને વળગેલ વળગાડ કાઢવામાં જ મશગુલ હોય છે.
આમ તો કારતક સુદ તેરસથી જ આદીવાસી સ્ત્રી–પુરુષો આ જગ્યાએ એકઠા થવા માંડે છે. આ બધા આદીવાસીઓ એવું દૃઢપણે માને છે કે આ કુંડમાં નાહવાથી સ્ત્રીઓનો જ વળગાડ ભગાડી શકાય છે. એટલે પાછલી રાતથી જ સ્ત્રીને અર્ધનગ્ન કરી તેની ઈચ્છા હોય કે ન હોય તો પણ જબરજસ્તીથી તેનો પતી, સસરો, ભાઈ કે જેઠ તેને નાગધરામાં ઝબોળે છે. અને તેને વચ્ચે રાખી આંખો પર પાણીની છાલકો મારવાનું શરુ કરે છે. આંખોમાં જ પાણીની છાલકો મારવાનું મુખ્ય કારણ એ હોય છે કે તેમની માન્યતા પ્રમાણે ચોરી, છીનાળું, નજર, ભુતપ્રેત, જીન, વળગાડ આ બધું આંખો દ્વારા જ વળગે છે. એટલે આંખોમાં છાલકો મારવાથી જ તે દુર થઈ શકે છે.
આ સમગ્ર નાટકને નજરે નીહાળનારા મારા પત્રકાર મીત્ર શ્રી. શશાંક ત્રીવેદી કેટલાંક દૃશ્યોનું વર્ણન કરતાં કહે છે : “ગુજરાતના ઝાલોદ ગામમાંથી શનાભાઈ ખેમાભાઈ તેમની પ્રથમ પત્નીનું મૃત્યુ થતાં બીજી પત્ની પરણીને લાવેલા. આ બીજી પત્ની અઠવાડીયામાં એક વાર આખો દીવસ તેમને ધુણીને હેરાન કરતી હતી. શનાભાઈ એવું માનતા હતા કે પહેલી પત્નીનો અવગતે ગયેલો જીવ બીજી પત્નીને હેરાન કરે છે. પ્રથમ પત્નીનો અવગતીયો જીવને કાઢવા માટે તેમની બીજી પત્ની ઉપર સતત બે કલાક સુધી પાણીની છાલકો અને થપ્પડોનો મારો ચલાવાય છે. આખરે ના છુટકે કંટાળીને શનાભાઈની બૈરી કબુલ કરે છે કે, હવેથી હું નહીં આવું…. હું ચાલી જાઉં છું….!” શનાભાઈ પાણીમાંથી બહાર આવી કહે છે : “હું મારી પત્નીને નહીં એના વળગાડને મારતો હતો!!”
આવાં તો ઢગલાબંધ ઉદાહરણો જોવા મળે છે. કોઈ જગ્યાએ ભાઈ ક્રુરતાથી પીટે છે, તો કોઈ જગ્યાએ સસરો વાળ ખેંચીને મારે છે. તેમાંયે નવી પરણેલી સ્ત્રીનું તો આવી જ બને છે. રાજસ્થાનથી આવેલા ગલજીભાઈની નવપરણેતર તો પીયરથી પાંચ પાંચ વળગાડો લઈને આવી હતી. તેના પર સતત ત્રણ કલાક સુધી મારઝુડ થતી રહે છે. છેલ્લે કાંઠેથી કંટાળીને એક જણ ધાંટો પાડે છે : “અલ્યા છોડ તારી બૈરીને નહીંતર મરી જશે….” આ સાંભળીને બાજુમાં ઉભેલો આદીવાસી ફોડ પાડીને કહે છે : “બૈરી એની નઈ… મારી સે…!!” અર્ધનગ્ન બૈરીને જે પીટતો હતો તે એનો ભાઈ હતો. છેલ્લે ગલજીની બૈરી બેભાન થઈને પાણીમાં પડે છે ત્યારે બહાર કાઢવામાં આવે છે.
જો કે આ આખી પ્રથાની કરુણતા તો સ્ત્રીને પાણીમાંથી બહાર લાવ્યા પછી જ શરુ થાય છે. ટોળામાં ઉભેલી હજારો વાસનાભરી આંખો તેને ધેરી વળે છે. એક સ્ત્રી કપડાં બદલતી હોય ત્યારે તેની આજુબાજુ રીતસર પન્દર–વીસ જણનું ટોળું ઉભું રહી જાય છે. દરેક જણની નજર તેની ભરાવદાર છાતી ઉપર હોય છે. નીચતા તો એ વાતની હોય છે કે જ્યારે સ્ત્રી બે હાથ વડે તેનાં સ્તન ઢાંકતી હોય છે ત્યારે આજુબાજુ ઉભેલા લોકોમાંથી બીજી જ ક્ષણે ઘાંટાઓ સમ્ભળાય છે : “એય હાથ લઈ લે, ભાડું ખર્ચીને આવ્યા છીએ….!” અને સાચે જ સ્ત્રી ડરના માર્યા હાથ લઈ લે છે ત્યારે આજુબાજુ ઉભેલ તેનો ભાઈ, પતી કે અન્ય પુરુષ લાચારીથી તેના પર કપડું ઢાંકે છે. સામાન્ય રીતે સ્ત્રીને ઘુંઘટ તાણીને પુરુષોથી દુર બેસાડતા આદીવાસોનું લોહી કેમ નહીં ઉકળી ઉઠતું હોય એ સવાલ આ તબક્કે થયા વીના રહે નહીં.
નાગધરાના પાણીમાં ઝબોળ્યા પછી પણ જો વળગાડ ન ઉતરે તો તેમાંથી મુક્તી અપાવવા કાંઠે ભુવાઓ તૈયાર બેઠા હોય છે. આ ભુવાઓ આગળ સ્ત્રીને ફરીથી ધુણાવવામાં આવે છે. તેમ છતાં પણ જો વળગાડ ન નીકળે તો શામળાજી નજીક આવેલા નવગજા પીરની દરગાહ પર ‘છાપ’ મરાવવા સ્ત્રીને લઈ જવામાં આવે છે. અહીં અધમુઈ થઈ ગયેલી સ્ત્રીને બેડીઓ પહેરાવી ધુણાવવામાં આવે છે. જો બેડી છુટી જાય તો ભુત ભાગી ગયું અને ન છુટે તો ગામડે જઈ લાંબી વીધીઓ કરાવાય છે.
અન્ધશ્રદ્ધાના આવાં અશ્લીલ નાટકો ગરીબ–તવંગર, શીક્ષીત–અશીક્ષીત, પછાત–સુધરેલા, જુનવાણી–આધુનીક, ગામડીયા–શહેરી એમ તમામ સમાજમાં ભજવાય છે.
વળગાડના કહેવાતા આ તમામ કીસ્સાઓ માનસીક બીમારીના હોય છે. ‘ડીસોસીએટીવ ડીસઑર્ડર’ ‘હીસ્ટીરીયા’, ‘પઝેશન સીન્ડ્રોમ’, ‘ડબલ–મલ્ટીપલ પર્સનાલીટી ડીસઑર્ડર’, ‘સ્કીઝોફ્રેનીયા’, ‘ઉન્માદ’, ‘કલ્ચર બાઉન્ડ સીન્ડ્રોમ’, ‘ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઑર્ડર’, ‘પોસ્ટ–પાર્ટમ સાયકોસીસ’, ‘દૃષ્ટીભ્રમ’, ‘અવાજ વીભ્રમ’ વગેરે માનસીક બીમારીથી પીડાતો રોગી અજ્ઞાનને કારણે ‘વળગાડના વીષચક્ર’માં ફસાય છે. આ તમામ માનસીક રોગનાં લક્ષણો, કારણો અને વળગાડમાં ખપાવાતાં રોગીનાં વર્તનો તથા તેના વૈજ્ઞાનીક ઈલાજોની વીસ્તૃત ચર્ચા કરતું એક પુસ્તક આજના જમાનાની તાતી જરુરીયાત હોઈ સંવેદનશીલ અને બુદ્ધીનીષ્ઠ નાગરીકો સમક્ષ મુકું છું.
હું શ્રદ્ધાનો વીરોધી નથી કારણ એ વ્યક્તીગત પસન્દગી છે, શ્રદ્ધાનો જ પ્રચારક બનવા માગતો નથી કારણ એવું કરવાથી તો સમાજ મારા વીચારોની બાદબાકી જ કરી નાખે; પરન્તુ હું અન્ધશ્રદ્ધાનો પ્રખર વીરોધી છું. અન્ધશ્રદ્ધાના અનીષ્ટને ડામવા માટે પ્રયત્નશીલ છું. એક મનોચીકીત્સક તરીકે અન્ધશ્રદ્ધાનાં વરવાં તેમ જ ઘાતક પરીણામો હું જોતો રહું છું, જેથી અન્ધશ્રદ્ધાની નેસ્ત–નાબુદી માટે સંકલ્પબદ્ધ છું. જેના એક પ્રયાસ રુપે જ આ પુસ્તક આપના હાથમાં મુકું છું.
–ડૉ. મૃગેશ વૈષ્ણવ
લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380052 સેલફોન : +91 74330 10101/ 84607 83522 વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/ ઈ–મેલ : mrugeshvaishnav@gmail.com
‘ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટી’ના પ્રથમ ગુજરાતી પ્રમુખ (2019-20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી એવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212, મુલ્ય : રુપીયા 150/-)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 22/03/2021
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
સાઈકીઆટ્રીસ્ટ અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનો લેખ ‘અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકનો આખરી અંક ક્યારે ભજવાશે?’ને આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
LikeLike
–ડૉ. મૃગેશ વૈષ્ણવનો અભ્યાસપૂર્ણ સ રસ લેખ
તેમની આ સટિક વાત-‘વળગાડના કહેવાતા આ તમામ કીસ્સાઓ માનસીક બીમારીના હોય છે. ‘ડીસોસીએટીવ ડીસઑર્ડર’ ‘હીસ્ટીરીયા’, ‘પઝેશન સીન્ડ્રોમ’, ‘ડબલ–મલ્ટીપલ પર્સનાલીટી ડીસઑર્ડર’, ‘સ્કીઝોફ્રેનીયા’, ‘ઉન્માદ’, ‘કલ્ચર બાઉન્ડ સીન્ડ્રોમ’, ‘ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઑર્ડર’, ‘પોસ્ટ–પાર્ટમ સાયકોસીસ’, ‘દૃષ્ટીભ્રમ’, ‘અવાજ વીભ્રમ’ વગેરે માનસીક બીમારીથી પીડાતો રોગી અજ્ઞાનને કારણે ‘વળગાડના વીષચક્ર’માં ફસાય છે. આ તમામ માનસીક રોગનાં લક્ષણો, કારણો અને વળગાડમાં ખપાવાતાં રોગીનાં વર્તનો તથા તેના વૈજ્ઞાનીક ઈલાજોની વીસ્તૃત ચર્ચા કરતું એક પુસ્તક આજના જમાનાની તાતી જરુરીયાત હોઈ સંવેદનશીલ અને બુદ્ધીનીષ્ઠ નાગરીકો સમક્ષ મુકું છું.’
ત્યારે આ પ્રશ્ન
અન્ધશ્રદ્ધાના અશ્લીલ નાટકનો
આખરી અંક ક્યારે ભજવાશે?
નો ઉતર અન્ધશ્રદ્ધા ઓછી થશે પણ બંધ થવાનુ અશક્ય છે.
ડો.સારવારમા પોષણક્ષમ ખર્ચા કરાવે તો વધુ સારુ પરીણામ આવે !!
LikeLiked by 2 people
ડો. મૃગેશે ખૂબ જ સરસ અેનાલીસીસ કર્યુ છે.
‘શ્રઘ્ઘા‘ જ્યારે તેને પાળવાની લીમીટ ચૂકી જાય છે ત્યારે તે ‘ અંઘશ્રઘ્ઘા ‘ બની જાય છે.
આ અેક સામાજીક પ્રશ્ન છે. અને કૌટુંબિક પ્રશ્ન છે….ડો. મૃગેશે જે કહ્યુ તે સાચુ છે. અભણ કે ભણેલા….મોટે ભાગેના ભારતીયો આ ‘ અંઘશ્રઘ્ઘા‘ ના શીકાર બને છે.
ડો. મૃગેશે લેખને અેક સવાલના રુપમાં લખ્યો છે……‘ અંઘશ્રઘ્ઘાના અશ્લીલ નાટકનો આખરી અંક ક્યારે ભજવાસે ?‘
અહિં સેવાકાર્યોના , સમાજ સેવકો દ્વારા પગલા લઇને સુઘારાની અપેક્ષા રાખવી જોઇઅે.
૧. જે જે સ્થળોઅે આવા નાટકો થતા હોય ત્યાં ત્યાં સામાજીક કાર્યકરો જઇને લોકોને સમજણ આપે.
૨. સામાજીક કાર્યકર્તાઓની સાથે સેવાકરનારા ડોક્ટરો પણ હાજર રહે.
૩. શાળાઓમાં અઠવાડીયામાં બે દિવસ અંઘશ્રઘ્ઘાને સમજીને દૂર રહેવાની કંપમ્સરી પ્રેક્ટીકલ શીખામણો આપવી જોઇઅે.
૪. ઘતંગો કરીને લોકોને ઉલ્લુ બનાવનારને પ્રેક્ટીકલી ઉઘાડા પાડવા જોઇઅે.
૫. આ સર્વે કાર્યો માટે લોકસેવકો ના મળે તો, રાજ્ય સરકારે આ માટે અેક ખાતુ ખોલીને લોકોને નોકરી આપવી જોઇઅે.
સૌથી મોટું કર્મ લોકોની ડો. મૃગેશના લેખમાં દર્શાવેલી અંઘશ્રઘ્ઘાને નિર્મૂળ કરવા સમાજને બરબાદીમાંથી બચાવવાનું કર્મ કરવું જોઇઅે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 3 people
i fully agree for your last suggestion to open new department by govt–idea should be floted as every new election .
LikeLiked by 1 person
અંધશ્રદ્ધાનુ અશ્લીલ નાટક આદિકાળથી ચાલતું આવે છે,જેના ઉદાહરણો રામાયણ મહાભારત જેવા ધર્મગ્રંથો માંથી માલી આવે છે,સ્ત્રી પ્રતાડના, પુરુષ પ્રધાન સમજે,અહલ્યા,દ્રૌપદી,સીતા,તારામતી,કે મંદોદરી જેવી શક્તિશાળી સ્ત્રીઓને નથી બક્ષી તો સામાન્ય સ્ત્રીની શુ વાત કરવી?
ઉપરોક્ત દરેક સ્ત્રીને એનામાં રહેલી શ્રદ્ધાનો દુરુપયોગ કરી અંધશ્રદ્ધાને કારણે અનેક પરીક્ષાઓ લઇ અસહ્ય પ્રતાડના કરી અંતે એનો ત્યાગ કરી જીવન પાષાણ સમાન કરી એને પાગલ અથવા જલાવવામાં આવતી અને મોતને ઘાટ ઉતારવામાં આવતી.
આજે પણ આ કૃત્ય ચાલજ છે. માટે અંધશ્રદ્ધા નિર્મૂળ કરવા આપના પ્રયાસોને હું કોટી કોટી વંદન કરું છું.
માટે
LikeLiked by 3 people